રિવર્સલ ૭

રિવર્સલ ૭

નાટ્યાત્મક વાર્તા

    ‘અરે! હાંભળો છો?.….. આખો દિવસ ઓફિસમાં ભરાઈને, ફાઈલોમાં જ માથું ઘાલીને બેસી રહો છો. ફેમિલી સાથે વધારે સમય મળે એટલા માટે તો ઘરના બૅઝ્મેન્ટમાં ઓફિસ કરી છે. જરા મારી સાથે તો બેસીને વાતો કરો. જરા ઉપર આવો. બાપા કંઈ નવી વાત લાવ્યા છે. જરા જલ્દી ઉપર આવો.  અરે! સાંભળ્યું કે?   બળ્યું કેટલી બુમો પાડું છું; …… અરે! હાંભળો છોઓ?

    ‘આ આવ્યો.  જ્યારે ઓફિસ બિલ્ડિંગમાં મારી ઓફિસ હતી ત્યારે સારું હતું. કામ સારી રીતે થતું હતું. મદદમાં મીઠ્ઠી મધુરી સેક્રેટરી મોના હતી. બ્લોન્ડ એન્ડ બ્યુટિફુલ રિસેપ્સનિસ્ટ લિસા પણ હતી. બધું કામ ફટાફટ થતું હતું.  તને એમ કે પોલિટિશીયનનોની જેમ હું  પણ બધી છોકરીઓ સાથે લફડા કરવા જ છોકરીને હાયર કરું છું. જેને ધંધો કરવો હોય, તેઓ કામ કરાવવા માટે છોકરીઓ રાખે છે. નોકરી કરતી છોકરીઓને પોતાના બોયફ્રેન્ડ કે ફેમિલી હોય છે. પણ તને તો મારા પર વિશ્વાસ જ  નથી એટલે ઘરમાં જ ઓફિસ કરાવી  ને મને બેઝમ્રેન્ટમાં ગોંધી દીધો. કહેતી હતી કે હું ઓફિસ કામમાં મદદ કરીશ,  બારડોલી કોલેજમાંથી હું પણ બી.એ. થયેલી છું.     શરૂઆતમાં બે ત્રણ દિવસ મદદ કરવા આવીને મારા કામમાં છબરડા વાળી ગઈ.  હજાર વખત મમ્મીજીના ફોન આવે. કામ છોડીને એકતા કપુરની  સીરીયલ જોવા ઉપડી જાય.  વિન્ડોમાંથી કર્ટેન ખસેડિને રોઝી આમ કરે છે અને તેમ કરે છે તે જોયા કરવું છે. જેમ તેમ કરીને એકલો કામ કરતો હોઉં ત્યારે થોડી થોડી વારે બસ હાંભળો છો…હાંભળો છો. મને બે સેક્રેટરી હાયર કરવા દે, પછી બસ તારી સાથે બેસી રહીશ.’ 

     ‘હવે, તમારું લેક્ચર બંધ કરો!  મને ખબર છે, તમારે તો ગમે તે બહાને  લપુકડીઓને ઘરમાં ઘાલવી છે. અને પછી  હની,  સ્વીટી,  ડિયર,  બૅબ કહીને તેમની આજુબાજુ રાસ રમ્યા કરવા છે. બિચારીઓએ લંચમાં લઈ જવી છે.  બિચારીઓને  ક્લાયન્ટ સાથે મિટીંગમાં લઈ જવી છે અને બિચારી પાસે કાર નથી; જરા   ઘરે મુકવા જવું છે.  હું ભલે ગામડાની છું પણ  મને બધી સમજ પડે છે હોં.   તમે તમારા બાપાના જ દીકરા છો ને! …બાપા તો બા ગયા પછી રવાડે ચડ્યા.   તમારે માટે હું જીવતી છું અને  તમારે તો….. મારી નજર સામે મોનિકા સાથે….

    ‘લે આ, આવી ગયો.  હવે તું તારું ભાષણ બંધ કર.  બોલ મને પ્રેમની વાત સાંભળવા જ બોલાવ્યોને?   ગીવમી વન કિસ.   હની તારા જેવી રૂપસુંદરી ઘરમાં  હોય પછી મારે બીજે ફાંફાં શા માટે મારવા.’

    ‘ડાર્લિંગ આઈ લવ યું. મેં ફોટામાં તારી બ્યુટિફુલ બૉડી જોઈને વગર ઈન્ટર્વ્યુએ તને પસંદ કરી હતી.  ફોટામાં  તારું બારડોલી બ્રેઈન નહોતું જોયું.   આહા! યુ આર ધ મોસ્ટ બ્યુટિફુલ ગર્લ ઈન થે હોલ્લ વર્લ્ડ.

    ‘બસ બસ હવે આધા ખશો!   જરા  બોલાઉં એટલે બાઝવા જ આવો છો.  બાપા કિચનમાં જ છે,    બાપાની થોડી શરમ, મર્યાદા રાખતા શીખો.   આવીને ચોંટી પડવાની જ ટેવ પડી છે!  ચાલો ચા પીતા પીતા બાપાની વાત સાંભળીયે.     મારેયે તમને કઈ કહેવું છે પણ તમને તો મારી વાત સાંભળવાની ફુરસદજ ક્યાં છે?

            ‘આવ બેટા વિનોદ. માયાની વાત સાચી છે.  તારે કામમાં થોડો બ્રેક લેવાની જરૂર છે. બે ત્રણ છોકરી હાયર કરી લે. વધારે ક્લાયન્ટ મળી રહેશે. દેખાવડી છોકરીઓને કામને માટે નહીં પણ વિન્ડો ડ્રેસીંગ તરીકે ઓફિસમાં રાખો તો એ પણ માર્કેટિંગનું કામ કરે.  બિચારી માયાને માટે પણ તારે થોડો કાઢવો જોઈએ. તું પૂરતું કમાય છે. આખો દિવસ ભોંયરા જેવા બેઝમેન્ટ ઓફીસમાં પડી રહેવાનો અર્થ નથી.  ઈન્ડિયામાં પણ આપણી પાસે પુરતું છે.  હવે હું ખોટી મેડિકેઈડ અને એસ.આઈ પણ નથી લેવાનો. માયા દીકરીની ચિકણાશકરકસરની સરહદ ઓળંગીને કંજુસાઈના એરિયામાં ઘૂસી ગઈ છે. અત્યારે તમે યુવાનીમાં ન ભોગવશો તો ક્યારે ભગવશોઅને હવે મારે કેટકા વર્ષ જીવવાનું?   અડસઠતો થયા. બહુ બહુ તો ત્રીસ પાંત્રીસ વર્ષ જ જીવવાનું છે ને?   બસ આનંદથી જીવો અને મોજ કરો.’

    ‘બાપા,  તમે લંચ લીધા પછી રોઝીને ત્યાં ગયા હતા. હમણાંજ આવ્યા. રોઝીને ત્યાં શું ઢીંચીને આવ્યા છો. દીકરાને સારી સારી સલાહ આપો છો.  કહો છો કે થોડી છોકરીઓ ને ઘરમાં ઘાલી દે. તમે તો દારુ પીધો પણ વાંદરને હો દારુ પીવડાવીને નીસરણી આપો છો! મદદ જોઈતી હોય તો ઈન્ટર્વ્યુ લઈને  હું હાયર કરીશ, સમ્જ્યા. કોઈ જુવાન છોકરીને હાયર કરે તો પટેલ દીકરો કુદવા માંડે અને ડોસીને હાયર કરીએ બાપા એને ડિસ્કો શીખવવા જાય. હું તો કોઈ ડોસાને જ પાર્ટ ટાઈમ હાયર કરું! માયાને દીકરી બનાવી દીધી. રોઝીની સાથે કંઈ પૈસા ઉડાવવાનો પ્લાન કર્યો લાગે છે. બાપા મફતના મેડિકેડ ને પાંચ કલાકનું ડે કેરનું મફતનું ખાવાનું છોડી દેવાનું કાણે સમજાવ્યું?’

    ‘મેડિકેઈડ લીધા પહેલા ૭ લાખ ડોલર મેં તારા ખાતામાં જમા કરાવી દીધા હતા તે ભલે તારી પાસે રહે પણ જે રેગ્યુલર ચેક આવે છે તે હવે મારી પાસે જ રાખીશ. વધારે જોઈશે તો તમારી પાસે માંગી લઈશ બરાબર છેનેઆપણે ગાંધીજીના દેશમાંથી આવીએ છીએ. પ્રમાણિક રીતે જીવવું જોઈએ. જ્યારે જરૂર વગરનું સરકાર પાસે લઈએ ત્યારે જરૂરવાળાઓનું ખૂચવી લઈએ છીએ. છે તે સમજીને વાપરીશું તો ભોગવ્યાનો આનંદ મળશે અને બીજાને રોજી રોટી મળી રહેશે.’

    ‘બાપા, તમારી સુફિયાણી વાતોમાં સત્ય છે, પણ કંઈ અવ્યવહારું છે. તમારી વાતો પર કેફ ઉતરે પછી    બે ત્રણ કલાક પછી વિચાર કરીશું. માયા કહે છે તેમ કદાચ તમે રોઝીને ત્યાં થોડું ઢીંચીને આવ્યા છો એની અસર ઉતરવા દો. .ક્યાં તો પેલા શાસ્ત્રીકાકાના ચક્કરમાં ફસાયા લાગો છો.  એમનામાં કાયદાનો લાભ કેમ ઉઠાવવો તેની જરા પણ આવડત નથી એટલે બધાને સતા થવાની સુફિયાણી સલાહ આપ્યા કરે છે. આ તો સારું છે કે માયાના પપ્પાએ તમારા બેનીફિટ માટે રસ્તા કાઢી આપ્યા. રોઝી સાથેનો સત્સંગ બહુ સારો નથીં હોં બાપા. ઠીક છે,  હલ્લો હાયનો સંબંધ રાખો, પણ આખો દિવસ કોઈને કોઈ બહાને એને ત્યાં ભરાયા કરો  તે બહુ સારું  તો ન જ  કહેવાય.

    ‘ના બેટા ઢીચ્યું નથી પણ રોઝી સાથે સત્ય-અસત્યની ઑનેસ્ટી-ડિસઑનેસ્ટીની ઘણી વાતો કરી છે.  એને તો એની બહેન માર્થા જુવાન છે અને કામધંધા વગર બેનીફિટ લીધે રાખે છે તે પણ નથી ગમતું. એની બહેન માર્થા પણ ઘણા ગેરલાભ ઉઠાવે છે.’

    ‘પણ આજે તો  મારે તમને  બીજી વાત કરવી છે.’

   અમે જ્યારે ઓનેસ્ટી ડિસઓનેસ્ટીની ચર્ચા કરતા હતા ત્યારે મને વિચાર આવ્યો કે આપણે ઘણાં લાંબા સમયથી સત્યનારાયણની કથા નથી કરાવી. તારી બા જીવતી હતી ત્યારે તો એની બર્થ ડે પર દર વર્ષે આપણે કથા કરાવતા હતા. આવતા વીકમાં માયાની બર્થડે છે. આ વખતે બહાર હૉટલમાં જવાને બદલે આપણે ઘરમાં જ કથા કરાવીને બર્થડે સેલીબ્રેટ કરીએ તો?’

    ‘ના બાપા કથા રાખીએ તો ઘરે જ બધું કરવું પડે અને પાર્ટીની મજ ન આવે.

    ‘આજે મને બાપાની વાત ખૂબ જ ગમી. બાપા, ભલે મારી બર્થડે હોટૅલમાં ન થાય. બસ ઘરમાં જ કથા કરીશું. આપણા બધા સગાવ્હાલાઓને પણ ઘરે જ બોલાવીશું. આપણું મોટ્ટું ઘર મારા ઘણાં પિયરીયાઓએ એ જોયું નથી કથા થશે. મારી મમ્મી પણ જાણશે કે બાપા છેક નાસ્તિક નથી.

    ‘ભાવનામાસીને પણ આવશે. ખૂબ સરસ ભજન ગાય છે.

    ‘ઓહ માય ગોડ! પાર્ટીમાં ભજન બજનનું શું. કામ?   બાપા તમે માયા પર કેમ આજે આટલા બધા વરસી ગયા?   આવી તો કંઈ પાર્ટી થતી હશે?    ઓહ ભલા ભગવાન! આજે તમે કોઈ જુદી બ્રાન્ડની બ્રાન્ડી ઠપકાવી છે.       બા ગઈ પછી કોઈ દિવસ આવું બોલ્યા નથી.   ઘરમાં તે બર્થડે પાર્ટી થતી હશે?’

     ‘મારે મારા થોડા ક્લાયન્ટ્સને પણ બોલાવવા છે.   કથા કરીએ તો ડ્રિન્ક્ ન રખાય.  ડિજેને ન બોલાવાય. બાપા કથા-બથાનું તૂત ક્યાં ઉભું કરો છો! મારા મગજમાંતો હું મારી એકની એક બ્યુટિફુલ વાઈફ માયા માટે ભવ્ય પાર્ટીનું આયોજન કરવાનો હતો. બાની બર્થડેની વાત જુદી હતી.

    ‘હાંભળો છો બાપાની સામે મારે માટે આવું ન બોલાય. મને શરમ લાગે.

    ‘જો વિનોદ, કથા પતી જાય પછી આપણા બેઝમેન્ટમાં  બાર છે જ. ત્યાં તારા ફ્રેન્ડસ અને ક્લ્યન્ટસને જે સર્વ કર્વું હોય તે કરજે ને?’

    ‘હું રોઝીને પણ ઈન્વાઈટ કરવાનો છું. મજા આવશે.

    બાપ્પઆ, ના બા આવું ના કરતા. લોકો આટલી આટલી તો વાતો કરે છે હવે આપણી ઈજ્જતની વધારે ધજા ફરકાવવી છે? મારા મામા તો મારી મમ્મીને કાયમ મહેંણાં ટોણાં મારે છે કે….જાવ વધારે નથી બોલતી તમે ઈન્ડિયા ડે પરેડમાં કેવું વિચિત્ર કર્યું હતું.’

   તારો મામો જૂઠ્ઠો,   તારા મામાની દીકરી પણ જુઠ્ઠી. કોઈ મારા જેવાને જોયો હશે. હા, અમે પરેડમાં ગયા હતા. ફ્લોટમાં નહીં. સ્ટોલ પર ખાધું નથી. રોઝી એના ડાયેટમાં બહુ સ્ટ્રીક્ટ છે. માત્ર રેસ્ટોરાન્ટમાં ઈડલી સંભાર જ ખાધા હતા.  તારા મામા એક નંબરના લબાડ છે.’

    ‘બાપા, બાપા તમે એકદમ એક્સાઈટ થાવ નહીં. આપણે જાણીયે છીએ કે માયાના મામા ખૂબજ સંકુચિત માનસના છે. નાની વાતને ટ્વિસ્ટ કરીને જુદી જ વાત કરવાને પંકાયલા છે. અને એટલે જ રોઝીને બોલાવીને નવી વાત કરવાનું બહાનું ન આપવું જોઈએ.

    ‘ના. તમે બન્ને બરાબર સાંભળી લો રોઝી આપણી નેબર છે. ભલી છે. તમારે માટે પણ સારી લાગણી રાખે છે.   એન્ડ મોસ્ટ ઈમ્પોરટન્ટ્ થીંગ ઈઝ….સી ઈઝ માઈ બેસ્ટ ફિમેલ ફ્રેન્ડ. સી વીલ કમ. ધેટ્સ ફાઈનલ.  તારા અમેરિકન ક્લાયન્ટ પણ આવશે જ. તેની સાથે સહેલાઈથી ભળી જશે. એને આપણા કલ્ચર-સંસ્કૃતિમાં રસ છે. બધું જાણવાની ઈચ્છા છે એટલે જ તો મેં સત્યનારાયણની કથાનો પ્લાન કર્યો છે.

    ‘બાપા, હું છેક ગમાર નથી હોં.   ફિમેઈલ ફ્રેન્ડને બદલે બધા લોકો તો તેને તમારી ગર્લ ફ્રેન્ડ તરીકે જ ઓળખે છેનેએને આપણી સંસ્કૃતિમાં કેમ એકદમ રસ પડવા માંડ્યો? એને કેજો કે અમારી સંસ્કૃતિમાં બૈરાઓ માંથું ઓઢીને લાજ કાઢીને બહાર નીકળે છે. બેકયાર્ડમાં સ્વિમીંગ પુલમાં  અડધા કપડા પેરીને એમાં કુદાકુદ નથી કરતા.’

    ‘લો, હાંભળો છોને! બાપા તમારી રોઝીબાને આપણી સંસ્કૃતિ શીખવવા માટે જ કથા કરાવવાના છે. મારી બર્થડે નું તો બહાનું છે બહાનું. એમ કરોને બાપા મારે અને એમને બદલે તમે અને રોઝી જ પાટલે બેસીને કથા કરાવજોને! એને બહુ પુન લાગશે.’

    ‘ઍક્સલન્ટ આઈડિયા માયા. આપણે એવું જ કરીશું. ભગવાનની પૂજા તો કોઈની સાથે પણ સાથે થાય.  રોઝીને પણ ગમશે. હું એને બધું સમજાવી દઈશ. આખ્ખી સ્ટોરી તો કહેવાનો જ છું પણ મહારાજ સમર્પયામી કહે ત્યારે “ઐમીન” કહીને હાથમ્માં જે હોય તે ગોડને આપી દેવાનું.  ભલે પાર્ટી પણ કરીશું અને રોઝી સાથે બેસીને કથા પણ કરીશું બસ. થેન્ક્યુ માયા.

    ‘તમે બેઠા બેઠા બાપાની વાત સાંભળ્યા કરો છો તે જરા બાપાને વાળોને! બાપા તો સાવ વંઠ્યા.  મારા મમ્મી પપ્પા શું કહેશે?   મામા શું કહેશે?  મારી ફજેતી કરવા બેઠા છો. ભલે બાપા એને બોલાવજો પણ તમે એનાથી આઘા રહેજો. અને એને કહેજો કે જાત ઉઘાડી ન રહે એવા કપડા પેરીને આવે. મારા પપ્પાને આવી લેડિઝો ગમતી નથી….’

    ‘મેં કહ્યું તેમાં બાપ દીકરા દાંત કેમ કાઢો છો. મારા મમ્મી પપ્પાના સંસ્કાર તમારા જેવા નથી હોં….હા,હા. હસ્યા કરો.

    ‘બેટી માયા તારી બર્થડે આપણે સરસ રીતે ઉજવીશું.  ડોન્ટ વરી. મેં આપણા ટેણકાને તો વાત કરી જ દીધી છે. અમે બન્ને સરસ પ્લાનિંગ પણ શરૂ કરી દીધું છે. યુ જસ્ટ એન્જોય.  વિનોદ,  તું, માયાને માટે એને ગમતી ડિઝાઈનર સાડી કઈ આવ. મારી બ્યુટિફુલ ડોટર-ઈન-લ સુપર બ્યુટિફુલ લાગવી જોઈએ.

    ‘સાંભળો છોને બાપાએ શું કહ્યું?     આપણે ક્યારે સાડી લેવા જવું છે?’

    ‘માયા, બેટી તારી બાની પેલી લાલ સાડી જરા કાઢી આપજે ને. દર કથા વખતે વિનોદની બા એ જ સાડી પહેરતા હતા. તે દિવસે રોઝી એ લાલ સાડી પહેરશે.

    ‘બાપા, તમે તો આંગળી આપીને પહોંચું પકડવાની વાત કરો છો. મારે નવી સાડી નથી જોઈતી. હું જ એ લાલ સાડી પહેરીને કથામાં બેસીશ. તમે વારા ફરતી એક એક પત્તુ ખોલીને મને રમાડતા અને રડાવતા  જાવ છો.  હું ગામડાની છું પણ ગમાર નથી હોં. મારી મમ્મી કહે તે સાચું જ છે. તમને બાપ દીકરાને તો કંઈ પડી નથી,  મારેતો ઘરની ઈજ્જત આબરુ સાચવવાની છે. ગામને પહેલા ખબર પડે, ઘરનાને પાછળથી ખબર પડે. જ્યાં ધૂમાડો હોય ત્યાં આગ હોય જ. કંઈ હોય તો જ લોકો તમારી આટલી બધી વાતો કરે. બાપા, મારી મમ્મી કાયમ કેછે કે દાળમાં કઈ કાળું છે.

    ‘મારી વેવણ જુઠી ન પડે એટલા માટે પણ મારે દાળને કાળી બનાવવી પડશે. ભલે તું એને લાલ સાડી ન આપતી. આ વખતે કથા અને મસ્ત પાર્ટી થશે.’

    ‘બાપા પ્લીઝ અમારે શરમાવું પડે એવું તો તમે નહીં કરોને? બાપા, મારી મમ્મીનો ફોન હતો મારી મંગળા માસી ઈન્ડિયાથી છ માસ માટે ફરવા આવવાના છે. હું તો એની બહેનપણી છું પણ ખરેખરતો મંગળામાસી તારા સાસરાના ગામના જ છે અને તારા બાપાના ખાસ ઓળખીતા છે. એની સાથે ઓળખાણ પણ તારા લગ્નમાં જ થયેલી. મેં તો અમારે ત્યાં રહેવા કહ્યું પણ મંગળામાસી કહેતા હતા કે હું તો વીઠુને ત્યાં જ થોડો સમય રહેવાની છું. મમ્મીએ કહ્યું છે કે તારું ઘર મોટું છે એટલે એ તારે ત્યાં જ રહેશે.’

    ‘કોણ?…કોણ મંગળા?…મંગળી સાર્જન્ટ?… મંગળી મોનિટરઆપણે ઘેર?…બેટા વિનોદ જાતો, દોડ..મને જલ્દી થ્ંડુ પાણી આપ…ફ્રીઝમાંથી આઈસ લાવીને મારા માથા પર મુક.

    ‘બાપા એકદમ શું થયું?’    

    ‘કંઈ નહીં બેટા.   મંગળીના આગમનની વાત સાંભળીને જરા વાર ચકરી ખાઈ ગયો. એ આપણે ત્યાં આવે તે બહુ ઠીકના કહેવાય.  મારા ગામની મટી ને હવે તો તારી મમ્મીની ખાસ બહેનપણી અને વ્હાલી મોટીબહેન બની ગઈ છે.  તું તો એની દીકરી જેવી કહેવાય. પરણેલી દીકરીને ત્યાં છ મહિના ધામા થોડા નંખાય?    તારી મમ્મીને ત્યાં જ રહેવું જોઈએને?       આપણી સંસ્કૃતિમાં તો દીકરીના ઘરનું પાણી પણ ન પીવાય?    એ મંગળી આપણે ત્યાં રહેશે?’

    ‘આપણું ઘર મોટું એટલે ભલે છ મહિના આપણી સાથે રહેતા. મેં તો મમ્મીને હા પાડી દીધી છે.   પણ બાપા, તમને કેમ પરસેવો છૂટ્યો?’

    ‘એ તો માયા તું એને જ પૂછજે.  પણ એ અહીં રહેશે તેટલા દિવસ હું રોઝીના બેઝમેન્ટમાં રહેવા ચાલ્યો જઈશ.

   ” બાપાઆઆઆ….

(બાપા, રોઝી, મંગળામાસી અને માયાની બર્થડે પાર્ટી…….નેક્સ્ટ ટાઈમ) 

Image

૧૫ જાન્યુઆરી ગુરુવાર થી આપને માટે આવે છે, એક અનોખી, ધટનાત્મક વહેતી સાપ્તાહિક વાર્તા “શ્વેતા”.

દર ગુરુવારે આપ વાચક મિત્રોને મારા બ્લોગ  https://pravinshastri.wordpress.com ની મુલાકાત લેવા હાર્દિક આમંત્રણ.

9 responses to “રિવર્સલ ૭

  1. pravinshastri December 2, 2013 at 11:27 AM

    હસતા રમતા બુદ્ધિશાળી અને બેફિકરા એટલે સુરતીલાલા. મારો ચન્દુ ચાવાલો કંમેશાં ક’તો ફરે. “જેને વિપુલ ડેહાઈનું આપનુ હુરટી ઊંઢીયું નઠી ખાઢું તેને હુરટના જમનની હાચી હમજ જ નઠી”.

    Like

  2. Vipul Desai December 2, 2013 at 11:18 AM

    પ્રવીણભાઈ સુરતીલાલા છે અને સુર થી લઈને તીલાલાનો ડાન્સ પણ ગમે તેટલી ઉંમરે સુરતી લાલો કરી શકે. મને પહેલા લોકો સુરતીને સુરતીલાલા કેમ કહે છે તે સમજ નહોતી પડતી. હું અમદાવાદ નોકરીએ ગયો ત્યાં હોટલમાં કાયમ બાદશાહી ચા મંગાવતો હતો. એક દિવસ મેં જોયું તો એક ભાઈએ ચાલુ ચા મંગાવી અને એ જ વાસણમાંથી મને તેણે બાદશાહી ચા આપી. એટલે પેલાને કહ્યું કે તું મારી પાસે ડબલ પૈસા લે છે તો પેલાની ચાલુ અને મારી બાદશાહી ચા તે એક જ વાસણમાંથી કેમ આપી. આમ છેતરે છે કેમ? પેલાએ જવાબ આપ્યો તમારો કપ મોટો છે ને એમાંથી ત્રણ કટિંગ બને. ત્યારે મને લાગ્યું કે શા માટે લોકો સુરતીને લાલા અને લહેરી કહે છે.

    Like

  3. M.D.Gandhi, U.S.A. December 2, 2013 at 12:24 AM

    અમેરીકન અને ભારતીય “કુટુંબ”નું MIXING કરીને સલાડ-કચુંબર બહુ સરસ બનાવ્યું છે…..વાર્તામાં મજા આવે છે…..

    Like

  4. pravinshastri December 1, 2013 at 4:22 PM

    બેન, તમારી વાત સાચી છે. માત્ર મારી ૭૪ની ઉમ્મરે મને છોકરાઓએ બુઢ્ઢો કવેવા માંડ્યો છે. વાંદરાઓની મનોદશા હું સારી રીતે જાણું છું. Thanks Pravinaben.

    Like

  5. pravina December 1, 2013 at 2:23 PM

    બાપા ખૂબ ‘રસિક’ જણાય છે. આપણામાં કહેવત છે.

    “વાદરો ઘરડો થાય પણ ગુલાંટ ન ભૂલે”

    Like

  6. pravinshastri December 1, 2013 at 1:57 PM

    દાવડા સાહેબ ગયા વર્ષે જ શરૂ કરી. અત્યારે ૭૪નો થયો. ગયે વર્ષે તો ૭૩નો યુવાન જ હતોને! હજુ દર મહિને એક એક પ્રકરણ ઉમેરતો જાઉં છુ. આપના આશિષ મળશે ત્યાં સૂધી પટેલબાપા સાથે રમતો રહીશ.
    મેં આપનો વિડીયો માણ્યો છે હોં… આવા રેકોર્ડેડ પ્રોગ્રામ મૂકતા રહેજો.
    પ્રવીણના સાદર વંદન.

    Like

  7. pravinshastri December 1, 2013 at 1:50 PM

    ન્યુ જર્સીના “ગુજરાત દર્પણના” તંત્રીશ્રી સુભાષભાઈના સૂચનથી આ શ્રેણી ચાલુ રાખી છે. લખતા લખાઈ જાય છે. અત્યારેતો મને જ ખ્યાલ નથી કે મારા પાત્રો મને ક્યાં લઈ જશે.
    શ્વેતા ગુજરાત દર્પણ માસિકમાં પ્રગટ થઈ હતી. પછી પુસ્તક તરીકે પ્રગટ થઈ. હવે દેશ વિદેશના વાચકોના પ્રતિભાવની અપેક્ષાએ વડીલ મિત્રના જન્મદિનના શુભ દિવસે એ પ્રગટ થશે. આશા છે કે આપના આશિષ મળશે જ.

    Like

  8. Vinod R. Patel December 1, 2013 at 1:00 PM

    પ્રવીણભાઈ , તમારી આ રસિક વાર્તા રિવર્સલ પાછા જવાને બદલે ખરેખર આગળ વધી રહી છે અને એક ધારાવાહિક નવલકથાનું જાણે કે સ્વરૂપ લઇ રહી છે .

    પટેલ ફેમીલીમાં એક નવું પાત્ર મંગલા એના “વીઠું ” ને મળવા તલપાપડ છે . જોઈએ હવે એ આવીને શું ગુલ ખિલાવે છે .

    તમારી કલ્પનાના ઘોડા વાર્તાને ક્યા મુકામે લઇ જાય છે એ જોવાનું રસસ્પદ થશે .

    રિવર્સલ તમારી બીજી જુદા જ વિષય ઉપરની એક રસિક નવલકથા બની રહે તો નવાઈ નહિ !

    ૧૫ મી જાન્યુઆરીથી તમે શ્વેતા ને વહેતી વાર્તા તરીકે મૂકી રહ્યા છો .

    એ એક વાર તો મુકાઈ ગઈ છે અને પ્રસિદ્ધ પણ થઇ ચુકી છે , તો એને ફરી રજુ કરી રહ્યાં છો !

    વાર્તામાં કોઈ ફેરફાર કરો છો ?

    તમારી જાણ માટે , ૧૫ મી જાન્યુઆરી ૨૦૧૪ એ મારો ૭૭ મો જન્મ દિવસ !

    Like

  9. P.K.Davda December 1, 2013 at 12:44 PM

    આ વાર્તા તમે યુવાન વયે લખી હ્શે, ભલે પ્રગટ આજે કરી છે ઃ)

    Like

Leave a comment