રિવર્સલ ૧૧

POST 120
ન્યુ જર્સીના “ગુજરાત દર્પણ” માં દર મહિને ધૂમ મચાવતા પટેલબાપા, રોઝી, મંગળામાસી અને માયાની વાત
રિવર્સલ ૧૧
વીતેલી વાત……….
“તો વેવાઈ વિઠ્ઠલજી, તમે જરા મુદ્દાની વાત જણાવોને! તમે તમારી રાત ક્યાં ગાળી હતી?” કામીની બહેને સીધો જ હુમલો કર્યો.
“બાપા, સવારે તમને ઘરમાં તમને ન જોયા એટલે મને તો ઘણી ચિંતા થઈ. તમારા દીકરાના પેટનું તો પાણીએ ન હાલ્યું. તમે ક્યાં સૂતા હતા?”
“રોઝીના બેડરૂમની લાઈટ ચાલુ હતી એટલે મેં તેને ફોન કર્યો. એને રાત્રે મોડે સૂધી વાંચવાની ટેવ છે એટલે તે જાગતી હતી. હું એને ત્યાં ગયો અને એને ત્યાં સોફા પર નિરાંતની ઊંઘ ખેંચી કાઢી.”
“પણ બાપા આપણા લીવિંગરૂમના સોફા પર સૂવાને બદલે તમે રોઝીના સોફા પર સૂવા કેમ ગયા?”
“દીકરી આ સવાલ મને પૂછવાને બદલે તારા પપ્પાને પૂછ?”

હવે આગળ વાંચો…
“હેં પપ્પા, તમે જાણો છો, બાપા ઘરના સોફાને બદલે રોઝીને ત્યાં કેમ ગયા’તા?” માયાને બાપાના રૉમેન્ટિક સ્વભાવની જે દહેશત હતી તે જ પપ્પા મમ્મીની હાજરીમાં એને અકળાવતી હતી.
કામીનીબેને ડોળા કાઢીને કંચનલાલ સામે જોયું. કંચનલાલ સિવાય બધાની નજર કામીનીબહેન પર હતી. થોડી મિનીટો પહેલા જે કંચનલાલ વિઠ્ઠલબાપાની અને મંગળામાસીની ફિલમ ઉતારતા હતા એનું મોં બીલકુલ સીવાઈ ગયું હતું.
એટલામાં ટેણકો ટોની નાચતો કુદતો આવ્યો. ફ્રીઝનું બારણું ખોલી ઉભો રહ્યો. વડીલો તરફ જોયા વગર જ એણે બોમ્બ બ્લાસ્ટ કર્યો; “મૉમ, ડુ યુ નો, નાના નાની ડિવૉર્સ લેવાના છે!”
“ટેણકા, મરવાનો થયો છે? રાત્રે બધા ફ્રેન્ડ સાથે કંઈ નશો તો નથી કર્યોને? લવારા કરવા માંડ્યા છે. ગેટ આઉટ ફ્રોમ હિયર!”
“ઈફ્ યુ ડોન્ટ બિલીવ મી, આસ્ક ગ્રાન્ડપા. આઈ ડોન્ટ કેર. એની વે, લેટ મી નો ઈફ્ યુ નીડ ન્યુ પાર્ટનર આઈ વીલ પ્રોવાઈડ ફ્રી સર્વિસ ફોર માય નાના નાની.”

પટેલબાપાએ એ બારકસને ધીમે રહીને બહાર કાઢ્યો.
કંચનલાલે નીચું મોં રાખીને ધીમે રહીને કહ્યું.
“માયા દીકરી, ટોનીની વાત સાચી છે.”
અને માયાએ મોટેથી ઠૂંઠવો મૂંક્યો. ચીસ નાંખી…
“અરેએએએ ઈઈઈઈ …..હાંભળો છો? મોના અને લીસાને પડતી મેલીને સીધા ઉપર આવો. મારી મમ્મીના સંસારમાં આગ લાગી છે. પ્લીઝ હાંભળ્યું કે….”
કામીનીબહેન થોડા સ્વસ્થ હતા.
“જો માયા, હજુ અમે કશું જ નક્કી નથી કર્યું. ‘મે’ ઓર ‘મે નોટ બી”
“બાપા, મારા પપ્પા મમ્મીને સમજાવોને! તમને અને ટેણકાને આ વાત કેવી રીતે ખબર પડી? પ્લીઝ મંગળામાસી, હેલ્પ મી.”
“મારી લાઈફમાં તો ચારે બાજુથી સળગ્યું છે. ટેણકો હજુ તો સોળનો નથી થયો, ને સત્તાવીસનો હોય એવા ભવાડા કરે છે. બાપા બાજુવાળીની બગલમાં ભરાય છે. તમારો જમાઈ મોનાલીસાની છબી ચિતરવામાં પડ્યા છે”
વિનોદ આવ્યો. “શું થયું ડાર્લિગ?”
વિનોદ એની ટેવ મુજબ વળગીને કીસ કરવા ગયો; અને માયાએ એને હડસેલ્યો.
“ડોન્ટ ડાર્લિંગ મી. અત્યારે વળગવાનો ટાઈમ નથી. વળગેલાને છૂટા થવાનો ટાઈમ છે. જરા આઘા ખસો.”
“મોનાલીસામાંથી ફૂરસદ મળે તો ખબર પડેને કે ઘરમાં શું થાય છે!”
“તારે સીધી વાત કરવી હોય તો કર નહીં તો મારે મોના સાથે નવા એકાઉન્ટ વિશે એને સમજાવવાનું ઘણું બાકી છે. બાપા, વ્હોટ હેપન્ડ?”
“ખાસ અગત્યની વાત નથી લાગતી. આ તો ગઈ રાત્રે હું આપણા સોફા પર સૂવા જતો હતો ત્યારે ગેસ્ટરૂમના ડોર પાસે ટેણકાને ઉભેલો જોયો. એ કંઈ કાન માંડીને નાના નાનીની વાત સાંભળતો હતો. મેં એને ઠપકાર્યો. તો બેટ્ટમજી મને કહે નાનાનાનીની ડર્ટી વાત નથી સાંભળતો. સીરીયસ અને ડેન્જરસ ફાઈટ છે. હું સોફા પર આડો પડવાની તૈયારી કરતો હતો અને કામીની બહેનનો ઘાંટો સંભળાયો. આપણે વકીલને મળીને નક્કી કરીશું અત્યારે તમે બહાર સોફા પર જઈને સૂઈ જાવ. સવારે ઘરે જઈને બધી વાત.”
“મને લાગ્યું કે કંચનલાલ સોફા પર સૂવાના છે એટલે તરત જ પીલો રહેવા દઈને, કંચનલાલ રૂમની બહાર આવે તે પહેલા હું ઘરની બહાર નીકળી ગયો. બસ આ સિવાય મને બીજી કોઈ વાતની ખબર નથી.”
“ટેણકાએ જે સાંભળ્યું હોય તે સાચું. આપણે કોઈએ પણ એમની અંગત વાતોમાં પડવાની જરૂર નથી. મને પણ મારા અંગત જીવનમાં બીજાકોઈ નૉઝીવેડા કરે તે પસંદ નથી. મારી વાત સાચી છેને, કામીની બહેન?”
“બાપા, હું કોઈ નથી….. હું પારકી નથી. હું એમની એકની એક દીકરી છું.”
“બોલ, મમ્મી બોલ. વ્હોટ ઈઝ ધ પ્રોબ્લેમ?”
“દિવસે દિવસે તારા પપ્પા બગડતા જાય છે. આપણે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી છીએ. ભગવાનનું સામૈયું કરીએ છીએ. પૂજા કરીએ છીએ. પપ્પા ધીમે ધીમે બીયર, બીયર પરથી વાઈન અને હવે વિસ્કી સૂધી પહોંચવાની તૈયારી પર છે. ખાવાપીવાની મર્યાદા પણ નેવે મૂકી છે. ગઈ કાલે આપણે બધા પૂલ પાસે હતા અને તારા પપ્પા બાર્બેક્યુ અને હોટ ડોગ ઉડાવતા હતા.”
“મારે આ જનમમાં તારા બગડેલા બાપ સાથે જીંદગીના આખરી દિવસો પસાર નથી કરવા. બેટી માયા, તારા પપ્પા સાથે હવે મારાથી નહીં રહેવાય.”
“મંગળામાસી આપણી શિક્ષાપત્રી શું કહે છે એ જરા પાછા એમને સમજાવોને?”
“કંચનભાઈ, આ હું શું સાભળું છું?”
મંગળાબેને ચોવીસ કલાકમાં ચાલીસ કલ્ચરલ શોક્સ અનુભવ્યા.
“શિક્ષાપત્રી પંદરમાં સ્પષ્ટ આદેશ આપ્યો છે. ‘જે માંસ છે તે યજ્ઞનું શેષ હોય તો પણ આપત્કાળમાં પણ ક્યારેય ન ખાવું અને ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનું મદ્ય તે દેવતાનું નૈવૈદ્ય હોય તો પણ ન પીવુ. શિક્ષાપત્રી બારમાં ચોખ્ખું જ જણાવ્યું છે કે ‘દેવતા અને પિતૃ તેના યજ્ઞને અર્થે પણ બકરાં, સસલાં, માછલાં આદિક કોઈ જીવની હિંસા ન કરવી, કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે. વિઠ્ઠ્લભાઈ તમે શું માનો છો?” મંગળાબેને વીપીને માર્મિક રીતે હેતુસર વાતમાં ઘસડ્યા.
“તમારી સ્વામીનારાયણ શિક્ષાપત્રીની વાત અવ્યવહારુ પણ સૈધ્ધાંતીક રીતે સ્વીકાર્ય છે. પહેલા ઈંડા આમ્લેટ ખાતો હતો. હવે તે પણ બંધ કર્યા છે. “
કંચનલાલથી ન રહેવાયું, “વિઠ્ઠલજીના ચાવવાના જૂદા અને બતાવવાના જૂદા છે મંગળાબેન, મારી માયા તો કહેતી હતી કે બાપા ઘરમાં ડાયૅટ કરે છે અને લંચ અને ડિનર પછી નૉટી નેબરને ત્યાં જાય છે. કોને ખબર ત્યાં શું શું આરોગતા હશે!”
બાપા શાંતીથી સ્મિતવદને બેઠા હતા.
“હેં બાપા, તમે રોઝીને ત્યાં માંસ મચ્છીતો ખાતા નથીને? એવું હોય તો કહી દેજો, બામણને બોલાવી દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કરાવવી પડે.”
“ના દીકરી, મને નોનવેજ ખાવાની કોઈ ઈચ્છા જ નથી થતી. જરૂર પણ નથી. પણ આખી દુનિયામાં જે ખોરાક ખવાતો હોય એ ખાનારને ધિક્કરતો પણ નથી. અને તમારી જાણ ખાતર કહું છું કે રોઝી પણ નોનવેજ નથી ખાતી. એ જૈનોની જૈન છે. એ વીગન છે.”
“હેં બાપા, રોઝી ખરેખર વીજન છે? તો તો આપણા કરતાં પણ ચડિયાતી વેજીટેરિયન કહેવાય!” માયાના રોઝી પ્રત્યેનો અહોભાવનો પારો સડસડાટ ઉપર ચડી ગયો.
“હાંભળો છો. રોઝી જેવી રોઝી વેજીટેરિયન છે અને તમે અને તમારો ટેણકો બહાર જઈને બધું જ પેટમાં પધરાવો છો. ગઈ કાલની પાર્ટીમાં બાર્બેક્યુ ન રાખ્યુ હોત તો આજે મારા પપ્પા મમ્મીના જીવનમાં ભડકા ન થાત ને?”
માયાના પરિતાપનું સુકાન વિનોદ તરફ વળ્યું.
મંગળામાસી એકદમ કન્ફ્યુઝ હતા. વીગન એટલે શું? એમને માટે આ શબ્દ નવો હતો.
“વીગન એટલે સંપૂર્ણ શાકાહારી ખોરાક. કોઈ પણ પ્રાણીજ પદાર્થ ન ખવાય. અરે! ડેરી પ્રોડક્ટ પણ નહીં. દૂધ નહીં. દૂધની કોઈ પણ બનાવટ નહીં. એણે પ્રસાદનો શીરો ન્હોતો લીધો કારણ કે એમાં ધી હતું. ઘી તો દૂધમાંથી બને ને?”
“ઓ મારી માં! આ ગોરકી તો જબરી મરજાદી નીકળી. મારે એને એક વાર મળવું પડશે.”
એકાએક મંગળામાસીના હૃદયમાં વિઠ્ઠલભાઈની પાડોસણ પ્રેમિકા માટે પૂજ્યભાવ જનમ્યો. એણે કંચનલાલને સલાહ આપી.
“જૂઓ આ અમેરિકન સત્સ્ંગી પાસે આપણે ઘણું શીખવાનું છે.”
“અરે! મંગળાબેન દોસ્તી કરશો તો એના પૂલમાં કપડા વગર તમને નવડાવશે. એ કાંઈ સ્વામીનારાયણબાપાની સત્સંગી નથી. વિઠ્ઠલબાપાની સત્સંગી છે.” કંચનલાલે ઊભરો ઠાલ્વ્યો.
માયાની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી હતી. એને લાગ્યું કે પપ્પા એના ઘરની ઈજજતના ચિંથરા ઉડાવતા હતા. એણે કહ્યું, “પપ્પા બાપા માટે આવું ન બોલાય.”
“જો બેટા આજે ચાળીસ વરસથી મૂંગા રહીને તારી મમ્મીની આંગળીએ નચાવ્યો નાચ્યો છું. હવે મારા પગ થાકી ગયા છે. હું ભગવાનમાં માનું છું પણ તારી મમ્મીએ મારે માટે નક્કી કરેલા નિયમોના બંધનમાં નથી રહેવું. ભલે મારે નરકમાં જવું પડે. મને ભાવતું ખાઈશ અને ગમતું માણીશ. મારે પણ સ્વતંત્ર જીંદગી માણી લેવી છે. મને વગર પૂછ્યે મંદીરની સેવામાં જોતરી દીધો. સામાજિક શરમમાં મારાથી ના પડાઈ નહીંને હું કાયમ .ઘસડાતો રહ્યો. નોટ એની મોર. વિઠ્ઠલજી આઈ એમ જેલસ ઓફ યુ. મારે તમારા જેવી જીંદગી જીવવી છે. નથી જીવી શકતો એટલે જ તમારી ટીકા કરું છું. આઈ એમ સોરી વિઠ્ઠલજી.”
કામીનીબેન સ્તબ્ધ થઈને કંચનલાલનો આક્રોશ નિહાળતા હતા. એને કલ્પના ન હતી કે કંચનલાલ ઘરનો સંતાડી રાખેલો કચરો બધાની આગળ ઠાલવશે.
“પપ્પા, પ્લીઝ બંધ કરો…પ્લીઝ સ્ટોપ ધીસ.”
માયાનું કલ્પાંત ચાલુ હતું. “મંગળામાસી, પ્લીઝ કંઈક કરો. મારા તો બન્ને બાપા બગડયા.”
પરિવર્તન પામેલા વિઠ્ઠલબાપા વેવાઈની આંતરિક વાતોમાં કુદી પડે એવા નાદાન ન હતા. મંગળામાસી બકરું કાઢવા આવેલા, પણ આ સંસાર તંબુમાં તો એક નહીં અનેક ઊંટ ભરાયલા જોયા.
”માયા, તને ખબર નથી. મંદીરમાં રવીસભામાં મમ્મીથી મારી સાથે ન બેસાય, મારે એકલા બેસવાનું અને તેજ વખતે બહારના બાંકડા પર કે ઓફિસમાં જેન્તીમામો મમ્મી સાથે કલાકો સૂધી ગપ્પા માર્યા કરે એને શિક્ષાપત્રીના નિયમો ન નડે. આ બધા નિયમો મારા બાપના ઘરના નથી. તારા મોસાળના છે. ૨૦૧૪ અમેરિકાના નહીં, ૧૮૨૬ ઈન્ડિયાના ગામડાના છે.”
કંચનલાલ ઉભરો ન્હોતા કાઢતા પણ જાણે ન પચેલા માનસિક ખોરાકની ઊલ્ટી કરતા હતા.
આટલું અધુરું હોય એમ ટેણકાની એન્ટ્રી થઈ, “ઍની વન નીડ માય હેલ્પ? ફ્રી કન્સલ્ટેશન ફોર નાના નાની.”
“ગેટ લોસ્ટ” માયાએ રડતા રડતા, મોટો બરાડો પાડ્યો.
“મૉમ કામ ડાઉન, આઈ ડોન્ટ હેવ ટાઈમ ઈધર. વી આર ગોઈંગ ટુ રોઝીઝ પૂલ. આઈ આસ્ક્ડ હર. સી સૅઇડ ઓકે. અને ટોનીના બેડરૂમમાંથી છોકરા છોકરીઓનું ટોળું સ્વિમસ્યૂટમાં બહાર નીકળ્યું.
“વિઠ્ઠલજી, તમે તો સ્વામિનારાયણમાં નથી માનતા. તમારું શું માનવું છે?”
કંચનલાલે વિઠ્ઠલબાપાને પોતાના પક્ષમાં ખેંચવા સીધો પશ્ન કર્યો.
“નહીં નહીં નહીં…. કોણે કહ્યું કે હું નથી માનતો? હું કોઈ એક સંપ્રદાયની કંઠી પહેરી ફરતો નથી એનો અર્થ એવો થોડો છે કે હું આપણા ધર્મમાં માનતો નથી? મારા અંગત વિચારો અને સમજ પ્રમાણે ગમતું નગમતું સ્વીકારતો રહ્યો છું. વિનોદની બાને જે ગમતું તેને મારું ગમતું કરીને જીવ્યો છું. એની સાથે મંદીરે જતો હતો અને મારી ફ્રેન્ડ રોઝી સાથે પણ મંદીરે જાઉં છું. કોઈક વાર ચર્ચમાં પણ જાઉં છું. માત્ર માયાએ પ્રતિબંધ મૂક્યો છે કે બધે જજો પણ બાપાના મંદીરે ના જતા. બસ ત્યાં રોઝી સાથે નથી જતો.”
“વિઠ્ઠલજી તમે ભલે બાપાના મંદીરમાં ન જતા હોય પણ જાહેરમાં છૂટથી તમારી ગર્લફ્રેન્ડ સાથે જાહેરમાં ફરી શકો છો અને અમારા કામીની બહેન બાપાના મંદીરને બાંકડે જેન્તી મામા સાથે કલાકોની ગોષ્ઠી કરે છે. મારે પલાંઠી વાળીને મંદીરમાં સદાચારના પાઠ ગોખવાના છે. હું કાળો છું. જેન્તીમામો ઉજળો છે. જેન્તીમામો મંદીરનો અગ્રગણ્ય સતસંગી છે. મોટો દાનેશ્વરી છે. લીકર ડેલી ધંધામાં ખૂબ કમાય છે. બ્યુટિફુલ કામીની બહેનનો વ્હાલો છે.”
કામીની બહેનના લાલચોળ ચહેરા પર ક્રોધની આગના જ્વાળા ભડકાતા હતા. કંચનલાલને વર્બલ ડાયેરિયા થયો હતો. અને અન્ય સૌ માયાના પિયરની કોઈ હોરર ફિલ્મ જોતા હોય એમ મોં પહોળા કરી જોઈ રહ્યા હતા…..
[બાકીનું આવતે મહિને……]

2 responses to “રિવર્સલ ૧૧

 1. Vinod R. Patel April 2, 2014 at 2:46 PM

  માયાનું કલ્પાંત ચાલુ હતું. “મંગળામાસી, પ્લીઝ કંઈક કરો. મારા તો બન્ને બાપા બગડયા.”
  પરિવર્તન પામેલા વિઠ્ઠલબાપા વેવાઈની આંતરિક વાતોમાં કુદી પડે એવા નાદાન ન હતા. મંગળામાસી બકરું કાઢવા આવેલા, પણ આ સંસાર તંબુમાં તો એક નહીં અનેક ઊંટ ભરાયલા જોયા.

  આવી સુંદર અભિવ્યક્તિ આ વહી રહેલી રમુજી વાર્તામાં ઠેર ઠેર નજરે પડે છે .

  અમેરિકાના વાતાવરણમાં એડજસ્ત થવા મથતી જૂની પેઢી અને અહી રહીને ઉચ્છરેલી ટેણીયા

  જેવી નવી પેઢીના વચ્ચેના પ્રશ્નો ખુબ રમુજી શૈલીમાં વાંચવાની મજા પડે છે . એક જ કુટુંબના પાત્રો વચ્ચે આચાર

  અને વિચારની કેટલી બધી વિવિધતા માલુમ પડે છે અને એને રમુજી રીતે રજુ કરવી એ એક કળા છે જે

  તમે બરાબર સિદ્ધ કરી છે પ્રવીણભાઈ .ધન્યવાદ .

  Like

 2. chandravadan April 1, 2014 at 2:14 PM

  કામીની બહેનના લાલચોળ ચહેરા પર ક્રોધની આગના જ્વાળા ભડકાતા હતા. કંચનલાલને વર્બલ ડાયેરિયા થયો હતો. અને અન્ય સૌ માયાના પિયરની કોઈ હોરર ફિલ્મ જોતા હોય એમ મોં પહોળા કરી જોઈ રહ્યા હતા…..
  [બાકીનું આવતે મહિને……]
  Gujarat Darpan Readers are following this Varta…That’s nice !
  Wait for the continued Varta.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo…not seen on Chandrapukar.
  Hope all well with you !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: