રક્ત સાગર

રક્ત સાગર

‘કૌન હૈ?’
‘પપ્પા, હું તમારી દીકરી ક્ષમતા.’
‘તું જુઠ્ઠી છે. મારી ક્ષમતા તો આટલી નાની છે.’
સાગરે અર્ધનશામાં હાથમાંની નાની બોટલની સાઈઝ બતાવી.

‘પપ્પા હવે હું મોટી થઈ ગઈ છું. આવતા રવિવારે મારા લગ્ન છે. પપ્પા હું તમને લેવા આવી છું. ચાલો, મમ્મી અને નાના કાકા તમારી રાહ જૂએ છે.’

‘હેં ક્ષમી તું આટલી મોટી થઈ ગઈ અને મને ખબર પણ ન પડી? હું ચોક્કસ આવીશ. સરિતાને પણ લઈ આવીશ. બોલિવૂડ સ્ટારની દીકરીના ધમાકેદાર વૅડિંગ થશે.’

‘પપ્પા સમાચારમાં વાંચ્યું હતું કે તમારી સરિતા સરિતા નથી. એ તો તમને છોડીને ક્યારની ચાલી ગઈ છે. એ તો ઋચા છે. તમે સાગર નથી રહ્યા. તમે મારા વ્હાલા પપ્પા કાન્તીભાઈ છો. લગ્ન તો તદ્દન સાદાઈથી જ કરવાના છે. તમારે આવીને કન્યાદાન કરીને માત્ર આશીર્વાદ આપવાના છે.’

‘દીકરી, હું આજે તો નહીં પણ પરમ દિવસે સવારે જરૂર આવીશ. કન્યાદાન માટે જરૂરી ઝવેરાત ખરીદવાનું છે. તું ફિલ્મ સ્ટાર સાગરની દીકરી છે.’

‘પપ્પા હું તમને મારી સાથે જ લેવા આવી છું. ચાલો અત્યારે જ.’
‘ના બેટી હું ચોક્કસ પરમ દિવસે આવી પહોચીશ. પ્રોમીશ.’

કાન્તીની અંદર રહેલો સાગર, દીકરીની સાથે ન ગયો. દીકરી નિરાશ પગલે બિસ્માર ચાલીના પગથીયા ઉતરી ભીની આંખે ચાલતી થઈ.

કાંતી નાટકોમાં કામ કરી રંગભૂમિનો જાણીતો કલાકાર બન્યો હતો. ગુજરાતી ઉપરાંત હિન્દીભાષાના નાટકોમાં પણ એનું નામ ગાજતું હતું. નાટ્ય પ્રવૃત્તિ જ એનું જીવન હતું. બેન્કની નોકરી એને અનુકૂળ ન આવી.

કોલેજ મિત્ર શોભના સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. શોભના હાઈસ્કુલમાં શિક્ષિકા હતી. સંસાર સારી રીતે ચાલતો હતો. કાંતી એક સુંદર દીકરી ક્ષમતાનો બાપ બન્યો હતો.

પીઢ કલાકારને ટેલિવૂડમાંથી ”તરસા સાગર”ની સિરિયલમાં કામ કરવા આમંત્રંણ મળ્યું. ત્રીસ વર્ષના સમૃધ્ધ પ્રભાવશાળી બિઝનેસમેન સાગરની અઠાર વર્ષની રમતિયાળ સેક્રેટરી તરીકેનું પાત્ર ડ્રામા સ્કુલની ગ્રેડ્યુએટ અને મૉડેલ સરિતા તરીકે ઋચાને ફાળે આવ્યું હતું. “તરસા સાગર”નો ટીપીઆરનો આંક દિવસે ને દિવસે નવી ઊંચાઈ પર પહોંચતો. કાંતી અને ઋચાના મૂળ નામ ભૂલાઈ ગયા. બન્ને સાગર અને સરિતા બની ગયા.

પબ્લિસિટિ મેનેજરની સલાહ પ્રમાણે ઋચા અને કાંતીએ એક ફ્લેટમાં રહેવા માંડ્યું. સિરિયલને સારો વેગ મળ્યો. કાંતિ વાસ્તવિક રીતે સાગર બની ઋચાને સરિતા બનાવી જીવતો રહ્યો. નાનો ભાઈ સુરેશ, પત્ની શોભના અને દીકરી ભૂલાઈ ગયા.

સિરિયલ પાંચ વર્ષ ચાલી. સિરિયલની સફળતા અને ઋચાના મેનેજરની કાબેલિયતથી સિરિયલના બેઇઝ પર એક નિર્માતાની ફિલ્મમાં બન્નેની મુખ્ય ભૂમિકા વાળી ફિલ્મ ઉતરી. બન્ને ટેલિવૂડ કલાકારમાંથી બોલિવૂડ એક્ટર બની ગયા. ફિલ્મ સારી રીતે પીટાઈ ગઈ.

આમ છતા, ત્રેવીસ વર્ષની ‘હોટ’ ઋચા દરેક નિર્માતાની માનીતી સ્ટાર થઈ ગઈ. ઋચા ફિલ્મ ઈન્ડસ્ટિઝ ના વણલખ્યા નિયમો જાણતી હતી. કેમ આગળ વધવું તે માર્ગો જાણતી હતી. એણે એક સાથે ત્રણ ફિલ્મો સાઈન કરી. પાંત્રીસ વર્ષીય સાગર-કાંતી ફૅંકાઈ ગયો.

એક સવારે ઋચાએ કહ્યું

‘ડિયર કાંતી, હું આજથી બીજા ફ્લેટમાં રહેવા જવાની છું. તારી સાથે રહીને મને ઘણું શિખવા મળ્યું છે. થેન્ક ડિયર. મેં મારા નિર્માતાઓને તારે માટે વાત કરી, પણ કોઈએ તારે માટે ઉત્સાહ બતાવ્યો નથી. માય ફ્રેન્ડ, ગો બેક ટુ યોર ફેમિલી. ગો બેક ટુ સ્ટેજ. યુ આર ગુડ આર્ટિસ્ટ. બોલિવૂડ માટે કાંતી ઘણો નાનો છે.

‘સરિતા, મને આશા છે કે કોઈ પ્રોડ્યુસર તો મને તારી સાથે ફરી એકવાર તક આપશે જ. આપણે સાથે રહેવા જ સર્જાયલા છે. પ્લિઝ ડોન્ટ લીવ મી.’

‘નો હની અવર ટાઈમ ઈઝ ઓવર.’

‘મેં મારી જીંદગીની તમામ કમાણી તારા સુખને માટે ખર્ચી છે. આપણી પ્રસિધ્ધી માટે વેડફી છે. તું જશે તો હું ક્યાંયનો એ ન રહીશ. ફ્લેટનું ત્રણ મહિનાનું ભાડું પણ ચઢી ગયું છે.’

‘દોસ્ત, હું તને થોડી માદદ કરીશ. તું તારા ફેમિલી સાથે રહેવા ચાલ્યો જા. તું ફિલ્મ જગત માટે પાંત્રીશ વર્ષનો કેરેક્ટર આર્ટિસ્ટ પણ બની શકે એમ નથી. તું એક જ ટાઈપમાં ઢાળી દેવાયલો અને ભૂલાયલો કલાકાર છે. વાસ્તવિકતા સ્વીકારી લે. તારા મગજની, કાંતી એટલે ‘સજીવ કુમાર’ કે ‘પરેશ રાવળ’ એવી ભ્રમણાંમાંથી બહાર નીકળ. તું સાગર નથી. હું સરિતા નથી. સર્જકો પાત્રમાં દેહપ્રવેશ કરી પાત્રને જીવંત બનાવે છે. પણ સર્જકો પાત્રોનું જીવન જીવતા નથી. સાગરના પાત્રમાંથી બહાર આવી જીંદગીની વાસ્તવિકતા સ્વીકાર. વી આર જસ્ટ ફ્રેન્ડ. વી આર નોટ લવર. જે જાહેર છે એ માત્ર પબ્લિક રિલેશન સ્ટન્ટ છે.’ ઋચાએ કાંતીને નકરી વાસ્તવિકતા સમજાવી.

‘તું કોઈ બચ્ચન કે કપુર પરિવારનો નથી કે કોઈ નિર્માતા તારે માટે જોખમ ખેડી તને બીજી તક આપી ચમકાવે. તારીને મારી સરખામણી શક્ય જ નથી. આપણે થોડો સમય સાથે રહ્યા એ પણ એક સિરિયલ પબ્લિસિટિનો સ્ટન્ટ છે તે તું પણ જાણતો જ હતો. આપણે લવર નથી. સિરિયલ સમાપ્ત થઈ ગઈ. સાગર-સરિતા અદ્રુષ્ય થઈ ગયા. મારે ઘણું આગળ વઘવાનું છે. તારે પાછા વળવાનો સમય ક્યારનોએ પાકી ગયો છે. વિશ યુ બેસ્ટ લક’

‘પ્લીઝ સરિતા ડોન્ટ લીવ મી. હું બરબાદ થઈ જઈશ. આઈ લવ યુ. યુ આર માઈ લાઈફ. તારે ખાતર તો મેં મારું કુટુંબ છોડ્યું. હું તારા પ્રેમનો હંમેશ તરસ્યો છું તારા વગર હું નહીં જીવી શકું.’

‘કાંતી પાગલપણું છોડ. તું દિલીપકુમાર નથી અને હું સાયરાબાનુ નથી. તું બોનીકપુર નથી અને હું શ્રીદેવી નથી. બનવુંએ નથી. લે આ પચ્ચીસ હજાર રાખી મૂક. ફ્લેટ છોડી ઘર ભેગો થા. આઈ લવ યુ.’

અને બીજે દિવસે ચિત્રજગતના સમાચારોમાં “કાંતી-સાગરની નાગચૂડમાંથી આખરે સ્ટાર ઋચાનો છૂટકારો” જેવા જાત જાતના કલ્પીત સમાચારથી કાંતી એક સમયના હિરોમાંથી વિલન બની ગયો.

સમાચાર સાંભળી પત્ની શારદા એને લેવા આવી.

‘કાંતી, હજુ સમય છે. ઘરે પાછો ચાલ. તું ભલે ન કમાય, મારી નોકરીમાંથી આપણા સૌનો રોટલો નીકળી જશે. લોકલ સ્ટેજ પર હજુ પણ સારા શો થાય છે.’

‘ના શારદા હું બોલિવૂડનો સ્ટાર બનીને તને લક્ઝૂરિયસ એપાર્ટમેન્ટમાં રહેવા લઈ જઈશ. બસ થોડો સમય રાહ જો. જો મારી સરિતા પાછી આવશે તો હું તને અને સરિતાને સરખો સમય ફાળવીશ.’

…..અને શારદા નિરાશ થઈ ને પાછી વળી.

ભવ્ય ભાવીના સ્વપના જોતા કાંતીને આધુનિક સગવડવાળા ફ્લેટમાંથી ભાડું ન ભરાયાથી હાંકી કાઢવામાં આવ્યો. એક મજુર વર્ગની ચાલીમાં એક રૂમમાં રહી ટીવી સ્ટુડિયોમાં કામને માટે ભટકતો રહ્યો ત્રીસીના દાયકાનો કાંતી પચાસનો હોય એવો લાગતો હતો. જૂની ઓળખાણવાળા નિર્દેશકો કદાચ કોઈ નાનો રોલ ઓફર કરતાં તો તે નકારતો અને લીડ રોલની અપેક્ષા રાખતો.

ઋચા એની જીંદગીથી ઘણી દૂર નીકળી ગઈ હતી. ઋચાની આજુબાજુ પોતાના કમાન્ડો અને પ્રસંસકોનું એવું વ્યવસ્થીત કવચ બની ગયું હતું જે ભેદીને કાંતીથી એને મળી શકવાની વાત તો બાજુ પર રહી પણ ઋચાને નજીકથી જોવાનું પણ શક્ય ન હતું.

એના ફ્લેટની આજુબાજુ આંટા મારતો તો ગુરખાઓ એનું અપમાન કરી ઢોરની જેમ હડધૂત કરી હાંકી કાઢ્તા.
આજે ચાલીમાંના કોઈની પાસે સસ્તા દારુની ભેટ કે ભીખ મળી હતી. એકાદ ઘૂંટ પીધો ત્યાં દીકરી લગ્નમાં બાપને કન્યાદાન આપવા લેવા આવી ચઢી. દીકરીને પરમ દિવસે આવવાનું વચન આપી વિદાય કરી.

બીજી સવારે એણે એક કાર્ડબોર્ડ પર મોટા અક્ષરે લખ્યું.

“મહેરબાની કરી પહેલા વેલેન્ટાઈન ડે પર આપેલો મારો હીરાનો હાર પાછો આપ. મારે મારી દીકરીને કન્યાદાનમાં આપવો છે.”

સવારથી તે ગેઇટ આગળ ઋચાની બહાર નીકળવાની રાહ જોતો હતો. આખરે છેક બપોરે ત્રણ વાગ્યે ઋચા જાણીતા યુવાન સહકલાકાર સાથે કારમાં બહાર નીકળી. કાંતી કાર સામે આવીને ઉભોરહ્યો. લખેલ કાર્ડ્બોર્ડ ઋચા આગળ ધર્યુ. ઋચાએ વાંચી મોં ફેરવી લીધુ. કારમાંથી યુવાન બહાર્ નીકળ્યો.

‘ભીખમંગા કુત્તા દૂર હટ યહાં સે’

કાંતી ન હટ્યો. ઋચા માય સરિતા, પ્લીઝ મને મારી દીકરી માટે હાર આપી દે. બસ બીજું કાંઈ જોયતું નથી.

કાંતી વધુ કાઈ બોલે તે પહેલા તેના મોં પર યુવાનનો પોલાદી મુક્કો પડ્યો. દાંત તૂટ્યો. નાકમાંથી લોહીની ધાર ઉડી. તફડીને એ નીચે પડ્યો. યુવાને કાર હંકારી મુકી.

કળ વળતાં, ધીમે રહીને ઉઠ્યો. કાનમાં સતત અવાજ ગુંજતો હતો. “ભીખમંગા કુત્તા” “ભીખમંગા કુત્તા” “ભીખમંગા કુત્તા”

ચાલીની ઓરડી પર પહોંચ્યો. એક કવરમાં કાગળ મુક્યો. ‘બેટી, હું કન્યાદાન કરવા નહીં આવી શકું. મને માફ કરજે. સુખી થજે. અખંડ સૌભાગ્યવતી ભવ.’ પત્ર રવાના થઈ ગયો.

કાંતી ફરી રાત્રે ઋચાની રાહ જોતો એના બંગલાની બહાર આંટા મારતો હતો. વારેવારે એનો હાથ ફાટેલા પાટલૂનના ગજવામાં જતો હતો. આખરે મોડી રાતે એની કાર આવી સાથે એજ એનો નવો પ્રેમી હતો.

એ કાર સામે ઉભો રહયો.

યુ ફ…ગી (અંગ્રેજી ગાળ) અગેઇન?
યુવાન બહાર નીકળ્યો. …

……અને કાંતીના હાથમાંની રિવોલ્વરમાંથી બે બુલેટ યુવાનની છાતીમાં ધરબાઈ ગઈ. ‘હાં મેં ભીખમંગા કુત્તા. તેરા ખૂન પી જાઉંગા.’

કાંતી કાર પાસે ગયો. ઋચા થરથરતી હતી. ‘પ્લીઝ નો, પ્લીઝ નો..’

બીજી એક બુલેટ સીધી ઋચાના કપાળમાં ચાલી ગઈ. ‘આઈ લવ્ડ યુ સરિતા.’

મૃત ઋચાની નજીકમાં જઈ કાંતી-સાગરે પોતાના લમણામાં વધેલી બે-ત્રણ બુલેટનો સમાવેશ કરી દીધો. કાર પાસે ત્રણ લાશમાંથી રક્ત સાગર સર્જાઈ ગયો.

8 responses to “રક્ત સાગર

 1. pravinshastri December 20, 2016 at 11:23 PM

  મારી જૂની વાર્તાઓ મારા નવા વાચક મિત્રો માટે રીપીટ કર્યા કરું છુ. આપે તો મારી દરેક વાર્તાઓ વાંચી જ છે. આપનો ઘણો આભારી છું

  Like

 2. મનસુખલાલ ગાંધી December 20, 2016 at 10:22 PM

  દોઢ વરસ પછી વાર્તા ફરીથી વાંચી…. માત્ર વારતા નથી….ફીલમ હોય કે ટીવી સીરિયલ, ઘણા કલાકારોના જીવનની એક વાસ્કતવિતાભરી જીંદગી છે…

  Liked by 1 person

 3. aataawaani December 20, 2016 at 7:42 AM

  પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ
  દારૂડિયો તો બાટલી બતાવીનેજ કહે અને શિકારી હોય એ પિસ્તોલ બતાવીને કહે અને શાસ્ત્રી હોય એ ગીતા બતાવીને કહે આટલી તું નાની હતી .

  Like

 4. aataawaani February 27, 2015 at 1:09 PM

  રક્ત સાગર બહુ સમજવા નેવી કહાણી છે

  Like

 5. pravinshastri February 18, 2015 at 10:49 PM

  ગાંધી સાહેબ આપના પ્રતિભાવ બદલ આભાર.

  Like

 6. mdgandhi21, U.S.A. February 18, 2015 at 9:49 PM

  બહુ સુંદર વાર્તા…..કરૂણ પણ ખરી…..

  Liked by 1 person

 7. dee35(USA) February 14, 2015 at 11:53 AM

  સરસ વાર્તા.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: