રિવર્સલ ૧૨
……..જેન્તીમામો મંદીરનો અગ્રગણ્ય સતસંગી છે. મોટો દાનેશ્વરી છે. લીકર ડેલી ધંધામાં ખૂબ કમાય છે. બ્યુટિફુલ કામીની બહેનનો વ્હાલો છે.
કામીની બહેનના લાલચોળ ચહેરા પર ક્રોધની આગના જ્વાળા ભડકા લેતી હતી. કંચનલાલને વર્બલ ડાયેરિયા થયો હતો. અને અન્ય સૌ માયાના પિયરની કોઈ હોરર ફિલ્મ જોતા હોય એમ મોં પહોળા કરી જોઈ રહ્યા હતા…..
હવે આગળ વાંચો
‘આર યુ સ્ટીલ ડ્રન્ક? દીકરીના ઘરમાં બેસીને લવારા કરતા શરમ નથી આવતી? મારા પર આટલો બધો અવિશ્વાસ?’
‘અરે માયાની માં, તારા પર તો ઘણો વિશ્વાસ હતો. માયાના મામા પર નથી. હવે મને તારા પરનો વિશ્વાસ પણ ઘટતો જાય છે. તને વિઠ્ઠલજી અને રોઝીના રોમાન્સમાં રસ છે અને તને ખબર નથી કે તારી સત્સંગી સહેલીઓને કામીની-જેન્તીની સીરીયલમાં રસ છે.’
માયાએ બન્ને કાનો પર હાથ ડાબી દીધા. મોં પરનો મૅકઅપ આંસુના રેલાથી ધોવાતો હતો. વિનોદને શું કહેવું તે સમજાતું ન હતું. એ સાસુ-સસરા, બાપા અને મંગળામાસીની પરવા કર્યા વગર માયાને આશ્વાસન આપવા વળગીને બેઠો હતો. માયાને માટે પપ્પા મમ્મીના સંસારનું આ સ્વરૂપ કલ્પના બહારનું હતું.
જોકે માયાને એટલી તો ખબર હતી કે પોતાના પિયરમાં મમ્મીનું વર્ચસ્વ વધારે હતું. પપ્પા છેક ગમાર નહતા પણ જોઈએ તેટલું વાક્ચાતુર્ય ન હતું એટલે હંમેશા લઘુતાગ્રંથીથી જીવતા હતા. આજે અચાનક જ ભારેલા અગ્નિ પરની રાખ ઊડી જતાં ભડકો થઈ ઊઠ્યો. એકાએક પપ્પા મમ્મીની શિક્ષાપત્રી એમાં ભસ્મીભૂત થઈ ગઈ.
વિઠ્ઠલબાપાનું મન કળવું અઘરું હતું. ખૂબ સ્વસ્થતાથી ઊભા થયા.
‘મંગળાદેવી, અમારા વેવાઈ વેવાણની ફાઈટ મને ફિક્સ મેચ જેવી લાગે છે. તમારે રેફરી થવું હોય તો અહીં બેસીને એમની ગેઈમ જૂઓ. મને એમાં રસ નથી. છોકરાંઓ રોઝીના પૂલમાં આનંદ માણે છે. હું પણ ત્યાં જાઉં છું. તમે પણ મારી સાથે પૂલમાં ચાલો. હું તમને સ્વિમીંગ શીખવીશ. મજા આવશે. સ્વિમીંગ ઈઝ ધ બેસ્ટ એક્સરસાઈઝ.’
જૂઓ વિઠ્ઠલભાઈ આપણે નથી નાદાન કે નથી જુવાન. તમારે હવે તમારી ઉમ્મર પ્રમાણે બોલતા વર્તતા શીખવું જોઈએ. ઘડીકમાં એમ્પી, ઘડીકમાં મંગળી, ઘડીકમાં મંગળાબેન અને હવે મંગળાદેવી. આ બધા ટચાકવેડા મને પસંદ નથી. ગઈ કાલે મને ધક્કો મારીને પાણીમાં પાડી હતી. મને પાણીની બીક છે. અને કપડા વગર પાણીમાં પડવું અને જાહેરમાં સ્ત્રીઓ એ સ્નાન કરવું એ મારા સંસ્કાર અને શિક્ષાપત્રીના આદેશ બહારની વાત છે. કૃપા કરી હવેથી મારી સાથે આવી વાત કરી ચિડવશો નહીં. હું તમને મારા પોતાના સમજીને અહીં આવી છું. તમને ન ગમતું હોય તો હું ચાલી જઈશ.
પટેલબાપાએ કોઈ પણ સંકોચ વગર મંગલામાસીના મોં પર એનો હાથ ડાબી દીધો.
ઓ મારી મોટીબેન! ઓ માય ફ્રેન્ડ! તમને પારકા માનું કે માનું પોતાના? પોતાના ગણું છું. તમારી હાજરીમાં મને આપણું નાનપણ યાદ આવે છે. પોતાના સ્નેહીઓ સાથે દંભી વર્તન રાખવાની આદત નથી. તમારે કશે જવાનું નથી. અહીં જ રહેવાનું છે. મારી હાજરી ન ગમતી હોય તો પાડોસના બેઝ્મેન્ટમાં એક સરસ રૂમ ખાલી જ છે. હું ત્યાં ચાલ્યો જઈશ.
તમારે જે કરવું હોય તે કરો પણ મારાથી દુર રહો. મને સ્પર્શ કરીને પાપમાં ન નાંખો. ગઈ કાલે પણ બધાની હાજરીમાં તમે તમારી પાડોસણ પટાકડીની કમ્મરમાં હાથ નાંખીને ફરતા હતા અને અડી અડીને નાચતા હતા. બધી જ મહિલાઓનું ધ્યાન તમારા પર હતું. બધી, ગુસપુસ કરીને જાત જાતની ટીકા કરતી. તમારા કરેલા બિચારી માયાએ ભોગવ્યા. એક આધેડ બાઈએ તો માયાને સીધું જ પૂછ્યું’તું. ‘આ ધોળીયણ તારી સાસુ છે કે બાપાની રખાત છે?’ તમે ખોટા રસ્તે આગળ વધો છો એવું મારું માનવું છે. મેં તો તમારા દાદા દાદીને ઓટલા પરના હિંચકે અડી અડીને ઝૂલતા જોયા છે. એ બાપ દાદાનો વારસો વિનોદમાં અને એના દીકરામાં પણ ઉતર્યો છે. વિનોદ તું જરા માયાથી છેટો બસ. વડીલોની આમન્યા તું નહીં રાખે તો તારો દીકરો પણ તારી રાખશે નહીં. મંગળાબહેનને વિઠ્ઠલીયાને સુધારવા આવવાનો મૂળ ઉદ્દેશ યાદ આવ્યો.
ચાલો મારી ભૂલ થઈ ગઈ. માફ કરો. હવે તમે ડૂબતા હોય તો પણ તમને બચાવવા નહીં આવું. બસ…જય સ્વામિનારાયણ. બોલો વાંકોવળીને પગના અંગુઠા પકડું કે અવળા હાથે કાન પકડી ઊઠબેસ કરું?
વાતની દિશા બદલાઈ હતી અને કંચન-કામીનીનો યુધ્ધ વિરામ આપો આપ થઈ
ગયો.
ચાલો મંગલેશ્વરી, પૂલમાં પલળવા પધારો. અત્યારે ગરમી પણ છે. પાણીમાં મજા માણીયે
અરે, મારા ભગવાન કૂતરાની પૂંછડી ક્યારે સીધી થશે? મારે નથી આવવું. અડધો દિવસ પુરો થયો ને મારે તો નાહીને પૂજા માળા પણ બાકી છે. માયા, ઘરમાં ભગવાન બેસાડ્યા છે કે નહીં?
હા માસી, છેને. અમારા બાએ સરસ મંદિર બનાવ્યું હતું. હવે હું પણ બાની જેમ રોજ સવારે પૂજા પાઠ કરું છું હોં. છેલ્લે તો આપણો ધરમ જ આપણી સાથે આવશે. ખરું ને માસી?
આ બે દિવસમાં મેં માત્ર તારામાં જ હિન્દુ સંસ્કૃતિના સંસ્કાર જોયા છે. બાપાની શિક્ષાપત્રી સદાચાર અને સુખીજીવન માટેનો ઉત્તમ માર્ગ છે. ધિરજ રાખજે ધીમે ધીમે બધા જ તારે માર્ગે ચાલશે. અહીં આવ્યા પછી મારી પેટી ખોલવાનો તો ટાઈમ જ નથી રહ્યો. ‘માયા,મને આજનો દિવસ તારી એકાદ જૂની સાડી ન્હાવા માટે કાઢી આપ.’
ન્હાવા માટે સાડી? તમે સાડી પહેરીને ન્હાશો? ઈટ્સ વેરી વિયર્ડ. આ પણ શિક્ષાપત્રીમાં છે? વિનોદથી ટિકાત્મક પ્રશ્ન પૂછ્યા વગર રહેવાયું નહીં. પૂછવા કહેવાનો ભાવ કટાક્ષમય હતો.
મંગળામાસીએ તદ્દન સાહજિકતાથી જવાબ વાળ્યો. હા વિનોદ, એ પણ શિક્ષાપત્રીનાં મહિલા માટેના ૧૭૩ આદેશમાં સ્પષ્ટ છે જ.
સ્ત્રીઓએ નિર્વસ્ત્ર થઈને સ્નાન ન કરવું.
આ સિવાય સ્ત્રીઓ માટે બીજા કયા નિયમો જાણવા જેવા છે જરા જણાવોને? માયાની ક્યાંક ભૂલથાપ થતી હોય તો સુધારવામાં મદદરૂપ થઈ શકું. વિનોદે ગંભિર ચહેરે ટીખળી સવાલ પૂછ્યો.
મંગળામાસીને આખી શિક્ષાપત્રી કંઠસ્થ હતી.
વિનોદ, દીકરા તારો ટચાકીયો પ્રશ્ન મને સમજાય છે. જ્યારે બસો વર્ષ પહેલા શિક્ષાપત્રીનો આદેશ અપાયો ત્યારે ગ્રામ્ય પ્રજાનું જીવન જુદું હતું. સ્ત્રીઓ નદીમાં, તળાવમાં કે ઘરના વાડામાં કુવાની પાળપર સ્નાન કરતી હતી. આજુબાજુના પુરુષોની કામુક નજરના ભોગ ન બનવું પડે તે માટે વસ્ત્ર સાથે સ્નાન કરવુ એ જ સ્ત્રીઓ માટે હિતાવહ હતું.
તમે તો શહેરમાં જન્મ્યા છો, મોટા થયા છો. મોટા આલીશાન બાથરૂમમાં નગ્નતાનો ઉત્સવ માણી શકો છો પણ દેશમાં હજુ પણ ગામડાઓમાં ન્હાવાની સગવડની વાત તો બાજુ પર રહી. મળમૂત્રની દેહશુધ્ધી માટે પણ વ્યવસ્થા નથી. હું એવા ગામડાઓમાં જાઉં છું અને એવી બહેનોને દાખલા રૂપે મેં પણ એજ રીતની જીવનશૈલી અપનાવી છે. હા, હું કપડા પહેરીને જ સ્નાન કરું છું. બસ માનો તો મર્યાદાની ટેવ પડી છે.
પણ માસી, ભવ્ય મહાલયો જેવા મંદિરોને બદલે સંડાસ બાથરૂમો બંધાતા હોય તો?
માસીની આંખમાંથી જાણે લાવા નીકળવાની તૈયારીમાં હતો. એણે આંખો બંધ કરી. જ્વાળામુખી ફાટતો રહી ગયો.
‘વિનોદ, આ તો બની બેઠેલા સુધારાવાદીઓનું રોતલ ગાણું છે. ઠેર ઠેર ઊભા થતા મોલ અને મલ્ટિપ્લેક્ષ બાંધનારને કેમ નથી કહેતા કે સંડાસ બાંધો. કરોડો કમાતા ખાનો, કપુરો, બચ્ચનો અને અંબાણીના આવાસો નથી દેખાતા અને મંદિરો જ દેખાય છે?
વિનોદને ખ્યાલ ન હતો કે મંગળામાસી આટલી કડક વાત કરશે.
માસીને બોલવાની તક મળી હતી. એણે ચાલુ રાખ્યું…
તું સ્ત્રી માટેની બીજી વાત જાણવા મંગતો હતો ખરુંને. ગઈ કાલે મને મારી બેગ ખોલવાનો સમય જ ન મળ્યો અને મારે શરમ જનક જાંઘ દેખાય એવા કપડા પહેરવા પડ્યા. શિક્ષાપત્રીના ૧૬૧ના આદેશમાં બાપાએ સ્પષ્ટ કહ્યું છે કે “એવા વસ્ત્રો ન પહેરો કે જેનાથી પોતાની છાતી, નાભિ અને સાથળ અન્યને દેખાય.
સ્ત્રીઓએ પોતાના શરીરને યોગ્ય ઉત્તરીય અને અધોવસ્ત્રથી વ્યવસ્થિત રીતે ઢાંકેલું રાખવું જોઈએ. પારદર્શક વસ્ત્રો ન પહેરવા જોઈએ એ પણ ૩૮ સૂક્તમાં જણાવ્યું જ છે. સ્ત્રીઓએ એવા વસ્ત્રો ન પહેરવા જોઈએ કે જેનાથી અંગ-પ્રત્યંગનુ પ્રદર્શન થાય અને પરપુરુષની કામ વાસના ભડકાવે.
બળાત્કારોને માટે વસ્ત્રાભૂષણ પણ મહત્વનો ભાગ ભજવે છે. નગ્ન અર્ધનગ્ન નટીઓને જોઈને ભડકેલો કામાગ્નિ સંતોષવા પુરુષ ગમે તે સ્ત્રી સાથે દુર્વ્યવહાર કરવા પ્રેરાય છે. ભલે સ્ત્રી સ્વાતંત્ર્યની મોટી ફિલોસોફીની વાતો થતી હોય પણ સ્ત્રી એ સ્ત્રી છે. શરીર રચના અલગ છે. પુરુષની બે મિનિટની વાસના સ્ત્રીને જીવનભરની યાતના આપી જાય છે. શારીરિક રીતે નબળી સ્ત્રીઓએ તો ખાસ સ્વરક્ષણાર્થે પણ મર્યાદાઓ સ્વીકારવી જ જોઈએ. કામીની અને માયા સુંદર છે જ. સાદા વસ્ત્રોમાં પણ શોભે છે. ભલે સુંદર દેખાવ. આજે તો સેક્સી દેખાવાની સ્પર્ધા ચાલી રહી છે.
કંચનલાલનો બળાપો હજુ શાંત પડ્યો ન હતો. એણે પણ મને કમને શિક્ષાપત્રીનો અભ્યાસ કર્યો હતો. એણે તક ઝડપી.
મંગળાબેન જરા તમારી નાની સહેલી સત્સંગી કામીનીને ૧૫૯ અને ૧૬૦મી શિક્ષા પણ યાદ કરાવોને! બિચારી ભૂલી ગઈ છે.
‘હવે તમે ચૂપ મરશો? દીકરીના ઘરમાં બેસીને મંગળાદીદી સામે તમારા શાસ્ત્રજ્ઞાનનો દેખાડો કરવાની જરૂર નથી.’ કામીનીબેને મોટા ડોળા કાઢી કંચનલાલ ને તતડાવ્યા.
પણ કંચનલાલને શૂર ચઢ્યું હતું. ના મંગળાબહેન જરા સાદી ભાષામાં સ્ત્રીધર્મ સમજાવોને.
જો કામીની મેં તો લગ્ન નથી કર્યા પણ પરિણીત સ્ત્રીએ પતિવ્રતા થઈને પ્રેમપુર્વક પોતાનો સંસાર સાચવવો જોઈએ. શિક્ષાપત્રીમા લખ્યું છે “પતિવ્રતા સ્ત્રી પોતાના પતિને તેના બધા જ ગુણ-દોષો સહિત સ્વીકારે છે. તે નથી પતિની ફરિયાદ કરતી કે નથી તેની ટીકા-કુથલી કરતી. તે અનન્યપણે પોતાના પતિને વફાદાર રહે છે. તે પોતાના પતિને કટૂ વચન કહેતી નથી કે દુર્વ્યવહાર કરતી નથી. પરપુરુષ ગમે તેટલો સુંદર, યુવાન, ઘનવાન, બળવાન કે ગુણવાન કેમ ન હોય, પરંતુ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિ સિવાય અન્ય કોઈ પણ પ્રત્યે આકર્ષાતી નથી કે પોતાનું મન જવા દેતી નથી.
દીદી એમનું મગજ ઈર્ષ્યાની ગંદગીથી ખરડાયલું છે. એ હંમેશા વિઠ્ઠલજીની પણ દરેક વાતે અદેખાઈ કરતા ફરે છે. જેન્તીભાઈએ જ એમને ટ્રસ્ટી સમિતીમાં ગોઠવ્યા છે. અમારા પવિત્ર સંબંધને પણ હંમેશા જુદુ જ સ્વરૂપ આપતા રહે છે. હી ઈઝ નેરોમાઈન્ડેડ જેલસ પરસન. એ મારા ભાઈ જેવા જ છે.
હા, હા, હા. શિક્ષાપત્રીનો સગવડિયો ધર્મ સારો ચાચવો છો. જેન્તીભાઈ ભાઈ જેવા છે. ભાઈ નથી. અને ભાઈ હોય તો પણ એ સત્સંગી જેન્તીભાઈએ આપત્તિ કાળ સિવાય એકાંતમાં પરસ્ત્રી, નજીકની સ્ત્રી માતા કે બહેન હોય તો પણ એની સાથે સમય ન ગાળવો જોઈએ. કેમ મંગળાબેન ૧૩૬મી શિક્ષાપત્રીમાં આવું જ કહ્યું છે ને?
મંગળાબેન અમારા વિચારો અને વર્તનમાં ઘણો ફેર છે. ધેર ઈઝ ઓન્લી વન લાઈફ ટુ લીવ. આઈ વોન્ટ ટુ એન્જોય લાઈક વિઠ્ઠલજી. આઈ એડમાયર વિઠ્ઠલજી. યુ આર રાઈટ. આઈ એમ જેલસ. માયા, તને ખબર નથી કે તારી મમ્મી મારી સાથે અપમાન જનક વાત કરે અને તારા જેન્તીમામા સાથે મીઠ્ઠી મીઠ્ઠી વાતો કરે. હવે મારાથી તારી સાર્જન્ટ મા સાથે જીવાય એમ નથી. અમે ડિવૉર્સ લઈએ એજ બન્ને માટે યોગ્ય છે. માયા, યુ આર એડલ્ટ. તું સમજી શકે છે. એક વાતમાં અમે સહમત છીએ કે વી બોથ લવ યુ. કંચનલાલનું આખું શરીર ધ્રૂજતું હતું.
ભલે. આપણે ડિવૉર્સ લઈશું. હવે તમારા મગજની ગંદકી દીકરીના ઘરમાં ઓકવાનું બંધ કરો.
માયાએ મોટી ચીસ નાંખી, માસીઈઈઈઈઈઈ… મારી બર્થડે પાર્ટી અપશુકનિયાળ નીવડી. મારા ઘરમાં મોનાલીસા ભરાઈ, બાપા ખુલ્લમ ખુલ્લા રોઝી ભેગા નાચવા માંડ્યા અને મારા પપ્પા મમ્મી ભેગા રહેવાને બદલે છૂટાછેડા લેવા તૈયાર થયા. દીકરો વંઠી ચાલ્યો. મારા ઘરના સંસ્કારનો પરિવર્તન પાર્ટી જેવો ફિયાસ્કો થયો. મારા સાસુ જિવતા હોત તો બાપા રોઝીના પડખામાં ન ભરાત. બાપાને પગલે પપ્પાને ચાલવાનુ મન ના થાત. બાપાનું રિવર્સલ થઈ ગયું. મારા પપ્પા મમ્મીના લગ્ન જીવનનું રિવર્સલ થઈ ગયું. માસી તમે કંઈક નિવેડો લાવો ઓઓઓઓ.
માયા વિનોદના હાથ છોડાવી મંગળામાસી ના ખભા પર ઢળી પડી. માયા અચેતન થઈ ગઈ.
બધા બુમ પાડી ઉઠ્યા “માયાદીકરી શું થયું?”
********
પટેલ બાપા અને રોઝી, કામીની અને કંચનલાલ, મંગળામાસી,માયા અને વિનોદની વધુ વાતો આવતા મહિને રિવર્સલ ૧૩માં
Like this:
Like Loading...
Related
બાપાના રિવર્સલ ની રસીલી વાતો એ તો રંગ જમાવી દીધો છે ને કઈ !
એક જ ઘરમાં ત્રણ પેઢી ભેગી થઇ ગઈ દરેકના વિચારોની આ તકરાર .
પાત્રોના મોઢે તમે તમારા વિચારો પણ વચ્ચે જણાવ્યા છે। જેમ કે ..
હું એવા ગામડાઓમાં જાઉં છું અને એવી બહેનોને દાખલા રૂપે મેં પણ એજ રીતની જીવનશૈલી અપનાવી છે. હા, હું કપડા પહેરીને જ સ્નાન કરું છું. …..
પણ માસી, ભવ્ય મહાલયો જેવા મંદિરોને બદલે સંડાસ બાથરૂમો બંધાતા હોય તો?
જૂની પેઢીનું રિવર્સલ કરાવવાના તમારા પ્રયત્નો અને રમુજી સંવાદ વાંચવાની મજા આવે છે .
આખું પુસ્તક બની જશે એમ લાગે છે .
પ્રવીણભાઈ હવે તમારી તબિયત બરાબર થઇ ગઈ હશે .હસતા રહો … હસાવતા રહો …..
LikeLike