કૌશિક ચિંતન (૮)

Kaushi Aminકૌશિક ચિંતન (૮)

આખરે મોક્ષ છે શું?

કરોડો માનવી આ ધરતી પર જન્મે છે, જીવે છે, મરણ પામે છે. આમાંથી એકાદનો પણ બેડો પાર થાય છે ખરો? દરેક ધર્મ, ધર્મગ્રંથ પગદંડીઓથી લઈને ધોરી માર્ગ સુધીના મોક્ષ પ્રાપ્તિના માર્ગ દર્શાવે છે. દરેક ધર્મગ્રંથના પ્રેરક, દરેક જીવાત્મા પોતાના શરણે આવે તેવો સંદેશ આપે છે. આ પ્રેરક એટલે કે ઈશ્વર, અલ્લાહ, ગોળ, સુપ્રીમો, જગત નિયંતા તેમના આદેશને ‘માનશો તો તરી જશો’ ની જડબેસલાક ખાત્રી પણ આપે છે. વળી આ પ્રેરકની ફાટક દલાલી કરનારા ધર્મગુરુઓનો તો જાણે રાફડો ફાટી નીકળેલો છે. પેલા પ્રેરકને પામવા માટેની એમની ‘એજન્સી’ મોક્ષ પ્રાપ્તિ ઉપરાંત બ્રહ્મના રહસ્યો અને તમે પામર આત્મા સાવ નીચે ખાઈમાં કે અવ્ગુનોના કળણોમાં ખૂંપી ગયા છો તેમ ઠસાવી તેમાંથી ઉધ્ધાર કરવાની ખાત્રી આપે છે. પેલા પ્રેરક ભગવાન કરતાંયે આ ફટક દલાલ ગુરુઓના હાથ લાંબા છે. જેટલા ભક્તો તેટલા હાથ, પગ અને તેના પરની આંગળીઓ! બસ તમારે તેમની પગચંપી, ચસમપોષી કરવાની, તેમની આંગળી-હાથ ‘ફેવિકોલ’ લગાવીને જકડી રાખવાના! તો તમારો બેડો પર થયો જ સમજો.

 

આ ગુરુઓની આટલી કૃપા બાદ તમે ‘મોક્ષ’ ના આખરી લક્ષ સુધી પહોચો છો ખરા? ધરતી પરના કેટલા આ મોક્ષપ્રાપ્તિ કરી શકે છે? આ કવાયત આખી અર્થપૂર્ણ છે ખરી? આ ગુરુઓનો ધંધો ધમધોકાર ચાલે છે. પેલા પ્રેરક તત્વના નામે પારાવાર છેતરપીંડી ચાલે છે. જેણે સ્વપ્નમાંય ઈશ્વરને જોયો નથી તે તેમનો જીગરી યાર હોવાનો દાવો કરે છે!

 

ઈશ્વરની પ્રાપ્તિ દરેક માટે ગુરુશરણની નથી, તે સ્વાનુભૂતિની જ બાબત છે. ગુરુઓના ચમત્કારો તેમના ધંધાની જાહેરાત માત્ર છે. પાણી ઉપર ચાલવાની વાત હોય તે હાથમાંથી કે ફોટા ઉપરથી ભભૂતીની ઝરમર થવાની બાબત ધતિંગનો ભાગ જ છે. અને માનો કે તે ચમાત્કારો સાચા છે, તો તમારે એને શું ઘોળી પીવા છે? તેનાથી તો તમને સાક્ષત્કાર થવાનો જ નથી! આ ચમત્કારી પુરુષોને પણ ઈશ્વર પ્રાપ્તિ થઇ છે ખરી? આરાધના અને સિદ્ધિ બે અલગ બાબતો છે. તમારે-સાધકે નક્કી કરવાનું છે, શું જોઈએ છે?

એક હદ સુધી કદાચ ગુરુ ઉપયોગી થાય. ગુરુના નકશે કદમ ઉપર ચાલી પણ શકાય, પરંતુ અંતે તો તમારે તમારા પગ પર જ ચાલવાનું છે. ગુરુનું કર્મ હોકાયંત્રથી વધુ નથી. તેમની ભક્તિ-પૂજામાં અટવાઈ જવાનું નથી. ગુરુના ચરણ અને શરણ એ જીવનના આખરી લક્ષ હોઈ ન શકે. તે તમારી જીંદગી વેડફશે.

ગુરુ પણ શિષ્યોની સંખ્યા વધારવામાં જ અટવાયેલો, ભટકી ગયેલો આત્મા છે. ગુરુ-શિષ્યનું કર્મ એક બીજામાં અટવાઈને ભટકી જવાનું નથી.

મોક્ષનો માર્ગ, દરેકે પોતાને-સ્વને ઓળખીને જ ધ્યેય પ્રાપ્તિ સુધી પહોચવાનો છે.

સૌજન્ય – ગુજરાત દર્પણ

જાગૃત જીવન (February 2014)

9 responses to “કૌશિક ચિંતન (૮)

 1. Sharad Shah March 26, 2015 at 3:00 PM

  પ્રિય પ્રવિણભાઈ;
  પ્રેમ.
  બીજા મિત્રોની જેમ હું પણ એક ખોજી માત્ર છું. ખબર નથી, પરંતુ કોઈ ડાબા
  હાથે જાણે અજાણ્યે સતકાર્ય થઈ ગયું હશે અને આ જન્મે અનેક સતગુરુઓ મળ્યા
  છે. હું જે લખું છું તે ખરેખર હું લખું છું કે કોઈ અગમ્ય શક્તિ લખાવે છે
  તે ય ખબર નથી. પરંતુ મારિ કોઈ વાત આપને કે આપના વાચક મિત્રોના હૃદયને
  સ્પર્શે તો સમજજો કે એ વાત મારાગુરુ તરફથી આવેલી છે અને મારી વાત ખુંચે
  તો સમજજો કે હું વચમાં ક્યાંકા આડો આવી ગયો હોઈશ અને મને ઉદાર મને ક્ષમા
  કરજો.
  બીજું કે મને બહુ લખતા આવડતું નથી. પરંતુ ભિતર જોવાની આદત પડતી જાય છે
  તેમ તેમ ખબર પડે છે કે મને જે આડું આવે છે તે મારી ભિતરનો કચરો જ છે. અને
  જેમ જેમ આ કચરો દુર થતો જાય છે તેમ તેમ એક રાહત અનુભવાય છે. જ્યારે કોઈ
  મિત્રોને પણ આવી પીડામાં જોઊં છું જે પીડા એક સમયે હું પણ ભોગવતો હતો
  ત્યારે એમ થાય કે લાવ કાંઈ લખું. કદાચ એ મિત્રને મારી વાત પકડાય અને તે
  તેની પીડામાંથી મુક્ત થાય. બસ આવી ભાવદશામાંથી લખી નાખું છું.કેટલાંક
  મિત્રો મારી વાતથી ઊશ્કેરાઈ નારાજ પણ થાય છે. પરંતુ મને તેનો બહુ રંજ
  નથી. એક દિ’ તેઓ જરુર સમજશે અને ત્યારે મને કદાચ માફ કરી પણ દે.
  એક સમયે મારા ગુરુ પ્રત્યે મને પણ ખુબ ક્રોધ અને અણગમો હતો. પરંતુ આજે
  હૃદય અનુગ્રહથી ભરેલ છે. અહિં બધું પરિવર્તનશીલ છે. વિચારો, ભાવ, પસંદ,
  નાપસંદ બધું બદલાયા કરે છે. એક પ્રવાહ અને આપણે કાંઠે બેસીને જોવાનું અને
  મજા માણવાની. મારા ગુરુ કહેતાં, મોજમાં રહો અને ખોજમાં રહો.
  શેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ.
  શરદ.

  On 3/26/15, “પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી”

  Like

 2. Sharad Shah March 26, 2015 at 2:22 PM

  અધ્યાત્મ જગતના અનેક બહુમુલ્ય શબ્દોનુ આપણે એટલું બધું અવમુલ્યન કરી નાખ્યું છે કે આવા તમામ શબ્દો તેનો મૂળ અર્થ ખોઈ ચુક્યા છે અને પરિણામ સ્વરુપ અનેક ગુંચવાડા ઊભા થયા કરે છે. અહીં આવા બે શબ્દો પર વાત કરવી છે અને તેના વરવા પરીણામ સ્વરુપ આ લેખ લખાયેલો છે.
  આવો એક શબ્દ છે “ગુરુ”. આપણે માંથી કદાચ મોટાભાગનાને આ શબ્દનો ડિક્શનરી અર્થ ખબર હશે. (અંધકારમાંથી જે પ્રકાશમાં લઈ જાય તે ગુરુ). પરંતુ વ્યવહારમાં આપણે ઈતિહાસ, ભુગોળ, ગણિત જેવાં વિષયો શિખવનાર શિક્ષકને પણ ગુરુ કહેવા માંડ્યા. કોઈ મેનેજમેન્ટ ગુરુ બની ગયા તો કોઈ મારકેટિંગ ગુરુ.આ શબ્દનુ એટલી હદે અવમુલ્યન થયું કે મિત્રોને, લંપટ રાજકારિણીઓને અને ગમે તેવા લેભાગુઓને માટે પણ આપણે ગુરુ શબ્દ વાપરતા થઈ ગયા. પરિણામ સ્વરુપે અસલી ગુરુને ઓળખવો મુશ્કેલ બની ગયો. હવે ગુરુની આગળ મજબુરીથી અસલી ગુરુ કે સતગુરુ જેવું વિશેષણ લગાવવું ફરજીયાત બની ગયું. તેમ છતાં ગુરુ લોક સમજથી દુર થઈ ગયો. અહિં કૌશિક ભાઈએ જે ચિંતન રજુ કર્યું છે તેમાં આ કન્ફ્યુઝન સ્પષ્ટ દેખાય છે.
  અહિં એવોજ બીજો શબ્દ “ધર્મ” વપરાયો છે આવી જ દશા ધર્મ શબ્દની પણ થયેલી છે. ધર્મનો શાબ્દીક અર્થ છે “ધારયતિ ઈતિ ધર્મ્” અર્થાત જે આપણે ધારણ કરીએ છીએ તે ધર્મ છે.આપણે શું ધારણ કરીએ છીએ? તો ખબર નથી. બેહોશી એટલી સઘન છે કે જે ધારણ કરીએ છીએ તેનો કોઈ અનુભવ જ નથી થતો અને જે એકદિવસ અહિં છોડી જવાના છીએ તેનો જ બોધ થાય છે. જે નાશવંત છે તેને આપણે હું સમજીએ છીએ. જ્યારે ધર્મ છે જે શાશ્વત છે, જે આપણું અસલી રુપ છે તેની પ્રતિતિ કરવાનુ વિજ્ઞાન. પરંતુ આપણે હવે હિન્દુ, ઈસ્લામ, ઈસાઈ, શિખ, જૈન, બૌધ્ધ ને ધર્મનુ લેબલ લગાવી ધર્મ સમજીએ છીએ.શું આ બધા કહેવાતા ધર્મો, ધર્મો ઓછા અને રોગો વધારે હોય તેમ દેખાતું નથી? આવા ધર્મોના નામે લાખો માનવોની હત્યા કરતાં રહીએ છીએ તોય સમજાતું નથી કે આ ધર્મો નહી પરંતુ માનવજાતને લાગેલાં રોગો છે? વળી આપણે ગામમાં મુછો ઊંચી કરી ફરતાં હોઈએ છીએ અને કહેતાં હોઈએ છીએ કે મારો ધર્મ સૌથી શ્રેષ્ઠ છે. ધર્મ શબ્દના અવમુલ્યનની હદ તો એવી વટાવી દીધી છે કે પત્ની ધર્મ, પતિ ધર્મ, દેશ ધર્મ, મિત્ર ધર્મ જેવાં શબ્દોનો બેફામ આપણે ઊપયોગ કરીએ છીએ.બુધ્ધોની વાણીને ધર્મગ્રંથો કહીએ છીએ. હવે આ ઉભા થયેલ ધર્મના જાળામાં અસલ ધર્મ શોધવો ક્યાં? પછી નકલી ધર્મોને ધર્મ સમજી ગાળો દઈએ છીએ અને કહીએ છીએ કે આ કળયુગમાં ધર્મ ખાડે ગયો છે. આપણી બુધ્ધીને થયું છે શું? શું એક નાના બાળક જેટલી બુધ્ધી પણ આપણામાં રહી નથી? ચિંતન જ કરવું હોય તો જરા ભિતર નજર કરવી અને આપણી પોતાની મુર્ખતાઓને જોવી. જેમ જેમ જોતાં જઈશું તેમ તેમ સમજાતું જશે અને સત્ય પ્રગટ થતું જશે. સત્ય ભિતર જ છે પરંતુ આપણી દૃષ્ટી બહાર છે જેથી દેખાતું નથી. કોઈ સતગુરુ સત્ય આપી નથી શકતો, બસ આપણી દૃષ્ટી ભિતર વાળવા માટે પ્રેરી શકે છે અને તે માટે માર્ગદર્શન આપી શકે છે સ્વાનુભવને કારણે. બાકી મહેનત કર્યા વગર મોક્ષ માંગવા નીકળો તો મોક્ષ વેચવાવાળા તો હજારો મળી જવાના. જેવી આપણી વૃત્તિઓ બેકોડીની તેવો મોક્ષ પણ બેકોડીનો મળી જવાનો.

  Liked by 1 person

 3. pravinshastri March 26, 2015 at 1:28 PM

  ભાઈશ્રી શરદભાઈ, આપના પ્રતિભાવ બદલ હાર્દિક આભાર. આપના દરેક પ્રતિભાવો મારે માટે અને મારા વાચકો માટે ઘણાં મૂલ્યવાન છે. દરેક લેખપૂરક પ્રતિભાવો એક સ્વતંત્ર લેખ બની રહે છે. મારી એક આંતરિક ઈચ્છા છે કે આપ મને નિયમિત રીતે કોઈપણ એક વિષયના બંધન વગર, આપના વિચારો મને મોકલતા રહો. ભલે તે ધાર્મિક, સામાજિક, કે રાજકીય હોય. હું તે “શ્રી શરદ શાહની વિચારધારા હેઠળ” મિત્રોની પ્રકીણ પ્રસાદી તરીકે રજુ કરીશ. આપનો આ પ્રતિભાવ હું ફેસબુક મિત્રો માટે શેર કરું છું. વર્ડ ડોક્યુમેન્ટમાં મોકલશો તો મને બ્લોગમાં પોસ્ટ કરવાની અનુકૂળતા રહેશે. આપના વિચારો મને ઘણા ગમે છે.
  Please Send your article to shastripravinkant@gmail.com

  Like

 4. Sharad Shah March 26, 2015 at 11:52 AM

  આપણે જોઈએ છીએ કે ધર્મ એક ધંધો બની ચુક્યો છે. મંદિર, મસ્જીદ, દેવળો, સીનાગોગ, ગુરુદ્વારા કે અન્ય પરમાત્માનુ ઘર ઓછું અને દુકાન વધારે છે. લાખો બની બેઠેલા ગુરુઓ, ગુરુના વેશમાં શયતાન બની લુંટ ચલાવી રહ્યા છે. સ્વાભાવિક જ બુધ્ધીશાળી લોકોની, ધર્મ અને આ ધર્મના ઠેકેદારો પરની શ્રધ્ધા ઊઠી જાય તેમાં કોઈ નવાઈ નથી. મોટાભાગના આ કહેવાતા ધર્મો અને તેના ઠેકેદારો સ્વર્ગ-નર્ક, મોક્ષ કે અવગતિ, પાપ-પુણ્ય, પૂર્વજન્મના કર્મો કે અન્ય ભાત ભાતના ભય બતાવી ગભરુજનોને ખુલ્લે આમ લુંટી રહ્યા છે તેમાં કોઈ મીનમેખ નથી. પ્રથમતો આપણે આવા કહેવાતા ધર્મોને ઓળખવા પડશે. આવા ધર્મો પરથી ધર્મનુ લેબલ દુર કરવું પડશે. જ્યાંસુધી આવા કહેવાતા ધર્મોને આપણે ધર્મનુ લેબલ લગાવીશું તો પરિણામ સ્વરુપ જે અસલ ધર્મ છે તેને અન્યાય થશે અને અસલ ધર્મથી આપણે વંચિત રહી જઈશું, જે માનવ જીવન મળ્યું છે તેનો અંતિમ પડાવ કે ગંતવ્ય છે. સાચો ધર્મ કે સાચો ગુરુ ઓળખવો અતિ મુશ્કેલ છે પરંતુ અસંભવ પણ નથી. અનેક લોક સાચા ધર્મના રસ્તે ચાલ્યા છે અને અનેક સતગુરુઓએ આવા લોકોને તેમના ગંતવ્ય સુધી પહોંચવામાં મદદ કરી છે. આપણા ગાદલામાં માંકડ થાય તો આપણે ગાદલું નથી બાળી નાખતા પરંતુ માંકડ દુર કરીએ છીએ. તો એટલી સમજદારી અવશ્ય હોવી જોઈએ કે ગાદલું નથી બાળી મુકવાનુ. કાંકરા કાઢી ઘંઊ જે પોષક છે તેને બચાવાના છે. આવશ્યકતા છે આપણને ઘંઊ અને કાંકરાની પહેચાન હોવી જોઈએ. આપણી આમ્ખ સ્વસ્થ હશે તો તે ઓળખી શકાશે. એટલે બહુ મોટાં મોટાં ચિંતનો કરવા કે મોક્ષ છે કે નહી કે શું છે? અથવા આત્મા-પરમાત્મા જેવું કાંઈ છે કે નહીં? પૂર્વ જન્મ કે પુનર્જન્મ છે કે ગપગોળા છે? તેવી ખોટી દિશામાં ચિંતન કે ચર્ચાઓ કરીશું તો માત્ર ચર્ચાઓ, દલીલો અને અહમનો ખેલ માત્ર બની રહેશે. આ ચર્ચાઓ અનંતકાળથી ચાલતી આવે છે અને દલીલો અને પ્રતિદલીલો થયા જ કરે છે. અહીં દરેક અતૃપ્ત અને પીડામાં છે. પ્રથમતો આપણને એ સમજાવું જોઈએ કે હું બધું હોવા છતાં અસંતુષ્ટ, અશાંત અને પીડામાં છું. જ્યાંસુધી આટલી સાદી સમજ આવતી નથી ત્યાંસુધી ધર્મના માર્ગે જવું કે સાચા ધર્મને ઓળખવો અસંભવ છે. અને જ્યાંસુધી આપણી ભિતર સાચી પ્યાસ નથી જન્મતી ત્યાંસુધી ક્યારેય સાચોગુરુ મળતો નથી. હા, શઠગુરુઓની મોટી જમાત છે. પ્યાસ જુઠી હશે તો ગુરુઓ પણ જુઠા જ મળે છે. આ નિયમ છે. જે લોકો આવા શઠગુરુઓની જાળમાં ફસાય છે તે બધા કોઈને કોઈ લોભ, લાલચે કે જુઠિ પ્યાસને કારણે જ ફસાય છે. કહે છે ને કે લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે. બસ આવું જ છે. બધું નિયમથી ચાલે છે અને આ નિયમને જ ધર્મ કહે છે. અને જેને આ નિયમો સમજાઈ જાય અને ક્યારેય નિયમ વિરુધ્ધ ન જાય તે મોક્ષને પામે છે. છે ને આ બધું અટપટું? પણ આમ જ છે.

  Liked by 1 person

 5. pravinshastri March 18, 2015 at 10:12 PM

  મોક્ષનો સીધો સાદો સરળ અર્થ મુક્તિ, છુટકારો, ‘એમ્નેસ્ટી’, મોકળાશ. ફ્રીડમ. મૃત્યુ પછીના ધાર્મિક મોક્ષની વાત વાહિયાત અને પાયા વગરની છે. પણ જીવતા જીવત માનવી અનેક રીતે પોતાપણું ગુમાવીને અનેક ક્ષેત્રમાં સ્વેચ્છાએ પરાધીન બનતો જાય છે. એમાંથી મુક્તિ અપાવવાની લાલચમાં બની બેઠેલા ગુરુઓ વળી તેમને વધુને વધુ સાણસામાં જકડતા જોવા મળે છે. જન્મ અને મરણની વચ્ચેના જીવનમાં માનવીએ વૈચારિક પરાધિનતામાંથી મોક્ષ મેળવવો જરૂરી છે. જે માનવી પોતાની સ્વતંત્ર વિચારધારા પ્રમાણે જીવે છે તે જ સાચા અર્થમાં મોક્ષ પામેલો છે. પછી ભલે તેને અન્યોની એપ્રુવલ ના મળે. બસ, જ્યાં બંધન લાગે તેમાંથી છૂટવાનો તમારો પોતાનો માર્ગ શોધો….એમાં જ મોક્ષ છે.

  Like

 6. aataawaani March 18, 2015 at 10:04 PM

  કોશીક ચિંતન ની વાતો ગમે એવી છે . મોક્ષ
  માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારેજ એનો મોક્ષ થઇજ જાય છે માટે આવી ભ્રામક મોક્ષની વાતો ફેલાવનાર ધર્મ ગુરુઓની પાછળ શા માટે ફરવું જોઈએ ?

  Like

 7. Hazari Amrut March 18, 2015 at 8:58 PM

  અમેરિકામાં ન્યુ જર્શી રાજ્યમાં અેક ભારતીય ઉર્ફે હિન્દુ નામ બે જગ્યાઅે સ્વીકારાયેલાં મેં જોયા છે. અેક સિનીયર ડે કેર સેન્ટરનું નામ છે…નિર્વાણ અને અેજ નામનું બોટલમાં પીવાનું પાણી મળે છે.
  ‘નિર્વાણ‘ પામવું હોય તો આ નામનું પાણી પીઓ અને સિનીયર હો તો નિર્વાણ સિનીયર સેંટરમાં જોડાઇ જાવ…તમારો મોક્ષ ગેરંટિડ……..પછી સાઘુ, સંતો, પાખંડી, કથાકારો, ચમચાઓની જરુરત નહિ પડે.
  મોક્ષ નામનું કેળું જેના માથે લાકડી ઉપર લટકાવેલું હોય અેવા માનવીય ગઘેડાઓ પૃથ્વિ ઉપર જીવતાં જીવત નર્ક નામના માનસિક રોગથી પીડાતા રહે છે.
  The best way to predict the future isto create yourself.
  જબ આપકે હાથ હૈ તકદીરકી કિતાબ,
  ક્યા ક્યા લીખા કરેંગે યે અબ આપ સોચીયે.
  મોક્ષની લાયમાં જે જીવન આજે હાથમાં છે તે પણ હાથમાંથી જતું રહે છે. મહાન વિજ્ઞાની આલબર્ટ આઇનસ્ટાઇને સરસ વાત કહી છે, ” Blind faith in Authority is the greatest enemy of the truth.”
  જેને કોઇઅે જોયુ નથી, અનુભવ્યુ નથી…જે ફક્ત બોલવાની ને સાંભળવાની જ વાત છે તેવા મોક્ષને માટે આજની હાથમાં જે જીંદગી છે તેને શા માટે વેડફવી ?

  Liked by 1 person

 8. chandravadan March 18, 2015 at 4:48 PM

  મોક્ષનો માર્ગ, દરેકે પોતાને-સ્વને ઓળખીને જ ધ્યેય પ્રાપ્તિ સુધી પહોચવાનો છે.
  You as the SELF must find that WAY to MOX or the SALVATION.
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar to read the VARTA

  Like

 9. સુરેશ જાની March 18, 2015 at 7:52 AM

  એક હદ સુધી કદાચ ગુરુ ઉપયોગી થાય. ગુરુના નકશે કદમ ઉપર ચાલી પણ શકાય, પરંતુ અંતે તો તમારે તમારા પગ પર જ ચાલવાનું છે.

  Very very true

  કોઈનેય ક્યાં નવરાશ છે – એ દિવ્ય જીવન છે કે નહીં એની જાત ચકાસણી કરવા તસુ ભાર પણ એ પર્વતની ઉપર ચઢીને જાત અનુભવ લેવાનો?

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: