વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૮

POST 110

                            Image

વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૮

  આસમાની રંગની, નેવી બ્લ્યૂ રેશમની ચળકતા, એમ્બ્રોઇડરીવાળી સાડી પહેરેલી શ્વેતા સાથે સુવર્ણાબેન ચારને બદલે ત્રણ વાગ્યે ઓફિસમાં આવી પહોચ્યા.  સુવર્ણા બેનનો ઠઠારો ઓછો ન હતો. સંપત્તિનો પ્રભાવ, વેશભૂષા અને ચહેરા પર છલકાતો હતો. દાદાજી અને જગદીશ લાલાજી પાસે ગયા. સુવર્ણાબેન સીધા શેઠની ઓફિસમાં ગયા. શ્વેતાની નજર યોગેશભાઈ પર પડતા તે દોડતી એની પાસે પહોંચી ગઈ. યોગેશભાઈએ એને બાથમાં લઈ એના માથાપર આશિષનું ચુંબન કર્યું.

“બહેની, એક જ અઠવાડિયામાં કેટલી સુકાઈ ગઈ?  તબિયત તો સારી છે ને?”

“મોટાભાઈ, તમને તો કાયમ હું સુકાયલી જ લાગું છું. પણ આ તો ચુસ્ત સાડી પહેરવાની સ્ટાઈલની  કમાલ છે. સ્લીમ લાગું છું ને!  થેન્કસ. ખરેખર તો એક કિલો વજન વધ્યું છે. તમારી વાત કરો. આજે છેલ્લા દિવસે પણ છેલ્લી ઘડી સુધી કામ કર્યા કરવાના છો?”

“છેલ્લો દિવસ છે એટલે તો કંઈ પેન્ડિંગ નથી રાખવું. કદાચ તને શેઠજીએ વાત ન પણ કરી હોય. આજે સવારેજ નક્કી થયું. શેઠજી કાચા નથી. મારા બદલામા એણે શ્રીવાસ્તવને અહીં ખેંચી લીધો છે.   લંડન સ્કુલ ઓફ ઇકોનોમિક્સનો ગ્રેજ્યુએટ છે. ફાંકડો અને હોશિયાર છોકરો છે. એ તારા આસિસ્ટન તરીકે કામ કરવાનો છે. જોલી માણસ છે. એ પણ આજે આવશે.”

“ભાભી અને સૌરભ દેખાતા નથી!”

“એ ચાર વાગ્યે જ આવશે. વહેલા આવે તો અહીં કામ કરતા સ્ટાફને ડિસ્ટરબન્સ થાય. એ સીધા ક્રિષ્ના પર જ જશે.”

હવે શ્વેતાને ખ્યાલ આવ્યો કે કેટલીક નજરો એ ભાઈ બહેન પર મંડાયલી હતી.

“ચાલો ત્યારે હું બાપૂજી પાસે જાઉં છું.”

 

લગભગ ત્રણ અઠવાડિયા પહેલા આ જ પોતે ઓફિસમાં નોકરીના ઉમેદવાર તરીકે શેઠજી પાસે જઈ રહી હતી.  આજે એક માલિક તરીકે તે તેના સસરાજી પાસે જઈ રહી હતી.

લગભગ બાવન વર્ષની ઉમરના શેઠજીના સેક્રેટરી દીનાબેન ભરૂચા શ્વેતાને જોઈને ઉભા થઈ ગયા અને એને માટે બારણું ખોલી આપ્યું. દીના બહેન પ્રભાવશાળી અને ઠરેલ ડિવોર્સી પારસીબાનું હતા. શેઠજી એને મિઝ ભરૂચા કહેતા. બળેવને દિવસે એમની પાસે રાખડી બંધાવતા. ભાઈબીજને દિવસે સુવર્ણાબેન સાથે એમને ત્યાં જમવા જતા. મોટાભાઈએ આ વાત એક બળેવને દિવસે જ કહી હતી.

“નમસ્તે આન્ટી”    શ્વેતાથી આપોઆપ કહેવાઈ ગયું.

શ્વેતા શેઠજીની ઓફિસમા દાખલ થઈ.

“આવ દીકરી આવ.”   સસરાજીએ આવકાર આપ્યો.

“તમે વહેલા આવ્યા તે ઘણું સારું કર્યું. તારી ઓફિસ તૈયાર થઈ ગઈ છે. જરા જોઈ લે. હજુ બે દિવસ છે. તારે કંઈ સુધારો વધારો કરવો હશે તો સોમવાર પહેલા થઈ જશે. ચાલો આપણે શ્વેતાની ઓફિસમા જઈએ.”

શેઠજીની ત્રીસ બાય ત્રીસ ઓફિસની બન્ને બાજુ ત્રીસ બાય વીસના બે રૂમો હતા. જમણી બાજુના રૂમમા અક્ષયની ઓફિસ હતી. ડાબી બાજુ પ્રાઈવેટ કોન્ફરન્સ રૂમ હતો જેને શ્વેતાની ઓફિસમાં કનવર્ટ કરવામાં આવ્યો હતો. શ્વેતાની આ ઓફિસની મધ્યમા યુ શેઇપનું મોટું ડેસ્ક હતું. ડેસ્ક પર ડાબી બાજુ ચાર જુદા જુદા રંગના ફોન હતા, જમણી બાજુ બે ડેસ્કટોપ અને એક લેપટોપ કોમ્પ્યુટર હતું. ઓફિસની ડાબી બાજુની દિવાલ  ટીવી મોનિટરોથી ભરેલી હતી. સ્ટોક માર્કેટના જુદા જુદા ટિકરો જમણેથી ડાબી બાજુ સરતા રહેતા હતા. ઓફિસના બન્ને ફ્લોરપર વાયર્લેસ હિડન સર્વિલીયન્સ વિડિયો કેમેરા રાખવામાં આવ્યા હતા. દિવાલ પરના બે મોનિટરો પરથી ઓફિસના બન્ને ફ્લોરની એકટીવિટી જાણી શકાતી હતી. 

મહેમાનો સાથે મંત્રણા માટે રૂમમા એક તરફ સામસામે બે સોફા અને વચ્ચે એક ચેર હતી. ફ્લોર પર પગની પાટલી ખૂંપી જાય એવી વેલ્વૅટિ કારપેટ હતી. રિસેસ લાઈટનીંગ આછો પ્રકાશ પાથરતી હતી. આગળ પાછળની દિવાલ સી થ્રુ મિરર વાળી હતી. આગળથી ઓફિસનો ભાગ અને પાછળથી નરિમાન પોઈંટનો પ્રવૃત્તિથી ધમધમતો વિસ્તાર જોઈ શકાતો હતો. અંદરથી બહારનું જોઈ સકાતું હતું પણ બહારથી અંદરનું જોઈ ન શકાય એવું પ્રકાશ આયોજન થયેલું હતું.

એક તરફ મીની પેન્ટ્રી હતી અને નાના કાઉન્ટર્ પર કૉફીમેકર, ટોસ્ટર, અને માઈક્રોવેવ હતું. કાઉન્ટરની નીચે નાનું ફ્રિઝ હતું. શેઠની અને શ્વેતાની કોમન દિવાલની વચ્ચે એક ઈલેક્ટ્રોનિક ડોર હતુ. જે રિમોટ કન્ટ્રોલથી ખોલી શકાતું હતું. ડોર ખૂલતા પહેલા નેવું સેકંડ વોર્નિંગ લાઈટ ઝબુકતી. આખો રૂમ સાઉન્ડ પ્રુફ હતો.

રૂમની બહાર સેક્રેટરીનું ડેસ્ક હતું. વિદાય લેતા યોગેશભાઈની સેક્રેટરી નિમા શ્વેતાની સેક્રેટરી થવાની હતી. શેઠજીએ બધી વિગતો વિસ્તારથી સમજાવી. એમણે પૂછ્યું. બીજી કોઈ જરૂરિયાત બાકી રહી ગઈ છે?

શ્વેતા લક્ઝરીની કલપના કરી શકે તેના કરતા પણ વાસ્તવિકતા વધુ સમૃદ્ધ હતી.

સુવર્ણાબેનનો સ્વભાવ હંમેશા કંઇક ઉણપ શોધી કાઢવાનો હતો. એમણે કહ્યું કે .” આ રૂપાળી શ્વેતાની ઓફિસ છે. દિવાલ પર એકેય સારું ચિત્ર નથી. સામેની દિવાલના બન્ને ખૂણા ખાલી છે. એક ખૂણામાં સ્ટેચ્યુ ફાઊન્ટન મુકાવો અને બીજા ખૂણામાં સરસ પ્લાન્ટ મુકાવો.”

શેઠને બીજી ઘણી વાતો કરવાની હતી. એમણે ટૂંકમા પતાવ્યું. “એ પણ થઈ જશે.”

શેઠજીએ ડેસ્ક પરનુ રિમોટ હાથમાં લીધું. દિવાલ પરના મોનિટર પર એક રાજકુવર જેવો યુવાન ઉપસી આવ્યો. “આ છે નિકુળ શ્રીવાસ્તવ. આખી ઓળખાણ પછી આપીશ. જેમ તારા મોટાભાઈ આપણે ત્યાંથી શીવરાજમા જાય છે તેમ નિકુળ શીવરાજમાંથી આપણે ત્યાં આવે છે. મેં શીવુ સાથે લઢીને  એને આપણે ત્યાં ખેંચી લીધો છે. લંડનમા ભણેલો છે. ખુબ બ્રાઈટ છે. એ તારા આસિસ્ટન્ટ તરીકે કામ કરશે. માનીલે કે એ ઘરના છોકરા જેવો જ છે. પરાણે વહાલો લાગે એવો છે. નિરાંતે એના વિષે વાતો કરીશું. અત્યારે નજર માડી લે.”

કોલેજીયન છોકરીની સ્ટાઈલ પ્રમાણે બે હોઠોં વચ્ચેથી એક ધીમી સિસોટી નીકળી ગઈ. સદભાગ્યે કોઈના ધ્યાનમાં ન આવ્યું.

શ્વેતા એ હેન્ડ્સમ યુવાનને મન ભરીને જોવા ઈચ્છતી હતી પણ રિમોટનું બટન ડબાયું અને ઓફિસ ફ્લોર દેખાયો.

“ આપણા બઘા એમપ્લોયી પર નજર મારી લે. વ્યક્તિગત ઓળખાણ ધીમે ધીમે થશે. દરેક વ્યક્તિની પર કેમેરો ઝુમ થઈ શકે છે. જો આ તારા મોટાભાઈ. એના કોમ્પ્યુટરના સ્ક્રીન પર નીફ્ટીનો ચાર્ટ છે. પાસેની પેન્સિલની અણી તુટેલી છે. તને ખ્યાલ આવશે કે આ રીતે સ્ટાફની નાનામાં નાની એકટિવિટી પર નજર રાખીને આપણો બિઝનેશ સંભાળી શકશે. મને મારા સ્ટાફ પર પુરો વિશ્વાસ છે. આનો ઉપયોગ હું સ્પાઈંગ માટે નથી કરતો. ધંધા અંગેની માહિતી એમને કેબિનમા બોલાવ્યા વગરજ જાણી લઉ છું.”

“જો, ચાર ને દસ થઈ છે. બધાએ કામ સમેટવા માંડ્યું છે. આપણે પણ નીકળીશું”

“બાપૂજી જતા પહેલા જરા અક્ષયની ઓફિસ જોઈ લઉં?”

“સ્યોર્”

શેઠજીએ જમણી બાજુનો રૂમ રિમોટથી ખોલ્યો. એક મોટા ડેસ્કની સામસામે બે ચેર, બે લેપટોપ, દિવાલ પર સાંઠ ઇંચનુ ફ્લેટ ટીવી. એક મોટો સોફાબેડ. ડિવીડી પ્લેયર વિગેરેથી સજાવેલો રૂમ ઓફીસને બદલે હોટેલના બેડરૂમ જેવો લાગતો હતો. રૂમની દરેક બારીઓ હેવી ડ્રેઇપથી કવર થયેલી હતી.

 

સ્ટાફમાં એની હાજરી ગેરહાજરીની ભાગ્યેજ નોંધ લેવાતી. શેઠજીએ પણ લાંબા સમયથી એના રૂમમાં જવાનું બંધ કર્યું હતું.

                                         OOOOOOOO

શ્વેતા જ્યારે ક્રિશ્ના પર પહોંચી ત્યારે ‘સુદામા બૅન્ક્વેટ હૉલ’ લગભગ ભરાઈ ગયો હતો. દીનાબેન બઘાનું સ્વાગત કરતા હતા. બધાના હાથમાં પોતપોતાની પસંદગીનું નોન આલ્કોહૉકિક મોકટૅલ હતું. બેકગ્રાઉન્ડમા સિતારના સૂરો રેલાતા હતા.

શેફાલીભાભી અને સૌરભ આવી પહોંચ્યા હતા. સૌરભની નજર પડતાં જ તે શ્વેતાને વળગી પડ્યો. ફૂફી મને તારા વગર જરાયે ગમતું નથી. તારા લગન કેન્સલ કરીને પાછી આપણે ત્યાં આવી રહે. ભાભીએ નાક પર આંગળી મુંકી ચૂપ રહેવા ઈશારો કર્યૉ. ભાભીએ હગ કરતાં ધીમે રહીને કાનમા પૂછ્યું “બહેની સુખી તો છેને?”

વળગણમાંથી છૂટા થતા શ્વેતાએ બોલ્યા વગર આંખના પલકારાથી હકારમા જવાબ આપ્યો.

શ્વેતાની નજર એના આસિસ્ટન્ટ નિકુળ શ્રીવાસ્તવ ને શોધતી જતી. સો સવાસોના ટોળામાં એને ઓળખવો શી રીતે?  મોટાભાઈને પૂછવાનો વિચાર કરતી હતી ત્યાંજ શીવાનંદ એના કુટુંબ સાથે હૉલમાં દાખલ થ્યા. સુંદરલાલ અને શિવાનંદ બન્ને પરસ્પર ભેટ્યા. શ્વેતાએ શિવાનંદની ઘણી વાતો સાંભળી હતી. એના ફોટા પણ જોયા હતા; લગ્નમાં અપલક ઝપલક આવીને આશીર્વાદ આપીને ચાલ્યા ગયા હતા. પણ ક્યારેયે એમની સાથે વાત કરવાનો પ્રસંગ આવ્યો ન હતો. એની સાથે પાર્વતી આન્ટી હતા.  એની  સાથે નાની બેબીનો હાથ પકડીને

ચાલતો એક સોહામણો યુવક હતો. સફેદ ડિઝાઈનર જિન્, મરૂન કલરનું, અન બટન ટાઈટ પોલો ટી શર્ટ, સપ્રમાણ અને આકર્ષક બાંધો. ભૂરી હસતી આંખો. ગાલ પર નાનુ ખંજન અને ગુચ્છાદાર લાઈટ બ્રાઉનીસ વાળ.

આ યુવક જ નિકુળ હોવો જોઈએ.

 

નિકુળ સીધો જ શ્વેતા પાસે પહોંચી ગયો. “નમસ્તે શ્વેતાજી, આઈ એમ યોર આસિસ્ટન્ટ નિકુળ શ્રીવાસ્તવ. સોરી વી આર લિટલ લેઈટ બીકોઝ ઓફ અવર લીટલ પ્રીન્સેસ.”

“ગ્લેડ ટુ મીટ યુ મિસ્ટર શ્રીવાસ્તવજી.  એન્ડ નાવ ઓન, આઈ એમ નોટ શ્વેતાજી. પ્લીઝ જસ્ટ સે  શ્વેતા.”

“ઈઝીટ યોર ઓર્ડર મેમ?”

“નો, ઈટીઝ ફ્રેન્ડલી રિક્વેસ્ટ.”

“આઈ વીલ ટ્રાઈ માય બેસ્ટ મેમ.”

“પ્લીઝ, લિસન.  નો શ્વેતાજી,   નો મેમ,    નો મૅડમ.   કોલ મી જસ્ટ શ્વેતા.”

“ઓકે બોસ. આઈ વીલ ટ્રાઈ; બટ ઇટીઝ એન અનઇથીકલ.”

“યુ આર ઈનડિફિટેબલ ;  મિ. શ્રીવાસ્તવ.!”

“નોટ  મિ.શ્રીવાસ્તવ.  પ્લીઝ, જસ્ટ નિકુળ.”

“બન્ને હસી પડ્યા.”

યોગેશભાઈ ત્યાં આવી પહોંચ્યા.

“હું તમારી ઇન્ટ્રોડક્શન કરાવવાનો જ હતો પણ તમેતો જાતે જ કરી લીધી. આ છે મારી બહેન શ્વેતા. નાના શેઠ અક્ષયકુમાર સાથે થોડા દિવસ પર જ લગ્ન થયા તે તો તમે જાણો છો.    હનિમુન પરથી આજની પાર્ટી માટે બે દિવસ વહેલા આવવું પડ્યું. તમે બન્ને સાથે કામ કરવાના છો. તમને કામ અંગે કોઈપણ મુંઝવણ હોય તો મારા મોબિલ પર નિઃસંકોચ ફોન કરજો. આઈ એમ અવૅલેબલ ટ્વેન્ટીફોર, થ્રીહન્ડ્રેડ સિક્ષ્ટીફાઈવ ફોર યુ.”

“શ્વેતા, આ છે. મિ.નિકુળ શ્રીવાસ્તવ. ઈન્ટરનેશનલ ફાઈનાન્સીંગમા એક્ષપરટીઝ છે. શિવુકાકાના સન રાજુભાઈના સાળા છે. બન્ને શેઠે કુળદિપકોના સાળાઓની અદલા બદલી કરી છે.”

“રિયલ ઈવન એક્સચેઇંજ.”

“એપૅટાઈઝરસ પુરા થઈ જાય તે પહેલા તમને બન્નેને, થોડા કી પરસન્સ સાથે ઓળખાણ કરાવી દઉ .”

ત્રણે જણાએ જુદા જુદા ટેબલ પર ફરી હલ્લો હાય કરવા માંડ્યું.

દરેક રાઉન્ડ ટેબલ પર દસ દસ બેઠા હતા.

વીઆઈપી ટેબલ પર સુંદરલાલ અને સુવર્ણાબેન, શિવાનંદ, પાર્વતીબેન અને પ્રાચી, તેમની બાજુમાં સૌરભ, યોગેશભાઈ અને હેમાલી, અને બાજુમા શ્વેતા અને નિકુળ બેઠા હતા.

એપેટાઈઝર અને ડિનરની વચ્ચે સુંદરલાલ યોગેશભાઈની વિદાય અને શ્વેતા તથા નિકુળની નિમણુક અંગે કંઈક બોલવાના હતા.

અચાનક નિકુળ કોર્ડલેસ માઈક સાથે જરાયે સંકોચ વગર પોતાની ખુરશી પર ઊભો થઈ ગયો.

“યોર એટેન્શન પ્લીઝ્…યોર એટેન્શન પ્લીઝ.

બધાની નજર નિકુળ પર મંડાઈ. રમતિયાળ શૈલીમા એણે શરૂ કર્યું.

“સોમવારથી હું શ્વેતા મેડમનો સહાયક અને આપ સૌનો સહકાર્યકર્તા બની રહીશ. પૂજ્ય શ્રી. સુંદરલાલ શેઠ માટે આપ સૌની સાથે કામ કરવાની તક મળી છે તે બદલ હું મારી જાતને ભગ્યશાળી સમજું છું. મને એક અફસોસ જરૂર રહેશે. ફાઈનાન્સિયલ ક્ષેત્રમા જેનું નામ માન પૂર્વક લેવાય છે એવા વડિલબંધુ જેવા શ્રી. યોગેશભાઈ સાથે કામ કરવાની તક ન મળી. પિતા તુલ્ય પૂજ્યશ્રી શિવાનંદજીના હાથ નીચે ઘણું શિક્ષણ અને ગાંભિર્ય મેળવ્યું છે. છતાંયે કોઈ કોઈવાર સ્વભાવગત વાંદરવેડા કરી લઊ છું. આઈ હોપ, માઈ બોસ મેડમ શ્વેતાજી વીલ ઓવરલુક માઈ ડ્રોબેક.”

શ્વેતાએ હસતા હસતા નકારમા માથું હલાવ્યું. આખા હોલમાં હાસ્યનું મોજું પ્રસરી ગયું.

“ઓકે..ઓકે. આઈ પ્રોમિસ. આઈ વીલ બીહેવ.”   નિકુળ ખુરશી પરથી ઉતરી હોલની વચ્ચે જઈને ઊભો રહ્યો. આ અનરિહર્સ પ્રોગ્રામ હતો. એણે ચાલુ રાખ્યું.

“આપ સૌના સહકારથી આપણે શ્વેતાજીને દલાલ સ્ટ્રીટની નેતાજી બનાવી દઈશું. માત્ર નેતાજી જ નહિ પણ સામ્રાજ્ઞી બનાવી દઈશું. ધીસ ઈઝ અવર ઓબ્જેકટિવ. ધીસ ઈઝ અવર અલ્ટિમેટ ગોલ.”

સૌએ નિકુળને તાળીઓથી વધાવી લીધો. “પ્રભુને એજ પ્રાર્થીએ કે એ માટેની જરૂરી બુદ્ધિ અને શક્તિ આપણને મળી રહે. પૂજય શ્રી. શિવાનંદ શર્માના કુટુંબની શુભેચ્છાના પ્રતિક તરીકે એમની પૌત્રી અને માય સ્વિટ નિસ, પ્રાચી ઇઝ ગોઈંગ ટુ પ્રેઝન્ટ નાઈસ પ્રેયર ફોર અસ. પ્લીઝ ગીવ હર બીગ હેન્ડસ્ ફરી એક વાર હોલ તાળીઓથી ગાજી ઉઠ્યો. નિકુળે ભાણજી પ્રાચીને ઊચકીને ટેબલ પર ઊભી કરી દીધી.

પ્રાચીએ જુની ફિલ્મ ગુડ્ડીની લોક્પ્રિય પ્રાર્થના ‘હમકો મનકી શક્તિ દેના…’ શરૂ કરી.

શ્વેતા નિકુળની બેફિકરી અદાથી પ્રભાવિત થઈ ગઈ. હી બીકેમ સેલ્ફ એપોઈન્ટેડ માસ્ટર ઓફ સેરિમોની. હી સ્ટોલ ધ શો. એણે રમતા રમતા પોતાની લિડરશીપ ક્વોલિટી નું પ્રદર્શન કરી દીધું. આ મારો આસિસ્ટન્ટ તો મારો બોસ બનવાને લાયક છે. નવા વાતાવરણને પણ કેટલા આત્મવિશ્વાસથી પોતાનું કરી લે છે! હું એની સામે શોભાની પુતળી તો ન બની જાઊને? શું એ મારો ફ્રેન્ડ બનશે? કદાચ ફ્રેન્ડને બદલે લવર તો ન બની જાયને? હું તો એના તરફ ખેંચાતી નથીને? પોતાના સ્વપ્ન પુરૂષ ઢાંચામા તો નથી ઢાળતીને?

મનગમતી કલ્પનાના લગામ વગરના ઘોડાઓ ચારે દિશામાં ડોડતા હતા. પોતે પરિણીત સ્ત્રી હતી. વિધવા કે સધવા તે પોતાના મગજમાં અસ્પષ્ટ હતું. સુંદરલાલ શેઠે તેના પુનર્લગ્ન કરાવી સ્વહસ્તે વિદાય કરવાની વાત કરી હતી. પોતે સુવર્ણાબેનને આશા આપી હતી કે અક્ષયને પાછો મેળવશે અને સાચવશે.

ભટકેલા બેફામ દોડતા માનસિક ઘોડાઓ દોડી દોડીને, થાકીને જાતેજ પોતાના તબેલામાં આવી જતા હતા

  

3 responses to “વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૮

 1. chandravadan March 6, 2014 at 11:55 AM

  The Book Sweta….slowly being revealed ….
  Nice !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

  Like

 2. pravinshastri March 6, 2014 at 8:14 AM

  ન જાણું હું (હે) જાનકીનાથ, પ્રભાતે શું થવાનું છે?
  કોને ખબર કોણ મારા હૈયાનો હૃદયનાથ થવાનો છે!

  Like

 3. pravina March 6, 2014 at 7:35 AM

  ‘આ તો થવાનું જ હતું’? જોઈએ કોણ જીતે છે સુવર્ણા બહેન કે સુંદરલાલ શેઠ?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: