રિવર્સલ -૫

આજે પાછા પટેલબાપાની રોઝી સાથેના પરાક્રમની નાટ્યાત્મક વાર્તા . જુઓ ને લોકો કેવી કેવી વાતો કરે છે!!!

રિવર્સલ ૫

(વાર્તા # ૬૨)

‘અરે! હાંભળો છો? બુમ પાડી પાડીને થાકી. બેરા થઈ ગયા?’

બિચારો વિનોદ ધીમેથી બબડ્યો.

‘બે’રો હોત તો બાપાના દોસ્ત શાસ્ત્રીકાકા જેવો સુખી હોત.’

‘તમે શું બોલ્યા એ મેં સાંભળ્યું છે હોં! કાકી કે’તાતા કે કાકા તો મતલબી બે’રા છે.  તમે મારી સાથે એવા નાટકવેડા ના કરતાં હોં! ફોનની આટલી આટલી રીંગ વાગે છે તોયે ઉપાડતા નથી. બાપાને માટે રોટલા, તમારે માટે ભાખરી, તમારા દીકરા માટે ચીઝ પરોઠા….. મારા હાથ નવરા નથી. જલ્દી ફોન ઉપાડો. સ્પીકર ચાલુ કરી ફોન અહીં મુકી જાવ. આમ બાઘાની જેમ મારી સામુ ના જોયા કરો. તમારી નજર ક્યાં કાયાં ઠરે છે તે મને ખબર છે. ફોન લાવો, ફોન.’

‘હલો કાંતામાસી કેમ છો? ઘણા વખતે મને યાદ કરી!’

‘અરે! માયા. હમણાં તો સમય જ નથી મળતો. હવે તો અમારા ડે કેર સેન્ટરમાં જાત જાતની પ્રવૃત્તિ વધારી દીધી છે મને દબાણ કરીને પરિવર્તન ક્લબની પ્રેસિડન્ટ બનાવી છે. હવે બધા ડોસલાઓ, સોરી બધા સિનિયર્સ એક સેન્ટરમાંથી બીજા સેન્ટરમા કુદાકુદ કરતા થઈ ગયા છે. મારે છોડી ગયેલાઓને પાછા લાવવા છે. જોને તારા પપ્પા પહેલા અમારી સાથે હતા. એમની સાથે બધી લેડિઝને મજા આવતી હતી. એણે અમારું સેન્ટર છોડી દીધું, એની સાથે પાંચ લેડીઝ પણ કોઈ બીજા સેન્ટરમાં ચાલી ગઈ. કહે કે વિઠ્ઠલજી વગર મજા જ નથી આવતી. મને બધાને પાછા ખેંચી લાવવાનું કહ્યું છે. હું જરા તારા પપ્પા સાથે ટોક કરી શકું. તારા પપ્પાતો માઈ ખાસ ફ્રેન્ડ હતા.’

‘કાંતામાસી, એ મારા પપ્પા નથી હોં! એ તો મારા ફાધર ઇન લૉ છે. મારા પપ્પા તો કોઈ લેડિઝ સાથે દોસ્તી રાખતા જ નથી. બહુ જ સીધા હોં. મારી મમ્મીનો ડોળો ફરે એટલે મારા પપ્પાતો ગમે તેવી રૂપસુંદરી હોય, આંખો બંધ જ કરી દે. મારા ફાધર ઈન લૉની વાત કરતા હોય તો એ તો  મારા નૅબરને ત્યા ગયા છે.’

‘પણ તારી બાજુમાં તો કોઈ અમેરિકન વિડો રહે છેને?’

ના માસી એ વિડો નથી. એણે એના વરને ફારગતી આપી છે પણ એના વર સાથે બધો વ્હેવાર ચાલુ રાખ્યો છે.  અંદરખાને બધો; સમજી ગયાને! બધ્ધો જ વ્યવહાર ચાલુ રાખેલો છે.  બાપાની સાથે તો ખાલી ફ્રેન્ડશીપ છે હોં.  બાપા માટે ખોટું ધારશો નહીં.   અમારું ફેમિલી તમે માનો એવું નથી હોં. અમારા ફેમિલી સાથે પાક્કી ફ્રેન્ડશીપ છે. અમારા માટે કાયમ ગિફ્ટ હો લાવે છે હોં. ખોટું ન બોલાય. માયાએ બાપાના ડિફેન્સ માટે અચકાતા અચકાતા સ્ટેટમેન્ટ આપ્યું.’

‘એક વાત કહું?   કોઈને કહેતી નહીં આતો પેલી રમા છેને! તેણે મને ખાનગીમાં કહેલું તે વાત કરું. સાચું જૂઠું તો ભગવાન જ જાણે. આ અષ્ટમી પર રાતે તારા બાપા!…’

‘માસી…. એ મારા બાપા નહીં. વિનોદના બાપા…’

‘એતો બધું એકજ કહેવાય.. સસરાને પણ ન છૂટકે બાપ કહેવા પડે. અહીંની અમેરિકન વહુ હોય તો માત્ર વિઠ્ઠલ કહે કે મિસ્ટર પટેલ કહે. આપણે તો આપણી સંસ્કૃતિ જાળવે જ છૂટ્કો. જો હું આડી વાત પર ચડી ગઈ. હું કેતી’તી…ના હોં રમા કેતી’તી કે તારા બાપા હરે ક્રિશ્ન મંદિરમા કોઈ ગોરકીને લઈને ગયેલા. ગોરકીએ લાલ સાડી પહેરેલી. બાપાની સાથે  ગોરકીએ ક્રિશ્નની ધૂન મચાવી. હડે રામા હડે ક્રિશ્ના હડે રામા હડે ક્રિશ્ના બસ પછી રામાને ક્રિશ્ના કેન્સલ કરીને એણે બે હાથ ઉંચા કરીને ચૈતન્ય ભગવાનની જેમ નાચવા માંડ્યું. બાપાએ તો જીન પહેરેલો. એણે પણ બે હાથ ઉંચા કરીને નાચવા માંડ્યું. પણ એ તો બન્ને હાથની આંગળીઓ ઉંચી કરીને ભાંગડાની સ્ટાઈલમાં ડેન્સ કરતા હતા. હડે રામા હડે રામા કરતા કરતા ગોરકી તારા બાપાને સોરી વિનોદના બાપાને વળગી પડેલી. સાચું ખોટું તો રામ જાણે પણ રમા કેતી’તી કે ગોરકીએ તારા બાપા, સોરી વિનોદના બાપાને કિસ હો કરેલી. કોઈએ એવું સાભ્ળ્યું છે કે કોઈ ગોપીએ રામને કીસ કરેલી?  છોકરાંઓ તો ના સમજે પણ ડોસલાઓએ તો સમજવું જોઈએને!! મંદિરમાં દર્શન કરવા જવાનું હોય. હડે રામ ભલ્લે બલ્લે કરવા જવાનું ના હોય.’

‘માસી, તમે હો મંદિરે ગયેલા?’

‘ના બેન, અમે તો મારે ઘેર તીન પત્તીનો પ્રોગ્રામ રાખેલો. મંદિરની તો ધક્કામુક્કીમાં આપણું કામ નહી. રમા પણ અમારી સાથે જ હતી.’

‘તો કાંતામાસી, રમામાસીને કેવી રીતે ખબર પડી કે એ વિનોદના બાપા જ હતા? કદાચ કોઈ બીજું પણ હોય!

એને તો પેલા જમનાબેન ખરાને! તેણે વાત કરેલી. જમનાબેનને વારતહેવારે મંદિરે મંદિરે ભટકવાની ટેવ છેને, એટલે બધી જ ખબર પડે.’

‘અમારા, આઈ મીન વિનોદના બાપા જમનાજાડી કહીને બોલાવે છે તેની વાત કરો છો?’

‘હેંએ… ખરેખર તારા, આઈ મીન વિનોદના બાપા જમનાબેનને,  જમના જાડી કહે છે? ચાલ મારો ફોન નકામો નથી ગયો. તારી પાસે મજાની વાત જાણવા મળી. જમનાજાડીજ ને?’

‘ના બા. કોઈને કહેશો નહીં કે માયાએ કહ્યું છે. કદાચ બીજા જમનાબેન પણ હોય.’

‘ના, ના એજ…એ જ જમનાબેન. હંમેશા તારા, સોરી વિનોદના બાપાને એ શોધતી રહે છે ને તારા, સોરી વિનોદના બાપા મો સંતાડતા ફરે છે. જુવાન હતી ત્યારે હેમામાલિનીનો વ્હેમ રાખીને ફરતી’તી. માંગા પણ આવતા’તાં પણ  નખરા કરવામાં ને કરવામાં હસબંડ વગરની રહી ગઈ. હવે માયાવતી, સોરી, આઈ મીન તું નહીં હોં, પેલી પોલિટિશીયન માયાવતી જેવી દેખાય છે. ખોટું ના લગાડતી. તું કાંઈ છેક માયાવતી જેવી નથી લાગતી. જમની બાપા પાછળ પડી છે. બાપાને જરા ધ્યાન રાખવાનું સમજાવી દેજે. ‘

‘કાંતામાસી,  બીજો ફોન આવે છે.’

‘અરે, અરે બાપાને કહેજે કે ક્યુટ કાંતાને ફોન કરે. વિઠ્ઠ્લજીએ જ મારું નામ ક્યૂટકાંતા રાખ્યું છે. કોઈ કોઈવાર કાંતાની બાદબાકી કરીને એકલી ક્યૂટી જ કહે. એને અમારા સેન્ટરમાં પાછા લાવવાના છે.’

માયાએ ફોન ઓફ કરી દીધો.

‘ક્યુટ, માઈ ફૂટ. કાંતુડી…. મને હો માયાવતી કે’વા બેઠી છે….ચાંપ્લી,’

‘અરે, હાંભળો છો? કઉં છું હાંભળો છોઓઓઓ?’……. માયાએ જોરદાર ગર્જના કરી.

‘કેમ બુમાબુમ કરે છે. જ્યારથી ઘરમાં ઓફિસ કરી છે ત્યારથી જરાએ કામ થતું નથી. હાંભળો છો…હાંભળો છો…હાંભળો છો.    આના કરતાં તો પાછો ઓફિસ બિલ્ડિંગમાં મુવ થઈ જાઉં તો શાંતીથી કામતો થઈ શકે.’

‘મને ખબર છે કે તમારે કેમ ઓફિસ બિલ્ડિંગમાં પાછા જવું છે. ત્યાં જશો એટલે પાછી પેલી મોનિકા સેક્રેટરીને રાખશો. બાપ તેવા બેટા.’

‘ચાલ હવે મારી અને બાપાની પ્રશસ્તિ કર્યા વગર જલ્દી કહી દે કે શું કામ છે?’

‘કામ કંઈ નથી.  તમ તમારે તમારું કામ સુખ્ખેથી કરો. અને કોઈ બી લેડિઝનો ફોન આવે તો લેતા નહીં. હવે મારાથી તમારા બાપાના પરાક્રમોની ગાથા નથી સહન થતી. તમારે શું?  આબરૂતો મારી જાય છેને! લોકો તારા બાપા, તારા બાપા કરીને વાત કરે છે. લો આ ફોન પણ અહિંથી મુકી દો.’

પાછી રીગ વાગી.

‘અરે! ક્યાં ચાલ્યા! ફોન લેશો નહીં પણ જરા જૂઓ તો ખરા. કોનો ફોન છે!’

‘એક બ્યુટિફુલ લેડીનો છે.’

‘વળી પાછી કઈ નવરી નીકળી પડી. હું કિચનમાંથી પરવારતી જ  નથી ને મારા સિવાય બધી જ નવરીઓ ને જલશા છે.. કોણ છે નવરી?  અરે, ભલા માણસ કોણ છે, કોનો ફોન છે એટલું તો કે’તા જાવ. ચાલવા માંડ્યું છે તે!’

‘છે એક નવરી કામ ધંધા વગરની લેડી.’

‘પણ કોણ?’

‘બીજું કોણ, મારા પરમ પૂજ્ય સસરાજીના મહાબુદ્ધિશાળી ધર્મપત્ની નવરા સાસુજી…. તારી મમ્મી.’

‘લાવો લાવો. બાપ દીકરાને વાણીવિવેકનું ભાન જ નથી ને! ડોહાનું તો  રિવર્સલ થઈ ગયું છે.  ઘરડે ઘડપણ ગુંલાટ મારીને  મોડર્ન થવું છે. નવો જમાનો માણવો છે. અરે! બાપાનુંતો ફરી ગયું છે ફરી! હવે તમે હો ફાટવા માંડ્યા છો. મારી મમ્મી વડીલ કહેવાય એટલો તો ખ્યાલ રાખો. લાવો ફોન આપો અને તમ તમારે કામે લાગો. બિચારી ક્યારની ફોન કરતી હશે ને તમે તો રીંગ સામુ જોયા કરો છો. રીંગ જોવા માટે નહીં પણ સાંભળવા માટે હોય છે. લાવો, લાવો. જલ્દી ફોન આપો.’

‘લો માયાદેવી, નિરાંતે ત્રણ ચાર કલાક માતુશ્રી સાથે સત્સંગ કરો. મારે એટલો સમય તો શાંતી. સ્પિકર ઓન છે.’

‘હાય મમ્મી. જય સ્વામિનારાયણ.’

‘જય સ્વામિનારાયણ બેટી. વિનોદના બાપા ઘરમાં છે?’

‘ના ઘરમાં નથી. એમનું કાંઈ કામ હતું?’

‘ના આ તો તને થોડી સલાહ આપવાની છે.  વાત એમ છે કે તારા મુંબઈવાળા ગોરધનમામા ખરાને, તેની દીકરી ધાત્રી ઈન્ડિયા ડે પરેડમાં ગયેલી તેણે ખાસ ઉતારેલો વિડિયો મોકલેલો. ખાસ તો એટલા માટે કે ધાત્રી રાઘિકા સાથે કોલેજમાં સાથે ભણેલી.આ વર્ષે રાધિકા પરેડની ગ્રાન્ડ માર્શલ હતી,   એ તો તને ખબર છેને?’

‘મમ્મી કોણ રાધિકા? તું જ્યારે જ્યારે વાત કરે ત્યારે હું પહેલા તો ગુંચવાઈ જાઉં છું.’

‘રાધિકા, ન ઓળખી?   હમ પાચની બહેરી અને બગડેલી આંખવાળી રાધિકા.’

‘ઓહ મમ્મી એમ કહેને કે પેલી વિદ્યા. ઓળખી. પેલી ગંદી ફિલમવાળી ને? મને તો બધાની સાથે બેસીને જોવાની હો શરમ લાગે. એમણે તો બાપા અને ટેણકા સાથે બેસીને ચાર પાંચ વાર ગંદી ફિલમ જોઈ હશે. એક વખત આખ્ખી જોયા પછી  કેટલીયે વાર ફાસ્ટ ફોરવર્ડ અને રિવાઈન્ડ કરતા કંઈ ન જોવા જેવું જ જોયા કરતા હતા.’

‘હાં તો ધાત્રીની શું વાત કરતી હતી?   ધાત્રી વિદ્યાને મળેલી?’

‘ધાત્રી એને મળવા ગયેલી પણ એ રાધિકાએ તો ધાત્રીને ઓળખેલી જ નહીં. એટલે એણે ગુસ્સે થઈને બીજા બધા ફ્લૉટના વિડિયો લીધેલા. એણે મને કહેલું કે આમાં એક ફ્લોટ ખૂબ ફની અને મજાનો છે.’

એ ફ્લોટ આગળ વિનોદના વાપા ઘૂસી ગયેલા.’

‘ગુજરાતના ફ્લૉટ્ની આગળ વિનોદના બાપા વિઠ્ઠલજી ચાલતા હતા.  એમણે બુદ્ધિ વગરના ઈન્ડિયન જૉકર જેવા કપડા પહેર્યા હતા. બાપાએ ધોતિયું,ટી શર્ટ, ટાઈ અને માથે નરેન્દ્ર મોદી મત માંગવા જાય ત્યારે પહેરે તેવી પાધડી બાંધી હતી. છેક કાર્ટૂન જેવા લાગતા હતા.   તેની એક બાજુ તારી પાડોસણ ખાદીની સફેદ સાડી પહેરીને હાથમાં ગુજરાતના નકશા વાળો ઝંડો લઈને ચાલતી હતી. બીજી બાજુ બનતા સૂધી પાડોસણની કોઈ સગી બીચ પર રખડતી હોય એમ ગોગલ્સ અને બિકીનીમાં અમેરિકન ફ્લેગ લઈને ચાલતી હતી. પટેલ પેલી બન્નેની કમ્મર પર હાથ લપેટાવીને ઉછળતા કૂદતા સ્લોગન બોલાવતા હતા.

અમેરિકન ગુજ્જુ ફ્રેન્ડ…ફ્રેન્ડ.’ ….‘મહાગુજરાત ઝિંદાબાદ.’ …..‘પી.એમ્ નરેન્દ્ર મોદી હમારે ભગવાન હૈ.‘

‘આ માત્ર પાંચ મિનિટ માટે જ ચાલ્યું. કોઈ કોંગ્રેસીએ ફરિયાદ કરી કે પરેડના નિયમ પ્રમાણે કોઈ પોલિટિકલ પાર્ટીના સ્લોગન એલાઉ ન હતા. સ્વયંસેવકોએ પટેલને ટાંગાટોળી કરીને પરેડમાંથી બહાર કાઢ્યા. આ વિડિયો માત્ર પાંચ જ મિનિટનો છે પણ તારા બાપાની ઈજ્જતના કાંકરા કરી નાંખ્યા છે. વિનોદના બાપાને કારણે અમારે પણ નીચું જોવું પડે છે.’

‘ધાત્રી તો બિચારી બાપાને ન ઓળખે પણ મામા તો ઓળખેને?   એણે તો મને એવો ઠપકો આપ્યો કે આખી રાત ઉંઘ નથી આવી. કહે કે તેં આપણી દીકરીને આવા સંસ્કાર વગરના બાપના ધરમાં નાંખી છે?  હું તને વિડિયોની કોપી મોકલી આપીશ. વિઠ્ઠલજીને ટાંગાટોળી કરીને લઈ જતા હતા તે તારા બધા સાસરીયાને પણ બનાવજે.’

‘મમ્મી હવે દાજ્યા પર ડામ દઈને ઉપર મીઠું મરચું ના ભભરાવ. આપણે હુરત વાલા એ લોકો નડિયાદ વાળા. એ લોકો જરૂર કરતા વધારે ડાહ્યા. આપણે જરૂર કરતાં વધારે મુરખ. વિનોદના નાનાકાકા ભરતભાઈ તો કેટલા સીધા સીધા માણસ. વિનોદ હો બૌ કહ્યાગરો. પણ બાપા જ વંઠી ગયા. રડી પડતા માયા એ ઠૂંઠવો મુક્યો. હેં..એ..એ…એ’

‘જો માયા દીકરી એમ રડવાનું નહીં.’

‘તો પછી કોઈ રસ્તો બતાવ. મને મારા ટોનીની ચિંતા થાય છે. બાપજીની શિક્ષાપત્રી ડોહાએ લોન્ડ્રીમાં નાંખી છે.   કંઈક રસ્તો બતાવને!’

‘હવે બાપાને સુધારવાને તું અમેરિકન થઈ જા.’

“અત્યારે તું સ્પિકર ફોન પર છેને?’

‘હા મમ્મી.’

‘પહેલા તું સ્પિકર બંધ કરને મારી વાત સાંભળ.’

‘ઓકે મમ્મી.’

……..

‘બરાબર…હાં હાં મમ્મી તું ખૂબ સ્માર્ટ છે હોં…બરાબર…હાં, હાં બરાબર એજ લાગના છે.’

                                                *************************

માયાની મમ્મીએ બાપાને સીધે રસ્તે લાવવા શું સલાહ આપી તે જાણવા માટે આવતે મહિને ‘રિવર્સલ ૬’ વાંચવા તૈયાર રહેજો

2 responses to “રિવર્સલ -૫

 1. ગોદડિયો ચોરો… October 2, 2013 at 12:32 PM

  શ્રી પ્રવિણભાઇ,

  જામે સે પટેલ બાપા જામે સે ને ભાષાનો રંગ અનેરી વાતો લાવે છે.

  જય હો પટેલ બાપાનો જય હો.

  Like

 2. Dr.Chandravadan Mistry September 27, 2013 at 3:58 PM

  આજે પાછા પટેલબાપાની રોઝી સાથેના પરાક્રમની નાટ્યાત્મક વાર્તા …..And then the 6th
  Nice !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  See you @ Chandrapukar again !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: