જિપ્સીની ડાયરી-ફિલ્લોરા

સૌજન્યઃ નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Thursday, July 22, 2021

ફિલ્લોરા

    ૧૯૩૯-૪૪માં થયેલા બીજા વિશ્વયુદ્ધ બાદ જગતના ઇતિહાસમાં સૌથી ભયંકર ટૅંક યુદ્ધ

ફિલ્લોરામાં થયું હતું. અહીં ભિડાઇ હતી પાકિસ્તાનની 6 Armoured Division, જેમની

પાસે હતા આધુનિક યંત્રણા અને હથિયારોથી સજ્જ થયેલ પૅટન તથા  ચૅફી ટૅંક  અને

ઇન્ફન્ટ્રી પાસે જીપ પર ચઢાવેલ ભારે RCL (રિકૉઇલ-લેસ) ગન, જેના ખાસ પ્રકારના

ગોળા આપણી ટૅંકને ભેદી શકે. તેમની સામે હતી ભારતની 1 Armoured Division

જેમની પાસે સેન્ચ્યુરિયન તથા જુની શર્મન ટૅંક્સ હતી.

    ભારતીય સેના માટે ફિલ્લોરા પર કબજો કરવાનું કારણ એ હતું કે ત્યાંથી ઉત્તરમાં

સિયાલકોટ તરફ અને પશ્ચિમમાં લાહોર પર કબજો કરી શકાય એવી પરિસ્થિતિ ઉભી

કરવી. આ સ્થિતિને ટાળવા પાકિસ્તાનની સેના, જે અખનૂર પાસેના ચિનાબ નદી

પરના પૂલ પર, અને ત્યાંથી જમ્મુની દક્ષિણનો ધોરી માર્ગ કબજે કરી કાશ્મિરને

ભારતથી અલગ કરવાની યોજના કરી રહી હતી, તેને ત્યાંથી પાછા ફરી

સિયાલકોટ-પસરૂર-લાહોરનું રક્ષણ કરવા માટે જવું પડે. જ્યારે આપણી સેનાએ

રામગઢ થઇ ચરવાહ અને મહારાજકે વિસ્તાર પર કબજો કર્યો, તેમની સેનાને ઉપર

જણાવેલ વિસ્તારમાંથી પાછા આવી ફિલ્લોરા તથા તેની ઉત્તરમાં આવેલ ચવિંડાના

ચાર રસ્તા પર મોરચાબંધી કરવાની ફરજ પડી. 

   ફિલ્લોરા ગામ પાકિસ્તાનના સિયાલકોટ શહેરથી 25 કિલોમિટર દક્ષિણમાં આવેલ છે.

તેના પર સંયુક્ત હુમલો કરવાની જવાબદારી  કર્નલ અરદેશર તારાપોરની 17 Horse

(જે પુના હૉર્સના નામે પ્રખ્યાત છે) તથા 4 Horse – જે ‘હડસન્સ હૉર્સ’ ના નામે જાણીતી

છે, તેમને તથા ઇન્ફન્ટ્રી (પાયદળ)માં અમારી 5/9 ગોરખા રાઇફલ્સ તથા 5મી જાટ

બટાલિયનને સોંપવામાં આવી. 

    ૧૧ સપ્ટેમ્બર ૧૯૬૫ની વહેલી સવારે પુના હૉર્સ અને હડસન્સ હૉર્સની તોતીંગ

સેન્ચ્યુરીયન ટૅંક્સના ગડગડાટ ભર્યા અવાજમાં તેમની સાથે મારા વાહનોમાં સવાર

થયેલા ગોરખાઓને લઇ અમે ધસી ગયા. સામે તૈયાર બેઠેલી તેમની ટૅંક્સ તથા

ઇન્ફન્ટ્રીની રિકૉઇલલેસ ગનની ગોલંદાજી સામે એક તરફ ટૅંક યુદ્ધ શરૂ થયું, અને

સાથે સાથે તેમની બલોચ, ફ્રન્ટિયર ફોર્સ તથા પંજાબ રેજિમેન્ટના લડવૈયાઓ સામે

જયઘોષની ગર્જના થઇ : ગોરખા બટાલિયનની  “જય મહાકાલી – આયો ગોરખાલી”

અને બીજી પાંખ પર જાટ રેજિમેન્ટનો યુદ્ધ નિનાદ  “જાટ બલવાન-જય ભગવાન”ના

નારાથી રણ મેદાન ગાજી ઉઠ્યું. અમારાં વાહનોમાંથી ઉતરીને કતારબદ્ધ થયેલા

ગોરખાઓ દુશ્મનની તોપની બૉમ્બવર્ષામાંથી આગળ વધી ખાઇઓમાં ઉભા રહીને

કાતિલ લાઇટમશીન ગન તથા બ્રાઉનીંગ મીડિયમ મશીનગનથી ગોળીબાર કરી રહેલ

શત્રુ પર ધસી ગયા. તેમના ગોળીબારમાં આપણા ઘણા યોદ્ધાઓ વીર થયા, ઘાયલ થયા,

પણ અંતિમ લક્ષ્ય પરથી કોઇની નજર હઠી નહિ. ટૅંકોની તોપોની ધણધણાટી, તેના પાટા

નીચેથી ઉડતી ધૂળ, કાળભૈરવના સેંકડો મુખમાંથી નીકળતા ક્રુર અને ખડખડાટ હાસ્યનો

આભાસ કરાવતા હોય તેવા મશીનગનના ગોળીબારના અવિરત ધ્વનિમાં ઠેર ઠેરથી સામુહિક

ગર્જના સંભળાતી હતી “આયો ગોરખાલી”! દુશ્મન પર ધસી જતા આપણા સૈનિકો ગોળી

વાગતાં ધરા પર પડતા હતા, પણ ઘસડાતા જઇને દુશ્મનની ખાઇમાં હાથગોળા

(ગ્રેનેડ) ફેંકવા આગળ વધતા હતા.

     દુશ્મન પર “ચાર્જ” કરતી વખતે (ધસી જવાના સમયે) જમીન પર પડતા સૈનિકને તે

ઘડીએ ઉઠાવવા કોઇ રોકાય નહિ. તેમના સાથીઓનું કામ હોય છે કેવળ ખાઇ (ટ્રેન્ચ)માં

બેસી અમારા પર રાઇફલ અને મશીનગનથી ગોળીઓનો મારો કરી રહેલ દુશ્મનને

તેની ખાઇમાંજ ખતમ કરવાનું. 

     તેમની ટૅંકોની એક બ્રિગેડ (૧૨૦ જેટલી ટૅંક્સ) આપણો હુમલો નાકામ કરવા તથા

પોતાના પાયદળના સૈનિકોનું રક્ષણ કરવા તૈયાર હતી. પૅટન ટૅંક આધુનિક શસ્ત્ર-સામગ્રીથી

સજ્જ હોવા છતાં આપણી સેન્ચ્યુરિયન ટૅંક્સના યુવાન અફસરો તથા અનુભવી JCOsની

ટ્રેનિંગ તથા નિશાનબાજી અચૂક હતી.  આ લડાઇમાં ટૅંકની સામે ટૅંક એક બીજા પર

ગોળા વરસાવતી હતી. અંતે આપણા સૈનિકોનો આત્મવિશ્વાસ, હિંમત, અનુભવ અને

પ્રશિક્ષણ વધુ પ્રભાવશાળી નિવડ્યો. આ ઘમસાણ યુદ્ધમાં ભારતની ૧૫૦ – ૨૦૦ વર્ષની

જુની પરંપરાગત શૌર્યગાથા ધરાવતી ‘પુના હૉર્સ’ અને ‘હડસન્સ હૉર્સ’ના સવારોએ

આ લડાઇમાં પાકિસ્તાનની ૬૦ જેટલી ટૅંક્સ ધ્વસ્ત કરી. તેની સામે આપણે ૬ સેન્ચ્યુરિયન 

ટૅંક્સ ગુમાવી. હાથોહાથની લડાઇમાં ગોરખા તથા જાટ સૈનિકોએ તેમની સામેના

પાયદળની સંગિન મોરચાબંધી પર ધસી ગયા. અમારી ગોરખા રેજિમેન્ટનો ‘ચાર્જ’

જોવા જેવો હતો. ગોરખા સૈનિકો ડાબા હાથમાં રાઇફલ અને જમણા હાથમાં ખુલ્લી

ખુખરી વિંઝતા  “આયો ગોરખાલી”ની ત્રાડ પાડી તેમની ખાઇઓ પર ધસી ગયા.

અમારી બાજુના flank (પડખા)માં રહેલા દુશ્મન પર રાઇફલ પર બૅયોનેટ ચઢાવીને

ધસી રહ્યા હતા જાટ સૈનિકો. જોતજોતામાં પર્તિસ્પર્ધીને પરાજિત કરી અમે ફિલ્લોરા

ગામની સીમમાં મોરચાબંધી કરી..

    વિશ્વની સૈનિક પરંપરામાં જે રણભૂમિ પર વિજય ગાથા લખનાર રેજિમેન્ટને

માન-ચિહ્ન અપાય ચે – જેને Battle Honour કહેવામાં આવે છે. આ યુદ્ધમાં 5/9 GR

(નવમી ગોરખા રેજિમેન્ટની પાંચમી બટાલિયન)ને તથા જાટ રેજિમેન્ટની પાંચમી

બટાલિયનને ‘Battle Honour Phillora’ ના બહુમાનથી વિભૂષિત કરવામાં આવી.

    ત્યારથી દર વર્ષે ૧૧મી સપ્ટેમ્બરના રોજ પાંચમી જાટ અને 5/9 ગોરખા બટાલિયન

Phillora Day ઉજવે છે. શહિદોને અંજલી આપે છે. તે દિવસે યોજાતા “બડા ખાના”માં

અફસરો અને જવાનો એક સાથે ભોજન કરી તે દિવસનો ઉત્સવ ઉજવે છે.  

9th Gorkha Rifles - Wikipedia
5/9 ગોરખા રાઇફલ્સનો કૅપમાં લગાવવાનો બૅજ

    આવતા અંકમાં આ રણક્ષેત્રમાં ખેલાયેલ બીજા યુદ્ધની – ચવીંડાની

લડાઇની વાત કરીશું.   
Posted by Capt. Narendra 

જિપ્સીની ડાયરી-

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી- યુદ્ધ, યોદ્ધા અને યુદ્ધબંદી!

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Wednesday, July 21, 2021

યુદ્ધ, યોદ્ધા અને યુદ્ધબંદી!

    અમારી બ્રિગેડનું પ્રથમ લક્ષ્ય હતું ચરવાહ નામનું ગામ. અહીં પાકિસ્તાનની સેના

બે રીતે અમારૂં સ્વાગત કરવા તૈયાર હતી. યુદ્ધ પ્રણાલીમાં આને classical scenario

કહી શકાય. રક્ષણ કરવા સુરક્ષિત ખાઇઓ ખોદી, તેમાં સાબદા બેઠેલા સૈનિકો તેમના

પર હુમલો કરવા આવનાર સેનાને મરણીયા થઇને રોકવા તૈયાર બેઠા હોય છે. આ

ખાઇઓ એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે તે સામાન્ય નજરે જોઇ ન શકાય.

આ ખાઇઓ પર ઘાસ, ઝાંખરા, વેલા અને પત્થર એવી રીતે ગોઠવવામાં આવે છે –

જેને camouflage કહેવામાં આવે છે, જેથી આગંતુક સેનાને એવું લાગે કે આ

સામાન્ય વિસ્તાર છે, અને ત્યાં આસાનીથી જઇ શકાય. તેથી આગેકૂચ કરનાર સૈનિક

સહેજ અસાવધ રહે અને જેવા તેઓ ખાઇમાં બેસેલા સૈનિકોના હથિયારની rangeમાં

આવે, તેમની આગેકૂચ રોકીને શકે. તેમના સંરક્ષણમાં વધારો કરવા બીજી પણ તૈયારી

કરવામાં અવે છે. જ્યાં હુમલો થવાની આશંકા હોય, ત્યાં અગાઉથી આ તૈયારી થાય,

જેમાં ખાઇથી ૫૦૦ આગળના વિસ્તારમાં આર્ટિલરીના ગોળા વરસાવવા માટેની

યોજના. તેમાંથી પણ આગળ વધી જનાર સૈન્યને રોકવા ખાઇઓની સામે માઇનફિલ્ડ

બિછાવવામાં આવે છે. છેલ્લે મોરચાબંધી કરીને બેસેલા સૈનિકો તેમના હથિયાર

સાથે તૈયાર હોય. 

    અમારી ડિવિઝને જે Front પરથી પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો, તે વિસ્તારમાં

તેમની સેનાએ કોઇ પૂર્વ તૈયારી કરી નહોતી. તેથી ત્યાં  માઇનફિલ્ડ નહોતાં, પણ

તેમની આર્ટિલરી અને ઇન્ફન્ટ્રીને ત્યાં મોકલી ઉતાવળે જ મોરચાબંધી કરી હતી.

વળી આ વિસ્તારમાં ઉઁચા વૃક્ષ હતા અને ગામડાંઓમાં ગીચ વસ્તી હતી. આ

જગ્યાઓમાં તેમના FOO છુપાયા હતા અને અમારા પર સચોટ અને

અસરકારક ગોળા વરસાવી રહ્યા હતા. 

    ડિવિઝનની આગેકૂચમાં તે સમયે મોખરા પર હતી ગઢવાલ રાઇફલ્સની આઠમી

બટાલિયન. ઘમસાણ યુદ્ધ થયું. બન્ને પક્ષે યોદ્ધાઓ પોતાનું શૌર્ય બતાવી રહ્યા હતા.

આપણે ત્યાં સામાન્ય રીતે એવું મનાય છે કે પાકિસ્તાનના સૈનિકો સામે યુદ્ધ

સહેલાઇથી જીતી શકાય છે. આ માન્યતા બરાબર નથી. અમે પ્રત્યક્ષ જોયું છે કે

તેમના સૈનિકો સુદ્ધાં છેલ્લી ગોળી – છેલ્લા સૈનિક સુધી લડી લેવાની ક્ષમતા ધરાવે છે.

જે જોયું તેનું સવિસ્તર વર્ણન કરી શકાય નહીં; એટલું જરૂર કહીશ કે અમારી તરફ

રાઇફલ તાકીને બેસેલા તેમના મૃત સૈનિકોને જોયા છે, અને અમે અમારી સૈનિકોની

રીતભાત પ્રમાણે દુશ્મનોના પણ મૃત સૈનિકોને સૅલ્યૂટ કરી વંદન કરીએ અને અંતિમ

માન આપીએ. કહેવાનું તાત્પર્ય એ છે કે બલિદાન વગર વિજય પ્રાપ્ત નથી થતો

અને યુદ્ધમાં તો કદી નહીં. 

   યુદ્ધની રણનીતિમાં જે ટુકડીઓ હુમલો કરવામાં અગ્રેસર હોય છે, તેમને હુમલો

પૂરો થતાં જખમપટ્ટી કરવા relieve કરવામાં આવે છે અને તેમના સ્થાને બીજી

ટુકડીઓ મોકલવામાં આવે છે. ચરવાહ ગામમાં થયેલી લડાઇમાં ગઢવાલ

રાઇફલ્સને ઘણું નુકસાન પહોંચ્યું હતું. અમે (એટલે ગોરખા રેજિમેન્ટે) તેમને રિલીવ

કરી ત્યારે તેમના અફસરોને મળ્યા. તેમના એક અફસરનો આબાદ બચાવ થયેલો જોોયો.

કૅપ્ટન સિંધુના લોખંડી ટોપા (હેલ્મેટ)નો ઉપરનો ભાગ તોપના ગોળાની કરચથી ઉડી

ગયો હતો. એકાદ ઇંચ નીચે આ કરચ લાગી હોત તો…સૈન્યમાં કહેવત છે : મારનેવાલે

કો દો હાથ હોતે હૈં. બચાને વાલે કે હજાર હાથ! શિરસ્તા પ્રમાણે અમે ગઢવાલ રેજીમેન્ટે

clear કરેલ ચરવાહ ગામથી આગળ ગયા અને ત્યાંની જમરૂખની વાડીમાં મોરચા

બાંધ્યા. રાત થઇ હતી અને અમે અમારી બ્રિગેડના મોબાઇલ સ્ટોરેજ, કિચન વિ.ના

વિસ્તાર – જેને B-Echelon Area કહેવાય છે, ત્યાંથી આવનાર ભોજનની ગાડીઓની

રાહ જોતા હતાં. લડાઇમાં રોજ રાતે ગરમ ભોજન અને બીજા દિવસના બ્રેકફાસ્ટ અને

લંચના પાર્સલ, તાજું પાણી, સૈનિકોની ટપાલ વિ. આવતા હોય છે. ત્યાં ખબર આવી કે

સવારે પાકિસ્તાની સેબર જેટે અમારા કૉલમની જે ગાડીઓ ઉધ્વસ્ત કરી હતી તેમાં

અમારા ‘ફીલ્ડ કિચન’ અને રાશનના કોઠારની ગાડીઓ હતી. વહેલી સવારે અમે કૂચ

કરી ત્યારે અમને ગરમ પૂરી-શાક નાસ્તામાં મળ્યાં હતા, અને સાથે બપોર માટે

‘પૅક લંચ’માં પરાઠાં અને સૂકી દાળ મળ્યા હતા. બસ, અમારી પાસે આટલું જ ભોજન હતું.

    નેપોલિયને કરેલું રણનીતિનું ચિરસ્મરણીય વાક્ય આજે પણ સત્ય છે: લશ્કર પોતાના

પેટ પર કૂચ કરતું હોય છે. (Army marches on its stomach!) યુદ્ધમાં આ પ્રકારનાં

વાહન બૉમ્બ વર્ષામાં નષ્ટ થાય તો તેની અવેજીમાં બીજા વાહનો તરત આપવામાં

આવે છે. અમને ખાતરી હતી કે બહુ બહુ તો એકાદ દિવસનું મોડું થશે, અને બીજા

દિવસની રાત સુધીમાં બીજા ટ્રક્સમાં લદાઇને ભોજન અને દારૂગોળો આવી જશે.

કમનસીબે પરિસ્થિતિ એવી થઇ કે નષ્ટ થયેલા ટ્રક્સની જગ્યાએ નવા ટ્રક્સ આવવામાં

વિલંબ થયો હતો. વળી તેમની આધુનિક તોપ અને સ્ટાર ફાઇટર વિમાનોએ અમારી

supply chain પર બુરી અસર કરી હતી તેથી પાંચ દિવસ સુધી અમને તાજું ભોજન

મળ્યું નહીં ! કૂચ કરવાના પહેલા દિવસે મળેલી પૂરી અને પરાઠા ત્રીજા દિવસે ચામડા

જેવી થઇ ગયા હતા. આ વખતે મેં સાથે લીધેલ દાલમોઠના ડબા મને યાદ આવ્યા.

પણ જ્યાં આખી ફોજ અન્ન-વિહીન હોય ત્યાં હું એકલો ખાવાનો વિચાર પણ કેવી

રીતે કરી શકું?

    આપણી જુની કહેવત છે કે લાખ મરજો પણ લાખોના તારણહાર ન મરજો.

અમારા સમયમાં બટાલિયનના કમાન્ડીંગ ઑફિસર (CO)ને જવાનો માઇબાપ કહેતા.

સીઓ એટલે ૧૦૦૦ સૈનિકોના પિતા, તારણહાર. હું મારી પાસે હતા એટલા

દાલમોઠના ડબા, રમની બાટલી વિ. લઇ અમારા CO કર્નલ ગરેવાલ અને 2IC મેજર

બાગચી પાસે ગયો અને આ વસ્તુઓ તેમને આપી. કર્નલ ગરેવાલે ઉર્મિભર્યા સ્વરે કહ્યું,

”તારી ભાવનાઓની હું અંત:કરણપૂર્વક કદર કરું છું. પણ આપણી આખી પલ્ટન ભૂખી

છે, ત્યાં હું આ નાસ્તો કેવી રીતે ખાઇ શકું? ”

    મેજર બાગચીએ કહ્યું, “નરેન, તારી આ ભેટને આ દિવસની યાદગીરી તરિકે

કાયમ માટે શો કેસમાં રાખીશ.”

    અમે બધાં જ ભુખ્યા રહ્યા.

***    ત્રીજા દિવસના પ્રસંગો મારા માટે અવિસ્મરણીય છે.અમારી બટાલિયનને

આર્મર્ડ બ્રિગેડની સાથે રહી ફિલ્લોરા નામના ગામ નજીકની કાચા રસ્તાની ચોકડી

પર કૂચ કરી રહી હતી. ખેમકરણ સેક્ટર તરફ જવા નીકળેલી પાકિસ્તાનની

૬ઠી આર્મર્ડ ડિવીઝનની ટૅંક્સને તેમણે અમારા સેક્ટરમાં વાળી, તે તથા ઇન્ફન્ટ્રીની

એક બ્રિગેડ અમારી રાહ જોઇને બેઠી હતી. તેમના પર હુમલો કરવા સૌ પ્રથમ અમને

મહારાજકે નામના ગામ પર કબજો કરી આગળના આક્રમણ માટે તૈયારી કરવાની

હતી. આ નાનકડા ગામમાં પાકિસ્તાનની સેનાએ મોરચાબંધી કરી હતી, પણ ઘમસાણ

લડાઇ બાદ પાકિસ્તાનની સેના હારી અને તેમને આ ગામ છોડવું પડ્યું. તેમની ‘અજેયતા’

પર ભરોસો રાખનાર મહારાજકેના ગ્રામવાસીઓ ગામમાં રોકાઇ રહ્યા હતા, પણ

તેમના ‘રક્ષક’ તેમને ભગવાન ભરોસે છોડી ગયા હતા. આપણા સૈન્યની ટૅંક્સનો

ભયાવહ અવાજ નજીક આવેલો સાંભળી ગામમાં  રહી ગયેલા સિવિલિયનો ગામ

છોડીને નજીકના શેરડીના ખેતરમાં છુપાઇ ગયા. ગામ પર અમે કબજો કર્યો ત્યારે

રાત હતી. સવારે જ્યારે અમે ગામને ‘ક્લિયર’ કર્યું અને આગળ પેટ્રોલિંગ કરવા

ટુકડીઓ મોકલી, તેમાંની એક ટુકડી આ ખેતરમાં ગઇ અને તેમાં છુપાયેલ ૩૦-૩૫

જણાંના ટોળાને શોધ્યું.  ટોળામાં હતી કિશોરીઓ, બાળાઓ,  મહિલાઓ અને

કેટલાક વૃદ્ધજનોને. પાકિસ્તાની સ્ત્રીઓ બીકથી એટલી ગભરાઇ ગઇ હતી કે તેમાંની

કેટલીક બહેનો થરથર કાંપતી હતી. ઘણી બહેનોની આંખોમાંથી આંસુની ધારાઓ

વહેતી હતી. હું ઍડમિનીસ્ટ્રેશન એરિયા કમાંડર હતો, તેથી તેમને મારી પાસે

લાવવામાં આવ્યા. મેં તેમને હિંમત આપીને  જ કહ્યું, “જુઓ, અમે ભારતીય સિપાહીઓ

છીએ. તમારી સ્ત્રીઓ અમારા માટે મા-બહેન સમાન છે. અમારી લડાઇ તમારી સરકાર

સામે છે, તમારી સાથે નહિ. તમે ગભરાશો મા. લડાઇના આ વિસ્તારથી દૂર અમે નિર્વાસીતો

માટે કૅમ્પ બનાવ્યા છે, ત્યાં તમને હમણાં જ અમારી ગાડી લઇ જશે. અમારી પાસે

આપ બધા સુરક્ષિત છો.”
    આ સમૂહના આગેવાન ગામની પ્રાથમિક શાળાના પ્રૌઢ હેડમાસ્તર હતા.

આ સદ્ગૃહસ્થ ગળગળા થઇ ગયા અને કહ્યું, “અમારા અખબાર અને રેડિયો આપની

સેના વિશે  ગંદો પ્રચાર કરતા રહે છે. સિવિલિયનો અને સ્ત્રીઓ તો… સાચે જ અમે બહુ

ગભરાઇ ગયા હતા. ભારતી ફોજ શરીફ છે એવી મને ધારણા હતી, તેમાં આપ ખરા

ઉતર્યા છો. ખુદા આપને…” તેઓ આગળ કશું બોલી શક્યા નહીં.
    મેં આ લોકોને સાંબા જીલ્લાના કઠુઆ નામના ગામ પાસે આવેલા રેફ્યુજી

કૅમ્પમાં લઇ જવાની જવાબદારી મારા પ્લૅટુન હવાલદાર ઉમામહેશ્વરનને

આપી અને તરત જ તેમને રવાના કર્યા.

Posted by Capt. Narendra 

જિપ્સીની ડાયરી-પ્રખર થતું યુદ્ધ

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Tuesday, July 20, 2021

પ્રખર થતું યુદ્ધ

   હવે યુદ્ધ ઉગ્ર થવા લાગ્યું હતું. તેમના હવાઇ હુમલાની સાથે સાથે તેમની આર્ટિલરી 

રેજિમેન્ટની તોપ પણ અમારા પર ગોળા વરસાવી રહી હતી. 

    અહીં કેટલાક ખુલાસા આવશ્યક છે. વાચકના મનમાં પ્રષ્ન થાય કે આપણા કે 

આપણા પ્રતિસ્પર્ધીની તોપને આગળ વધતા શત્રુને રોકવા ગોલંદાજી કરવી હોય 

તો તે કેવી રીતે કરે? કાર્ગિલ જેવી ફિલ્મોમાં આપે જોયું હશે કે તોપ ૨૦-૨૫

કિલોમિટર દૂરથી દુશ્મન પર ગોળા વરસાવતી હોય છે. આટલે દૂરથી તોપનો

ગોલંદાજ દુશ્મનને કેવી રીતે જોઇ શકે?  ‘અદૃશ્ય’ શત્રુ પર અંધાધૂંધ ગોલંદાજી 

કરવી અમેરિકા જેવા દેશને પણ ન પોષાય; તોપના એક-એક ગોળાની કિંમત 

હજારો રૂપિયા હોય છે. તેથી દરેક ગોળો બરાબર દુશ્મન પર જ પડે તે અત્યંત 

આવશ્યક હોય છે. 

    આ કાર્ય કરવા માટે તોપખાનામાં ખાસ પ્રશિક્ષણ પામેલ અફસર નીમવામાં 

આવે છે : Forward Observation Officer. (FOO). આ અફસર એકલા કે તેમના

કોઇ સાથી જોડે વાયરલેસ સેટ તથા તે વિસ્તારના નકશા લઇ દુશ્મનના પ્રદેશમાં 

કે દુશ્મનની આગેકૂચના માર્ગમાં કોઇ વૃક્ષ કે મકાનની 

છત પર અથવા જ્યાં camouflage કરીને ડૂંગરની કંદરામાં સંતાઇ, શક્તિશાળી દુરબિનથી દુશ્મનની હિલચાલ પર ધ્યાન રાખતા હોય છે. જેવા દૂશ્મનના

સૈનિકો તેમને દેખાય અને તે આપણી તોપના ફાયરિંગની rangeમાં આવે, તેમનું સ્થાન નકશામાં નોંધી, તેનો ‘ગ્રિડ રેફરન્સ’ વાયરલેસ દ્વારા તેમની  ૨૦-૨૫

કિલોમિટર દૂર સુરક્ષિત સ્થાનમાં છુપાવવામાં આવેલ આર્ટિલરી કમાંડરને આપે. તોપખાનાની છ તોપની ટુકડીને ‘બૅટરી’ કહેવામાં આવે છે, જેના કમાંડર 

મેજરની રૅંકના અફસર હોય છે. FOO તેમને શરૂઆતમાં એક-એક ગોળો ફાયર 

કરવાનો આદેશ આપે છે. પહેલો ગોળો સીધો દુશ્મન પર ન પડતાં આગળ-પાછળ

પડે, તો FOO બૅટરી કમાંડરને નિશાન બદલવાની સૂચના, જેમકે “૧૦૦ મિટર જમણી

કે ડાબી બાજુ” વિ. જણાવે. આ સૂચના મુજબ જ્યારે કોઇ ગોળો બરાબર દુશ્મન

પર પડે, ત્યારે FOO તેના બૅટરી કમાંડરને ‘બૅટરી ફાયર’નો હુકમ આપે, જેથી છએ

છ તોપ એકી સાથે ગોળા વરસાવવાનું શરૂ કરે. આ ક્રમ દુશ્મન ધ્વસ્ત થાય ત્યાં

સુધી ચલાવવામાં આવે છે.  

    હવે નકશાના ‘ગ્રિડ રેફરન્સ’ વિશે થોડી સમજુતી.

     દરેક દેશની સરકાર તેમના દેશની ઇંચે-ઇંચ જમીનનો નિષ્ણાત સર્વેયર,

ડ્રોન અથવા હવે સેટેલાઇટ દ્વારા અણીશુદ્ધ  (accurate) સર્વે કરાવતા હોય છે.

દરેક નકશા જુદા જુદા scaleના હોય છે અને દેશના વિવિધ ખાતાઓની

જરુરિયાત મુજબ વિશેષ માહિતીવાળા ખાસ નકશા બનાવવામાં આવતા હોય છે.

આનું ઉદાહરણ છે શાળાના ઍટલાસ, ભૌગોલિક, ખનિજ કે હવામાન દર્શાવતા 

નકશા. તેમાં મિલિટરી માટેના નકશાને Ordnance Survey Maps કહેવામાં 

આવે છે. આ ખાસ પ્રકારના નકશા હોય છે અને જાહેર જનતા માટે તે ઉપલબ્ધ નથી હોતા. સામાન્ય રીતે આ નકશાનો સ્કેલ ૧ ઇંચ = ૧ માઇલના ચોરસમાં હોય છે.

એટલે નકશામાંનો એક ચોરસ ઇંચ જમીન પરના એક ચોરસ માઇલને દર્શાવતો

હોય છે. ૨૦૦ કે ૪૦૦ ચોરસ ઇંચની કદના ક્ષેત્રીય નકશાને તથા તેમાંના દરેક

ચોરસને ખાસ નંબર અપાય છે. નકશા પરના દરેક ચોરસ માઇલમાં આવતા 

મંદિર, મોટાં વૃક્ષ (જેને survey tree કહેવાય છે), ઇદગાહ, શાળા, હૉસ્પિટલ 

વિ.ને વિશેષ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે. આપણે ત્યાં ખેતર માટે થતા

સાત-બારના ઉતારામાં કે નકશામાં જે accuracy હોય છે, તેવી જ accuracy

આ ઑર્ડનાન્સ સર્વે મૅપમાં હોય છે. તેથી જમીન પરના સ્થાનને નકશાના

સ્થાનમાં ઓળખી, તેના co-ordinates કાઢી FOO તેના બૅટરી કમાંડરને 

દર્શાવે. કમાંડર તેમની તોપના નાળચાના કોણનો અંશ તે પ્રમાણે calibrate 

કરી ફાયર કરે. આટલા અંતરેથી તોપચીને ખબર ન પડે કે ગોળો 

ક્યાં પડ્યો છે તેથી FOO તેને વળતા સંદેશથી જણાવતા હોય છે, અને ગોળા 

બરાબર આગંતુક સેના પર પડે તે પ્રમાણે તેમને સૂચના 

(Direction) આપતા રહે છે.  આ કાર્યને Directing Artillery Fire કહેવાય છે. 

મોરચા પર કાર્યરત રહેલા અન્ય આર્મ (ઇન્ફન્ટ્રી, ટૅંક, સિગ્નલ્સ વિ.)ના અફસર

તથા JCOને તેનું પ્રશિક્ષણ અપાય છે. જિપ્સીએ આ પ્રશિક્ષણ પ્રૅક્ટિકલ

બૉમ્બવર્ષા કરાવીને પૂરૂં કરેલ છે, અને અહીં આપેલી માહિતી આ ટ્રેનિંગને

આધારે અપાઇ છે.

    મોટા ભાગના દેશોની સેનાઓ તેમના સીમા ક્ષેત્ર પરના વિસ્તાર, જ્યાં

શત્રુના હુમલાની સંભાવના હોય તેવા ભૂભાગને તેમની ફાયરિંગની યોજના 

અંતર્ગત નોંધી રાખતી હોય છે. આ વિસ્તારોને ખાસ સંજ્ઞા કે ટાર્ગેટ નંબર 

આપવામાં આવે છે. આવા અગાઉથી નોંધી રખાયેલા વિસ્તારને ‘ટાર્ગેટ નંબર

આલ્ફા વન-ઝીરો’ કે એવી જ પૂર્વનિયોજિત સંજ્ઞા આપવામાં આવે છે. આ ગુપ્ત

સંજ્ઞા FOO તેના બૅટરી કમાંડરને જણાવે, અને તેનું કૅલિબ્રેશન તોપના કમ્પ્યુટરમાં

અગાઉથી કરેલું હોવાથી વિના વિલંબ તે સ્થાન પર ગોળા વરસાવવાની સુવિધા 

રહે. ૧૯૬૫ અને ૧૯૭૧માં આપણી તોપ સાથે જોડાયેલ હોકાયંત્ર (કંપાસ) દ્વારા

કોણ માપીને  manually (હાથ વડે) તોપની દિશા બદલવામાં આવતી. હવેની

તોપમાં કમ્પ્યુટર હોય છે, જેમાં ગ્રિડ રેફરન્સ ટાઇપ કરવાથી તોપનું નિશાન

સાધવાનું કામ કમ્પ્યુટર કરે,અને તે ટાર્ગેટ પર lock થઇ ક્ષણોમાં જ ફાયરિંગ

માટે તૈયાર થાય.

    જમીન પર તહેનાત કરાયેલા FOO ઉપરાંત આર્ટિલરીમાં 

Air OP (Air Observation Post) હોય છે, જેમાં અફસર હેલિકૉપ્ટરમાં કે ટ્વિન 

એન્જિન વિમાનમાં ઉડ્ડયન કરી દુશ્મનની હિલચાલ જોઇ, તોપનું ફાયરિંગ કરાવે.

અમેરિકા, ઇઝરાએલ, ફ્રાન્સ તથા બ્રિટન જેવા દેશ સૅટેલાઇટ તથા ડ્રોન દ્વારા

છોડાતા રૉકેટનો ઉપયોગ કરી નિશ્ચિત વ્યક્તિ અથવા તેમને લાવનાર – લઇ

જનાર વાહનને નષ્ટ કરી શકે છે, પણ તેમનું આગમન વિ.નું નિરિક્ષણ કરવા

FOOની ટુકડીની આવશ્યકતા હોય છે, જેને ટાર્ગેટ પર પ્રત્યક્ષ નજર રાખવા

તેની નજીક કલાકો સુધી રહેવું પડે. આમ FOOનું મહત્વ આધુનિક યુદ્ધમાં પણ

એટલું જ છે જેટલું ૧૯૬૫થી લઇ કાર્ગિલના યુદ્ધમાં હતું. 

    ગયા અંકમાં જિપ્સીએ કહયા પ્રમાણે યુદ્ધની કથાઓ વાચક માટે રમ્ય કે 

રોમાંચક લાગતી હોય; સૈનિકો માટે ઘણી કષ્ટદાયક હોય છે. અહીં આર્ટિલરીના 

FOOની વાત નીકળી જ છે તો જિપ્સી OTS પુનામાં તેની જ આલ્ફા કંપનીમાં 

ટ્રેનિંગ મેળવેલા તેના સાથી કૅડેટની વાત કરશે. કૅડેટનું નામ અશોક કરકરે.

દરરોજ મેસમાં ભોજન સમયે એક જ ટેબલ પર સાથે  બેસનાર સાથી. ટ્રેનિંગ

બાદ તેની આર્ટિલરીમાં સેકંડ લેફ્ટેનન્ટ તરીકે નીમણૂંક થયેલી અને અમે

સાથીઓ વિખરાઇ ગયા હતા.

    ૧૯૭૧ની લડાઇમાં પંજાબના ખાલરા સેક્ટરમાં રાજપુત રેજિમેન્ટ સાથે 

કૅપ્ટન અશોક કરકરેને FOO તરીકે ઍટેચ કરવામાં આવ્યા હતા.  

તેમને મરણોપરાંત વીર ચક્ર એનાયત થયું હતું. તેમની 

કાર્યવાહીની ટૂંક માહિતી :

Gazette Notification: 77 Pres/72,17-6-72

Operation: 1971 Cactus Lily

Date of Award: 08 Dec 1971

Citation

Captain Ashok Kumar Karkare of the Regiment of Artillery was

the Forward Observation Officer with a company of Rajput

Regiment during their attack on Khalra in the Western Sector.

The enemy immediately brought down intense artillery fire

inflicting heavy casualties on our troops. Captain Karkare secured

a captured enemy artillery radio set and through it misguided the

enemy, thereby diverting enemy artillery fire and saving casualties

to our troops. On the morning of 8 December, the enemy launched

determined counter-attacks with infantry supported by armour. 

Undeterred by the heavy shelling and small arms fire, Captain Karkare

directed own artillery in an accurate manner and was instrumental in

repulsing the attacks. He continued to engage the enemy till our troops

had extricated themselves from the position. While he was himself

withdrawing, he was hit by a machine gun burst and killed on the spot.

Throughout, Captain Karkare displayed gallantry, leadership and

devotion to duty of a high order. 

***

આવતા અંકમાં આપણે પાછા ૧૯૬૫ના અભિયાનમાં જઇશું.

Posted by Capt. Narendra 

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

સૌજન્યઃ કેપ્ટન ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Tuesday, July 13, 2021

યુદ્ધ એક સમસ્યા કે ઉકેલ!

આજનો અંક શરૂ કરતાં પહેલાં જિપ્સીની યાત્રાના એક સહ યાત્રીએ યુદ્ધની બાબતમાં 

કેટલાક પ્રશ્નો પૂછ્યા. આજના  – એકવીસમી સદીના પૂર્વાર્ધમાં આ સવાલોનું મહત્વ એટલું 

ગંભિર છે, તેની ચર્ચા કરવી અનિવાર્ય લાગી. છે. તેમનો પત્ર આ પ્રમાણે છે :

“I am reading your blog with interest and enjoying the same. How do you

justify those weapons that destruct human lives??!! Can moral or social

norms be restored with the force of war? Then what for such destructive wars?

Please, may I request your views for the above points please?”

અહીં મારા અંગત વિચારો રજુ કરીશ.  ‘ક્વિક માર્ચ, લેફ્ટ – રાઇટ, સૅલ્યૂટ, ફાયર’ની ફરજ 

બજાવવાની પરંપરામાં કેળવાયેલ એક ભૂતપૂર્વ સૈનિકમાં કોઇ પાંડિત્ય કે ઊંડું જ્ઞાન હોય 

તેની સંભાવના નથી. કેવળ practical – વાસ્તવિક દૃષ્ટિકોણથી આ સવાલનો જવાબ

આપવાનો પ્રયત્ન કરીશ.

સૌ પ્રથમ આપણે વિચાર કરીએ માનવ જીવનની જરૂરિયાતોની. માનવીની 

જરુરિયાતો વિશે એબ્રાહમ મૅસ્લો (Abraham Maslow)એ લખેલ નિબંધ –

Hierarchy of Needsમાં આનું સરળ વિવરણ છે. તેમણે આ Hierarchy of

Needsનો પિરામિડ બનાવ્યો છે :

Maslow’s Hierarchy of Needs

ટૂંકમાં કહીએ તો માણસની મૂળભૂત જરૂરિયાત છે ભૌતિક. મૅસ્લોના પિરામીડના

પાયાની જરુરિયાતમાં  છે અન્ન, જળ, ઉષ્મા અને આરામ. આ પૂરી થતાં બીજી 

જરૂરિયાત ઉભી થાય છે તે અંગત સુરક્ષા અને સંરક્ષણની. તે સંતોષાતાં થતાં ઘનીષ્ઠ સંબંધ – મૈત્રી, પ્રેમ સંબંધની આવશ્યકતા ઉદ્ભવે છે અને 

ત્યાર બાદ અંગત પ્રતિષ્ઠા, સમાજમાં ઉચ્ચ સ્થાન મેળવવાની આકાંક્ષા.  છેલ્લે, માણસની પોતાની આવડત, પ્રાવીણ્ય, કલા, નિર્માણશક્તિ, ચિંતન વિ.ને તેના 

પરમોચ્ચ બિંદુ લઇ જઇ આત્મ સંતોષ પ્રાપ્ત કરવાની આકાંક્ષા.

મૅસ્લોની વાતની કેવળ સપાટીને સ્પર્શ કરતાં કહીશ કે મૂળભૂત જરૂરિયાત 

પૂરી કરવામાં જ આદિમાનવથી લઇને આજ દિન લગી માણસને સંઘર્ષ 

કરવો પડયો છે. અન્નજળ માટે માનવોએ દુષ્કાળગ્રસ્ત દેશ છોડીને ફળદ્રૂપ પ્રદેશમાં 

વસવાનો પ્રયત્ન કર્યો, જેમનો પ્રતિકાર કર્યો ત્યાંની સ્થાનિક પ્રજાએ. ત્યારથી શોધાયાં 

શસ્ત્રો અને હથિયાર, જેનો ઉપયોગ અંગત સુરક્ષા, પ્રદેશનું સંરક્ષણ, તે માટે થતી 

સૈન્યની આવશ્યકતા અને..બસ તેની વૃદ્ધિ, એક બીજા પર વાર-પ્રતિકાર-સંરક્ષણ 

કરવા માટે નવા નવા હથિયારોનો આવિષ્કાર.

જેમ જેમ આનો “વિકાસ” થતો ગયો, એક વિશેષ વિચારધારા (સામ્યવાદ/મૂડીવાદ/લોકશાહી/રાજાશાહી), ધાર્મિકતા – જેની ચર્ચા નહીં કરીએ, અને સંપત્તિ/નૈસર્ગિક ખનિજ સંપદાની પ્રાપ્તિ – આ અન્ય પ્રજા પર લાદવા સૈન્ય અને શસ્ત્રોનો 

ઉપયોગ અને નવા સંશોધનો થતા ગયા.

જિપ્સીની આંખે યુદ્ધ માનવી સમસ્યાના ઉકેલને બદલે એક સમસ્યા, એક મહા-પ્રશ્ન 

બની ગયેલ છે. યુદ્ધને કોઇ કાળે justify – ન્યાય્ય – ગણી શકાય નહીં. જેથી યુદ્ધ કે યુદ્ધને જીતવા માટે શોધી કઢાતા શસ્ત્રોને પણ આપણે કદાપિ ઉચિત ન ગણી શકીએ. 

સવાલ ઉઠે છે, શું આને જગતના દેશો માન્ય કરશે – કે કરે છે?

જિપ્સી કેવળ ભારતની વાત કરશે.

અશોક-પ્રિયદર્શીએ કલિંગના યુદ્ધ બાદ શાંતિનો માર્ગ સ્વીકાર્યો. સૈન્ય બરખાસ્ત 

કર્યું. સેનાને અન્ય દેશ – વિદેશ વિજય કરવા મોકલવાને બદલે તેમણે ભિખ્ખુ, શાંતિના 

સંદેશવાહકો મોકલ્યા, જેમાં તેમણે પોતાના પુત્ર મહેન્દ્ર અને દીકરી સંઘમિત્રાને મોકલ્યાં. 

તેમણે સ્થાપેલા લેખ અને પરંપરામાં રાજાઓના ગુણ – ક્ષમા, અહિંસા, પંચશીલ 

(કોઇના પ્રદેશ પર આક્રમણ ન કરવું, વિ. જેની ચર્ચા આ પહેલાં થઇ ગઇ છે, તે) 

વર્ણવ્યા અને મોટા ભાગના ભારતીય રાજવિઓ – જેમ કે પૃથ્વિરાજ ચૌહાણ, રાણા સાંગા, દક્ષિણ ભારતના 

રાજા રામદેવ રાય, કૃષ્ણદેવ રાય, વિ. એ પાળ્યા.

પરિણામ શું આવ્યું તે સૌ જાણે છે. 

નાલંદા; વિજયનગર; હમ્પી. 

પ્રશ્ન ઉઠે છે, આક્રમક પ્રજા, કે અમેરિકા – રશિયા જેવા વિચારધારા પર આધારિત દેશોએ અન્ય દેશોની જનતા પર જબરજસ્તીથી ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરવા 

અણુ શક્તિ, કે નેપામ જેવા શસ્ત્રોનો ઉપયોગ જેમના પર કર્યો, તેની સામે સ્થાનિક 

પ્રજાએ શું કરવું જોઇએ? ૧૯૪૮થી ભારત સામે અઘોષિત યુદ્ધ, નિર્દોષ નાગરિકોનો

કત્લેઆમ, બારામુલ્લામાં નિ:સ્વાર્થ સેવા બજાવતી કૅથલિક સાધ્વીઓ અને સામાન્ય

ગૃહિણીઓ, તેમની પુત્રીઓ પર બલાત્કાર કરનાર આક્રમક સામે શું કરવું જોઇએ?

એક મિત્રના કહેવા પ્રમાણે ભારતીય સેનાએ ગાંધીજીની તકલી અને પૂણી લઇને કાંતવા

બેસવું જોઇએ? ‘રઘુપતિ રાઘવ..ઈશ્વર-અલ્લા તેરો નામ..સબકો સન્મતિ દે..’ તાલ

કરતાલ સાથે ગાવું જોઇએ? નવેસરથી ‘હિંદી-ચીની ભાઈ ભાઈ’, કે

ભારત-પાકિસ્તાનની દોસ્તી માટે કોઇ નવો ઉદ્ઘોષ?  

વિચાર થાય છે, જિપ્સીના બ્લૉગમાં જે જે યુદ્ધોનો કે પ્રાચિન ભારતથી  લઇને આજ સુધીના ઇતિહાસમાં ભારતે ક્યાં અને કોના પર આક્રમણ કર્યું?  નેપામ બૉમ્બ જેવા 

અતિ ક્રૂર શસ્ત્રોનો ભારતીય સેનાએ કદી અને ક્યારે ઉપયોગ કર્યો? અને છેલ્લે, જ્યાં 

પ્રતિકાર કરવો પડ્યો, ત્યાં આડેધડ 

બૉમ્બ વર્ષા કરી પરદેશના કેટલા નાગરિકોની હત્યા કરી? 

જિપ્સીની જાણ પ્રમાણે સ્વતંત્ર ભારતની સેનાએ નિર્દોષ નાગરિકો પર કદી પણ શસ્ત્ર ઉઠાવ્યાં નથી. તેના અભ્યાસમાં ભૂલ થતી હોય તો તેનો નિર્દેશ જરૂર કરશો એવી વિનંતી!

સાચું કહું તો આ ચર્ચાથી હૃદય ઉદ્વિગ્ન થયું છે. યુદ્ધની કથાઓ રમ્ય કહેવતમાં જ હોય છે. વાસ્તવમાં નહીં. તેમાં વિજયના ઉલ્લાસને બદલે સાથીઓનાં વિયોગનું દુ:ખ વધુ કષ્ટદાયક હોય છે. 

યુદ્ધના ત્રીજા જ દિવસે જિપ્સીને સમાચાર મળ્યા હતા : તેના મિત્ર હરીશ શર્મા,

જેમનાં પત્નીએ અનુરાધાને સાચવી હતી, તેના યુનિટ પર નેપામનો હુમલો થયો.

એક જવાનને બચાવવા જતાં હરીશ પર સળગતા પ્રવાહીનો ધોધ વરસ્યો. ફિલ્ડ

હૉસ્પિટલમાં દસ દિવસ સુધી ICUમાં રહ્યા બાદ તેનું અવસાન થયું હતું. પત્ની, એક પુત્ર,

એક પુત્રી અને વૃદ્ધ માતા-પિતાને કાયમી દુ:ખમાં આ લડાઇએ ધકેલ્યા હતા. આ વયે

દુ:ખદ યાદ વધુ કષ્ટપ્રદ હોય છે, તેથી ‘ડાયરી’ની નવી આવૃત્તિનું અહીં સમાપન કરીશ.

It is not worth it.

આવજો.

શક્ય થશે તો કરીશું કોઇ નવી વાત.

Posted by Capt. Narendra 

જિપ્સીની ડાયરી-“આયો ગોરખાલી” – દુશ્મનો ખબરદાર! ગોરખા આવી રહ્યા છે!

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Sunday, July 11, 2021

“આયો ગોરખાલી” – દુશ્મનો ખબરદાર! ગોરખા આવી રહ્યા છે!

    કૉન્વૉયને રામગઢની સીમ સુધી લાવ્યા બાદ હું મારી કંપનીના

ચાર ટ્રક્સ લઇ  પરોઢિયે સાડા ચાર વાગે કંપની હેડક્વાર્ટર પહોંચ્યો.

એક કલાક આરામ કરીને તૈયાર થતો હતો ત્યાં સૅમી આવ્યો. મને કહે,

“નરેન, તને કંપની કમાંડર બોલાવે છે. જલદી ચાલ.” 

    હું મેજર સોહન લાલ પાસે ગયો. તેમના ચહેરા પર અનેક પ્રકારના

અકથ્ય એવા ભાવ હતા. મારી સામે નજર મેળવ્યા વગર તેમણે કહ્યું,

“જો નરેન. આક્રમણ શરૂ થવાની તૈયારીમાં છે. આપણી કંપનીમાંથી

ફક્ત તું એકલો રણમેદાનમાં જઇ રહ્યો છે. મારી તો બટાલિયન

હેડક્વાર્ટર્સમાં ડ્યુટી લાગી છે. અહીં આપણી કંપનીના Rear HQમાં મને

મદદ કરવા કોઇ’ક તો જોઇએ ને? તે માટે મેં સૅમીને અહીં પાછળ રહી

જવાનો હુકમ આપ્યો છે. આપણી કંપનીમાંથી તું એકલો રણમેદાનમાં

જઇ રહ્યો છે.  

 “તું નસીબદાર છે કે તને મોખરાની ટુકડીઓ સાથે આક્રમક યુદ્ધમાં ભાગ

લેવાનો મોકો મળ્યો છે. એટલું યાદ રાખજે કે આપણી કંપનીની જ નહીં,

પણ બટાલિયનની ઇજ્જત તારા હાથમાં છે. લડાઇમાં એવું કોઇ કામ તારા

કે તારા જવાનોના હાથે ન થાય જેથી બટાલિયનને શરમીંદા થવું પડે. ગુડ લક.” 

    તેમનો કહેવાનો ભાવાર્થ સરળ હતો: યુદ્ધમેદાનમાં પીઠ ન દાખવીશ, એટલું જ નહિ,

તારો કોઇ જવાન પણ રણ મેદાન છોડી જાય નહિ તે જોવાની જવાબદારી તારી છે. 
    માણસના આદર્શો તથા નૈતિક મૂલ્યો જેટલા વ્યક્તિગત હોય છે એટલા જ ગોપનીય

અને પવિત્ર હોય છે. મારે તેમને કહેવાની જરૂર નહોતી કે હું સેનામાં શા કારણસર

જોડાયો હતો. કંપની કમાંડરને સૅલ્યુટ કરી હું મારી જીપ તરફ ગયો. મારા પ્લૅટૂન

હવાલદાર ઉમામહેશ્વરન મારી રાહ જોઇ રહ્યા હતા.
    “સર, આપ બાકી કૉન્વૉય લેનેકુ ગયા ઉસ દૌરાન પ્લાટૂનકા ટૈમ 5/9 GR (ગોરખા

રાઇફલ્સ)મેં જાનેકા હો ગિયા થા. અમ ગાડીયાંકુ ગુરખા પલ્ટનકે એરિયામાં છોડકે આપકુ

લેનેકુ  આયા. ગોરખા પલ્ટન ગાડીમેં ‘માઉન્ટ’ હોનેકી તૈયારીમેં હૈ ઔર આપકા ઇન્તિજાર હૈ.

ગોરખા પલ્ટનકા ‘યચ્ચ યવર’ (ઉમામહેશ્વરનના તામિળ ઉચ્ચાર મુજબ H-Hour) છે

બજનેકા હૈ.” 
    જીપ ચલાવવા માટે સદૈવ તૈયાર શિવ પ્રસાદ ગુપ્તા અને ઑર્ડર્લી – કોલ્હાપુર નજીકના

હાથકણંગલે ગામનો સિપાહી ગામા કુરણે તૈયાર જ હતા. ઉમામહેશ્વરનને લઇ અમે ગોરખા

પલ્ટનમાં પહોંચી ગયા. ત્યાં જઇને જોયું તો આખી બટાલિયન, તેમના CO કર્નલ ગરેવાલ, \

2IC મેજર બાગચી તથા તેમના કંપની કમાંડરો તેમના માટે ફાળવેલા ટ્રકની બહાર

કતારબંધ ઉભા હતા. રિપોર્ટીંગનો વિધી શરુ થયો અને કૉન્વૉય કમાંડર તરીકે મેં

કર્નલસાહેબને રિપોર્ટ આપ્યો. તેમણે મને માર્ચ કરવાની રજા આપી.     

કૉન્વોય કમાંડર તરીકે મેં ગોરખા જવાનોને ગાડીઓમાં ‘માઉન્ટ’ કરવાનો હુકમ આપ્યો.

મારા ડ્રાઇવરોને ગાડીઓના એંજીન ચાલુ કરવાનો સિગ્નલ આપ્યો. અગ્રસ્થાને મારી જીપ

અને પાછળ કતારબંધ થયેલી ગાડીઓમાં સવાર થયેલી 5/9 Gorkha Rifles નીકળી.

અર્ધા કલાકમાં રામગઢ પાસે આવેલી આંતરરાષ્ટ્રીય સીમા પર પહોંચ્યા.     અમારી કૂચના

ત્રણ કૉલમ હતા. અમે વચ્ચેના કૉલમમાં. અમારી સૌથી મોખરે આર્મર્ડ બ્રિગેડની ટૅંક્સ

હતી. પ્રથમ ‘પગલું’ મૂકનાર હતી 16 Cavalryની ટૅંક્સ. તેમની પાછળ અમારી ગુરખા

પલ્ટન. અમારી જમણી તરફના કૉલમ (જેને right flank  કહેવાય) ત્યાં 4 Horse

(Hodson’s) રેજિમેન્ટ્સની ટૅંક્સ અને તેમના સપોર્ટમાં પાંચમી જાટ બટાલિયન. 

ડાબા flankમાં કર્નલ અદી તારાપોરની રેજિમેન્ટ 17th Poona Horse અને તેમના

સપોર્ટમાં કર્નલ જેરી જીરાદની આઠમી ગઢવાાલ રાઇફલ્સ હતી. ***     ૧૯૬૫ના

યુદ્ધ વિશે ‘Twentytwo Fateful Day”ના લેખક ડી. આર. માણકેકર જેવા

લેખકોએ ઘણાં પુસ્તકો લખ્યા છે. અહીં પ્રત્યક્ષ યુદ્ધના પહેલા દિવસથી જ

સાક્ષી રહેલા એક ‘જિપ્સીની નજરે’ જોવાયેલા પ્રસંગોનું વાસ્તવિક વર્ણન કરવાનો

પ્રયત્ન કર્યો છે. કેટલીક strategic (રણનીતિ) યોજનાની વાતો અમારી ડિવિઝનના

જનરલ ઑફિસર કમાંડિંગ મેજર જનરલ રાજિંદરસિંહ સ્પૅરો અમને – એટલે બ્રિગેડના

અફસરોની મિટિંગમાં કહી હતી તે છે, જેને માણકેકર કે અન્ય લેખકોએ તેમના

પુસ્તકોમાં જણાવી નથી.    આઝાદી બાદના વર્ષોમાં લાહોરના રક્ષણ માટે પાકિસ્તાને 

રાવિ નદીમાંથી એક નહેર બનાવી હતી જે ભારત અને પાકિસ્તાન વચ્ચે અવરોધ-સ્વરૂપ

થાય. તેનું નામ ઇછોગિલ કૅનાલ છે. આ નહેરના  લાહોર તરફના કિનારા પર તેમણે

સિમેન્ટ કૉંક્રિટના અભેદ્ય ગણાય તેવા Pill Boxes બનાવ્યા અને તેમાં ભારે મશિન

ગન્સ (HMG – હેવી મશિન ગન્સ) તથા ટૅંક-ભેદનાર તોપ  (RCL Gun – રિકૉઇલલેસ

ગન) મૂકી. ઇછોગિલ કૅનાલને તેઓ બીજા વિશ્વયુદ્ધમાં જર્મનોની સામે ફ્રાંસે બનાવેલ

Maginot Line જેવી સમજી રાખી હતી, જેને પાર કરવી વિશ્વની કોઇ પણ સેનાને

અશક્ય થાય એવો તેમનો ખ્યાલ હતો.    એપ્રિલ ૧૯૬૫માં જ્યારે આપણી  આર્મર્ડ

ડિવિઝને પંજાબના જાલંધર અને અમૃતસરના વિસ્તારમાં પડાવ નાખ્યો, ત્યારે

પાકિસ્તાનની સેનાના ડાયરેક્ટર ઑફ મિલિટરી ઑપરેશન્સ (DMO)ની ધારણા

હતી કે અમારા કમાંડર લાહોર પર હુમલો કરશે. તેમને ઇછોગિલ કૅનાલ પરના

મોરચા પર ઘણો ભરોસો હતો. આનું મુખ્ય કારણ હતું ભારતની main battle tank

તે સમયે બીજા વિશ્વયુદ્ધના સમયની – વીસ વર્ષ જુની Centurion Tanks હતી.

આ ભારે બખ્તરબંધ ટૅંકને પરાસ્ત કરવા પાકિસ્તાન પાસે અમેરિકાએ આપેલી

અત્યાધુનિક પૅટન તથા શર્મન ટૅંક હતી. આ ટૅંક્સમાં દુશ્મનની ટૅંકનું અંતર

અચૂક રીતે માપી, નિશાન સાધી તેના પર ટૅંકની તોપનું નાળચું lock કરી શકાય

તેવા યાંત્રિક ઉપકરણો તથા night vision માટે ઇન્ફ્રા રેડ બત્તીઓ સામેલ કરવામાં

આવી હતી. તેની સામે આપણી  જુના જમાનાની ટૅંક્સમાં આવાં કોઇ સાધનો નહોતાં.

તેથી પાકિસ્તાનની આર્મર્ડ ડિવિઝન સામે ભારતની ટૅંક્સ કદી ટકી નહીં શકે એવી

તેમની ધારણા હતી. આ ઉપરાંત તેમણે ભારતના સંભવિત આક્રમણ સામે તેમની

આર્મર્ડ ડિવિઝનને લાહોરના રક્ષણ માટે ત્યાં deploy કરી હતી.    

 Posted by Capt. Narendra 

જિપ્સીની ડાયરી-આક્રમણની પૂર્વ તૈયારી (૩)

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Tuesday, July 6, 2021

આક્રમણની પૂર્વ તૈયારી (૩)

     “સુબેદાર સા’બ, સૌ પ્રથમ દરેક કો-ડ્રાઇવર તેનું હથિયાર લોડ કરી તૈયાર સ્થિતિમાં રહે.

હું અત્યારે પુલ તરફ જઉઁ છું. મારી જીપ નીકળ્યા બાદ ત્રણ મિનિટ બાદ આપના કૉન્વૉયની

ટ્રક્સને નિયમ મુજબનું અંતર રાખી આગળ વધવાનું છે. પુલથી પાંચસો ગજના અંતર પર

કૉન્વૉય રોકીને મારી રાહ જોશો.  પુલની નજીક હું પહેલાં પહોંચીશ. જો ત્યાં દુશ્મન હશે

તો તમને ગોળીબારનો અવાજ સંભળાશે. આવું થાય તો તમે તમારી ગાડીઓના સંરક્ષણ

માટે રાબેતા મુજબ તમારી સાથેના સૈનિકોને ‘ડીપ્લૉય’ કરશો. તે જ ઘડીએ આપની જીપ

માધોપુર બ્રિજ મોકલી ત્યાંની વાયરલેસ ડીટેચમેન્ટ દ્વારા અહીંની હાલતના સમાચાર

ડિવિઝનલ હેડક્વાર્ટરને આપજો. જો ફાયરિંગનો અવાજ ન આવે તો મારી રાહ જોશો.

હું પુલ સીક્યોર છે કે નહિ તેની તપાસ કરી પાછો આવીશ. જો દસ મિનિટમાં હું પાછો

ન આવું તો સમજી લેજો કે હું દુશ્મનના ઍમ્બુશમાં સપડાઇ ગયો છું. તેથી પહેલાં

આપેલા હુકમ પ્રમાણે બચાવની કારવાઇ કરશો. કોઇ પણ હિસાબે હું પાછો આવવાનપ

પ્રયત્ન કરીશ અને કૉન્વૉયને ઍસેમ્બ્લી એરિયા સુધી લઇ જઇશ. ત્યાર પછી તમે તમારા

યુનિટમાં પહોંચી જશો. હુકમ સમજવામાં કોઇ શક છે?”

    કૉન્વૉય કમાન્ડરે હુકમ સાંભળી, મને સૅલ્યુટ કરી અને પોતાના કૉન્વૉય તરફ ગયા.

ગુપ્તાને કો-ડ્રાઇવર સીટ પર બેસાડ્યો અને કહ્યું, “જો પુલ પર દુશ્મન છે એવું મને લાગશે

તો તને ઇશારો કરીશ. તું કુદીને બહાર નીકળી જજે અને કૉન્વૉય તરફ દોડી જઇ સુબેદાર

સાહેબને જણાવજે. મારી ચિંતા ના કરીશ.”

    મેં મારી ૯ મિલિમિટર કૅલિબરની પિસ્તોલના હોલ્સ્ટરનું બટન ખોલ્યું. જરૂર પડે તો

તે ચલાવવાની સ્થિતિમાં તૈયાર રાખી  જીપ ચલાવી.  કઠુઆ બ્રિજની નજીક પહોંચ્યો કે

તરત લાઇટ મશિનગન કૉક થવાનો  કડાકાબંધ અવાજ સાંભળ્યો. બસ, ત્રણ સેકંડમાં

૨૮ ગોળીઓ છૂટવાની રાહ જોવાની હતી. ઘનઘોર રાતના બે કે ત્રણ વાગ્યાની ક્ષણ

એવી હતી કે અમારી જીપ પર નિશાન બાંધીને કોણ જાણે ક્યાં આ મશિનગન સંતાઇને

બેઠી હતી. લાઇટ મશિનગન (LMG) સેક્શન, એટલે દસ સૈનિકોની ટુકડીનું હથિયાર

હોય છે. અને પુલ જેવા મહત્વના વાહનવ્યવહારના bottle neckના રક્ષણ માટે એક

પ્લૅટૂનથી (૩૦-૩૫ સૈનિકોથી) ઓછી ટુકડી deploy ન થાય. મારે હવે ચૅલેન્જના હુકમની

અથવા ધડાકાબંધ ગોળીબારની રાહ જોવાની હતી. એટલામાં “થમ. કૌન આતા હૈ?”નો

ધીમા પણ કડક અવાજમાં હુકમ આવ્યો! 

    આ સઘળી કાર્યવાહી – LMG કૉક થવામાં, મારા વિચારવમળ, આગળની

કાર્યવાહીની યોજના અને “થમ, કૌન આતા હૈ”ના હુકમમાં કેવળ બે કે ત્રણ સેકંડ જ

લાગી હતી. મારી વાત કહું તો આ હુકમ સાંભળી મન શાંત થયું. આ હુકમ કેવળ

આપણા મિત્ર સૈનિકોનો જ હોય. ચૅલેન્જના જવાબની ‘ડ્રિલ’ પ્રમાણે મેં જવાબ

આપ્યો, “દોસ્ત”.

    “દોસ્ત, જીપસે નીચે ઊતરો, હાથ ઉપર કરો ઔર આગે બઢો,” સામેથી

બીજો હુકમ આવ્યો.

    જીપમાંથી ઉતરીને જેવો હું પુલની નજીક ગયો કે સડકની બન્ને બાજુએ પોઝીશન

લઇને બેઠેલા સૈનિકોમાંથી બે જણા ખુલ્લી બૅયોનેટ લગાવેલ રાઇફલ તાણીને મારી

નજીક આવ્યા. તેમના નાયકે મારું નામ, યુનિટની માહિતી અને આયડેન્ટીટી કાર્ડ

માગ્યાં. મેં મારી માહિતી અને ઓળખપત્ર બતાવ્યા. મેં ગાર્ડ કમાન્ડરને કહ્યું, “હું અર્ધા

કલાક પહેલાં આ પુલ ક્રૉસ કરીને આવ્યો ત્યારે અહીં કોઇ નહોતું. તમે ક્યારે પુલ

‘સિક્યોર’ કર્યો? કોઇ ખાસ કારણ છે? ”

    “સાબ, આ પુલ પર પાકિસ્તાનના કમાંડો ઘુસી આવ્યા હતા. તેમણે આપણા ડિસ્પૅચ

રાઇડરને મારી નાખ્યો અને તેની પાસેની ટપાલ લઇને નાસી ગયા છે. અમે દસ મિનીટ

પહેલાં આવીને પુલને ‘સિક્યોર’ કર્યો છે. અહીંથી પસાર થનાર દરેક વાહન તપાસવાનો

અમને હુકમ છે.”

    મેં ગાર્ડ કમાંડરને આખી વાત સમજાવી અને કહ્યું કે પુલની પાછળ રોકાયેલા દારુગોળા,

પેટ્રોલ અને અન્ય રસદના ત્રણસો ટ્રક્સના કૉન્વૉયને ફૉર્વર્ડ એરિયામાં પહોંચાડવાનો છે.

સેક્શન કમાંડરે મને ‘ઑલ ક્લીયર’ આપ્યો. હું પાછો કૉન્વોય પાસે ગયો. કૉન્વૉય કમાન્ડરને

મારી પાછળ ગાડીઓ ચલાવવાનો હુકમ આપ્યો અને અમારો કૉન્વૉય સુરક્ષીત રીતે

ડિવિઝનના માર્ચીંગ એરીયામાં ચાર વાગ્યા સુધીમાં પહોંચ્યો. 

    અહીં એક વાત ભારપૂર્વક કહીશ.

    સેનામાં ટ્રેનિંગ અને ‘ડ્રિલ’ પર ખુબ ભાર આપવામાં આવે છે. ‘ડ્રિલ’ એટલે ખરેખર

દિવાલને કોતરી અંદર સુધી પહોંચાડનારી ધારદાર અણી જેવી ટ્રેનિંગ. યુદ્ધના સમયમાં

આ “થમ, કૌન આતા હૈ”ની ડ્રિલ તલવારની ધાર પર ચાલવા જેવી હોય છે. LMGને કૉક

કરી, આંગળી ટ્રિગર-ગાર્ડની બહાર સીધી ખેંચીને રાખવી પડે, જો ટ્રિગર પર રહે અને

આવી અંધારી રાતમાં સામેથી કોણ આવે છે તે ઓળખી ન શકાય અને ટ્રિગર પર સહેજ

જેટલું દબાણ આવે તો LMGની મૅગેઝિનમાંથી ૨૮ ગોળીઓનો બર્સ્ટ છૂટે. ગોળીઓની

સીધી રેખામાં આવેલા ૩૦૦ ગજ દૂર સુધીના  ‘ટાર્ગેટ’ પણ ધ્વસ્ત થઇ જાય. અહીં

ચૅલેન્જ કરનારે તો સ્વસ્થ અને શાંત રહી ‘ડ્રિલ’ પ્રમાણે ચૅલેન્જ કરવાનું હોય, અને જેને

ચૅલેન્જ કરવામાં આવેલ છે, તેણે પણ એટલી જ શાંતીથી ગભરાયા વિના કે અણધારી

હિલચાલ કર્યા વગર જવાબ આપી “હાથ ઉંચા કરી આગળ વધો’ના હુકમનું પાલન

કરવાનું હોય છે. તેમાં જરા જેટલી ઉતાવળ કરો કે દોડવાનો પ્રયત્ન કરો તો ગોળીઓ

છૂટી જ સમજો. ૧૯૭૧માં અમારી બ્રિગેડમાં આવા બે દાખલા થયા હતા. 

***

    આ પ્રસંગ બન્યો ત્યારે રોકાયેલા ટ્રક્સ વિશે મેં ઊંડો વિચાર નહોતો કર્યો. પરંતુ

લડાઇ પૂરી થયા બાદ અમારી બટાલિયનની મુલાકાતે આવેલા અમારા

જનરલ-ઑફિસર-કમાંડીંગ (GOC) જનરલ રાજિંદરસિંઘ સ્પૅરોએ અમારી બટાલિયનના

અફસર અને જવાનોને બે વાતો કહી : 

    “તમારા ટ્રુપ કૅરિયર અફસરે રેકૉર્ડ ટાઇમમાં દિવસ રાતની પરવા કર્યા વગર ૩૮

કલાકમાં આખી લૉરીડ બ્રિગેડને એસેમ્બ્લી એરિયામાં પહોંચાડી આપી તેથી મારી

surprise strikeની રણનીતિ સફળ થઇ. તમે કર્તવ્યપરાયણતા દર્શાવી અને અસાધારણ

તેજીથી આ કામ પૂરૂં કર્યું તેથી આપણે નિર્ધારીત સમયે આક્રમણ શરૂ કરી શક્યા.        

    “બીજી ખાસ વાત: ટૅંક્સને સાતત્યતાપૂર્વક આક્રમણ ચાલુ રાખવા જરુરી હતા તેવા

પેટ્રોલ અને દારુગોળો લાવનારા વાહનો રોકાઇ પડ્યા હતા, તે અણીને વખતે આવી

પહોંચ્યા તેથી H-Hour પર મારી આર્મર્ડ બ્રિગેડ કૂચ કરી શકી. તમારી બટાલિયનનું

આપણી વિજય યાત્રામાં આ બીજું મોટામાં મોટું યોગદાન હતું. હું તમારી

સેવાપરાયણતાને બિરદાવું છું.”

    મારા માટે આ સર્વોચ્ચ આનંદની ઘડી હતી. હું તો નવો સવો અફસર હતો.

લૉરીડ બ્રિગેડને યુદ્ધમાં યોગ્ય સ્થળે કૉન્વૉયમાં પહોંચાડવાનો મને જરા જેટલું

જ્ઞાન નહોતું આ સઘળું શ્રેય અમારા સુબેદાર, નાયબ સુબેદાર અને જવાનોને

જાય છે. તેમણે તેમના અફસરને સફળતા અપાવી હતી.
Posted by Capt. Narendra 

જિપ્સીની ડાયરી-આક્રમણની પૂર્વ તૈયારી (૨)

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Monday, July 5, 2021

આક્રમણની પૂર્વ તૈયારી (૨)

    અમે સવારના પાંચ વાગે નૅશનલ હાઇવે પર પહોંચી ગયા. જ્યારે અમે રસ્તા પર

આવતા પહેલા ગામની નજીક પહોંચ્યા ત્યારે અમારી નવાઇનો પાર ન રહ્યો. સડકની

બન્ને બાજુએ પંજાબના ગ્રામવાસીઓ કતારબંધ થઇને ખડા હતા. સૌના હાથમાં કંઇક

ને કંઇક વસ્તુ હતી. બહેનો પરાંઠા-સબ્જીના પૅકેટ અમારી ખુલ્લી ટ્રકમાં બેસેલા

જવાનોને પરાણે આપતી હતી. “વીરજી, જંગ જીતકે સલામત આવણાં” મોટે મોટેથી

બોલીને અમારો ઉત્સાહ વધારતી હતી. યુવાનો, વૃદ્ધો સૌ હાથ હલાવીને ‘જયહિંદ,

વીર જવાન”, “ફતેહ કરો,” ‘ભારતમાતાકી જય”નો પોકાર કરતા હતા.  રૈયા બજારમાં

તો અમારે ગાડીઓ કલાકના પાંચ કિલોમિટરની ગતિએ ચલાવવી પડી. સૈનિકોને

વધામણી આપવા, પોરસ ચડાવવા એટલી ભીડ જામી હતી, ન પૂછો વાત. આવું ઠેઠ

ગુરદાસપુર અને પઠાણકોટ પહોંચ્યા ત્યાં સુધી ચાલતું રહ્યું.

    આજે આ દૃશ્ય યાદ આવે છે અને હૃદય દુ:ખથી ભરાઇ જાય છે. ક્યાં તે સમયનું

ભારત અને આજે સૈનિકોને ભાંડતા વામપંથી અખબારો, શેખર ગુપ્તા જેવા ખોટા

સમાચાર છાપનાર પત્રકારો (આ કહેવાતા ‘પીઢ’ સંપાદકે નવી દિલ્હીથી રાબેતા

મુજબની ટ્રેનિંગ કરવા બહાર નીકળેલી સૈન્યની ટુકડીઓ વિશે મોટી હેડલાઇનમાં

જુઠાણું છાપ્યું હતું કે ભારતીય સેના સત્તા પર કબજો કરવા નીકળી છે!), ગંદું રાજકારણ

ખેલનારા સામ્યવાદી અને અન્ય વિરોધ પક્ષના કહેવાતા ભ્રષ્ટ નેતાઓ આજે ભારતીય

સેનાના સરસેનાપતિને ‘ગુંડા’ કહે છે અને સેનાએ કરેલા અભિયાનની સત્યતાની 

સાબિતી માગતા ફરે છે ત્યારે દુ:ખ અને ક્રોધની સંમિશ્રિત લાગણી વ્યક્ત કર્યા

વગર રહેવાતું નથી.  શા માટે, તે કહેવું પડે છે.

    આ બ્લૉગ રાજકારણથી દૂર છે. જ્યારે ૨૦-૨૫ વર્ષની વયના સેંકડો યુવાન

સૈનિકો દેશ માટે લીલાં માથાં વધેરી આપે છે ત્યારે તેનું રાજકારણ કરનારા

મુખ્યત્વે વામપંથી પત્રકારો અને રાજનેતાઓ – જેમણે ભારત-ચીનના યુદ્ધ

દરમિયાન ભારતીય સેનાના ઘવાયેલા જવાનો માટે રક્તદાન કરવાનો પણ

વિરોધ કર્યો હતો, તેઓ આપણી સેનાની વફાદારી વિશે સવાલ પૂછવા લાગે

છે ત્યારે આ વાત કહ્યા વગર રહી શકાતું નથી.  મારે એટલું જ કહેવું છે કે સ્વતંત્ર

ભારતમાં સૌને અભિવ્યક્તિની આઝાદી છે. જે પૂછવું હોય તે પૂછો, પણ એક વાતની

ખાતરી રાખજો કે ભારતીય સેના હંમેશા રાજકારણથી દૂર રહી છે. ભારતના

સંવિધાનની સર્વોપરિતા અને રાષ્ટ્ર પરત્વેની તેની નિષ્ઠા અટૂટ અને કાયમ રહેશે. 

    ખેર. મારી હાલની વાત છે સપ્ટેમ્બર ૧૯૬૫ની. તે સમયની પરિસ્થિતિ જુદી હતી

ભારતની જનતાને તેમના સૈનિકો પ્રત્યે માન હતું; ભારતીય સેનાના રાષ્ટ્રપ્રેમ પર

વિશ્વાસ હતો અને જે રીતે તેઓ દેશના રક્ષણ માટે રણભૂમિ પર બિનધાસ્ત જઇ

રહ્યા હતા તેમને વધાવવા સડક પર આવીને જનતા આપણી સેના પ્રત્યેનો પ્રેમ,

માન અને ઇજ્જત પ્રદર્શિત કરી રહ્યા હતા.  તેમને પ્રતિસાદ આપવા સૈનિકો પોતાની

કૃતજ્ઞતા વ્યક્ત કરવા રણમેદાનમાં ઉન્નત શિરે જઇ રહ્યા હતા. 

    ભારતીય સેનાની વાત કરીએ તો તે નેપોલિયનના સૂત્ર – ‘Army marches on

its stomach’ પર અવલંબિત નથી. આપણી સેનાને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા

માટેનું બળ દેશની જનતા આપે છે. ભારતના નાગરિકો આપણી સેનાને પીઠબળ

આપવા તત્પર છે એ વિશ્વાસથી દેશની રક્ષા કરવા ભારતીય સૈન્ય કદી પાછી

પાની કરતું નથી. કારણ પણ સાદું અને સરળ છે. આપણા સૈનિકો આપણા

ખેડુતોના, વ્યાવસાયિકોના, આપણા જ પુત્રો છે. તેઓ તેમના માતા પિતા,

બહેનો, આ દેશની ભૂમિ – આપણી રક્ષા કરવા સૈન્યમાં જોડાયા છે. તેઓ

કોઇ mercenaries નથી. ભારતીય સેના સ્વયંસેવી, દેશભક્તિથી ઉભરાતા

યુવાનોની બનેલી છે.

***

   રાવિ નદી પરના માધોપુર બ્રિજને પસાર કરી અમે કાશ્મિરમાં પ્રવેશ કર્યો

અને સાંજના સમયે રામગઢ પહોંચ્યા. આ અમારી બ્રિગેડનો Assembly Area 

હતો. અહીં મિલિટરી પોલિસે  જુદી જુદી બટાલિયનો માટેના વિસ્તાર પર નિશાનીઓ

કરી હતી. અહીં બન્ને બટાલિયનોને ઉતારી અમે પાછા કપુરથલા જવા નીકળ્યા.

    રાત થઇ હતી. અમારે કોઇ પણ હિસાબે પ્રભાત પહેલાં ગુરખા બટાલિયન તથા

બ્રિગેડના બાકીના અંશોને લેવા સવાર સુધીમાં પહોંચવાનું હતું. 

    ઍસેમ્બ્લી એરિયાના કાચા રસ્તા પરથી જેવા અમે નૅશનલ હાઇ પર પહોંચ્યા,

દૂરથી ધણધણાટી સંભળાઇ.

    પાંડવોની સેનામાંની એક અક્ષૌહણી સેનાના સેંકડો હાથીઓ જાણે એક સાથે

ચિત્કાર કરી રહ્યા હતા. અર્ધા’-એક માઇલનું અંતર કાપ્યું અને સામેથી હાથીના જ

આકારની  સેંચ્યુરિયન ટૅંક્સનો કૉલમ આવતો જોયો. જીવનમાં પહેલી વાર આટલી

મોટી સંખ્યામાં – સો – દોઢસો જેટલી વિશાળકાય ટૅંક્સ આવતી જોઇ! આ હતી

રૉયલ સેકંડ લાન્સર્સ, હડસન્સ હૉર્સ, ૧૬મી બ્લૅક એલિફન્ટ રેજિમેન્ટની ટૅંક્સ.

લગભગ ૪૫ ટન વજનની ટૅંક્સ ધરાવી પ્રથમ આર્મર્ડ બ્રિગેડની પાછળ તેમના

હળવા વાહનો હતા. સડક પર તેમના સ્ટીલના પટા તથા એન્જિનનો ધણધણાટી

બોલાવતો અવાજ ભલભલાના કાળજા કંપાવી દે તેવો હતો. છ રેજિમેન્ટ્સની

દોઢસો જેટલી ટૅંક્સના આ કૉન્વૉયે સડક સાંકડી કરી નાખી હતી. તેમને જગ્યા

આપવામાં મારા કૉન્વૉયની એકસૂત્રતાનો સત્યાનાશ થઇ ગયો. મારો કૉન્વૉય

લગભગ પાંચ-છ ભાગમાં વહેંચાઇ ગયો. અમારા ડ્રાઇવર અને પ્લૅટૂન કમાંડર

હોંશિયાર હતા. તેઓ બરાબર  કપુરથલા પહોંચી ગયા અને ગુરખાઓ સમેત

લૉરીડ ઇન્ફન્ટ્રી બ્રિગેડના બાકીના યુનિટોન લોડ કરીને તૈયાર હતા. કંપનીના

બન્ને પ્લૅટૂન કમાંડર અને મારા પ્લૅટૂન હવાલદાર પાસેથી રિપોર્ટ મેળવી અમે ફરી

રામગઢ જવા તૈયાર થઇ ગયા.

    આ સતત પ્રવાસમાં અમને જનતાએ આપેલ લંચ પૅકેટ્સનો ફાયદો થયો.

રામગઢમાં જ્યારે જાટ અને ગઢવાલ બટાલિયનને ઉતારવાનો એક કે બે કલાકના

સમયનો બ્રેક મળ્યો હતો તે સિવાય અમે સતત ૨૪ કલાક પ્રવાસ કરી રહ્યા હતા.

કપુરથલાથી રામગઢ ૨૨૦ કિલોમિટર હતું આમ ૪૪૦ કિલોમિટરનો પ્રવાસ કરી

અમારે પાછા રામગઢ જવાનું હતું. સૌ થાકી ગયા હતા. કેટલાક ટ્રક્સમાં કો-ડ્રાઇવર

પણ નહોતા. તેમ છતાં સૈનિક ડ્રાઇવરો સતત ૩૬ કલાકથી વાહનો ચલાવતા રહ્યા હતા.

    મારા ડ્રાઇવર શિવ પ્રસાદ ગુપ્તાની હાલત જોઇ મેં તેને આરામ કરવા કહ્યું અને મેં

સ્ટિયરિંગ વ્હિલ હાથમાં લીધું. રાતનો સમય હતો. સડક પર આર્મર્ડ ડિવિઝનના

બાકીના ઘટક – ૧૦૦/૧૫૦ ટૅંક સમેત આવતી આર્મર્ડ બ્રિગેડ, ૬૦ જેટલી ‘સેલ્ફ પ્રૉપેલ્ડ

ગન’ (ટૅંક જેવી બૉડી પર ચઢાવેલી તોપ) તથા અન્ય યુનિટ્સ  સામેથી આવી રહ્યા

હતા.  આમાંની કેટલી રેજીમેન્ટ્સની સેંચ્યુરિયન ટૅંક્સને ૩૬ પૈડાંવાળા ટૅંક ટ્રાન્સ્પોર્ટર

Mighty Antar નામના તોતિંગ વાહન પર ચઢાવીને આવતી હતી.

માઇટી ઍન્ટારનું આ નવું મોડેલ છે. જુના મોડેલમાં તેના ટ્રેલર પર ૩૬
નાનકડાં વ્હિલ હતા.
અહીં ટ્રાનસ્પોર્ટર પર ચઢાવેલી ટૅંક જોઇ શકાય છે. 
સેલ્ફ-પ્રોપેલ્ડ હોવિત્ઝર તોપ

  

 આવા તોતિંગ વાહનો અને ટૅંકોએ લગભગ આખી સડકની પહોળાઇ ઘેરી

લીધી હતી. આર્મ્રડ બ્રિગેડ પસાર થાય ત્યાં સુધી અમારે અમારા વાહનો કોઇ

વાર સડકના કિનારે રોકવા પડતા હતા અથવા સંકડાશમાંથી સંભાળીને પસાર

કરવા પડતા હતા. આવતી કાલની સાંજ પહેલાં અમારે ગુરખાઓ તથા બાકી રહેલી

ઇન્ફન્ટ્રી બ્રિગેડને રામગઢ પહોંચાડવાની હતી. સવારના દસ-સાડા દસના સુમારે અમે

કપુરથલા પહોંચ્યા, સૈનિકોને ટ્રકમાં બેસાડ્યા અને ફરી પાછા રામગઢ જવા નીકળ્યા.

        રામગઢ પાછા પહોંચતાં રાત થઇ ગઇ.  મારી કંપનીમાં પહોંચીને  પ્લૅટૂનો પાસેથી

રિપોર્ટ માગતાં જાણવા મળ્યું કે અમારી કંપનીના ચાર ટ્રક્સ રસ્તામાં ખોટકાઇ ગયા હતા.

એક તો તે જુના વાહનો હતા અને ઓવરહિટિંગ તથા અન્ય ક્ષતિઓને કારણે રોકાયા હતા.

અમારા URO (યુનિટ રિપૅર ઔર્ગેનાઇઝેશન)ના મિકૅનિક આ ગાડીઓ પર કામ કરી રહ્યા

હતા. તેમના કહેવા પ્રમાણે ચારે ટ્રક્સ એકાદ કલાકમાં ઠીક થઇને અહીં પહોંચી જશે.

આ પૂરું થતાં રાતના અગિયાર વાગી ગયા. હું મેજર સોહનલાલને રિપોર્ટ કરવા જતો

હતો ત્યાં સૅમી મારી પાસે આવ્યો. 

    “નરેન, અહીં હાલત જરા નાજુક છે. આપણા કંપની કમાંડરને બટાલિયન કમાંડરે

તાત્કાલિક બોલાવ્યા છે. તેઓ હેડક્વાર્ટરમાં ગયા છે. હાલમાં કંપનીનો કામચલાઉ ચાર્જ મારી પાસે છે. “

    મેં સૅમીને પૂરો રિપોર્ટ આપ્યો અને કંપની કમાંડરને જણાવવા કહ્યું.

  રાતના બાર વાગ્યા સુધી અમારા રોકાયેલા ચાર ટ્રક્સ આવ્યા નહીં તેથી મેં જાતે જઇને

તપાસ કરવાનું નક્કી કર્યુ. આ અમારા મહત્વની સામગ્રી ભરેલા ટ્રક હતા. તે જગ્યાએ

અટકાઇ પડ્યા હતા તેની મને જાણ નહોતી તેથી મેં સૅમીને જણાવી વાહનોની શોધમાં નીકળ્યો. 

    મધરાત થઇ ગઇ હતી. ચારે કોર સોપો પડી ગયો હતો. અમને હવે સખત હુકમ હતા

કે દુશ્મનને અમારી હિલચાલની જાણ થઇ ગઇ છે તેથી વાહનોએ વગર બત્તીએ પ્રવાસ કરવાનો છે. 

    આર્મર્ડ ડિવિઝન જમ્મુ-કાશ્મિરના રામગઢ વિસ્તારમાં જઇ રહી તેની માહિતી આપણા

શત્રુ પાસે કેવી રીતે પહોંચી ગઇ તે પણ જાણવા જેવું છે. આપણા દુશ્મન દેશના

જાસુસોની sleeping cell – આપણી વચ્ચે રહીને દેશના વફાદાર નાગરિકનો સ્વાંગ

રચીને એવા ભળી જાય છે, આપણને ખ્યાલ પણ ન આવે કે આપણી સાથે આવી

વ્યક્તિઓ રહે છે. જ્યારે તેમને ગુપ્ત સંદેશ દ્વારા તેમના કંટ્રોલર સતર્ક કરે ત્યારે, અથવા

આર્મર્ડ ડિવિઝન જેવું સૈન્ય એક સામટું આવા અભિયાન માટે એ સ્થળેથી બીજે સ્થળે

જાય, તેઓ જાગૃત થઇને ગુપ્ત સંદેશાઓ દ્વાર ‘તેમને’ જાણ કરતા હોય છે.

    સાંબા જીલ્લાના કઠુઆ શહેર નજીક એક મોટું વરસાદી નાળું છે. નાળાનું વહેણ છેક

પાકિસ્તાનના પ્રદેશ સુધી વહે છે. ચોમાસા સિવાય તેમાં પાણી હોતું નથી. ત્યાં કેવળ

મોટા મોટા ગોળ પત્થર અને કાંકરા અને ઝાંખરા વિ. હોય છે. આ નાળાનો પટ મોટો

હોવાથી પૂલ પણ ખાસો લાંબો છે.

કઠુઆના નાળા પરનો પુલ લગભગ આવો દેખાતો હતો.
કેવળ તેમાંના પત્થર ગોળ દડા જેવા અને કાંકરા લખોટા જેવા હોય છે.

     દુશ્મનનોની જાસુસી એજન્સીઓને તેમની સ્લિપર સેલ દ્વારા આર્મર્ડ ડિવિઝનની

હિલચાલની ખબર પહોંચી હતી. તેની ખાતરી કરવા તેમણે કઠુઆના આ નાળાનો

ઉપયોગ કરી એક નાનકડી ટુકડી નાળા પરના પુલ પાસે મોકલી. આ ટુકડીએ પુના

હૉર્સ રેજિમેન્ટના એક DR (ડિસ્પૅચ રાઇડર – લશ્કરી  દસ્તાવેજ લઇ જનાર સંદેશ

વાહક)ને આંતરીને મારી નાખ્યો, તથા તેની બૅગમાંના દસ્તાવેજ લઇ તેમના કમાંડર

પાસે પહોંચી ગયા.  તેમાંના પત્રો જોઇ પાકિસ્તાની સેનાને ખબર પહોંચી ગઇ હતી

કે આર્મર્ડ ડિવિઝન રામગઢ તરફ એકઠી થઇ રહી હતી. આ વાતની મને ત્યારે જાણ નહોતી.

    અંધારામાં વગર બત્તીએ અમારી જીપ ધીરે ધીરે આગળ વધી રહી હતી. નાળા પરનો

પુલ પાર કરીને અમે લગભગ પાંચસો – હજાર  ગજ ગયા અને જોયું તો અમારી ડિવિઝનની

જુદી જુદી યુનિટ્સના લગભગ ૩૦૦ ટ્રક્સ લાઇનબંંધ ખડા હતા. આ લાંબી કતારમાં સૌ પ્રથમ

મેં મારી કંપનીના ટ્રક્સ શોધ્યા. તે રિપૅર થઇ ગયા હતા અને ડ્રાઇવર્સ તૈયાર હતા તેની

ખાતરી કરી. તેવામાં અમારી બ્રાવો કંપનીના સુબેદાર આવ્યા અને મને કહ્યું, “સા’બ,

બહુત ગડબડ હો ગયા. આપકો તો માલુમ પડા હી હોગા કે કઠુઆ બ્રિજ પર દુશ્મનકી

ઍમ્બૂશ પાર્ટીને પુના હૉર્સ કે DRકો માર ડાલા ઔર અબ ઇસ બ્રિજ પર દુશ્મનકા

કબજા હૈ. હમ આગે નહીં જા સકતે.”

    “સુબેદાર સાહેબ, હું અબ્બી હાલ આ પુલ પરથી જ આવ્યો છું. મને તો કોઇ

દેખાયું નહીં. તમે તપાસ ન કરી?”

    “સર, અમારી સાથે ઇન્ફન્ટ્રીની પ્રોટેક્શન પાર્ટી નથી. મારી ૬૦ ગાડીઓમાં ટૅંક્સ

માટેનું હાઇ ઑક્ટેન પેટ્રોલ છે. દુશ્મન તેમાં આગ લગાડે તો ડિવિઝન H-Hour પર

કૂચ નહીં કરી શકે. શું કરવું તે સમજાતું નથી. અહીં રોકાયેલી સઘળી ગાડીઓ જુદા

જુદા યુનિટની એડમિન ટ્રક્સ છે. અહીં આપના સિવાય અન્ય કોઇ સિનિયર અફસર

નથી. હવે આપ હુકમ આપો તે પ્રમાણે કરીએ. મારૂં માનો તો પઠાણકોટ કોઇને

મોકલીએ અને મદદ માગીએ.”

    રાતના બે  વાગી ગયા હતા. H-Hour – દુશ્મન દેશ પર હુમલો શરૂ કરવાનો

નિર્ધારિત સમય સવારના છ વાગ્યાનો હતો. પઠાણકોટથી કૂમક મગાવવાનો

અમારી પાસે સમય નહોતો. મેં પરિસ્થિતિનો વિચાર કરીને આગળની

કાર્યવાહીનો નિર્ણય કર્યો. 

    “સુબેદાર સા’બ, અબ મેરા હુકમ ધ્યાનપૂર્વક સૂનિયે…”


Posted by Capt. Narendra 

જિપ્સીની ડાયરી-આક્રમણની પૂર્વ તૈયારી

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Saturday, July 3, 2021

આક્રમણની પૂર્વ તૈયારી

   તે વખતનું અમારૂં કંપની હેડક્વાર્ટર્સ મેજર સોહનલાલના કૅરેવાનમાં જ હતું.

તેમની નજીક સૅમી બેઠો હતો. કંપની કમાંડર પાસેથી ‘વિગતવાર’ હુકમ લઇ હું

નીકળ્યો. આ હુકમ પ્રમાણે મારે ૭૫ ટ્રક્સનો કૉન્વૉય લઇને બ્રિગેડ હેડક્વાર્ટર્સમાં

જવાનું હતું. આગળનો હુકમ બ્રિગેડ તરફથી મળી જશે. “કંપની હવાલદાર મેજરે

કૉન્વૉય તૈયાર રાખ્યો છે. કૅરી ઑન.” (કૉન્વૉય એટલે નિશ્વિત સંખ્યાના લશ્કરી

ટ્રક્સ અથવા ફ્રિગેટ્સ, ક્રુઝર જેવા લશ્કરી વહાણોને શિસ્તબદ્ધરીતે એક સ્થાનેથી

બીજા સ્થાન પર લઇ જવામાં આવે તેને કૉન્વૉય કહેવામાં આવે છે. 

    મને અફસર થયે અઢાર મહિના થયા હતા, તેમાં આ પહેલાં મેં કોઇ કૉન્વૉય ડ્યુટી

કરી નહોતી.  વળી આ સમય દરમિયાન ચાર મહિના અમારા Army Service Corps Center

બરેલીમાં કરેલ Young Officers Courseની ટ્રેનિંગ, બે મહિના રજા, અને લગભગ એક

વર્ષ ગ્વાલિયરની અમારા ડિપાર્ટમેન્ટની ઑફિસમાં ઍડમિનિસ્ટ્રેશનનું કામ કર્યું હતું.

તેમાં મારા અત્યારની ડ્યુટીમાં કામ આવે તે મહત્વનો ભાગ મને બરેલીના અમારા

સેન્ટરમાં જે ટ્રેનિંગ મળી હતી તે હતો. તેમાં કૉન્વૉય કમાંડરે બજાવવાની ફરજ પ્રમાણે

વાહનોના આટલા મોટા કાફલાનું નિયંત્રણ, તેના પર હવાઇ હુમલો થાય તો કઇ કારવાઇ

કરવી અને યુદ્ધક્ષેત્રમાં તેમનું deployment, camouflage and concealment કરવા

વિશેના સિદ્ધાંત તથા તેનું સંચાલન કરવાનો ક્ષેત્રીય અભ્યાસ કર્યો હતો. તેનું અધ્યયન

ખુબ ઉપયોગી નિવડ્યું. હું નસીબદાર હતો કે મારા પ્લૅટુન હવાલદાર ઉમામહેશ્વરન્

તથા સાથી પ્લૅટૂન કમાંડર્સનો આ કામનો અનુભવ લાંબો  હતો. ટૂંકમાં, જેટલી મારી

ઉમર હતી એટલા વર્ષ તેમણે દરેકે આ જ કામ કર્યા હતા! 

    બ્રિગેડ હેડક્વાર્ટર્સ તથા તેની ત્રણે બટાલિયનો સુરાનુસીથી લગભગ ૧૮ કિલોમિટર

પર આવેલા કપુરથલા શહેરમાં હતાં. 

    “કૅરી ઑન” નો હુકમ લઇ હું મારા કૅરેવાનમાં ગયો. મારી જીપ હંમેશા ત્યાં જ રહેતી.

તે સમયે મારો સહાયક કોલ્હાપુર નજીકના ગામ હાથકણંગલેનો રહેવાસી ગામા કુર્ણે

નામનો યુવાન હતો. અમે બ્રિફિંગ માટે ગયા ત્યારે અમારા SOP મુજબ આખી કંપની

શસ્ત્રસજ્જ અને અમારા રાશન, પાણી, સ્પૅર પેટ્રોલના જેરીકૅન વિ. ભરીને તૈયાર થઇ

ગઇ હતી. મારો જીપ ડ્રાઇવર હતો બિહારના હાજીપુર જીલ્લાનો શિવ પ્રસાદ ગુપ્તા. 

મારા અંગત

સામાનની હંમેશા તૈયાર રહેતી બૅગને જીપમાં મૂકી તે તૈયાર ખડો હતો. પચાસથી

વધુ વર્ષના વાયરા વાયા, પણ મને તેનું નામ હજી યાદ છે! ભલા, આ મારા પરિવારના

સદસ્યો હતા. તેમનાં નામ તે કદી ભુલાતા હશે? 

    કંપની હવાલદાર મેજરે ૭૫ ટ્રક્સનો કૉન્વૉય લાઇનબંધ કરીને તૈયાર રાખ્યો હતો.

રાતના ત્રણ વાગ્યા હતા. અંધારામાં અમે કપુરથલા જવા નીકળી પડ્યા.

    પોણા કલાકમાં અમે કપુરથલા પહોંચી ગયા. કેટલાક મહિના પહેલાં અમારી ત્રણે

પ્લૅટુનોએ બ્રિગેડની બટાલિયનો સાથે યુદ્ધાભ્યાસ કર્યો હતો. જે જે  બટાલિયન સાથે

આ પ્લૅટૂનો સંકળાઇ હતી, તે સીધી તેમના હેડક્વાર્ટરમાં પહોંચી ગઇ. હું બ્રિગેડ

હેડક્વાર્ટરમાં પહોંચ્યો. બ્રિગેડ મેજર અમારી બટાલિયનની આલ્ફા કંપની કમાંડરની

રાહ જોઇ રહ્યા હતા. તેમની સામે જઇ મેં સૅલ્યૂટ ઠોકી, મારા નામ તથા કામની ર

જુઆત કરી. તેઓ જાણતા હતા કે ટ્રૂપ કૅરિયર કંપની કમાંડર મેજર સોહનલાલ

હતા. તેમની જગ્યાએ કંપનીનો જ્યુનિયર-મોસ્ટ અફસર, સેકન્ડ લેફ્ટનન્ટ નરેન્દ્રને

જોઇ બ્રિગેડ મેજર ચકિત થઇ ગયા. તેમણે પૂછ્યું, ‘મેજર સોહનલાલ ક્યાં છે?”

    “સર, તેમની ટ્રાન્સ્ફર…”

    બ્રિગેડ મેજરે કહ્યું, “કશો વાંધો નહીં. મને આશા છે કે તને જે જવાબદારી 

સોંપવામાં આવી છે તે તું હોંશિયારીપૂર્વક પાર પાડી શકીશ,” કહી તેમણે મને ક્યાં

જવાનું છે તેની પૂરી વિગતો આપી. જેમાં અમારો રૂટ તથા ઍસેમ્બ્લી એરિયાનો મૅપ

રેફરન્સ હતા. મારી પાસે ૧૨૦ને બદલે ૭૫ ટ્રક્સ હતા તેથી બે ખેપમાં મારૂં કામ પૂરૂં

કરવાનો આદેશ આપ્યો. અંતે, “ગુડ લક, યંગ મૅન. કૅરી ઑન.”

    અત્યાર સુધીના વર્ણનમાં મિલિટરીની પરિભાષાના કેટલાક શબ્દો વાપર્યા છે, તેનું

વિવરણ નહોતું કર્યું, તેની સમજુતી આપીશ.

    કૅન્ટોનમેન્ટ : સૈન્યની ટુકડીઓનો દર ત્રણ વર્ષે ‘Turn Over’ કરવામાં આવે છે. જે

બટાલિયન કે એકમ યુદ્ધ ક્ષેત્રમાં કે બૉર્ડર પર (જેને ફિલ્ડ સ્ટેશન કહેવાય છે) ત્રણ વર્ષ

ફરજ બજાવે તેને શાંતિના સ્થળે (Peace Station)માં ગામ કે શહેરની નજીક પાકી

બૅરેકવાળા સ્થાનમાં મોકલવામાં આવે છે. અહીં અફસરો અને પરિણિત જવાનો માટે

ફૅમિલી ક્વાર્ટર્સ બાંધવામાં આવે છે. આવા સ્થાનોને કૅન્ટોનમેન્ટ કહેવાય છે.

    કૉન્સેન્ટ્રેશન એરિયા: યુદ્ધ શરૂ થતાં પહેલાં જે સ્થાને સૈન્યના એકમોને એકઠા થવાનું

હોય તેને Concentration અથવા Conc Area કહેવાય છે. નિશ્ચિત અભિયાનમાં ભાગ

લેનારા સૈન્ય અહીં એકઠું થાય છે. સામાન્ય રીતે આ દુશ્મન દેશના તોપના મારાની અસર

બહાર હોય છે. ૧૯૬૫ના અભિયાનમાં અમારી આર્મર્ડ ડિવિઝન જાલંધરની નજીક

સુરાનૂસીમાં Conc Area બનાવીને એકઠી થઇ હતી. ત્યાંથી વાઘા બૉર્ડર કેટલે દૂર છે

તે સૌ જાણે છે.

    ઍસેમ્બ્લી એરિયા:   Conc Areaમાંથી જે સ્થળેથી હુમલો શરૂ કરવાનો હોય તે વિસ્તાર

ઍસેમ્બ્લી એરિયા. અહીં ભેગા થયેલા યુનિટ્સ (ઇન્ફન્ટ્રી, ટૅંક્સ, તોપખાનું) વિ.ને સોંપવામાં

આવેલ જવાબદારી મુજબ જે ક્રમમાં કૂચ કરવાની હોય છે તે પ્રમાણે તેઓ આ વિસ્તારમાં

આવી તૈયાર થાય છે. આ વિસ્તાર પણ સામાન્ય રીતે દુશ્મનના સીધા હુમલાની અસર બહારના હોય છે.

    આગળ જતાં યોગ્ય સ્થળે આવા શબ્દોની પરિભાષા સ્પષ્ટ કરતો રહીશ. 

*** 

    બ્રિગેડ મેજરની ઑફિસમાંથી હું બહાર નીકળ્યો. બ્રિગેડના પટાંગણમાં જાટ રેજિમેન્ટની

પાંચમી બટાલિયન તથા ગઢવાલ રાઇફલ્સની આઠમી બટાલિયનને ટ્રક્સમાં બેસાડી મારી

કંપની માર્ચ કરવા તૈયાર હતી. ગુરખાઓને બીજી ખેપમાં લઇ જવાના હતા.

    માર્ચ કરવાના ક્રમમાં મારી જીપ સૌથી આગળ હતી. આધિકારિક રીતે હું કેવળ

પ્લૅટુન કમાંડર હતો, પણ ચાર્જ હતો કંપની કમાંડર – મેજરનો! 

    ૪૩મી લૉરીડ બ્રિગેડનો કૉન્વૉય માર્ચ કરવા તૈયાર હતો. કેવળ મારા હુકમની

રાહ જોવાતી હતી. જેવો હું જીપમાં બેઠો, શિવ પ્રસાદ ગુપ્તા જીપને હંકારી કૉન્વૉયના

મોખરે લઇ ગયો.  જીપની પાછળ મારા ૭૫ અને તેની સાથે બન્ને બટાલિયનોની રાશનની

તથા રિઝર્વ શસ્ત્ર સરંજામની કુલ મળીને લગભગ સો’એક ગાડીઓ એક લાઇનમાં હતી.

    જીપની બહાર જઇ મારા લૅન્યાર્ડ (જમણા કે ડાબા ખભા પર ભેરવાતી રંગીન દોરી, જેનો

છેડો શર્ટના ખિસામાં હોય છે તે)ના છેડા પર ફિટ કરેલી મેટ્રોપોલિટન વ્હિસલ  કાઢીને વગાડી

અને ગાડીઓ સ્ટાર્ટ કરવાનો ઇશારો કર્યો. ડ્રાઇવરોએ ઇગ્નિશનમાં ચાવી ફેરવી. ગાડી સ્ટાર્ટ

થતાં દરેક ડ્રાઇવરે આંખ બંધ કરી ઇષ્ટદેવને યાદ કરી નમસ્કાર કર્યા; કેટલાકે ક્રૉસની નિશાની

કરી; કેટલાકે બન્ને હાથ ઉપર કરી પરમાત્માની દુઆ માગી. અમારો કૉન્વૉય હવે યુદ્ધક્ષેત્ર

તરફ પ્રયાણ કરવાની તૈયારીમાં હતો. તન મનમાં એક એવો રોમાાંચ ઉત્પન્ન થયો

હતો જેનું વર્ણન કરવું અશક્ય છે. 

    અમને અપાયેલ રૂટ-ચાર્ટ મુજબ કપુરથલાથી અમારો પંથ પંજાબના બટાલા,

ગુરુદાસપુર, પઠાણકોટ થઇ રાવિ નદી પરનો માધોપુર બ્રિજ પાર કરી કાશ્મિરના

કઠુઆ, સાંબા, બાજપુર થઇ સીમાવર્તી ગામ રામગઢ જવાનું હઅમારો RV

(Rendezvous)  હતો કાશ્મિરના સાંબા જીલ્લાના પાકિસ્તાનની સીમ પર આવેલ

ગામ રામગઢ જવાનો હતો. (નીચે અમારા માર્ગનો નકશો આપ્યો છે. આ નકશો

આવતા કેટલાક પ્રસંગોને પણ આવરી લેશે, તેથી તેનો સંદર્ભ જાળવવા વિનંતી.)

  કપુરથલા શહેરથી કેટલાક કિલોમિટર પર નૅશનલ હાઇવે હતો ત્યાં અમે

પહોંચ્યા અને અમારી કૂચ શરૂ થઇ ગઇ. કપુરથલાથી રૈયા, બટાલા, ગુરદાસપુર,

પઠાણકોટ…..જીવનની અવિસ્મરણીય ઘટનાઓમાંની એક અતિવિશિષ્ટ.
Posted by Capt. Narendra 

જિપ્સીની ડાયરી-યુદ્ધનાં એંધાણ – “ઑપરેશન નેપાલ”

સૌજન્યઃ કેપ્ટન ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Thursday, July 1, 2021

યુદ્ધનાં એંધાણ – “ઑપરેશન નેપાલ”

    બૉર્ડર પર તંગદીલી વધતી જતી હતી. તે સમયે આપણા વડા પ્રધાન હતા

સ્વ. લાલ બહાદુર શાસ્ત્રી.  સાધારણ પોશાકમાં રહેતા, આડંબરહિન, સૌમ્ય,

શાંતમૂર્તિ સમા જનતાના લાડિલા લોકનેતા.


સ્વ. લાલ બહાદુર શાસ્ત્રી

    બીજી તરફ હતા પાકિસ્તાનના સરમુખત્યાર ફિલ્ડ માર્શલ અયુબ ખાન. તેમણે

એક મહત્વાકાંક્ષી યોજના ઘડી. તેમને કોઇ પણ હિસાબે કાશ્મિર પર કબજો કરવો હતો.

    પંડિત નહેરૂએ ૧૯૪૮માં જ્યારે એક તરફી યુદ્ધ શાંતિ ઘોષિત કરી કાશ્મિરનો મુદ્દો

યુનાઇટેડ નેશન્સ (UN)માં મૂક્યો, ત્યારથી UN એ તેમના ‘શાંતિ દૂત’ની સંઘટના બનાવી

હતી. આ શાંતિ દૂતોનું મુખ્ય મથક પાકિસ્તાનમાં હતું. તેમણે ભારત – પાકિસ્તાનના

કબજા હેઠળના વિસ્તારોના નકશા પર રેખાઓ દોરી તેને નામ આપ્યું હતું

Cease-fire Line (CFL). બન્ને દેશોને તેમણે આદેશ આપ્યો હતો કે આ રેખા પાર કરવી નહીં.

આ ઉપરાંત  CFL પર શાંતિ જળવાય છે અને આ ‘યુદ્ધ શાંતિ’નો અમલ થાય  તે જોવાનો

તેમને અધિકાર આપવામાં આવ્યો હતો. જો આ શાંતિનો ભંગ થાય તો તેની તપાસ કરી

UNને રિપોર્ટ આપવાનો કે દોષી કોણ છે.  

    પાકિસ્તાન તે સમયે અમેરિકાની SEATO (સાઉથ-ઇસ્ટ એશિયા ટ્રીટી ઑર્ગેનાઇઝેશન)નું

સભ્ય બની ચૂક્યું હતું. તેમણે અમેરિકાને પેશાવર સમેત સઘળા મહત્વના મિલિટરી હવાઇ

અડ્ડા સોંપ્યા હતા તેથી પાકિસ્તાન અમેરિકાનું પ્રિયપાત્ર બની ગયું હતું. અમેરિકાને ખુશ

કરવા  UNના ‘શાંતિ દૂત’ હંમેશા પાકિસ્તાનનો પક્ષ લેતા. આ કારણે CFL પર મોરચા બાંધી

બેસેલા પાકિસ્તાનના સૈનિકો ભારતીય સેનાની ચોકીઓ ગમે ત્યારે ગોળીબાર કે મોર્ટાર

બૉમ્બનું ફાયરિંગ કરતા, CFL પરથી તેમની સેનાની નિશ્રામાં ઘૂસપેઠિયા’તોફાની તત્વો

ભારતમાં પ્રવેશ કરી શકે તે માટે ગસ્તમાં નીકળેલા આપણા સૈનિકો પર તેઓ ગોળીઓ

વરસાવતા. આવા ગોળીબારના પ્રત્યુત્તરમાં આપણે ફાયરિંગ કરીએ તો ‘સામે વાળા’

UNના શાંતિદૂત પાસે ફરિયાદ કરતા કે ભારતીય સેનાએ તેમના પર unprovoked firing

કર્યું છે.  તપાસના અંતે દોષ ભારતનો જ જાહેર થતો. 

    ૧૯૫૨માં પાકિસ્તાનના  SEATO સાથેના જોડાણ બાદ અમેરિકાએ પાકિસ્તાનની

સેનાને ભારે સંખ્યામાં અત્યાધુનિક ઑટોમેટિક રાઇફલ્સ અને બ્રાઉનિંગ મશિનગન્સ,

પૅટન ટૅંક્સ અને F-86 સેબર જેટ અને તેથી પણ વધુ મારક શક્તિ ધરાવતા Starfighter

જેટ વિમાનો આપ્યા હતા. આમ તેમની વધી ગયેલી ઘાતક શક્તિને ધ્યાનમાં લઇ

પાકિસ્તાનના સરમુખત્યાર પ્રેસિડેન્ટ અયુબ ખાને મહત્વાકાંક્ષી આક્રમણની યોજના

ઘડી. તેને નામ આપ્યું “Operation Grand Slam”. તેમના વિદેશ પ્રધાન ઝુલ્ફિકાર

અલી ભુટ્ટોએ પણ ભારપૂર્વક તેનું સમર્થન કર્યું. ભુટ્ટોની સલાહ હતી કે ભારતના

રાજકર્તાઓમાં એટલી નિર્ધાર શક્તિ નથી કે તે પાકિસ્તાનની આધુનિક અને શક્તિશાળી

સેના સામે લડવાની હિંમત કરી શકે. વળી ૧૯૬૨માં ચીન સામે કારમી હાર ખાધા પછી

ભારતીય સેનામાં લડવાનું સામર્થ્ય, હિંમત અને ઉત્સાહ રહ્યા નથી. ભુટ્ટોની સલાહ મુજબ

પાકિસ્તાનનો એક સૈનિક ભારતીય સેનાના દસ સૈનિકો પર ભારે પડી શકે એટલો

બહાદુર અને શક્તિશાળી છે તેથી  ફિલ્ડ માર્શલ અયુબ ખાનની યોજના જરૂર સફળ

થશે.વિજયની મહત્વાકાંક્ષામાં ફિલ્ડ માર્શલ અયુબ ખાન અને
તેમના વિદેશ પ્રધાન ઝુલ્ફિકાર અલી ભુટ્ટો

ઑપરેશન ગ્રૅન્ડ સ્લૅમનો અમલ કરવા પાકિસ્તાનના સેનાપતિ જનરલ મુસાએ એક

ઉપ-યોજના રચી. નામ આપ્યું “Operation Gibralter”. 

    આપ સહુ જાણતા હશો કે દક્ષિણ સ્પેનમાં બ્રિટનની નાનકડી વસાહત છે :

જિબ્રૉલ્ટર. આ  મેડિટેરેનિયન સમુદ્રમાં ધસી જતો એક વિશાળ ખડક સમો પહાડ છે.

બ્રિટિશ કબજા હેઠળના આ પહાડની સ્થિતિ એવી છે કે  સમુદ્રમાર્ગે દક્ષિણ ફ્રાન્સ,

ઇટલી, તે સમયના યુગોસ્લાવિયાના દેશો, ગ્રીસ, તુર્કસ્તાન વિ. દેશો તરફ આવતા-જતા

જહાજ પર નિરિક્ષણ અને નિયંત્રણ કરી શકાતું. બીજા વિશ્વ યુદ્ધમાં તેમાં રહેલી તોપ

અને સેનાને કારણે જર્મન યુદ્ધપોતને ત્યાંથી પસાર થવામાં અનેક મુશ્કેલીઓ નડતી

હતી. વળી તેના પર  ભુમધ્ય સમુદ્રના કિનારા પરથી આરોહણ કરવું અશક્ય હોવાથી

તેને જર્મનો જીતી શક્યા નહોતા. આવા ‘અભેદ્ય’ મનસુબા સાથે ઘડેલી યોજનાને ફિલ્ડ

માર્શલ અયુબ ખાને નામ પણ ‘ઑપરેશન જીબ્રૉલ્ટર’ આપ્યું હતું.

    “ઑપ જીબ્રૉલ્ટર”ની યોજના હતી આપણા કાશ્મિરના શહેર અખનૂર પાસેથી વહેતી

ચિનાબ નદી પરના મહત્વના પૂલ અખનૂર-બ્રિજ પર હુમલો કરી તેના પર કબજો કરવો.

આમ કરવાથી સમગ્ર સુંદરબની, રજૌરી, પૂંચ અને ઝંગડ વિસ્તારોને જમ્મુ સાથે જોડતી

ધોરી નસ જેવી સડક પર કબજો કરી આ વિભાગોને ભારતથી અલગ કરી શકાશે. સાથે

સાથે ઉરી અને બારામુલ્લા પર હુમલો કરી સમગ્ર કાશ્મિરને ભારતથી અલગ કરી

પાકિસ્તાનમાં આસાનીથી ભેળવી શકાશે. આમ તેમના રાષ્ટ્ર પિતા કાઇદે-આઝમ મહમદ

અલી જીન્નાહના સ્વપ્નને સાકાર કરી શકાશે. વળી કાશ્મિરની સ્થાનિક પ્રજાને પાકિસ્તાનમાં

જોડાવું છે એવી પણ ભ્રામક કલ્પના તેમને હતી. 

    આ યોજનાને પ્રેસિડેન્ટ અયુબ ખાને બે ભાગમાં વહેંચી : પ્રથમ ચરણ હતું પાકિસ્તાની

સેનાના અફસરોની આગેવાની નીચે સામાન્ય નાગરિકોના પોશાકમાં તેમના સૈનિકોને

‘મૂજાહિદ’ના નામે મોટા પાયા પર કાશ્મિરમાં ઘૂસાડવા. સ્થાનિક પ્રજાને ઉશ્કેરી સશસ્ત્ર

હિંસા અને અરાજકતા ફેલાવવી. આ કામ શરૂ થતાં બીજા ચરણમાં પાકિસ્તાનની સશસ્ત્ર

સેના છંબના ‘ચિકન નેક’ વિસ્તાર પર આક્રમણ કરે, અને ત્યાંથી સીધી કૂચ કરી અખનૂર

પૂલ પર કબજો કરવા ધસી જાય. કાશ્મિરમાં પહેલેથી ઘૂસેલા ‘મુજાહિદ’ ભારતીય સેનાની

પીઠ પર આઘાત કરે તો સામેથી વીજળીક ગતિથી ધસી આવતી પાકિસ્તાની સેનાના

આક્રમણ સામે ભારતીય સેના ટકી નહીં શકે તેવી તેમને શ્રદ્ધા હતી. તેમને આ યોજનાની

સફળતા પર પૂરો વિશ્વાસ હતો. આવી રીતે મેળવેલા ‘વિજય’ના વેગમાં જમ્મુ પર કબજો

કરવો જેથી સમગ્ર કાશ્મિર તેમના હાથમાં પાકેલા ફળની જેમ આવી જાય. આવી

મહત્વાકાંક્ષા સાથે ફિલ્ડ માર્શલ અયુબ ખાને ‘Op Grand Slam’ની યોજના ઘડી હતી.

    અત્યાર સુધી UNના ‘શાંતિદૂતો’ના ડગલે પગલે થતા હસ્તક્ષેપને કારણે ભારતીય

સેના પાકિસ્તાનના દરરોજ થતા આડેધડ ગોળીબાર અને આતંકી હુમલા સામે વળતી

કાર્યવાહી કરતી નહોતી. તેને ભારતીય સેનાની નબળાઇ માની, તેમનું સાહસ  સફળ

થશે એવી જનરલ અયૂબ ખાનને ખાતરી હતી.

    હજારોની સંખ્યામાં આવેલા હથિયારબંધ કહેવાત ‘મુજાહિદ’ પાકિસ્તાની

ઘુસણખોરોના હુમલા અને તેમણે કરેલી આપણા જવાનોની હત્યાને કારણે પરિસ્થિતિ

વણસી ગઇ હતી. હવે ભારતની સહનશક્તિનો અંત આવ્યો હતો. તેથી ૧૯૬૫ના

ઑગસ્ટમાં આપણા વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ રાષ્ટ્ર પ્રતિ સંદેશ આપ્યો. 

આજે ૫૬ વર્ષનો સમય થઇ ગયો હોવા છતાં રેડિયો પર સાંભળેલા શાસ્ત્રીજીના શબ્દો

હજી મારા કાનમાં ગુંજે છે:
 “પાકિસ્તાને તેમના “નાગરિકો”એ ભારતમાં મોકલી, ભારતની સેના પર પરોક્ષ

હુમલો હર્યો હતો. હવે આ હુમલાઓ એટલી હદ સુધી વધી ગયા છે કે હવે તે ભારત

સામેના યુદ્ધ સમાન છે. ભારત વિરૂદ્ધ આ અઘોષિત યુદ્ધ છે. પાકિસ્તાનના

રાજકર્તાઓએ જાણવું જોઇએ કે ભારત યુદ્ધનો જવાબ યુદ્ધથી આપી શકે છે.”

    શાસ્ત્રીજીએ અંગ્રેજીમાં આપેલા સંદેશના શબ્દો હતા, “Let it be known that 

we can and we will carry their war in their 

country at the time and place of our own choosing.”    

    ભારત સ્વતંત્ર થયા બાદ તે દિવસે પ્રથમ વાર મને મારા વડા પ્રધાન પ્રત્યે અભિમાન

અને ગૌરવની ભાવના થઇ. નહેરૂએ પોતાની અંગત પ્રતિષ્ઠા અને વિશ્વના શાંતિવાદી

નેતા બનવા તેમણે ૧૯૪૮થી પાકિસ્તાનની અનેક થપ્પડો ખાધા બાદ ૧૯૬૨માં પોતાની

વૈચારીક નિષ્ઠાના ભાઇ ચીનનો તમાચો ખાઇ દેશને શરમની ખાઇમાં ધકેલ્યો હતો.

આવા અપમાનની આગમાં ભારતીય સેના હજી પણ તમતમતી હતી. દુશ્મનોની

શરમવિહીન આડોડાઇને કારણે ભારતીય સેનાનો ક્ષોભ અને ક્રોધ ચરમ સીમા પર હતો.

અમે ભારતની પ્રતિષ્ઠાને પાછી લાવવા તત્પર થઇ રહ્યા હતા. વડા પ્રધાનના વક્તવ્યથી

અમારાં શિર ફરી એક વાર ઉન્નત થયા. 

    આમ ઑગસ્ટ વિતી ગયો. 

    ૧૯૬૫ના સપ્ટેમ્બરની બીજી તારીખ હતી. રાત્રે મેસમાં ભોજન કરીને સૅમીની સાથે હું

મારા કૅરેવાન તરફ જતાં પહેલાં તેના ટ્રક પાસે રોકાયો. સાંજ ઘણી ખુશનુમા હતી તેથી

હું તેની સાથે બેસી વાત કરતો હતો ત્યાં એક અણધારી વાત થઇ. અમારા કૅમ્પની

આસપાસ એક-બે કિલોમીટરના અંતર પર ત્રણ ગામ હતા. અચાનક આ ત્રણે ગામનાં

લગભગ ૪૦-૫૦ કૂતરાં અમારા કૅમ્પના રમતગમતના મેદાનમાં કોણ જાણે કોઇ કુદરતી

સંકેત થયો હોય તેમ ચારે બાજુથી આવ્યા, લગભગ એક કુંડાળું કર્યું અને સામુહિક

રીતે રૂદન કરવા લાગ્યા. 

    મારી આંખ સામે મારૂં બચપણ ઉભું થયું. ૧૯૪૪નું વર્ષ હતું. હું તે વખતે નવ વર્ષનો

હતો. પિતાજી હિંમતનગરના મહારાજાના ‘મહેકમા-એ- ખાસ’માં અફસર હતા. સાંજનો

સમય હતો. તેઓ હજી ઘેર નહોતા આવ્યા. અચાનક એક કુતરૂં અમારા ઘરની સામે

આવીને પોક મૂકીને રડવા લાગ્યું. હું ગભરાઇ ગયો. બાને તે વખતે પણ ઓછું સંભળાતું

હતું, તેથી તેમની નજીક જઇ મેં બહાર શું થઇ રહ્યું હતું તે કહ્યું. બાએ તરત ભગવાન

આગળ દીવો પેટવ્યો, પ્રાર્થના કરી અને મને કહ્યું, “કૂતરાને હાંકી કાઢ. અને અરિષ્ટ ટળે

એવી પ્રાર્થના કર/” મેં તે પ્રમાણે કર્યું, પણ થોડી વારે તે પાછું આવ્યું. ફરી પાછું એ જ…આઠ

દિવસમાંજ પિતાજીનું અવસાન થયું હતું. સૌરાષ્ટ્રમાં માન્યતા છે કે કૂતરાં યમરાજના

સંદેશવાહક હોય છે અને જે ઘરમાં યમનું આગમન થવાનું હોય તેની સૂચના તેઓ

કૂતરાના રૂદન દ્વારા કરતા હોય છે.

    આજે આટલા બધા કૂતરાંઓનું રુદન સાંભળી મેં સૅમીને કહ્યું, “ એંધાણ સારા નથી.

લડાઇ શરુ થવાની છે. આ વખતે એવું ભિષણ યુદ્ધ થવાનું છે… ” 

    મારી વાત પૂરી થઇ નહોતી ત્યાં બટાલિયન હેડક્વાર્ટર્સમાંથી રનર (સંદેશવાહક)

આવ્યો. આ વખતે તો તે ખરેખર દોડતો હતો.“સર, સીઓ સાહેબે અબ્બી હાલ

બધા અફસરોને યાદ કર્યા છે.” 

    સૅમી અને હું દોડતા જ હેડક્વાર્ટરમાં પહોંચ્યા. અમારા સી.ઓ. કર્નલ રેજી ગૉને

ટૂંકા પણ સાફ શબ્દોમાં ‘વૉર્નિંગ ઑર્ડર’ સંભળાવ્યો. “આપણી ડિવિઝન ‘ઍસેમ્બ્લી

એરિયા’ તરફ કૂચ કરશે. NMB ૩ સપ્ટેમ્બર. કૅરી ઑન.” 

    ૩ સપ્ટેમ્બર એટલે કાલે સવારે!

Posted by Capt. Narendra

જિપ્સીની ડાયરી-પહેલો પડાવ…

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Tuesday, June 29, 2021

પહેલો પડાવ…

    ટ્રેન શરૂ થયા બાદ અમને જણાવવામાં આવ્યું કે અમે પંજાબ જઇ

રહ્યા હતા.ઝાંસી છોડીને લગભગ ૨૪ કલાક થયા હશે. અમારી

મિલિટરી સ્પેશિયલ પંજાબના જાલંધરની નજીકના એક નાનકડા

બિઆસ સ્ટેશન પર રોકાઇ. આ ગામમાં રાધાસ્વામી સંપ્રદાયનું

મોટું મથક છે.અમારો પહેલો પડાવ અમૃતસર તરફ જતી સડક પરના

જંડિયાલા ગુરુ નજીક આવેલા બાબા બકાલા નામના નાનકડા ગામડા

પાસે હતો. અહીં જવાનો માટે તંબુ તાણવામાં આવ્યા. મેં તંબુમાં

રહેવાને બદલે ‘મોબાઇલ રહેઠાણ’ તરીકે ફાળવવામાં આવેલ થ્રી-ટન

ટ્રકમાં કૅમ્પ-બેડ રાખ્યો અને તેમાં રહેવાનું શરૂ કર્યું. જવાનોએ ટ્રકની

નજીક નહાવા માટે 40-pounder tent બાંધ્યો અને બાજુના ખેતરમાં

‘ડીપ ટ્રેન્ચ ટૉઇલેટ’ બનાવ્યું. મારાથી પચાસેક મીટર દૂર ‘બી’ પ્લૅટૂન

કમાંડર સૅમી – પૂરૂં નામ રમા પ્રસાદ સમદ્દર નામના બંગાળી અફસરનો

‘કૅરેવાન’ હતો. બીજો હુકમ મળે ત્યાં સુધી અમારે અહીં રહેવાનું હતું.

સૅમી એક ‘સૉફિસ્ટિકેટેડ’ યુવાન હતો. બ્રિટનની બ્રિસ્ટલ યુનિવર્સિટીમાં

વેટેરિનરી સાયન્સમાં માસ્ટર્સનો બે વર્ષનો કોર્સ કરીને ભારત આવ્યો

હતો અને મારી જેમ એમર્જન્સી કમિશન્ડ અફસર હતો. સૅમીની વાત

રસપ્રદ છે તે આગળ જતાં કહીશ.  

    બે અઠવાડિયા બાદ અનુરાધા અને બાના પત્રો આવ્યા. અનુરાધા વ્યવસ્થિત

રીતે અમદાવાદ પહોંચી ગઇ હતી. મારો ‘સહાયક’ (ભારતીય સેનામાં હવે ‘ઑર્ડર્લી’નું

આ નવું નામાભિધાન છે) તુકારામ ડહાણુની નજીક રહેતો હતો તેની સાથે અનુરાધાને

અમદાવાદ મોકલી હતી. તેણે પણ પાછા આવીને પૂરો ‘રિપોર્ટ’ આપ્યો કે મેમસાબને

સહિસલામત ઘેર પહોંચાડ્યાં છે! દરેક મોટા સ્ટેશન પર તે જઇને અનુરાધાને કશું

જોઇએ કે કેમ તેની તપાસ કરીને પોતાના ડબામાં જતો!    તુકારામની વાત સાંભળી

હૈયે ધરપત થઇ. એક પ્રકારની મુક્તિ અનુભવી. હવે મનમાં કોઇ ચિંતા નહોતી. અમે

હવે આગળના હુકમની રાહ જોઇ રહ્યા હતા.     બા તથા અનુરાધાનાં પત્રો નિયમીત

રીતે આવતા હતા. એક પત્રમાં અનુરાધાએ જણાવ્યું કે તેની ડિલિવરી નવેમ્બરની આખરે

આવે તેવું ડૉક્ટરે કહ્યું હતું. રિવાજ પ્રમાણે પહેલી ડિલીવરી પિયર થવી જોઇએ. “પિયર”

આફ્રિકામાં હતું તેથી અનુરાધાને તેની મોટી બહેન કુસુમબહેને બોલાવી હતી. અનુરાધાના

બનેવી બેળગાંવમાં આવેલ મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સેન્ટરના ડેપ્યુટી કમાંડંટ હતા. તેમને

મિલિટરી હૉસ્પીટલના ડૉક્ટર્સ સારી રીતે ઓળખતા હતા, તેથી અનુરાધા માટે

બેળગાંવ સારું રહેશે એવું તેમણે જણાવ્યું હતું. અનુરાધાની પ્રથમ ડિલિવરી અમારે

ઘેર થાય એવી બાની ઇચ્છા હતી, પણ ઘેર પરિસ્થિતિ ઘણી બદલાઇ હતી. મારાથી

નાની બહેન મીના અને તેના પતિની બદલી અમદાવાદ થઇ હતી, તેથી તે તેના પતિ

અને બે વર્ષના પુત્રને લઇ અમારી સાથે રહેતી હતી. અમદાવાદનું અમારૂં મકાન

કેવળ બે રૂમ-રસોડાવાળું હતું. અમારા નાનકડા મકાનમાં આટલા મોટા

પરિવારની વચ્ચે અનુરાધાની ડિલીવરીમાં બધાને અગવડ થાય તેવું હોવાથી

સૌએ નક્કી કર્યું કે અનુરાધાએ બેળગાંવ જવું. પ્રશ્ન હતો, તે એકલી બેળગાંવ

સુધીનો પ્રવાસ કેવી રીતે કરે? તેમણે મને શક્ય હોય તો રજા લઇ ઘેર આવવા

પત્ર લખ્યો હતો. હું તેમને ના કહું તે પહેલાં રજા પરનો પ્રતિબંધ રદ થયો અને

મને દસ દિવસની રજા મળી અને અનુરાધાને બેળગાંવ મૂકવા ગયો. નસીબે

જોગે અનુરાધાના બહેન અને બનેવી – કર્નલ મધુસુદન- અમે તેમને

ભૈયાસાહેબ કહેતા – અત્યંત પ્રેમાળ અને સજ્જન દંપતિ હતા. કર્નલસાહેબ

જુની બ્રિટિશ આર્મીની પરંપરાના. બર્માના મોરચે બીજા વિશ્વયુદ્ધમાં જાપાની

સેના સામે લડી આવેલા અફસર હતા. તેમની ‘બ્રધર ઑફિસર’ની ભાવના

ખરેખર પ્રશંસનીય હતી. બેળગાંવ એક દિવસ રહી હું પાછો પંજાબ જવા નીકળ્યો.

૩૬ કલાકનો પ્રવાસ પૂરો કરી બિયાસ સ્ટેશન પર ઉતર્યો.
    સ્ટેશન પર મુવમેન્ટ કન્ટ્રોલનો સાર્જન્ટ મારી પાસે આવ્યો. મારા યુનિટ વિશે

તેને પૂછતાં તેણે જણાવ્યું કે મારી બટાલિયને બાબા બકાલાથી નીકળી જાલંધર

નજીકના વગડામાં પડાવ નાખ્યો હતો. તેણે મને વળતી ટ્રેનમાં જાલંધર કૅન્ટ

સ્ટેશનના મુવમેન્ટ કન્ટ્રોલ ઑફિસરને રીપોર્ટ કરવાનું કહ્યું. જાલંધર પહોંચતા સુધીમાં 

સાંજ પડી ગઇ હતી. મુવમેન્ટ કન્ટ્રોલ ઑફિસરે મને જણાવ્યું કે મારી બટાલિયનની

છાવણી જાલંધરથી થોડે દૂર સુરાનૂસી ગામની નજીક છે અને તેણે મારા માટે વાહનની

સગવડ કરી આપી.  મારા સહાયકે મારા ‘ઉતારો’ તૈયાર કરી રાખ્યો હતો: એક ઝાડની

નીચે મારો કૅરેવાન હતો. બાજુમાં નાનકડા તંબુમાં બાથરૂમ બનાવી હતી. કૅરેવાનની

પશ્ચિમ દિશામાં સારો છાંયડો જોઇ તેણે ત્યાં કૅમ્પ સ્ટૂલ અને કૅમ્પ ચૅર ગોઠવી હતી.

ઉપર આકાશ, આસપાસ ચોમેર ખુલ્લી જમીન અને ધીરે ધીરે પ્રકટ થતા તારક

સમૂહને જોઇ વિમાસી રહ્યો હતો. સપ્તર્ષિ તરફ નજર જતાં મને જુની યાદ આવી.  

 નાનો હતો અમને કોઇએ શીખવ્યું હતું કે રાતના ધ્રૂવ તારક શોધવો હોય તો

સપ્તર્ષિના પ્રથમ બે ઋષિઓની ડાબી તરફ કલ્પિત લાઇન દોરવાથી ધ્રુવ દેખાશે.

હું તે રાતે સપ્તર્ષિ તરફ જોઇ રહ્યો હતો ત્યારે મારાં બાએ મને પૂછ્યું, “આ

ઋષિઓમાં વશિષ્ઠ ક્યાં છે તે તને ખબર છે?”    મને ખબર નહોતી.    

તેમણે મને બતાવીને કહ્યું, “હવે ધારી ધારીને જો. તેમની નજીક ઋષિપત્ની

અરૂંધતિ દેખાશે. આ સાતે ઋષિઓમાં એકલા વશિષ્ઠની સાથે જ તેમનાં

અવિભાજ્ય અંગ સમાન પત્નીને આ તારકસમૂહમાં સ્થાન મળ્યું છે! આને

તેમના સ્નેહનું ફળ કહે કે પતિવ્રતાની તપસ્યા.”    બાને આ વાત કોણે કહી

એ તો મને ખબર નથી, પણ પ્રથમ દૃષ્ટીએ દેવી અરૂંધતિ ન દેખાયાં. બાએ કહ્યા

પ્રમાણે ‘ધારી ધારીને’ જોયા બાદ નાનકડી હિરાકણી-સમી ટમટમતી તારિકા

અરૂંધતિનાં દર્શન થયાં! કહેવાય છે કે જ્યારે કોઇ પુરૂષને અરૂંધતિ ન દેખાય,

તેનું અવસાન અવશ્ય છે. આનો ખરો અર્થ એ છે કે મનુષ્યના જીવનમાં તેની

પડખે રહેતી તેની અર્ધાંગિની તેને દેખાતી બંધ થાય – ઉપેક્ષા કહો કે પછી

કોઇ પણ અર્થમાં હોય – આવા માણસનું જીવન મૃતપ્રાય જ સમજવું.    પંજાબના

આ સપાટ મેદાનમાં શસ્ત્રસજ્જ અવસ્થામાં તંબુઓમાં પડેલા સૈનિકોને આ ઘનઘોર

અંધારી રાતમાં તેમની અરૂંધતિનો વિચાર આવતો હશે કે કેમ, કોણ જાણે!    તે રાતે

આ કૅમ્પમાં, કોટ્યાવધિ તારકોની છાયામાં મેં મને એકાકિ વટેમાર્ગુના સ્વરૂપમાં જોયો.

એક એવો જણ જેનું ઘર એક કૅરેવાન છે. પથ અજાણ્યો છે. કેવળ ચાર દિવસ પહેલાં તે

તેના પરિવાર સાથે, માતા, બહેનો, પત્ની અને અન્ય સગાંવહાલાંઓ સાથે હતો અને

અચાનક આજે તેને એકલા કૂચ કરવાની છે. ક્યાં અને ક્યારે, કોઇને ખબર નહોતી.
    તે દિવસે મેં મને એક નવા સ્વરૂપમાં જોયો.    એક જિપ્સીના.
    પાછળ ખડો હતો તેનો કૅરેવાન – તેનો સિગરામ.

 આજથી તેની રોજનીશી લખાય છે તેની સ્મૃતિમાં. એક અદૃશ્ય કલમથી, અદૃશ્ય

પાનાંઓમાં. અત્યારે આ બ્લૉગમાં જે ઉતરે છે તે તેની સ્મૃતિનું મૂર્ત સ્વરૂપ છે. 

જિપ્સીની ડાયરી.                                                      
Posted by Capt. Narendra