
વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૧૫
બીજી સવારે ઘરના નોકર ચાકરો ઉત્સાહથી પાર્ટીની તૈયારીમા લાગી ગયા હતા. શ્વેતા શેઠજીની સાથે ઑફિસ જવા નીકળતી હતી ત્યારે અક્ષય આંખો ચોળતો નીચે ઉતર્યો. “પ્લીઝ શ્વેતા આજનો દિવસ ઑફિસ જવાનું માંડીવાળ. આપણે વાતો કરીશું. કાલથી હું પણ તમારી સાથે ઑફિસ આવીશ.”
શ્વેતાએ શેઠજી તરફ જોયું. શેઠજીએ ડોકું હલાવી હકારાત્મક સંમતિ આપી.
“ઓકે.. હું અહિથી જ થોડું કામ કરી લઈશ. આજે ત્રણેક વાગ્યે સ્મિથ એન્ડ સ્મિથને લંડન ફોન કરવાનો છે તે પણ ઘરેથીજ કરી લઈશ. આજે નર્સ પણ આવવાની છે.
બાપુજી, તમે જાતે ડ્રાઈવ કરતા નહિ. લાલાજીને લઈ જજો.
શ્વેતા એના રૂમમા જઈ બ્રિફકેઇસ મુકી આવી.
અક્ષય, તમે ફ્રેશ થઈ આવો. હું તમારે માટે બોર્નવિટા અને ઓછા તેલમાં બનાવેલા બટાકાપૌવા
બનાવી લાવું છું. શ્વેતા કિચનમાં ગઈ.
થોડિવારમાંજ નાસ્તો આવી ગયો.
“શ્વેતા તારી ડીસ ક્યાં છે? તારે નાસ્તો નથી કરવો?”
“ઑફિસે જવાની હતી એટલે બા બાપુજી સાથેજ બ્રેકફાસ્ટ કરી લીધો હતો. તમે લઈ લો. તમને ખબર છેને કે આજથી તમારા ઈન્જેકસનનો કોર્સ શરુ કરવાનો છે! નર્સ અગીયાર વાગ્યે આવશે.”
“તો લે આ ડિસમાંથી પહેલા તને પ્રસાદ ધરાવું.” અક્ષયે બટાકાપૌવાથી ભરેલી ચમચી શ્વેતાના મોં પાસે ધરી. શ્વેતાએ મોં ન ઉઘાડ્યું.
“શ્વેતા, પ્લીઝ, ટેઈક ઈટ. એ મારી ખાધેલી ચમચી નથી. આઈ નો, આઈ હેવ એઇડ. આઈ કેર ફોર યુ. ડોન્ટ વરી. યુ વિલબી સેઇફ વીથ મી.”
શ્વેતાની આંખ અને હયું રડી રહ્યું. એણે મોઢું ઉઘાડ્યું.
લંચ સુધી બન્ને જણા વાતો કરતા રહ્યા. લંચ પછી અક્ષય આરામ કરવા એના રૂમમાં ગયો. શ્વેતા એના રૂમમાં જઈને કોમ્પ્યુટર પર ઑફિસવર્ક કરવા બેઠી. અક્ષયે આરામ કરવાને બદલે કંઈક લખવા માંડ્યું. લખી રહ્યા પછી કાગળ કવરમાં મુકી, કવર ઓશિકા નીચે મુકી નિરાંતે ઊઘી ગયો.
લગભગ ચાર વાગ્યે શ્વેતા બે ગ્લાસમાં તરોપાનું પાણી લઈને અક્ષયના રૂમમાં દાખલ થઈ.
“આવ હની, મારી પાસે બેસ.” અક્ષયે ખસીને બેડ પર જગ્યા કરી. શ્વેતા બેડને બદલે પાસેની ખુરસી ખેચીને એની સામે બેઠી.”
“શ્વેતા, મેં તારું અપમાન કર્યું, તને ખુબજ અન્યાય કર્યો તો પણ તું મારી કેટલી કાળજી કરે છે! શા માટે? ડગલેને પગલે તું જીતતી આવી છે. હું હારતો આવ્યો છું. મને સમજાતું નથી કે આ મારા પ્રત્યેનો પ્રેમ છે, દયા છે કે કોઈ રમત છે?”
“તમને નથી સમજાતું?…મને યે ક્યાં સમજાય છે! કુદરત જેમ દોરવે તેમ દોરવાયા કરું છું. તમે કહ્યું તે બધુંયે હોય. કદાચ એકેય ના હોય. માત્ર સાંસ્કારિક, સામાજીક ફરજ પણ હોઈ શકે. સાથે ચાર ફેરા ફર્યાની ફરજ. બા બાપુજીના પુત્ર તરફની ફરજ.”
“હં.. અઅઅ.” અક્ષયે ઊડો શ્વાસ મુક્યો.
બન્ને વચ્ચે મૌનની પારદર્શક દિવાલ રચાઈ ગઈ.
અચાનક શાંત રૂમમા અક્ષયે મોટો વિસ્ફોટ કર્યો.
“શ્વેતા મારી એક ઈચ્છા પુરી કરશે? ચાર ફેરાની ફરજ”
“પ્રયત્ન કરીશ. શું ઈચ્છા છે?”
“આ સંજોગોમાં તારું સૌંદર્ય ભોગવવાની મારી લાયકાત અને શક્તિ નથી, પણ તારું વણબોટ્યું,… નિર્વસ્ત્ર રૂપદર્શનની ઈચ્છા છે….ચાર ફેરાની ફરજ…”
શ્વેતાએ કોઈ પ્રત્યુત્તર ન વાળ્યો. નિર્લેપભાવે એ બેસી રહી. અક્ષયે વગર બોલ્યે ઊચે સિલીંગ તરફ જોયા કર્યું. શ્વેતા વિચારતી હતી ‘વેશ્યાઓના ચામડા ચૂંથ્યા પછીએ આ અભરખો!’ મેડિકલ એક્ઝામ માટે તો ઘણી વાર વસ્ત્ર ઊતાર્યા હતા.
એ ઉભી થઈ. રૂમનું બારણું બંધ કરી સ્ટોપર મારી. બ્લુ જીન પર પહેરેલી કુર્તી ઉતારી. અક્ષય સ્થિરતાથી જોતો રહ્યો. શ્વેતાએ ભાવ વગર બે હાથ પાછળ કરી બ્રાની ક્લિપ ખોલી. બ્રા ઉતારે તે પહેલા અક્ષયે પોતાની પીઠ ફેરવી લીધી.
બસ શ્વેતા બસ…. થેંક્સ…. કપડા પહેરી લે. હિયર અગેઇન, યુ વન. આઈ લોસ્ટ.
શ્વેતાએ કપડા પહેરી લીધા. બારણું ખોલી નાંખ્યું.
સાજા થાવ. સમય આવ્યે હુંજ તમારી પાસે આવીશ. આઈ ડોન્ટ નો એબાઊટ લવ બટ આઈ કેર ફોર યુ.
“ઓકે..ઓકે..ડોન્ટ બી ટુ સેન્ટિમેન્ટલ… બીજી એક ઈચ્છા છે. આજે પૂજામાં લગ્ન વખતનું લાલ પાનેતર પહેરજે…ચાર ફેરાની ફરજ.”
શ્વેતા ખરેખર હસી પડી. ‘ચાર ફેરાની ફરજનો ઉપયોગ ઈમોશનલ બ્લેકમેઇલીંગ માટે ખરુંને? બીજું કંઈ?
“હા બસ આમજ હસતી રહે”
******* OOOOO *******
આજે જાણે શરદોત્સવ નહિ પણ લગ્નોત્સવ હોય એવો માહોલ હતો. દર વર્ષે તો શરદપૂર્ણિમા માત્ર બે મિત્રોના કુટુંબ અને ઘરના નોકર ચાકરો મળીને ઉજવતા. આજે એ ઉપરાંત યોગેશભાઈનું કુટુંબ, ડૉકટર જમશેદજી, પોલિસ કમિશનર સાહેબ, પ્રધાનશ્રી દેશપાંડે અને બન્ને ઑફિસના કી એમ્પ્લોઈઝ મળીને લગભગ સિત્તેર જણા હાજર હતા.
અક્ષયની લાગણીને માન આપીને શ્વેતા લાલ પાનેતર પહેરીને અક્ષય સાથે લક્ષ્મી પૂજન કરી રહી હતી. અને તેજ વખતે યોગેશ્ભાઈ, ભાભી અને સૌરભ આવી પહોચ્યા. એમનું ભાવભીનું સ્વાગત થયું
ભાભીએ હાથ દબાવી યોગેશભઈને કહ્યું, “તમે કેટલી ચિંતા કરતા હતા. બહેની આ પરિવારમાં કેટલી સુખી છે! મેં ન્હોતું કહ્યુ; આપણી દિકરી કરોડપતીના ઘરમાં રાજ કરશે રાજ્”. યોગેશભાઈની આંખ સજળ થઈ ગઈ. જાણે આજેજ લગ્ન હોય એમ અક્ષયે શ્વેતાને કુમકુમનો ચાંદલો કર્રી સેંથામા સિંધુર પુર્યું. શ્વેતાનું હૈયું ફફડી રહ્યું હતું. આમ કરીને, અક્ષયનો લગ્નજીવનના હક ભોગવવાનો બદઈરાદો તો નહિ હોયને! વળી એક ઈમોશનલ બ્લેકમેઇલીંગનો પ્રયાસ તો ન હોયને!
પૂજા પુરી થઈ. વિમળા મોટી છાબમાં ગુલાબની પાંખડીઓ લઈ આવી. બધાને ખોબો ભરી ભરીને આપી. લક્ષ્મીમાતાને પુષાંજલી અર્પણ કર્યા બાદ સૌએ નવદંપતિ પર પુષ્પપાંદડીનો વસસાદ વરસાવ્યો. વિમળાએ નજર ચૂકવી એક ફુલ વલ્લભ પર ફેક્યું. પણ શ્વેતાએ ચોરી પકડી પાડી. હસતાં હસતાં શ્વેતાએ વિમળા તરફ આંગળી હલાવી. ધીમે રહીને કહ્યું “પકડાઈ ગઈને?” વિમળા શરમાઈને ત્યાંથી નાસી છૂટી.
ઘરના ડોમેસ્ટિક સ્ટાફને ઉત્સવ માણવાની મોકળાશ રહે એ હેતુથી આજે સર્વિંગ માટે વેઈટર્સ અને મૅઇડસને બહારથી બોલાવ્યા હતા. બધા નાના મોટા વર્તુળોમા મન પસંદ સાથીઓ સાથે મન પસંદ વાનગીઓને ન્યાય આપતા હતા.
પહેલો રાઉન્ડ પુરો થતાં ગરબા શરૂ થયા. પ્રધાનશ્રી દેશ્મુખ, કમિશનર સાહેબ અને ડૉકટર જમશેદજી હિંચકે ઝુલતા આડી તેડી વાતો કરતા હતા,
ગરબા પછી રાસ શરૂ થયા. ટેરેસ આનંદથી ધમધમી ઊઠી. પાચ સાત મિનીટ રાસ રમ્યા પછી અક્ષય હિંચકા પર બેસી ગયો. શ્વેતા પણ એની પાસે બેઠી.
“શ્વેતા મને થાક લાગ્યો છે. હું ધીમે રહીને મારા રૂમમા જઈને સુઈ જઈશ. જો નિકુળ એની ભાણેજ પ્રાચી સાથેજ રાસ રમે છે. તારા ભત્રીજા સૌરભને પ્રાચી સાથે રમવું હશે. કેવો કિન્નાયલો નિકુળ સામે જોયા કરે છે! તું નિકુળ સાથે જોડાઈ જા. પ્રાચી છૂટી થશે તો બિચારા સૌરભને ફાયદો થશે. યુ એન્જોય વીથ નિકુળ.”
ચાલો હું તમને નીચે લઈ જાઉં. મારે તમને દવા પણ આપવાની છે. દવા લઈને ઊઘી જજો. સવારે છ વાગ્યે બીજી દવા લેવાની છે. હું તમને ઉઠાડીને આપીશ. કાલે અગિયાર વાગ્યે નર્સ આવશે. આઈ.વી ચઢાવશે.”
શ્વેતાએ અક્ષયને એના રૂમમા દવા આપી અને સુવડાવ્યો. “શ્વેતા, બાથરૂમમા, મેડિસીન કૅબિનેટમા સ્લીપીંગ પિલ્સની બોટલ છે તે અહિ મુકી જા. જો ઉંઘ ન આવે તો એકાદ લઈશ.”
શ્વેતા પિલ્સની બોટલ મુકી ટેરેસ પર ગઈ. પ્રાચીને સૌરભ પાસે મોકલીને એ નિકુળ સાથે જોડાઈ ગઈ. ગમતું યૌવન હિલોળે ચઢ્યું. રાસ, રિધમ અને રૂધિરાભિસણ વેગીલા થતાં ગયા.
લગભગ રાત્રે બે વાગે આમંત્રિતોએ જવા માંડ્યું. ત્યાંતો લાલાજીને શૂર ચડ્યું. એણે ભાંગડાની સીડી મુકી. બસ થઈ રહ્યું. લાલાજીની આજુબાજુ એક મોટું વર્તુળ બની ગયુ. લાલાજી હિરો બની ગયા. રાત્રે ત્રણ વાગ્યે જલસો પુરા થયો. સૌ વિદાય થયા. સુંદરલાલ અને સુવર્ણાબેને, શિવાનંદ અને યોગેશભાઈના કુટુંબને મોડી રાત્રે ઘેર જવા ન દીધા. બધા રોકાઈ ગયા.
કોઈને ઊઘવું ન હતું. શિવાનંદે ટિખળ કરી, “કદાચ લક્ષ્મી માતા મને પૂછે કે જાગો છો કે? હું ઊઘતો રહું અને આ વાણિયાભાઈ લાભ ખાટી જાય. પાર્વતિબા બોલ્યા “આમ પણ એતો સુવર્ણાને મેળવીને ફાવેલાજ છેને! સુવર્ણા, આજે સાચું કહેજે. તેં કોના પર ચિટ્ઠીનો ડૂચો ફેંક્યો હતો?” સુવર્ણાબેન શરમાઈ ગયા.
સુંદરલાલ અને શિવાનંદ કૉલેજના મિત્રો. એ બન્ને કોમર્સ કૉલેજના ત્રીજા વર્ષમાં ભણે. પાસેની આર્ટ્સ કૉલેજમા સાથે રખડવા જાય. સુવર્ણાબેન કૉલેજના પહેલા વર્ષમા. એની નજર શિવાનંદ પર. એણે પ્રેમ પત્ર લખ્યો. નામ જાણતા ન હતા એટલે માત્ર ‘હેન્ડસમ’નુ સંબોધન કર્યું હતું. ડૂચો કરીને શિવાનંદ પર નાંખ્યો; પણ નિશાન ચૂક્યા અને વાગ્યો સુંદરલાલને. શિવાનંદે કહ્યું સારું થયું કે આ લવલેટર સુંદર પર લખ્યો. નાનપણમાંજ મારી સગાઈ તો પાર્વતિ સાથે થઈ ચુકી છે. આ મારો ફ્રેન્ડ વાણીયા છે. ખૂબ માલદાર છે. તું ફાવશે. સુવર્ણા પણ બ્યુટિફુલ હતી. વૈષ્ણવ હતી. સુંદર સાથે, સુંદર મેળ જામી ગયો. રંગેચંગે લગ્ન થઈ ગયા હતા.
આજે પાર્વતિબા પૂછતા હતા ‘પ્રેમ પત્રનો ડૂચો કોના પર ફેંક્યો હતો?’ સુવર્ણાબેન શરમાયા. યોગેશભાઈ, હેમાલી, શ્વેતા અને નિકુળ પાસેજ બેઠા હતા. શ્વેતા વડિલોની આમન્યા સાચવવા ઉભી થઈ “હું બધાને માટે કૉફિ બનાવી લાઉં.” છેવટે સુવર્ણાબેને નરો વા કુંજરો વા જેવો ઉત્તર વાળ્યો. “જેને ધાયલ કરવા હતા તેનેજ માર્યો હતો.” સુંદરલાલે બધાના દેખતાંજ સુવર્ણાબેનને પાસે ખેંચીને ગાલ પર બકી કરી. ” આઈ લવ યુ ડાર્લિંગ.” કૉફિ લઈને આવતી શ્વેતાએ સાસુ સસરાનું પ્રેમાળ દાંપ્ત્ય નિહાળ્યું.
સુવર્ણાબેન વિચારતા હતા જે થયું તે સારુંજ થયું. બન્ને એકજ જ્ઞાતિના હતા. સુંદરલાલ ધનિક વેપારીના પુત્ર હતા. નામ પ્રમાણે ‘સુંદર’ હતા. શોખિન હતા. ‘શેઠ’ અટક પણ સુયોગ્ય હતી. શિવાનંદ વ્યાપારમા સુંદરલાલને કારણેજ હતા. શિવાનંદ તદ્દન સાદા હતા. ખાસ શોખીન પણ નહતા. સુંદરલાલની સાથે થોડી મજાક મશ્કરી કરતા પણ સામાન્ય રીતે ગંભીર રહેતા. કોઈ કોઈ વાર દુર્વાસા સ્વરૂપ પણ ધારણ કરી લેતા. પાર્વતિ માત્ર આઠ ધોરણ સુધીજ ભણ્યા હતા. તદ્દન સાદા અને ગ્રામ્ય પ્રકૃતિના હતા. મલબાર હિલના સાદા બંગલામા માત્ર ત્રણજ નોકરો હતા. બંગલાની પછવાડે એક ગાય અને એક ભેંસનો તબેલો હતો. મોટાભાગનું ઘરકામ તેઓ જાતેજ કરતા. બે કુટુંબની રહેણી કરણી વચ્ચે આસમાન જમીનનુ અંતર હોવા છતાં હાર્દિક આત્મીયતા હતી. ચિટ્ઠી દ્વારા સુંદરલાલ મળ્યા તે માટે હંમેશા ભગવાનનો પાડ માનતા હતા.
બધાએ અર્લી મૉર્નિંગ બ્રેકફાસ્ટ કર્યો. લગભગ છ વાગવા આવ્યા હતા. શ્વેતાએ કહ્યું અક્ષયને જગાડીને દવા આપવાનો ટાઈમ થયો છે. હું જઈને દવા આપી આવું. શ્વેતા ઉપર ગઈ. અક્ષયે બારણું લોક કર્યું હતું. શ્વેતાએ બારણે ટકોરા માર્યા. જવાબ ન મળ્યો. કદાચ સ્લિપીંગ પિલ્સ લઈને સુતા હશે. તેણે વધારે જોરથી બારણું ઠોક્યું. બારણૂં ન ખુલ્યું. એને ખબર હતી કે અક્ષય દવા લેતા કંટાળતો હતો. એટલેજ તો ભાઈ સાહેબ બારણા ન ખોલવાની આડાઈ કરતા હશે. હું પણ કાચી માટીની નથી. નીચેથી સુવર્ણાબેને બુમ પાડી. “શ્વેતા,એને સુવા દે. થોડી મોડી દવા લેશે”
ના બા સવારે છ વાગ્યે, બપોરે બે વાગ્યે અને રાત્રે દસ વાગ્યે દવા આપવાની છે. ખોટી દયા રાખવાનો અર્થ નથી. શ્વેતાએ ફરી બારણું ધમધમાવ્યું. એણે રીતસરનો બરાડો પાડ્યો. ખોટા ઢોંગ કરશો તો બારણું તોડીને પણ દવા તો આપીશજ. મને ખબર છે કે તમે સ્ટ્બર્ન છો. પ્લિઝ બારણું ખોલો. છેલ્લા શબ્દોએ તો એ રડવા જેવી થઈ ગઈ. નીચે બધા સાંભળતા હતા. શિવાનંદે હહ્યું. “તારો છોકરો ઢોંગીજ છે. લૅટ મી ગો.”
શિવાનંદે ઉપર જઈને બારણાને જોરથી લાત મારી.
“અક્ષયબેટા, શ્વેતા ક્યારની દવા લઈને ઉભી છે. દવા લઈને પાછો સૂઈ જજે.”
અક્ષય હંમેશા શિવુકાકાથી ગભરાતો અને માન પણ આપતો. એ જાગ્યો હશેજ એમ માનીને બને તેટલી નરમાશથી તેમણે કહ્યું.
જરા રાહ જોઈ પણ જવાબ ન મળ્યો તે ન જ મળ્યો.
એક બીજી લાત અને બારણા નો નકુચો તૂટ્યો. લાઈટ કરી શ્વેતા રૂમમાં દાખલ થઈ અને મોટેથી ચીસ પાડી. “બા જલદી આવો.” શિવાનંદ જોઈને આભા થઈ ગયા.
]
વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૧૬
“બા નુ કાંઈ કામ નથી. અને તું પણ નીચે જા. હું પણ નીચે આવું છું. જરા ધિરજ રાખતા શીખ.” શિવાનંદે રીતસરની આજ્ઞાજ કરી. શ્વેતાનું બાવડું પકડી ઍલિવેટરમાં ધકેલી દીધી. શ્વેતાએ કંઈક ભયાનક જોયું હતું. શું જોયું હતું તે સમજાય તે પહેલા તો શિવુકાકાએ રૂમમાંથી એને કાઢી મુકી. શિવાનંદે ફરી એક નજર રૂમમાં નાખી. અક્ષયનો નિશ્ચેતન દેહ બેડ પર ઊલટીના ખાબોચિયામા પડ્યો હતો. પાસે જ્હોની વૉકરની ખાલી બૉટલ પડી હતી. દવાની એક ખાલી બૉટલ પણ હતી. આખો રૂમ દુર્ગંધથી ભરેલો હતો. એમણે રૂમ બંધ કરી દીધો. નીચે આવ્યા.
“શિવુ, અક્ષયે દવા લીધી?” સુંદરલાલે પૂછ્યું.
“ના. એને ઊલટી થઈ હતી. હમણાં કોઈ ઉપર જશો નહિ. હું જમશેદજીને ફોન કરું છું.”
શિવાનંદે રૂમમાં ચાલતા ચાલતા ઝ્ભ્ભામાંથી સેલફોન કાઢી ધીમા અવાજે ડૉકટર જમશેદજીને ફોન કરવાને બદલે કમિશનર સાહેબને ફોન કર્યો. “સાહેબ, અક્ષયે આત્મહત્યા કરી હોય એવું લાગે છે. પ્લીઝ જલ્દી આવો. ઘરમાં હજુ કોઈને ખબર નથી. હવે હું જમશેદજીને ફોન કરીશ.” કોઈ પણ પ્રસ્તાવના વગર સીધી વાત કરી. જવાબ મળ્યો. “હું જમશેદજીને લેતો આવીશ. મારા રસ્તામાંજ છે. તમારે ફોન કરવાની જરૂર નથી.” ફોન કટ થયો. શિવાનંદે બીજો ફોન પોતાના દિકરા રાજુને કર્યો.
નિકુળને કહ્યું “જગદીશની સાથે પ્રાચી અને સૌરભને સ્કુલે મોકલી આપ. ફોન કરીને બન્ને ઓફિસની જરૂરી વ્યવસ્થા કરી દે.” સુંદરલાલ અડધી ઉંઘમા હતા. સુવર્ણાબેન વિચારતા હતા કે આજે શિવુભાઈ કેમ મોટા બોસની જેમ વર્તી રહ્યા છે!
શિવાનંદની નજર ગેઇટ પર જ હતી. હિરો હોન્ડા પર કમિશનર અને ડૉકટર બાવા આવી પહોંચ્યા. અત્યાર સુધી સૌ અર્ધજાગૃત હતા. ડૉકટર અને પોલિસ કમિશનર સાહેબને જોતા સૌ સફાળા ઉભા થઈ ગયા.
“લેટ્સ ગો” કહેતા બન્ને અક્ષયની રૂમમાં પહોંચી ગયા. એમની પાછળ શેઠજી, સુવર્ણાબેન, શિવાનંદ, પાર્વતિબેન, યોગેશભાઈ, હેમાલિ અને નિકુળ પણ પહોંચી ગયા. માત્ર શ્વેતા ચિત્તભ્રમ અવસ્થામા સિલીંગ પરના ઝુમ્મરને તાકતી નીચે બેસી રહી.
શિવાનંદે જોયું હતું તેજ હવે બધાએ જોયું. અક્ષય મોં પહોળું કરી સૂતેલો હતો. બેડ પર બન્ને બાજુ ઊલટીની ગંદકી લદપદ થતી હતી. બેડ પરજ સ્લીપીંગ પિલ્સની ખાલી બોટલ, ઢાંકણ વગરની ખુલ્લી પડી હતી. જમણે પડખે જ્હોની વૉકરની ખાલી બોટલ હતી.
“ઓ મારા દિકરા તને શું થયું?” રાડ પાડતા સુવર્ણાબેન અક્ષયની છાતી પર પડ્યા. કમિશનર સાહેબે એને ખેંચીને એક ખુરશી પર બેસાડી દીધા.
જમશેદજીએ છાતી પર સ્ટેથેસ્કોપ મુક્યું. ગરદન પર મુક્યું. નાક પાસે આંગળી ધરી. આંખની પાપણ ઉઘાડી પેન્સિલ ટોર્ચ મારી….કમિશનર સાહેબ તરફ નકારાત્મક માંથું હલાવી, પાસે પડેલી કોરી ચાદર માથાસુધી ઓઢાડી દીધી. સુવર્ણાબેન અને સુંદરલાલનું હૃદય દ્રાવક, કરૂણ કલ્પાંત શરૂ થઈ ગયું.
કમિશનર સાહેબને ઓશિકા નીચે એક કાગળ દેખાયો. એમણે એ ખેંચી લીધો. ઉભા ઉભા વાંચી લીધો. કાગળ ઘડીવાળી ગજવામાં મુક્યો.
તેમણે સુંદરલાલના બન્ને બાવડા પકડી કહ્યું “બી બ્રેવ. ઈશ્વરેચ્છા બલીયસી”
‘બધા નીચે ચાલો. આ રૂમ હાઈજીનીક નથી. હું થોડા એક્ષપર્ટ માણસોને મોકલું છું. તેઓ ઘટતી વ્યવસ્થા કરશે.’
“પણ મારે મારા દિકરા પાસેજ રહેવું છે” સુવર્ણાબેને વિનંતિ કરી.
“નો મેમ, એવરીબડી મસ્ટ ગો ડાઉનસ્ટેર.”
સુંદરલાલને શિવાનંદે સંભાળ્યા હતો. સુવર્ણાબેનનો શ્વાસ ઝડપથી ચાલતો હતો. પગમાં ઉભા રહેવાની શક્તિ ન કતી. પાર્વતિબેના મજબુત હાથોમાં લગભગ ટિંગાઈ રહ્યા હતા. ચારે જણા એલિવેટરમાં દાખલ થયા. એલિવેટરનું ડોર બંઘ થયું. “પ્લીઝ, બારણું ખોલો… મારાથી શ્વાસ નથી લેવાતો….” એલિવેટર અટક્યું. સુવર્ણાબેન ફ્લોર પર ફસકાઈ ગયા. અત્યાર સુધી ચિત્તભ્રમ થયેલી શ્વેતા દાદાજી ગણપત કાકાના ખભા પર માથું નાખીને બેઠી હતી તે સુવર્ણાબેનને જોઈને એમના તરફ દોડી. “બા શું થાય છે?” સુવર્ણાબેન જવાબ આપવાની સ્થિતિમાં ન હતા. શ્વેતાએ ચીસ પાડી, “બાવાજી, બા માઈટ હેવ એટૅક તરત નીચે આવો.” એણે સી.પી.આર શરૂ કર્યો. સુંદરલાલ ફ્લોર પરજ ઢગલો થઈ બેસી ગયા. ભાઈ ભાભી, નિકુળ, ડૉકટરબાવા અને કમિશનર સાહેબ નીચે આવી ગયા. બાવાજીએ સુવર્ણાબેની પલ્સ જોવા માંડી.
બાવાજીએ હાથ પકડી રાખ્યો. શ્વેતા હારી ગઈ…. બાવાજીએ ઠંડો પડતો હાથ છોડી દીધો…
સુવર્ણાબેન દિકરાની પાછળ ચાલી નિકળ્યા.
“ઓહ, માઈ ગોડ…આ ફેમિલીનું શું થવા બેથું છે?” ડોકટર બાવા ગણગણ્યા.
થોડા કલાક પહેલા કલ્લોલતું અને આનંદના હિલોળા લેતું કુટુંબ ન સમજી શકાય એવા શોક સમુદ્રમા ડૂબી રહ્યું હતું. સૌ પોતાના હતા. કોણ કોને આશ્વાસન આપે! ભાઈ ભાભી શ્વેતાને વળગીને બેઠા હતા. શેઠજીને ગણપતકાકા અને પાર્વતિબેન પંખો નાખતા હતા. એક મૃતદેહ, વૈભવી ઓરડાના ગંદી થયેલી પથારીમાં પડ્યો હતો. બીજો દેહ નીચે ફ્લોર પર પડ્યો હતો. દિકરાએ આત્મહત્યાથી જીવન સંકેલ્યું હતું. આઘાતને કારણે માંએ, મૃત દિકરાનો પીછો કર્યો હતો. બધા નોકર ચાકરો ‘હવે શું કરવું’ ની સુચનાની રાહ જોઈને રડી રહ્યા હતા. એક માત્ર કમિશનર સ્વસ્થતાથી ફોન પર વ્યવસ્થા કરવા રોકાયલા હતા. એમણે જમશેદજી, શિવાનંદ અને નિકુળને પાસે બોલાવી કહ્યું, “સામાન્ય રીતે સ્યુસાઈડના કેસમાં ઓટોપ્સી કરવીજ પડે પણ અક્ષયનો એક લેટર અને જે એવિડન્સ મળ્યા છે એનો ઊપયોગ કરીને કોરોનર પાસે બધું ઓકે કરાવી લીધું છે. ડૉ.જમશેદજી સુવર્ણાબેનને માટે કાર્ડિયાક એરેસ્ટનું ડેથ સર્ટિફિકૅટ આપી દેશે. હમણાં સેનેટરી ડિપાર્ટમેન્ટની ટીમ આવશે એ સ્પેશિયલ કેમિકલ્સથી રૂમ સાફ કરી જશે. મેં સિનીયર ઈનસ્પેકટર મિ. મલહોત્રાને અને તેની પત્નીને બોલાવી છે. બન્ને શ્વેતાના મિત્રો છે. ઓફિસિયલ અને પર્સનલ બાબતોમા જરૂરી મદદ કરશે. જો કોઈની ખાસ રાહ જોવાની ન હોયતો આજેજ સાંજ સુધીમા અગ્નિદાહ કરી દેજો. હું કાલે સવારે આવીશ. મારી પાસે અક્ષયનો કાગળ છે. આવતી કાલે લેતો આવીશ. નિકુળ, તું ડોકટરને એમની ક્લિનિક પર લઈ જા અને ડૅથ સર્ટિફિકૅટ લેતો આવ”
મનહર મલ્હોત્રા અને એની પત્ની કાશ્મિરા અડધા કલાકમાં આવી ગયા. બપોરે બાર વાગ્યે ઊધનાથી રાજુ અને તેના ગુરુજી પણ આવી ગયા. મલહોત્રાએ અંતિમક્રિયાની વ્યવસ્થા સંભાળી લીધી. સુંદરલાલની પડખે હવે ગણપતકાકા, શિવાનંદ, અને પાર્વતિબેન હતા. યોગેશભાઈ, હેમાલિભાભી અને બહેનપણી કાશ્મિરા, શ્વેતાને સંભળતા હતા. સ્કુલેથી આવેલા સૌરભ અને પ્રાચીની કાળજી નિકુળ લેતો હતો. મલ્હોત્રા અને રાજુએ અન્ય ભાર ઉપાડી લીધો હતો.
ખાસ સંબંધ ન હતો તોયે બાજુના બંગલામા રહેતી બોલીવુડની અભિનેત્રી નિલીમા શેઠજી અને શ્વેતાને મળવા આવી ગઈ હતી. તેના નોકર સાથે બધાને માટે ચ્હા કૉફિ અને બિસ્કીટ મોકલ્યા હતા.
શ્મશાનભૂમી સુધી પગપાળાજ જવાનો સુંદરલાલનો આગ્રહ હતો, પણ રાજુ અને મલ્હોત્રાને વ્યાવહારિક ન લાગ્યું. એમણે શબવાહિની અને કારમાંજ જવાની વ્યવથા કરી દીધી.
ગુરુજી મરણોક્તર ધાર્મિક વિધિઓમાં માનતા નહતા. એમના વિચારો વૈજ્ઞાનિક હતા, તેઓ સ્વામી સચ્ચિદાનંદજીના મિત્ર હતા. પણ પાર્વતિબેનની ઈચ્છાને માન આપી મૌન રહ્યા. વલ્લભે ષટ્પિંડ વિધિ કરાવ્યો. સાંજે સુર્યાસ્ત પહેલા અનેક સ્નેહીજનોની હાજરીમાં સુંદરલાલને હાથે પત્ની અને પુત્રને અગ્નિદાહ દેવાયો.
ઘેર આવીને શ્વેતાએ સુંદરલાલના ખોળે માથું ઢાળી દીધું. કોઈ પણ અવાજ વગર શ્વેતા અને સુંદરલાલની આંખો અશ્રુ સરિતા વહાવતા હતા. સુંદરલાલ શ્વેતાના માથાપર હાથ ફેરવતા રહ્યા. પાર્વતિબાએ પાસે આવી રડતા રડતા કહ્યું “દિકરી.. લાવ તારો હાથ આપ.” શ્વેતાએ યંત્રવત હાથ લાંબો કર્યો. પાર્વતિબાએ ડૂસકા લેતા શરદપુર્ણિમાના ઉત્સવ વખતે પહેરેલી લાલ ચૂડિયો ઉતારવાની શરૂઆત કરી. સુંદરલાલે એકાએક ત્રાડ નાંખીને શ્વેતાનો હાથ ખેચી લીધો. મારી દિકરીનો હાથ કદીયે અડવો નહિ રહે.
અત્યાર સુધી કઠણ કાળજુ રાખી કાર્યવાહી સંભાળતા શિવાનંદ પોક મુકીને રડી પડ્યા. સૌ કોઈ રડતા રહ્યા. મન મુકીને રડવું જરૂરી પણ હતું. છેવટે સ્વજનોનો રૂદન પ્રવાહ ધીમો પડ્યો. હેમાલિભાભીએ નમસ્કાર કરીને સુંદરલાલની રજા લીધી. “દિકરીના ઘરમા, શોક ના દિવસોમા પિયેરના વડિલોથી નહિ રહેવાય એ આપણા સમાજનો ધારો છે. દિવસક્રિયા થઈ જાય પછી આવીશું અને શ્વેતા દિકરીને અમારી સાથે લઈ જઈશું.”
“ના ભાભી, હવે આ જ મારું ઘર છે. મારા બાપુજીને એકલા મુકીને હું ક્યાંયે નહિ જાઉં. સરિતા અને શ્વેતા વહેવા માંડ્યા પછી કદીયે મૂળ સ્થાને પાછી નહિ ફરે.”
શ્વેતા ઉભી થઈ ભાઈ ભાભીને વળગી. “મારી ચિંતા ન કરશો. ઓન્લી આઈ નીડ યોર બ્લેશિંગ્સ. આઈ લવ યુ.”
ભાઈ-ભાભી સૌને નમસ્કાર કરી રડતે હૈયે દિકરી જેવી બહેનને અજ્ઞાત ભાવીમા છોડી વિદાય થયા. ગુરુજી, નિકુળ અને પ્રાચી શિવાનંદને ત્યાં ગયા. પાર્વતિબા, શિવુકાકા અને રાજુ રોકાઈ ગયા હતા.
બીજી સવારે જ્યારે કમિશનર સાહેબ એમની પત્ની સાથે આવ્યા ત્યારે વલ્લભ ગરૂડપુરાણ વાંચતો હતો. આજનો અધ્યાય પૂરો થતાં, સૌએ સેન્ટ્રલ હોલમાં બેઠક લીધી. કાંતામાસી બધાને પાઈનેપલ જ્યુસ આપી ગયા.
કોઈપણ પ્રસ્તાવના વગર સાહેબે શરૂ કર્યું. ” શેઠજી મારે આપ સૌની ક્ષમા માંગવાની છે કે કેટલાક જરૂરી રોકાણોને કારણે શ્મશાન યાત્રામા અમે હાજર ન રહી શક્યા. આઈ એમ સોરી શેઠજી. સોરી શ્વેતા. આપને ખ્યાલ હશે કે સ્યૂસાઈડ કરતા પહેલા અક્ષયે પત્ર લખ્યો હતો. થોડા વેરીફિકેશન માટે અને અમારા રૅકર્ડ માટે જરૂરી હોવાથી મારી સાથે લઈ ગયો હતો.
કોઈપણ ઘરમાં જ્યારે અક્સ્માત કે આત્મહત્યાનો બનાવ બને ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટની પહેલી શંકા કુટુંબની વ્યક્તિ અને ઘરના નોકર ચાકર પરજ થાય. મારી શંકા આપણી શ્વેતા પર હતી”
કમિશનર સાહેબ જરા અટક્યા. સૌના જીવ તાળવે ચોંટી ગયા. શ્વેતા ધ્રુજી ઉઠી. શ્વેતા પાર્વતિબા પાસે બેઠી હતી. બીજી બાજુ કમિશનર સાહેબના પત્ની આવીને બેસી ગયા.
સાહેબે ફરી શરૂ કર્યું. “અક્ષયના મનમેળ વગરનું લગ્ન જીવન, એનું કેથી અને અન્ય સ્ત્રીઓ સાથેનું વ્યભિચારી જીવન, રોગિષ્ટ શરીર, અક્ષયને બાદ કરતાં કાયદેસરની કરોડોની વારસદાર શ્વેતાજ હતી. મોટિવ શ્વેતા તરફ આંગળી ચીંધતો હતો. મારા ધ્યાનમાં હતું કે શ્વેતા અક્ષયને એની રૂમમાં મુંકવા ગઈ હતી. મુકીને આવ્યા પછી ખુબ આનંદથી નિકુળ સાથે રાસ રમી હતી.”
શ્વેતાને હળવા સ્મિત સાથે પૂછ્યું “કેપ્ટન મારી જગ્યાએ તું હોય તો શું માને?”
કેપ્ટન સંબોધનની સાથેજ ગૃહિણી મટીને શ્વેતા જાણે યુનિફૉર્મમાં હોય તેમ ટટાર થઈ ગઈ.
“સર આપે ડિસ્ટન્ટ પાસ્ટ અને છેલ્લા બનાવો જોયા, પણ વચ્ચેનો અડતાળીસ કલાકનો અમારો અંગત સમય ચૂકી ગયા. કેથી અક્ષયના જીવનમાંથી નીકળી જતાં એમનામાં આવેલા પરિવર્તનની જરાયે નોંધ લીધી નથી. આપે મારો આગલો પર્સનલ રેકોર્ડ તપાસ્યો હોત તો આપને ખાત્રી થઈ હોત કે મેં મારા જીવન પ્રત્યેના નિર્ણયો, સંવેદનશિલતાથી નથી લીધા પણ ફરજને પ્રાધાન્ય આપીને લીધા છે. સવારે બારણું ખોલવાની કોશિશ કરી ત્યારે બારણું અંદરથી લોક કરેલું હતું. બહાર નીકળી ગયા પછી અંદરર્થી કેવી રીતે આગળો મારી શકું? મેં જો બળજબરીથી પિલ્સ આપી હોય તો અક્ષય મારા ગયા પછી લોક કરવાને શક્તિમાન ન રહે. એણે પિલ્સ લીધા પહેલાજ અંદરથી ડોર લોક કર્યું હોવું જોઈએ. પિલ્સની બોટલ મેં બૅડ પાસે મુકી હતી એટલે એના પર મારા ફિંગરપ્રીન્ટ્સ હોય પણ બૉટલની કેપ પર અક્ષયનાજ ફિંગરપ્રીન્ટ્સ હોવા જોઈએ. લીકર બોટલ પર પણ એનાજ ફિંગરપ્રીન્ટ્સ હશે. શું આપને અંદરમા આગળા, અને બૉટલો પરની ફિંગરપ્રીન્ટ્સ તપાસવાનો વિચાર ન આવ્યો?
“શાબાશ દિકરી શાબાશ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ.” કમિશનર સાહેબે ઉભા થઈ ને શ્વેતાના કપાળ પર દીર્ઘ આશિષ ચુંબન આપ્યુ.
“સેનેટરી ટીમ સાથે સાદા ડ્રેસમાં મેં બે ડિટેકટિવને પણ મોકલ્યા હતા. તેં માત્ર બે મિનીટમાં જે કહ્યું તે બે ડિટેકટિવોએ છ કલાકની મહેનતે સિદ્ધ કર્યું છે. કેપ્ટન! યુ આર ક્લિન. તારા દિલ દિમાગમાં ગરમ લોહી વહેતું થાય એ માટેજ મેં વાત આ રીતે રજુ કરી હતી. ઈટ ઈઝ નોટ ઈઝી, બટ યુ મસ્ટ ઓવરકમ ફ્રોમ ગ્રીફ.”
“શેઠજી આપે જે ગુમાવ્યું છે તેનો આઘાત તો લાંબા સમય સુધી રહેશે. સમય સમયનું કામ કરશે. જે ગયું છે તે પાછું મળવાનું નથી. તમારી પાસે આ અમુલ્ય રત્ન છે. એને સાચવશો. જીવન સફળ થઈ જશે.”
સૌ અવાચક બની શ્વેતા અને એને વળગીને ઉભેલા કમિશનર સાહેબને જોઈ રહ્યા. એમણે અળગા થઈ એક ફાઈલ શ્વેતાના હાથમાં મુકી. “આમાં પોલીસ રિપોર્ટ, કોરોનર રિપોર્ટ અને ખાસતો અક્ષયના છેલ્લા પત્રની થોડી નકલો છે. સાચવી રાખશો. કદાચ ભવિષ્યમાં ઉપયોગી નિવડે. મૂળ નકલ અમારા પોલીસ રેકૉર્ડ માટે રાખી છે.”
કમિશનર અને એના પત્નીએ સૌને વિદાય વંદન કર્યા. શ્વેતાએ અને રાજુએ એમના ચરણસ્પર્શ કર્યા. શ્વેતા તદ્દન સ્વસ્થ હતી. સૌ કોઈ અક્ષયનો પત્ર વાંચવા અધિરા થઈ ગયા હતા. મહેમાનના ગયા પછી શ્વેતાએ ફાઈલમાંથી પત્રની નકલ બધાને આપી. સૌ વાંચવા લાગી ગયા.
Like this:
Like Loading...
Related
કમિશનર અને એના પત્નીએ સૌને વિદાય વંદન કર્યા. શ્વેતાએ અને રાજુએ એમના ચરણસ્પર્શ કર્યા. શ્વેતા તદ્દન સ્વસ્થ હતી. સૌ કોઈ અક્ષયનો પત્ર વાંચવા અધિરા થઈ ગયા હતા. મહેમાનના ગયા પછી શ્વેતાએ ફાઈલમાંથી પત્રની નકલ બધાને આપી. સૌ વાંચવા લાગી ગયા…….A Portion of the Book “Sweta”…..Nice….Varta MUST go on !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Inviting ALL to Chandrapukar !
LikeLike