વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૬

POST 106

Image

વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૬

બીજી સવારે જ્યારે શ્વેતા શાવર  લઈને પોતાના રૂમમાંથી બહાર નીકળી ત્યારે સુંદરલાલ શેરખાન સાથે ઓફિસ જવા નીકળી ચૂક્યા હતા. એણે ગૃહમંદિરમા જઈ દિવો પ્રગટાવ્યો. સુવર્ણાબેન માળા કરતા હતા. વલ્લભ કોઈક પાઠ કરતો હતો. શ્વેતાએ જયશ્રી કૃષ્ણ કહી સુવર્ણાબેનની ચરણરજ માથે ચડાવી.

કાંતામાસીએ આવીને પૂછ્યું,  “બેન, તમને બ્રેકફાસ્ટમા શું ફાવશે?”

“માસી, મેં હમણાજ કૉફી પીધી છે. અત્યારે કંઈ ઈચ્છા નથી. આજે  ઉઠવામાં ખૂબ મોડું પણ થયું છે હવેતો બાની સાથે લંચ જ લઈશ.”

“જ્યારે વહેલા ઊઠાય ત્યારે અમારી સાથે જ બ્રેકફાસ્ટ લેશે તો અમને ઘણું ગમશે.”  શ્વેતાને સમજાયું નહી કે આ સૂચન માત્ર અપેક્ષા હતી કે ટકોર હતી.   

શ્વેતા ફરી એના રૂમમા આવી. જોયું તો પાંડુરંગ એના રૂમમાં બે હેલ્પર સાથે  દીવાલ પર મોટો ફ્લેટ ટીવી ફિક્સ કરતો હતો. ટેબલ પરના ટીવીની જગ્યાએ એક ડેસ્ક ટોપ અને એક લેપ ટોપ કોમ્પ્યુટર આવી ગયું હતું. ક્લોઝેટના સ્લાઈડિંગ ડોર પર ફુલ સાઈઝ  મિરર આવી ગયા હતા. રેક પર તાજા ન્યુઝ પેપર અમે મેગેઝિન ગોઠવાઈ ગયા હતા.

“મેડમ, આ બન્ને કોમ્પ્યુટરમા તમારા આઈ ડી અને પાસવર્ડ એન્ટર કરી દેજો. અહીં ત્રણ ફોન છે. કાળો ફોન જનરલ ફોન છે. બાજુમાનો લાલ ફોન ઓફિસમાં શેઠ સાહેબ અને મેનેજરોની ડાયરેક્ટ લાઈનનો છે. સફેદ ફોન આપણા ઘરનો ઈન્ટરકોમ છે. બીજી કોઈ જરૂરિયાત હોય તો મને જરૂરથી જણાવજો.”

જરૂરિયાતનું વિચારી શ્કે તે પહેલાતો આપોઆપ બધી સગવડો થઈ જતી. પાંડુરંગના ગયા પછી શ્વેતાએ પોતાની બેગમાંથી કાઢીને ક્લોઝેટમા પોતાના કપડા ગોઠવ્યા.

સાથે લાવેલ ફોટો ગોઠવ્યો. એમાં મોટાભાઈ, ભાભી સૌરભ અને પોતે હતા. એણે ફોટાને બકીઓ કરી. આંખમાંથી બે ચાર અશ્રૃબિંદુઓ ફોટા પર ટપકી પડ્યા. માત્ર થોડા દિવસ પરનું સરળ જીવન ન સમજાય એવો દૂરનો ભૂતકાળ હોય એવું ભાસતું હતું. એને ઘણી બધી વાતો સમજાતી ન્હોતી. ધનાઢ્ય પિતાના પૂત્ર અક્ષયે ઘરમાંજ, સાદાઈથીજ લગ્ન કરવાની જીદ કેમ પકડી?  એણેતો પોતાના લગ્નના કેવા કેવા રંગીન સ્વપનાઓ જોયા હતા. કેથી સાથે અક્ષય સંકળાયો ન હોત તો પણ એણે કેટલું સમાધાન કર્યું હતું. ઓછું ભણતર, જરૂરકરતાં ભરાઉ અને ઘઉવર્ણ શરીર. પોતાના કરતાં દોઢ ઈંચ નીચો. કશી જ સામ્યતા નહીં. આ વર્તમાન મને કેવા ભવિષ્યમા દોરી જશે? શું અક્ષય કેથીને છોડી મને સ્વીકારી શકશે?   અરે અક્ષય મને સ્વીકારે તો પણ હું એને  હૃદયથી  સ્વીકારી શકીશ? 

એણેતો કલ્પના પુરુષ ઘડ્યો હતો. ટોલ અને હેન્ડસમ. પ્રોફેનલ અને સ્માર્ટ. રોમૅન્ટિક, લવીંગ અને કાંઈન્ડ. એને બદલે મળ્યો’તો  અક્ષય, જેનામાં ઈચ્છિત એક પણ ગુણ ન્હોતો. શું ધન અને સહાયબી ને ખાતર જ જીંદગીભર પિસાતી રહું?  સુંદરલાલની પસંદગી સમાજ માન્ય છે. અક્ષયની પસંદ સમાજ માન્ય નથી. સ્પષ્ટ છે કે કેથીએ પ્રેમ ખાતર નહીં પણ ધન ખાતર અક્ષય પર કબજો જમાવ્યો છે. શું મારે પણ ધન લાલસાને કારણેજ અક્ષયને પોતાનો કરવાનો છે? મારામા અને કેથીમા ફેર શું?

બુદ્ધિશાળી તર્કનો સીધો સાદો ઉત્તર મેળવવા મથતી શ્વેતાને કાંતામાસીએ જાગૃત કરી. “બેન, શેઠાણીબા લંચ માટે તમારી રાહ જુએ છે.”

લંચ પત્યું.

“શ્વેતા બેટી, તું કોઈ ખાસ કામમાં રોકાયલી ન હોય તો અમારા રૂમમાં આપણે બેસીયે. મારે થોડી વાતો કરવી છે.”

“બા, મને પૂછવાનું ન હોય. હું તો તમારી  દીકરી છું. આજ્ઞા જ કરવાની હોય ચાલો આપણે આપણે ઉપર જઈએ.”

બન્ને એલિવેટરમાં ઉપર ગયા. સુવર્ણાબેને શ્વેતાના રૂમમા જરા ડોકિયું કર્યું. પોતાના રૂમમાં શ્વેતા સાથે દાખલ થયા. એમણે ફોન કરી જગદીશને બોલાવ્યો.

“અરે ભઈલા, આટલા નાના રૂમમાં તો મેડમ ગુંગળાઈ મરશે. બાજુની રૂમ વચ્ચે ડબલ ડોર મુકાવી  સ્લિપીંગ એરિયા અને સ્ટડી એરિયા અલગ કરી નાંખો. બે દિવસમાં બધું થઈ જવું જોઈએ. અને બીજું હમણાં કોઈનો પણ ફોન મને આપતો નહીં.  હું જરા શ્વેતા સાથે રોકાયલી છું”.

સારું બા કહીને જગદીશ વિદાય થયો. સુવણાબેને એમના રૂમના બારણા બંઘ કર્યા.

બન્ને સોફાપર બેઠા. સુવર્ણાબેને રિમોટ કન્ટ્રોલથી શેડ બંધ કર્યા. સિલીંગ પરની  રિસેસ લાઈટ રૂમમાં આછો પ્રકાશ રેલાવતી હતી. સોફા સામેની દિવાલ આગળ સિલીંગમાંથી સ્ક્રીન ઉતરી આવ્યો.  ઓડિયોમાંથી હળવા સંગીત સાથે સ્લાઈડ શો શરૂ થયો. સુવર્ણાબેન એક બાળકને હાથમા લઈને ઘરમાં પ્રવેશતા હતા.

“હું અક્ષયને લઈને મુંબઈ આવી ત્યારનો ફોટો છે.”

એક પછી એક સ્લાઈડ વિલીન થતી ગઈ અને નવી ઉભરતી ગઈ. એક પિકચરમા સુવર્ણાબેન અને અક્ષય પર સુંદરલાલ ગુલાબના ફૂલોની વર્ષા કરતા હતા અને દાદાજી ચોખાની વર્ષા કરતા હતા. બંગલો આ ન હતો. નાની રૂમ દેખાતી હતી. બી જા એક પિકચરમા અક્ષય ઘોડિયામાં સૂતેલો હતો અને સુંદરલાલ અને સુવર્ણાબેન હિંચકો નાંખતા હતા. ત્યાર પછીની એક સ્લાઈડમા અક્ષયે સુવર્ણાબેનની પાછળથી આવીને આંખો બંધ કરી હતી. એક ફોટામાં સુંદરલાલ ઘોડો બન્યા હતા અને અક્ષય તેમની પીઠ પર બેઠો હતો હાથમાંની નાની ચાબુક ફટકારતો હતો. એક ફોટામાં સુંદરલાલ અને સુવર્ણાબેન ચોપાટી પર ભેળ ખાતા હતા અને અક્ષય એમના ખભાપર બેસીને આઈસ્ક્રિમ ખાતો હતો. ત્યાર પછીની ઘણી સ્લાઈડ ફાસ્ટ ફોરવર્ડ થઈ ગઈ. એકદમ તેના લગ્નની થૉડી સ્લાઈડો શરૂ થઈ. અક્ષયની મનાઈ છતાં શેઠજીએ જગદીશ પાસે લેવડાવી હતી. દંપતિના હસ્તમેળાપ અને મંગળફેરા ફરાતા દૃશ્યો હતા. તેમાં સુવર્ણાબેન શ્વેતાના કાનમાં કંઈક કહેતા હતા. ત્યાં સ્લાઈડ ફ્રિઝ થઈ.

“તને કંઈ સમજાય છે?”  સુવર્ણાબેને શ્વેતાને પૂછ્યું.

ઉત્તરની રાહ જોયા વગર તેમણે આગળ ચલાવ્યું.

“મેં અને બીજા ચાર જણાએ તને આશીર્વાદ આપ્યા હતા. ‘અખંડ સૌભાગ્યવતી ભવ.’ આ એક મા માંના પોતાની વહુને અપાયલા આશીર્વાદ હતા. એક બાપ, લાડ જતનથી ઉછેરેલા જીવિત દીકરાના નામનું નાહી નાખે અને નવી પરણેલી વહુ વૈધવ્યના સફેદ કપડા પહેરી ઘરમાં શોક મનાવતી હોય એ કઈ માથી સહન થાય? અત્યારે તો તું અમારી દી કરી બનીને રહે છે. પણ એક વાર મારી જગ્યા, માં ની જગ્યા લઈ જો. તું કેટલું તારા પેટમાં સમાવી શકશે? હું બીજું કાંઈ માંગતી નથી. તારી પાસે એક માત્ર ભીખ માંગું છું. બેટી આ વૈધવ્યનો લેબાસ છોડી દે.”

“મારા પર એટલી દયા કર.”

સાસુ વહુ બન્ને લાંબો સમય નિઃશબ્દ રહી રડતા રહ્યા.

ફરી સુવર્ણાબેને શરૂ કર્યું.

“બાપ તો ઘડાયલા સફળ બિઝનેસમેન છે. પુત્રને એ પોતાની જાયદાદ અને ઈન્વેસ્ટમેન્ટ ગણે છે. શક્તિ અને કાબેલિયતના એ પરીક્ષક છે. જ્યારે અક્ષય એમના માપદંડમાં ઉણો ઉતર્યો ત્યારે અચાનક એની નજર તારા પર પડી. તું દશેક વર્ષની હતી ત્યારથી મને કહેતા મેં અક્ષય માટે એક ઉમદા છોકરી શોધી કાઢી છે. એ છોકરી જ એને અને આપણને તારશે. બસ એને તારા પર મદાર કે તું જ એને સાચા માર્ગે લાવશે. જો તને તારા પર આત્મવિશ્વાસ ન હોય તો મને કહી દે. હું બાપૂજીને સમજાવી દઈશ્ તને માનપૂર્વક, શુભશિષ સાથે ડિવોર્સ અપાવી દઈશું. પણ આ વૈધ્વ્યતો છોડવું જ પડશે.”

“બા એક વિનંતી. હું લાલ રંગ સિવાય બધા રંગના કપડા પહેરીશ. જ્યારે અક્ષય મને સ્વીકારશે અને સેંથામાં સિંધુર પૂરસે ત્યારે લાલ પાનેતર પહેર્યા પછી લાલ રંગના વસ્ત્ર પહેરીશ. મારી રીત અલગ હશે.  મારા કેટલાક નિર્ણયો કઠોર હશે. હું અક્ષયને સાચો અક્ષય બનાવીશ્ મારા પર શ્રદ્ધા રાખી આશીર્વાદ આપી મારું બળ વધારતા રહેજો.”

“બા, આમાંથી મને એક અક્ષયનો અને એક અમારા બન્નેનો ફોટો કઢાવી આપોને. મારે મારા રૂમમાં ટેબલ પર મુકવો છે.“

સુવર્ણાબેન ખુશ થઈ ગયા. એણે જગદીશને બોલાવ્યો. શ્વેતાના હાથમાં આલ્બમ મુક્યું. આમાંથી તને જે ફોટો ગમે તેની કોપી જગદીશ કાઢી આપશે.

શ્વેતાએ બે ફોટા પસંદ કર્યા. એક એકલા અક્ષયનો અને એક લગ્ન વખતે પાડેલો સંયુક્ત.

“જગદીશભાઈ, આ બન્નેની બબ્બે કોપી કાઢીને ટેબલ ટોપ ફ્રેમ કરાવી શકશો? બીજી એક એક કોપી વોલેટ સાઈઝની બનાવડાવજો”

આખા ધરમા બધા એને જગદીશ જ કહેતા. પહેલીવાર માત્ર શ્વેતા મેડમે જ જગદીશભાઈ કહ્યુ. જગદીશ પોરસાયો. “સ્યોર મેડમ.”

“મને મેડમને બદલે બેન કહેશો તો ચાલશે.”

“નો મેડમ. લાલાજીના વટ હુકમ વિરૂદ્ધ કોઈથી ન જવાય.”

ત્રણે ખડખડાટ હસી પડ્યા. વાતાવરણ હળવું થઈ ગયું. સુવર્ણાબેનના ચહેરા પર એક અનેરા સંતોષની સુરખી દેખાઈ. એમણે લાગણી પુર્વક શ્વેતાનો હાથ પોતાના હાથમા લઈ જાણે વિનંતિ કરતાં હોય એમ કહ્યું “મારા એકના એક દિકરાને માત્ર વોલેટમાંજ નહીં પણ હૈયામાં પણ સાચવજે.”

શેઠ પરિવારથી છૂટા થઈ જવું કે પરિવારમાં સમાઈ જવુ એ નિર્ણયમા લોલકની જેમ ઝોલા ખાતી શ્વેતા હજુ પણ સાસુજીની અપેક્ષા સંતોષી શકશે કે કેમ એ અંગે શંકાશીલ હતી.

                        OOOOOO   XXXXX   OOOOO

2 responses to “વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૬

  1. pravinshastri February 20, 2014 at 1:03 PM

    Thanks Pravinaben. I am reading ‘Sahiyaaru Sarjan. this is wonder concept. It is very difficult continue and develop story in the same pastern and same dialect. As I understand you also grew up in city. It is commendable control of all authors in village language .

    Like

  2. pravina Avinash February 20, 2014 at 9:53 AM

    Looking forward , What is next? Story very well developed .

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: