આધુનિક વાલ્મીકિ

જુની વાર્તાઓની ફાઈલ સહેલાઈથી નથી ઉઘડતી એવી ફરિયાદ છે. એજ વાર્તાઓ ફરીથી બ્લોગ ખોલતા જ વાંચી શકાય એ ઈરાદાથી આ નવી પોસ્ટ તરીકે ફરી રજુ કરું છુ…

પ્રવીણ શાસ્ત્રીની વાર્તા #

                                         May 6, 2012

                                          આધુનિક   વાલ્મીકિ

                                              Published in Gujarat Darpan.                             

                                                            May 2010

 

ડૉ.કેતન જોષી કેનેડી હાર્ટે સેંટરના નામાંકિત કાર્ડિઆક સર્જન હતા. સર્જરીમાંથી પરવારી લોન્જના સોફાપર આડા પડી સીલિંગને તાંકતા વિચારમગ્ન હતા. ડૉક્ટર મિત્ર દેશમુખે તેના દૂરના સબંઘી રામારાવ પાટિલનો કૅસ સંભાળવાની વિનંતિ કરી હતી. રામારાવ પાટિલને ઈંડિઆમાં બે વખત બાયપાસ સર્જરી થઈ ચૂકી હતી. હવે મિટ્રલ વાલ્વ લીક થતો હતો. ડૉ.કેતન માટે આ કંઈ મોટી વાત નહોતી. ઈનસ્યુરન્સ વગરના ચેરિટી પેશન્ટનો કેસ હતો. એ પણ પ્રોબલેમ નહોતો. પણ……..

…….પણ આ પેશન્ટ!….એજ ચહેરો….એજ ભરાવદાર મુંછો…કપાળની ડાબી બાજુનું કાળું લાખું…અને એજ નામ. આર. પાટિલ.

કેતન બાવીશ વર્ષ પહેલાના ભૂતકાળમાં સરી ગયા. મેડિકલ કોલેજમાં ભણતા હતા ત્યારે ટેલિગ્રામ મળ્યોકે ‘પિતાજી ગંભિર છે. જલ્દી આવો’. પહેરેલે કપડે જે પ્લેન મળ્યું તેમાં કેતન મુંબઈ પહોંચ્યો. થોડા વધેલા વાળ-દાઢી, એક-બે કાણાંવળું જીન અને ટીશર્ટ પહેરેલો કેતન ઝડપથી ઈમિગ્રેશન પતાવી કસ્ટમની લાઈનમાં ઊભો રહ્યો. કસ્ટમ ઓફિસરે બેગ તપાસી. કેતન સામે જોયું. ચહેરા પર ચિંતા અને ઉતાવળની વ્યથા વર્તાતી હતી. ઓફિસરે બીજા ઓફિસરને અને પોલિસને બોલાવી કહ્યું “પેસેન્જરકો રામારાવ પાટિલ સાહબકે પાસ લે જાઓ. ફિઝીકલ ચેકિંગ જરુરી હૈ.”

કેતનને પાટિલ સાહેબની ઓફિસમાં લઈ જવાયો. બારણું બંધ થયું. ખુરશી પર ભરાવદાર મુંછ, કરડી નજર અને કપાળ પર મોટા કાળા લાખા વાળો પાટિલ સાહેબ બેઠો હતો. ઓફિસમાં બીજા ત્રણ પોલિસો ઊભા હતા. “એઇ, લડકે, કૌનસા ડ્રગ લાયે હો.”

કેતને જવાબ આપ્યો ” સાહબ, મૈ સ્ટુડન્ટ હું. મેરે પાસ કોઈ ડ્રગ નહિ હૈ.”

“એમ્પ્ટી યોર ઓલ પોકેટ્સ.” સાહેબ ગર્જ્યા.

કેતને બધા ગજવા ખાલી કરી, પાસપોર્ટ, ટિકીટ, વૉલેટ વિગેરે કાઢી સાહેબના ટેબલ પર મુંક્યા. પાટિલે ડ્રોઅરમાંથી એક નાની પડીકી કાઢી ટેબલ પર મુકી. “દેખ લડકે, ઇસકા મતલબ સમજતે હો! હમારે પાસ વિટ્નેસ હૈ કિ યે હેરોઈન તુમ્હારે પોકેટ્સમેંસે મીલા હૈ. હમ તુમ્હે એરેસ્ટ ભી કર શક્તે હૈ. તુમ હમેં પાંચસો ડોલર દે દો ઔર ખુશીસે ઘર જાઓ.”

સાહબ, આપ ક્યા કર રહે હો! આપનેહી યે ડ્રગ યહાં રખ્ખા હૈ. યે સબ ગેરકાનુની હૈ. આપકો શર્મ નહિ આતી ઐસા કરતે હુએ?

‘શટ અપ.’

…….અને કેતનના ગાલ પર એક જોરદાર થપ્પડ પડી….

બાવીશ વર્ષ પછી પણ જાણે ગાલ ચમચમી ઉઠ્યો. ડૉ. કેતન ધ્રુજી ઉઠ્યા. ફરી દુઃસ્વપ્ન વહેતું રહ્યું….

” લુક બોય, હિયર આઈ એમ ધ લૉ. એન્ડ ડોન્ટ ટ્રાય ટુ બી સ્માર્ટ. ધીસ ઈસ ઈંડિઆ.”

“પે અસ વોટ આઈ સૅઇડ એન્ડ યુ કેન ગો ફ્રી.” પાટિલે ફરમાવ્યું.

“બટ, સર આઈ એમ ઈનોસન્ટ. આઈ હેવ નોટ ડન એની થીંગ રોંગ. આઈ ડોન્ટ હેવ ધેટ મચ મની  ઈધર. પ્લીઝ, લેટ મી ગો સર! માઈ ફાધર ઈઝ ડાઈંગ. પ્લીઝ લેટ મી ગો. આઈ હેવ ટુ કેચ ધ ટ્રેઈન. પ્લીઝ.” કેતન કરગરતો હતો.

“ઓકે, લેટ મી સી, હાવ મચ મની યુ હેવ.”

પાટિલે જાતે વૉલેટ ખોલ્યું. અંદર બસોપચાસ ડોલર હતા. બીજા લગભગ પાંચસો રૂપિયા હતા. પાટિલે ડોલર લીધા. રૂપિયા રહેવા દીધા.

પોલીસને કહ્યું “ઇસ લડકેકો બાહર ટેક્ષીમેં છોડ આઓ.”

કેતન ટ્રેઈન ચૂક્યો. ત્રણ કલાક પછી બીજી ટ્રેઈન મળી. પોતાને ગામ પહોંચ્યો ત્યારે, ફળિયામાંથી પિતાની શ્મશાનયાત્રા નીકળતી હતી.

   …હૉસ્પિટલ લોન્જના સોફા પર આડા પડેલા ડૉ.કેતનથી ડૂસકું ભરાઈ ગયું. સોફા પરથી ઊભા થઈ ગયા.

ઉંમરની અસર હતી, પણ ચહેરો બદલાયો ન હતો. ભુલાય એવો પણ ન હતો.   … હા. આ એજ પાટિલ હતો. નિષ્ઠુર, ભ્રષ્ઠાચારી, દેશદ્રોહી, સેતાન જેને કારણે પિતાની અંતિમવેળાએ સમયસર પહોંચી શક્યો ન હતો.

હવે પાટિલની શ્મશાનયાત્રાના દિવસો નજીક આવી રહ્યા હતા.

આ એજ રામારાવ પાટિલ હતો જેનો કૅસ ડૉ. દેશ્મુખ લેવા વિનંતી કરતા હતા.

‘હૅલ વીથ હીમ….. લેટ હીમ સફર. ……આઈ એમ નોટ ટેકીંગ હીસ કૅસ…. લેટ હીમ ડાય, લેટ હીમ ડાય…લેટ હીમ ડાય…લેટ હીમ ડાય…

 

     ડૉ. કેતન વોશરૂમમાં જઈ મોં ધોઈ ફ્રેસ થયા. ફ્રેસ કૉફી પીધી. ઘેર જતાં પહેલા સી.સી.યુ.માં પોતાના પેશન્ટને જોવા રાઊન્ડ લગાવ્યો. પાટિલના બૅડ તરફ નજર નાંખવાની ઈચ્છા રોકી ના શક્યા. બે નર્સ તેને એટેન્ડ કરતી હતી. મુશ્કેલીથી શ્વાસ લેવાતો હતો. કેતનને જોઈ નર્સ કંઈ કહેવા જતી હતી. ડૉકટર…

 

     કેતને તરતજ કહ્યું ” કોલ હાઊસ ફિઝીસીયન, આઈ હેવ ટુ ગો.”

 

ધેર પહોંચી, ડિનર પછી પત્ની અંજલિને બધી વાત કરી, મનનો ઊભરો કાઠ્યો….

“નાલાયક, દેશદ્રોહી ગુંડાને રિબાઈ-રિબાઈને મરવા દે. એ અહીં અમેરિકા ક્યાંથી આવી ચઢ્યો?  ઈલ્લીગલ હોયતો સાલાને જેલમાં સબડીને મરવા દેવો જોઈએ.”

અંજલિ સહાનુભૂતિ પૂર્વક કેતનને સાંભળી રહી. ઊભરો ઠાલવવા દીધો. તે કોલેજમાં પ્રોફેસર હતી. પ્રેમાળ, સમજુ અને ઠરેલ હતી. કેતનના વાળમાં આંગળા ફેરવતાં કહ્યું ” તારું દુઃખ અને ક્રોધ સમજી શકું છું. અત્યારે બાવીશ વર્ષ પહેલાનો સ્ટુડન્ટ કેતન અપરાધી પાટિલને સજા કરવા માંગે છે. ડિયર કેતન, હવે તું સ્ટુડન્ટ નથી. હવે સમય થોડો બદલાયો છે. આપણે ઘણી વાર ઈંડિયા જઈ આવ્યા છીએ. એરપૉર્ટ પર હવે પહેલા જેવો ત્રાસ નથી. ગઈ ગુજરી ભુલી જઈને ફરી સેવાભાવી ડૉક્ટર થઈ જા. તને ચાર્ટના નામ કે ચહેરા સાથે કાંઇ સંબંધ નથી. તું તો હંમેશાં ઓપરેશન ટેબલ પડેલા શરીરનું માત્ર હ્રદયજ જોય છે અને એને તારી બુદ્ધિ શક્તિથી સમારીને ધબક્તું રાખે છે. બદલાની ભાવના મનમાંથી કાઢી નાંખ. ન્યાય અન્યાય ભગવાન પર છોડી દે. કેતન પ્લીઝ બી એ ડૉકટર.”

 “અંજલિ, આઈ એમ હ્યુમન. આઈ હેવ ફિલીંગ્સ. આઈ કેન નોટ ફરગીવ હીમ.”

“ભલે, તને યોગ્ય લાગે તેમ કરજે. અત્યારે તને આરામની જરૂર છે. હું ડોકટર દેશ્મુખને ફોન કરીને કહીશ કે ડો. પિટરસન પાસે રમારાવની સર્જરી કરાવી લો.. એ પણ સારા સર્જન છે.”

 

બીજી સવારે પરિતાપ થોડો શાંત થયો. કેતનનો રાબેતા મુજબનો દિવસ શરૂ થયો. સવારે ત્રણ સર્જરી સ્કેડ્યુઅલ થઈ હતી. સર્જરી પતાવી, રિલેક્ષ થવા વિઝીટર્સ કૉફીશોપમાં કૉફી માટે ગયા.

 

ખૂણાં પરના ટેબલ પર એક ઈંડિયન કપલ વાતો કરતું હતું. સ્ત્રી કહેતી હતી, ” અહીં આવવા જેવું નથી. અત્યારે ચેરિટિમાં થાય છે તે આપણાં માથાપર આવી પડશે. તારો બાપ જેટલો વહેલો મરશે તેટલી પ્રોપરટી વહેલી મળશે. એરપોર્ટ પરથી ઘણું ભેગું કર્યું છે.  એની સર્જ્રરી ન થાય તે આપણા ભલામાંજ છે.”

ડૉકટર કેતનને તરત ખ્યાલ આવી ગયો કે આ નમુનો પાટિલનોજ છે. આવો વારસદાર આપીને ભગવાને એને શિક્ષા કરી દીધી જ છે. બિચારો પાટિલ…

કૉફી પુરી કરી ડૉ.કેતન વોર્ડમાં રાઊન્ડ માટે ગયા. એક નજર ફરીવાર એ ચહેરા, એ મુંછો અને એ લાખા પર ગઈ. અત્યારે એ ચહેરો દયામણો હતો. શ્વાસની તકલીફ મોં પરની વેદના પરથી સ્પષ્ટ વર્તાતી હતી. અંજલિના શબ્દો યાદ આવ્યા. “કેતન, તું ડૉકટર કેતન થા. ન્યાય અન્યાય અને સજા કે બદલાનું ભગવાન પર છોડ.”

ડૉ. કેતને નર્સિગ સ્ટેશન પર જઈ પાટિલનો ચાર્ટ જોયો. એને ખબર હતી કે ડો. પિટરસન ચેરીટી કે વેલફેર કેઇસથી દૂરજ રહે છે. લીકી વાલ્વ રીપેર થઈ શકે એમ હતું. રીપેર કરવામાં ન આવે તો વેદના સહિત મૃત્યુ નજીક છે એ સ્પષ્ટ હતું. એણે દેશમુખને ફોન કર્યો. ” આઈ એમ ગોઈગ ટુ શ્કેડ્યુઅલ પાટિલ્સ સર્જરી ડે આફ્ટર ટુમોરો. રાત્રે આઠ વાગ્યે મારે ઘેર આવજે. સાથે ડિનર લઈશું અને પાટિલની પ્રોસિજરની વાત કરીશું.”

ડૉ. દેશ્મુખ સાથે ડિનર લીધા પછી બન્ને વાતે વળગ્યા.

“મારે પાટિલના બેકગ્રાઊંડ વિષે જાણવું છે.”

દેશમુખે કહ્યું ” છેલ્લા ત્રણ વર્ષમાં બે એટેક અને બાયપાસ…”

“ના…ના. એ તો ચાર્ટમાં છે. ઓપન હાર્ટ વીલ બી રિસ્કી. રિબ્સની વચ્ચેથી ઈન્સિસન કરી રિપેર કરવા કોશિશ કરીશ. મને ખાત્રી છે કે વાંધો નહીં આવે.”

” પણ મારેતો એના પર્સનલ બેકગ્રાઊન્ડ વિષે જાણવું છે.”

 

રામારાવ મારા દૂરના કાકા થાય. બાળપણ ગરીબીમાં પસાર થયું. મારા દાદાએ એમના પિતાને ઘણી વાર આર્થિક મદદ કરેલી. એમના પિતા કોઈક ગુજરાતી કુટુંબમાં ઘરઘાટી તરીકે કામ કરતા હતા. રામારાવ જેમતેમ કરી ઈંટર સૂધી ભણ્યા. એને હમેશાં લાગતું કે ધનિક ગુજરાતીઓ એના બાપ પાસે ખૂબ વૈતરુ કરાવે છે અને પુરતું વળતર આપતા નથી. બંધાયલો પૂર્વગ્રહ શિવસેનામાં જોડાયા પછી વધુ બળવત્તર બન્યો. કૉલૅજકાળ દરમ્યાન ગુજરાતી દુકાનોના પાટિયા તોડ્યા, બાળ્યા. શિવસેનાના મોટામાથાની લાગવગથી પોલિસ ઈન્સ્પેકટર થયા. એરપોર્ટ પર પોસ્ટીંગ મળ્યું. ખૂબ કમાયા. એકનો એક છોકરો ખાસ ભણ્યો નહીં પણ પૈસાના જોરે યુ.એસ. સિટીજન છોકરી સાથે લગ્ન કરી અમેરિકા આવ્યો. અહીં બાપના બધા પૈસા ઉડાવી નાખ્યાં. દીકરાએ ઈંડિયાની મિલ્કતના લોભે રામારાવને અહીં બોલાવ્યા. ઈરાદો બર ન આવતાં ઘરમાંથી કાઢી મુક્યા. અત્યારે વૅરહાઉસમાં ગાર્ડ તરીકે નોકરી કરેછે. અંધેરીમાં સારી જેવી મિલ્કત છે. ત્યાં કોઈ સગાવ્હાલા નથી. પાછા જવું છે. પણ હાર્ટનો પ્રોબ્લેમ ઉભો થયો છે.”

‘હ્અ… કરણી તેવી ભરણી.’  કેતન મનમાં બબડ્યા.’

દેશમુખે પુછ્યું ” ડૉકટર, તમે કાંઈ કહ્યું?”

“ના, કશું નહીં.”

ત્રીજે દિવસે ધાર્યા પ્રમાણે સર્જરી થઈ ગઈ. ડૉ. કેતને કુશળતા પૂર્વક વાલ્વ રીપૅર કરી દીધો. સરળતાથી શ્વાસ લેવાતો થયો. હાર્ટ પાઉંડિંગ બંધ થયું. ડૉ. કેતન રામારાવની અંગત કાળજી લેતા હતા. સર્જરી પછી ‘રી-હૅબ’ની વ્યવસ્થા પણ ચેરિટીમાં તેણેજ કરી આપી હતી. એક્વારતો ડૉ.દેશમુખની સાથે અંજલિને લઈ રામારાવની ખબર કાઢી આવ્યા.

દેશમુખને સમજાતું ન્હોતું. એણે કેતનને ઘણા કૅઇસ રિફર કર્યા હતા. સર્જરી પછી એક ફોલોઅપથી આગળ વધવાનું જરૂરી ન હતું.

આમ કેમ?….

 

ડૉ. કેતનની બદલાની ભાવનાએ જૂદું સ્વરૂપ લીધું હતું. પોતાને ઉચ્ચ માનવ તરીકે રજુ કરી, ભૂતકાળની વાત યાદ કરાવી દેશમુખની હાજરીમાં અપમાનનો બદલો લેવો હતો.

કહેવું હતું ‘ઈન્સ્પેકટર પાટિલ! ઈંડિયામાં તમે સરકારી ગુંડા, નિર્દોષને લૂંટતા, લૂંટારા હતા, અહીં અમેરિકામાં મારી દયાથી જીવતા રહી ભિખારી બન્યા છો. હું એજ ગુજરાતી, કેતન રામચન્દ્ર જોષી કે જેને તમે તમાચો મારીને લૂંટી લીધો હતો.   તે સમયે અન્યાય સામે લડવાના સંજોગો ન હતા. શક્તિ પણ ન હતી. હું લાચાર હતો. કાનુની કારવાઈમાં સમય બગાડ શકું એમ ન હતું. મારા પિતા મરણ પથારીએ હતા. ’

 

વાતવાતમાં ત્રણ મહિના વીતી ગયા. ડૉ. કેતનને પાટિલ સાથે વાત કરવાની મોકળાશ ન મળી.

 

          એક રવિવારની સવારે રામારાવનો ફોન આવ્યો.

‘નમસ્કાર ડોક્ટર સાહેબ. આપની દયા અને લાગણીભરી કાળજીથી હું નવું જીવન પામ્યો છું. થોડા દિવસોમાં ભારત પાછો જાઉં છું. જતાં પહેલા દેવ જેવા ડૉકટરને મળી લેવું છે. આજે સાંજે આપ અંજલિબહેન સાથે ‘હોટૅલ સુપ્રિયા’માં પધારશો તો હું આપનો અત્યંત આભારી થઈશ. પ્લીઝ, આવશોને?  મારા ભત્રીજા ડૉ. દેશમુખ પણ એમની વાઈફ સાથે આવશે. સાથે ડિનર લઈશું અને વાતો કરીશું.’

 

ડૉ. કેતનને આ જ તક જોઈતી હતી.

એણે કહ્યું ” જરૂરથી આવીશું પાટિલ સાહેબ.”

            એણે પાટિલને કહેવાના ધારદાર શબ્દો મનોમન ઘૂંટ્યા.

સાંજે સાડાસાત વાગ્યે જ્યારે કેતન અને અંજલિ ‘સુપ્રિયા’ પર પહોંચ્યા ત્યારે દેશમુખ દંપતિ, રામારાવ પાટિલ અને બીજી એક અજાણી વ્યક્તિ તેમની રાહ જોતા બેઠા હતા.

 ‘આવો બ્હેન. આવો ડૉકટર સાહેબ. તમે સમય કાઢી આવ્યા, તે બદલ હું આપનો અત્યંત આભારી છું.’  પાટિલે ઊભા થઈ હાથ જોડી આવકાર આપતાં કહ્યું.

‘બોલો શું કરીશું?  પહેલા વાતો કે પહેલા ડિનર?’

ડૉકટર કેતનને પોતાની વાત કરવાની અધિરાઈ હતી. તેણે સુચવ્યું, ‘પહેલા થોડી વાતો કરી લઈએ. પછી નિરાંતે ડિનર લઈશું.’

‘ભલે ડૉકટર સાહેબ.’

પાટિલે શરૂ કર્યું. ‘સૌથી પહેલા તમને નવી ઓળખાણ કરાવી દઉં.’

‘આ છે મી. પરાગ મહેતા. એઓ મારા એટર્નિ છે. ન્યુયોર્ક, લંડન અને મુંબઈમાં એમની ઑફિસો છે.’

‘મી. મહેતા, આ મને નવજીવન બક્ષનાર અને પેટના દીકરાથીયે વધુ કાળજી કરનાર ડૉકટર કેતન જોષી છે.’

‘ડૉકટર સાહેબ, મી. મહેતા તમને થોડી વાત સમજાવશે.’

 ‘તો શરૂ કરો મહેતા સાહેબ.’  પાટિલે સૂચ્વ્યું. કેતને ધીરજ રાખ્યા સિવા છૂટકો ન હતો.

મહેતાએ શરૂં કર્યું.

            ‘રામારાવ પાટિલ મારા ક્લાયન્ટ છે. તમારા બન્નેની, અને ખાસ તો ડૉ.કેતનની પ્રોફેશનલ પ્રેકટિસથી ખૂબ આગળ વધીને લીધેલી અંગત કાળજીથી, અત્યંત પ્રભાવિત અને આભારી છે. એમને એક દિકરો છે પણ એને પિતા પ્રત્યે જરાપણ સદભાવ નથી. એમને અહીં બોલાવીને લાચાર સ્થિતિમાં મૂકી દીધા હતા. અત્યારે રામારાવ આપ બંન્ને ડૉકટરોની સારવારથી શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણપણે સ્વસ્થ છે. પણ કાળ અને કુદરતનો ભરોસો નથી.

અંધેરીમાં પોસ એરિયામાં એમના બે મોટા બંગલા છે જેની અત્યારની માર્કેટ વેલ્યુ આશરે તેંત્રીસ કરોડ અંકાય છે. એમની હયાતી બાદ એ બન્ને મિલ્કત ડૉકટર કેતન રામચંદ્ર જોષી ને મળે એવી ઈચ્છા વ્યકત કરી છે. એઓ માને છે કે ડૉ. કેતન લોક-કલ્યાણમાં એનો સારો ઉપયોગ કરી શકશે. પૂનામાં એમનો એક ફ્લૅટ છે જેની કિંમત આશરે પચ્ચીસ લાખની અંકાય છે. તે એમના ભત્રીજા ડૉ. દેશમુખ અને એમની પત્ની રોશનીને મળે એવી ઇચ્છા વ્યકત કરી છે. એમની પાસે બોમ્બેમાં સ્થાવર મિલ્કત છે પણ એ સિવાય બીજું કાંઈ બેંક બેલેન્સ નથી. જે કાંઈ હતું તે, તેના પુત્ર અને પુત્રવધૂએ યેન-કેન પ્રકારે મેળવી લીધું છે. હવે પુત્રવધૂની નજર બોમ્બેની મિલ્કત પર છે. દીકરા વહુએ જે રીતે પૈસા ઉડાવ્યા છે, અને રામારાવ પ્રતિ હલ્કો વ્યવહાર રાખ્યો છે તે ધ્યાનમાં લઈને વીલમાંથી દીકરાનું નામ કાઢી નાંખ્યું છે. એમની મિલ્કત પર પુત્રનો કોઈ અધિકાર રહેતો નથી. રામારાવને ઈંડિયામાં જીવન નિર્વાહ માટે પુરતું પેન્શન મળે છે. એમનું આખરી વીલ મારી બોમ્બેની ઑફિસમાં છે.’

‘હવે આપ બન્નેને મારી અંગત સલાહ છે. આપ બન્ને યુ.એસ. સીટિઝન છો. અત્યારના કાયદા પ્રમાણે કોઈ પરદેશી ભારતીય મિલ્કતના વારસદાર ન બની શકે. જો તમે ઓ.સી.આઈ સર્ટિફીકેટ મેળવી લો તો એ ટ્રાન્સ્ફર શક્ય અને સરળ બને. એ જારૂરી છે અને એને માટે તમારી પાસે પુરતો સમય છે. આ બાબતમાં તમને જરૂરી માર્ગદર્શન મારી ન્યુયોર્કની ઑફિસમાંથી મળી રહેશે’.

‘હવે આપને કાંઈ કહેવું હોય, પૂછવું હોય તો પૂછી શકો છો.’

 

પાટિલનું માનભંગ કરવાની તક શોધતા ડૉ. કેતન સ્તબ્ધ અને અવાચક થઈ ગયા. ગોખી ગોખીને લાવેલા શબ્દો હવામાં ઓગળી ગયા. કેતનને મૂગા રહેવા માટેનો જાણે આ જૂદી જાતનો તમાચો હતો.

પાટિલ કહેતા હતા, ‘દિકરા કેતન, હું જ્યારે તમને જોઉ છું ત્યારે મને લાગે છે કે મેં તમને ક્યાંક જોયા છે. પણ કંઈ કળાતું નથી. જે હોય તે, પણ તમે મને નવજીવન આપ્યું છે.  આ મારી બધી સંપત્તિ પરસેવા કે સારા માર્ગની નથી. અનીતિના કાળી કમાણી ના નાણાં તો દિકરાએ વેડફી માર્યા છે. મેં દ્વેષભાવથી ગુજરાતીઓ પ્રત્યે ઘણો અન્યાય કર્યો છે. પાપ કર્યું છે. પ્રાયષ્ચિતરૂપે તમારા જેવા ગુજરાતીને હાથે મારી સંપત્તિ સદ્કાર્ય માટે વપરાય એવી ભાવના છે. મારા ભત્રીજાએ તમારા જેવા પરોપકારી ડૉકટરનો સંપર્ક કરાવ્યો તે બદલ એનો પણ હું આભારી છું.’

પાટિલની આંખ સજળ હતી.

 

‘વડિલશ્રી, આપ જો રજા આપો તો મારે કેતન વતી કાંઇક કહેવું છે.’ અંજલિએ વિનંતી કરી.

હા, હા,….. બેન. બોલોને.. નિઃસંકોચ કહો.

‘મારા કેતન નામાંકિત સર્જન છે પણ આર્થિક વ્યવસ્થામાં ‘ઢ’ છે’  અંજલિએ કેતન સામે હસતાં હસતાં સૂચક નજરે જોતાં કહ્યું. મારું સૂચન છે કે હાલ પૂરતી વીલની વાત બાજુ પર મુંકો. પાટિલકાકા તમે જાતેજ બન્ને બંગલા વેચીને મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર એક નાની હૉસ્પિટલ બંધાવો કે જેમાં આધૂનિક સગવડ વાળું કાર્ડિયાક સેંટર શરૂ કરી શકાય. એ વિસ્તારના લોકોને મુંબઈ મોંઘું પડે અને સુરત-વડોદરા દૂર પડે. અમારું ગામ પણ ત્યાંજ છે. ગામમાં નાનું પણ સગવડવાળું ઘર છે. પાટિલકાકા ત્યાંજ રહેશે. અમે વર્ષમાં ત્રણ ચાર વાર આવીએ છીએ. થોડો સમય એમની સાથે રહેવાનું અમને પણ ગમશે. હૉસ્પિટલ માટે અમે પણ અહીંથી બનતો ફાળો એકત્ર કરીશું. હવે વર્ષમાં ત્રણ ચાર વારને બદલે, પાંચ છ વાર આવીને હોસ્પિટલમાં મફત સેવા આપીશું. હોસ્પિટલના ટ્રસ્ટી તરીકે પાટિલકાકા, ડૉ. દેશમુખ અને મહેતા સાહેબ રહે તે વધારે વ્યાજબી કહેવાશે. અમારે બદલે આ બધું પાટિલકાકાની નજર સમક્ષ અને એમને હાથેજ થાય તે વધારે ઈચ્છનિય છે. કેમ ખરૂને કેતન!

મને ખાત્રી છે કે દેશમુખ દંપતિ પણ મારી વાતમાં સંમત થશે.’

           અંજલિની વાત સૌએ સહર્ષ સ્વીકારી લીધી.

…..અને બે વર્ષના ટૂંકા સમયમાં ” શ્રી રામ હાર્ટ ઈન્સ્ટીટ્યુટ ” નું ડૉ. કેતનના હાથે ઉદઘાટન થયું.

…..રામારાવ પાટિલ વાલિયામાંથી વાલ્મીકિમાં પરિવર્તન પામ્યા.

 

                                                 *

હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,

પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.

કલાપી

 

 

2 responses to “આધુનિક વાલ્મીકિ

 1. mdgandhi21, U.S.A. January 10, 2014 at 8:35 PM

  દિલ હલાવી નાંખે તેવી વાર્તા છે. અને આ હૃદય પરિવર્તન થયું તેનું કારણ કદાચ એ પણ હોઈ શકે કે ડો.કેતન જેવાએ પોતાની અંગત દુશ્મનાવટ બાજુ પર મુકીને એક ડોક્ટર તરીકે રામારાવના “હૃદય”નું ઓપરેશન કર્યું, અને એક નવા પુણ્યનો જનમ થયો….

  ડોક્ટરોને તો ખરી, પણ દરેકને સમજવા જેવી સરસ વાર્તા છે.

  Like

 2. hema January 10, 2014 at 2:41 PM

  i love tis type of storybut ketlu radavso? nice one

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: