“આપ્તજનો નો બુરખા વ્યવહાર”

“આપ, આપ જોશી સાહેબને?”
મૉલને બાંકડે પત્ની મજુલાબેન સાથે સજળ નેત્રે બેઠેલા વૃધ્ધ અરુણભાઈ જોશીને જોતાં દીપકે પૂછ્યું, “આપ જોશી સાહેબને?”
“ભાઈ, સાહેબ મટી ગયાને તો વર્ષો વીતી ગયા. અત્યારેતો હું માત્ર અરુણ જોશી જ. પણ આપ કોણ.”
“હું દીપક શાહ. સાહેબ હું હાઈસ્કુલમાં ચાર વર્ષ આપની પાસે જ મેથ્સ ભણ્યો છું. હું બોસ્ટનમાં રહું છું અને અહીં કોન્ફરન્સમાં આવ્યો છું. આપ ક્યારે અમેરિકા આવ્યા?” દીપકે એમની બાજુમાં બેસતા પૂછ્યું.
“સાહેબ, આપ કંઈક અસ્વસ્થ જણાવ છો. કંઈ તકલીફતો નથીને?”
અરુણભાઈની ભીની આંખો રૂમાલથી નૂછાઈ ગઈ. અરુણભાઈને બદલે મંજુલાબેને જવાબ વાળ્યો.
“દીપકભાઈ, અમને અહીં આવ્યાને તો ઘણાં વર્ષો થઈ ગયા. ભગવાનની દયાથી સુખી છીએ. એમને પણ તક્લીફતો કંઈ નથી પણ એમને એમના સ્વભાવનું દુઃખ છે.”
“આપને હું માસી કહું તો વાંધો નથીને? માસી, ચાલો આપણે સામેના ફૂડમાર્ટમાં બેસીને નાસ્તો કરતાં વાતો કરીએ. ચાલો સાહેબ.”
“ભાઈ, અમે તો મૉલની સામેના કોમ્પ્લેક્ષમાં જ રહીએ છીએ. પગ છુટા કરવા રોજ મૉલમાં આવીને બેસીયે છીએ. ચાલો આપણે ઘરે જ ચા નાસ્તો કરીએ.” મંજુલાબેન સરળતાથી અજાણ્યાને પણ પોતાના બનાવી દેવાની આવડતવાળા હતા.
અરુણભાઈના હાથ નીચે ઘણા વિદ્યાર્થીઓ ભણી ગયા હતા. વિદ્યાર્થીઓને શિક્ષકો યાદ રહે. શિક્ષકોને બધા જ વિદ્યાર્થી યાદ રહે એ શક્ય નથી હોતું. અરુણભાઈએ સ્મૃતિ જાગૃત કરવા પ્રયાસ કર્યો અને ખ્યાલ આવ્યો. દીપક શાહ, એડવોકેટ મનોહર શાહનો પૂત્ર હતો. જેને ત્યાં એ બે વર્ષ ટ્યૂશન આપવા જતા હતા. હા બરાબર, એ જ દીપક. પણ એ હવે ટીનેજર દીપક ન્હોતો. એણે પણ પચાસ દાયકા પૂરા કર્યા હતા. અરુણભાઈએ માયાળુ આગ્રહ કર્યો. “ચાલો દીપકભાઈ ઘરે બેસીને જૂની વાતો યાદ કરીએ.”
મંજુલાબેને બનાવેલા ચા નાસ્તાને ન્યાય આપતા ખબર અંતરની ઔપચારિક વાતો ચાલતી રહી.
“સાહેબ, સાંભળ્યું હતું કે આપ સ્કુલની નોકરી છોડીને કોઈ કંપનીમા જોડાયા હતા, ખરુંને!”
“હા, કંપનીમાં જોડાયો. મારો નાનો સાવકોભાઈ સ્કુલમાં ભણતો હતો. મારે માટે સાવકો ન હતો. મારા લગ્ન થયા અને અમેરિકા આવવાની તક મળી. લાયકાત કરતાં સફળતા પણ સારી મળી. હવે તો નિવૃત્ત જીવનનો આનંદ માણીએ છીએ.”
“સાહેબ, મેં જ્યારે આપને દૂરથી જોયા ત્યારે મને લાગ્યું કે કોઈ વયસ્ક દંપતી મુશ્કેલીમાં લાગે છે. પાસે આવ્યો ત્યારે જ ખબર પડી કે આપ છો. આપની આંખોમાંથી ગંગા જમુના વહેતી હતી.”
….અને જોશી સાહેબે ફરી આંખો સાફ કરી.
‘દીપકભાઈ, વાતમાં કઈ ખાસ દમ નથી. એમનું મન હવે આળું થઈ ગયું છે. નાની નાની વાતમાં સંવેદનશીલ થઈને રડવા માંડે છે. એમણે એના ‘નાના ભાઈને સ્પોનસર કર્યા હતા. એ અહીં અમેરિકા આવી ગયા તે ખબર પણ અમને ખૂબ મોડી પડી. સીધા એના દીકરાને ત્યાં જ ગયા હતા. મારા ભત્રીજાને પણ અમે જ સ્પોન્સર કર્યો હતો. એ અહીં આવ્યો. એકાદ વર્ષ અમારી સાથે રહ્યો. અને એક દિવસ અચાનક થોડા કાગળો લઈને અમારી પાસે આવ્યો. કહે કે કાકા આજે ક્લોઝીંગ છે. બાર હજાર ખૂટે છે. ચેક લખી આપોને! ક્યારે, ક્યાં, કેવું ઘર લીધું તેની છેલ્લે સૂધી જાણ પણ ન કરી. નાનાભાઈ માટે પણ સ્પોન્સર થયા હતા. તમે તો જાણો છો કે જ્યારે સ્પોનસર થઈએ એટલે આપણી બધી જ આર્થિક વાતો સગાવ્હાલા જાણતા થઈ જાય. આપણી સાથે રહે એટલે અહીંના તાળા-કૂચી વગરના ઘરના ખૂણા ખાંચરાથી માહિતગાર થઈ જાય. એજ સ્વજનો, જ્યારે પોતાની વાતો, ઈરાદા પૂર્વક છૂપાવે અથવા તો પાનાની રમત હોય તેમ છેક છેલ્લી ઘડીએ પાનું ખોલે ત્યારે મન દુઃખ થાય.’
‘હવે ભાઈને દીકરાઓ સાથે ફાવતું નથી. ગઈ કાલે ફોન આવ્યો. ઈન્ડિયા પાછા જવું છે. દીકરો ટિકીટના પૈસા આપવામાં ગાળીયા કાઢે છે. કહે કે કાકા પાસે માંગો.’
‘તમારા સાહેબ બધા સાથે ખુલ્લા મને વાત કરે છે. જ્યારે બધા કહેવાતા સ્વજનો સ્વાર્થ પૂરતો જ સંબંધ રાખે છે. સામાન્ય ગણાતી વાતો સાહજિક રીતે જણાવવામાં પણ મનચોરી રાખે છે. પણ તમારા સાહેબ સમજતા નથી. એમને એવી અપેક્ષા છે કે સ્વજનોની વાત ગામ જાણે તે પહેલા એમની જણાવવી જોઈએ. લો કરો વાત. તમારા સાહેબને સમજાવો કે દુનિયા બદલાઈ ગઈ છે. આજે અમારી પાસે અમારું કોઈ નથી એવો ખોટો બળાપો કરવાનો કોઈ જ અર્થ નથી.’
‘આજે ભત્રીજો ક્યાં નોકરી-ધંધો કરે છે તે પણ અમને ખબર નથી. બસ સવારે જ ભાઈને ચેક મોકલી આપ્યો. લખ્યું હતું પાછો જા ભઈલા. તો જ સુખી થશે.’
‘ભત્રીજા આવતા પહેલા અમે નાના કોન્ડોમાં સુખથી રહેતા હતા. પરિવાર સાથે આવતા ભત્રીજાથી કોન્ડોમાં ન રહેવાય. નિયમો ના પાડે: એટલે હરખાઈને આ મોટું ઘર લીધું. આજે ત્રણ વર્ષથી વેચવા પ્રયત્ન કરીએ છીએ પણ વેચાતું નથી એટલે પણ તમારા સાહેબને ડિપ્રેશન લાગ્યા કરે છે. દીપકભાઈ તમારા સાહેબને કંઈ સમજાવોને’
“માસી આપના પોતાના કંઈ સંતાન?”
“હા છેને! એક દીકરી છે. એ કેલિફોર્નિયામાં છે. સુખી છે. ભત્રીજાના અમેરિકા આવ્યા પછી દીકરી જમાઈએ પણ અમારી સાથેનો સંપર્ક મયાદિત કરી દીધો છે. અમારા જમાઈને ખાસ અમારા ભત્રીજા સાથે ફાવતું નથી. દૂર છે. ટોળું ઉભું કરવું હોય તો ઘણા છે. વાસ્તવમાં અમારું કોઈજ નથી.”
અરૂણભાઈ કશું બોલતા ન હતા. માસી અરુણભાઈની વ્યથા અર્થ વગરની છે એમ માનતા હોવા છતાં દીપક શાહ આગળ મન મોકળું કરતા હતા. જે રીતે ટ્રેઈનના સહપ્રવાસી સાથે વાત કરતા હોય તેમ દીપક શાહ સાથે વાતો કરતા હતા; કારણકે દીપક શાહ માત્ર ભૂતકાળના પચિરિત વ્યક્તિ હતા. આજના જીવન સાથે કે એમને પોતાના સંબંધીઓ સાથે કોઈજ સંબંધ ન હતો. હવે ફરીથી દીપક શાહ ક્યારે મળશે તે પણ નિશ્ચિત ન હતું. પતિની મનોદશાની વાત કરીને પોતાના મનનો ભાર હલકો કર્યો. માસી હળવા થઈ ગયા. અરુણભાઈ પોતાનો પરિતાપ વ્યક્ત ન કરી શક્યા. ગળતા રહ્યા, અંદર અંદર ઘૂંટાતા રહ્યા. માનસિક પરિતાપમાં પિસાતા રહ્યા.
“સાહેબ, માસીની વાત સાચી છે. આપને જે દુઃખ છે તે અપેક્ષાઓનું દુઃખ છે. તમે પચાસ વર્ષ પહેલાની ઈન્ડિયાની સંસ્કૃતિમાં જીવો છો. તમારા સમયમાં પોળોના ઘરોના દરવાજા-બારણાં બારી ખૂલ્લા રહેતા હતા. બહારથી ઘરનું વાસ્તવિક જીવન બધાથી જોઈ શકાતું હતું. આજે સમય બદલાઈ ગયો છે. બારણા બારીને જાળી અને પડદા લાગી ગયા છે. પડદો ખસેડીને છાનામાના બીજાનું જીવન જાણવું છે અને પોતાની ગુપ્તતા સાચવવી છે. આ થઈ ગૃહજીવનની વાત. સ્વજન સાથે મન હૃદય પર પણ પડદા લાગી ગયા છે. ‘ડોન્ટ આસ્ક ડોન્ટ ટેલ’ કલ્ચર આવી ગયું છે. હું આને બુરખા સંસ્કૃતિ કહું છું. આંખ આડેની જાળીમાંથી જગતને જોવું પણ બુરખામાં પોતાની નગ્નતા સંતાડી રાખવી. સાહેબ આપતો વડીલ છો. આપને હું શીખામણ ન આપી શકું. હું તો આપને જમાનાનો વાસ્તવિક ચિતાર જ આપું છું.”

“હું વકીલાતના ધંધામાં છું. આપની માનસિક વેદના સમજી શકું છું. ઘણાના જીવતર જાણ્યા છે. હું પોતે પણ એમાંથી અલિપ્ત નથી. સાહેબ, હું પણ સત્તાવનનો થયો. માત્ર એક સંતાન, દીકરો. લગ્ન થયા. મારી પત્નીની મરજી વિરૂધ્ધ મેં એને એનું પોતાનું મકાન કરી આપ્યું. માત્ર એકજ વર્ષમાં અમને જાણ કર્યા વગર નજીકનું ઘર વેચી દીધું. બીજા સ્ટેટમાં મુવ થઈ જવાના આગલા દિવસે મળવા આવ્યો ત્યારે ખબર પડી.”
“અમારી વચ્ચે કોઈ તકરાર કે અણબનાવ નથી. માત્ર આ આજની જીવનશૈલી છે. ભલે. એ લોકોન સુખી છે. મારી પત્ની બે વર્ષ પહેલા જ ગુજરી ગઈ. ત્રણ દિવસ એ આવી ગયો. વહુથી આવી શકાયું નહીં. ચોથે દિવસે ઘરમાં હું એકલો. મને મનમાં એમ કે દીકરો વહુ મને કહેશે કે ડેડી તમારી અહીંની પ્રેકટિશ બીજા લોયરને વેચીને મારી સાથે આવી જાવ. એકલા રહીને શું કરશો? પણ માનસિક અપેક્ષા અધૂરી જ રહી. દીકરો પણ લોયર છે. અરે થોડા દિવસ એમની સાથે રહેવા માટે વિવેક પણ ન કર્યો. માસી, આપતો આપના ભત્રીજાની વાત કરો પણ મારી તો પોતાના ઉછેરેલા દીકરાની વાત છે.”
“પહેલાતો ખૂબ જ દુઃખ થયું. હવે થોડો નફ્ફટ થઈ ગયો છું. દીકરા પાસે કોઈ અપેક્ષા નથી. દીકરા-વહુ સાથે કોઈ પુર્વગ્રહ નથી. ભગવાન અને આપના જેવા વડીલોના આશિષથી ધંધો સારો ચાલે છે. સુખી છું. મેં મારા જીવનને કુટુંબના નાના વર્તુળમાં બાંધી નથી રાખ્યું. જુદી જુદી ક્લબમાં મેમ્બર થયો છું. દીકરો જાણે છે કે હું સુખી છું. મેં માનસિક પરિતાપો પર હાસ્યનો બુરખો પહેરાવી દીધો છે.”
“સાહેબ, હું જોઈ શકું છું કે આજીવન પુરુષાર્થ પછી આપના જીવન માટે જે હશે તે પુરતું હશે. આપ કહેવાતા સ્વજનોની આંધળી માયાથી મુક્ત થઈ જાવ. આપોઆપ એમના તરફની આપની અપેક્ષાઓ દૂર થઈ જશે. જૂના સંબંધોના ખાબોચિયામા જીવવા કરતા હંગામી, પણ વહેતા સંબધ વધુ સ્વચ્છ હોય તે મારા જાત અનુભવથી શીખ્યો છું. સાહેબ, ચિંતા છોડો. મંદીના દિવસો પૂરા થયા છે. રિયલ એસ્ટેટ માર્કેટ પણ સુધરતું જાય છે. થોડા સમયમાં ઘર પણ વેચાશે. મારી આજે રાતની ફ્લાઈટ છે. હું નીકળી જઈશ. આ મારો કાર્ડ છે. તમે મને તમારી અનુકૂળતા પ્રમાણે ફોન કરજો. હું આવીને તમને લઈ જઈશ. આપને બોસ્ટનની ફ્રેશ એરની જરૂર છે.”
દીપક શાહ, એક સમયના વિદ્યાર્થીએ ગુરુને આજનું બુરખાશાત્ર સમજાવ્યું, ચરણ સ્પર્શ કરી વિદાય લીધી.
Like this:
Like Loading...
Related
આભાર ધીરુભાઈ
LikeLike
સરસ વાર્તા……
LikeLiked by 1 person
Darek najivan same ram kana I Che…..koi k j Bakst hashe………
LikeLike
ગાંધીસાહેબ, વાર્તાની વાત ઘણાંના જાત અનુભવની વાત છે. હું પોતે પણ એમાંથી બાકાત નથી.
LikeLike
અમેરીકામાં રહેતી ભારતની પહેલી પેઢી હજી અવિભાજ્ય કુટુંબના ખ્યાલમાંથી મુક્ત નથી થઈ શક્યું…એકદમ યુવા વયે આવેલી અને અહીંના રંગે રંગાઈ ગયેલી તેમજ બીજી પેઢી હજી માત્ર ક્વચિત સાહેબજી સલામનો વ્યવહાર રાખશે, પણ ત્રીજી પેઢીને તો ભારતીય મુલ્ય કે કુટુંબપ્રથામાં કોઈ રસ કે સંબંધ જ નથી, અને આ અમેરીકાની કે ઈંગ્લેન્ડની તાસીર છે, નગ્ન સત્ય છે……અને એવું નથી કે આ બધું ધોળીયાવ પાસેથી શિખ્યા છે, ભારતમાં પણ મોટા અને હવે તો નાના શહેરમાં પણ જરૂરત કે ગરજ વગર કુટુંબભાવના બહુ રહી નથી…..બધાને માબાપથી જુદાજ રહેવું છે, નાના સંતાનોને મન પણ, કુટુંબ એટલે પોતે બાળકો અને માતા-પિતા, એ પણ સંતાનો નાના અણસમજુ હોય અને કમાતાં ન થયા હોય ત્યાં સુધી…પછી તો કુટુંબ એટલે હુતો ને હુતી..બસ…
બહુ સરસ વાર્તા છે અને ખરેખરતો આ માત્ર વાર્તાજ નથી, અમેરીકા-યુરોપની એક સનાતન સત્ય હકીકત છે.
LikeLike
એક કે બીજી રીતે લગભગ બધાને જ આવો અનુભવ થયો હોય છે. બસ ખાત્રી થઈ કે તમે મને ભૂલ્યા નથી.
પ્રવીણના સ્નેહ વંદન.
(Story rating G)
LikeLike
ટુકમાં લગભગ બઘા જ અમેરિકાવાસી સીનીયર ભારતવાસીને પોતાની આપવિતિ જેવું લાગે. કારણકે અમેરિકાનું ખાવાનું ખાઇને ભારતીય ઓડકાર ખાનારના જીવનની આ કહાણી….બઘાને ભીના કરે છે.
LikeLike
વાર્તાના પાત્રો અને ફલક કલ્પનિક અને જીવનમાં વણાયલી વાસ્તવિકતા છે, બહેન.
LikeLike
આ ‘બુરખા શાસ્ત્ર’ શબ્દ ગમ્યો. અમેરિકાની આ નગ્ન સચ્ચાઈ છે. જેટલો વહેલો સ્વિકાર કરશું
તેટલા સુખી. બાકી રડીને જીંદગી ન જાય.
LikeLike