એક વ્યાવહારિક વિકલ્પ – વૃદ્ધાશ્રમ

અપેક્ષાઓ (૨)

એક વ્યાવહારિક વિકલ્પ – વૃદ્ધાશ્રમ

ઉમ્મર વધતા શારીરિક નબળાઈઓ ઉપરાંત, તેમાં જ્યારે માનસિક હતાશા ઉમેરાય ત્યારે ડિપ્રેશન આવે એ સ્વાભાવિક છે.  સંસ્કાર અને સંસકૃતિની વ્યાખ્યાઓ ખૂબજ ઝડપથી બદલાતી રહે છે. સમાજ અને કૌટુંબિક પરિવર્તન ખૂબ જ ઝડપથી થાય છે.  ઉમ્મર વધતા વૃધ્ધ પગો નવી વિચાર ધારા અને યુવાજીવન શૈલી સાથે કદમ મિલાવી શકતા નથી.

 સ્હેજે એ વયસ્કો વૃધ્ધાવસ્થાને શ્રાપ માનતા થઈ જાય છે. મન આળું કે ખાટું થઈ જાય છે. શું આપણે ,એટલે કે વયસ્કો આપણી દૃષ્ટિ બદલી શકીયે?

ચાલો બીજી રીતે વિચારીએ.

બે વ્યક્તિ એક જ ટ્રેઈનમાં એકજ દિશામાં મુસાફરી કરે છે. બન્ને વ્યક્તિ બારી પાસે સામ સામેની સીટ પર બેઠા છે.  ટ્રેઈનની ગતીની ઉંધી દિશામાં બેઠેલી વ્યક્તિ પસાર થઈ ગયેલા દૃશ્ય  જુએ છે.  સામેની વ્યક્તિ સામેથી આવનાર દૃશ્ય  જુએ છે.  એક હંમેશા ભૂતકાળ જ જુએ છે.  બીજી વ્યક્તિ આવનાર ભવિષ્ય જુએ છે.

 

જો આજથી પાંચ વર્ષ પછી, પંદર વર્ષ પછી અથવા બાકી રહેલા જીવન કાળ દરમ્યાન શું શું આવશે એની વાસ્તવિક કલ્પના કરી માનસિક તૈયારી રાખીયે તો વૃધ્ધાવસ્થા સહ્ય બનાવી શકાય.

એક વડિલ મોટી ઉમ્મરે અમેરિકા આવ્યા.  ત્રણ ટીનેજર છોકરાઓને લઈને આવ્યા હતા.  પોતાને માટે નહીં પણ પોતાના સંતાનોના  ઉજળા ભવિષ્ય માટે.  પ્રોફેસનની બહારની વીસ બાવીસ વર્ષ જોબ કરી. છોકરાઓ મોટા થયા.  સારા પ્રોફેસનમાં સેટ થયા.  વડિલ નિવૃત્ત થયા.

ત્રણ સંતાનોએ “બાગબાની” કરી દીધી.  કોને ત્યાં  કયા માં-બાપે કેટલો વખત રહેવું અને તે પણ ગણત્રી પૂરક સંતાનોએ નક્કી કરી નાંખ્યું. સક્ષમ હોવા છતાં લાગણીવેડાને કારણે સ્વતંત્ર રહેવાની હિમ્મત કરી શક્યા નહીં.   માતા પિતાએ લાચારીથી જૂદા-જૂદા…ગોઢવાઈ જવું પડ્યું . માંદા પડે તો કોની કેટલી જવાબદારી…, તેમાં પણ પક્ષાપક્ષી… એમને માટે વૃધ્ધાવસ્થા ખરેખર શ્રાપ સમાન થઈ પડી.

ભારત પાછા જવાનો નિર્ણય કર્યો. વીસ-પચ્ચીસ વર્ષના ગાળા બાદ ભારત પણ ખૂબ જ બદલાયલું.  જે સ્વદેશ છોડીને આવ્યા હતા તે હવે પરદેશ હતો. ત્યાં પણ બધું જ બદલાયલું હતું.  જૂની પેઢીના સ્નેહીઓ ક્યાં તો પરલોક સિધાવ્યા હતા અગર તેઓની પરિસ્થિતિ પણ પરાવલંબી થઈ ગઈ હતી.  પાસે થોડું ફંડ હતું.  ભારતના વૃધ્ધાશ્રમમાં જવાનું વિચાર્યું. ન ફાવ્યું. અમેરિકામાં હતા ત્યારે ભારતના સ્વપના આવતા હતા. ભારત આવ્યા પછી મુશ્કેલી હોવા છતાં અમેરિકાની અને સંતાનોની માયા છૂટતી નથી.   પાછા અમેરિકા આવી ગયા.

પહેલી પેઢીના નોર્થ અમેરિકા, કેનેડા કે ઈંગ્લેન્ડમા (જ્યાં શિયાળો આકરો છે); વસેલા વડીલો એક દીવાસ્વપ્ન સંગ્રહી બેઠા હોય છે.  નિવૃત્ત થયા પછી શિયાળો દેશમાં ગાળવો અને બાકીનું વર્ષ અમેરિકામાં ગાળવું.  બે-ત્રણ વર્ષ માટે એવું કરે પણ ખરા; પછી એ મોહ પણ છૂટી જાય.

આવા સંજોગોમાં કયો માર્ગ?  વૃધ્ધ દંપતિએ ક્યાં આશરો શોધવો. અને નિઃસંતાન દંપતિનું શું?  બે સાથે હોય ત્યાં સૂધી તો સમજ્યા પણ એક જ રહી જાય ત્યારે શું?

અમેરિકામાં જેમને મૅડિકેઇડના લાભ મળે છે એમને થોડીક રાહત છે; પણ જેમને એ લાભ મળતો નથી, જેમણે અહીં મૅડિકેરને લાયક નોકરી કરી છે. અહીંના વસવાટ દરમ્યાન કરકસર કરીને થોડી બચત કરી છે એમને તો પાછલી ઉમ્મરે પણ તાણી તોડી ને જીવન જીવવાનું છે.   મૅડિકેઇડ વાળાને જે લાભો મળે છે તે જ લાભોને માટે મૅડિકેરવાળાને ગાંઠના ગોપી ચંદન કરવાનું અઘરું પડે છે.  એમને અમેરિકન નર્સિંગ હોમ પોસાય નહીં, અને પોસાય તો ફાવે નહીં.

હવે અમેરિકામાં જરૂર છે દેશી ઘરડા ઘર.  ગુજરાતી કે અન્ય પ્રાદેશિક વૃધ્ધાશ્રમો.  એવી ઍડલ્ટ કોમ્યુનીટી કે જેમાં એક બેડરૂમ કે સ્ટુડિયો એપાર્ટમેન્ટસ્ હોય. એકાદ નાનો સર્વદેવતા પ્રાર્થના રૂમ હોય.  ઍડ્લ્ટ  કેર માટેની નાના પાયા પર મૅડિકલ સુવિધાઓ હોય.  પરિવાર સાથે પ્રેમ ભર્યો સંબંધ જાળવીને સ્વતંત્ર જીવી શકાય એવી વ્યવસ્થા હોય. તો એ શ્રાપ આશીર્વાદમાં બદલી શકાય.

નવા આવેલા વસાહતીઓ શરૂઆતના દિવસોમાં એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્ષોમા રહેતા હોય છે.  આડોસ-પાડોસ સગા સંબંધી કે મિત્રોનો હોય છે. પરદેશમાં સ્વદેશ હોય એવી અનુભૂતી થતી હોય.  થોડી સ્થિરતા આવે એટલે પોતાના મકાનો લઈને વિખેરાઈ જાય છે.  ઘડપણ આવતા  ફરી એ જ જૂના સમાજ સાથે રહેવાની ઈચ્છા જાગૃત થાય છે. પોતાના જ સમાજના સ્નેહીઓ સાથે “તને સાંભરે રે, મને કેમ વિસરે રે” ની વાતો વાગોળવાનું મન થાય છે.  ઘરના સંતાનોને એવા જૂના ગાંણા સાંભળવાનો સમય નથી.  રસ નથી.

જરૂર છે એક વડિલોને માટે મુક્ત રહેઠાણની.  જ્યાં નર્સિંગ હોમ જેટલો ખર્ચ ન હોય, પરિવાર માટે બિનજરૂરી અંકુશો ન હોય. એકાદ સારી મોટેલને વૃધ્ધાશ્રમમાં કન્વર્ટ કરી શકાય. મફત નહીં, ચેરિટી નહીં, સરળ અને પોષાય તેવી જીવન વ્યવસ્થા અંગે વિચારવાનો સમય પાકી ગયો છે. વૃદ્ધાશ્રમ એ લાચાર જીવનની વ્યવસ્થા નથી. એ સુખદ વિશ્રામની વ્ય્વસ્થા છે.

અમેરિકામાં મૅડિકેડ ધરાવનાર માટે ઘણી સંસ્થાઓ સરસ કામ કરે છે. એ સંસ્થાઓ, સિનિયોર સંસ્થાઓ, અને સમાજના મોભીઓ એકત્ર થઈને વડિલોને અને એમના સંતાનોને સુખદ જીવન બક્ષી શકે.

આ સમસ્યા માત્ર પહેલી પેઢીના વસાહતીઓની જ છે જેમણે પોતાના જીવનનો પૂર્વાર્ધ ભારતમાં ગાળ્યો હોય અને શેષ સમય પરદેશમાં ગાળતા હોય કે ગાળવો પડતો હોય.

જે પેઢી બાળપણથી અહીં જ ઉછરી છે કે જેઓ અહીં જ જનમ્યા છે તેમને ચોક્કસ પણે આજના વયસ્કો જેવી સમસ્યા નથી નડવાની.  એમને ભાષાની મુશ્કેલી નથી. એમના મિત્રો અમેરિકન છે. એમને બૉલિવૂડમાં રસ નથી. એમને હૉલિવૂડમાં રસ છે. એમને ક્રિકૅટનું ગાંડપણ નથી એઓ ફૂટબોલ અને બૅઝબોલ રમે છે. એમના જીવનસાથી ભારતીય જ હોય એવું જરૂરી નથી. શક્ય છે કે ભારતીય ભાષાઓ અને સંસ્કૃતિ નવા ઈમિગ્રાન્ટસ્ પૂરતી જ સિમિત રહેશે.

આ અમેરિકામાં ઉછરેલી પેઢી એમના પુખ્ત ઉમ્મરના સંતાનો સાથે રહેવામાં માનતા નથી.  જોકે એ શરૂઆત અત્યારના સમજુ માંબાપે પણ મને કમને કરી લીધી છે.  કુટુંબો વિખરાતા જાય છે. પાંખ આવતા જ પંખીઓ ઉડતા થઈ જાય છે.  સગાવ્હાલામાં સગપણ એકમાત્ર વ્યવહાર બની જાય અને વ્હાલનું બાસ્પીભવન થઈ જાય ત્યારે વયસ્કોએ પોતાની અપેક્ષાઓનું નવું મૂલ્યાંકન કરવું જ રહ્યું.

અત્યારનું સેકન્ડ જનરેશન ભારતના પોતાના પિત્રાઈઓને ઓળખતા નથી. ઈન્ડિયા જવામાં રસ નથી. ઘડપણ માટે જરૂરી લોંગટર્મ કેર ઈનસ્યુરન્સના પ્રિમિયમ ભરતા હોય છે અને જરૂર પડે સંતાનની પાસે અપેક્ષા રાખવાને બદલે નર્શિંગ હૉમમાં જવાની માનસિક તૈયારી રાખતા હોય છે. એમને માટે નર્શિંગ હોમના પણ ઘણા વિકલ્પો હશે. ગુજરાતી ઘરડા ઘર હોવું જ જરૂરી નથી.

જ્યાં સૂધી ઈમિગ્રશનનો ધીમો પણ મક્કમ પ્રવાહ ચાલુ રહેશે ત્યાં સૂધી બેબી સિટીંગ અને હાઉસકીપીંગ માટે વડિલો આવવાના જ. ઉત્તરાવસ્થામાં એઓ પણ માનસિક યાતના ભોગવવાના જ. એઓને માટે માત્ર બે જ વિકલ્પ.

મને કમને સંતાનો સાથે એમની સગવડને પ્રાધાન્ય આપીને, જીવન જીવવા માંડો અગર થોડી અગવડ ભોગવીને પણ સ્વતંત્ર રહી તણાવ મુક્ત જીવનનો આનંદ મેળવો.

આજના  કહેવાતા અને સાચી નિષ્ઠાવાળા સમાજ સેવકો પણ કુશળ ધંધાધારીઓ છે. ઓછે નફે બહોળો ધંધો કરવાની આવડતવાળા છે. મને ખાત્રી છે સેવા અને મેવાનો લાભ મેળવનાર કોઈક તો વૃધ્ધાશ્રમનો  વ્યાપારિક ધોરણે શરૂ કરવાના શ્રી ગણેશ કરશે.

વડીલોની આ સમસ્યા માત્ર અમેરિકાની જ નથી. પરદેશની જ નહીં આપણા સ્વદેશ ભારતની પણ છે. સાંઠ સિત્તેર વર્ષ પહેલા જે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી તે સાંપ્રત સમયમાં અવ્યવહારુ બની રહી છે. જેઓ આજે પણ સંયુક્ત કુટુંબમાં જીવે છે તેઓ સમજુ હોય તો ઘણી બાંધછોડ કરીને જીવી રહ્યા છે. જીવવું પડે છે. જીવવું જોઈએ. વૃધ્ધાવસ્થા શ્રાપ નથી જ.

જોકે એક ગંગાબા નો રસ્તો જૂદો જ છે. કહે કે હું તો મરીશ ત્યાં સૂધી માથાની થઈને દીકરાની સાથે જ રહેવાની છું. હું કાઈ તમારા ઘરડા ઘરમાં જવાની નથી. મારું ધારેલું ન થશે ગામમાં વાત કરીશ. મેં દીકરાને મોટા કરવામાં ઓછા દુખડા નથી વેઠ્યા. મને તો કોઈ દીકરી નથી. વહુને દીકરી બનતા ન આવડે તો મને સાસુ બનતા આવડી જશે.

વડીલો ઈટ્સ યોર ચોઇસ……  

(This article was published in “Tiranga In New Jersey)

આપે જો આટલું વાચ્યું તો થોડું વધારે…..

નિવૃત્ત થયા પછી મેં વાર્તાઓ લખવા માંડી. મારી  અમેરિકાની પહેલી વાર્તા   “સ્પેસ” ગુજરાત દર્પણમાં પ્રગટ થઈ. એપ્રિલમા ૨૦૧૨માં ગરબડ ગોટાળા વાળો બ્લોગ શરૂ કર્યો અને મારી પ્રથમ વાર્તા સ્પેસ બ્લોગમાં મૂકી. ઘણાં મિત્રોએ વાંચી જ નહીં. એમણે મારા બ્લોગને એપ્રિલ ફૂલ જોક ગણી લીધો….આજે એજ વાર્તા આ જ વિષયની હોવાથી એની લિન્ક નીચે પુનરાવર્તીત કરી છે.

Please click the link.

https://pravinshastri.files.wordpress.com/2012/04/page2078-803.pdf

8 responses to “એક વ્યાવહારિક વિકલ્પ – વૃદ્ધાશ્રમ

  1. Anonymous February 22, 2020 at 9:20 AM

    મારો નંબર …. 96381233091

    Like

  2. kanakraval December 15, 2016 at 7:49 PM

    મારી જણમાં શરદભાઈએ વર્ણવેલા જેવા બે પ્રોજેકટ અમેરીકામાં મોજૂદ છે
    ૧. કેલિફોર્નિયામાં ” પ્રિયા”
    http://priyaliving.com/
    અને
    ૨ . ફ્લોરિડામાં “શાન્તિની કેતન ”
    http://shantiniketan-us.com/common/index.php

    પણ કેટલા તેનો લાભ લઈ શકે કારણકે તે પણ કેટલાને પરવડે?
    પહેલેથી યોજેલી બચત હોયતો તે પોસાયં .
    Nest egg should outlive the life span.

    પણ આપણે ચર્ચેલા બે પેઢિ વચ્ચેના સહનિવાસના કોયડા દુનિયાભરમાં રહ્યા છે .ઘેર ઘેર માટીના ચૂલા અને બાપા કાગડો . આ ડોલરિયા દેશમાં પણ “હોમલેસ પિપલ” ની નાતમાં ઘણા કુટુંબથી તજાએલા હોય છે. આ એક વાસ્તવિકા છે .

    Liked by 1 person

  3. Pingback: ( 866 ) અમેરિકાના ગુજરાતી પરિવારોની અપેક્ષાઓ ….. લેખક- શ્રી પ્રવીણ શાસ્ત્રી | વિનોદ વિહાર

  4. pravinshastri May 21, 2015 at 7:44 AM

    શરદભાઈ આપના પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર. પરદેશમાં જીવનનો ઉત્તરાર્ધ વિતાવનાર દંપતીમાંથી એકની વિદાય પછી એકલી પડેલી વ્યક્તિ માટે તો આવા આવાસ નિવાસના સથવારાની ખુબ જ આવશ્યકતા છે.

    Like

  5. Sharad Shah May 21, 2015 at 4:22 AM

    સાંપ્રત સમયની આ એક ગંભિર સમસ્યા છે. હું કન્સલ્ટન્ટ તરીકે નોકરી કરતો હતો ત્યારે દિલ્હીની એક પ્રતિષ્ટિત કંપનીએ મને લગભગ પ્રવિણભાઈએ દર્શાવેલ છે તેવા જ કંશેપ્ટ પરના એક પ્રોજેક્ટ પર મારું મંતવ્ય અને સુચનો માટે આમંત્રિત કરેલ. આ કંપનીના એક ડાયરેક્ટર પોતે દિલ્હીના નામી સર્જન છે અને તેમના પરિવારમાં બે વહુઓ અને એક પુત્ર પણ ડોક્ટર છે. તેઓની પોતાની એક મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ દિલ્હીના પોશ વિસ્તારમાં આવેલી છે. તેઓ પાસે ગુડગાંવમાં ૫૬ એકર જમીન હતી જેમાંથી તેઓ ૨૦ એકર જમીનમાં આવો વૃધ્ધાશ્રમ શરુ કરવા ઈચ્છતા હતા. આજથી લગભગ છ વર્ષ પહેલાં આ વૃધ્ધાશ્રમની મેમ્બર ફી ૫૦ લાખ હતી. પતિ-પત્ની સાથે મેમ્બરશીપ લે તો ફી ૭૫લાખ હતી. ઊપરાંત દર મહિને માથાદિઠ રુપિયા ૨૦,૦૦૦/- મેઈન્ટનન્સ ફી તેઓએ રાખેલ.
    કુલ ૨૮૦ બ્લોક અને ૩૮૦ વૃધ્ધોનો સમાવેશ કરી શકાય ત્વો આ પ્લાન હતો. આ વૃધ્ધાશ્રમની બાજુના પ્લોટમાં જ તેઓ એક અન્ય મલ્ટિસ્પેશ્યાલીટી હોપીટલ અને હોટલ ચાલુ કરવા માંગતા હતાં.
    અમારી ચર્ચાનો હેતુ હતો કે વૃધ્ધો માટે કઈ કઈ ફેસિલીટી અને એમેનિટીસ રાખવી જે સમાજના સમૃધ્ધ લોકોને મેમ્બરશીપ માટે આકર્ષી શકે અને મેમ્બરશીપ ટ્રન્સ્ફરેબલ રાખવી કે નહી. એ સિવાય પણ અનેક કાયદાકિય અને અન્ય પાસાઓનો વિચાર વિમર્શ કરવાનો હતો. બે દિવસની આ ચર્ચામાં બીજા પણ ચાર નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવેલ.ખુબ સારા સજેશનો આવેલાં અને આ પ્રોજેક્ટ સફળ થઈ શકે તેમ લાગેલ. કોઈ મિત્રોને ને આ બાબતે રસ હોય અને આવો પ્રોજેક્ટ કરવા માંગતા હોય તો મારો સંપર્ક કરી શકે છે.વિગતે ચર્ચા અહીં સંભવ નથી. નહીતો અન્ય વાચકો કંટાળી જશે.

    Liked by 1 person

  6. pravinshastri May 20, 2015 at 10:23 PM

    Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:

    લગભગ બે વર્ષ પહેલા લખાયલો આ લેખ આજે ફરી મારા નવા વયસ્ક વાચક મિત્રો માટે રજુ કરું છું. સૌ મિત્રોને આપના વિચારો કોમેન્ટ દ્વારા જણાવવા હાર્દિક આમંત્રણ.

    Like

  7. pravinshastri September 23, 2013 at 8:48 AM

    દાવડા સાહેબ, સાદર વંદન. આપની વાત સાચી છે. હલકી કક્ષાની નથી જ. જો પુખ્ત સંતાન સાથે જ જીવન જીવવું પડે એવું હોય તો મને કે કમને ઘણી વાત્માં બાંધછોડ કરવી જ પડે. જીવનના દરેક ક્ષેત્રમાં એ લાગુ પડે.
    હું આપની એ વાત પણ સાચી જ છે કે માંબાપે જરૂર કરતાં વધારે લાગણી વશ થઈને સંતાનો માટે આંધળો ખર્ચ કરતા પહેલા પોતાના ભવિષ્ય માટેની જોગવાઈ પોતાની જુવાની દરમ્યાન કરવી જ જોઈએ. ઘણીવાર મોટા થયેલા સંતાનોની માંબાપની જાળવણી કરવાની શક્તિ મર્યાદિત હોય, બન્ને પક્ષે સ્વભાવનું દુઃખ હોય કે વહુ-જમાઈનું વર્ચસ્વ હોય ત્યારે દુઃખી થવાના વારા જ આવે. આજ સુધી અમારુ કુટુંબ ત્રણપેઢી સાથે જીવ્યું છે. મારા સંતાનો એમના ઘડપણમાં એના પૌત્ર પૌત્રીઓ સાથે નથી રહેવાના એની ૧૦૦% ખાત્રી છે. દાવડા સાહેબ આપણે બન્ને જીવના સાતમા દાયકા માં છીએ. માનું છું કે આપણે બન્ને સુખી છીએ. પણ ઘ્ણાં વૃદ્ધો શારીરિક, માનસિક આર્થિક રીતે રિબાય છે. આપનો પ્રતિભાવ ગમ્યો.

    Like

  8. P.K.Davda September 23, 2013 at 12:25 AM

    બાગબાન ફીલ્મની જેમ મા-બાપની જવાબદારીનો હિસાબ કરતા દિકરાઓની શાન ઠેકાણે લાવવાનો એક સરળ ઉપાય છે. પુત્ર જન્મે ત્યારથી એ કમાતો થાય ત્યાં સુધી એના ઉપર કરેલા ખર્ચનો હિસાબ લખીને એને આપવો અને એ સારી રીતે રાખવા તૈયાર ન હોય તો એની પાસેથી વ્યાજ માફ કરી માત્ર મુદ્દલની માગણી કરવી, એનામાં જરા પણ શરમ વધી હશે તો એ સમજી જશે. જો કદાચ એ પૈસા આપવા તૈયાર થાય તો એટલા પૈસામાં તમારી બાકીની જીંદગી સુખ ચેનમાં નીકળી જશે. એના ધ્યાનમાં એ પણ વાત લાવવી કે હિસાબમાં એની જે સાર સંભાળ રાખી એનો કોઈ ચાર્જ લગાડ્યો નથી, માત્ર ખર્ચનો જ હિસાબ માગ્યો છે.

    લોકો કહે છે જમાનો બદલાયો છે, વડિલોએ સમજદારી દર્શાવવી જોઈએ, આ વાત માત્ર લાચાર લોકોની લાચારી જ છે, જેનો લાભ લઈ બાળકો જવાબદારીમાંથી છૂટી જાય છે.
    બીજો રસ્તો એ છે કે જીવન દરમ્યાન પોતાના ભવિષ્ય માટે પૂરતી સગવડ કર્યા બાદ જ છોકરાઓના ભવિષ્ય માટે ખર્ચ કરવો.
    મારી આ વાતો હલકી કક્ષાની ગણવામાં આવશે, પણ કોઈ બીજો રસ્તો બતાવે તો હું મારો મત બદલવા તૈયાર છું.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: