એક તણખલાનો ભાર વાર્તા # ૩૫

એક તણખલાનો ભાર  વાર્તા # ૩૫

                                                                                              

‘મે આઈ ટેઈક યોર પ્લેટ પ્લીઝ?’

‘યસ, યુ મે.’ ઈશ્વરભાઈએ બંધ આંખોએ જ  જવાબ વાળ્યો. એમણે કશું ખાધું નહોતું.  રૂચી ન હતી.  ભુખ મરી ગઈ હતી.  એરહોસ્ટેસ પ્લેટ લઈ ગઈ.

ઈશ્વરભાઈ ન્યુયોર્કથી મુંબઈ જઈ રહ્યા હતા. કદાચ કાયમને માટે!

                ***

જિંદગીના સરી ગયેલા દિવસો, મહિનાઓ અને વર્ષો બંધ આંખોએ જોતા હતા.

બંધ નજરો સામે હતું જુનું ડુમ્મસ.  આજે ડુમ્મસ,  ડુમ્મસ  ગામ નથી. ડુમ્મસ સુરતનો જ એક ભાગ છે. પણ ત્યારે તો તાપી અને દરિયાકિનારે આવેલું એક ગામડુંજ હતું. નાના ઘરમાં ત્રણ જણા.  પિતા કેશવલાલ, માતા ડાહીમા અને પોતે ઈશ્વર.    પિતા નાનું ખેતર સંભાળતા, ડાહીમાં ઘરકામ ઉપરાંત બે ભેંસનું દુધાણું સાચવતા. ઈશ્વર  SSC થયા પછી ગામની જ પ્રાથમિકશાળામાં શિક્ષક થયો.  ઈશ્વર,  ઈશ્વરમાંથી ઈશ્વરભાઈ થયો. ઈશ્વરભાઈના લગ્ન લેવાયા. ઘરમાં ગુણવંતી માલતી બહેનના પગલા પડ્યા. ત્રણમાંથી ચાર થયા. સાદગીભરી  જિંદગીમાં સંતોષનું સુખ હતું. માલતી વહુ ગોરી ગોરી અને મીઠડી હતી. સાસુ વહુમાં માં દીકરીનું વહાલ હતું  તેનાથીએ વિશેષતો સહિયર પણાનો સ્નેહ હતો. આડોસી પાડોસીઓ પણ સગપણની વાત આવે ત્યારે ડાહીમા અને માલતીનો દાખલો આપતા.

એક દિવસ, બાપ- દીકરાની ગેરહાજરીમાં ડાહીમાએ માલતીને કહ્યું, ‘માલુ, મને કોઈ મારગ દેખાડ’

‘શાનો મારગ?  માં.’

‘કહેતાંએ લાજ આવે છે.  આ ઉંમરે શોભતું હશે?’

‘માં! કુલ્લીમાં ગોળ ભાંગ્યે મને ન સમજાય.  કેમ ગરકાયા કરો છો?’

ડાહીમાં નીચું જોઈને બેસી રહ્યા.

‘ફોડ ન પાડવો હોયતો  હું કાંઈ નવરી નથી. ઘરનાં ઘણા કામ પડ્યા છે.’ માલતીએ મીઠો નખરો કરી ચાલવા માંડ્યું.

‘માલુ,…. માલુ…. બેસ.  કહું છું.  તઈણ મૈના થઈ ગયા છેટે બેઠી નથી. પે’લા તો થયું કે ચાલો એક માથાકુટ તો ટળી. પણ હવે તો ઊબકા આવે છે.  આમલી ખાવાનું મન થાય છે. આ લખ્ખણ સારા નથી. મને કોઈ મારગ દેખાડ. લોક કેવી વાત્યું કરશે? તારે બદલે હું?  હુંતો  તારા સારા દા’ડા માટે ભગવાન સાથે વાતુ કરતીતી.’

અને માલતી માંને વળગી પડેલી.  ‘માં મને શું આલશો?  નાની નાની મીથ્ઠી નણદી કે નટખટ મારો  દિયરજી?  માં, કાલથી ઢોર ઢાંકરનું કામ બંધ. કાલે આપણે જ્યોતીબેન દાક્તરને ત્યાં બતાવી આવીશું.’

‘મારે નથી જવું ..મને શરમ આવે.’

‘ના મા જવાનું એટલે જવાનું….મા, બાપુને  આ ખબર છે? ‘

‘ના.’

‘કાલે હું   તમારા દિકરાને વાત કરીશ.  તમે આજે   રાતે બાપુને  ખુશ ખબરની વાત   કરજો.’

ત્યાર પછી બાપ-દિકરો થોડા દિવસ એક બીજાની મર્યાદા જાળવા એક બીજાની સામે નજર નાંખવાનું ટાળતા રહ્યા.  

અને ડાહીમા  કૌશિકને જન્મ આપે તે પહેલા માલતીએ પણ કૌશિકને કાકા બનાવવાના એંધાણ આપ્યા. કૌશિકના જન્મ પછી છ મહિનાના અંતરે  ભત્રીજા કાર્તિક  નો જન્મ થયો. સાસુવહુના સહિયરપણા ખુબજ ઘનિષ્ઠ થયા…

પણ સુખના દિવસોને ગ્રહણ લાગ્યું. બાપુને કાળોતરો ડંખી ગયો. બાપુએ વિદાય લીધી. ત્યારે પુત્ર કૌશિક અઢી વર્ષનો અને પૌત્ર  કાર્તિક બે વર્ષનો હતો…

ઈશ્વરભાઈ પુત્રના અને ભાઈના બાપ બની રહ્યા.

***

‘સર, ટી, કૉફી, જ્યુસ, સોડા?’ એર્ સ્ટુઅર્ટ પુછતી હતી.

‘કૉફી, પ્લીઝ…થેન્ક્સ..’

***       

પ્લેઈન કરતાં ઈશ્વરભાઈની માનસિક અતીત યાત્રા વધુ ઝડપથી આગળ વધતી હતી.

બે વર્ષ બાદ ડાહીમા ટૂંકી માંદગી ભોગવી બાપૂને મળવા ચાલ્યા ગયા. માલતીને માટે નાનો દિયરીયો પંડનો પુત્ર બની ગયો. ધીમે ધીમે લોકોતો શું પણ ઈશ્વરભાઈ અને માલતી પણ મનતા થઈ ગયા કે કૌશિક પોતાનોજ પુત્ર છે. .

કૌશિક, માં-બાપ જેવો શ્યામળો પણ ભણવામાં હોંશિયાર.  કાર્તિક, માલતી જેવો ઊજળો પણ ભણવામાં સહેજ નબળો. તોયે બન્ને એક સાથે B.A. થયા.

પાડોસી ચિમનલાલના સાળા ઠાકોરભાઈ, અમેરિકાથી એની પુત્રી કાજલને પરણાવવા ઈન્ડિયા આવ્યા.  કાજલ માત્ર કાળીજ  ન હતી પણ બિચારીએ  હાઈસ્કુલ પણ પુરી ન્હોતી કરી.  એનું એક માત્ર ક્વોલિફિકેશન એની અમેરિકન સિટિઝન હતું. ઠાકોરભાઈ જમાનાના ખાધેલ હતા. દુબાઈથી મેક્સિકો, મેક્સિકોથી કેનેડા અને કેનેડાથી અમેરિકા પહોંચ્યા હતા. બે મોટૅલ અને અને ત્રણ કન્વીનિયન સ્ટોર્સ હતા. બે દિકરીઓ હતી.  કાજલ અને નેહા. નાની નેહા ઈન્ટીરિયર ડેકોરેટરનું ભણતી હતી. સ્વભાવે અલ્લડ. એને લગ્નની જરૂર લાગતી ન હતી. અંગત જરૂરિયાત પ્રમાણે બોયફ્રેન્ડ બદલ્યા કરતી હતી. કાજલને પરણવું હતું. પણ અમેરિકામાં કોઈ હાથ ઝાલનાર મળ્યો નહીં. છેવટે ઈન્ડિયા આવ્યા.  ચિમનલાલે કૌશિક અને કાર્તિક તરફ આંગળી ચિંધ્યાનુ પૂણ્ય મેળવ્યું.  

કાજલે રૂપાળા દેખાતા કાર્તિક  પર પસંદગી ઢોળી. રંગે ચંગે લગ્ન થયા. વિસા મળતા કાર્તિક અમેરિકા ગયો.

કૌશિકે અભ્યાસ ચાલુ રાખ્યો B.A પછી L.L.B અને ત્યાર પછી  L.L.M.  કર્યું. સાથે ભણતી મનિષાને એક દિવસ ભાભીમાં પાસે લઈ આવ્યો.

‘ભાભીમાં, આ મનિષા મારી સાથેજ કોલેજમાં ભણતી હતી. ભણતા ભણતા ઈલ્લુ ઈલ્લુ થઈ ગયું છે.  હવે  એને તમારી દેરાણી-દિકરી થવું છે. જરા એની પરીક્ષા કરી, એનું ક્વોલિફીકેશન ચેક કરી જજમેન્ટ આપો કે એને આપણા મહેલમાં એડમિશન આપવું કે નહિ?’

ભાભીમાં-માલતીએ કૌશિકનો કાન પકડ્યો અને લોટવાળા હાથે જ ગાલ પર જોરદાર ચિમટો ભર્યો.

માલતીએ હર્ષાશ્રુ સાથે મનિષાના ઓવારણા લઈ આશિર્વાદ આપ્યા. બન્નેના સાદાઈથી લગ્ન લેવાયા.

કાર્તિકથી કૌશિકના લગ્નમાં ન અવાયું. સસરાની મોટૅલ સંભાળતો હતો   ને!  માલતીને આશા હતી કે દીકરો કાકુના લગ્નમાંતો આવશેજ. એ આશા ઠગારી નીવડી. માલતીને ખુબજ દુઃખ થયું.  કૌશિક ભાભીમાંનું સાન્તવન બનતો. 

જીવન ખુબ સરળતાથી વહેતું હતું. બે ભાઈઓ વચ્ચે બાપ દીકરાનું વાત્સલ્ય હતું. દેરાણી જેઠાણી વચ્ચે માં દીકરીનુ વ્હાલ હતું. કૌશિક-મનિષાની વકીલાત ધીમે ધીમે જામતી હતી. એક માત્ર દીકરા કાર્તિકની ખોટ સાલતી હતી. પણ સૌ માનતા હતા કે એ અમેરિકામાં સુખી છે.

….સુરતમાં મોટી રેલ આવી. રેલ ઉતરતાં ગંદવાડ ફેલાઈ ગયો. ગંદવાડને પગલે રોગચાળો..અને એ રોગચાળાએ માલતીને ભરખી લીધી.

કૌશિકે કાર્તિકને ફોન કર્યો. ‘આપણી માં ગઈ. ભઈલા માને આગ મુકવા તરત અહીં  આવી જા. અમે તારી રાહ જોઈશું.’

કૌશિકે સસરાને વાત કરી. ‘ડેડી, મારે અને કાજલે ઈન્ડિયા જવું પડશે. મારી મા દેવલોક પામી છે. અગ્નિસંસ્કાર માટે મારી રાહ જોવાય છે. આઈ મસ્ટ ગો.’

‘આઈ એમ સોરી ફોર યોર લોસ. બટ યુ કેન નોટ ગો. યુ શુડ અંડરસ્ટેન્ડ ધ રિસ્પોન્સીબિલીટી ઓફ ધ બિઝનેસ. એન્ડ આઈ ડોન્ટ વોન્ટ ટુ સી, ધેટ માઈ  કાજલ કમ બેક વીથ એની ડિસીઝ.’ઠાકોરભાઈ  જમાઈ સાથે નહિ પણ હવે  એક એમપ્લોઈ ‘ સાથે વાત કરતા હતા  ‘તમારા જવાથી તમારી માં કાંઈ પાછી આવવાની નથી. ખોટા લાગણી વેડામાં પૈસા ન વેડફાય.’

….અને ઠાકોરભાઈએ જાતેજ કૌશિકને ફોન કર્યો. ‘માલતીબેનના સમાચાર જાણીને ખુબજ દુઃખ થયું. જન્મ મૃત્યુ કંઈ આપણા હાથની વાત થોડી છે?   ઈશ્વરેચ્છા બલીયસી. કાર્તિક અને કાજલને તો ખુબજ આઘાત લાગ્યો છે. એનાથી તો વાત પણ થઈ શકતી નથી. મેં ફ્લાઈટ બુકીંગ માટે ખુબ ટ્રાય કરી પણ કંઈ મેળ બેસતો નથી. ફર્સ્ટ ક્લાસનું બુકીંગ પણ મળતું નથી. અગ્નિસંસ્કાર માટે રાહ ન જોશો. વ્યવસ્થા થયે તમને તરત જ  જણાવીશું.. 

…અને કૌશિકેજ, માં સમાન ભાભીનો અગ્નિ સંસ્કાર કર્યો હતો.

મનિષા એટર્નિ હતી તોયે એણે ઘરની પ્રણાલિકા જાળવી રાખી. સવારે વહેલી ઊઠી ભેંસનું કોઢારાનું કરતી, નવને ટકોરે રસોઈ તૈયાર કરી, કૌશિક સાથે બાઈક પર ઓફિસ કે કોર્ટમાં જવા નીકળી જતી. ગમે તે રીતે વચ્ચે સમય કાઢી બપોરે એક વાગ્યે ઘેર આવી ઈશ્વરભાઈને  જમાડતી. બે વાગ્યે ઈશ્વરભાઈને ચ્હા ની ટેવ.  ચ્હા પાઈને મનિષા પાછી ઓફિસે જતી. બપોરનું દુધાણું ઇશ્વરભાઈ સંભાળી લેતા. મનિષા માત્ર ગૃહિણી જ નહિ પણ ઈશ્વરભાઈની  દિકરી બની રહી હતી.

 

સર, મે આઈ ટેઈક યોર કપ?  ઈશ્વરભાઈની કોફિ વગર પીવાએ ઠરી ગઈ હતી. તેમણે માત્ર હકારમાં ડોકું હલાવ્યું એર સ્ટુઅર્ટ કોફિ કપ  લઈ ગઈ.

ઈશ્વરભાઈની અતીતયાત્રા ચાલુ રહી.

કૌશિક-મનિષાની વહાલસોઈ સંભાળ છતાં ઈશ્વરભાઈને માલતીની ગેર હાજરી સાલતી. ઈશ્વરભાઈ સમજતા હતા કે તેમના પ્રત્યેની ફરજને કારણે મનિષાની પ્રગતિ  રૂંધાતી હતી. પુત્ર કાર્તિકની  ચિંતા રહેતી હતી. તેમણે કાર્તિકને ફોન કર્યો. ‘બેટા,  તું અને કાજલ એકવાર સુરત આવી જાવ તને પાંચ પાંચ વર્ષથી જોયો નથી. તેં મનિષાને પણ જોઈ નથી. મનિષાને પણ તમને બધાને મળવાનું બહુ મન છે. કાકુ તો તારાથી ખુબજ  રિસાયો છે.’

કાર્તિકે કાજલને કહી દીધું  ‘આઈ મસ્ટ ગો.  નો ઈફ,  નો બટ્સ.  હેલ વીથ ધ મોટેલ.’

કાજલે એના ડેડી ઠાકોરભાઈને વાત કરી. ઠાકોરભાઈને વેપારી માર્ગ જડ્યો. કાર્તિકને સમજાવતા કહ્યું  ‘તમે ઈન્ડિયા જાવ તેને બદલે આપણે ઈશ્વરભાઈનેજ અમેરિકા બોલાવીએ તો કેમ! તમારી સાથે છ મહિના રહેશે.  હરશે ફરશે.  મજા કરશે. તમે જશો તો બે ત્રણ વીકમાં પાછા આવશો. બોલો તમારે જવું છે કે બાપુને અહિ બોલાવવા છે?’

….અને ઈશ્વરભાઈ બે મહિનામાં વિઝીટર વિસા પર અમેરિકા પહોચી ગયા.

ઠાકોરભાઈના સ્ટોરમાંથી એકના એક એમપ્લોઈને કોઈક કારણસર છૂટો કરવામાં આવ્યો. ઠાકોરભાઈએ ઈશ્વરભાઈની મદદ માંગી.

‘આપ થોડો સમય સ્ટોર સંભાળો તો તમારો ઘણો આભાર. અમારી નેહા ખુબજ સ્માર્ટ છે. મારા ધંધાની બધી મેનેજમૅન્ટ એજ સંભાળે છે.  એ તમને એક વીકમાં ટ્રેઈન કરી દેશે. તમારો સમય પણ જશે. મજા આવશે.   ભરોસાપાત્ર માણસ મળશે એટલે  તમે છૂટ્ટા. પછી આપણે આખા અમેરિકામાં સાથે હરીશું-ફરીશું. મારે વેવાઈ પાસે મફતની મદદ નથી માંગવી. દર મહિને પાંચસો ડોલર તમને કેશ આપી દઈશ.’  તમારે કે મારે ટેક્ષની કંઈ માથાકૂટ જ નહીં.

બિચારા ઈશ્વરભાઈને ચાલતા વેઇજ રેઇટનો જરા પણ ખ્યાલ ન હતો. એમના અંદાજ પ્રમાણે તો મહિને બાવીશ-પચ્ચીસ હજાર રૂપિયા એમને માટે મોટી વાત હતી.

એ વાતને લગભગ અઢી વર્ષ થઈ ગયા.  વિઝિટર વિસાની મુદત પણ પૂરી થઈ ગઈ. ઠાકોરભા દી ઈએ અષ્ટમ પષ્ટમ સમજાવી ઈશ્વરભાઈને રોકી રાખ્યા.  ઠાકોરભાઈને  વિશ્વાસુ માણસ શોધવાની જરૂર જ ન હતી. ઈશ્વરભાઈ એક પણ દિવસની રજા કે આરામ વગર સવારથી રાત સુધી કામ કરતા રહ્યા. પરિસ્થિતિનો તાગ તો મળી ગયો હતો. માત્ર દીકરાને ખાતર ગમ ખાઈને કામ કરતા રહ્યા.  

કાર્તિક અને કાજલ રાત દિવસ મોટૅલ સંભાળતા હતા. એમને માટે મોટેલમાં જ, બે રૂમ અલાયદા રાખ્યા હતા. જેને ઠકોરભાઈ ઘર કહેતા હતા. વહુ કાજલ  પિતા અને નાની બહેન, નેહાના વર્ચસ્વ હેઠળ લઘુતાગ્રંથીથી પિડાતી હતી. બાપ અને નાની બહેન દ્વારા પતિ અને સસરાનું થતું શોષણ સમજી શકતી હતી. પણ બોલવાની હિંમત  ન હતી.  ઠાકોરભાઈ વારંવાર કહેતા, ‘મારા પછી આ જે છે તે બધું તમો બે બહેનોનું જ  છેને!’  નેહા વગર મહેનતે ધીમે ધીમે પોતાનું  બેંક બેલેન્સ વધારતી હતી. વાત વાતમાં  જીજાજીને  `ખખડાવતી હતી.  બાપે એને સ્માર્ટ દીકરી તરીકે માથે ચડાવી હતી.

ઈશ્વરભાઈની  હાલત  હવે  એક  માત્ર  ઈલલિગલ ઈમિગ્રાન્ટ અને લાચાર મજુરીયા  જેવી હતી.

મધર્સ ડે ના બે દિવસ પહેલા કુરિયર મારફત કૌશિકે એક  બ્લેક એન્ડ વ્હાઈટ લેમિનેટેડ ફોટો મોકલ્યો. વર્ષો પહેલા પાડોસી ચિમનલાલ બોક્ષ કેમેરો લાવ્યા હતા. હરખપદુડા  ચિમનલાલે મહોલ્લામાં ઘેર ઘેર જઈને બધાના ફોટા પાડ્યા. રવીવાર હતો. ચિમનલાલ કેમેરો લઈને ઈશ્વરભાઈને ત્યા પહોંચ્યા. ડાહીમાં વાડામાં ભેંસનું કરતા હતા. માલતી સસોડામાં  હતી. ચિમનલાલે વાડામાં બઘાને બોલાવ્યા. અહીં તડકો સારો છે. અહીં જ ફોટો પાડીએ.  ……એઝ ઈઝ.. તદ્દન કુદરતી…માત્ર હસતા ચહેરા…

અને ફોટો પડ્યો. વચ્ચે ઈશ્વરભાઈ પાયજામા અને ફાટેલા ગંજી સાથે ઊભા હતા. એક ખભા  પર કૌશિક અને બીજા ખભા પર કાર્તિક હતો. એક પડખે કાછડો વાળીને ગંદા થયેલા હાથો વાળી ડાહીમા હતા.  બોખા મોં પર હેત ભર્યું હાસ્ય હતું.  બીજે પડખે મલતી હતી. બેકગ્રાઊન્ડમાં બે ભેંસ હતી.

કૌશિકે એ ફોટો લેમિનેટ કરી, પરિવારની એક માત્ર માતૃસ્મૃતિ તરીકે, મધર્સ ડે માટે મોકલ્યો હતો.

મધર્સ ડેની વહેલી સવારે ઈશ્વરભાઈએ એ ફોટાને રૂમની દિવાલ પર ભાવ પુર્વક વંદન કરી લટકાવ્યો. રોજની જેમજ સ્ટોર પર જવા નીકળી ગયા. રાત્રે ઇશ્વરભાઈ જ્યારે ઘેર પહોંચ્યા ત્યારે રૂમમાં આનંદનો માહોલ હતો.  ઠાકોરભાઈ એમના તુંડમિજાજી પત્ની, નેહા અને એનો બોયફ્રેન્ડની સાથે હસાઠીઠી ચાલતી હતી. નેહા કહેતી હતી ‘જીજાજી તમારા તબેલામાં ચાર ચાર ભેંસો હતી? ‘

કાજલે ભોળપણમા કહ્યુ. ‘નેહા! બે જ ભેંસ છે.’

‘આ  પાયજામા ગંજીમા ઉભેલા હનુમાનજીની બન્ને બાજુ પણ બે ભેંસ જ છેને?’  

ડાહીમાં અને માલતીમાંની આ ક્રુર મજાક હતી. મજાક નહીં પણ હળાહળ અપમાન હતું. રૂમમાં દાખલ થતા ઈશ્વરભાઈએ આ ઉપહાસ સાભળ્યો હતો.  કાર્તિક અને કાજલ નીચું જોઈને બેસી રહ્યા.   ઠાકોરભાઈ અને નેહા  ઈશ્વરભાઈ ના પરિવારની ઠેકડી ઉડાવતા રહ્યા. મધર્સ ડે ને દિવસેજ…..  પોતાના જમાઈ અને વેવાઈની માતાની.

ઈશ્વરભાઈએ  આખી રાત પરિતાપમાં ગાળી. અમેરિકામાં આવ્યા પછી માત્ર બે-ત્રણ વિકમાંજ દીકરા વહુની લાચારી પામી ગયા હતા. અને દીકરાના સુખી જીવન માટે પોતાનું શોષણ થવા દેતા હતા. ઠાકોરભાઈ વેવાઈએ પોતાના સ્વાર્થ માટેજ તેમને ગેરકાયદેસર રોકાઈ જવા લલચાવ્યા હતા. ઊંટની પીઠ પર એક પછી એક બોજ નેહા પણ લાદતી જ રહી હતી. શારીરિક, માનસિક બોજથી બાપ- દીકરા તૂટતા જતા હતા. પણ પોતાની માતા અને પત્નિનું અપમાન એ ઈશ્વરલાલના  માનસિક ઊંટની પીઠ પરનું  છેલ્લું તણખલું હતું.

ઈશ્વરભાઈએ રોજની જેમ વહેલી સવારે સ્ટોર પર જવાની દરકાર ન કરી. નેહાનો ફોન આવ્યો અંકલ હજુ સુધી સ્ટોર ખોલ્યો નથી? હજુ સુધી સૂઈ રહ્યા છો? બંધ સ્ટોર જોઈને કેટલા કસ્ટમર પાછા જાય છે તેનું ભાન નથી?

ઈશ્વરભાઈએ એક પણ શબ્દ કહ્યા વગર  શાંતિથી ફોન મુકી દીધો.

અડધા કલાક પછી ઠકોરભાઈનો ફોન આવ્યો. ‘ઈશ્વરલાલ શું થયું?  સ્ટોર કેમ બંધ છે?  જવાબદારી જેવું કાંઈ સમજો છો કે નહીં?  તમે માંદા થઈ ગયા હો તો કાર્તિકને મોકલો!

આ વખતે પણ તેઓ કંઈ પણ બોલ્યા નહીં.  ઠંડે કલેજે ફોન મુકી દીધો.

એમણે બેગ તૈયાર કરી. દિવાલ પરથી ફોટો ઉતાર્યો. 

ઈશ્વરભાઈ દર ત્રણ મહિને મોટાભાગની બચત કૌશિકને મોકલી આપતા. કૌશિકે એ રકમમાંથી ડુમ્મસનું મકાન રિનોવેટ કરાવી ‘માલતી મંદિર’ નામકરણ કર્યું હતું. કૌશિકને આ વખતે મોકલવાની રકમ એમની પાસેજ પડી હતી. એમણે ટ્રાવેલ એજન્ટને ફોન કરી એજ રાતની ફ્લાઈટ બુક કરાવી હતી.  જ્યારે ઠાકોરભાઈ ધુંઆપુંઆ થતા ઈશ્વરભાઈને તેડવા આવ્યા ત્યારે, ઈશ્વરભાઈ  કોઈને પણ કહ્યા વગર ટ્રાવેલ એજન્ટને ત્યાં એર ટીકીટ લેવા ગયા હતા. ઠાકોરભાઈ  દિકરી જમાઈની હાજરીમાં  ‘એફ’ વાળી અમેરિકન  ગાળો દેતા જાતે સ્ટોર ખોલવા ગયા.

ઈશ્વરભાઈ બપોરે ટિકીટ લઈ ઘેર આવ્યા. કાર્તિકને  બોલાવ્યો. કાર્તિક અને કાજલને બેસાડી કહ્યું ‘દીકરા  આ ધરતીના અન્ન-જળની લેણા દેણી પુરી થઈ. મને આજે ચાર વાગ્યે એરપોર્ટ પર મુકી  જજે. હું ગામ જાઊં છુ.’ કાર્તિક અને કાજલ રડી પડ્યા.

કાજલે ઈશ્વરભાઈને કહ્યું  ‘બાપુ આ કસાઈખાનામાંથી તમેતો છૂટશો પણ અમારું શું? મારામાં મારી ઉધ્ધ્ત બેન જેટલી આવડત  હોંશિયારી નથી પણ હું લાગણીવિહિન નથી. તમે મને હિંમત અને સ્વમાનનો માર્ગ બતાવ્યો છે. બાપુ તમે સુખેથી જાવ.  હું કૌશિકકાકાને ફોન કરું છું.   એઓ તમને બોમ્બે એરપોર્ટ પર  લેવા આવી રહેશે.

…..અને ઈશ્વરભાઈ બંધન ફગાવી મુંબઈ તરફ ઉડી રહ્યા હતા. પોતાની  ડાહીમાં  અને કાર્તિકની માલતી  માના ફોટાને લઈને માનવંતી માતૃભૂમિ પર જઈ રહ્યા હતા. એવા દેશમાં કે જ્યાં ધરતીને પણ મા સમાન ગણવામાં આવે છે. માં શબ્દની સાથે પૂજ્યભાવ ઊભરી આવે છે.

***

વિચારોનો પણ થાક વર્તાય છે. ઈશ્વરભાઈ નિદ્રામાં સરી ગયા……

નિદ્રા..બોમ્બે..ડુમ્મસ…

ત્રણ દિવસ પછી…

*******      

……..બરાબર આજ સમયે અમિરિકામાં શું થઈ રહ્યું એની બિચારા ઠકોરભાઈને શું ખબર!

…આ સમયે  ગરીબડી ગાય જેવી કાજલ, લોહિયાળ વાઘણની જેમ પિતા અને નાનીબહેન નેહા સામે ત્રાડ નાંખતી હતી.

‘ડેડી! આજ સુધીમાં તમે જીંદગીમાં એકજ સારું કાર્ય કર્યું છે અને તે એ કે મને ઉમદા કુટુંબમાં પરણાવી છે. તમારા સેલ્ફિશ એક્સ્ટોરશનને, સજ્જન બાપ-દીકરાએ મુંગે મોંએ સહન કર્યા છે. અરે! તમેતો તમારા પોતાના લોહીના સગાને કે ખુદ મને પણ ક્યાં છોડી છે? હું તો તમારી ફાટેલ દીકરી કરતાં અભણ છુંને! ભાણેજ ભત્રિજાઓને બોલાવી જાણે ઉપકાર કર્યો હોય એમ એમની પાસે પણ ગધ્ધા વૈતરું કરાવ્યું છે. તમને  જીવન જીવવા માટે પૈસાની ખોટ નથી. તમને પૈસાનું વ્યસન છે. ડેડ! યુ આર મેન્ટલી સીક એન્ડ એડિક્ટેડ.’

નેહા કાજલ સામે ધસી આવી. ‘કાજલ તને ભાન છે, કે તું કોની સામે બોલે છે?’

‘યુ શટ અપ બીઈઈચ.’ અને કાજલના હાથની જબ્બરજસ્ત થપ્પડ નેહાના ગાલ પર પડી ચુકી હતી.

‘નેહી મોં ઉઘાડતા પહેલા યાદ રાખજે કે કાજલ ભલે ભણવામાં નબળી હતી પણ હાથની નબળી નથી. અને ડેડી મને તમારા કાળી કમાણીના વારસાની પડી નથી. મારે મારા બાપુની અને કાર્તિકની મહેનત મજુરીનું કાયદેસરનુ વળતર જોઈએ છે. હું મારી રીતે ઈનાન્સિયલ એટર્નિ પાસે હિસાબ કરાવી બીલ મોકલી આપીશ.’ 

ઠાકોરભાઈ ડઘાઈને કાજલનું નવું સ્વરૂપ જોતા હતા.

વતન પાછા વળેલા ઈશ્વરલાલને ક્યાંથી ખબર હોય કે ……..

……..કાજલે બાપ પાસે એટર્ની દ્વારા ચાર લાખ ડોલર લઈને પિયર સાથેનો છેડો કાયમને માટે ફાડી નાંખ્યો છે.

…..ઈશ્વરલાલને એ પણ ખબર નથી કે આવતા મહિને ફાધર્સ ડે ને દિવસે કાજલ કાર્તિક સાથે ડુમ્મસ આવવાની છે અને ઈશ્વરભાઈને દાદા બનવાના શુભ સમાચાર આપવાની છે.

10 responses to “એક તણખલાનો ભાર વાર્તા # ૩૫

 1. pravinshastri November 16, 2015 at 12:13 AM

  સમય ફાળવીને વાંચવા બદલ આભાર રાજુલબેન.
  .

  Like

 2. Rajul Kaushik November 15, 2015 at 11:13 PM

  એક સારી વાર્તા વાંચવાના સૂચન માટે આભાર.
  ઇશ્વરભાઇ અને તેમના પરિવારની ખાનદાની ને સલામ.

  Liked by 1 person

 3. pravinshastri December 24, 2013 at 8:52 AM

  ગાંધી સાહેબ, આપના વાસ્તવદર્શી અભિપ્રાય માટે આભારી છું.

  Like

 4. mdgandhi21, U.S.A. December 23, 2013 at 11:49 PM

  ગેરકાયદેસર વસેલા તથા ન છુટકે અમેરીકા રહેલાં લગભગ દરેક, ભલાભોળા અને લાચાર મા કે બાપની શું દશા થાય છે તે તમે બહુ વાસ્તવિક રીતે દર્શાવ્યું છે, ….ને આપણી આજુબાજું ઈશ્વરભાઈ અને કૌશિક જેવા તો અનેક છે, લાલચુ, ઘમંડી અને નફ્ફટ ઠાકોરભાઈ જેવા પણ અનેક હોય છે, પણ કાજલ જેવા બહુ થોડા હશે, પણ કાજલના પાત્રને દર્શાવીને ખરેખર તો તમે આવા કુટુંબોને માટે બંધ રૂમને ખોલવાની ઈલ્મી ચાવી બતાવી છે….એક સ્પષ્ટ સંદેશો આપતી બહુ સુંદર વાર્તા છે. અભિનંદન.

  Like

 5. pravinshastri December 21, 2013 at 7:21 AM

  વિનોદભાઈ, મેં છેલ્લા વીસ વર્ષમાં ઘણી મહિલાઓ જોઈ છે જેઓએ દૃઢ મનોબળથી પરિસ્થિતિ બદલી છે. કેટલાક પુરુષો વધારે પડતા સંવેદનશીલ થઈને ડિપ્રેશનમાં સરી પડ્યા છે.

  Like

 6. Vinod R. Patel December 20, 2013 at 5:39 PM

  આજની વાસ્તવિકતાને સુંદર રીતે રજુ કરતી ખુબ જ અસરકારક વાર્તા માટે આપને અભિનંદન .

  વાર્તા કથનની કળા તો તમારી પાસેથી શીખવા જેવી છે પ્રવીણભાઈ .

  આપના સ્ત્રી પાત્રો બિચારા બાપડા નથી પણ મજબુત મનોબળ દર્શાવતા હોય છે .

  આ વાર્તામાં કાજલનું પાત્ર શ્વેતાના પાત્રને મળતું આવે છે .

  ધન્યવાદ .

  Like

 7. pinkidalal December 20, 2013 at 3:13 PM

  touchy, useless to say anything else…

  Like

 8. pravinshastri December 20, 2013 at 2:26 PM

  દાદુ, આપના પ્રતિભાવ અને પ્રેમ બદલ હાર્દિક આભાર.

  Like

 9. સનતકુમાર ચ દવે..... December 20, 2013 at 10:40 AM

  ……..બરાબર આજ સમયે અમિરિકામાં શું થઈ રહ્યું એની બિચારા ઠકોરભાઈને શું ખબર!

  …આ સમયે ગરીબડી ગાય જેવી કાજલ, લોહિયાળ વાઘણની જેમ પિતા અને નાનીબહેન નેહા સામે ત્રાડ નાંખતી હતી.

  ‘ડેડી! આજ સુધીમાં તમે જીંદગીમાં એકજ સારું કાર્ય કર્યું છે અને તે એ કે મને ઉમદા કુટુંબમાં પરણાવી છે. તમારા સેલ્ફિશ એક્સ્ટોરશનને, સજ્જન બાપ-દીકરાએ મુંગે મોંએ સહન કર્યા છે. અરે! તમેતો તમારા પોતાના લોહીના સગાને કે ખુદ મને પણ ક્યાં છોડી છે? હું તો તમારી ફાટેલ દીકરી કરતાં અભણ છુંને! ભાણેજ ભત્રિજાઓને બોલાવી જાણે ઉપકાર કર્યો હોય એમ એમની પાસે પણ ગધ્ધા વૈતરું કરાવ્યું છે. તમને જીવન જીવવા માટે પૈસાની ખોટ નથી. તમને પૈસાનું વ્યસન છે. ડેડ! યુ આર મેન્ટલી સીક એન્ડ એડિક્ટેડ.’

  નેહા કાજલ સામે ધસી આવી. ‘કાજલ તને ભાન છે, કે તું કોની સામે બોલે છે?’

  ‘યુ શટ અપ બીઈઈચ.’ અને કાજલના હાથની જબ્બરજસ્ત થપ્પડ નેહાના ગાલ પર પડી ચુકી હતી.

  ‘નેહી મોં ઉઘાડતા પહેલા યાદ રાખજે કે કાજલ ભલે ભણવામાં નબળી હતી પણ હાથની નબળી નથી. અને ડેડી મને તમારા કાળી કમાણીના વારસાની પડી નથી. મારે મારા બાપુની અને કાર્તિકની મહેનત મજુરીનું કાયદેસરનુ વળતર જોઈએ છે. હું મારી રીતે ઈનાન્સિયલ એટર્નિ પાસે હિસાબ કરાવી બીલ મોકલી આપીશ.’

  ઠાકોરભાઈ ડઘાઈને કાજલનું નવું સ્વરૂપ જોતા હતા.

  વતન પાછા વળેલા ઈશ્વરલાલને ક્યાંથી ખબર હોય કે ……..

  ……..કાજલે બાપ પાસે એટર્ની દ્વારા ચાર લાખ ડોલર લઈને પિયર સાથેનો છેડો કાયમને માટે ફાડી નાંખ્યો છે.

  …..ઈશ્વરલાલને એ પણ ખબર નથી કે આવતા મહિને ફાધર્સ ડે ને દિવસે કાજલ કાર્તિક સાથે ડુમ્મસ આવવાની છે અને ઈશ્વરભાઈને દાદા બનવાના શુભ સમાચાર આપવાની છે……..

  dear kjs ji yes ane hame bhi yeh hi umeed ki varta ka ant mai aaisa hi TWIST…..!!!!
  gbu jsk jmj jj
  Dadu…

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: