અમેરિકાના આધુનિક પટેલબાપાના, અનોખા કુટુંબની નાટ્યાત્મક વાર્તા
રિવર્સલ ૧૫
માયાની બર્થ ડે પાર્ટીની ઘમાલ પછીનું એક વીક ખૂબ શાંતીથી પસાર થયું. કંચનલાલ અને કામિનીબેન લડતાં ઝગડતાં પણ માયાના પ્રેમને ખાતર ડિવૉર્સ ન લેવાનો સધ્યારો આપીને પોતાને ઘેર ગયા હતા એટલે એ તરફની શાંતી હતી. ટેણકો એના રૂમમાં ભરાઈને ક્યાંતો ટેસ્ટ માટે વાંચતો હોય કે છોકરા છોકરીના ટોળા સાથે ભટકતો હોય. એણે મંગળામાસીને જાતે જાતે જ મંગળાદાદીમાં કહેવાનું શરૂ કરી દીધું હતું. મંગલામાસીની ઉંમર જોતાં ઓલ્ડ આન્ટીને બદલે મંગળાદાદી કહે તેજ વ્યાજબી હતું. માયાએ વિનોદને મોના કે લીસા સાથે બહાર લંચ કે મિટિંગ કોઈ પણ કારણસર બહાર જવાની કડક મનાઈ ફરમાવી હતી. દિવસમાં બે ત્રણ વાર બેઝમેન્ટ ઓફિસમાં સરપ્રાઈઝ ચેકિંગ કરી આવતી હતી.
મંગળામાસી પણ ધીમે ધીમે નવા વાતાવરણમાં ગોઠવાતા જતા હતા. વિઠ્ઠલબાપા રોજ સવારે એના રૂમમાં જ પૂશઅપ કરતા. વિઠ્ઠલબાપાના રૂમની સામે જ મંગળામાસીનો ગેસ્ટરૂમ હતો. એક દિવસ બન્ને રૂમના બારણા ખુલ્લા હતાં. મંગળામાસી બે ધડી પોતાના રૂમમાંથી બાપાને કસરત કરતા જોઈ રહ્યા. એજ સમયે માયા માળ પરથી નીચે ઉતરી. એણે જોયું કે માસી પૂશઅપ કરતા બાપાને એકી ટસે જોઈ રહ્યા છે. એણે ધડાક દઈને બાપાના બેડરૂમનું બારણું બંધ કર્યું અને ચાલતી પકડી. મંગળામાસીએ પણ કંઈક ક્ષોભ અનુભવ્યો.
આજે રવિવાર હતો. બાપા, મંગળામાસી, વિનોદ, માયા અને ટોની બધા સાથે બેસીને બ્રેકફાસ્ટ કરતા કરતા આખા દિવસનો પોગ્રામ ઘડતાં હતાં. મંગળામાસીને મંદિર જવું હતું. કોણ એમને મંદિર લઈ જાય એ નક્કી થઈ શકતું ન્હોતું. વાતો ચાલતી હતી ત્યાં કામિની બહેનનો ફોન આવ્યો. માયાએ જ ફોન લીધો.
માયાએ હરખથી ફોન તો લીધો પણ તરતજ મોં પરના ભાવો બદલાવા માંડ્યાં.
‘હેં?.. પણ થયું શું?….ના હોય!..અરે! મારા બાપા આ શું થવા બેઠું છે? આઈ ડોન્ટ બીલીવ મમ્મી…પપ્પા આવું કરે એ માનવામાં આવતું નથી. મમ્મી તું હિમ્મત રાખજે. અમે બધા હમણાં ને હમણાં જ તારે ત્યાં અવીએ છીએ. શું જેન્તી મામા ત્યાં છે? ઓકે..પણ તું ફોન કરતી રહેજે.’
માયાની વાત હરખથી શરૂ થઈ અને રૂદન ડુસકાથી પૂરી થઈ.
‘અરે! હાંભળો છોઓઓઓઓ.’
‘શું થયું હની? હું તો તારી બાજુમાં જ બેઠો છું.’
‘પપ્પા ગયા.’
‘હેંએએએ!’
‘બધાના મોંમાં થી પહોળી આંખે શબ્દ સર્યો. “શું થયું? ક્યારે થયું? લેટ્સ ગો.’
વિનોદ માયાને પડખામાં લેવા જાય તે પહેલા તો મંગળામાસી એને બાથ ભરીને વળગી પડ્યા.
‘દીકરી બધી ચોખ્ખી વાત કર. હિમ્મત રાખ. દરેકનો સમય ભગવાને નક્કી કરેલો જ હોય છે. અહીંના રીતરિવાજ તો મને ખબર નથી. ક્યારે લઈ જવાના છે? ચાલ મને એક સફેદ સાડલો કાઢી આપ. આપણે જલ્દી જવું જોઈએ. કામિની બિચારી એકલી છે.’
‘અરે! મારા ભગવાન! તમે થોડા જ સમયમાં વિઠ્ઠલના અમેરિકન ઘરમાં કેટલા બધા રંગો બતાવ્યા.’
‘માસી, પપ્પા તો જીવતા છે પણ મમ્મીને છોડીને ચાલ્યા ગયા.’
‘માયા તેં તો અમારો શ્વાસ ઊચો ચડાવી દીધો.’ માયાને આલિંગન મુક્ત કરતાં માસીએ કહ્યું.
હવે ટેવમુજબ માયાને બાઝવાનો ચાન્સ વિનોદે લીધો. “હની ડોન્ટ વરી. આપણે પોલીસને જાણ કરીએ અને બેત્રણ દિવસમાં પત્તો ન કાગે તો પ્રાઈવેટ ડિટેક્ટિવ રાખીશું.”
‘અરે! મને છોડો. બાપા અને માસીની સામે મને વળગવા આવો છો. સારા નબળા સમયનું ભાન જ નથીને! બાપા તો તમારા લખ્ખણથી ટેવાઈ ગયા છે પણ માસીની મર્યાદા તો જાળવો. પપ્પા નાશી નથી ગયા કે ગુમ નથી થયા, પપ્પા મમ્મીને પૂછ્યા કહ્યા વગર ચીઠ્ઠી મુકીને વહેલી સવારે ચાલતા થયા છે.’
મંગળામાસીએ ઉભા થઈને રડતી માયાને પાણી આપ્યું. ‘દીકરી માયા જરા સમજાય એવી વાત કર. કંચનભાઈએ ચીઠ્ઠીમાં શું લખ્યું છે?’
‘પપ્પાએ એમ લખ્યું કે એણે ગઈ કાલે સાંજે જ સિનીયર સર્કલની યુરોપની ટૂરમાં જવાનો વિચાર કર્યો. એક જગ્યા હતી. ક્રેડિટકાર્ડ, પાસપોર્ટ, અને દશહજાર કેસ મની લઈને ઉપડી ગયા. લખ્યું હતું કે એમનો પહેલા પણ વિચાર તો હતો જ પણ મમ્મીના મંદિરના બધા પ્રોગામ નડતા હતાં એટલે મમ્મીએ જવાની ના પાડી હતી. બાપા જતા હતા તે જ સિનીયર સેન્ટરના પપ્પા પણ મેમ્બર છે. કહેતા હતા કે કાંતાબેને ખૂબ આગ્રહ કર્યો એટલે છેલ્લી ઘડીએ તને પૂછ્યા વગર ડિસીસન લઈ લીધું છે. કાન્તાબેનની મામાની દીકરી લંડનમાં છે. રિટર્ન ટિકીટનો મેળ પડશે તો કાન્તાબેન સાથે પપ્પા પણ લંડન થોડા દિવસ રોકાઈ જશે. માયાને પ્રોમિસ કર્યું છે કે ડિવૉર્સ નહીં લઈએ પણ જુદી જીંદગી તો માણી શકીયેને?’
‘ચાલો, ચિંતા કરવાની કંઈ જરૂર નથી. એમને આનંદથી ફરવા દો. એ બધા જાણીતા મિત્રો સાથે છે. એમને પણ મજા આવશે.’ વિનોદે બે ફિકરાઈથી ટકોર કરી.
‘બાપા, એ કાંતાબેન એટલે તમારી કાંતા ક્યુટ તો નહીં? આપણી પાર્ટીમાં આવી હતી.’
‘દીકરી માયા, એ મારી કાંતા ક્યૂટ નહીં હોં. હા એ જરા સિનીયર સેન્ટરમાં વધુ પડતી એકટીવ છે ખરી. મજાની યુવતી છે. ગંદા જોક કહેવા સાંભળવામાં ક્ષોભ શરમ રાખતી નથી. એક બાજુ મહિલાઓનું ટોળું હોય અને બીજી બાજુ પુરુષોનું ટોળું હોય તો એ બીજા ટોળામાં હોય. એણેજ કંચનલાલને યુરોપની ટૂરમાં ઘસડ્યા હશે. મને ખાત્રી છે કે એમને જરૂર મજા આવશે. ચાલો આનંદની વાત છે. દીકરી ચિંતા કરવાની જરૂર નથી.’
‘ગ્રાન્ડપા વી ડોન્ટ હેવ ટુ વરી, બટ હાવ એબાઉટ નાની. સી સૂડ ફાઈન્ડ ગુડ ડિવૉર્સ લોયર.’
‘ચાંપલા તું ચૂપ મર. નાને મોઢે મોટી વાત કરવા બેઠો છે. ગેટ આઉટ ફ્રોમ હીયર.’
‘મોમ આઈ એમ ટેલીંગ યુ ટ્રુથ. આપણી પાર્ટીમાં તમે બધા રેડી થતા હતા તે ટાઈમે નાના અને ક્યૂટ આન્ટી લાંબો ટાઈમ ખૂણા પર ઉભા ઉભા વાતો કરતા હતા. ધે વેર વેરી ક્લોઝ. ઈટ લૂક લોન્ગ ટાઈમ સીરીયસ એફેર.’
‘હા, હા એજ કાંતા ક્યુટ.’
‘ઓ ભગવાન, ઓ સ્વામીનારાયણ બાપા, આ શું થવા બેઠું છે? મારા ભોળા પપ્પાને કાંતુડીએ ભોળવ્યા. ટૂરમાંથી સીધા મમ્મી પાસે આવી જાય તો વીરપુરમાં પાંચ બામણ જમાડીશ. પપ્પાને આ ઘરડી ઉમ્મરે આ શું સૂંજ્યું? બાપાએ જ બધા ડોસા ડોસીના મગજમાં રિવર્સલનું ભૂત ભેરવ્યું છે. ઘરડાઓએ ઘડપણ ખંખેરી નાંખીને જુવાન થઈને શરમ આવે એવા ચાળા કરવાનું શીખ્વ્યું છે. બાપા તમારું જોઈને જ મારા સીધાસાદા પપ્પામાં કળીયુગ ભરાયો છે. બાપા, તમે જ મારા મમ્મી પપ્પાના જીવનમાં તડ પાડી છે. આ રોઝીએ જ મારા પપ્પ્પાના મગજને બગાડ્યું છે. બાપા, તમે મને જણાવી દો કે છાનામાના તમે કઈ દવા ખાવ છો કે બધા ડોકરાંઓ તમારી વાત પર કૂદાકૂદ કરવા માંડે છે? આજ થી રોઝલીનું મોં જોવાનું પણ બંધ કરો અને બાની જેમ ભગવાનનું નામ દેતા શીખો. એમાં જ તમારું અને અમારા બધાનું કલ્યાણ છે.‘
માયાનો વલોપાત ચાલતો હતો. પપ્પાના દોષનો ટોપલો બાપા પર ઠલવાયો. બાપા આંખ બંધ કરીને સ્મિત સાથે માયાનો સંતાપ સાંભળ્યા કરતા હતા.
‘ડાર્લિગ, ટેક ઈટ ઈઝી. કામ ડાઉન હની.’
‘ડોન્ટ હની મી. મારી મમ્મીનું જીવન બરબાદ થાય છે તેની તમને પડી જ નથી.’
‘માયા…માયા…માયા. જો બાપા પણ રોઝી સાથે ક્રુઝમાં ગયા’તાને! એમનામાં કંઈ ફેર પડ્યો છે. પપ્પાના જવા સાથે બાપાને શું લાગે વળગે. અને પપ્પાતો બાપા કરતાં જુવાન છે. આ તો ટેમ્પરરી મિડલાઈફ ક્રાઈસીસ કહેવાય. બધાજ સ્ત્રી પુરુષોમાં આવી ફિલીંગ્સ આવે જ. ડોન્ટ વરી આ બધું ટેમ્પરરી કહેવાય. બધું જ ઠેકાણે પડી જશે.’
મંગળામાસી માયા અને વિનોદની વાતો સાંભળતાં બાઘાની જેમ ડાબી જમણી બાજુ ડોકું ફેરવતા હતા. અને માયાએ રડવા માંડ્યું.
‘માસી તમે આ જૂઓ, તમારા જમાઈના લખ્ખણ. બાપ તેવા બેટા. સાંભળ્યું એ શું કહે છે? કહે છે કે બધા સ્ત્રી પુરુષના જીવનમાં ટેમ્પરરી મિડલાઈફ ક્રાઈસીસ આવે જ. માસીઈઈઈઈ.. રીડ ઈન બીટવીન ધ લાઈન. તમે સમજ્યા… તમારા જમાઈએ આગળથી એની લાઈન ક્લિયર કરવા માંડી. જો તમે તમારા મીડલાઈફના ચટાકા ચાટવા જશો તો તમારી એન્ડલાઈફના ભડકા જોવા જેવા કરીશ. મને ઓછી ના સમજતા હોં. હું કાઈ ક્લિન્ટનની હિલેરી નથી. ડિવૉર્સ લઈને તમારી, તમારા બાપાની અને તેના બાપાની બધી જાયદાદ ખૂંચવી લઈશ. મિડલાઈફ, મિડલાઈફ કરીને બૈરીને અંધારામાં રાખીને બા’ર ડાફા મારવા જવું છે. . કાલે જ તમારી મોન્કી અને લીસ્સીને પીંક સ્લીપ પરખાવી દઉં છું. છું..જો જોને!’
‘મૉમ. ઈફ યુ ગેટ ડિવૉર્સ હુ ઈઝ ગોઈગ ટુ ગેટ માય કસ્ટડી?’
‘અરે! હની ગાંડી ન થા. આઈ લવ યુ ડાર્લિગ. તારા પપ્પા માત્ર ફરવા ગયા તેમાં બિચારી મોના અને લીસાનો શું વાંક?’
‘જરા હખણાં બેસો… લવ યુ, લવ યુ કરતાં, હોઠ ચાટવા પાસે આવી જાવ છો તે! માસીની મર્યાદા સાચવતા શીખો. તમને પ્રેમ કરવાનું સૂઝે છે ને મને મારી મમ્મીની ચિંતા થાય છે. પપ્પા કાંતુડીને તો ઘરમાં ન ઘાલેને? ઓ ભગવાન! આવું કાંઈ ન થાય તો વીરપુરમાં પાંચને બદલે દશમાણસ જમાડીશ..’
મંગળામાસી કંઈક ગુંચવાયા. માયા વીરપુરમાં કેમ બ્રાહ્મણ જમાડવાની માનતા માને છે! ત્યાં તો જલારામબાપાનું અન્નક્ષેત્ર સૌને માટે સદાકાળ ખુલ્લું જ છે. પણ આ સમયે એને વધારે છંછેડવી એ યોગ્ય નથી સમજી તેઓ ચૂપ રહ્યા.
‘પ્લીઝ ટેણકા. ડોન્ટ ગેટ ટુ સ્માર્ટ. ઈફ યુ આર ડન વીથ યોર બ્રેકફાસ્ટ ગેટ લોસ્ટ. હે ભગવાન મારા દીકરામાં બાપ દાદાના સંસ્કાર ન ઉતરે તો સારુ.’
‘મોમ ન ઉતરે તો હાવ મેની બામણને વીરપુરમાં જમાડે?’
માયાના વલોપાત પર બધાજ હસ્યા.
‘માયા દીકરી, ખોટો બળાપો છોડ. બધાજ મોટા અને સમજુ છે. કામિનીબેનને આપણે ત્યાં બોલાવ. કંચનલાલ આવે ત્યાં સૂધી ભલે આપણે ત્યાં રહેતા. મંગળાબેનને પણ કંપની રહેશે. તારા પપ્પાની ગેરહાજરીમાં એકલા રહે તે પણ ન સારું અને જેન્તીમામાની અવરજવર વધે તે પણ બહુ સારું ન કહેવાય. તારા જેન્તીમામાને હું બહુ સારી રીતે ઓળખું છું.’ વિઠ્ઠલબાપાએ તદ્દન શાંતીથી સૂચન કર્યું.
‘હાય માં, એ તો મારા ધ્યાન બહાર જ રહી ગયું. જેન્તીમામા મમ્મીને ત્યાં કેમ તરત પહોંચી ગયા. માય ગૉડ! જેન્તીમામા અને મમ્મી…મમ્મી અને જેન્તીમામા…ઓહ! નો..નો…શું એમની વચ્ચે?’
વધુ આવતા મહિને…
Like this:
Like Loading...
Related