વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ [૨૮]

 

sweta title image final
વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ [૨૮]

          તે રાત્રે શેઠજી અને મોનાએ મોનાના પિતા અને સુંદરલાલની અમદાવાદ બ્રાંચ ઓફિસના મેનેજર કુન્દનલાલ મહેતા સાથે ખુબ લાંબી વાતો થઈ.
       બધો તખ્તો સરસ ગોઠવાઈ ગયો. કાલથીજ નિકિતાની ટ્રેઈનિંગ શરુ થઈ જવાની હતી. કેટલીક પોસ્ટ સર્જિકલ ટ્રિટમેન્ટ ત્રણ મહિના પહેલા પુરી થાય એમ ન હતી. હારમોન થેરેપી, વોઈસ ટ્રેનિંગ વગેરે બાકી હતું. એ ઉપરાંત સોનાલીમાસી, શ્વેતા અને મોના પાસે નિકિતાએ ગુજરાતી રસોઈ શીખવાની હતી.
        મોના નિકિતાને રૂદ્રાભિષેકના થોડા વેદોક્ત ષ્લોક,  મહિમ્ન સ્તોત્ર, ષોડસોપચારી પૂજા શીખવવાની હતી. સોનાલીમાસી થોડા ભજન શીખવાના હતા. નિકિતાને સંપૂર્ણ, ગુજરાતી બ્રહ્મ કન્યામાં ફેરવવાની હતી. ‘રાજુભાઈ અને નિકિતાની વાત પૂરી થાય પછી મને પણ કંઈ બોલવાની તક આપશો?’ આદિત્યે હાથ ઊંચો કરી પૂછ્યું.
          મોનાએ એકાક્ષરી જજ્મેન્ટ આપી દીધું.’ના’
          ચાંપલી, મેં તને નથી પૂછ્યું.
       સોનાલીએ કહ્યું ‘તમે બન્ને ક્યારેયે સુધરવાના નહિ. નાનપણથી કુતરા બિલાડાની જેમ આખી જીંદગી લડ્યા કરવું છે? હવે તો મોટા થયા. વડીલોની આમન્યા રાખતા શીખો.
          હું પણ માસી એને એજ સમજાવવા માંગુ છુ. બુદ્ધિનો બળદિયો સમજતોજ નથી. તમે જ એને છાપરે ચડાવ્યો છે.
          મોના હું એકલા આદિત્યને નહિ પણ તને પણ હવે ડાહી થવાનું કહું છું. તમે ગમે તેમ વાતો કરો તે શ્વેતાને ન ગમે એટલોતો વિચાર કરો! શ્વેતા બન્ને તરફ જોઈને મંદ મંદ હસતી રહી.
          મોનાએ પોતાના બન્ને કાન પકડ્યા. ‘ભાઈ સાહેબ તમારે જે પ્રસ્તુત કરવું હોય તે નિઃસંકોચ રજુ કરો.
          થેક્યુ મહાકાલી, મહાદુર્ગા…. મમ્મી કાલે સવારની ફ્લાઈટમા એલ.એ. જવાનું છે. પ્રીસર્જરીના ચાર કન્સલ્ટેશન છે. જો તમને વાંધો ન હોયતો શ્વેતાને લઈ જાઉં. શ્વેતાએ મોટાભાઈ બાપુજી અને સોનાલી મમ્મી તરફ પ્રશ્નાર્થ નજરે જોયું. શેઠજી પ્રશ્ન સમજ્યા. હા બેટા ખુશીથી જાવ. મોના શરારતી નજરે આદિત્ય તરફ જોઈને આંગળી હલાવતી હતી.
          આદિત્યે સવારની ફ્લાઈટ માટે શ્વેતાનું રિઝર્વેશન કરાવી દીધું.
          ‘બાપુજી, મેં શ્વેતા સાથે નક્કી કર્યું છે કે લગ્ન પછી અમે બોમ્બેજ સ્થાયી થઈશું. મમ્મીની પણ એજ ઈચ્છા છે. હું દર મહિને એક વીક માટે વિઝીટીંગ સર્જન તરીકે કન્સલ્ટિંગ માટે અમેરિકા આવીશ. મારા ક્લાયન્ટ સર્જરી માટે ઈન્ડિયા આવશે. અહિના ઘણા પેશન્ટ સર્જરી માટે આર્થિક કારણોસર બીજા દેશમાં જાય જ છે. મને અમેરિકા, યુરોપ અને મિડલઈસ્ટના ધનિક ક્લાયન્ટ પણ મળી રહેશે. મુશ્કેલી માત્ર રેસીડન્સ અને સર્જરી સેન્ટર માટે લોકેશન શોધવાનું છે.’
        ‘જો બેટા એ ચિંતા કરવાની જરૂર નથી. પારલામાં એક મોટી ફાઈવ સ્ટાર હોટેલનું અમેરિકન કંપની સાથે ડીલ થઈ ગયું છે. એના અઠ્ઠાવીસમાં માળે આપણે મેડિકલ સર્જીકલ સેન્ટર બનાવીશું. એમાં તારું સર્જીકલ સેન્ટર, રાજુનું કેન્સર રિસર્ચ સેન્ટર, અને મોના મોહિતની હૉસ્પિટલનો સમાવેશ પણ કરીશું.’
          ના શેઠજીકાકા અમે તો અમદાવાદમાં સેટલ થઈશું. અમારા બન્નેના ફેમિલી ત્યાંજ છે. ફાધર ઈન લૉએ બધું પ્લાનિંગ કરીજ રાખ્યું છે. શ્વેતાએ પણ ડિલીવરી માટે અમદાવાદજ આવવું પડશે.
      સમય આવ્યે તમેજ નક્કી કરજો. કેટલીક બાબતોમાં સોનાલીજી અને હેમાલીભાભીના અભિપ્રાયની અવગણના પણ નહિ થઈ શકે. અને જ્યાં સુધી મુંબઈના રેસિડન્સનો પ્રશ્ન છે તે પ્રશ્નજ નથી. સુવર્ણા વિલા તમારું જ છે.’
           પણ બાપુજી, ઘરજમાઈ થઈને રહેવાનું કેટલું યોગ્ય છે?
શેઠજીની આંખભીની થઈ.
         સોનાલી શેઠજીની મુઝવણ સમજી ગયા. એણે કહ્યું બેટા. તારે માત્ર જમાઈ તરીકે નહિ પણ એના પુત્રની જેમ પણ ફરજ બજાવવાની છે. તારે એની સેવા કરવા માટે પણ ત્યાં રહેવાનું છે. શેઠજીને વાંધો ન હોયતો હું પણ ત્યાં જ રહીશ.
          ‘આપણો એક આખો પરિવાર સાથે રહે એનાથી રૂડું શું?’ શેઠજીએ ગળગળા થતાં કહ્યું. ‘શ્વેતા, આદિત્યને અને સોનાલીમમ્મીને આપણા ઘરનો ખ્યાલ નથી. તને તો છે. મારો માસ્ટર બેડરૂમ તમે વાપરજો. બાજુનો તારો મોટોરૂમ મમ્મી વાપરશે. તારી ઓફિસને મ્યુઝિક રૂમ બનાવીશું. એને સાઉન્ડ પ્રુફ રેકૉર્ડિંગ સ્ટુડિયો બનાવીશું. નીચેનો કોન્ફરન્સ રૂમ, હું ગણપતકાકા સાથે વાપરીશ. બરાબર છેને?’
          ‘બાપુજી તમારી સગવડ અને ઈચ્છા પ્રમાણે કરીશું.’
          ‘આપણે લગ્ન ક્યારે રાખવા છે?’ સોનાલીએ પુછ્યું
       મારે કુંદનલાલ સાથે વાત થઈ ગઈ છે. નિકિતાની ટ્રિટમેન્ટ પુરી થાય પછી તરત જ મેળ પાડીશું. વસંત પંચમીને હજુ ત્રણ સાડાત્રણ મહિનાની વાર છે એટલામાંતો નિકિતા બધી રીતે તૈયાર થઈ જશે. મોનાના લગ્ન પણ સાથે જ કરવા વિચાર છે. આમાં યોગેશભાઈ, હેમાલી અને ડૉકટર ફિરોઝના અભિપ્રાય પણ લેવા પડશે.
      ‘શેઠજી, હું શ્વેતાનો ભાઈ છું પણ આજે અમારા વડિલ તરીકે અમારા પિતાના સ્થાનેતો આપ જ છોને! તમે અને સોનાલીજી જે નિર્ણય કરશો તે મને અને હેમાલીને માન્યજ હશે.’
          મોહિત, મોના, શેઠજી, સોનાલી, કુંદનલાલ અને ડૉ.ફિરોઝ સાથે કોન્ફરન્સ કોલ દ્વારા વાત થઈ ગઈ. વસંત પંચમીની સવારે ટૂંકી વૈદિક વિધીથી મુંબઈમાં જ લગ્ન કરવાનું. નક્કી થઈ ગયુ. રાજુ આદિત્યના કાનમાં ગણગણ્યો. ‘અરે છોટેમિયાં! તેરા હુઆ, અબ મેરા ક્યા?’
          નિકિતાએ આ સાંભળ્યું. તેનો ચહેરો શરમથી લાલચોળ થઈ ગયો. આદિત્યને મૅડિકલ સક્સેસનો સંતોષ થયો. હારમોન્સ ટ્રિટમેન્ટે નિકુળના સ્ત્રીત્વ બહાર લાવી તેને નિકિતા બની દીધી હતી. હજુ એ ટ્રિટમેન્ટ ચાલુ રાખવાની હતી.
          વહેલી સવારે શ્વેતા પ્લેનમાં, વચ્ચેનો હેન્ડરેસ્ટ ઉંચો કરીને આદિત્યની સોડમાં ભરાઈને લૉસએન્જલેસ તરફ ઉડી રહી હતી. શેઠજી, યોગેશભાઈ અને રાજુ પોતાનો સામાન પેક કરીને નૉવાર્ક એરપોર્ટ પર જઈ રહ્યા હતા.
                                                         **********
          એ વાતને આજે અઢી મહિના થઈ ગયા. દરમ્યાન રાજુ ત્રણવાર અમેરિકા જઈ આવ્યો. શિવાનંદને કુતુહલ તો થતું પણ ગંભીર રાજુની ગંભીરતા ઓગળતી જોઈ ખુશ હતા. રાજુ પ્રાચીની સાથે પ્રેમથી રમતો થઈ ગયો હતો. પાર્વતિબાના પેટમાં તેલ રેડાતું. એને ખાત્રી થઈ ગઈ કે વહેલો મોડો કોઈ ધૉળી ચૂડેલને બ્રાહ્મણના ઘરમાં ઘાલવાનો છે. એણે ન્યાતીના સગાવહાલાઓમાં વાત વહેતી મુકી કે દીકરાને પરણાવવો છે.
              ઘણી છોકરીઓની લાઈન લાગી પણ રાજુ બધીને રિજેક્ટ કરતો રહ્યો.
         શ્વેતા પણ બોમ્બે આવી ગઈ હતી. ખરેખરતો શેઠજી, શ્વેતા, યોગેશ્ભાઈ,     હેમાલીભાભી અને રાજુએ ભવ્ય લગ્નનું આયોજન કરવા માંડ્યું હતું.
           આજે સુંદરલાલ, શ્વેતા, ગણપતકાકા, શિવાનંદ, પાર્વતિબા, રાજુ અને પ્રાચી સુંદરલાલ શેઠના સેન્ટ્રલહૉલ દિવાનખાનામા મહેમાનની રાહ જોતા બેઠા હતા.
         બધુ સુંદરલાલેજ ગોઠવ્યુ હતું. અમદાવાદની બ્રાન્ચ ઓફિસના મેનેજર શ્રી કુંદનલાલ છોકરીને લઈને આવવાના હતા. લાલાજી શેરખાન એમને એરપૉર્ટ પર લેવા ગયો હતો.
          બરાબર ચાર વાગ્યે કાર પૉર્ચમાં આવી ઉભી રહી. શેઠજી જાતે એમને લેવા ગયા. કુંદનલાલ એક ઉંચી સૌંદર્યવાન યુવતિ સાથે સુવર્ણાવિલામાં દાખલ થયા. એ સ્વરૂપવાન સુંદરી ફોયરમાં સ્થાપિત ગણપતિ પરિવારની મુર્તિઓએ બે મિનીટ પ્રણામ કરીને ઉભી રહી. પાર્વતિબા એને જોઈજ રહ્યા.
          કુંદનલાલ શેઠજીના બંગલામાં પહેલી વાર આવતા હતા. આખરેતો શેઠજી એના બોસ હતા. એઓએ ઘણા ઉપકાર કર્યા હતા. શેઠજી એમનો હાથ પકડી પ્રેમથી ઘરમાં લઈ આવ્યા. શિવાનંદ પણ એમને ઓળખતા હતા. શેઠજીએ પરિચય કરાવ્યો. ‘કુંદનલાલ, આ મારા બાળપણના જિગરજાન મિત્ર શિવાનંદને તો તમે ઓળખોજ છો.’
‘આ એમના ધર્મપત્ની પાર્વતિબહેન છે. અત્યંત ધર્મનિષ્ઠ છે. આ એમનો પુત્ર રાજેન્દ્ર છે જેને અમે બધા રાજુ કહીએ છીએ. એઓએ અમેરિકામાંથી ઓન્કોલોજીમાં સ્પેશિયાલીટી મેળવી છે. દશ વર્ષ પહેલા એમના પહેલા પત્ની નિરાલીબહેન આ દીકરી પ્રાચીના જન્મ પછી દેવલોક પામ્યા હતા. નિરાલીબહેનના ભાઈ નિકુળભાઈ પ્રાચીની સંભાળ રાખતા હતા. તેઓ હવે લગ્ન કરીને લંડનમાં સ્થાયી થયા છે. પરિવારને લાગે છે કે પ્રાચીને ખાતર પણ રાજુએ પુનર્લગ્ન કરવા જરૂરી છે. પ્રાચીએ એની નિરાલી મમ્મીને તો જોઈજ નથી. એને પણ, પ્રેમથી મમ્મી કહી શકે એવી વ્યક્તિની હુંફની જરુર છે.’
          ‘કુંદનભાઈ હવે તમે તમારી ભત્રીજીનો પરિચય કરાવો.’
         કુંદનલાલ બોલવાનું શરૂ કરે તે પહેલા નિકિતા ઉભી થઈ અને માથે સાડી ઓઢી વડિલોને પગે લાગી. એ પ્રાચીની પાસે બેસી ગઈ. પ્રાચીનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. પ્રાચી એની પોતાની લાગણીઓને સમજી શકે એટલી પુખ્ત ન હતી પણ એને પરિચિત સ્પર્શનો અહેસાસ થયો.
        કુંદનલાલે શરૂ કર્યુ. ‘અમે વડનગરી નાગર બ્રાહ્મણ. અમારા કુળદેવતા હાટકેશ્વર મહાદેવ. ઘરના સંસ્કાર શિવપુજાના. મારા પિતાનો ઘંધો એકાઉન્ટિંગનો એટલે અટક મહેતા થઈ ગયેલી. મને એક ભાઈ હતા. કેદારનાથ. મારા કરતા પાંચ વર્ષ મોટા. અઢાર વર્ષની ઉંમરે એ ઈંગ્લેન્ડમાં હાટકેશ્વર મહાદેવના મંદિરમાં પુજારી તરીકે ચાલ્યા ગયેલા. ત્યાર પછી આ નિકિતાના જન્મ પછી એકજ વાર અમદાવાદ આવેલા. ખુબજ ધાર્મીક જીવ. આ નિકીતાને ઉચ્ચ શિક્ષણ આપ્યું પણ એને બ્રાહ્મણ સંસ્કારમાં જુનવાણી રીતેજ ઉછેરી. ગયે વર્ષે એ અને મારા ભાભી કાર એક્સિડન્ટમાં ઘાયલ થયા. ભાભી તો સૌભગ્ય સાથે તે સ્થળે જ દેવલોક પામ્યા. પણ મોટાભાઈના પ્રારબ્ધમાં એક અઠવાડિયું વધારે લખાયલું હશે. એમણે ફોન પર નિકિતાની સોંફણ નોંધણ મને કરી. કોઈક બ્રાહ્મણ સાથે પરણાવવાની જવાબદારી મને સોંફી છેલ્લો શ્વાસ મુક્યો.’ કુંદનલાલની આંખો ભરાઈ આવી.
          એનો અંતર આત્મા જાણતો હતો કે નિકિતા સિવાયની બધીજ વાત સાચી હતી. એમની સાચી ભત્રીજી દેવાંગીએ ગયે વર્ષે જ લંડનમાં બ્રાહ્મણ એન્જીનીયર સાથે લગ્ન કર્યા હતા. પોતે તો જઈ ન્હોતા શક્યા પણ અમેરિકાથી મોનાએ લગ્નમાં હાજરી આપી હતી. જમાઈના પિતા મૂળ પોરબંદરના હતા. જ્ઞાતિ મિત્ર હતા. લંડનમા જ સેટ થયેલા હતા.
          સમગ્ર જૂઠાણાની કોરિયોગ્રાફી શેઠજીએ મોના સાથે ગોઠવી હતી.
          સુંદરલાલ લગ્ન પછી જ શિવાનંદને સાચી વાત જણાવવાના હતા.
       ‘અમારી નિકિતા પણ લંડન સ્કુલ ઓફ ઈકોનોમિક્સની ગ્રેજ્યુએટ છે. આપણા બિઝનેશ અંગે પણ સારું એવું વાચ્યું છે.’ કુંદનલાલે નિકિતાના વખાણ કરવા માંડ્યા. એ મોટાભાઈ પાસે વેદોક્ત મંત્રો પણ શીખી છે. તમારે એને કંઈ પણ પુછવું હોય તો પુછી શકો છો.’
         ‘બેટી, મારે પુછવાનું તો કશું જ નથી. માત્ર કહેવાનું જ છે. સુંદરકાકાએજ મને આ ધંધામા પલોટ્યો છે. નહિતો હું તો કોઈ કારકુની કરી ખાત અને થોડી યજમાન વૃત્તિ કરી લેત. તું ભણેલી છે. હવેતો બે કંપનીનું મર્જીંગ પણ પુરું થઈ જશે. તું બિઝનેશમાં મદ્દદ કરશે?‘
       ‘એ તો મારી ફરજ છે કે વડિલોની ઈચ્છાને આજ્ઞા માનીને સમજ અને શક્તિ પ્રમાણે કામ કરવું. આઈ વીલ ટ્રાઈ માય લેવલ બેસ્ટ. અલ્ટીમેટલી ઈટ ડિપેન્ડ ઓન યોર સનસ્ વીશ.’
         ‘બેટી એક બીજી વાત. મારી પ્રાચીને સગી માનું વહાલ મળે એટલી જ ઈચ્છા છે.’ શિવાનંદનો અવાજ ગળગળો થઈ ગયો.
         પાર્વતિબાએ કહ્યું ‘નિકિતા માત્ર પ્રાચીની જ મા નહિ. પણ મારા બે-ત્રણ પૌત્રની મા પણ બની રહે એ આશા છે.’
         સૌ સ્તબ્ધ થઈ ગયા. તેઓ જાણતા હતા કે નિકિતા ગર્ભવતી થઈ શકે એમ નથી. અત્યાર સુધી ચૂપ બેઠેલા રાજુએ બાજી સંભાળી લીધી.
        ‘મારે એક વાત કહેવી છે. પ્રાચીના ઉછેરમાં વાંધો ન આવે એટલે એના જન્મ પછી મેં ઓપરેશન કરાવી નાખ્યું છે. હવે મને સંતાન થઈ શકે એમ નથી. બીજા સંતાનની ઈચ્છા પણ નથી. કાકાશ્રી અને નિકિતાને એ મંજુર નહિ હોય તો આ સંબંધમા આગળ વધવાની જરૂર નથી.’ રાજુ ઊભો થઈ ગયો.
         પાર્વતિબાના માથા પર પહાડ તૂટી પડ્યો. શું મારો વંશ અહિથી જ અટકી જશે?. ખરેખરતો બહારથી સારો દેખાડો કરતા દીકરાએ સ્વચ્છ્ંદી જીવન જીવવા માટે જ ઓપરેશન કરાવી નાંખ્યું હશે. દીકરાએ પુછવાની વાત તો બાજુએ પણ આજ સુધી કહ્યું પણ નહિ! બધાની હાજરીમાં પાર્વતિ બા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ‘મારે નિર્દોષ નિકિતાનું જીવન બગાડવું નથી.’
          કુંદનલાલ ઘડાયલા હતા. સ્કિપ્ટ વગરનો ડ્રામા ચાલુ રહ્યો. એ ઊભા થયા. ‘બેટા નિકિતા, આપણે જઈશું? ‘
           ‘કાકાજી જો આપના આશિર્વાદ હોય તો મારે એમની સાથે જ રહીને વડિલોની સેવા કરવી છે. આજના સમયમા સંસ્કારી હોય અને પ્રેમાળ પણ હોય એવા વડિલો મળવા મુશ્કેલ છે. હું એને નિરાલીબહેન કે એના નિકુળમામાની ખોટ સાલવા નહીં દઉં. હું પ્રાચીને મારા લોહીની દીકરી છે એમ ઉછેરીશ. થોડા વર્ષોમાં એ મોટી થશે. એના બાળકો બાના ખોળામાં રમશે. ‘
          ‘મેમ, મે આઈ કોલ યુ મમ્મી?’ પ્રાચી નાની હતી પણ છેક નાદાન ન હતી.
         ‘યેસ ડિયર આઈ એમ યોર મમ્મી. પ્લિઝ કોલ મી મમ્મી ઓર મામ વોટએવર યુ લાઈક.’
          ‘ઓહ નાઈસ…… આઈ’લ કોલ યુ મામ.’
          બધા મા દીકરીનો સંવાદ સાંભળી ભાવવિભોર થઈ ગયા.
          ‘મામ, ડુ યુ નો ડેન્સ?’
          ‘યેસ, ….આઈ નો કથ્થક.’
          ‘રિયલી?’
          ‘યસ. …’
          નિકુળ નાનો હતો ત્યારે કથ્થક શિખ્યો હતો અને નિરાલી ભારત નાટ્યમ શીખી હતી.
         ‘મને કરી બતાવોને.’
          બેટી કોઈ વાર કરી બતાવીશ.
          ‘નો મામ. આઈ વોન્ટ ટુ સી નાવ.’
       નિકિતાએ પાર્વતિબા સામે જોયું. પાર્વતિબાએ પણ આગ્રહ કર્યો. બે લાઈન બતાવી દેને! જીદ્દી છોકરી છે.
        નિકિતાએ રાવણ રચિત તાંડવ સ્તોત્રની બે લાઈનના બોલ બોલી મુદ્રા કરી બતાવી. સૌએ તાળી પાડી. પ્રાચી નિકિતાને વળગી પડી. પાર્વતિબાએ ઉઠીને બન્નેને બાથમાં લઈ લીધા.

          ‘આપ સૌને મારે એક બીજી સ્પષ્ટતા કરવાની છે. મારી પોતાની દીકરી મોનાના વસંતપંચમીના લગ્ન છે. શેઠજીની કૃપાથી તે અમેરિકા ગઈ. ત્યાં એક પારસી ડૉક્ટરના પ્રેમમાં પડી. મારી મરજી વિરૂધ્ધના આ આંતરજાતીય સંબંધ છે. હું એ લગ્નમા હાજરી પણ આપવાનો નથી. હું એકલી નિકિતાનું જ કન્યાદાન કરીશ.’ કુંદનલાલ હાથ જોડી ઊભા રહ્યા.
          ‘ના કાકાજી, અમે બન્ને બહેનો એક જ માંડવામા સાથે જ લગ્ન કરીશું. અને તમારે જ કન્યાદાન કરવું પડશે. નહિતો હું લગ્ન કરવાનું માંડી વાળી લંડન ચાલી જઈશ. કાકાજી તમેતો શાસ્ત્ર ભણ્યા છો. તમે આધૂનિક વિચારના છો. મોના તો મારા કરતાએ વધુ ભણેલી છે. વેદ પુરાણમા પણ આપણા કરતા વધુ જાણકાર છે. મને એણે જ સમજાવેલું કે જેમણે અઢાર પુરાણ અને ચાર વેદોનું સંપાદન કર્યું છે એ ભગવાન વેદ વ્યાસજીના પિતા પરાશર બ્રાહ્મણ અને માતા માછીમારની પુત્રી મત્સ્યગંધા હતી. આપણે બ્રાહ્મણો ક્ષત્રીયો કરતાં ઊચા હોવા છતાં રામ અને કૃષ્ણને પુજીએ જ છીએને. ઈન્દીરા ગાંધી બ્રાહ્મણ હતા અને એ પણ પારસીને પરણેલા જ ને! મેં પરદેશમાં અને અહિ ભારતમાં પણ વંઠેલ બ્રાહ્મણ પુત્રોને દારૂ પીતા, માંસાહાર કરતા અને હલકી કક્ષાની છોકરીઓ સાથે નાચતા જોયા છે. એના કરતાતો મોનાએ પસંદ કરેલો પારસી પુત્ર ખુબજ સંસ્કારી છે. કાકાજી પાર્વતિબાને જ પુછી જુઓ. એ તમારા જેવા જુનવાણી તો ન જ હોય. કેમ બા હું સાચી છુંને?’
        પાર્વતિબાની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ. એમને કહેવું પડ્યું ‘કુંદનભાઈ આપણે બન્ને દીકરીઓના લગ્ન સાથેજ કરીશું અને બન્ને દીકરીઓના કન્યાદાન પણ મનમોટું રાખી તમારે જ કરવાના.’
           …અને પુજારી વલ્લભે ગૃહમંદિરમા દિવો કર્યો. વલ્લભની સાથે કુંદનલાલ અને નિકિતાએ સ્પષ્ટ ઉચ્ચારો સાથે પ્રભુ પ્રાર્થના કરી. વાતાવરણ મંગલમય બની ગયું. કુંદનલાલે રાજુને તિલક કરી શુકનના સવાસો રૂપિયા અને શ્રીફળ આપ્યું. પાર્વતિબાએ નિકિતાને ચાંલ્લો કરી આશિર્વાદ આપ્યા. એઓ આ માટે તૈયાર ન હતા પણ રાજુ તૈયાર હતો. એણે ગજવામાંથી હીરાની વીંટી કાઢી નિકિતાને પહેરાવી.
           તે સાંજે કિશનમહારાજે શુકનના કંસાર સાથે ત્રણ મિષ્ઠાન અને ચાર ફરસાણનું ભોજન કરાવ્યું. શેઠજીએ અને શ્વેતાએ બધાને રાત્રે સુવર્ણા વિલામાં જ આગ્રહ કરીને રોકી પાડ્યા. આવતી કાલે સોનાલી, આદિત્ય, મોના અને મોહિત આવવાના હતા. મોહિતના માતા પિતાને ફોન કરી કાલે બોમ્બે બોલાવ્યા હતા. લગ્નનું ફાયનલ આયોજન કરવાનું હતું.
          બીજી સવારે શ્વેતા બધાને લેવા એરપોર્ટ પર પહોંચી ગઈ. શ્વેતાનો તલસાટ જોઈને શેઠજીએ સોનાલી અને આદિત્યને લેવા જવાનો ઉમળકો અંકુશમાં રાખ્યો.
બધા આવી ગયા.
        ડૉમેસ્ટિક એરપોર્ટ પર, મોનાના મમ્મી અને સાસુ સસરાને લેવા લાલાજી શેરખાન ગયા હતા.
         લાલાજીની કારમાંથી ત્રણ મહેમાનને બદલે પાંચ મહેમાન ઉતર્યા. સૌએ સાનંદાશ્ચર્ય અનુભવ્યું.

 

One response to “વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ [૨૮]

  1. sneha patel - akshitarak November 2, 2014 at 5:05 AM

    v. nice episode..bahu j smooth ne saral language chhe…ne vartano saar pan vachi gai…bahu j gami…cngrts.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: