વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૧૯

Image

વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૧૯

ત્રણ દિવસ ખુબ પ્રવૃત્તિશીલ રહ્યા. સવારે હોટેલમાં કોન્ટિનેન્ટલ બ્રેકફાસ્ટ લઈને શ્વેતા અને નિકુળ મિ.સ્મિથની ઓફિસ પર પહોંચી જતા. સાંજે એક્ષચેઇન્જ બંધ થતુ ત્યાર પછી નિકુળ જુદી જુદી ઈન્ડિયન રેસ્ટોરાન્ટમાં ડિનર માટે લઈ જતો. તે અહિ ચાર વર્ષ રહ્યો હતો. ભોમિયો હતો. ટેક્ષીને બદલે અંડર ગ્રાઉન્ડમા શ્વેતાને દોડાવતો હતો. શનીવારે એક્ષચેઇન્જ બંધ રહેતું. એણે શ્વેતાને સાઈટ સીઈંગ કરાવવાનો પ્રોગ્રામ ઘડ્યો હતો. જાણે એજ શ્વેતાનો બોસ હતો એમ વર્તતો હતો.

આજે રવીવાર હતો.
“હેન્ડસમ, આજે ક્યાં ભટકવાનું છે?”
“આજે આપણે સ્વામિનારાયણ મંદિરે જઈશું ફાવશેને?”
“મારી એક કોલેજ ફ્રેન્ડ અહિ વેમ્બલીમાં રહે છે. આપણે આજે એને ત્યાં જઈશું. મેં ગઈકાલે રાત્રે ફોન કર્યો હતો. એ આપણને લેવા આવશે. જઈશુંને?”

‘મારે થોડી નોટ્સ તૈયાર કરવી છે. યુ કેન હેવ ફન વીથ યોર ફ્રેન્ડ એન્ડ હર ફેમિલી. સાંજે આઠ વાગ્યા પહેલા હોટેલ પર આવી રહેજે.

“આજે તું મારો હસબન્ડ હોય એમ બોસિંગ કરે છેને? ખરેખર હસબન્ડ બનશે ત્યારે બહાર જવાની રજા આપશે કે કેમ તેનીયે મને શંકા છે.” શ્વેતાએ તક જોઈને તીર માર્યું.

“વો દિન કહાં કે મિયાં કે પાંવમે જુતિયાં” નિકુળ શ્વેતાની સામે જોયા વગર બોલ્યો અને સીધો પોતાના બાથરૂમમાં ચાલ્યો ગયો.

રિસેપશન ડેસ્ક પરથી ફોન આવ્યો. મિસીસ પટેલ ઇઝ વેઈટિંગ ફોર મિસીસ શ્વેતા શેઠ ઇન ધ લોબી.

શ્વેતા ઝડપથી તૈયાર થઈ ગઈ. ફ્રેન્ડને ગિફટ આપવા માટે સરસ સાડી અને એક ડ્રેસ પેક કરી દીધો. ઊર્મિ પટેલ સાથે કારમાં એને ઘેર પહોંચી. પુરણપોળી અને પાત્રાનું લંચ લીધું. એના હસબન્ડ દેખાયા નહિ.

“એઈ ઊર્મિ, જીજાજીને ક્યાં સંતાડી રાખ્યા છે? સનડે પણ જોબ પર ગયા કે શું?

“એમને કાર એકસિડન્ટ થયો હતો. હોસ્પિટલમાં છે. હવે સારું છે. બે ત્રણ દિવસમાં ઘરે આવી જશે.”
“ઓહ, આઈ એમ સોરી. મેં ખોટા સમયે આવીને તને તકલીફમાં મુકી.”
“તું આવી તે મને ઘણુજ ગમ્યું. તારી જોઈતી આગતા સ્વાગતા ન કરી શકી તેનો વસવસો છે.”
“પ્લીઝ ડોન્ટ્ સે ધેટ. હું હમણાં તો અહિં જ રહેવાની છું. આપણે પાછા મળીશું. આજે મારે બ્રોકર સાથે બે વાગ્યે મિટીંગ છે એટલે મારે નિકળવું પડશે. મને અંડરગ્રાઉન્ડ પર ઉતારી શકશે?”
“મારે હોસ્પિટલ જવાનું જ છે. હું તને તારી હોટેલ પર ડ્રોપ કરી જઈશ.”

શ્વેતાએ મોડી સાજ સુધી રોકાવાનો પ્રોગ્રામ સમય સાચવીને ટૂંકાવી દીધો. મનમાં વિચાર્યું, સાંજે નિકુળ સાથે મંદિર જઈને પાવન થઈશું.

નિકુળને સરપ્રાઈઝ આપવા હળવેથી ઈલેકટ્રોનિક કી કાર્ડથી બારણું ખોલી રૂમમાં દાખલ થઈ. ઈન્ટરકનેક્ટિંગ ડોર બંધ હતું પણ લોક ન હતું. ધીમે પગલે બારણું ખોલી નિકુળની રૂમમાં દાખલ થઈ.

અંદરનું દૃશ્ય જોતાં જ ચીસ પાડી ઉઠી. “ઓહ માય ગોડ… ઓહ માય ગોડ…. આઈ ડોન્ટ બીલીવ ધીસ…. યુ નિકુળ.. યુ…”

નિકુળ એક ઇંગ્લીસ યુવાનના આલિંગનમાં હતો. બન્ને શર્ટ વગરના હતા. શ્વેતાની ચીસથી ગભરાયલો નિકુળ,

એ યુવાનથી છૂટો પડ્યો. એણે પેલા યુવાનને કહ્યું “પ્લીઝ ગો.” પેલો ગોરીયો સો પાઉન્ડ લઈને હસતા હરતા ચાલતો થયો. જતાં જતાં શ્વેતાને કહ્યું, “લેડી, આઈ વીલ ચાર્જ યુ ઓન્લી હાફ વીથ્ સેટિસફેકસન ગેરન્ટી.

શ્વેતાએ ત્રાડ નાખી “ગૅટાઉટ”

એ સોફા પર ઢગલો થઈને બેસી ગઈ. નિકુળ બેડ પર ઉબડો પડી ધ્રુજતો હતો. ડુસકા ભરી રડતો હતો. શ્વેતાને સમજાતું ન હતું કે નિકુળ પર ગુસ્સો કરવો કે દયા ખાવી. રડવા દેવો કે સાંત્વન આપવું. આખરે એ હતો કોણ? નતો પતિ કે નતો પ્રેમી. પોતેજ કોઈ આધાર વગર સ્વપ્નબીજ વાવ્યા હતા. બાપુજીએ એને પોષણ આપ્યું હતું. નિકુળના અંગત જીવન પર મારો શો અધિકાર! આખરે એ માત્ર ધંધાકીય મદ્દદનીશ હતો. મારે ને એને શું?…મારે ને એને શું…મારે ને એને શું… ખરેખરતો હું જ મર્યાદા ચુકી હતી. એના અંગત સમયે મારે બુમાબુમ કરવાને બદલે શાંતિથી બહાર નિકળી જવું જોઈતું હતું. મેં શા માટે એની પ્રાઈવસીને ઉઘાડી પાડી. શા માટે એના આનંદમા મેં વિઘ્ન નાંખ્યું? મારે અને એને શું….મારે ને એને શું….

શ્વેતા સોફા પર બેસી રહી. નિકુળ રડતો રહ્યો.

પલ્લુ બીજી તરફ નમવા લાગ્યું. શું નિકુળ એનો કોઈજ ન્હોતો? પહેલી નજરેજ એ આંખોમા વસી ગયો હતો. એને એના હૃદયમાં નહિ તો એના મગજના એક ખુણામા સ્થાન આપી દીઘુ હતું. ખરાબે ચડેલી જિંદગીની કેટલીક વ્યથાઓ વગર પુછ્યે કહી હતી. કયા સંબધે મુશ્કેલીના સમયે એ રાત દિવસ પડખે ઉભો રહ્યો હતો? શું એ માત્ર સહકર્મચારી જ હતો? હવે પરદેશમાં એક બીજા વગર બીજું કોણ હતુ?

વ્યાવહારિક શાણપણે સુચન કર્યું, ‘શ્વેતા બી સ્પોર્ટ્’.

તે ઉભી થઈ. ફ્રિઝમાંથી પાણીનો ગ્લાસ ભર્યો. બેડ પાસે આવીને ઊંધા સુતેલા નિકુળને માથે હાથ ફેરવ્યો. “હેન્ડસમ લે પાણી પી. પછી જરા ફ્રેસ થઈ જા. આપણે સ્વામિનારાયણ જવાનું છેને? પ્લીઝ ગેટ અપ.”
“પ્લીઝ ડોન્ટ કોલ મી હેન્ડસમ. આઈ એમ ધ અગ્લીએસ્ટ પરસન ફ્રોમ ઈન એન્ડ આઉટ સાઈટ.

“શ્વેતા આઈ એમ વેરી સોરી. આઈ એપોલોઝાઈસ. પ્લીઝ ફરગીવ મી. ધીસ વોસ ધ ફર્સટ ટાઈમ ઇન માય લાઈફ. એક્ચ્યુલી યુ સેવ્ડ મી ફ્રોમ સીન.” નિકુળ ચત્તો થયા વગરજ ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા બોલતો હતો.

“ઇટ્સ ઓકે માય ફ્રેન્ડ. તને તારી રીતે જીવનનો આનંદ માણવાનો અધિકાર છે.”

નિકુળ પડખું ફેરવી બેઠો થયો. શ્વેતાના હાથમાથી ગ્લાસ લઈ પાણી પીધું. “ઈટ્સ નોટ ઓકે. મારી પાસે બેસ. મારે વાત કરવી છે.”

શ્વેતા એના બેડ પર નિઃસંકોચ પલાંઠી વાળી બેસી ગઈ. નિકુળનો હાથ એના હથમાં લઈ લીધો. “બોલ શું કહેવું છે.”

નિકુળે એની સામે આંખ મેળવ્યા વગર નીચી નજરે શરુ કર્યું.

“હું અને મારી બહેન નિરાલી ટ્વિન્સ. સૌને આન્ંદ હતો. એક ભાઈ અને એક બહેન. બન્ને રૂપાળા જોડિયા. અમે મોટા થવા લાગ્યા. મને ન સમજાય એવી કંઈક મુઝવણ લાગતી. નાનો હતો ત્યારે મને નિરાલીના કપડા પહેરવા ગમતા. ઢિંગલીથી રમવાનું ગમતું. પણ બધા છોકરી કહીને ચિઢવતા. હાઈસ્કુલમાં આવ્યો. મેં અનુભવ્યું કે મારા ગુપ્તાંગોનો પુરો વિકાશ થયો નથી. છાનામાના જાહેરાતો જોઈને બજારુ દવાઓ લીધી પણ કોઈ ફાયદો દેખાયો નહિ. શરીર પુરુષનું. તન અને મન નારીત્વ અનુભવતું હતું. પુરુષ તરિકે જન્મ્યો એ એક કમનસીબ અને કુદરતની ક્રુર મશ્કરી હતી એક બાયોલોજીકલ એકસિડન્ટ હતો. ન તો પુરુષ તરીકે જીવી શકતો હતો ન તો સ્ત્રીત્વ માણી શકતો હતો.”

“નિરાલી ડૉકટર હતી. મેં એને વાત કરી. એણે સાંત્વન આપ્યું. જીજાજીને કહીને રસ્તો કાઢીશું. ધીરજ રાખવા સમજાવ્યો. જીજાજી સાથે વાત થાય તે પહેલા મારી બહેને મને પ્રાચી સોંફીને આ દુનિયામાંથી વિદાય લીધી. ક્ષોભને કારણે જીજાજીને વાત ન કરી શક્યો. આજે કંઇક એક્ષપીરીમેન્ટ કરવાની કુબુદ્ધિ સુઝી. તેં મને અકુદરતી કર્મમાંથી બચાવી લીધો. આજે શર્ટ વગરના શરીર પર તું જે જોય છે તે પૌરુષ સભર ચેસ્ટ મસલ્સ નથી. એ અંડર ડેવલોપડ બ્રેસ્ટ છે.” નિકુળે શર્ટ પહેરી દીઘું

“નિકુળ! ખાત્રી રાખજે કે આજના બનાવની આપણા સંબંધ પર કોઈ અસર નહિ થાય. યુ વીલ બી માય ફ્રેન્ડ ફોર એવર.” શ્વેતાએ પ્રેમથી નિકુળના વાંસા પર હાથ ફેરવ્યો.

“પહેલા તું જરા શાવર લઈ લે. ઊર્મિએ તારે માટે ડૉગી બેગ આપી છે. મને ખાત્રી છે કે તેં સવારથી કશું ખાધું નહિ હોય. શાવર લઈને તું ખાઈ લે. એટલી વારમાં લેટ મી થિંક સમથીંગ.”

નિકુળનો ક્ષોભ ઓછો થવાને બદલે ઊલટો વધ્યો હતો. એણે શ્વેતાને કહ્યું “પ્લીઝ ગો ટુ યોર રૂમ. બાથ લઈને હું તારા રૂમમાં આવું છું”

શ્વેતા એના રૂમમાં ગઈ.

નિકુળ બાથ લઈ ને શ્વેતાના રૂમમાં આવ્યો ત્યારે તેને માટે ટેબલ પર પુરણપોળી, પાત્રા, પુલાવ કઢી અને બે શાકની ડિસ તૈયાર હતી. એજ ટેબલ પર શ્વેતા એના લેપટોપ પર કામ કરી રહી હતી. એ રાજુભાઈને ઈ-મેઇલ કરતી હતી.

શ્રી.રાજુભાઈ,
વી આર હેવીંગ ફન ઇન લંડન. ખુબ નવું જાણવાનું મળે છે. નિકુળતો લંડનનો ખૂણેખૂણો જાણે છે. ફેરવી ફેરવીને થકવી નાંખે છે. અહીં મને એક મારો કોલેજ ફ્રેન્ડ મળ્યો. ખુબજ હેન્ડસમ કોલેજમાં બધી છોકરીઓ એના પર મરતી હતી….. ખાનગીમાં કહું તો,….. હું પણ એમાની જ એક… એની વે. એની સાથે ઘણી વાતો થઈ. મેં સામાન્ય રીતે પુછ્યું કે લગ્ન ક્યારે કરવાનો છે? તે રડી પડ્યો. એણે હૈયું ખોલીને વાત કરી કે કુદરતે મને પુરુષના શરીરમાં સ્ત્રી રાખ્યો છે. કોઈને કહી શકતો નથી. સહી શકતો નથી.
નિકુળે સુચવ્યું જીજાજીની સલાહ લઈએ. ભલે એ ઓન્કોલોજીસ્ટ છે પણ એને મેડિકલના દરેક ફિલ્ડમાં સારા કનેક્શન છે. મારા મિત્રને શું સલાહ કે માર્ગદર્શન આપી શકાય? તમારા સુચનની રાહ જોઈશ.
આપને મારા અને નિકુળના સાદર વંદન. પ્રાચીને વ્હાલ.

નિકુળે એનું લેઇટ લંચ અને શ્વેતાએ એની ઈ-મેઇલ પુરી કરી.

નિકુળે હાથ નુછતા કહ્યું ” નાવ, આઈ એમ ઓકે. લેટ્સ ગો ટુ મંદિર.”

“નો નોટ ટુ ડે. આઈ એમ વેઈટિંગ ફોર માય ઈ-મેઇલ.”

શ્વેતા દર પંદર મિનિટે ઈ-મેઇલ ચેક કરતી રહી. ત્રણ કલાક પછી રાજુભાઈનો ઈ-મેઇલ આવ્યો. એણે નિકુળને બુમ પાડી “એઈ બડી જો તારા જીજાજીની મેઇલ છે. લેટ્સ રીડ ટુ ગેધર.”
બન્ને સાથે વાંચવા માડ્યા.

ડિયર નિકુ અને શ્વેતુ,
પહેલા શ્વેતાને એક વાત સમજાવી દઉં. બહેન મેં તારા કરતાં થોડી વધુ દિવાળી જોઈ છે. નિકુની વાત તેં તારા મિત્રને નામે કરી મને જગૃત કર્યો કર્યો છે. થેન્ક્સ.
નિકુ, મારે તારી માફી માંગવાની છે. નિરાલીએ મને તારી વાત કરી હતી. અમે નક્કી કર્યું હતું કે બેબી આવી જાય પછી આપણે બધાએ અમેરિકા જવુ અને જરૂરી ટ્રિટમેન્ટ કરાવવી. પણ કુદરતને એ મંજુર ન્હોતું. નિરાલી પ્રાચીને મુકીને ચાલી ગઈ. વિષાદમાં તારી વાત વિસરાઈ ગઈ. તેં પણ મૌન સેવ્યું. હું માત્ર તારીજ નહીં પણ નિરાલી પ્રત્યેની પણ ફરજ ચુક્યો છુ. નિકુ, મને માફ કરજે.
હવે અગત્યની વાત…..

અમેરિકામાં મારો એક મિત્ર છે. ડૉકટર અડવાણી. ઉમ્મરમાં મારા કરતાં નાનો છે. અમે ડોર્મમા બાજુ બાજુની રૂમમાં જ રહેતા હતા. અમે ઈન્ડિયા ક્લબ ચલાવતા હતા. પાકો દોસ્તાર. જાણે નાનો ભાઈ. એણે પ્લાસ્ટિક સર્જરીનું કર્યુ. ત્યાર પછી SRS મા સ્પેશિયાલિસ્ટ થયો. મૂળ અમદાવાદનો બાપ વગરનો છોકરો માં સાથે અમેરિકામાં સેટલ થયો છે.

શ્વેતાની મેઇલ પછી તરત જ એનો કોન્ટેક્ટ કર્યો. એની સાથે વાતો થઈ ગઈ છે. એની ન્યુયોર્કમાં પાર્ક અવેન્યુ પર કન્સલ્ટિંગ ઓફિસ છે. એનો ફોન નંબર 212-ADAVANI છે.

તમારો લંડનનો પ્રોગ્રામ કેનસલ કરી પહેલી ફ્લાઈટમાં ન્યુયોર્ક પહોંચી જાવ. જે ફ્લાઈટમા જવાના હોય તેની જાણ આદિત્ય અડવાણીને 212-ADAVANI નંબર પણ જાણ કરજો. એ તમારા ફોનની રાહ જોશે. અમેરિકા પહોંચ્યા પછી મને ફોન કરજો. ઓલ ધ બેસ્ટ.
લવ યુ.
રાજુ.

“બડી! આર યુ રેડી ફોર યુ.એસ.એ?” શ્વેતાએ કંઈક સિધ્ધ કર્યું હોય એવા ઉત્સાહથી પુછ્યું.
નિકુળે ચહેરાના સંકેતથી હકારાત્મક ઉત્તર આપ્યો. એની આંખમા ઝળઝળિયા હતા. નિકુળના જીવન પરિવર્તનના મહત્વ નિર્ણયો શ્વેતા અધિકાર પુર્વક લઈ રહી હતી. નિકુળ, હા ના કર્યા વગર શ્વેતાના નિર્ણયોમા ઘસડાતો હતો.

ફ્લાઈટ બુક થઈ ગઈ. શ્વેતાએ યુ.એસ.એ. ફોન જોડ્યો. પહેલી રિંગેજ ફોન ઉપાડાયો.

“હાય, આઈ એમ શ્વેતા શેઠ ફ્રોમ લંડન. મે આઈ સ્પીક ટુ ડૉકટર અડવાની પ્લીઝ્?”

“નમસ્તે શ્વેતાજી, હું આદિત્ય અડવાણી. તમારા ફોનની જ રાહ જોતો હતો.”

શ્વેતાએ જરા ભોંઠભ અનુભવી. મુંબઈમા સામાન્ય વાતચીતમા ચાર ભાષાનાનું વ્યાવહારિક મિશ્રણ કુદરતી રીતેજ થઈ જતું. ગુજરાતીમાં ઈંગ્લીસ, હિન્દી કે મરાઠી ક્યારે ઘુસી જતું તે બોલનારને પણ ખ્યાલ ન રહેતો.

ડૉકટર અડવાણીએ સરળ ગુજરાતીમાં વાતની શરૂઆત કરી હતી.

“ડૉકટર સાહેબ આવતી કાલેનું બ્રિટિશ એરવેઝ નું સવારે આઠ વીસની ફ્લાઈટનું બુકિંગ મળ્યું છે. JFK પર બપોરે બાર વાગે લેન્ડ થશે.”

“ડૉકટર સાહેબ નહીં, માત્ર આદિત્ય. મારાથી તો એરપોર્ટ પર આવી શકાશે નહીં પણ મારી સેક્રેટરી આવશે. તમારી બધી વ્યવસ્થા થઈ જશે.સી યુ ટુ મોરો. બાય”

ફોન કટ થયો……

બીજી સવારે લંડનથી બ્રિટિશ એરવેઝનુ પ્લેન પશ્ચિમના અંધકારને મહાત કરી ન્યુયોર્ક તરફ ઉડી રહ્યું હતું. શ્વેતા અને નિકુળ બન્નેના ભવિષ્ય અકળ હતા. બન્ને અનિશ્ચિતતાની અકળામણ અનુભવતા હતા.
નિકુળ મુઝાતો હતો…
ડૉ. અડવાણી શું સલાહ આપશે? સર્જરીથી મને પાવૈયો કે હિજડો બનાવવાનું સુચન કરશે? ના, ના મારે એવા નથી થવું. સ્ત્રીના દેખાવમાં પુરુષનો અવાજ અને બરછટતા? હું છું તે શું ખોટો છું? આ દુનિયાએ મને એક પ્રભાવશાળી પુરુષ તરીકે સ્વીકારી લીધો છે તો એ રીતેજ જીંદગી પુરી કરવામાં શું વાંધો છે. મારા સ્રૈણ સ્પંદનોને આવતા જન્મ માટે કોઈક ખૂણામાં ભંડારી દઈશ. મને કોણ સ્વીકારશે? શા માટે સંન્યસ્ત ન લેવું? જીજાજીએ પણ આધૂનિક ભેખ લીધો છેને! મારે ન્યુયોર્ક નથી જવું. મારે કોઈ અડવાણી ને નથી મળવું. પ્લીઝ કોઈ પ્લેન પાછું વાળો. પ્લીઝ્.. નિકુળ કાંપતો હતો.

શ્વેતાની આશાઓનો મહેલ પત્તાનો મહેલ સાબિત થયો હતો. જે પહેલી નજરેજ હૈયામા વસી ગયો હતો તે નિકુળ; નિકુળ રહ્યો ન હતો. MBA થયા પછી પ્રોફેશનલ કેરિયર અને સુખદ્ દાંપત્ય જીવનના સમણાઓ સેવ્યા હતા. એકાદ બે મનભાવન બાળકોની કલ્પના પણ માનસપટ પર ગોઠવાઈ ગઈ હતી. ધીમે ધીમે સરળ વહેતું જીવન ઝરણુ વિશાળ અને સુખદ સરિતામા પરિવર્તિત થાય એવું ઈચ્છતી હતી. પણ એનો જીવન પ્રવાહ તો ઊચી ભેખડો અને ખડકો પરથી નીચે પડતો અફળાતો અક્લ્પીત દિશાઓમા ભટક્તો હતો.

મનહર મલ્હોત્રા ભલે શરીરે કાળો હતો પણ દિલનો ઉજળો અને મનનો સાફ હતો. ભાભીને પરપ્રાંતિય અને પરભાષિય લાગ્યો. તન મન વગર પ્રારબ્ધ અક્ષય સાથે જોડાયુ અને ખંડાયું. એમતો રાજુ પણ શું ખોટો હતો. પણ એ તો પત્નીના વિરહમાં સંસારમા હોવા છતાં જળકમળવત્ રહેતો હતો.

અને આ નિકુળ!…… મારો હેન્ડ્સમ!…… હવે માય બડી!…… પછી?

નિકુળના પ્લીઝ..પ્લીઝ… ગણગણાટથી શ્વેતા વિચારાવસ્થામાંથી બહાર આવી…

“નિકુળ, તેં કંઈ કહ્યું?”
“નો”

JFK સુધી વગર બોલ્યે બન્ને પોતપોતાની દુનિયામાં ખોવાયલા રહ્યા. કાલના જીવનના રંગો કેવા હશે તેની બન્નેને ખબર ન હતી. હે જાનકીનાથ! શું તમને પણ અમારી જેમ કાલની ખબર ન્હોતી?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: