વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૪

POST 103

Image

વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૪

ડિવૉર્સનો નિશ્ચય કરીને આવેલી શ્વેતા ન સમજાય એ રીતે શેઠ પરિવારનું અવિભાજ્ય અંગ બની ગઈ. શું એ સાસુ સસરાના પ્રેમ પ્રવાહમા લાચારીથી તો ન્હોતી ઘસડાતીને?  શું એ તેમની પ્રમાણિક નિષ્ઠા હતી?  દર્શાવાયલો પ્રેમ અને આત્મિયતા, દંભ અને માત્ર વ્યાપારી કુનેહ તો ન્હોતીને? પગમા હિરા રત્નજડિત સુવર્ણ બેડીઓ તો ન્હોતી પડતીને?  ઘેરા આશંકા કુશંકાનું ઘાઢ ધુમ્મસ મગજમા ઘેરાઈ ગયું હતું.

“બેટી શ્વેતા, શું વિચારમા પડી ગઈ?”  સુવર્ણાબેને પૂછ્યું.

શ્વેતા જવાબ આપે તે પહેલા ફોનની રીંગ વાગી.

“હલ્લો!…….કોણ!   બેટા અક્ષય?”

સુંદરલાલે સુવર્ણાબેન અને શ્વેતા પ્રતિ નાક પર આંગળી મુકી ચુપ રહેવા ઈશારો કર્યો. એમણે ફરી સ્પીકર ઓન કર્યું. વાત ચાલુ થઈ.

“કેમ બેટા અક્ષય, મજામાં તો છે ને? તું પહોંચ્યા પછી તરત ફોન કરશે એવી આશા હતી. હું અને તારા મમ્મી ફોનની જ રાહ જોતા હતા. આપણી શ્વેતાને ગમે છે ને! તારે માટે લ્યુસર્ન નવું નથી પણ શ્વેતા તો પહેલી વાર જ આવીને. એને ફોન આપ. હું પણ જરા એની સાથે વાત કરી લઉ.”

“પપ્પા..”.    ગભરાયલો અવાજ અચકાઈ ગયો.

“હા..હા. અક્ષય,  શ્વેતાને ફોન આપને!”

સુંદરલાલ જાણે શિકારને સ્વસ્થતાથી રમાડતા હતા.

“પપ્પા…”

“પપ્પા, પપ્પા શું કર્યા કરે છે?      ભસતો કેમ નથી? “

“પપ્પા શ્વેતા ગુમ થઈ ગઈ છે…. હોટૅલ પર નથી.”

“ગુમ થઈ એટલે?”

“ગઈ કાલે એને ઠીક નહોતું લાગતું એટલે એણે માઉન્ટ પિલાટસ આવવાનું માંડી વાળ્યું.   હું એકલો જ ગયો.  શ્વેતા રૂમમાં આરામ કરવાની હતી.”

“ખરેખર, તું એકલો જ ગયો?”

“હા પપ્પા. હું એકલો જ ગયો.”

“તું તો ત્યાં ત્રણ વાર જઈ ચુક્યો છે. તારે નવું શું જોવાનું હતું. માંદી પરણેતરને મુકીને જતા કંઈ વિચાર જ ન આવ્યો?  કંઈ જવાબદારીનું કંઈ ભાન છે કે નહીં?  જેને પોતાની પરણેતરને સાચવવાની પડી નથી તે મારો વારસો શું સાચવવાનો.!”

“પપ્પા મેં તો જવાનું માડી વાળ્યું હતું, પણ શ્વેતાએ જ  આગ્રહ કરી મોક્લ્યો હતો. કહેતી હતી કે મારે આજનો દિવસ આરામ કરવો છે. કાલે આપણે સાથે ફરીશું.”

“શ્વેતાને ડૉકટર સ્મિથ પાસે લઈ જવી હતીને.  આપણે સાથે ગયા હતા ત્યારે મમ્મીને તકલીફ થઈ હતી ત્યારે ડૉકટર સ્મિથે જ  સારી કરી દીધી હતીને! તું પણ એને ઓળખે છે.”

“પપ્પા, મેં તો કહ્યું હતું પણ શ્વેતાએ જ ના પાડી.”

“એટલે તું એકલો જ ફરવા ગયો એમને?“

“ પિલાટસથી આવ્યો ત્યારે શ્વેતા હોટૅલ રૂમમાથી અદૃસ્ય થઈ ગઈ એમને?”

“મેં એને ન જોઈ એટલે મેનેજર બ્રાઉનને પૂછ્યું. એને કશીજ ખબર ન્હોતી. લોબી  એટેન્ડટને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે મેમ સાહેબને ટેક્ષીમા જતાં જોયાં હતાં.”

“પછી તો મેં ટેક્ષી ડિસ્પેચર સાથે તપાસ કરી. કહે કે સવારે સાત ને દસનો પાર્ક હોટૅલનો કોલ હતો. લેડી પેસેન્જરની સીટી સેંટર સુધીની જ રાઈડ હતી.” 

“પપ્પા, મને તો લાગે છે કે એ નાસી જ ગઈો હોવી જોઈએ. રાત્રે મને કહેતી હતી કે મારા ભાઈએ મને પૈસાના લોભમાં બળજબરીથી પરણાવી છે. ખરેખરતો હું બીજાના પ્રેમમાં છું.”

સુંદરલાલે ઊલટ તપાસ પુરી કરી. હવે કંસલ્ટિંગ શરૂ થયું.

“ઓકે..ઓકે. તેં પોલીસને ખબર આપી છે.?”

“ના નથી આપી. શું કરવું તે સમજાતું નથી. પપ્પા કંઈ રસ્તો કાઢો.”

“શક્ય છે કે તેં જ એને પતાવી દીધી હોય. તારેયે ક્યાં પરણવું હતું.  હું તને સારી રીતે ઓળખું છું. ને!”

“એક કામ કર પોલીસ પાસે  જા અને કહે કે હિલ પરથી પગ લપસી ગયો એટલે ખીણમાં ગબડી ગઈ.”

“અગર  જઈને કન્ફેશન કર કે તેં એને હિલ પરથી ગબડાવી દીધી છે. આપણે વકીલ રોકીશું. કદાચ તું નિર્દોષ છૂટી પણ જાય. કમનશીબે તું એકલોજ હતો એટલે તારી પાસે કોઈ એલિબાય પણ નથી.”

“પણ પપ્પા, મેં કશુ કર્યુજ નથી. પ્લીઝ બીલિવ મી. આઈ સ્વેર.”

“ઓલ રાઈટ. ઓલ રાઈટ.   ઈન ધેટ કેઇસ, પોલીસ પાસે જવાની જરૂર નથી. પોલીસ પાસે જશે તો પોલીસને પણ મારી જેમ તારા પરજ શંકા જશે. જ્યાં સૂધી ઈન્ક્વાયરી પૂરી નથાય ત્યાં સૂધી તને સ્વીટ્ઝરલેન્ડ છોડવા પણ ન દે. પ્લે કુલ. તારી રીતે તપાસ કરતો રહે. તું તારા સ્કેડ્યુઅલ પ્રમાણે પ્રોગ્રામ ચાલુ રાખ. એન્જોય યોર સેલ્ફ. કમ બેક ઓન યોર ટાઈમ. ડોન્ટ વરી આઈ એમ ગોઈંગ ટુ ટેઇક ગુઉઉઉડ કેર ઓફ યુ. કાલની કોને ખબર છે, બેટા!  આજે થાય તેટલો આનંદ કરી લે.”

“પપ્પા તમે ખરેખર મારા માથા પરનો ભાર હલકો કરી નાંખ્યો.   થેન્ક્સ પપ્પા. યુ આર ગ્રેઇટ.”

“અરે અક્ષય એક બીજી વાત. આજકાલ કેથી કાંઈ ઓફિસમા દેખાતી નથી! કંઈ માંદી બાંદીતો નથીને?  કે એ પણ તને છોડીને ચાલી ગઈ?”

પડખામા ભરાયલી કેથી ગણગણી    ‘ડોસલાને શું ખબર કે દીકરો એની સોડમાં જ છે!’

“ના પપ્પા, મારો હનિમુનનો પ્રોગ્રામ હતો એટલે એણે પણ રજા લઈ લીધી. ગોવા જવાનું કહેતી હતી. સોમવારે એ આવી રહેશે. બાય પપ્પા.”

ફોન બંધ થયો.

“હવે તમને ખબર પડીને કે તમારો કુપુત્ર કેટલો લબાડ અને જૂઠ્ઠો છે!”

“શ્વેતા જ્યારે બાથરૂમમા હતી ત્યારે મેં લ્યુસર્ન હોટલ મેનેજર સાથે વાત કરી હતી. કેથી ગોવામાં નથી પણ લ્યુસર્નમા અક્ષયના રૂમમાં સાથેજ  છે અને સાથેજ ફરે છે. કેથીનું નામ મિસીસ શેઠ તરીકે નોંધાવ્યું છે અને શ્વેતાનું કેર ટૅકર તરીકે. મેં મેનેજરને સૂચના આપી છે કે એમની શક્ય એટલી એકટિવીટીના ફોટોગ્રાફ્સ મને ઈ મેઈલ થી મોકલી આપે. તમે પણ તમારા નંગના પરાક્રમો જોઈ, જાણી અને માણી શકો.”

અંદરની વેદના અને વ્યથા ગાતી હતી ” કુપુત્રો જાયેત, ક્વચિદપિ કુમાતા ન ભવતિ”

સુંદરલાલના એક એક શબ્દે નિર્દોષ મા ના કાળજા પર ધગધગતા ડામ પડતા હતા.    

“તમે જ એને પંપાળી પંપાળીને બગાડી મુક્યો છે. મેં તો એના નામનું નાહી નાખ્યું છે. મને મારી દીકરી મળી ગઈ છે. યાદ રાખજો, આ શ્વેતા જ તમને ઘડપણમાં સાચવશે.”

સુવર્ણાબેન મનમાં વિચારતા હતા ‘ન જાણું હું જાનકીનાથ, પ્રભાતે શું થવાનું છે.’  કોને ખબર;  કોણ કોને સાચવશે?  શેઠજીને એની સંપત્તિની પડેલી છે.  દીકરાના સુખનો વિચાર નથી. મારા હાથમાં હોત તો મેં તો કેથી સાથે પરણાવી દીધો હોત.  આજે મારા ખોળામાં પૌત્ર રમતો હોત.

“શ્વેતા! મારે માટે તું નવી નથી. પણ તારે માટે અમે તદ્દન નવા છીએ. તું માત્ર મને તારા મોટાભાઈના શેઠ તરીકે જ ઓળખે છે. તારે મને પિતા તરીકે,  સસરા તરીકે અને એક સફળ બીઝનેસમેન તરીકે પણ ઓળખી લેવો જરૂરી છે. મારા વાણી વર્તનમા ક્યાંય ગુંચવણ લાગે ત્યાં સ્પષ્ટતા માટે બેધડક પૂછી લેજે. અનુમાન કરવા જશે તો ખોટી પડશે.“

“બીજી વાત પણ ધ્યાનથી સાંભળી લે અને સમજી લે. કંપનીની જવાબદારી ઘણી મોટી છે. એક્ષીક્યુટિવ પાવર દુર્ગા બનીને જાળવવો પડશે. મારા આશિષ અને સહકાર તારી સાથે જ છે.”

 સાચું જ  હતું.  છેલ્લા પાંચ છ કલાકમા સુંદરલાલ શેઠના જુદા જુદા પાસાઓના દર્શન થઈ ચુક્યા હતા.

“પપ્પા, મારે બે વાત પૂછવી છે. તમને ગમશે કે નહીં તે ખબર નથી. પૂછી શકું?”

“સવાલ પૂછવા માટે પણ સવાલ પૂછવો પડે એ કેવું!” સુંદરલાલે હસતા હસતા ટકોર કરી. “જ્યારે ફોર્માલિટીનો અતિરેક થાય ત્યારે બે વ્યક્તિ વચ્ચે અંતર પડી જાય અને આત્મીયતા અદૃશ્ય થઈ જાય. હૃદયને બદલે માત્ર મગજથીજ વાણી વ્યવહાર થાય. હવેથી જે કાંઈ પૂછવું કહેવું હોય તે નિઃસંકોચ મોકળા મને જણાવી દેવું.”

“તમે મને હંમેશા દીકરી કે બેટી કહી છે. મને ખુબ જ ગમે છે. હું ખૂબ નાની હતી ત્યારેજ મારા બા બાપૂજીએ તો વિદાય લીધી. ભાઈ ભાભીએ માતાપિતાનુ સ્થાન લીધું. એમને પણ મોટાભાઈ જ કહેતી રહી. હું તમને પપ્પા મમ્મી ને બદલે બા બાપૂજી કહી શકું?”

હાજર છ નયનોમાંથી પ્રેમાશ્રુ વહેતા હતા.

“દિકરી, તેં તો અમને થોડા કલાકોમા જ જીતી લીધા. બસ આજ રીતે મારા અક્ષયને જીતીને તારો બનાવી લેજે. સુવર્ણાબેન લાગણી પુર્વક બોલ્યા. મારા કુપુત્રને સુંદરલાલ શેઠનો સુપુત્ર બનાવજે.”

તેઓ દાઢમાં બોલ્યા કે તેમની માતૃવેદના બોલી તે કળવું મુશ્કેલ હતું. થોડીક ક્ષણો નિઃશબ્દ પસાર થઈ. તેમણે સ્વસ્થ થઈ હળવેથી વાત વાળી લીધી. “પચ્ચીસ વર્ષે પપ્પા કહેવાતા ડોસાઓ પચાસ વર્ષે બાપૂજી કહેવાય એજ વ્યાજબી છે.  હું તો કહું છું કે બાપૂજીને બદલે બાપાજી કહેશે તો મને વધારે ગમશે. વાળમાં કલપ કરવાનો ખર્ચો અને માથાકૂટ બંધ થશે. કેમ બાપાજી મારી વાત બરાબર છેને?” સુંદરલાલ તરફ આંખ મિચકારતા સુવર્ણાબેને ટકોર કરી.

“શું હું ખરેખર ઘરડો લાગું છું?”

“લાગતા નથી પણ છો તો ખરા જ ને?”

શ્વેતા ભાવાત્મક દાંપત્ય નિહાળતી રહી.

“શ્વેતા, બીજી કઈ વાત પૂછવાની છે?”

“બાપૂજી, જ્યાં સુધી અક્ષય મારા સેંથામા જાતે સિંધુર નહીં પુરે ત્યાં સુધી હું એના રૂમમાં સુઈશ નહીં. મને બીજો એક નાનો રૂમ ફાળવી આપશો?”

સુંદરલાલે તરતજ કહ્યું,  “બેટી તને જે ગમે તે રૂમ વાપરજે.”

સુવર્ણાબેનની આશા પર પાણી ફરી વળ્યું હોય એમ એમને કઠ્યું પણ શેઠજીએ તરતજ હા ભણી દીધી એટલે ચૂપ રહ્યા.

“શ્વેતા, તારા લગ્ન એટલા ઝડપથી લેવાઈ ગયા કે આપણા ઘરથી માહિતગાર થવાનો પણ સમય મળ્યો નથી. પહેલા હું તને જાતે આખું ઘર બતાવી દઉં. તું આપણા ડોમેસ્ટિક સ્ટાફને પણ મળી લે.” સુંદરલાલ ઘરના નોકર ચાકરોને માન પૂર્વક ડોમેસ્ટિક સ્ટાફ ગણતા.

“લેટસ ગો. લેટ મી બી યોર ગાઈડ.”

સુંદરલાલે સુવર્ણા વિલા બતાવવા માંડી. સાથે ગણપતકાકા પણ હતા.

બહારથી સામાન્ય દેખાતો  બંગલો અંદરથી ભવ્ય અને વિશાળ હતો. આગળનો મુખ્ય દરવાજો લોખંડનો હતો. ગેઈટ ની નજીક ગેઈટકીપરની કેબિન હતી. કેબિનમા ફોન અને સિક્યુરિટિ મોનીટર હતું આગળના બન્ને ખૂણાપર શુશોભિત ઊંચા આસોપાલવના ઝાડ હતા. બંગલાની ચારે બાજુ લાલ ઈંટોથી પૅવિંગ કરેલો ડ્રાઈવ વે હતો. રસ્તાની લગોલગ પાંચ ફૂટ ઊંચા કાંટાળા ગુલાબની વાડ હતી. લાલ રંગના ગુલાબની વાડની પાછળ દશ ફૂટ ઊંચી મહેંદીની વાડ હતી અને તે પણ ઈલેક્ટ્રીક વાયરથી સુરક્ષિત હતી.

બંગલાની પાછળ માછલી આકારનો નાનો ફુવારા વાળો સ્વિમિંગપુલ હતો. પુલની પાછળ પાંચ કારના ગરાજ હતા. ગરાજની ઉપર એક રૂમ, રસોડુ, સંડાસ, ચોકડી વાળી ડોમેસ્ટિક સ્ટાફને ફાળવેલી રૂમો હતી. ગરાજની બન્ને બાજુ ઊચી નાળિયેરીના વૃક્ષો ધીમે ધીમે ડોલતાં હતા.

બંગલામાં દાખલ થતાં ઈટાલિયન આરસના ફોયરમા સિદ્ધિ-બુદ્ધિ સહિતની ગણેશજીની કલાત્મક પ્રતિમા હતી. સિદ્ધિ બુદ્ધિની બાજુમા એ રાજકુંવર જેવા બાળકોની પ્રતિમા હતી. ભાગ્યેજ જોવા મળતા ગણેશ પરિવારમા એ બાળકો લાભ અને શુભ હતા. છતમાંથી ક્રિસ્ટલનું મોટું શેન્ડેલિયર હળવો પ્રકાશ રેલાવતું હતું.

ફોયર પછી એકી સાથે પચાસ માણસો સમાઈ શકે એવો સેન્ટ્રલ હૉલ હતો. આ હોલમાં જ સાદાઈથી શ્વેતાના લગ્ન લેવાયા હતા.

સિલીંગમાં રિસેસ લાઈટો ઉપરાંત સાત ઝુમ્મર પ્રકાશ પાથરતા હતા. વચ્ચે નાનકડા રંગીન ફુવારાની મધ્યમા ગાયમાતા સહિત રાધાકૃષ્ણની મુર્તિ હતી.

આ હોલમાં જરૂર પ્રમાણે પ્રસંગોચિત ફર્નિચર ગોઠવાઈ જતું. અક્ષયની હઠેચ્છા પ્રમાણે લગ્ન પણ મર્યાદિત સ્વજનોની હાજરીમા આ સેન્ટ્રલ હોલમાજ થયા હતા.

સામાન્ય દિવસોમાં શેઠ શેઠાણીનો એક હિંચકો અને પાંચ સોફા સેટ, ષટ્કોણ આકારમાં ગોઠવાયલા રહેતા. હિંચકે શેઠ શેઠાણી ઝૂલતા. મહેમાનો સોફા પર બેસતા. એ એમનો ફેમિલીરૂમ હતો. હોલની એક બાજુ કોન્ફરનસ રૂમ હતો અને બીજી બાજુ ગેસ્ટ માટેનો પાવડર રૂમ હતો.

હોલની પાછળના ડાઈનિંગરૂમમા બાવીસ માણસો એકી સાથે જમી શકે એવું મારબલનું ડાઈનિંગ ટેબલ હતું. ડાઈનિંગ રૂમની ડાબીબાજુ મોટું મોડર્ન કિચન અને જમણી બાજુ પંચદેવતાનું શુશોભિત મંદિર હતું. મંદિરમા અખંડ દિવો અને પવિત્ર ધૂપસળી બળતા રહેતા.

સેન્ટલ હોલના બે અર્ધવર્તુળ દાદરથી બીજા માળે જવાતું. દાદરની બન્ને બાજુ બબ્બે વ્યક્તિ સમાઈ શકે એવી નાની લિફ્ટ પણ હતી જે ટેરેસ સુધી પહોંચતી હતી. મોટેભાગે સુવર્ણાબેન અને ગણપતકાકાજ  લિફ્ટ વાપરતા.

 બીજા ફ્લોર પર બે મોટા માસ્ટર બેડરૂમ શેઠજીના અને અક્ષયના હતા. બીજા સાત બેડરૂમ ગામથી આવતા મહેમાનો માટે હતા. જોકે એક રૂમ ગણપતકાકા વાપરતા હતા. દરેક રૂમ એક હોટેલરૂમની સગવડ વાળો હતો. દરેકમાં બે ડબલ બેડ, ટીવી, રેફ્રિજરેટર, માઈક્રોવૅવ, કૉફી મેકર, ડેસ્ક, ચેર, ક્લોઝેટ અને ઓવ્નિંગ વાળી બાલ્કની હતી.

શ્વેતાએ સુંદરલાલની તદ્દન બાજુની રૂમ પસંદ કરી.

“તમો ટેરેસ પર જઈ આવો. હું શ્વેતામેડમનો રૂમ તૈયાર કરવાની વ્યવસ્થા કરું છું.”  ગણપત કાકાએ માણસો બોલાવી કામકાજ શરૂ કરી દીધું.

સુંદરલાલ અને શ્વેતા એલિવેટરમાં ઊપર ગયા.

ટેરેસમાં બરોબર વચ્ચે રંગીન ફૂલોથી મહેકતો ગાર્ડન હતો. ગાર્ડનની ચારે બાજુ છત્રી વાળા હિંચકાઓ હતા. અહીં નવરાત્રીના ગરબાઓ થતા. શરદ પુર્ણિમા અને ચંદની પડવાની ઉજાણીઓ થતી.

સુંદરલાલે એમના બંગલાની ટૂર પૂરી કરતાં કહ્યું હજુ કેટલુંક બતાવવાનું બાકી છે જે મેં અક્ષયને પણ હજુ બતાવ્યું નથી. માત્ર હું, મમ્મી અને ગણપત કાકાજ જાણીયે છીએ. ફરી કોઈવાર બતાવીશ. અત્યારેતો ડિનર પછી તારે સ્ટાફનો પરિચય કેળવવાનો છે.

                      ********** X **************

વધુ આવતા ગુરુવારે….

4 responses to “વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૪

 1. pravinshastri February 7, 2014 at 8:51 AM

  મુકેશભાઈ, આપના પ્રતિભાવ માટે આભારી છૂં. વાંચતા રહેજો. સલાહ સૂચનને માનપૂર્વક સ્વીકારીશ.

  Like

 2. Mukesh Raval February 7, 2014 at 3:15 AM

  સરસ ચિતાર, જાણે કે આપણી હાજરી ત્યાં હોય. દરેક પ્રકરણ નો અંતભાગ “હવે પછી શું?” ની તાલાવેલી જગાવે…..

  Like

 3. pravinshastri February 6, 2014 at 9:08 AM

  પ્રવીણાબહેન આપનો પ્રતિભાવ પણ મને લાગણીનો પ્રવાહ લાગે છે. પરસ્પર મળ્યા નથી, અને કદાચ મળીશું પણ નથી; અને હું સાહિત્યકાર નથી તો પણ મને મારી ગાંડી-ઘેલી વાર્તાને માટે આપના બે શબ્દ હદયસ્પર્શી લાગે છે. જ્યારે આપના બ્લોગ પર જાઉં છું, જોઉં છું ત્યારે સમજાય છે કે તમો એ તો વિપુલ પ્રમાણમાં સાહિત્ય સર્જન કર્યું છે. આપનો આભારી છું.

  Like

 4. pravina February 6, 2014 at 8:36 AM

  વાર્તા લખવાની શૈલી. ખૂબ આકર્ષક છે.’ હવે શું’? ઈંતજારી વધતી જાય છે. . દરેક વ્યક્તિની લાગણીનો પ્રવાહ

  સારી રીતે જળવાયો છે.

  પ્રવિણા અવિનાશ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: