વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ [૨૯]

sweta title image final

નવલકથાના લોકાર્પણ પ્રસંગે યોગિનીનો પ્રતિભાવ.

વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ [૨૯]

       લાલાજીની કારમાંથી ડૉ.ફિરોઝ, ડૉ.બહારબાનુ, મોનાના મમ્મી કુમુદગૌરી ઉપરાંત ડૉ.જમશેદજી બાવા, તેમના બહેન અને શેઠજીના પર્સનલ સેક્રેટરી દીનાબહેન ઉતર્યા.
            ‘શેઠજી ટમે ડરેક વખટે પોરીયાઓના લગનમાં મને જ બોલાવટા નઠી. પન આ વખટે ટો હું આવી જ પરીયો.’ ડૉકટર બાવાએ શેઠજીને મીઠો ઠપકો આપ્યો. દીનાબહેને બધાને ડૉ. ફિરોઝની ઓળખાણ કરાવી. ડૉ.ફિરોઝ અમારા ભાણેજ થાય. એમનો દીકરો કુંદનલાલની દિકરી મોનાને પરણવાનો છે. કુંદનલાલ તો આપણા સ્ટાફના માણસ કહેવાય પણ મોના એમની દીકરી છે તે તો અમને ખબર જ ન હતી.
           તો હું તમને બીજા એક ગુડ ન્યુઝ આપું. શેઠજીએ ઓળખવિધી ચાલુ રાખી. એ જરૂરી પણ હતું, ‘કુંદનલાલની ભત્રીજી નિકિતાના લગ્ન આપણા ડૉ.રાજુ સાથે નક્કી કર્યા છે.’
રાજુ અને નિકિતા બધા વડિલોને વાંકા વળી પગે લાગ્યા.
          ‘આટો સુંડરલાલે બઉ સુંડર વાત કીધી. ડૉકટર ટેં ટારી ડિકરીને એની મા આપી ટે બઉ સોજ્જુ કરીયું.
             અવે ડિકરી શ્વેટા! ટેં તારા ડાક્ટર ધનીને કાં સંતારી રાખેલો છે. એને બા’ર કાઢ્. ‘ આદિત્ય આગળ આવ્યો. એ પણ શ્વેતાની સાથે વડિલોને પગે લાગ્યો. એણે ખુણામાં ઉભેલી સોનાલી તરફ આંગળી ચીંધીને કહ્યુ, આ મારા મમ્મી સોનાલીજી છે?
          સોનાલીએ ડૉ.જમશેદજીને ત્યાંજ સેક્રેટરી તરીકે નોકરી કરેલી. ડોકટરબાવાએ ચશ્મા કાઢ્યા. કાચ નૂછ્યા. ‘આઈ ડોન્ટ બિલીવ ઈટ. શેઠજી આ એજ સોનાલી છે?’
          ‘હા બાવાજી હું એજ આપની સેક્રેટરી સોનાલી છું.’
          ‘ટું મારા દેસ્ક પર ચીઠ્ઠી મુકીને એકાએક કાં ડિસએપીયર ઠઈ ગયેલી. કઈ ટકલિફ હટી?
સોનાલીએ જવાબ ન આપ્યો. પિતા સમાન જમશેદજીને વળગીને રડી પડી.
      એટલામાં યોગેશભાઈ અને હેમાલી આવી પહોંચ્યા. સોનાલીએ ડૉકટર જમશેદજીને કોઈ ખુલાશો આપવો ન પડ્યો.
     બધા બેસીને વેડિંગ પ્લાનની ચર્ચા કરતા જતા. એટલામા બહાર ગુરખા સાથે બેઠેલા લાલાજીનો ફોન આવ્યો. ‘શેઠજી, હમારી પડૌશન નિલીમાજી, સોનાલીજીસે મિલના ચાહતી હૈ. દરવાજે પર ખડી હૈ. ઉનકો અંદર ભેજુ?’
       સૌ વિચારમાં પડી ગયા. નિલીમા બોલીવુડની જાણીતી અને ઠરેલ અભિનેત્રી છે. ટેરેસમાં કોઈક વાર નજર મળી જાય તો હાથ ઊંચો કરી હાય હલ્લો કરી લે છે. અક્ષયના અને સુવર્ણાબેનના મૃત્યુ વખતે શેઠજી અને શ્વેતાને આશ્વાસન આપવા આવેલી અને ચા, કૉફી બિસ્કિટ મોકલેલા. એવો ખાસ અંગત સંબંધતો હતો નહિ. અને આતો શેઠજી કે શ્વેતાને નહિ પણ સોનાલીજીને મળવા માંગતી હતી. સોનાલીજી પણ વિચારતા હતા કે આ નિલીમા કોણ હશે.
શેઠજીએ કહ્યું. આને દો.
        નિલીમાએ અંદર આવી સૌને વિવેક પૂર્વક નમસ્કાર કર્યા. સોનાલીજીની ચરણ રજ લઈને માથે ચડાવી. ‘સોનાદીદી મને ઓળખી કે નહિ?’ સોનાલીની સ્મૃતિ એકદમ જાગૃત થઈ ગઈ માત્ર એકજ વ્યક્તિ એને સોનાદીદી કહેતી હતી અને તે નીલી આહુજા. અમદાવાદમાં જ્યારે આદિત્ય માત્ર દોઢ વર્ષનો હતો ત્યારે આઠ વર્ષની નીલીને સોનાલી સંગીત શિખવવા જતા હતા..
       રૂપાળી ઢીંગલી જેવી નીલી કોઈવાર સોનાદીદીનેત્યાં આવતી અને આદિત્ય અને મોનાને રમાડતી. પણ નીલીના પિતાની બદલી મુંબઈ થતા સંપર્ક તૂટી ગયો હતો. આજે સોનાલીને શેઠજીના બંગલામાં દાખલ થતા જોઈને ટીચરને મળવા દોડી આવી.
         સોનાલીએ મોટા થઈ ગયેલા આદિત્ય અને મોનાની ઓળખાણ કરાવી. લગ્ન પ્રસંગની વાતો કરી. સુંદરલાલે નિલીમાને ત્રણે દિવસનું આમંત્રણ આપ્યું.
         શ્વેતાએ ધીમે રહીને કહ્યું ‘જો નિલીમાજી માર્ગદર્શન આપે તો ત્રણે દિવસનો મ્યુઝિકલ પ્રોગ્રામ સરસ રીતે ગોઠવાઈ જાય.’
          એ જવાબદારી મારી. હું તમારી પાડોસી છું. આદિત્ય અને મોનાને મેં રમાડ્યા છે. મને મારા કુટુંબનો પ્રસંગ છે એવું અનુભવું છું. પણ એક શરત!
            શેઠજીએજ જવાબ આપ્યો ‘જાણ્યા વગર પણ હું કહીશ કે તમારી બધી શરતો અમને મંજુર છે. આટલા વર્ષે પ્રેમાળ પાડોસીની સાથે આત્મીય સંબંધ થયો એ અમારા સદભાગ્યની વાત છે. બોલો તમારી શી શરત છે?’
          શેઠજી આજે તમારે બધાએ સાંજનું ડિનર મારે ત્યાં લેવાનું. માત્ર તમેજ નહિ પણ દાદાજીને પણ લઈ આવવાના. તમારા ઘરના સૌ નોકર ચાકરને પણ મારું. આમંત્રણ છે. એઓ પણ મારા પાડોસી કહેવાય. કહેવાય છે કે પહેલો સગો પાડોસી.
            શરત જાણ્યા વગર હા તો કહી દીધી. પણ આતો તમે તમારી તકલીફ વધારવાની શરત કરી છે.
         આજે મારા ભઈલાને અને તોફાની મોનાને હું પિરસીસ. અમારે ત્યાં લક્ષમીમાસી બધી વ્યવસ્થા અડધા કલાકમાં કરી દેશે. આપણે સાંજે સાત વાગ્યે મળીશું. અત્યારે મારે ડબીંગ માટે જવાનું છે સાંજે પાંચ વાગ્યે પાછી આવી જઈશ.
           શેઠજીએ લાલાજીને બોલાવી સ્ટાફમાં બધાને સાંજના ડિનરની વાત કરવાનું કહ્યું. કિશન મહારાજને પણ કહેડાવ્યું કે લક્ષમી બહેનને જે કાંઈ મદદ જોઈતી હોય તે આપજો.
             તેજ સાંજે નિલીમાને ત્યાં ડિનર વખતે લગ્નના આયોજનને આખરી ઓપ અપાઈ ગયો.
અમેરિકા, ઈંગ્લેન્ડ ફોન અને ઈ-મેઇલ દ્વારા આમંત્રણ અપાયા. ઈન્ડિયામાં કુરિયર મારફતેલગ્નની આમંત્રણ પત્રિકાઓ રવાના થઈ ચુકી હતી. આમંત્રણ પત્રિકાનું ગોલ્ડન ગિફ્ટ બોક્ષ હતું. એમાં પહેલા કાર્ડ પર ત્રણ વરકન્યાના ફોટા અને લગ્નની તારિખ, તીથી અને ‘કુર્યાત્ સદા મંગલમ્’ લખેલું હતું. લેમિનેટેડ કાર્ડની નીચે ગણેશ મુર્તી અને ગણેશ સ્તવન હતું. એની નીચે વેડિંગ બેલ આકારની મોટી સ્વિઝ ચોકલૅટ હતી. ચોકલેટની નીચે શિવાનંદ કુટુંબના ગુરુજી અને નવસારીના ધર્મનિષ્ઠ પણ આધૂનિક વિચારના દસ્તુરજીના આશિર્વચનો હતા. એની નીચે જુદા જુદા અંગ્રેજી અને ગુજરાતી આમંત્રણ કાર્ડ હતા. લગભગ ૨૦૦૦ રિસેપ્શન આમંત્રણો બોક્ષ હતા. સવારનું લગ્નનું આમંત્રણ માત્ર ૫૦૦ વ્યક્તિ માટે હતું. એમાયે બે દિવસ પહેલાના મહેંદી અને ગરબાનું આમંત્રણ માત્ર ખાસ અંગત ૧૦૦ વ્યક્તિને જ અપાયું હતું.
          મહેંદી અને લગ્નની વચ્ચેના દિવસે ગ્રહશાંતિ અને રાત્રે સોનાલીજીના લગ્નગીતો, સિતાર શહનાઈનું સંગીત અને કોરિયોગ્રાફીવાળા બોલીવુડ ડેન્સપાર્ટીનુ આયોજન થયું હતું. એમાં લગભગ ૩૦૦ જેટલાને આમંત્રણ અપાયું હતું.
         મહેંદી ઉત્સવ સુવર્ણા વિલાની વિશાળ ટૅરેસમાં ગોઠવાયો હતો. ગ્રહશાંતિ અને મ્યુઝીકલ નાઈટ ‘ગ્રાન્ડ હ્યાટ’ના બેન્ક્વેટ હોલમા આયોજીત થઈ હતી. લગ્ન અને રિશેપ્સન ડિનર, લીલા એસ્ટૅટમાં રાખવામાં આવ્યા હતા. સમગ્ર આયોજનનો ખર્ચો સુંદરલાલ શેઠજ ઉપાડતા હતા. ખરેખરતો એના એકના એક પુત્રના લગ્ન હતાને!
           લગ્નોત્સવની શરૂઆત સુવર્ણા વિલામા મહેંદીથી થઈ.
       ટેરેસ ગાર્ડનમાં રંગીન ફુવારાઓની સુગંધીત હવા વાતાવરણને ખુશનુમા બનાવતી હતી. મધ્યમા ત્રિકોણાકારમા ગોઠવેલી ત્રણ ખુરશી પર શ્વેતા, મોના અને નિકીતા મહેંદી મુકાવતા હતા. તેની બાજુમાં નાના વર્તુળમા સોનાલી, હેમાલીભાભી, મોનાના મમ્મી કુમુદગૌરી, મોહિતના મમ્મી બહારબાનુ, દીનાબેન, અમેરિકાથી આવેલા ડૉ.માર્થા અને માઈકના પત્ની સુઝન હમણાંજ આસિસ્ટન્ટ કમિશ્નર બનેલા મલહોત્રાની પત્ની અને શ્વેતાની કોલેજ ફ્રેન્ડ કાશમિરા તથા પાડોસી અભિનેત્રી નિલીમાને હાથે મહેંદી મુકાતી હતી. પ્રાચીએ નિકીતા મામ પાસેજ બેસવાનો આગ્રહ રાખ્યો હતો.
       સ્ટાફમાં યુવાન વિમળા અને જ્યોતિ પણ બાકી રહ્યા ન હતા. કાંતામાસી અને પાડોસી લક્ષમીબેને શુકનના હાથ રંગ્યા હતા. એક માત્ર પાર્વતિબાએ મહેંદી મુકાવી ન હતી. એમની માન્યતા હતી કે જેના લગ્ન થવાના હોય તેનેજ મહેંદી મુકવાની હોય. અને આમ પણ મારી ઉંમરે આવું સારું ન લાગે.
        આ સિવાયની અન્ય આમંત્રિત મહિલાઓને માટે ટેમ્પરરી મહેંદી સ્ટીકર્સ તૈયાર હતા. રૂચી પ્રમાણે લગાવવાનો આનંદ માણતા હતા.
       નિલીમાએ લગ્નગીતોમાં સ્પેશિયાલિસ્ટ એવી ચાર આર્ટિસ્ટને એના નાના ઓર્કેસ્ટ્રા સાથે બોલાવી હતી. સાથે બોલીવુડનું ડેન્સ ગ્રુપ હતું. ટેરેસમાં બે વિડિયોગ્રાફર અને ત્રણ ફોટોગ્રાફર ફરતા હતા. ટેરેસમાં લગ્ન ગીતો, ગરબા અને નૃત્યની મહેફિલ જામી હતી. માત્ર મહિલાઓજ હતી. ક્યારેક શૃંગારિક ટોળ ટપ્પા પણ થઈ જતા. પાર્વતિબા શિવ શિવ રટ્યા કરતા.
         બધા પુરુષો નીચે સેન્ટ્રલહોલમાં ખાણાપીણાની મોજ માંણતા હતા. ઉપરનો ક્લોઝસર્કિટ વિડિયો નીચે સેન્ટ્રલહોલમાં બીગ સ્ક્રિન પર બ્રોડકાસ્ટ થતો હતો. પુરુષો માત્ર મહિલાઓના આનંદના દર્શક બની રહ્યા.
           જલસો રાત્રે અઢી વાગ્યા સુધી ચાલ્યો.
       બીજે દિવસે સવારે શાંતાકૃઝ વેસ્ટમા આવેલી હ્યાટ ગ્રાન્ડના બૉલરૂમમાં લગભગ પાંચસો સ્વજનોની હાજરીમાં વેદના મત્રો સાથે ગણેશ પૂજન થયું. હિદુ અને પારસી રીત રિવાજોનું કુશળતા પૂર્વક સંયોજન થયું હતું કોઈ પણ પક્ષે ચોક્કસ પ્રણાલિકા જળવવાનો દુરાગ્રહ નહોતો.
શ્વેતા, નિકીતા અને મોનાએ લીલા અને કિરમજી રંગના ઘેરવાળા રાજસ્થાની ડિઝાઈનર લહેંગા-ચોલી અને મેચિંગ ઓઢણી પહેરી હતી. સમગ્ર ડ્રેસ પર વૅલ્વૅટ, સોનેરી ઝરી અને રેશમથી ભરેલા કલાત્મક મોર હતા. એના પ્રમાણમા ત્રણે વરરાજાઓએ સાદા સફેદ અચકન સલવાર પહેર્યા હતા.
       ગૃહપુજારી વલ્લભનું આજે મોટુ માન હતું. પિતાંબર અને પાઘડી પહેરી ગ્રહશાંતી અને અગ્નિપૂજન કરાવ્યું હતું. સુંદરલાલ દીકરાના લગ્નનો આનંદને હૈયામાં સાચવીને, ભંડારીને આવેલા સ્વજનોને કહેતા મારી દીકરી શ્વેતાના લગ્ન છે.
        ગ્રહશાંતી પછી લંચ; અને સાંજે શાસ્ત્રીય સંગીતનો અને ક્લાસીકલ ડાન્સનો પ્રોગ્રામ હતો. પ્રાચીએ સરસ રજુ કર્યો. પ્રાચી નિકીતાને ડેન્સ ફ્લોરપર ખેંચી ગઈ. બન્ને મા-દીકરીએ બધાને ડોલાવી દીધા. સોનાલીએ મન મુંકીને સિતાર વાદન કરી બઘાને ભાવુક બનાવી દીધા. છેલ્લે શેઠજીના પ્રીય કેદાર રાગ વાળા ગુડ્ડી ફિલ્મના ‘હમકો મન કી શક્તિ દેના’ ની ગત સાથે સમાપન કર્યુ. રાત્રે સીટડાઉન ડિનર લઈ ત્રીજા દિવસના લગ્ન સમારંભની તયારી માટે સુવર્ણા વિલા પર પહોંચ્યા.
          ત્રીજા દિવસે લીલા રિસોર્ટ એસ્ટેટના ગ્રાઊન્ડ પર સવારે વૈદિક લગ્ન વિધી શરૂ થઈ ગઈ. આદિત્ય, શ્વેતા, રાજુ અને નિકીતાએ રજવાડી આઉટ પહેર્યો હતો. મોના અને મોહિતે પાઘડી સાથેનો પરંપરાગત લગ્ન વખતે પહેરાતો સફેદ આઊટફીટ પહેર્યો હતો. મધુર મંગળ શરણાઈના સૂરો સાથે ત્રળાણ દંપતીના હસ્તમેળાપ થયા. શાર્દૂલવિક્રીડિતમાં મંગળાસ્ટક ગવાયા. અગ્નિની સાક્ષીએ સપ્તપદીના ફેરા ફરાયા. સુંદરલાલ શેઠ સોનાલીની બાજુમાંજ ઊભેલા હતા. અનાયાસે લાગણીવશ થયેલા શેઠજીથી સોનાલીનો હાથ પકડાઈ ગયો. સોનાલીએ ધ્યાન બહાર કે ઈરાદાપુર્વક હાથ છોડાવાની કોશીષ ન કરી. બધાનું ધ્યાન મંગળ ફેરા ફરતા દંપતી પર હતું. શ્વેતાનું ધ્યાન શેઠજીના હાથ પર ગયું. શેઠજીની નજર શ્વેતા સાથે મળી. પકડેલો હાથ છૂટી ગયો.
              થોડી મહિલા વર્ગની રીતો શરૂ થઈ. નવવધૂના કાનમાં ‘અખંડ સૌભાગ્યવતી’ ની શુભેચ્છાની શરૂઆત થતી હતી. આદિત્યે એ રીત અટકાવી દીધી. અણે કહ્યું બહેનો, માતાજીઓ, અજાણ પણે તમે પતિ કરતાં નાની ઉંમરની નવવધૂઓને વહેલી મરવાનો શ્રાપ આપી રહ્યા છો. જમાનો બદલાયો છે. કાનમાં નહિ પણ મોટેથી અમને બન્નેને સુખદ દાંપત્ય સાથેના દિર્ઘાયુષ્યના આશિર્વાદ આપો. જુનવાણી સ્ત્રીઓ, ખાસ કરીને પાર્વતિબા, સુંદરભાઈના જમાઈની વાતથી ડગાઈ ગયા. પાર્વતિબાએ શિવ શિવ કરતા કળીયુગને દોષ દીધો. યુવતિઓએ તાળીથી નવો વિચાર વધાવી લીધો.
            સાંજે રિસેપ્શન શરૂ થયું. રિસેપ્શન ટેન્ટના મુખ્ય દ્વાર પર બે શુશોભિત હાથીઓ ઝૂલતા હતા. ટેન્ટમાં દાખલ થવાના લાંબા રસ્તા પરથી આવતા આમંત્રિતો પર ગુલાબની પાંખડીઓ અને ગુલાબ જળનો છંટકાવ થતો હતો. સુંદરલાલ શેઠ અને સોનાલીજી, શિવાનંદ શર્મા અને પાર્વતિજી, ડૉ ફિરોઝશા મહેતા અને ડો.બહારબાનુ, ડો.જમશેદજી દારુવાલા અને દીનાબહેન ભરૂચા, કુંદનલાલ અને તેમના પત્ની સૌનું સ્વાગત કરતા હતા. અગ્રગણ્ય દેશનેતાઓ, બોલીવુડના કલાકારો, વ્યાપાર જગતના માધાંતો, અને ડોકટરોથી એસ્ટેટ પરનો મોટો શામિયાણો ઉભરાતો હતો. મીઠું પણ માદક સંગીત લાઈવ ઓર્કેસ્ટ્રા સાઉન્ડ્ સિસ્ટિમમાં વહાવતા હતા.
         એકાએક શામિયાણાની તમામ લાઈટ ઝબૂકવા લાગી. ઓર્કેસ્ટ્રાનો ડ્રમ રોલ થયો અને થ્રીટાયર સ્ટેજ પર શિવાનંદ કુટુંબના ગુરુજી દસ્તુરજી અને વ્હિલચેરમાં દાદાજી પ્રવેશ્યા. ગણપતદાદાની વ્હિલચેર લાલાજી પુશ કરતા હતા.
             ફરી ડ્રમરોલ થયો. કુંદનલાલ અને કુમુદગૌરી, ડો.ફિરોઝશા અને ડો. બહારબાનુ, શિવાનંદ અને પાર્વતિબેન, પછી સોનાલીજી, યોગેશભાઈ, હેમાલીભાભી અને સૌરભ બીજા નંબરના સ્ટેજ પર ગોઠવાયા. બધી લાઈટ્સ ફરીથી લાંબો સમય સુધી ઝબ્ક્યા કરી. ફ્લ્ડ લાઈટ શેઠશ્રી સુંદરલાલ પર કેન્દ્રિત થઈ. શેઠજીએ આમંત્રિતોને વંદન કરતા સ્ટેજ પર સૌની મધ્યમાં સ્થાન લીધું. ઓર્કેસ્ટ્રાએ હી ઈઝ જોલી ગુડ ફેલો ની ધુન જમાવી. બધાએ તાળિઓના અને ફુટસ્ટ્રોકના તાલથી શામિયાણો ગજાવી મુક્યો.
               ઓર્કેસ્ટ્રા શાંત થઈ ગયું.ઝબુકતી રોશનીએ થાકીને વિરામ લીધો.
મધ્યમાં એક સ્ટેજ ઉપસી આવ્યું. પાંચ શણગારેલા ઊંટ પર બેઠેલા સાજીંદાઓ શહનાઈ પર મંગલ સૂરો છોડતા હતા.
           છેક પાછળથી એક ચાર ઘોડાની બગી દાખલ થઈ. એમાં શ્વેતા અને આદિત્ય હતા. ધીમે ધીમે લાલ ફ્લડલાઈટના વર્તુળ સાથે બગી સ્ટેજ તરફ સરતી હતી. એમાં શ્વેતા અને ઊભેલા હતા. ઊભા થયેલા સૌ તરફ હાથ હલાવતા એને વૃદ્ધ આમંત્રિતો પ્રત્યે નમસ્કાર કરતા હતા.
          ડાબી બાજુ પરથી એવીજ બગી ભૂરી ફ્લડ લાઈટમા સ્ટેજ તરફ આગળ વધતી હતી. એમાં રાજુ અને નિકીતાની વચ્ચે પ્રાચી બધાને વૅવ કરતી હતી.
         જમણી બાજુપરથી લીલી ફ્લડલાઈટમાં આવતી ત્રીજી બગીમાં મોના અને મોહિત હતા. મોના બધાને સ્મિત સાથે ફ્લાઈંગ કિસ આપતી હતી.
         ત્રણે વરરાજાએ ગ્રે ટક્ષિડો પહેર્યો હતો. નવ પરિણીતાઓએ વેસ્ટર્ન લોંગ વેડિંગ ગાઊન પહેર્યા હતા.
         માત્ર અગાઉથી નક્કી કરેલા મર્યાદિત આમંત્રિતોએજ સ્ટેજ પર જઈ નવપરિણીત દંપતિ સાથે હસ્ત ધૂનન કરવાનું હતું.
        ગ્રીટિંગ્સ પુરા થયે સૌથી પહેલા ફ્લોર પર આવી ત્રણ દંપતિએ સ્લો ડાન્સ કર્યો. ત્યાર પછી સ્ટેજના સેકંડ ટયરમાં બેઠેલા વડિલોએ વિવેક પુરતો ડાન્સ્ કર્યો. સુંદરલાલને ડાન્સના માધ્યમ દ્વારા હજારોની હાજરીમાં સોનલીના સ્પર્શસુખનો લાભ મળ્યો. પાર્વતિને બદલે શિવાનંદે પૌત્રી પ્રાચી સાથે ડાન્સ કર્યો. શિવાનંદ બેસી ગયા. એમની જગ્યા સૌરભે લઈ લીધી. નિલીમાએ જોયું કે લાલાજી હતાશ ચહેરે ખૂણા પર અદબ વાળીને ઊભા હતા. ‘ક્યા હુવા લાલાજી? ડેન્સ નહિ કરના?’ ઊંડો શ્વાસ મુકતા લાલાજીએ કહ્યું ‘કોઈ પાર્ટ્નરભીતો ચાહીયેના!’
        ‘આપ મેરે સાથ ડેન્સ કરોગે?’ લાલાજીને માટે જીવનની એ અણમોલ ઘડી હતી. સામાન્ય લાલાજી એક પ્રસિધ્ધ અભિનેત્રી સાથે ડેન્સ કરી રહ્યા હતા. શ્વેતા મેડમની રિશેપ્સન પાર્ટિ જીવન ભરનું સુખદ નજરાણું આપી ગઈ.
         અને પછીતો બધુંજ યુવાન થનગંતુ લોહી બે કલાક નાચતું રહ્યું. દરેક ઉત્સાહને થાક તો હોયજ. બધા થાક્યા. ડિનર શરું થયું.
           ……ભવ્ય રિશેપ્સન પછી ત્રણ લિમોઝિન ત્રણ દંપતીને તાજના હનીમુન સ્વિટ પર લઈ ગઈ. બીજી સાંજે કુટુંબીજનો તાજમા આવી પહોંચ્યા. સાથે ડિનર લેવાયું.
          શ્વેતા અને આદિત્ય હનીમુન માટે હવાઈ ઊપડ્યા. રાજુ અને નિકીતા ન્યુઝિલેન્ડ ગયા. મોહિત અને મોનાએ હનીમુન અમેરિકામાં પોતાના એપાર્ટમેન્ટમાંજ ઉજવવાનું નક્કી કર્યું હતું. એક વર્ષનું પોસ્ટ ગ્રેજ્યુએશન માટેનું રિસર્ચવર્ક પુરું કરવાનું હતું. તેઓએ મુંબઈ, ઉદવાડા, નવસારી અને સુરતના આતસબહેરામની મુલાકાત લઈ ચંદન કાષ્ટ અર્પણ કર્યા. ત્યાંથી વડનાગરના હાટ્કેશ્વર મહાદેવમાં રૂદ્રાભિષેક કર્યો. અંબાજીમા અંબામાતા દર્શન કરી બે દિવસ માઉન્ટ આબુ પર હનીમુન માણ્યું બે દિવસ અમદાવાદમાં વડિલો સાથે ગાળી મોના અને મોહિત અમેરિકા પહોંચ્યા.

2 responses to “વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ [૨૯]

 1. pravinshastri July 30, 2014 at 8:38 PM

  Thanks Sureshbhai, I am touched by your kind comment, you wet my eyes.
  PravIn.

  Like

 2. Sureshkant Patel July 30, 2014 at 8:06 PM

  I will like to add my two ‘SENCE’ worth in here :-
  Pravin’s Art of Writing exels beyond “Lakshman Rekha’s Boundries” in Gujarati language in Originality. The ‘same’- being disected in details here by Madhvi with such an aromatic SWEET discreption and due praise, indeed !
  Yoginiben adorned her Spousal’s abilities in -so called, a ‘nut shell’ !…with lots & lots of Cuppa-Tea & enviable Nashtas – served [at odd hours] on Demand !
  “Truly speaking,at times, One felt Pravin has several ‘Brain Engins’ working at the same time in a sequance – on what he is going to write next………” !!??
  ‘Ak-ho-ek Varus na thajo’ Shashtri Sahib !
  Pun’ jaroor thi Varta-o lakhta rahejo ji

  Suresh*

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: