રિવર્સલ ૧૩

રિવર્સલ ૧૩
માયાએ મોટી ચીસ નાંખી, માસીઈઈઈઈઈઈ… મારી બર્થડે પાર્ટી અપશુકનિયાળ નીવડી. મારા ઘરમાં મોનાલીસા ભરાઈ, બાપા ખુલ્લમ ખુલ્લા રોઝી ભેગા નાચવા માંડ્યા અને મારા પપ્પા મમ્મી ભેગા રહેવાને બદલે છૂટાછેડા લેવા તૈયાર થયા. દીકરો વંઠી ચાલ્યો. મારા ઘરના સંસ્કારનો પરિવર્તન પાર્ટી જેવો ફિયાસ્કો થયો. મારા સાસુ જિવતા હોત તો બાપા રોઝીના પડખામાં ન ભરાત. બાપાને પગલે પપ્પાને ચાલવાનુ મન ના થાત. બાપાનું રિવર્સલ થઈ ગયું. મારા પપ્પા મમ્મીના લગ્ન જીવનનું રિવર્સલ થઈ ગયું. માસી તમે કંઈક નિવેડો લાવોઓઓઓઓ.
માયા વિનોદના હાથ છોડાવી મંગળામાસી ના ખભા પર ઢળી પડી. માયા અચેતન થઈ ગઈ.
બધા બુમ પાડી ઉઠ્યા “માયાદીકરી શું થયું?”

ગયા માસથી ચાલુ…હવે આગળ વાંચો…

માયા અચેતન થઈ ગઈ. માયાની મમ્મી પાણી લેવા દોડી. વિનોદ ૯૧૧ (અમેરિકાનો ઈમર્જન્સી ફોન નંબર) કરવા દોડ્યો. પટેલબાપાએ રોઝીને ફોન કરીને સ્વિમિંગપૂલમાંથી ટોનીને મોકલવા કહ્યું.

ટોની કે ૯૧૧ હેલ્પ આવે તે પહેલા તો રોઝી પણ દોડતી આવી પહોંચી. એણે વાઈટલ સાઈન તપાસી જોઈ. કહ્યું ‘સી વિલબી ઓલરાઈટ વિધીન ફ્યુ મિનીટસ. સી ઈઝ ઓલ રાઈટ. ગીવ હર ફ્રેસ એર.’ અને તે જ મિનીટે ૯૧૧ પેરામેડિક ટીમ આવી પહોંચી. હવા મળતાં જ માયાએ આંખ ખોલી. પેરામેડિક ટીમે માયાને તપાસી. સ્વામીનારાયણ બાપાની કૃપાથી માયા બેઠી થઈ ગઈ. રોઝી પેરામેડિક ટીમ લિડર સાથે વાત કરતી હતી. તે કહેતી હતી . ‘માયા મે હેવબીન ફેઈન્ટેડ બિકોઝ ઓફ્વ એંકઝાઈટી, ફીયર, પેઈન, ઈન્ટેન્સ ઈમોશનલ સ્ટ્રેસ ઓર લો બ્લડ સુગર. એઝ આઈ નો હર સી ઈઝ વેરી હેપ્પી લેડી’.

પેરામેડિકે પણ બધું બરાબર છે જાણી વિદાય લીધી.
રોઝીતો પૂલમાં ધિંગા મસ્તી કરતાં છોકરાં છોકરી પર ડેક પર બેઠા બેઠા ધ્યાન રાખતી હતી. આજે વનપીસ બીકીનીમાં હતી. પટેલનો ફોન જતાં જ છોકરાઓને પૂલમાંથી નીકળવાનો ઓર્ડર કરીને સીધી માયા પાસે દોડી હતી. એણે સીપીઆરની ટ્રેનિંગ અને ઈમર્જન્સી કેરનો કોર્ષ કર્યો હતો.

આજે કંચનલાલને ખૂબજ નજીકથી રોઝીને જોવાની તક મળી. કમળની પાંખડી જેવી માંખણીયા મુલાયમ આછી ગુલાબી ત્વચા. અને ફાટ ફાટ થતો સર્વાંગી પરિપક્વ ઉભાર. ઉમ્મર તો રામ જાણે પણ માદકતા તો ત્રીસીની. સંતો તો ન જૂએ એમાં જ એમના સંયમની શોભા.

વેવાઈ વિઠ્ઠલજી ક્યાં સંત હતા. અને કંચનલાલને તો પરાણે શિક્ષાપત્રીના શિષ્ય બનાવાયા હતા. રોઝીને જોતાં કંચનલાલના રૂધિરાભીષ્ણની ઉષ્મામાં થોડો વધારો થયો તો થયો પણ તરત આત્મજ્ઞાન પણ પ્રગટ્યું.

વિઠ્ઠલજી તો ઊજળા હતા. પ્લેટિનમ પર્સનાલિટી. પોતે કટાયલા તામ્રવર્ણી. વિઠ્ઠલજી હવે તો સીંગલ કહેવાય. પોતે અત્યારે તો ડબલ જ ને? બાપા, સ્વભાવના મનમૌજી અને થોડા નફ્ફટ પણ ખરા. વળી ગર્ભશ્રીમંત.

ના, રોઝી જેવી રૂપાળીને પામવાના અભરખામાં કોઈ ગોરકી તો હાથમાં ન આવે અને રૂપવંતી કામીની પણ હાથમાંથી જાય. આ ઉમ્મરે કોઈને કહેવાય પણ નહિ અને શેહવાય પણ નહીં.

આ બધું વિચારવા છતાં પણ કંચનલાલની નજર તો રોઝી પરથી હટતી ન્હોતી. મંગળામાસી કંચનલાલને જોતા હતા. રોઝી મંગળામાસીને જોતી હતી. જાગૃત માયા બધાને બાઘાની જેમ બધાને જોતી હતી.

બાપાની સિક્થ સેન્સ સતેજ થઈ. એમણે પાસે પડેલો મોટો ટૉવૅલ રોઝીના ખભા પર નાંખ્યો. ‘ડિયર યુ મસ્ટ બી કૉલ્ડ.’
‘થેન્ક્સ પટેલ, આઈ’લ લીવ નાવ કહેતાં રોઝીએ વિદાય લીધી.

“બેટી માયા, તને હવે કેમ છે? આર યુ ઓલરાઈટ? જો તું એમ ઈચ્છતી હોય કે અમારે ડિવૉર્સ લઈને છૂટા ન થવું તો, હું જીંદગીભર તારી મમ્મીની ગુલામી કરીશ. એના મ્હેણાં ટોંણા સહન કરીને મારું જીવન જીવતો રહીશ. દીકરી તારે માટે હું બધું જ કરીશ. આઈ લવ યુ.”

કંચનલાલે જિંદગીમાં ક્યારે યે નાટકમાં કામ કર્યું ન હતું પણ આપોઆપ ટીએનટીના તખ્તા પર એક દ્રવિત બાપનું પાત્ર ભજવતા હોય એમ એણે મગજમાં આવ્યા તેવા ડાયલોગ ફટકારવા માંડ્યા.

“હની, કમીની કામીની, મારી માયાની મા, તું મારો પાછો સ્વીકાર કર. મારી વ્હાલી દીકરી માયાને માટે…તારી વન એન્ડ ઓન્લી ડોટર, માયાને માટે.”

“આ શું ગાંડપણ માંડ્યું છે. છેલ્લા બે દિવસથી લવારે ચડ્યા છો. દીકરીના ઘરમાં જમાઈ, વેવાઈ અને મંગલાદીદીની આગળ સરખી વાત કરોને? “

“ડિવૉર્સની વાત પડતી મૂકીને સીધા આપણે ઘેર ચાલો. હું યે દીકરી ખાતર જ જિંદગીભર સહન કરતી આવી છું. થોડું વધારે સહન કરી લઈશ. હવે બાકી કેટલા રહ્યા છે? તમારે જે ખાવું હોય તે ખાજો, જે પીવું હોય તે પીજો, જ્યાં ફરવું હોય ત્યાં ફરજો અને જ્યાં ચરવું હોય ત્યાં ચરજો. હવે મેટ્રેસ નીચે ચોપાનીયા સંતાડવાની જરૂર નથી. જે વાંચવું હોય તે વાંચજો. તમારે જે રીતે જીવવુ હોય તેમ જીવજો. બસ…દીકરીને ખાતર ….”

“ચાલો, અત્યારે ઘેર જઈએ. આજે તમારે જે સેવા કરાવવી હોય તે બધી જ સેવા શિક્ષાપત્રી પડતી મૂકીને કરીશ, પણ હવે મોં બંધ રાખતા શીખો. આપણી દીકરીને દુઃખ થાય તેવું નથી કરવું.”

કામિની બહેને ઉઠીને ચાલવા માંડ્યું. એની પાછળ કંચનલાલ પણ દોડ્યા. ટેણકાએ બુમ પાડી.

“નાના-નાની, હજુ તો મેની મોર યર્સ ટુ ગો. ઈફ કન્સીલીયેશન ડઝ નોટ વર્કઆઉટ આઈ વીલ હેલ્પ યુ ટુ ફાઈન્ડ રાઈટ પાર્ટનર ઓફ યોર ચોઇસ.”

ટેણકાએ પાછી હોલવાઈ ગયેલી જામગ્રી સળગાવવાનો પ્રયાસ કર્યો. પટેલબાપાએ એનો કાન પકડી રૂમની બહાર કાઢ્યો.

“ગ્રાન્ડપા, મારો કાન છોડો, જેમ તમને ટ્રુથ હર્ટ કરે, તેમ મને કાનમાં હર્ટ થાય છે. ડુ યુ નો કે આ ચાઈલ્ડ એબ્યુઝ કહેવાય?”

મંગળામાસી તો આ બધું જોઈને એકદમ આભા જ થઈ ગયા. આ અમેરિકા?

“વીપી, મને સમજાતું નથી. અહીં આપણાં બધા ગુજરાતી ઘરોમાં આવું જ ચાલે છે?”
“આવું એટલે કેવું?”
“તમારે ત્યાં ચાલે તેવું”
“મારે ત્યાં? મારે ત્યાં તો સરસ ચાલે છે. જૂઓ ભગવાનની દયાથી સારું ઘર છે. અમે ત્રણ પેઢી એક ઘરમાં આનંદથી રહીયે છીયે. દીકરાને સારો પ્રોફેશનલ બિઝનેશ છે. ઘરમાં ગુણવંતી વહુ છે. દીકરાનો દીકરો સારા ગ્રેડ લાવીને ભણે છે. દીકરા સાથે તો રહું જ છું પણ મારે મારા ટોની સાથે પણ જીવવું પડે તો એની જ સ્ટાઈલમાં જીવી શકું એવી માનસિક તૈયારી કરતો જાઉં છું. અમે બધા જ ફ્લેક્ષીબલ છીએ. હા, માયા થોડી જૂનવાણી વિચારની છે. એ પણ નવા કૌટુંબિક જીવનની વાસ્તવિકતા સમજતી થઈ જશે.”

“શું કહ્યું વીપી તમે? નવા જીવનની વાસ્તવિકતા? એટલે કયું નવું જીવન? કોનું નવું જીવન?”

“અરે મંગળાદેવી મને વીપીને બદલે વિઠ્ઠલ કહેવાનું!”

“બાપા, વાત બદલો નહીં. માસીએ પૂછ્યું તેનો જવાબ આપો.”

“આપણે રોજે રોજ બદલાતા જીવનનો અનુભવ નથી કરતા? બધા ને માટે જ નવો દિવસ એટલે નવુંજીવન. જ્યાં સૂધી આ ખોળીયામાં જીવ છે ત્યાં સૂધી દરેક શ્વાસે નવજીવન. નવી જીંદગી કે જીવનમાં આવતી નવી વ્યક્તિને અપનાવતી રહે. બસ માયા દીકરી, દરેક નવી ક્ષણને, નવા વિચારને, વધાવતી રહે. આનંદથી સ્વીકારતી રહે.”

“અરે હાંભળો છોઓઓઓ….? તમારા બાપાએ શું કહ્યું!”

“હાંભળો છો, હાંભળો છો, આખ્ખો દિવસ હાંભળો છો. હવે તો ડાર્લિંગ માત્ર તને જ સાંભળું છું. હા હું કોઈનું સાંભળતો નથી. તને સાંભળું છું પણ તને હું સમજી શકતો નથી. શું કહ્યું બાપાએ?”

“બાપાએ કહ્યું. દરેક નવીને વધાવતી રહે.”

“બાપાએ એવું ક્યાં કહ્યું? એવું કહ્યું જ નથી.” વિનોદ બાપાના રેપ્યુટેશનને સાચવવા હંમેશ પ્રયાસ કરતો.

“અરે બાપા જ બધાને શીખવે છે કે લાઈન બીટવીન વાંચતા શીખો.”

“તેં શું લાઈન બીટવીન વાંચ્યું?”

“કે’તાતા. દરેક નવીને વધાવતા શીખો. એનો અર્થ એ કે મારે મારી નવી સાસુને બા કહીને બારણે પોંખવા જવાનું. વધાવવા જવાનું.”

“કદાચ તને મારી નવી બા મારી જૂની બા કરતા વધારે ગમે પણ ખરી! અત્યારે મૂવી ભેંસના મોટા ડોળાની જેમ બાના ગીત ગાય છે પણ બા જીવતી હતી ત્યારે તે તને જૂનવાળી લાગતી હતી.”

વિનોદે તક જોઈને ટોંણો માર્યો; અને બેઝ્મેન્ટ ઓફિસમાં ચાલ્યો ગયો. માયા એના રૂમમાં ચાલી ગઈ. એની આંખ ભીની હતી.

હવે કિચનમાં માત્ર બે જણા જ હતા. વિઠ્ઠલ પટેલ અને મંગળા પટેલ.

“વિઠ્ઠલભાઈ, મને તો કામિનીના સંસારની ચિંતા થાય છે શું થશે?”

“કદાચ કશું જ નહીં થાય. એની મેળે જ ઠેકાણે પડી પણ જશે. કદાચ છૂટા પડી પણ જાય. અમારા કંચનલાલને ફ્રીડમની ભૂખ જાગૃત થઈ છે. અહીં અમેરિકામાં પચાસ પછી જાત જાતની ફેન્ટસીનો રોગ લાગુ પડે છે. સુખી ગણાતા ત્રીસ ચાળીસ વર્ષના લગ્ન જીવન પછી કોઈ પણ ક્લેશ વગર સહેલાઈથી ડિવૉર્સ સ્વીકારી લે છે. નજર સામે જ દાખલો છે. વીસ વર્ષના લગ્નજીવન પછી રોઝી એના પતિથી છૂટી પડી. એના હસબંડે ડિવૉર્સ પછી બીજા લગ્ન કર્યા. ન ફાવ્યું. માત્ર ચાર મહિનામાં જ પાછા છૂટાછેડા. તેનો યે કોઈ અફસોસ નહીં.

થોડા સમય પછી રોઝી સાથે આવન જાવન રહી. રોઝીની સાથેની એની મૈત્રી હાઈસ્કુલના સમયની. ડિવોર્સ પછી પણ લાગણીશીલ મૈત્રી સાચવે છે.

રોઝી સાથેની મારી ફ્રેન્ડશીપને એ માનપૂર્વક સ્વીકારે છે. મારા અને રોઝીના વિચારોમાં ઘણી સામ્યતા છે. અમને સાથે સમય ગાળવો ગમે છે. આ તો તમે આજ સૂધી ન અનુભવેલી સાંસારિક વાસ્તવિકતાની વાત કરું છું.

કંચનલાલને પણ એવું રસિક જીવન માણવાની ઈચ્છા છે. તેના જ આ બધા ઉધામા છે. કંચનલાલ અને કામીનીબહેનમાં કશી જ સામ્યતા નથી. એઓ માત્ર બે જ વાતમાં સંમત છે. બન્ને માયાને ખૂબ જ પ્રેમ કરે છે. અને બન્નેને મારી રોઝી સાથેની દોસ્તી ખટકે છે. “

“વીપી, શું કામિની એનું લગ્ન તોડશે? આ ઉમ્મરે? લગ્નના આટલા વર્ષો પછી? મારા માનવામાં નથી આવતું!”
“હા મંગળાબેન આ અમેરિકા છે. બધી જ શક્યતાઓ છે. અત્યારના સ્ટેટિસ્ટિક પ્રમાણે ૫ થી ૧૨% પચાસ વર્ષની ઉમ્મરે પહોયા પછી ડિવૉર્સ લે છે. પચ્ચીસ, ત્રીસ કે ચાલીસ વર્ષ પહેલા લગ્ન થયા હોય તે વ્યક્તિ વર્ષો જતાં એની એ જ નથી રહેતી. લગ્ન સમયની સામ્યતા લગ્ન બાદ ધીમે ધીમે બદલાતી જાય.વાણી, વિચાર અને વર્તન બદલાઈ જાય. બસ બાકીના વર્ષો અણગમાના સંતાપ હેઠળ જિવવાને બદલે તેઓ છૂટા પડી જાય અને મનગમતા પાત્ર સાથે રહેવા માંડે કે લગ્ન કરી લે. અને હવે તમારા એક વખતના પાડોસી કંચનલાલ અને કામીની બહેન અમેરિકામાં છે. બધી જ શક્યતાઓ છે.”

“વીપીઈઈઈ.”

“આપણે નક્કી કર્યું હતું એ હવે વીપી, એમ્પી ભૂલી જવાનું. હવે પ્રેમથી વિઠ્ઠલીયો કહેવા માંડો.”

“શરમાવ! આ ઉમ્મરે આવા શબ્દો બોલાતા હશે? હું તો તમને એમ પૂછતી હતી કે ખરેખર તમે પણ રોઝી સાથે લગ્ન કરવાના છો. છાતી પર હાથ મૂકીને જવાબ આપજો.”

“મંગળાદેવી કોની છાતી પર હાથ મૂકીને જવાબ આપું? મારી કે તમારી?”

“વિઠ્ઠલીયા હવે તું તેરનો નથી….તોત્તેરનો છે. પંચોતેરની સત્સંગી છોકરીની છેડતી કરવા માંગે છે? વધારે લવારે ચડ્યો તો સાચે જ અંગુઠા પકડાવીશ.” મંગળામાસીએ ગુસ્સે થવાને બદલે છણકો કરતાં હોય એવી મીઠાસથી કહ્યું.

માયા બારણા પાસે એક હાથથી મોં બંધ રાખી ફાટી આંખે ડોસા, ડોસીની ગોસ્ટી જોતી હતી.

[હવે…હવે…હવે..વાચકમિત્રો આવતે મહિને પટેલબાપાની વધુ વાતો.
“કલ ક્યા હોગા કીસને જાના.”]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: