શ્રી બલ્લુભાઈની જિજીવિષા

POST 129

શ્રી બલ્લુભાઈની જિજીવિષા

‘હલ્લો….’
‘હલ્લો…હુ ઇઝ ધીસ?’
‘શાસ્ત્રી? ..હું બલ્લુભાઈ. તું જલ્દી મારી ત્યાં આવી રહે.’
‘કેમ પાછી તમારા સ્વપનાની વાત કરવી છે?’
‘યાદ રાખજે હું ન હોઉં ત્યારે તને ભલે હું, કે આપણી દોસ્તી યાદ ન આવે પણ મારા ભવિષ્યના વર્તારો કરતા સ્વપનાઓ તો યાદ આવશે જ. પણ ના આજે મારે સ્વપનાની વાત નથી કરવી. આપણે જવું જોઈએ.’ ‘બહુ મોડી ખબર પડી. હમણાં સવારે જ ફોન આવ્યો.’
‘બલ્લુભાઈ જરા સમજ પડે એવી વાત કરોને? કોનો ફોન આવ્યો? ક્યાં જવાનું છે?’
‘મસાણમાં? આટલું આટલું કહું છું તે સમજાતું નથી?’ બલ્લુભાઈના ચિડવાયલા ચહેરાની કલ્પના કરવી અઘરી ન હતી.
‘બલ્લુભાઈ, તમે મને કંઈ જ કહ્યું નથી.’

‘ઓહ સોરી શાસ્ત્રી. ઘણાંને ફોન કર્યા એટલે કોની સાથે શું વાત કરી તે યાદ નથી રહેતું.’
‘હોય બલ્લુભાઈ. આપણા બધાની ઉમ્મર થઈ. તમારી તો ખાસ્સી એવી થઈ. તમે તો બધાના વડીલ. ભૂલી જવાય. બોલો તમે શું કહેતા હતા.’
‘હંમ્ … હાં, હું એમ કહેતો હતો કે આપણે ફ્યુનરલમાં જવાનું છે. જલ્દી આવ.’
‘પણ બલ્લુભાઈ સરખી વાત કરો. કોના ફ્યુનરલમાં જવાનું છે?’

‘આપણા છગનકાકા ગયા. યાદ છે, આપણે મહિના પહેલા હૉસ્પિટલમાં ખબર કાઢવા ગયા હતા એ છગનકાકા’
‘ચાલો સારું થયું. બિચારા ડોસા વેન્ટિલેટર પર લટકેલા હતા. દુખી થાય એના કરતા વહેલા પહોંચી જાય તે સારું.’
‘શાસ્ત્રી, તારામાં સેન્સિટીવીટી કે લાગણી જેવું કંઈ છે કે નહીં? માણસ જેવા માણસને પેટીમાં મૂકીને આપણા હાથે ફૂંકી મારવા પડે અને તું કહે કે સારું થયું!’

‘સોરી, બલ્લુભાઈ. છગનકાકા લગભગ છન્નુ વર્ષના હતા. પોતે દુઃખી થાય ને ઘરનાને દુઃખી કરે એના કરતા તો ભગવાન પાસે જઈને ઉપરવાળાને દુઃખી કરે તે સારુ જ કહેવાયને?’

‘મને ખબર છે કે તું પીતો નથી. આજે કેમ લવારે ચઢ્યો છે? નેવુંની ઉમ્મરનો માણસ ઉપડી જાય તેનું કાંઈ દુઃખ જ નહીં?’ નેવું થયા એટલે માણસ માણસ મટી ગયો?

‘જો શાસ્ત્રી આત્યારે આવી વાત કરવાનો સમય નથી. પહેલા ફ્યુનરલમાં જઈ આવીએ પછી બધી વાત. તું જલ્દી મારે ત્યાં આવી રહે.’
ન છૂટકે હું તૈયાર થઈને નિકળ્યો. મારે અને છગનકાકાને કોઈ ઓળખાણ નહીં, પણ એક વાર બલ્લુભાઈ મને તેમની ખબર કાઢવા હૉસ્પિટલ ઘસડી ગયેલા. એમની ભદ્રભાવના પાછળનો સિધ્ધાંત એ કે જો આપણે કોઈની ખબર કાઢવા કે ફ્યુનરલમાં ન જઈએ તો આપણી વખતે કોણ આવે?

મને કોઇના ફ્યુનરલમાં જવાનો મોટો કંટાળો. બને ત્યાં સુધી ઘરમાંથી એકાદ વ્યક્ત્તિ વ્યવહાર સાચવવા જઈ આવે. અને મોટેભાગે તે વ્યક્ત્તિ હું તો નહીં જ. આતો બલ્લુભાઈનું દબાણ…શું થાય!

મને ખાત્રી હતી કે મારા ફ્યુનરલમાં છગનકાકાતો શું પણ એના ઢગલાબંધ છોકરાઓમાંથી પણ કોઈ આવવાનું નથી. પણ બલ્લુભાઈ સાથે ગયો. અમારા ન્યુ જર્સીના રિવાજ પ્રમાણે બધું જ રાબેતા મુજબનું.

ફ્યુનરલ હોમની બહાર મોટા ટોળામાં સોસિયલાઈઝેશનનો આનંદ માણતા અને નવા કોન્ટેક્ટ ઉભા કરતા નોનસ્વજનો. રૂમની બહાર જોડા ચંપલના ઢગલા. સદ્ગતને જોવા અને રડતા કુટુબીઓને આશ્વાસન આપવાનો વ્યવહાર સાચવવા જઈએ ત્યાં ખાસડા કાઢવા જ પડે એ તૂત કોણે શરું કર્યું એ સંશોધનનો વિષય છે. હોલની અંદર દબાયલા અવાજે ગુસપૂસ કરતા સ્વજનો. આગલી હરોળમાં સફેદ વસ્ત્રોમાં શોભતા અને પરાણે ઠાવકું મોં રાખી બેઠેલા કુટુંબીજનો. બાકીના નીચી મૂડીએ સેલફોનના રમકડા પર શાંતીથી આંગળી ફેરવતા સગાવ્હાલાઓ. બધું જ રાબેતા મુજબનું હતું.

છન્નુવરસે લીલી વાડી મુકીને ડોસા સ્વર્ગારોહણ કરે એ આનંદની વાત હોય તેમ કોઈની આંખ વ્યવહાર પૂરતી પણ ભીની ન્હોતી. એવો ભાવ કે જાણે બાપાએ જરૂર કરતા વધારે બેટિંગ કર્યું. અમે રિવાજ મુજબ કાસ્કેટની આજુબાજુ ફરી લીધું. આપણા લોકો મૃતદેહની પ્રદક્ષણા શા માટે કરતા હશે? આત્મા વગરનું ખોળીયું જેને ફૂકી મારવાના હોય તેની પ્રદક્ષણા? પેટીની પ્રદક્ષણા કરતા કેટલાક લોકો તો ખરેખર બાપાને પહેલી અને છેલ્લી જ વાર ચારે બાજુથી જોઈ લેતા હતા.

મેં, બલ્લુભાઈ અને બીજા અડધો ડઝન ડોસા મિત્રોએ આગલી હરોળમાં બેઠેલા શ્વેતાંબરીઓને નમસ્કાર કરીને આશ્વાશન આપ્યું. પાછું અંગ્રેજીમા કહેવું પડે ‘સોરી’. જાણે આપણે ડોહાને ભૂલમા પતાવી દીધા ન હોય!

…….અને ત્યાર પછી અગ્નિસંસ્કાર…છગનકાકા ઓફિસિયલી સ્વર્ગસ્થ થયા.

XXXXXXXXXXXXXXXXXXXXXXX

અમારી ધરતીસ્થ ડોસા ગેન્ગ બલ્લુભાઈને ત્યાં પહોંચી. એમના પત્નીએ અમારે માટે બ્રન્ચની અનેક વાનગીઓનો અન્નકૂટ ટેબલ પર સજાવી દીધો હતો. ફ્યુનરલમાં જવાની લાહ્યમાં અમે બ્રેકફાસ્ટ વગર જ નીક્ળ્યા હતા. થોડી વારમાંજ બધું સફાચટ.

વારાફરતી બધાએ બ્રન્ચ પછી વિદાય લીધી.

મેં કહ્યું ‘બલ્લુભાઈ, થેન્ક્યુ. ચાલો હવે હું પણ જઈશ. જઈને એકાદ સરસ નૅપ લેવો પડશે.’

‘બેસ. તારે અને ચન્દુએ જવાનું નથી. મારે વાતો કરવી છે. આજ્ઞા થઈ.’

એમનો ટૉન એવો હતો કે અમે સૌ સડક થઈ ગયા. અર્ધા ઉભા થયેલા સીધા ખુરસીમાં ધબડાયા.

બસ શાંતી…પરમ શાંતી. અમારી નજર એમના ચહેરા પર સ્થિર હતી. એ કંઈ બોલે તેની રાહ જોતા હતા. એમણે પાસે પડેલા નેપકીનથી ટાલ પરનો પરસેવો નૂછ્યો.
ફરી શાંતી. એમણે આંખો મીંચી.
અમારા ચન્દુભાઈનાંમાં અમારા જેવી ધીરજ નહીં. તડ ને ફડ કરનારા માણસ.

‘એય બલ્લુભાઈ, ટમે અઈયાં બેઠા બેઠા નસકોરા બોલાવવાના હોય ટો અમે ટમારા શયનના ડર્સન કરવા નઠી બેહી રે’વાના. જે કંઈ કે’વુ હોય ટે ડસ સેકંડમાં બોલવા મારો. ડસ સેક્ન્ડ સ્ટાર્ટ નાવ.’ કેબીસીના બચ્ચનની અદામાં ચન્દુભાઈની ઘડીયાળે ટાઈમ ગણવા માંડ્યો.

ચન્દુ ચાવાલાની નોટિસ છતાં પાંચ મિનીટ બલ્લુભાઈનું મોં અને આખ બંધ હતા.

છેવટે બંધ આંખોએ એમણે ઊંડો શ્વાસ મુકીને કહ્યું. “મારે મરવું નથી”

જાણે ફાંસીને માંચડેથી તરફડિયા મારતો કસાબ બોલતો હતો.

‘અરે, બલ્લુભાઈ ટમને કોન મર્વાનું કે’ છે?’

‘આપણા કૃષ્ણ ભગવાન. એમણે કહ્યું હતું કે “જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ.”

‘બલ્લુભાઈ, એમણે સાચું જ કહ્યું હતું. એ પોતે પણ મૃત્યુ જ પામ્યા હતાને?’ મેં સધ્યારો આપવા કોશીશ કરી.

‘ના શાસ્ત્રી એનું ખૂન થયું હતું. પ્રિમેડિટેડ મર્ડર. રામાવતારના વાલીએ પારધી બની કૃષ્ણાવતારમાં વેર વાળ્યું. પારધીએ ન માર્યા હોત તો તેઓ આજે પણ જીવંત હોત. મને મરવાનો વાંધો નથી પણ આ બધા મરે છે તેટલું જલ્દી નહીં. જો મને અત્યારે છ્યાંસી થયા. તમે બધાએ ગણત્રી કરવા માંડી હશે કે હવે બલ્લુભાઈ બે પાંચ વર્ષના મહેમાન. ખપી જાઉં તો તમને જરા પણ દુઃખ થવાનું નથી. શાસ્ત્રી તો મારા ફ્યુનરલમાં પણ આવતા કંટાળશે.’

એમની વાતોથી મને મારા વિચારો બદલ ક્ષોભ થયો.

‘બલ્લુભાઈ અમે કોઈ તમારા મરવાની રાહ જોતા નથી. તમારા કરતાં હું ઘણો નાનો છું એટલે બ્રાહ્મણ તરીકે પણ આશીર્વાદ તો ન અપાય પણ શુભેચ્છા પાઠવું છું ચીરંજીવ ભવ. માર્કડાયુષ્ય ભવ. શતાયુ ભવ.’

‘શતાયુ? શાસ્ત્રી તેં કહ્યું શતાયુ? નોટ ઈનફ. મારે તો સો નહીં, બસો ચારસો વર્ષ અને તેથી યે વધારે જીવવું છે.’ એમણે કશીયે ઉત્તેજના વગર એકદમ સ્થિર ગંભીર રીતે કહ્યું.

મને એમની માનસિક સ્થિરતા પર શંકા ગઈ. પણ મારાથી બોલાયું નહીં. માહોલ કંઈક જૂદો જ હતો.

હું અને ચન્દુ ચાવાલા એમની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયા. સો નહીં પણ બસો ચારસો વર્ષ જીવવાની વાત.. અમે એમની સામે ફાટી આંખે જોતા હતા. એમની આંખો બંધ હતી.
એમના નેત્રો ઉઘડ્યા. કપાળ પર કરચલી પડી. સીધી ધારદાર નજરે મને પૂછ્યું ‘તે રા’વન ફિલ્મ જોઈ છે.’
‘ના.’
‘હાવ એબાઉટ ક્રિસ, અવ્તાર. અરે બેટમેન, સુપરમેન સ્પાઈડરમેન્ કશુંજ નહીં?’
‘હું મુવી જોતો નથી.’
‘આ જ વાંધો છે. તમારુ વિઝન જ કેળવાયું નથી. જો, છ્યાંસી વર્ષ પહેલા જ્યારે હું જન્મ્યો ત્યારની દુનિયા કેવી હતી અને આજની દુનિયા કેવી છે! દુનિયાની વાત છોડ. હું જે સુરતમાં જન્મ્યો તે સમયનું સુરત અને આજના સુરતમાં કેટલો ફેર છે. ચન્દુના પૌત્રને ત્યાં થોડા સમયમાં જ પારણું બંધાવાનું છે. એ બાળક સિત્તેર એંસી વર્ષનો થશે ત્યારનું જગત કેવું હશે? તમે કોઈએ કલ્પના કરી છૅ?

‘હું વિચારું છું કે હજાર વર્ષ પછી દુનિયા કેવી હશે. માનવી માત્ર એક ઈલેક્ટોનિક બેલ્ટ પહેરીને આકાશમાં ઉડતો હશે. બધા દેશોનું એક્ત્રીકરણ થઈ ગયું હશે. વિશ્વમાં માત્ર એક જ સત્તા હશે અને તે ટેક્નોબેન્ક ઓફ અર્થ. દુનિયામાં માત્ર એક જ ભાષા હશે અને તે કોઈ જાતના ઈલેક્ટ્રિક કોડ્લેન્ગ્વેજ હશે. માનવીનું આયુષ્ય ચારસો પાંચસો વર્ષનું હશે. કાળક્રમે ઘસાતા અંગોને બાયોનિક અંગથી રિપ્લેસ કરાતા જશે.’

‘આજે જન્મતા બાળકો તેના માંબાપ કરતા વધુ ઉંચાઈના થાય છે. એક હજાર વર્ષ પછી માનવીની સરેરાશ ઉંચાઈ પંદર ફૂટની હશે. સમુદ્ર પુરાઈ ગયા હશે અને ત્યાં માનવીનો વસવાટ હશે. માનવી પોતે કેટલા રૉબાટ ધરાવે છે તેના પર તેની સમૃધ્ધી નક્કી થશે. માનવી ચંદ્ર પર વસતો હશે અને અન્ય ગ્રહો પર વેકેશન માટે જતો હશે. ગેલેક્ષીઓ વચ્ચે સંકેત વ્યવહાર શરૂ થઈ જશે.’

‘માનવી અને પશુપંખીની વસ્તીનું નિયંત્રણ ટેકનોલોજી બેન્ક જ કરશે. દરેક ઉત્પાદિત છોકરાઓએ તેમની વીશમા જન્મ દિવસે ચોક્કસ માત્રામાં બેન્કમા વીર્ય જમા કરાવવાનું રહેશે. મહિલાઓએ પણ આવી રીતેજ વીસ વર્ષની ઉમ્મરે અંડકોષ જમા કરાવવા પડશે. આ નવી ટેક્નોલોજીથી સરળતાથી થઈ શકશે. અને ત્યાર પછી તે કોઈ પણ બાળક પેદા ન કરી શકે તેવું ઈન્જેક્શન આપીદેવામાં આવશે. આખી દુનિયામાં વસ્તી નિયંત્રણ કરતી ટેકનોલોજી બેન્ક જરૂર પ્રમાણે ડીએનએનું બ્રીડીંગ કરી માનવ ઉત્પાદનનું કાર્ય કરશે. સ્ટોર કરેલા શુક્રાણુ અને અંડમાંથી હાઈબ્રિડ બાળકોનું લેબોરેટરીમાં ઉત્પાદન થશે. જન્મેલા બાળકોના કપાળમાં બારકોડ્ આઈ.ડી. ઈમ્પ્લાન્ટ કરાશે.’

‘લગ્ન કે કુટુંબ સંસ્થા નાબુદ થઈ ગઈ હશે. જેમ જન્મનું નિયંત્રણ થશે તે જ પ્રમાણે મૃત્યુનું પણ નિયંત્રણ થશે. જીવવાની ઈચ્છા ન હોય તેણે બેન્કને અરજી કરવી પડશે. અરજી મંજુર થયે એક માત્ર ઈન્જેકશનથી કોઈ પણ જાતના દર્દ વગર માનવી પાંચ સેકન્ડમાં જીવ વગરનો થઈ જશે. એમના શરીરના જરૂરી સ્પેર પાર્ટ કાઢી લઈ બાકીનો ભાગ ચર્નીંગ મશીનમાં નાંખી ભૂકો સાઉથ પોલ પર મોકલવામાં આવશે.’

બલ્લુભાઈ અટક્યા વગર હજાર વર્ષ પછીનો વર્તારો કરતા હતા.

‘તમને ખબર છે આખા બ્રહ્માંડમાં ચાર હજાર કરોડ પૃથ્વી જેવા ગ્રહો હોવાની શક્યતા છે. એમાંના ચોક્કસ પણે ઓછામાં ઓછા સો-બસો શીવલોક હશે. સો બસો વૈકુંઠલોક હશે એકાદ હજાર ઈન્દ્રલોક હશે. પાંચસો છસો વર્ષમાં આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રમાંની બધી જ વાતો પણ કન્ફર્મ થઈ જશે. આજનો અક્કલ વગરનો નાસ્તિક રિસાયકલ્ડ થઈને પાછો આવશે તો એ પણ વૈકુંઠલોકમાં જવા એપ્લાય થશે.’

‘શક્ય છે કે જૂદી જૂદી ગેલેક્ષી વચ્ચે એક્ષચેઈન્જ પ્રોગ્રામ પણ ગોઠવાઈ જાય તો જીવતા જીવત સ્વર્ગમાં પણ જવાય.’

બલ્લુભાઈ આંખો બંધ કરીને જાણે અવકાશમાંથી ભવિષ્યનો વર્તારો કરતા હોય એમ બોલતા હતા.

‘આપણે જન્મ્યા ત્યારે બળદગાડા અને ઘોડાગાડીનો યુગ હતો. અને આપણી નજર સામે માનવીએ ચંદ્ર પર પગ મૂક્યો. આપણા પછાત ગણાતા દેશે પૃથ્વીની પ્રદક્ષણા કરતાં કરતાં મંગળ પર પહોચવાની તૈયારી કરી. ચંદ્ર એટલે સોમ, પછી મંગળ, પછી બુધ…

ચન્દુભાઈએ બલ્લુભાઈના સૂરમાં સૂર પુરાવ્યો…પછી ગુરુ, શુક્ર શની અને રવી.

‘બલ્લુભાઈ જાગો હવે….રાટ્રે ઊંઘમાં પન સપના ને ડિવસે હો આંખ બંઢ કરીને ડિવાસપના જોયા કરહો તો એક ડારો જરૂર ગાન્ડા ઠઈ જહો. જાગો, કરક મસાલા વારી ચા ઠપકાવો. જુઓ બલ્લુભાઈ, જો ટમને ટમારા ઘરવારા ગાન્ડાની હોસપીતલમા કોઈ ધકેલી દેહે ટો અમે કોઈ ટમને મલવા આવ્વા નવરા નઠી. આપનો ભગવાન જીવારે તેટલુ જ જીવવાનું છે. છગનકાકો ગીયો. આપને પન બઢા વે’લા મોરા ઉપર જવાના જ છીએ. ડુનિયા ભલે જેટલી આગર પાછર થવાની હોય, આપને હું? આપ મર ગયે, ડુબ ગઈ ડુનિયા. બોલ સાસટરી ટારુ શું માનવું છે. ડાયો ડમરો ઠઈને સપ્ટાહમાં બેઠો હોય એમ બલ્લુભાઈની વાટ ઢીયાનથી હાંભર્યા કરે છે. કંઈક ટો બોલ!’

‘ચન્દુભાઈ, એમની વાત છેક ફેંકી દેવા જેવી નથી. માનવીના કોમ્પ્લેક્ષ માંઈન્ડમાં અપાર શક્તિ છે. વધતે ઓછે અંશે બલ્લુભાઈના દિવાસ્વપ્નની વાત સાચી ઠરશે. ફેર માત્ર એજ કે એ જોવા કે અનુભવવા આપણે આ પૃથ્વી પર હયાત નહીં હોઈએ. તમારી વાત સાચી. તદ્દન સાચી છે; આપ મર ગયે, પીછે ડૂબ ગઈ દુનિયા. અને સત્ય હકીકત એ છે કે હું કે તમે કે બલ્લુભાઈ, જેટલું જીવ્યા તેટલું હવે જીવવાના નથી.’

‘શાસ્ત્રી, વેઈટ. તેં મને સો વર્ષની શુભેચ્છા પાઠવી છે પણ મારે તો ખૂબ જીવવું છે. મારે આવનાર સમયને જાણવો છે. માણવો છે અને તે માટે સૈકાઓ સુધી જીવવું છે. છગનકાકા માટે તું કહેતો હતો કે છન્નુએ ગયા એટલે સુખી થયા. હું સો કે સો પહેલા જ ખપી જાઉં અને મારી મનોકામના અધુરી રહી જાય તો તું શું કહેશે?’

મારે બદલે ચન્દુભાઈએ જવાબ આપ્યો…”ભગવાન અમારા બલ્લુભાઈના આટમાને લોન્ગ ટર્મની સાન્ટી અરપે”

બલ્લુભાઈએ નિશ્વાસ નાંખ્યો….’મારા આ લાગણી શૂન્ય સુરતી મિત્રોને ભગવાન થોડી સંવેદનશીલતા અને સદ્ દૃષ્ટિ બક્ષે.’

મારાથી કહેવાઈ ગયું “ઍમિન.”

*****************************
વાચક મિત્રો, આપને કેટલું જીવવું છે? શું શું જોવાની ઈચ્છા છે?

3 responses to “શ્રી બલ્લુભાઈની જિજીવિષા

  1. Pingback: આવતી કાલનું વિશ્વ આજે. | પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો

  2. Pingback: ( 446 ) શ્રી બલ્લુભાઈની જિજીવિષા……..હાસ્ય લેખ ………… લેખક- શ્રી પ્રવીણ શાસ્ત્રી | વિનોદ વિહાર

  3. pravinshastri April 15, 2014 at 8:06 AM

    NEW story post 129
    Inbox
    x
    Uttam Gajjar

    11:14 PM (8 hours ago)

    to me
    વાર્તા વાંચી… ગમી… ના. ના. તમારી ખોપડીમાં કંઈક તો છે જ !.. કબુલવું પડે !!

    હુંય મારા મીત્રોને આનંદની પળોમાં કહેતો હોઉં છું કે જો હાલ જેટલું હલનચલન થાય છે, ખાધેલું પચે છે, કશીયે દવા લેવી પડતી નથી, હું પોતે લેખક–કવી નથી; છતાં લેપટૉપ પર જે કામ થાય છે, તેટલું થઈ શકે તો મારેય બસો વરસ જીવવું છે.. જમાનાને જોવો છે ને તેની રોમાંચક પળો માણવી છે.. જગત જેવું છે તેને માણવા–સમજવાનીયે હજી મઝા આવે છે.. નાનાં બાળકો–કીશોરો સાથે મળવા–ભળવાની, તેમની વીચારશૈલીને નીરખવામાં રસ પડે છે.. મારી કીશોરાવસ્થાની અજાણતાં જ સરખામણી થઈ જાય છે.. કેટલા શરમાળ ને અજાણ–અબુધ હતાં આપણે તે કાળે ? એવા વીચારો આવે..!!

    તામાં વચ્ચે ખગોળ–વીકસતા વીજ્ઞાનની કલ્પના કરી તમે આવનારા જીવનની સંભાવીત કલ્પના કંડારી તે રોચક બની છે..

    ધન્યવાદ..

    લખતા રહેજો.. પણ, ના, ના. તમારી ખોપડીમાં કંઈક તો છે જ !.. કબુલવું પડે !!
    શ્રી ઉત્તમભાઈ ગજ્જર
    સુરત
    Via E-Mail.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: