POST 10
રિવર્સલ ૧૦ વાર્તા ૭૫
વીતેલી વાત
વિધુર પટેલબાપાની પાડોસણ રોઝી સાથેની દોસ્તીનું, જુનવાણી માયાવહુ દ્વારા હંમેશા અવળું જ અર્થઘટન થાય છે. પટેલબાપાનું કેટલુંક વર્તન એને પુષ્ટિ આપે છે. પટેલબાપા પુત્રવધૂ માટે વિશિષ્ટ શાનદાર પાર્ટી આપે છે. મરજાદી મંગળામાસી તે જ દિવસે ઈન્ડિયાથી આવે છે. પહેરેલા કપડે સ્વિમીંગપૂલમાં ઝબોળાય છે. ઈવનિંગ પાર્ટીમાં રોઝીની મમ્મીનો આખી જાંગ દેખાય એવો ડ્રેસ પહેરવો પડે છે.
વિનોદના એક બ્લેક મિત્રે મંગળામાસી પાસે આવીને પૂછ્યું કેન આઈ હેવ ઑનર ટૂ ડેન્સ વિથ યુ મેમ? મંગળામાસી ફાટી આંખે બરાડતા હતા. નો…નો..નો..નો. વગર વિચાર્યે એણે પટેલને બૂમ પાડી…વીપી મને બહું ઉંઘ આવે છે. મારે સૂઈ જવું પડશે.
પટેલબાપાએ ખૂબ જ સ્વસ્થતા અને સમભાવથી કહ્યું ” હું સમજી શકું છું, મંગળાબેન. લાબી મુસાફરી અને તરત આ પાર્ટીની ધમાલમાં તમને જરા પણ આરામ નથી મળ્યો. જાવ કપડા બદલી મારા રૂમમાં આરામ કરો. કાલે સવારે વાતો કરીશું…
મંગલામાસી વધતા હાર્ટબીટને પકડતા હોય તેમ બરાડ્યા વીપી!! તમારા રૂમમાં?…….
હવે આગળ….પાર્ટીની બીજી બપોર.
****************************
હા સવાર તો કોઈએ જોઈ જ નહતી. બધા જ થાકેલા; અગિયાર વાગ્યા પછી ઊઠ્યા હતા. માયાના પપ્પા મમ્મી રાત રોકાયા હતા અને ગેસ્ટરૂમમાં સૂતા હતા. ટેણકા ટોનીના ઓવરક્રાઉડેડ રૂમમાં ટિનેજર છોકરા છોકરીઓ આખી રાત ધમાલ કરીને સવારે છ વાગ્યે જંપ્યા હતા.
માયા, વિનોદ, અને માયાના પપ્પા મમ્મી બ્રેકફાસ્ટ લેતા વાતો કરતા હતા. મંગળામાસી ક્યાં છે? ક્યાં સૂતા હશે. અને બાપાયે ક્યાં છે?
માયાને એકદમ ધ્રાસ્કો પડ્યો. મંગળામાસી? ……બાપા?
હાય માં…બાપા અને મંગળામાસી એક રૂમમાં તો ન હોય? માસીની સૂવાની ગોઠવણ કરવાનું તો ધ્યાન બહાર જ રહી ગયું હતું.
વિનો ઓઓઓઓઓદ, હાંભળો છો? બાપા ક્યાં છે? મંગળામાસી ક્યાં છે? બાપા કે બિચારા મંગળામાસી નીચે તમારી ઓફિસમાં સોફા પર સૂઈ રહ્યા હશે. જરા નીચે જઈને જૂઓને પ્લીઈઈઈઈઝ.
અરે, બરાડા ના પાડ. તારી બાજુમાં તો બેઠો છું. હાંભળો છો, હાંભળો છો નું ભૂગળું વગાડવાની ટેવ જ પડી ગઈ છે.
ઑફિસમાં તો મોના અને લીસા ઊંઘે છે. બાપા ઓફિસમાં નથી એ એના બેડરૂમમાં જ સૂતા હશે.
મને એમ કે તારી બર્થડે છે એટલે તું મારે માટે જાગતી હશે…પણ જવા દે એ વાત…… મારી મનની મનોકામનાને તથાસ્તુ કે’નાર બર્થ ડે બૅબ તો ઊંઘતી હતી….તું તો થાકીને પડતાની સાથે જ ઊંઘી ગઈ હતી.
રાત્રે બહુ મોડું થયું હતું એટલે મોના અને લીસાને મેં રાત રોકાઈ જવા કહ્યું હતું. મેં થોડો વખત એમની સાથે કામની વાતો કરી હતી. એ બન્ને અત્યારે નીચે સોફા પર જ સૂતા છે.
ઓ માં..મને ઊંધતી મૂકીને એ બન્ને પટાકડીયો સાથે કયા કામશાસ્ત્રની વાત માટે ઉજાગરો કર્યો હતો?
મમ્મી, જોયું આ બાપ દીકરાના લખ્ખણ. જાણે આસા હરામ અને નારી ઓ સાંઈ. મંગળામાસી જો બાપાના રૂમમાં હોયતો? બાપા ક્યાં સૂતા હશે? સમજાતું નથી કોણ કોને સુધારશે કોણ કોને બગાડશે! મેં વળી ક્યાં બાપાને સુધારવા મંગળામાસીને બોલાવ્યા! અતો બકરી કાઢતા ઊંટ ભરાયું.
માયા, મોં બંધ કર. મંગળામાસી આવે છે.
મંગળામાસી હાંફળા હાંફળા આવી પહોંચ્યા.
‘માયા વીપી ક્યાં છે?’
‘કેમ? એના બેડરૂમમાં જ હશેને?’ તમારી સાથે બેડમાં ન હતા?
ઊઠ્યા ત્યારથી મોં સીવીને બેઠેલા કુંદનલાલની જીભ જાગૃત થઈ.
માયા કંઈ બોલે તે પહેલા જ માયાને બદલે એના પપ્પાએ જવાબ ને બદલે સવાલ ફેંક્યો.
‘એના રૂમમાંતો હું સૂતી હતી.’
માયાની મમ્મી એ ડોળા કાઢીને ઈશારાથી પપ્પાને ચૂપ રહેવા જણાવ્યું. પણ પપ્પાને શૂર ચડતું હતું.
‘તો શું થયુ? વિઠ્ઠલજીએ તમને એના રૂમમાં તમને સૂવાડ્યા એટલે એનાથી એના પોતાના રૂમમાં ન સૂવાય? પ્રસંગ વખતે ઘરમાં ઘણાં માણસો હોય ત્યારે સાંકડ-મૂકડ બધાએ સૂઈ રહેવું પડે.’ માયાના પપ્પા સાહજિક રીતે વાત કરતા હતા કે કંઈક મર્માળુ બોલતા તે માત્ર માયાના મમ્મી જ સમજી શકે.
‘ઉજાગરા અને દોડધામમાં હું એવી તો થાકી ગઈ હતી કે પડતાની સાથે જ ઊંઘી ગઈ હતી. મને કશી જ ખબર નથી.’
ઓ મારા ભલા ભગવાન. મારી પાકી ઊંધમાં વિઠ્ઠલીયાએ કંઈ ગરબડ ન કરી હોય તો સારું. મંગળામાસી ખૂબ ધીમેથી ગણગણ્યા.
ખરેખર તો માયાના પપ્પા મમ્મી બન્નેને, વેવાઈ પટેલબાપાને વુમનાઈઝર, ચીતરવામાં મજા આવતી હતી. માયા બિચારી બાપ દીકરાને સુધારવાની ચિંતામાં કાયમ અકળાતી રહેતી હતી.
માયાના મમ્મી કામીની બહેને મંગળાબેનનો ગણગણાટ સાંભળ્યો. એણે ધીરે રહીને મમરો મૂક્યો.
‘મંગળાબેન મારી માયાના દરેક રૂમમાં સુપર કિંગસાઈઝ બેડ છે. એક બેડ પર સહેલાઈથી ત્રણ જણા પણ સૂઈ શકે.’
‘અહીં લોકો કુતરા પાળે અને હસબન્ડ વાઈફની વચ્ચે ડાઘીયો સૂઈ જાય. પોતાના છોકરા હોય તેને જુદા રૂમમાં સુવડાવે. કદાચ અમારા વેવાઈ તમારા બેડપર જ તમને ખબર ન પડે એ રીતે બિચારા એક પડખે સૂઈ રહ્યા હશે. અત્યારે એ બેડરૂમમાં નથી?’
‘ના કામીની, બેડરૂમમાં તો કોઈ નથી. હું જાગી ત્યારે એકલી જ હતી.’
મંગળામાસી પાંજરામાં ઊભેલા આરોપીની જેમ પોતાની સફાઈ રજૂ કરતા હતા.
‘અમારા વેવાઈને સવારે વહેલા ઊઠીને ચાલવા જવાની ટેવ છે. તમારી ઊંઘ ન બગડે એ ગણત્રીએ તમને જગાડ્યા વગર ચાલી નીકળ્યા હશે. લાઈટ ચાલુ હતી કે બંધ હતી?’
‘હું જાગી ત્યારે તો બંધ હતી. એક મિનિટ. હું લાઈટ ચાલુ રાખીને જ ઊઘી ગઈ હતી તો પછી મારા રૂમની લાઈટ કોણે બંધ કરી. ચોક્કસ મારા રૂમમાં કોઈ આવ્યું હશે.’
‘બીજું તો કોણ તમારા ચાઈલ્ડહૂડ ફ્રેન્ડ જ દોસ્તીની જૂની યાદો તાજી કરવા આવ્યા હશે. અમારા વેવાઈની યાદશક્ત્તિ ઘણી સારી છે.’
‘માસી, મમ્મીની વાત પર ધ્યાન આપશો નહીં. દરેક રૂમમાં મોશન સેન્સર છે. રૂમમાં કંઈ પણ હલન ચલન ન હોય તો આપોઆપ લાઈટ બંધ થઈ જાય.’
વિનોદે બાપાનું રેપ્યુટેશન છે તેના કરતાં વધારે ન બગડે એટલે તરત ખુલાસો કર્યો. કોણ ક્યાં સૂતા તેની ચિંતા કરવાની શું જરૂર. બધા નિરાંતે ઊંઘ્યા એ જ બસ છે ને!
‘લો બાપા આવી ગયા. એમને જ પૂછોને? હું નીચે ઓફિસમાં જાઉં છું. મોના અને લીસા જાગી હોય તો એમને બહાર બ્રન્ચ માટે લઈ જવી પડશે. એમને ગઈ કાલનું વાસી વધેલું નહીં ફાવે. સોમવારથી આપણી ઓફિસમાં કામ શરુ કરશે.’
‘અરે! હાભળો છો? એમને જ્યાં ખાવું હશે ત્યાં ખાશે. હું જીવતી જાગતી બેઠી છું ત્યાં સૂધી તમારે તો ઘરનું જ ખાવાનું છે. બહારની લત સારી ન કહેવાય. જાત જાતના રોગ થાય. જોયું ને માસી, આ બાપ દીકરાના લખ્ખણ. હાંભળતા નથી અને હમજતા હો નથી. બાપા પધાર્યા અને દીકરા દોડ્યા.’
‘જૈય શ્રી કૃષ્ણ મંગળાદેવી. જૈ સ્વામિનારાયણ. રાત્રે બરાબર ઊંઘ આવી હતીને? તમે ગઈકાલે ખૂબ જ થાકી ગયા હતા. માનુંછું કે થાક ઉતર્યો હશે. અને ગુડ મોર્નિંગ એવ્રીવન. માયા દીકરી, તને મઝા આવીને? રોઝી અને મારા બધાજ ફ્રેન્ડ્સ તારા ખૂબ જ વખાણ કરતા હતા. યુ લુક્ડ ગોર્જીયસ. ઈટ વોઝ મોસ્ટ મેમોરેબલ પાર્ટી.’
‘હું આવ્યો ત્યારે તમે કંઈ મને પૂછવાની વાત કરતા હતા! મારા વેવાઈએ મને શું પૂછવું છે?
‘વિઠ્ઠલજી પૂછવાનું તો શું હોય પણ અમને બધાને ચિંતા થતી હતી કે બાપા ક્યાં સૂતા હશે?’ કંચનલાલ ને બદલે કામીની બહેને જ સારા શબ્દોમાં પ્રશ્ન પૂછ્યો.
પટેલબાપાએ જવાબ આપવાને બદલે થોડી વાર પલક પાડ્યા વગર મંગળાબેન પર નજર સ્થિર કરી.
‘એમ્પી, વાંકો વળી પગના અંગુઠા પકડું કે કાન પકડીને ઊઠ બેસ કરું?’
આ સવાલે મંગળાબેનનો ભૂતકાળ જાગૃત થયો.
એક નાનું ગામ. કરિયાણાની એક દુકાન. દુકાનની બાજુંમાં એક મકાન. ગામના લોકો એને બંગલી કહેતા, એ બંગલી વિઠ્ઠલના દાદાની. એ બેઠાઘાટની બંગલીની સામે જ બરાબર મંગળાના દાદાનો બેમાળનો મોટો બંગલો. ગામને નાકે એક તળાવ. તળાવની પાસે સાત ધોરણ સૂધીની એક નિશાળ. એ નિશાળમાં મંગળા ભણે. એક વાર ત્રીજા ધોરણ નાપાસ થઈ. અને ચોથા ધોરણમાં પણ બિચારી નાપાસ થયેલી. માસ્તર તો બિચારા એને પાસ કરી દેવા તૈયાર, પણ દાદાજી સિધ્ધાંતવાદી. એણે માસ્તરને સામેથી ધમકી આપેલી કે એની જાતે પાસ થાય તો જ એને ઉપરના ધોરણમાં ચડાવવી. ચોથા ધોરણના સાહેબે એને ક્લાસ મોનિટરનો દરજ્જો અને સત્તા આપેલી.
એના ક્લાસમાં જ ત્રીજા ધોરણમાંથી પહેલા નંબરે પાસ થઈને વિઠ્ઠલ આવેલો. મહાતોફાની બારકસ. મંગળા ક્લાસ મોનિટર. વિઠ્ઠલ કરતા ઉમ્મરમાં મોટી. માસ્તર સ્કુલના ઓટલા પર ઉભા ઉભા બીડી પીતા હતા. મોનિટર મંગળા ક્લાસ સંભાળતી હતી. વિઠ્ઠલ છાપાના પેપરના બલુનએરો બનાવીને બધે ઉડાડતો હતો. એણે મંગળા મોનિટરના માથાનું નિશાન તાક્યું. કમનશીબે તે મંગળાને ખોટી જગ્યાએ વાગ્યું. મોટા ઘરના તોફાની છોકરાઓ! બાપડો માસ્તર શું સજા કરે? એણે મોટાસહેબને વાત કરી. રૌદ્ર સ્વભાવના મોટાસાહેબ કોઈની શેહ રાખે નહીં. એઓ ફુટપટ્ટી લઈને ઊભા રહ્યા. મંગળા, આ વિઠલાને જે સજા કરવી હોય તે કર. મંગળાએ તકનો સારો ઉપયોગ કર્યો. એણે સજા ફરમાવી કે અડધો કલાક એણે વાંકા વળી ઘુટણ વાળ્યા વગર પગના અંગુઠા પકડવાના. પીઠ પર ફૂટપટ્ટી મુકવાની, પડી જાય તો બીજો પા કલાક. એ સજા પુરી થાય પછી અવળા કાન પકડીને “હવે વિમાન નહીં મારું” એમ બોલતા દસ ઉઠ બેસ કરવાની. બિચારા વિઠ્ઠલે એક કલાક અંગુઠા પકડેલા.
તે દિવસથી વિઠ્ઠલે મંગળા સાથે બોલવાનું કે સામે જોવાનું પણ બંધ કરેલું.
મંગળાતો મોટા ઘરની. એને કાંઈ તળાવ પર કપડા ધોવા જવું ન પડે પણ એ એની બહેનપણી સાથે તળાવ પર ગઈ. બિચારીનો પગ લપસ્યો. સીધી પાણીમાં. બચાવ બચાવની બુમ પાડી. એ વખતે વિઠ્ઠલ તળાવની પાળે વડવાઈની ડાળે ઝૂલતો હતો. મંગળા સામે જોયું, બિચારી ડૂબકા ખાતી હતી. છેવટે આરામથી ખમ્મીસ કાઢી પાણીમાં ગયો. એક પગ ખેંચી બહાર કાઢી અને ખમ્મીસ લઈને ચાલતો થયો. બન્ને કુટુંબો વચ્ચે સારા સંબંધ હતા પણ મંગળા અને વિઠ્ઠલ એકબીજા સાથે બોલતા ન હતા.
મંગળા હાઈસ્કુલમાં આવી. મંગળાની મમ્મીએ મંગળાની વાત વિઠ્ઠલ માટે નાંખી. પણ વિઠલાએ ધરાર ના પાડી દીધી. અને મંગળાની જ દૂરની સગી સુકન્યા સાથે લગ્ન થયેલા. સુકન્યા સુંદર નમણી અને સાલસ સ્વભાવની હતી અને તેણે જ મંગળાબેન સાથેના અબોલા તોડાવીને સંબંધ સુધારેલો. મંગળાએ વિનોદ અને માયાના લગ્ન ગોઠવવામાં મધ્યસ્થી કરેલી.
આજે એજ વયસ્ક વાંદરો વિઠ્ઠલ, મંગળાદેવીને પૂછતો હતો, ‘એમ્પી, વાંકો વળી પગના અંગુઠા પકડું કે કાન પકડીને ઊઠ બેસ કરું?’
મંગળામાસી મનમાં વિચારતા હતા; હે ભગવાન, અમેરિકન ડોસલાઓ આટલા નફ્ફટ હોય એ જાણતી હોત તો અહીં આવતે જ નહીં. હું તો ભર ઊંઘમાં હતી. કંઈ અડપલા ન કર્યા હોય તો સારું. કંઈ ગરબડ હોય તો જ માફી માંગેને!
‘વીપી, જો ગુનો કર્યો હશે તો શિક્ષા તો થશે જ. મારે એ જાણવું પડશે કે તમે કયો ગુનો કર્યો છે અને એની ગંભીરતા કેટલી છે! પહેલો સવાલ તો એ છે કે આપશ્રી આખી રાત ક્યાં હતા?’
‘દેવીજી આટલા મોટા ઘરમાં મારે માટે જગ્યા જ ક્યાં હતી? ઘડીભર તો મને થયું હતું કે ભલે તમે મારા બેડ પર હો, એક ખૂણા પર થોડી જગ્યામાં સૂઈ એકાદ ઊંધ કાઢી લઈશ.’
‘વીપી તમને આવો વિચાર કરતાં જરાયે લાજ શરમ નથી આવતી? વીપી, આ ઉમ્મરે ગંદી વાત વિચારી જ કેમ શકો?’
‘ના એમ્પી, મેં ક્યાં એવી એભદ્ર વાત કરી છે. માત્ર ઊંઘવાની જ તો વાત છે. માનવીને ચોવીસ કલાકમાં ચાર કલાક તો ઊંઘવાનું જોઈએ જ ને?’
‘તો શું તમે ચાર કલાક મારી સાથે હતા?’
‘તમારી સાથે તો નહીં પણ એક રૂમમાં તો આરામ કરી લેત. રૂમમાં એક સોફો અને એક રિક્લાઈનર પણ છે જ ને? તેના પર તો થોડા કલાક સહેલાઈ થી નીકળી જાત. પણ ખોટું ના લગાડતા મંગળાદેવી. તમે ખૂબ જ થાકેલા હશો. નિરાંતે એટલું મોટેથી ઘોરતા હતાં કે એ રૂમમાં મારાથી ઊંઘાય એ શક્ય જ ન હતું. તમે થોડા અવ્યવસ્થિત સૂતા હતા. મેં તમને એક વધારાનો બ્લેન્કેટ ઓઢાડ્યો. મારો નાઈટ ગાઉન લઈને રૂમની બહાર ચાલ્યો ગયો.’
‘માફ કરજો મંગળાબેન, એક મહિલા રૂમમાં એકલા હોય ત્યારે સજ્જન પુરુષે એના રૂમમાં ન જવું જોઈએ પણ મારે મારા રૂમમાં આવવું પડ્યું હતું. સોરી, માય ફ્રેન્ડ મંગળાદેવી. જો આપ જાગૃત હોત તો વાત જૂદી જ હોત. હું ડોર નૉક કરીને, તમારી મંજુરી લઈને જ રૂમમાં દાખલ થાત. મારો ગુનો હું કબુલ કરું છું. શક્ય હોય તો માફ કરજો અગર તમે જો શિક્ષા કરશો તે હું કબુલ કરીશ. વાંકો વળી પગના અંગુઠા પકડીશ, કે મુરઘો બનીશ કે કાન પકડી ઊઠ બેસ કરીશ. રોજ કસરત કરીને આ ઉમ્મરે પણ આ કાયા ટનાટન રાખી છે. માનીશ કે મંગળાદેવીએ થોડી વધારે કસરત કરાવી.’
મંગળામાસીએ માનસિક હાસકારો અનુભવ્યો.
‘વીપીઈઈઈ. જરા ઉમ્મરનો ખ્યાલ રાખો. છોકરાઓની હાજરીમાં શું બોલવું, શું ન બોલવું, એ હજુ પણ શિખ્યા હોય એવું લાગતું નથી.’
મંગળાબેન આ સંસારમાં છેલ્લા શ્વાસ સુધી આપણે કાયમ કંઈ ને કંઈ શીખતા રહેવાનું છે. સદાકાળ કોઈ ને કોઈ સલાહકાર ગુરુ હાજર જ હોય છે. આપ જ્યાં સુધી અહીં રહો એ સમય દરમ્યાન મારા ગુરુ અને ગાઈડ બનશો? હું માનું છું કે અમારી માયા અને અમારી કામીનીવવાણને પણ એ વાત ગમશે. એક વિનંતી કરુ? હવે સ્કુલ લાઈફના સંબોધનો વીપી અને એમ્પીને બદલે હું તમને મંગળા દેવી કહીશ અને તમે મને વિઠ્ઠલ કહેજો. આ પી..પી વાળું નથી ગોઠતું.’
‘વિઠ્ઠલભાઈ, સાઠ પછી તમારી બધી બુદ્ધિ નાઠી નથી એટલું તો કબુલ કરવું જોઈએ. હું તમને વિઠ્ઠલભાઈ જ કહીશ અને તમારે મને મંગળાબેન કહેવાનું. બરાબર છે?’
‘તમારું આ પ્રમાણપત્ર હું સાચવી રાખીશ. મોટેભાગે બધી મહિલાઓ મને સમજી શકતી નથી અને મારું ખોટું મૂલ્યાંકન કરે છે. મને માત્ર વિનોદની બા અને મારી નેબર ફ્રેન્ડ રોઝી જ સમજી શક્યા છે. અમારી માયા અને એના મમ્મી વેવાણકામીની બેન પણ હંમેશા મારે માટે સત્યથી વેગળી કલ્પના કરતા રહે છે.’
‘તો વેવાઈ વિઠ્ઠલજી, તમે જરા મુદ્દાની વાત જણાવોને! તમે તમારી રાત ક્યાં ગાળી હતી?’ કામીની બહેને સીધો જ હુમલો કર્યો.
‘બાપા, સવારે તમને ઘરમાં તમને ન જોયા એટલે મને તો ઘણી ચિંતા થઈ. બાપા, તમે ક્યાં સૂતા હતા?
‘માયા, તું તો જાણે છે કે ભૂતનો વાસ પિપળે!’
‘એટલે…એટલે… એટલે… તમે રોઝી ને ત્યાં.. બાપા તમે…તમે રોઝી સાથે…રોઝી સાથે રાત ગાળી?’ હા અને ના….
બધા અધ્ધર શ્વાસે અને ફાટી આંખે હવે પછીની વાત સાંભળવા સાંભળવા આતુર હતા.
‘હા માયા, રોઝીના બેડરૂમની લાઈટ ચાલુ હતી એટલે મેં તેને ફોન કર્યો. એને રાત્રે મોડે સૂધી વાંચવાની ટેવ છે એટલે તે જાગતી હતી. હું એને ત્યાં ગયો અને એને ત્યાં સોફા પર નિરાંતની ઊંઘ ખેંચી કાઢી.’
‘પણ બાપા આપણા લીવિંગરૂમના સોફા પર સૂવાને બદલે તમે રોઝીના સોફા પર સૂવા કેમ ગયા?’
‘દીકરી આ સવાલ મને પૂછવાને બદલે તારા પપ્પાને પૂછ?’
(આ સવાલો અને સમસ્યાઓના ખૂલાસા આવતે મહિને)
Like this:
Like Loading...
Related
Thanks Doctor saaheb, Keepa reading. There may be new twist? who knows!!!
Pravin Shastri.
LikeLike
એટલે…એટલે… એટલે… તમે રોઝી ને ત્યાં.. બાપા તમે…તમે રોઝી સાથે…રોઝી સાથે રાત ગાળી?’ હા અને ના….
બધા અધ્ધર શ્વાસે અને ફાટી આંખે હવે પછીની વાત સાંભળવા સાંભળવા આતુર હતા.
‘હા માયા, રોઝીના બેડરૂમની લાઈટ ચાલુ હતી એટલે મેં તેને ફોન કર્યો. એને રાત્રે મોડે સૂધી વાંચવાની ટેવ છે એટલે તે જાગતી હતી. હું એને ત્યાં ગયો અને એને ત્યાં સોફા પર નિરાંતની ઊંઘ ખેંચી કાઢી.’
‘પણ બાપા આપણા લીવિંગરૂમના સોફા પર સૂવાને બદલે તમે રોઝીના સોફા પર સૂવા કેમ ગયા?’
‘દીકરી આ સવાલ મને પૂછવાને બદલે તારા પપ્પાને પૂછ
The Post ended…The Varta will continue with pravinbhai’s Kalam.
What next ?
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !
LikeLike
વિનોદભાઈ તમે મારા કરતાં મોટા, ઊંચા છો. (હું પાંચ ફૂતીઓ જ છું) અને બેસક જીણું શોધી શકો છો અને આશીર્વાદ આપવાના અધિકારી છો. બસ પ્રતિભાવ રૂપી આશીર્વાદ આપતા રહેજો. ન ગમતું તો ખાસ જણાવજો. કુશળ હશો.
પ્રવીણ.,
LikeLike
‘અહીં લોકો કુતરા પાળે અને હસબન્ડ વાઈફની વચ્ચે ડાઘીયો સૂઈ જાય. પોતાના છોકરા હોય તેને જુદા રૂમમાં સુવડાવે
શાસ્ત્રી ભાઈ , તમારો અમેરિકાનો અનુભવ રિવર્સલ સીરીઝમાં અવાર નવાર જણાયા કરે છે .
માયા અને બાપાની પાર્ટીની રાત્રે સુવાની રામાયણ આ એપિસોડમાં વાંચવાની મજા આવી .
છેલ્લે ખરું રહસ્ય બાપના આ વાક્યમાં છે ,‘દીકરી આ સવાલ મને પૂછવાને બદલે તારા પપ્પાને પૂછ?’
આગે આગે દેખતે જાઓ હોતા હૈ ક્યા !
LikeLike