POST 104
‘મામાવાઈફ’
વાર્તા # ૭૩
સેક્ન્ડ સીટિંગ ડિનર પુરું થઈ ગયુ. ડાઈનિંગ હૉલ ફરી વ્યવસ્થીત થઈ ગયો. પ્રવાસીઓ સાથે હસતો રમતો આસિસ્ટન્ટ વેઈટર રાજુ આજે પહેલા દિવસે જ હેડવેઈટ્રેસ સ્ટેલા સાથે કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર સીધો પોતાની ઝીરો ડેકની કેબીનમાં ચાલ્યો ગયો. ક્રુઝ સ્ટાફને માટે તદ્દન નીચેની રૂમો ફાળવાયલી હોય છે. કેટલાકમાં બે,ત્રણ કે ચારનો સમાવેશ થાય છે. રાજુ એના મિત્ર સુધાકર સાથે કેબીનમાં રહેતો હતો. સુધાકર હજુ એની ફરજ પર હતો.
રાજુ ત્રણ મહિનાની છૂટ્ટી ટૂંકાવીને તે ફરી પાછો ક્રુઝશીપની નોકરી પર હાજર થઈ ગયો.
તેની કેબીન ડોર પર ચાર ટકોરા થયા.
તે જાણતો હતો કે એ સ્ટેલા જ હતી. સ્ટેલા હંમેશા આ રીતે જ ટકોરા મારતી.
‘સ્ટેલા પ્લીઝ ગો અવૅ. હું કાલે વાત કરીશ. મારે સૂઈ જવું છે.’
પણ સ્ટેલા માસ્ટર કી થી બારણું ખોલી દાખલ થઈ. રાજુ રડતો હતો.
‘ડિયર વોટ હેપન? માલતી સાથે મજા માણવાને બદલે ઈન્ડિયાથી કેમ જલ્દી નાસી આવ્યો.? ઘરે કંઈ પ્રોબ્લેમ છે? હાઉઝ યોર વાઈફ માલતી?’
એ અટક્યા વગર ડૂસકા ભરી રડતો જ રહ્યો.
‘ડિયર રાજુ….માય ફ્રેન્ડ કામ ડાઉન…કઈક તો બોલ…શું થયું?’
‘સ્ટેલા હું બરબાદ થઈ ગયો.’
‘કેટલા હરખ અને આશાઓ સાથે ક્રુઝલાઈનની નોકરીમાં પ્રવેશ્યો હતો. તું તો જાણે છે કે મેં મારા કુટુંબ માટે, મારી માલતીના સુખ માટે મારાથી બનતું બધું જ કર્યું. સ્ટેલા, હવે મારા પોતાનાઓએ, સગાઓએ મારી જ ધરતી પર મને જાકારો આપ્યો. મને સમજાતું નથી કે મારે શું કરવું. હવે પછીની મારી જીંદગી અને દેહ આ સાગર પર જીવાય ત્યાં સુધી જીવશે અને અંતે સાગરમાં જ વિલીન થશે?
ચાળીસીમાં પ્રવેશી ચુકેલી રાજુની મિત્ર સ્ટેલાએ એને પાણી આપ્યું.
છેલ્લા આઠ વર્ષથી સ્ટેલા અને રાજુ એકસાથે લક્ઝરી ક્રુઝલાઈનમાં નોકરી કરતા હતા. રાજુ ત્રીસીના દાયકામાં પ્રવેશવાની તૈયારી કરતો નવયુવાન હતો. થોડો શામળો, સાધારણ કદનો આ ગુજરાતી રાજુ, મીઠ્ઠા મળતાવળા સવભાવ અને સતત હસતા ચહેરાથી સૌનો અને ખાસતો સ્ટેલાનો વ્હાલો મિત્ર બની ગયો હતો.
પોતાના ફ્રી સમયમાં રાજુ અને સ્ટેલા, ડેક પર કોઈ ખૂણામાં સાથે બેસતા. વાતો કરતા. રાજુ એને મન મૂકીને એની જીવન કહાણી સંભળાવતો. માંની વાતો, બહેનોની વાતો, મામાની વાતો ભાવુક થઈને કરતો અને સ્ટેલાની આંખ ભીની થતી. પછી હસી પડતો. સરદારજીના જોકસ્ સંભળાવી એને ખડખડાટ હસાવતો. જો કોઈ પોર્ટ પર ફરવાની અનુકૂળતા મળતી તો સ્ટેલા એને પોતાની સાથે બહાર ફરવા લઈ જતી. એક ખાસ લાગણીના બંધનથી તેઓ બંધાયલા હતા.
સ્ટેલા એના વિશે લગભગ બધું જ જાણતી હતી.
રાજુનો જન્મ થયો તેના બે માસ પહેલા જ એના પિતા ગુજરી ગયા હતા. એ ત્રણ બહેનોનો એકનો એક ભાઈ અને વિધવા માંનો દીકરો હતો. માં કોઈને ત્યાં રાંધવા જતી. ત્યાંથી થોડું વધેલું ખાવાનું ક્યારેક લાવતી. મોટી બહેન કપડા સીવતી. વચલી અને નાની સ્કુલમાં જતી. એને પણ ભણવું હતું. હોંશિયાર હતો; પણ મામાએ એને મુંબઈ બોલાવી લીધો. મામાની ચા ભજીયાની લારી હતી. એને મદદની જરૂર હતી. આઠમા ધોરણથી ભણવાનું છોડી એ મુંબઈ પહોંચ્યો.
મામા સાથે ન ફાવ્યું એને લારીની સામે જ આનાની હોટલમાં નોકરી મળી. મુંબઈમાં રહેવાનો એને એક મોટો ફાયદો એ થયો કે એ ઘણી ભાષાઓ બોલતો થઈ ગયો. એના મળતાવડા અને નમ્ર સ્વભાવથી ઘણા મિત્રો બનાવ્યા.
કોઈકે એને ક્રુઝકંપનીની રંગીન અને લાભદાયી નોકરીની વાતો કરી. મન લલચાયું. અરજી કરી. અને સારા નસીબે એને ક્રુઝશીપ પર ડાઈનિંગરૂમ હેલ્પની નોકરી પણ મળી ગઈ. જાણે સ્વર્ગનું સુખ. દેશ વિદેશમાં ફરવાનું. જાત જાતના માણસોને મળવાનું. સારા આનંદી સ્વભાવથી એ પેસેન્જરોનું મન જીતી લેતો. બીજાના પ્રમાણમાં એને ટીપ્સ પણ ઘણી મળતી. એ જે કમાતો તેનાથી એને સંતોષ હતો. બે બહેનોના લગ્ન કર્યા. એનાથી મોટી પણ બહેનોમાં નાની એવી બહેનને કોલેજમાં ભણાવી. અને ગામમાં આધુનિક સગવડ વાળું નાનું મકાન બાંધ્યું.
એને શીપની નોકરી ગમતી હતી. દર છ માસ કામ કરતો. ત્રણ મહિના ગામ જતો. અને પાછો છ માસ માટે શીપ પર આવી જતો. એટલામાં એણે ત્રણ શીપ બદલ્યા. અને હવે છેલ્લા આઠ વર્ષથી તે સ્ટેલાની સાથે હતો.
બે વર્ષ પહેલા ગામ ગયો ત્યારે એની માં માંદી હતી. બધાએ એને માં દેહ છોડે તે પહેલા એક ગરીબ ઘરની માલતી સાથે પરણાવી દીધો. માંએ માલતીવહુનું મોં જોયા પછી શાંતીથી દેહ છોડ્યો. શોક હળવો થયો. રાજુને માલતી ગમતી હતી. માલતીને રાજુનું ઘર ગમ્યું. પૈસાની છૂટ ગમી. માલતી સુંદર હતી. નખરાળી હતી. શણગાર અને સિનેમાની શોખીન હતી. રાજુને પણ ગમી ગઈ હતી. બહેનો ઠેકાણે પડી હતી. એના સંસારમાં સુખી હતી. બહેન ભાણજાઓને વર્ષોથી બહાર રહેતા ભાઈની માયા કરતાં ભાઈના પૈસા અને ભેટ સોગાદની માયા વધારે હતી.
લગ્ન પછી ત્રણ મહિનાનું હનીમૂન માણી તે શીપ પર પાછો ફર્યો..
દોસ્તો મશ્કરી કરતા. બિચારો ચાખેલ વાઘ હવે છ મહિના ભૂખો રહેશે. રાજુ શીપ કલ્ચરથી જાણીતો હતો. કાયદેસર કશું જ કરી શકાતું નહીં. અંદરખાને બધું જ થઈ શક્તું. ઘણાં શીપમાં કામ કરતા યુવક યુવતિઓ એ રીતે જીવવાને ટેવાયલા હતા. એમની સાહજિક શારીરિક જરૂરીયાત કશાય છોછ વગર સંતોષી લેતા. પણ રાજુતો માલતીના નખરામાં નંદવાઈ ગયો હતો. પરીઓ જેવી યુરોપીયન છોકરીઓની એને પરવા ન હતી.
એક વાર હસતા રમતા સ્ટેલાએ એને બે ચાર મિત્રોની હાજરીમાં જ પુછ્યું હતું,
“રાજુ ઈફ યુ વીશ….”
અને રાજુએ ગંભીરતાથી જવાબ વાળ્યો હતો, હું તો અહીં ભોગવી લઉં પણ ત્યાં મારી માલતી તડપતી જ રહેને? તે શીપમાં ના જ સારા નિષ્ઠાવાન આધેડ મિત્રોનો દાખલો આપતો. ઈંડિયામાં બીજા રાજ્યોમાંથી કેટલાયે પરિણીત પુરુષો એકલા મુંબઈ જેવા મોટા સહેરમાં આવે. પતિ પત્ની એકલતા ભોગવીને પણ વફાદારી અને કુટુંબ જાળવી શકે તો હું કેમ નહીં?
એ લશ્કરી જવાનોનો દાખલો આપતો. એ જાણતો હતો કે સ્ટેલા એના કરતાં મોટી હતી અને બીજા કરતાં નોખી હતી.
સ્ટેલા બે વર્ષની હતી ત્યારે એના મા બાપ સાથે રશીયાથી અમેરિકા આવી હતી. છ વર્ષની થઈ પછી માંબાપે ડિવૉર્સ લીધા. માંબાપે બીજા લગ્ન કરી લીધા. બે વર્ષ સૂધી માં અને નવા બાપ પાસે સહી. માં મરી ગઈ. સાવકા બાપે એને ફોસ્ટર હૉમમાં મૂકી. સુંદર હતી. સોળ વર્ષની ઉમ્મરે બોયફ્રેન્ડ, ગર્ભવતી બનાવી ચાલતો થયો. એબૉર્શન કરાવ્યું. હૉટલમાં વેઈટ્રેસ થઈ. વીશ વર્ષની ઉમ્મરે તેણે ક્રુઝશીપ પર કામ શરૂ કર્યુ. એ વાતને આજે બાવીસ વર્ષ થઈ ગયા. આખી દુનિયામા ફરી. શાલીનતા વધી. ઠરેલતા વધી. દરિયો એનું જીવન બની ગયું.
છેલ્લા આઠ વર્ષથી તે રાજુ સાથે કામ કરતી હતી. એના પર કોઈ વણલખ્યો અધિકાર હતો એમ માનતી હતી. રાજુ પર કોઈ અગમ્ય કારણસર એને વ્હાલ હતું. સ્ટેલાનો પ્રભાવ જ એવો હતો કે એની સાથે સૌએ આદરથી વાત કરવી પડે.
“ સ્ટેલા રડતા રાજુને પ્રેમથી પૂછતી હતી… “વૉટ હેપન્ડ?
રાજુ આજે સવારે ઈન્ડિયાથી આવીને સીધો શીપ પર ઓફિસર અને મૈટ્રી ડીને રિપોર્ટ કરી હાજર થઈ ગયો. આખો દિવસ યંત્રની જેમ કામ કર્યું. બાર કલાકની શિફ્ટ પુરી કરી રૂમમાં આવી રડતો હતો.
ત્રણ મહિનાની છુટ્ટી પર જવાનો હતો તે પહેલા માલતીનો મેસેજ હતો. તે પ્રેગનન્ટ હતી. રાજુ ઘેલો થઈ ગયો. જ્યાં જ્યાં શીપ થોભતું ત્યાથી રમકડા અને માલતીને માટે ખરીદીના ઢગલા કરતો. ત્રણ મહિના માલતી સાથેના સંવનન માટે ગયો ત્યારે મિત્રોએ રમુજી પાર્ટી આપી હતી.
આવ્યો ત્યારે બરબાદ થઈને રડતો આવ્યો હતો.
‘સ્ટેલા, હવે મારા જીવનમાં બાકી શું રહ્યું? શા માટે જીવવું. મારે ફ્લોર પર કામ નથી કરવું. હું કિચનમાં જ ગોંધાયલો રહીશ. હું હવે હસીને બીજાને હસતા ન રાખી શકું. મારું જીવન બરબાદ થઈ ગયું.’
‘એય, બેબી, સીધી વાત કર. તારા બેબીને કંઇ થયું. એ ઓલરાઈટ છે ને?’
‘ મારું બેબી?’
‘ના સ્ટેલા ના.’
‘એ તો માલતીનું બેબી…. અહમદનું બેબી.’
‘વ્હોટ?’
‘હું હું ઈન્ડિયા ગયો ત્યારે મને એમ હતું કે માલતી અને મારી બહેનો મને મુંબઈ લેવા આવશે. કોઈ જ ન હતું. હું ગામ પહોંચ્યો. ઘરમાં પ્રવેશ્યો. દિવાનખંડમાં એક ઊંચો કદાવર માણસ સોફા પર લંબાવીને સીગરેટ પીતા પીતા ટીવી પર ક્રિકેટ મેચ જોતો હતો. એણે મને કહ્યું માલતી બહાર ગઈ છે. અત્યારે બહાર ઓટલા પર બેસ. માલતી આવે પછી વાત કરશે. મારે માલતીની રાહ જોવી પડી.’
‘માલતી આવી. મારી બેગ ઘરમાં મૂકી. ઓટલા પરથી જ કહ્યું હવે આ મારો હસબંડ છે. આ બેબી પણ એનું જ છે. અને આ ઘર પણ હવે મારું જ છે. શું તું એમ માને છે કે આ જુવાની મારે મર્દ વગર જીરવવાની?’
‘તને ખબર છે ભૈયાઓને ત્યાં પણ ધોતીપુત્રો થતા. સલામતી ચાહતો હોય તો અત્યારે જ ચાલતો થા. હવે તારે અને મારે કોઈ સંબંધ નથી. ગેટ આઉટ. આ બધુંજ હવે મારું છે. મારું ખરું નામ માલતી નથી. મુમતાજ છે. ચલે જાવ યહાંસે.’
‘મને તમ્મર આવી ગયા. મહોલ્લામાંથી વર્ષો જૂના ઓળખતા પાડોસીઓ મને જોતા હતા પણ અહમદના ધાકથી મદદે ન આવ્યા. બહેન બનેવીઓએ કહી દીધું ‘ભાઈ તારાથી આ ધરતીની ગુંડાગીરીમાં ન જીવાય. અમારાથી તને કાંઈ મદદ થઈ શકે એમ નથી તું પાછો દરિયાઈ વણજારો બની જા. શક્ય હોય તો અમને થોડા થોડા પૈસા મોકલતો રહેજે. હવે તને પૈસાની શું જરૂર છે. સ્ટિમરમાં રહેવા ખાવાનુંતો મફત હો છેને?’
‘સ્ટેલા કોને માટે જીવવાનું? ક્યાં જીવવાનું? મરવું તો દરિયે ડૂબી મરવું. આઈ કેન નોટ સ્માઈલ, આઈ કેન નોટ લાફ, વ્હાઈ શુડ આઈ લીવ?’
એ આંખો વીચીંને આંસુ વહાવતો રહ્યો.
‘માઈ ફ્રેન્ડ. જીંદગી જીવવા માટે છે. મરવાનું તો બધાને જ છે. પણ મળેલી જીંદગી જીવી લેવાની. હું તમારા હિન્દુઓની જેમ પુનર્જન્મમાં માનતી નથી. જે સુખ દુખ ભોગવવાના હોય તે અહીં જ ભોગવવાના છે. માય ડિયર હજુ તો તું ખૂબ જુવાન છે. જીવનમાં ઘણા સારા ખરાબ સાથીદારો આવતા અને જતા રહેશે. દર અઠવાડિયે ક્રુઝના પેસેન્જરની જેમ. બી બ્રેવ માય ફ્રેન્ડ. આપણે સાથે રહીશું. સાથે કામ કરીશું. સાથે જીવીશું. થશે ત્યાં સૂધી શીપ પર રહીશું. સાથે મજા કરીશું. હું પણ એકલી જ છું ને? મને પણ સાથ જોઈએ છે. હું અમેરિકન છું. આપણે લગ્ન કરીશું. હું તારી ‘મામાવાઈફ’ બનીશ. અમેરિકામાં એક નાનું ઘર વસાવીશું એક નાની રેસ્ટોરાંટ ખોલીશું. વીલ યુ મેરી ‘મામાવાઈફ’? પ્લીઝ ડોન્ટ ક્રાય. બી હેપી. આઈ લવ યુ.’
સ્ટેલા બોલતી હતી. એની આંખો બંધ હતી. એના આંગળા રાજુના ગુંચળાવાળા વાળમાં ફરતા હતા. રાજુ સ્ટેલાની ઉન્નત છાતી પર મસ્તક રાખી નિદ્રાધિન થઈ ગયો હતો. એણે કશું સાભળ્યું ન હતું.
સાંભળ્યું હતું, માત્ર રાજુના રૂમ પાર્ટનર સુધાકરે. એ હળવેથી રૂમમાં દાખલ થયો હતો. એણે એક વિશિષ્ટ સંબંધની મમતાના દર્શન કર્યા હતા. એ ચૂપકીથી ભીની આંખે પાછો ડેક પર ચાલ્યો ગયો.
Like this:
Like Loading...
Related
થેનક્યુ ગાંધી સાહેબ. આતાએ એમના ક્રુઝની સરસ વિગતવાર વાત કરી એટલે એક ઈન્ડિયન યુવાને એના સહકાર્યકરની કરેલી વાતને વાર્તાનું સ્વરૂપ આપ્યું. ગ્લેમરસ લાઈફ પાછળ પણ ઘણી વેદનાઓ છૂપાયલી હોય છે. કેટલાક રોજ જ ૧૬ થી ૧૮બ કલાક કામ કરતા હોય છે.
LikeLike
સુંદર વાર્તા…….
LikeLiked by 1 person
પ્રેમ અને શારીરિક ભૂખ કોને નથી ? દરેક જીવ ને બે ભૂખ હોય છે એક પેટ ની અને બીજી પેટ ની નીચે ની .માણસ નુ મન જ્યા પ્રેમ અને લાગણી દેખાય ત્યા ઢ લી પડે છે .કોઈ તેમાથી મુકત નથી સેક્સ અને પ્રેમ એક સિક્કા ની બે બાજુઓ છે. સરસ તાદ્રશ્ય વર્ણન .
LikeLiked by 2 people
મરચંટ નેવી કે ક્રુઝ માં કામ કરતા લોકો જેવીજ જિંદગી “આર્મી-કે-નેવલ-એરફોર્સ” વાલાની હોય છે … અને ફર્ક એટલો કે જો તે સૈનિક હોય તો તે તેની પત્નીને “ગોળી”થી ઉડાવી શકે છે … અને જો તે મર્ચન્ટ નેવી કે ક્રુઝ સ્ટાફ હોય તો રોતો-રોતો ક્રુઝ પર પાછો ફરે છે …
સેક્સ એ પ્રેમ નથી પરંતુ એક સર્વ-સામાન્ય અને નાં-માન્ય તેવી ભૂખ છે …
LikeLiked by 2 people
માનનીય શ્રી વિનોદભાઈ, વર્ષોથી દર દોઢ બે વર્ષે ક્રુઝમાં જવાનુ રખું છે. આ વાર્તાનું કથાબીજ એક લક્ષદીપ આઈલેન્ડ ના એક છોકરા સાથે થયેલી વાત પર રચાયલું છે. અલ્બત્ત આ કરુણ વાતને મેં મારી રીતે રજુ કરી છે.
LikeLike
કરમનો કાઠો બિચારો રાજુ ! ઘણાના જીવનમાં આવું બનતું હોય છે . ધારે શું અને બનતુ હોય છે શું .
જુવાનીના આવેગો પાણીના વહેતા પ્રવાહો જેવા હોય છે . એને રોકી શકાતા નથી પાણીની જેમ એ એનો માર્ગ કરી લે છે .
રાજુને માલતી તરફથી પરિણીત સુખ પ્રાપ્ત ન થઇ શક્યું . એની જિંદગી ડહોળાઈ ગઈ . બહેનોએ પણ ભાઈ પ્રત્યે
સ્વાર્થી વલણ અપનાવ્યું . અમેરિકામાં રહેતા ઘણા ભાઈઓના કેસમાં પણ આવું જ હોય છે . વતનમાં બધાંને
અમેરિકાના ડોલરની ભૂખ હોય છે .
બે સમ દુખિયાં અને મનથી એક બીજાને પ્રેમની લાગણીથી વરેલા રાજુ અને સ્ટેલા લગ્ન કરી જીવન સાથી બનીને
રહે તો કશું ખોટું નથી . સાચું સગપણ પ્રેમનું હોય છે .
વાર્તાનું મામા વાઈફ નામ સરસ છે . ભાવપૂર્ણ છે .
ક્રુઝના જીવનમાં ડોકિયું કરાવતી આ વાર્તા મનને સ્પર્શી ગઈ . ધન્યવાદ .
LikeLike