વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૨

 Image

વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૨

ગઈ કાલની સુહાગ રાત ,  જિંદગીની ભયાનક રાત બની ગઈ હતી. સવારે પાંચ વાગ્યે, શરીર અને મન માંદલું થઈ ગયું હતું.  હાથ પગ છુટ્ટા રાખીને નિરાંતે ઘસઘસાટ ઊંઘવાવાળી શ્વેતા, આખી રાત ટુંટિયું વાળીને જાગતી, રડતી પડી રહી હતી. છેવટે તે ઉઠી. પાનેતર અને શણગાર શરીરથી અળગો કર્યો. કદાચ કાયમને માટે.

 નાઈટ ગાઉન ચઢાવ્યો. બાથરૂમમા જઈ હૂંફાળા પાણીથી કપાળ સાફ કર્યું.

અક્ષય હજુ સોફા પર સ્યૂટ બૂટ સાથે ઊંઘતો હતો.

ઘડીભર તો એણે વિચાર્યું,’

લાવ, એના શૂઝ કાઢું,  મારે એને કેથી પાસેથી છોડાવીને મારો કરવાનો છે. અક્ષયના કહેવા પ્રમાણે સુંદરલાલની પણ એજ  ઈચ્છા છેને?   પ્રેમ અને ધીરજથી એને હું જીતી લઈશ.’

શ્વેતાએ ધીમે રહીને અક્ષયના સૂઝ કાઢ્યા. અક્ષય જરા ચળવળ્યો. એણે શ્વેતાનો હાથ પકડ્યો.  ઊંઘમા બબડતા બોલતો હતો,  “ડાર્લીગ કેથી!  ડોન્ટ વરી, શ્વેતુડીને તો ઠેકાણે પાડી દઈશ”

શ્વેતા ચમકી ગઈ.  ના શ્વેતા ના! મારે ઓગણીસમી સદીની હિરોઈન નથી બનવું.  આતો એકવીસમી સદી છે.

એ ઈઝી ચેર પર બેસી રહી.  શું કરવું તે સમજાતું ન્હોતું.  શૂન્યમનસ્ક થઈને બેસીજ રહી.

સવારે સાત વાગ્યા. અક્ષય જાગ્યો. એણે શ્વેતા તરફ જોયું.  ખંધુ હસ્યો. નફ્ફટાઈથી કહ્યું

“ગુડ મોર્નિંગ હની,  હાઉ વોઝ યોર નાઈટ?  આઈ હોપ, યુ સ્લીપ વેલ.”

શ્વેતાને ઉત્તર વાળવાનું જરૂરી ન લાગ્યું. તે ઉઠીને ડાઈનીંગ રૂમમાં ગઈ.

સુંદરલાલ અને સુવર્ણાબેન બ્રેકફાસ્ટ લેવાની તૈયારીજ કરતા હતા. શ્વેતાએ જયશ્રી ક્રિષ્ન કહી વડિલોના ચરણ સ્પર્શ કર્યા. એનો ઉજાગર ચહેરો અને થકાવટ સુવર્ણાબેનની ધ્યાન બહાર ન્હોતા. એઓ મર્માળું મલક્યા.

“બેટી!  બહુ જલદી ઊઠી ગઈ?   થોડો આરામ કરવો હતોને!”

“રોજ વહેલા ઊઠવાની ટેવને!   જાગી જવાયું.”

એટલામાં અક્ષય પણ ડાયનિંગ રૂમમાં આવી પહોંચ્યો.

“ગુડ મોર્નિંગ પપ્પા, ગુડ મોર્નિંગ મમ્મી.”

“અરે! આ શું?  રોજ અગીયાર વાગ્યે વાગ્યે ઊઠનાર સૂર્યવંશી દીકરો વહેલો ઊઠી ગયો. ચાલો શ્વેતાને પગલે આ સુધારો તો થયો.” સુવર્ણાબેન હરખાયાં.

“પપ્પા, આજે સાંજની ફ્લાઈટમાં સ્વીટરલેન્ડ જવાનું નક્કી કર્યું છે એક અઠવાડિયાનો પ્રોગ્રામ છે. એ બહાને અમે એકબીજાને ઓળખી શકીશું, સમજી શકીશું.”

“હા, હા. એતો ખૂબ આનંદની વાત છે. જાઓ મજા કરો.” સુંદરલાલને પોતાની ગણત્રી સાચી પડતી લાગી.

“પણ પપ્પા,  હાલ પૂરતું મુલતવી રાખવું પડશે.” શ્વેતાએ કહ્યું.

“કેમ?”

“અહીં મારો પાસપોર્ટ પણ નથી અને વીસા વગર થોડુ ફોરેન જઈ શકાય?  અક્ષયને જવું હોયતો ભલે એકલા ફરી આવે. હું અહીં મમ્મી પાસે રહી ઘરની પ્રણાલિકાથી વાકેફ થઈશ.”

“અરે ગાંડી! સુંદરલાલ શેઠની વહુ માટે કોઈ મુશ્કેલી હોયજ નહીં.” 

સુંદરલાલે પાસે પડેલો સેલફોન ઉપાડ્યો.

“જે શ્રી કૃષ્ણ યોગેશભાઈ. ગઈ કાલનો થાક ઉતર્યો કે નહીં?  બે ચાર દિવસ આરામ કરજો. પણ તમારું એક કામ પડ્યું છે. અક્ષય અને શ્વેતા હનિમુન માટે સ્વીટ્ઝર્લેન્ડ જાય છે. તમારે એનો પાસપોર્ટ શોધી કાઢવાનો છે. હું આપણા એજન્ટ બાબુલાલને તમારે ત્યાં મોકલું છું. એ પાસપોર્ટ લઈને સીધો આપણી ઓફિસ પાસેની કોન્સ્યુલેટમા જઈ વીસા લઈ આવશે.”

અને ખરેખર બપોરે બાર વાગ્યા પહેલા શ્વેતાના હાથમાં સ્વિસ વીસાના સ્ટેમ્પ સાથેનો પાસપોર્ટ આવી ગયો હતો.

બપોરે લંચ પછી જરા નેપ લેવાની ઈચ્છા હતી ત્યાં ભાભીનો ફોન આવ્યો.

“બેન! કોંગ્રેચ્યુલેશન. મને યાદ છે ત્યાં સુધીતો તેં કોઈ સોમવારે શિવજી પર દૂધ ચડાવ્યું નથી પણ તને તો વગર ભક્તિએ ફળ્યા છે. દીકરી આજથી જ તારી ગેરહાજરી સાલે છે. સૌરભ પણ તારા વગર ખૂબજ હિજરાય છે. તારા મોટાભાઈ તો ગઈ રાત્રે તને યાદ કરીને ખુબજ રડ્યા છે. બેન! ધીમે ધીમે સાસરામાં ગમી જશે.   સ્વીટ્ઝર્લેન્ડ પહોંચીને તરત ફોન કરજે. અક્ષયકુમારને મારા વંદન પાઠવજે.”

ભાભી એકધારું હૈયું ખાલવતાં હતા. શ્વેતા વરસતી આંખે મા સમાન ભાભીને સાંભળી રહી હતી. ભાઈ ભાભીએ પોતાની પુત્રીની જેમ એને ઉછેરી હતી.

ભાભી! મારી ચિંતા કરશો નહિ. તમેજ મને સંસ્કાર આપ્યા છે. એ સંસ્કારનું હું હમેશ જતન કરીશ. ભાઈને કહેજો  શ્વેતા, સુખમાં મ્હાલે છે.

મા દિકરી જેવા ભાભી નણંદે વિરહની વેદનાના ડૂસકા સાથે ફોન મુક્યો.

એક બેગમાં બન્નેના જરૂર  પૂરતાં કપડાં ભર્યા.

રાત્રે આંઠ વાગ્યાની સ્વિસ એરની ફ્લાઈટ હતી. સાત પિસ્તાળીસે અક્ષય અને શ્વેતાએ ફર્સ્ટ ક્લાસની કેબિનમાં પગ મુક્યો.

અક્ષય આજુબાજુ નજર કરી બારી પાસે બેઠેલી ટૂંકા અર્ધનગ્ન જેવા કપડામાં બેઠેલી યુવતી પાસે બેસી ગયો. શ્વેતા ફાંફા મારતી, બાઘાની જેમ ઉભી રહી. એર હોસ્ટેસે બોર્ડિગ પાસ જોઈને અક્ષયની આગળની સીટ પર બારી પાસેની જગ્યા પર આંગળી ચીંધીને કહ્યું “ધેટ્સ યોર સીટ.”

“યુ મે બી મિસ્ટેકન. ધેટ મે બી માય સીટ. બાઈ માય હસબન્ડ “  એણે ઓવરસાઈઝ બ્રેસ્ટવાળી યુવતી તરફ નિર્દેશ કર્યો.”

નો મેમ, ધેર ઈઝ નો મિસ્ટેક. ધેટ ઈઝ યોર સીટ.

                        

વી આર રેડી ટુ ટેઈક ઓફ.  પ્લીઝ ટેઈક યોર સીટ.

શ્વેતાને બતાવાયલી સીટ પર ના છૂટકે બેસી જવું પડ્યું.. બેસતાં બેસતાં અક્ષય તરફ દયામણી નજરે જોયું પણ એતો પેલી યુવતીના હાથને રમાડવામાં મશગૂલ હતો.

એ વિચારતી હતી. દસ દિવસ પહેલા નોકરી શૉધતી હતી. થોડું કમાયા પછી ચાર્ટરએકાઉન્ટ અને લૉ કરવુ હતું. છેલ્લા પાંચ દિવસમાં સ્વપના બદલાયા હતા. તે રાજકુમારને પરણીને વૈભવમા આળોટવાની હતી. રાજકુમારની સોડમા સમાઈ રહેવાની હતી. પણ આજે?   આજે તેનો રાજકુમાર કોઈ રૂપાળી ડાકણીની સોડમા ભરાયો હતો.

એનો જીવ ડોહવાતો હતો. ઊબકા આવતા હતા. એ ઊબકા માત્ર શારીરિકજ  ન હતા પણ માનસિક ઊબકા પણ હતા. પાછળની સીટ પર શું ચાલતું હતું તેતો એને દેખાતું ન્હોતુ માત્ર ખિલખિલાટ અને ગિલગિલાટ જ સંભળાતો હતો જે એને ન્હોતો સાંભળવો.

પ્લેઈન અંધારામાં વગર પ્રયાસે ઓટો પાયલોટ મોડ પર નિશ્ચિત દિશા તરફ ઊડી  રહ્યુ હતું.

શ્વેતાનુ જીવન અંધારામાં કોઈ અનિશ્ચિત દિશામા જઈ રહ્યું હતું. સ્ટુઅર્ટ ડિનર મુકી ગઈ. ભૂખ મરી પરવારી હતી. તે ક્યારે ઊંઘી ગઈ તે એને ખબર પણ ન પડી. જ્યારે જાગી ત્યારે પ્લેઈન જીનિવા એરપૉર્ટ પર લેન્ડ થતું હતું.

અક્ષયની પાછળ ઘસડાતી તે ટરમિનલની બહાર નીકળી. ત્રણે લિમોઝીનમાં બેઠા. નફ્ફટ યુવતિ, અક્ષય અને શ્વેતાની વચ્ચે ગોઠવાઈ. લિમો લ્યુસર્ન તરફ સરતી હતી.

“હાય, આઈ એમ કેથી. ઓન પેપર, આઈ એમ અક્ષય સેક્રેટરી,  હીઝ લાઈફ મેનેજર એન્ડ મચ મચ મોર.

વિકૃત રીતે હસીને કેથીએ અક્ષય સાથેના વિશિષ્ઠ સંબંધની ઓળખાણ અને જાણકારી આપી.

શ્વેતાનું જીવન પોતાના હાથમા હોય એ અધિકારથી બોલી   “આઈ ઓર્ડર્ડ વેજીટેરિયન ફુડ ફોર યુ. બટ યુ ડીડન્ટ ઈટ એની થીંગ. તારી તબિયત તો સારી છેને?”

શ્વેતાએ પ્રત્યુત્તર વાળવાનુ ટાળ્યું. તે આંખો બંધ કરી બેસી રહી. હા, આ એજ કેથી હતી જેને અક્ષય સર્વસ્વ અર્પણની વાત કરતો હતો.

“અક્ષય, તારા બાપે તારે માટે આ બહેરૂં મૂંગું ડોબું પસંદ કર્યુ લાગે છે. જોકે તે આપણા લાભની વાતજ છે કેમ ખરુંને?” કેથી નિર્લજ્જતાથી હસી.

લિમો પાર્ક હોટેલ પર અટકી. એમનો સમાન એમના સ્યૂટમા ગોઠવાયો. એ ફાઈવ સ્ટાર હોટલનો માર્ક ટ્વાઈન સ્યૂટ, વિશાળ અને ભવ્ય હતો. હાર્ટ શેઈપ સુઝુકીના અત્યંત આધૂનિક બાથરૂમ ઉપરાંત બીજો પણ બાથરૂમ હતો. ખૂબ મોટો માસ્ટર બેડ. બેડ પર ખાસપ્રકારના વેલ્વેટી ફૂલોની પાંદડીઓનું લેયર હતું. હનીમુન માટેનો સેક્સી બેડ હતો. રેફ્રિજરેટેડ લીકર બાર અને કોઝી ફાયરપ્લેસ હતું. ખૂણા પર ઈટાલીયન મારબલની પૂરા કદની સ્ત્રી પુરૂષની શૃંગારિક નગ્ન પ્રતિમા હતી. સામેની દિવાલ પર સાઠ ઇંચનો ફ્લેટ સ્ક્રિન ટીવી. બૉસ સાઉન્ડ સિસ્ટિમ. એક સેપરેટ બેડ રૂમ હતો, કે જેનો ઉપયોગ ચિલ્ડ્રન રૂમ તરીકે પણ થઈ શકે. સ્યૂટને ત્રણ બાલ્કની હતી ત્યાંથી લ્યુસર્ન  લેઈક અને નયન રમ્ય પર્વતોની હારમાળા દેખાતી હતી. પણ એ રૂમ શ્વેતાને માટે ન હતો.  શ્વેતાને ભાગે બાળકો માટેનો રૂમ આવ્યો.

“અહીં નજીકમાંજ ઈન્ડિયન રેસ્ટોરાંટ ‘કાંચી’ છે. ચાલો ત્યાં જમી આવીએ.”

શ્વેતાને ભૂખતો લાગી હતી પણ ના કહેવાઈ ગઈ.

અક્ષય અને કેથી હાથમા હાથ નાખી ચાલતા થયા.

થોડી વાર પછી ડોર બેલ સંભળાયો. શ્વેતાએ બારણું ખોલ્યું. હોટલના યુનિફૉર્મમા એક યુવક કાર્ટમા ડીસ લઈને ઉભો હતો. એણે હીંદીમા કહ્યું  “મેમ સાહબને આપકે લીયે વેજીટેરિયન થાલી ભેજી હૈ.” ભૂખ લાગી હતી. હ્યુમિલીએશનને અવગણીને પેટમાં ઓરી દીધું.

એ બાલ્કનીમાં બેસીને લેઈકમા પડતા પહાડોના પતિબિંબ જોતી રહી.

રાત્રે અક્ષય અને કેથી રૂમમા આવ્યા.

કેથીએ પર્સમાંથી એક ડિસ્પોઝેબલ સિરીંજ કાઢી.  હાથમાં જાતે ઈન્જેકસન લીધું.  અક્ષયે કોઈક વિચિત્ર દુર્ગંધવાળી સિગરેટ પીવા માંડી.

શ્વેતાને સમજાયું.   તેઓ ડ્રગ લેતા હતા.

અને હવે તો અષ્લીલતાની હદ આવી ગઈ.

બન્નેએ એકબીજાને નિર્વસ્ત્ર થવામા મદદ કરવા માંડી.

શ્વેતા દોડીને એના રૂમમાં ભરાઈ ગઈ. બાજુના રૂમમાંથી લાંબા સમય સૂધી બીભસ્ત અવાજો આવતા રહ્યા.

થોડી વાર પછી બારણે ટકોરા પડ્યા. અક્ષયે બુમ પાડી કહ્યું, “કાલે સવારે માઉન્ટ પિલાટસ જઈશું. આવવું હોયતો છ વાગ્યે તૈયાર રહેજે.  એક રાત ત્યાંજ રોકાઈશું”

જિંદગીનું આ નવું નાટક હતું. એમાં પોતે એક પાત્ર હતી અને પ્રેક્ષક પણ હતી. રહસ્યમય નાટકના અંતની પાત્રને પણ ખબર ન હતી. શ્વેતા ગુંચવાતી હતી. વર્તમાન પરિસ્થિતિનો સ્વીકાર કરવો કે પ્રતિકાર કરવો.   ભાગી છૂટવુ કે આખી જિંદગીની રિબામણી ભોગવવી. એ દરેક વિકલ્પોને વાસ્તવિકતાના ત્રાજવામા તોલતી રહી. છેવટે નિર્ણય લઈ લીધો. ભગવાનની પ્રાર્થના કરી પથારીમા લંબાવ્યું.

બીજી સવારે શ્વેતાનો અપેક્ષિત નકાર સાંભળી અક્ષયે પાંચસો યુરો શ્વેતા તરફ ફેંક્યા.. ” જો નજીકમા ફરવું હોયતો ટેક્ષી મળશે. કાંચીમા જઈને ખાઈ લેજે. સીધી મરશે તો વાંધો નહીં આવે. મારવી હશે તો પણ તને ભુખે પેટે નહી મારું.  તું માને તેવો હું નિષ્ઠુર નથી.  અમે કાલે રાત્રે પાછા આવીશું.”

તેઓ વિદાય થયા.

શ્વેતા તૈયાર જ હતી. એણે ટેક્ષી બોલાવી. સીટી સેન્ટરમા આવી. ત્યાંથી બીજી ટેક્ષી પકડી. જીનિવા એરપૉર્ટપર આવી. ટિકીટ કાઉન્ટર પર જઈ આજની ફ્લાઈટમા ટ્રાન્સફર કરાવી મુંબાઈની દિશામા ઉડવા માંડ્યું.

મનોભૂમિપર માત્ર બે શબ્દો જ એકમેકની સાથે હાથ મિલાવી ફેર ફુદરડી ફરતા હતા. ડિવૉર્સ, મુક્તિ, ડિવૉર્સ, મુક્તિ.

એરપોર્ટથી એ ટેક્ષીમા ‘સુવર્ણા વિલા’ પર પહોંચી. સુંદરલાલ અને સુવર્ણાબેન બ્રેકફાસ્ટ કરતાં હતાં. શ્વેતા ડાઈનિંગરૂમમાં આવીને સુંદરલાલના પગ પાસે ફસડાઈ પડી.

                                  ****************************************************************

 

4 responses to “વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૨

 1. DR. CHANDRAVADAN MISTRY January 26, 2014 at 9:06 AM

  ફરી વાંચવાનો લ્હાવો બ્લોગ પોસ્ટરૂપે….અને આનંદ !

  સૌને પ્રસાદી આપતા રહો !

  ….ચંદ્રવદન
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

  Like

 2. pravinshastri January 23, 2014 at 7:57 AM

  Thanks Pravinaben. Keep reading. I am sure, you will like it. As one of my reader says, Novel with super speed events.

  Like

 3. pravina January 23, 2014 at 7:19 AM

  Very interesting. Waiting for ‘what is next’..

  http://www.pravinash.wordpress.com

  Like

 4. ગાંડાભાઈ વલ્લભ January 23, 2014 at 2:57 AM

  પ્રવીણભાઈ, ‘શ્વેતા’નાં બંને પ્રકરણો રસપુર્વક વાંચ્યાં. ખુબ ગમ્યાં. હાર્દીક અભીનંદન. દર ગુરુવારે આગળનાં પ્રકરણોની રાહ જોઈશ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: