જગુ જાડિયાના લગ્ન

જગુ જાડિયાના લગ્ન

JaguJadiyoKhamanDhokalajagu

આતો એક વર્ષ પહેલાના એક દિવસની વાત છે.
હું મારા કોમ્પ્યુટર પર ચેસ રમતો હતો અને જીતવાની નિષ્ફળ કોશીશ કરતો હતો ત્યાં ટેલિફોનની રિન્ગ વાગી.
કોલર આઈ.ડી.માં જોયું તો અમારા સુરતી મિત્ર ચંદુ ચાવાલાનો ફોન હતો. એની સાથે ખપત કરવાનો મૂડ ન હતો. ફોન લેવાનું ટાળ્યું. ફોન ન લીધો. ફરી વાર રિંગ વાગી. મેં ફોન ન લીધો. એના મોંમાં કંઈ કુદરતી સેન્સર હતું કે બીજા સાથે સરસ ગુજરાતી, અંગ્રેજી કે સ્પેનિશ બોલે પણ અમારા બેત્રણ સુરતી ગોઠિયાઓની સાથે વાત કરવાની હોય એટલે ‘સુરતી ભાષા બચાવ’નો નારો શરૂ થઈ જાય. અમે એમને અનેક વખત સમજાવેલું કે ચંદુભાઈ તમે જે સુરતી બોલો એ ભાષા નથી બોલી છે. જનની, જન્મભૂમિ અને જન્મભાષાશ્ચ..હેવન કરતાં પણ ગરીયસી છે એવી એમની દૄઢ માન્યતા. અને એ ન્યાયે ચંદુભાઈની લેન્ગવૅજ અને સુરતી કૂતરાની પૂંછડી… તમને શું મને પણ ખરેખર કંટાળો આવે. બસ આજ કારણે કોમ્યુનિકેશન બાબતમાં એને અનફ્રેન્ડ્લી કરવાનો અનેક નિષ્ફળ પ્રયત્ન કરતો રહું છું. પણ આખરે તો દોસ્ત છે.
ત્રીજી વખત રિંગ વાગી. ફોન ન જ ઉઠાવ્યો. અને એનો મેસેજ….
‘એઈ બે’રા સાસ્ટરી, મને ખબર છે કે ટુ ટારા હગલા કોમ્પ્યુટર પર જ ચોંટેલે ઓહે, ટારી પાંહે જ ફોન પન પરેલો ઓય છે પન ટુ મટલબી બે’રો છે. જાની જોઈને ફોન ઉપારતો નઠી. ડિકરા, મારે ટને એક વેરી ઈમ્પોર્ટન્ટ ગુડ ન્યુઝ આપ્પાના છે. હું અમના જ ટારે ટાં આઉં છું. ટારું ડોર ખૂલ્લુ રાખજે નઈ ટો મારે ડોર ઠોકવુ પરે ને ટારા બઢ્ઢા નેબર બા’ર આવી જાય…..
મેસેજ ટાઈમ પૂરો થયો. પણ એ વાત ચોક્કસ કે અમારા ચંદુભાઈની પધરામણી થવાની છે. મેં મારું ડોર અનલોક કરી દીધું. વધુ રાહ જોવી ન પડી.
…અને થોડી વારમાં જ એમની સવારી આવી પડી. બારણું ખુલ્લું જ હતું એટલે ધમધમાવાની જરૂર ન પડી.
‘જો ટારે હારુ, ગરમ ગરમ સરસિયા ખાજા લાઈવો છું. સાલા અટ્યારના જનરેશનને આપની હુરટી ખાવાની આઈટમનું નૉલેજ ને ટેસ્ટ જ નઠી.” એમણે એક બોક્ષ અમારા કિચન ટેબલ મૂકી દીધું.
‘જો હાંભરી લે. આપને બઢ્ઢાએ પંડર ડિવસ પછી હુરટ જવાનું છે. મે મારા ટીજા નંબરના ડીકરાના સાડુભાઈને ટિકિટની વ્યવસ્ઠા કરવાનું કઈ ડીધું છે.’
‘પણ છે શું?’ મારાથી કંઈ એમ જાણે બરગર કિંગમા જવાની વાત કરતા હો તેમ ઈન્ડિયા દોડીને જવાય નહીં. મારી પાસે એટલા પૈસા પણ નથી. માડ માંડ સોસિયલ સિક્યોરિટી પર લાઈફ એડજ્સ્ટ કરું છું ત્યાં મારાથી ઈન્ડિયા સૂધી લાંબા ના થવાય.’
‘ટુ સાલો પરમેનન્ટ્ ક્રાય બેબી નઈ, પન ક્રાય બુઢ્ઢો છે. ટારી ટિકીત ના પૈહા ઉં આપી ડઈશ બસ…’
‘પણ એકદમ કેમ ઈન્ડિયા જવાનું છે? ઈન્ડિયન ગવર્નમેન્ટ તમને ભારતરત્ન એવૉર્ડ આપવાના હોય તેના સમારંભમાં જવાનું છે?’
‘ઈન્ડિયન એવૉર્ડ માય ફૂત્ત. એના કર્ટાં પન એકસાઈટીંગ વાટ છે. આ તો આપના જગ્ગુ જારિયાના લગનમાં જવાનું છે?’
‘વ્હોટ? જગુ, આપણો જગમોહન?’ મને કોઈ ચમત્કારી ઘટના બનવાની વાત હોય એવું લાગ્યું.
‘હા, હા એજ જગલો. આપનો જગુ ખમન…ટેના લગન છે. ટારુ નવું સરનામું એની પાહે ની ઉટું એટલે એને મારા પર બધાને લઈ જવાની રિસ્પોન્સિબિલિટિ ઠોકી ડીધી છે. ટને ટો એ મોટો ભાઈ માને છે.’
‘ઓહ માય ગોડ! જગુના લગ્ન અને તે આ ઉમ્મરે? જગુની ઉમ્મર અત્યારે સાંઠની આજુબાજુ તો ખરી જ. જો લગ્ન માટે ન્યૂઝપેપરમાં જાહેરાત આપવી હોય તો, કે બાયોડેટામાં વિગત આપવી હોય તો આમ આપવી પડે.
“હેન્ડસમ સુરતી શાકાહારી બ્રાહ્મણ, ઉમ્મર વર્ષ – આશરે ૬૦, ઉંચાઈ ૫’૨” વજન ૨૬૫ પાઉન્ડ. અભ્યાસ બી.કોમ.(ઓનર્સ). વ્યવસાય- સ્વતંત્ર ધંધો, સુરતી ખમણ સ્પેસ્યાલિસ્ટ યુવક માટે, ન્યાત જાત, ઉમ્મર, અભ્યાસ, કે શારીરિક કલરના બાધ વગરની કન્યાએ સીધો આડકતરો નિઃસંકોચ સંપર્ક કરવા નમ્ર વિનંતી છે.”
આવો અમારો જગલાના આ ઉમ્મરે લગ્ન થાય એ અભૂતપૂર્વ બનાવ કહેવાય. અમારે માટે ચંદુભાઈ હેવીવેઈટ કે ઓવરવેઇટ કહેવાય. અમારા બલ્લુભાઈ તો એને સીધું કહે કે ચંદુજાડીયા તું અઠ્ઠાઈ ઉપવાસ કર. પાર્કમાં દોડવા જા. અમારા ચંદુભાઈ જો જગુભાઈની સાથે ઉભા હોય તો હાથી સાથે ઉભેલું મદનિયું જ લાગે.
જગુ અમારા કરતાં ઉમ્મરમાં ઘણો નાનો. પણ અમારી ગેંગમાં અને બોલબેટની ટીમમાં (ખૂલાશો – ક્રિકેટ ટીમ નહીં. બોલબેટની ટીમ) મીઠ્ઠી દાદાગીરીથી દૂધપૌંઆ તરીકે ઘૂસી ગયેલો. દોડીને ફિલ્ડીંગમાં કામ ન લાગે. બોલિંગ પણ દોડ્યા વગર જ કરે. જાણે છૂટ્ટો બોલ જ મારે. બેટીંગમાં પહેલા બોલે જ એલ.બી.ડબ્લ્યુ. થઈ જાય. મોટેભાગે અમે એને વિકેટકિપર કે એમ્પાયર તરીકે ઉભો રાખતા. એના બા જમનાકાકી, સરસ ખમણ બનાવતા અને આખી ટીમને પ્રેમપૂર્વક નાસ્તો કરાવતા.
જગુ એના માંબાપનું મોટી ઉમ્મરે થયેલું એકનું એક હૃષ્ટપુષ્ટ સંતાન. સાત આઠ વર્ષની ઉમ્મર પછી એનું વજન એકાએક વધવા માંડેલું. એનો રંગ પણ ઉજળો. કાયમ હસતું મોં. જાણે કુદરતી સર્જીકલ સ્મિત. ગુસ્સામાં હોય તો પણ મોં તો હસતું જ લાગે. ભણવામાં પણ હોંશિયાર. કોલેજમાં ઘણીબધી છોકરી એની બેનપણીઓ, બધી એને હિન્દીમાં ‘મોટાભાઈ’ કહે. એનું પણ એને દુઃખ નહીં. કોઈ એને પરણવા તૈયાર ન થાય પણ બધી એને લાડથી કહે કે મોટાભાઈ અમને તમારા લગ્નમાં બોલાવવાનું ભૂલશો નહીં. હસતે મોંએ જગુ કહેતો કે ચોક્કસ બોલાવીશ. આજે એ બધી છોકરીઓ દાદીમાં બની ગઈ હશે. બી.કોમ થયા પછી એક બે નોકરી મળી હતી. પણ ફાવી નહીં. ઓફિસની ક્લાર્ક માટેની ખુરસીઓ પર એમના બટ્સ ગોઠવાય નહીં. અને કોઈ એને મોટા સાહેબ કરતાં પણ મોટી ખુરસી આપે નહીં. છેવટે કંટાળીને જમનાબા પાસે ખમણ બનાવવાનું શીખીને પોતાના ઘરના ઓટલા પર જ ખમણની દુકાન શરૂ કરેલી. માંબાપ બિચારા જગુનું કંઈક ગોઠવાશે એ આશામાં અને આશામાં પરલોક સિધાવ્યા.
અમારા બધાના લગ્ન કે બીજા શુભાશૂભ પ્રસંગમાં રસોડું એ જ સાચવતો. અમારા જમાનામાં આજની જેમ કેટરિંગનો રિવાજ ન હતો. લગ્ન પ્રસંગે બધાને કહેતો ફરતો કે ‘આપણે લાયક કોઈ પાત્ર હોય તો જોતા રહેજો’. સમય વહેતો ગયો. જગુ પેન્ટ શર્ટ પરથી કફની પાયજામા પર આવ્યો. કફની પાયજામા પરથી ધોતીબંડી પર આવ્યો અને હું જ્યારે છેલ્લો એને મળ્યો ત્યારે લુંગી અને ગંજીમાં ઓટલા પરની દુકાન સાચવતો હતો. ખમણના ધંધામાં એ પ્રખ્યાત અને પૈસાદાર બન્યો હતો.
માર્બલ મઢ્યું હાઉસ. ખમણ માટેના આધુનિક મશીનો, આઠ-દસ કારીગરો, બે કાર અને ડ્રાઈવર. સુખી હતો. કમાતો અને સખાવતો કરતો રહેતો હતો. પરણવાની ઈચ્છા મરી ન હતી પણ ક્ષીણ થઈ ગઈ હતી. તો યે એ હસતો રહેતો હતો.
અને તે દિવસે ચંદુભાઈ અમારા બધા સુરતી મિત્રો માટેનું જગુના લગ્નનૂં બ્લેન્કેટ ઈન્વીટેશન લઈને આવ્યા હતા. હરખઘેલા ચંદુભાઈ, અમારા બે ત્રણ જણાની ટિકિટ કઢાવવાના હતા. હું, ચંદુભાઈ, સ્વપ્ન દૃષ્ટા બલ્લુભાઈ, અને લલ્લુલેખક અમે ચારે જણા અમારી બેગ તૈયાર કરી બુકિંગની રાહ જોતાં હતાં. છેવટે લગ્નને આગલે દિવસે રાત્રે મુંબઈ પહોંચાય એવી ફ્લાઈટમાં ગોઢવાયા. પણ થોડું નસીબ વાંકું. કંઈક ટેકનિકલ ડિફિકલ્ટીને કારણે અમારું એર ઈન્ડિયાનું પ્લેન ચાર કલાક મોડું ઉપડ્યું. (એર ઈન્ડિયામાંતો આવુ કાયમ બને) બોમ્બે એરપોર્ટ પર અમને લેવા જગુએ મોકલેલ કારડ્રાઈવર રાહ જોઈને ચાલ્યો ગયો હશે. આખરે સુરત માટે બીજી ટેક્ષીની વ્યવસ્થા કરી. ટેક્ષી ડ્રાઈવર સરદારજીએ રસ્તામાં ધાબા પર ચાનાસ્તા માટે એક-દોઢ કલાકનો બ્રેક લીધો. જ્યારે સુરત પહોંચ્યા ત્યારે સવારના લગ્ન પતી ગયા હતા અને રિસેપ્શનનો સમય હતો. હવે હોલને બદલે પાર્ટી પ્લોટમાં આવા પ્રસંગો ગોઠવાય છે. જગુનો પ્લોટ શોધવામાં પણ એવી જ મુશ્કેલી!
આખરે દુરથી ડેકોરેટેડ ગેઈટ દેખાયો. લાઈટેડ સાઈન ઝબુકતી હતી. “ખ્યાતિ વેડ્સ ખમન” સર્પ્રાઈઝ…
વધુ વિચારીયે તે પહેલા એક ગોરો આધેડ આવીને ચંદુભાઈને વળગી પડ્યો અને મને વાંકો વળી પગે લાગ્યો.
“લગ્નમાં ચાર દિવસ પહેલા આવવાને બદલે ચાર કલાક મોડા કેમ આવ્યા?”
સર્પ્રાઈઝ નંબર ટુ. ગોરો ન જાડો ન પાતળો આધેડ યુવાન અમારી સામે ઉભો હતો. શું આ અમારો જગુ જાડીયો હતો?
માનવામાં ન આવે એવી વાત હતી.
‘એઈ મિસ્ટર અમે અમારા ડોસ્ટ જગમોહનના લગનમાં આવેલા છે. આ ટમારા મારવા પર ખમન લખેલું છે એતલે ચોક્કસ જગુ જારિયાનો પાર્તી પ્લોત જ ઓહે. જરા જગુને બોલાવોને!’
‘જૂઓ ચંદુભાઈ લબાડી છોડો. દેખાતું નથી? હું જ તમારો જગમોહન ઉર્ફે જગુજાડિયો છું.’
‘ઓહ માય ગોડ, આઈ ડોન્ટ બિલિવ ધીસ. લેટમી સી. ટુ ટો ભીમમાંઠી એકડમ અર્જુન ઠઈ ગયો.’ અમે પણ આંખો ફાડી નવા જગુને જોતાં હતાં.
સાંઠનો જગુ પચાસનો લાગતો હતો. ‘ક્યા બાટ હૈ! હાવ ડીડ યુ ડુ ધેટ?’ ચંદુભાઈનું મોં એક આખો લાડવો ચાલ્યો જાય એટલું પહોળું હતું.
અને એની પાછળ એક સુંદર મહિલા આવીને ઉભી રહી. સાથે એક મજાનો ટ્રેક રનીંગ ડોગ હતો.
એણે આવીને અમને હાથ જોડી નમસ્કાર કર્યા. ‘આપ સૌ અમેરિકાથી આવ્યા તેનો ઘણો આનંદ છે. થેન્ક. અમારે માટે આપ મિત્રો જ પ્રેમાળ વડીલ છો એમ JM કહેતા હતા. હું જગમોહનને JM કહું છું.’
જગુએ મહિલાની ઓળખ આપી. ‘આ છે મારી જીતનો એવોર્ડ ખ્યાતી. હોસ્પિટલમાં નર્સ છે.’
‘ડોસ્ટ ટુ ગોલ ગોલ વાટ કરીને અમને મેરીગોરાઉન્ડમાં ફેરવવાનું બંઢ કર ને ચોખ્ખીને ચટ વાટ કરી ડે કે ખ્યાટી જેવી બ્યુટીક્વિનને કઈ વૉરમાંથી જીતી લાઈવો? પ્લેઈન લેન્ગેવેજ સિમ્પલ ટ્રુથ.’
‘ડિયર ખ્યાતી તું જ આ વડીલ મિત્રોને આપણી વાત સમજાવી દેને?’
‘વાત ખૂબ સાદી અને સરળ છે.’
‘JM હોસ્પિટલાઈઝ્ડ થયા હતા. એઓ મારા વૉર્ડમાં હતા. એક વાર હું અને મારી નર્સફ્રેન્ડ સુધા, એની રૂમમાં મજાકની વાતો કરતા હતા. અમારા મનમાં એમ કે એઓ ઉંધમાં જ છે. સુધા JMને વર્ષોથી ઓળખે અને એના ખમણની ચાહક પણ ખરી. મને તે દિવસે મશ્કરીમાં કહે કે ‘તારે માટે તો આ અમારા સુનો રેશ્લર જગુભાઈ જેવા જ વેલફિટેડ હસબન્ડની જરૂર છે.’ તો મેં કહ્યું મને તો એનો સ્વભાવ અને એવર સ્માઈલિંગ ફેસ ગમે છે. જો એ આટલા ઓબેઝ ના હોત તો જરૂર એનો વિચાર કરતે. આઈ લાઈક હિમ.’
‘અને ધીમે રહીને JM બેડમાંથી બેઠા થયા. ‘જો હું મારું વજન ઉતારું તો મારી સાથે લગ્ન કરશો?’
‘અમે બન્નેને તો ખ્યાલ પણ નહીં કે એઓ જાગતા હશે અને અમારી વાત સાંભળતા હશે. મને ખાત્રી કે આટલા વજનવાળા સાંઠ વર્ષના માણસને માટે વજન ઉતારવું અશક્ય જ છે એટલે મેં પણ ચેલેન્જ આપી કે જો તમે છ મહિનામાં માત્ર સો રતલ વજન પણ ઉતારો તો હું તમારી થઈને રહીશ, પ્રોમિસ.’
‘બસ ડોક્ટર પણ એમને વજન ઉતારવાનું તો કહેતા જ હતા. એમણે તો ખમણના ગલ્લા પરથી પલાંઠી છોડી સિરિયસલી ડાયેટ પ્લાન શરૂ કર્યો. પહેલા ચાલવાનું શરૂ કર્યુ. પછી આ ટ્રેક રનિંગ ડોગ ‘એરો’ ને લઈ આવ્યા, દિવસમાં બે વાર ડોગ સાથે દોડવાનું શરૂ કર્યુ. ઘરમાં જ જીમ ઉભું કર્યુ. નો સોલ્ટ, નો સુગર, લૉ કાર્બ, હાઈ પ્રોટિન ડાયેટ. બસ શરીર પરના ચરબીના થરો ઉતરવા માંડ્યા. માત્ર પાંચ જ મહિનામાં એકસો બાર રતલ વજન ઉતાર્યુ,’
એક દિવસ મને અને સુધાને હોટેલમાં ડિનર માટે ઈન્વાઇટ કર્યા. વજન ઉતારવાની પ્રેરણા બદલ અમારો આભાર માન્યો. “ખ્યાતીજી જો તમે મારી સાથે લગ્ન કરશો તો એ મારું સદ્ભાગ્ય હશે. પણ એ શક્યતાની આશા નથી રાખતો. મારી ઉમ્મર તમારા કરતાં બમણી છે. હું એવો આગ્રહ ન રાખું કે સામાન્ય વાતોને વચન ગણી લઈ તમને મારી સાથે જીંદગીભર જકડી લેવાની ખોટી આશા રાખું. આજ સૂધી કોઈ પણ છોકરીએ મારી સાથે લગ્નની વાત હસવામાં પણ કરી ન હતી. તમારી વાતોએ મને નવી જીંદગી બક્ષી છે એ જ મારે માટે ઘણું છે. આપણે મિત્ર બની રહીયે તો પણ હું મારી જાતને ભાગ્યશાળી માનીશ. મારી એક રિક્વેસ્ટ છે કે મારે મારી દુકાનનું નામ ખ્યાતી ખમણ રાખવું છે. પરમિશન મળશે?”
‘હું એક વીક પછી જવાબ આપીશ.’ મેં તે સમયે ઉત્તર વાળ્યો હતો.
આખી રાત વિચારતી હતી. પહેલાતો લગ્ન કરવા જ નથી બસ નર્સિંગ દ્વારા થાય એટલી જન સેવા કરવી છે એવી ધૂન હતી. પણ મને થોડા સમયથી મારું જીવન અધુરું લાગવા માડ્યું હતું. એમની સરળતા, ઉમદા વિચાર, સદા સ્મિત મઢેલ ચહેરો અને હેલ્થ માટે સર્જાયલો વિલ પાવર મારા હૃદયને સ્પર્શી ગયો. મારે પણ સથવારાની જરૂર હતી. દુકાનના નવા નામકરણ માટે બીજે દિવસે જ સુધાને લઈને એમને મળવા ગઈ.
‘દુકાનનું નામ “ખ્યાતી ખમણ” રાખવું હોય તો મારી એક શરત છે’
‘જાણ્યા વગર પણ તમારી દરેક શરત મને મંજુર છે.’
‘રોજ રાત્રે આપ્ણે એક બેડમાં સાથે સૂઈ, વહેલી સવારે સાથે બેસી ગરમ મસાલેદાર ખમણ અને ચાનો નાસ્તો કરીયે એ મંજુર હોય તો આજે જ દુકાનનું નામ “ખ્યાતી ખમણ” રાખી શકો છો.’
‘આપે શું કહ્યું? સમજાયું નહિ. યુ મીન…યુ મીન…મેરેજ? સુધા, ખ્યાતિ મને કહો કે હું હોસ્પિટલ બેડમાં સ્વપ્નામાં તો નથી ને? હું અત્યારે ક્યાં છું.’
‘ના જગુભાઈ તમે હોસ્પિટલમાં સ્વપ્ના નથી જોતા. તમે સત્કાર પેલેસ હોટલમાં મારી સાથે અને તમારી ભાવી પત્ની ખ્યાતી સાથે છો. ખ્યાતી આપની સાથે લગ્ન કરી એનું પ્રોમિસ પુરુ કરવા માંગે છે. બસ લગ્નની તૈયારી કરવા માંડો. કોન્ગ્રેચ્યુલેશન.’ સુધાએ સ્પષ્ટતા કરી.
‘બસ આ છે અમારી પ્રેમ કહાણી. મેં આપ અમેરિકાના વડિલ મિત્રોની ઘણી વાત સાંભળી છે. આપ સૌ અહીં આવ્યા એ જ આપનો પ્રેમ પૂરવાર કરે છે. બસ અમને સુખદ દાંપત્ય મળે એવા આશિષ આપો એજ પ્રાર્થના.’ બન્નેની આંખમાં અશ્રુબિંદુ ચળકતા હતા.
‘એઈ સાસ્ટરી, મેં ટારી ટિકીટ કરાવેલી છે. ટુ આપના હેન્ડસ્મ જગુ અને બ્યુટિક્વિન ખ્યાટીના લગનની વાટ ટારા બ્લોગમાં લખજે. ટારી બંડલ વારટાઓ ટો કોઈબી વાંચતું નઠી, પન આપના જગુની વાત ટારા બઢ્ઢા રિડર્સ રીડ કરશે.’
‘ચંદુભાઈ તમે કાયમ આ રીતે જ વાતો કરો છો? અમે પણ સુરતમાં જ જન્મ્યા છીએ પણ હવે સુરતમાં પણ કોઈ આવી વાત કરતું નથી. ખોટું ન લગાડશો પણ તમારી પાસે જ આવી મીઠ્ઠી બોલી સાંભળવા મળી એટલે પૂછાઈ ગયું.’ ખ્યાતિએ ખૂબ જ સરળતાથી ચંદુભાઈને પૂછ્યું
‘ના, હું કાયમ નથી બોલતો; પણ આ શાસ્ત્રીનું ડાચું જોતાં જ મારી જીભનો ઓટોપ્રોગ્રામ શરૂ થઈ જાય છે. શાસ્ત્રી આજથી તારી સાથે સુરતી ભાષા બંધ. સે થેન્ક ટુ ખ્યાતી.’
‘પ્રોમિસ?’
‘ડોન્ટ પૂશ. આઈ એમ નોટ ખ્યાતી. આઈ એમ ઓપન ઇન માઈ ઓલ કમીટ્સમેન્ટ્સ. આઈ મે ચેઈન્જ માય માઈન્ડ એઝ પર માય મૂડ. આપણા આ જગુ લગ્નનો હેવાલ એઝ ઈઝ તારા બ્લોગમાં પબ્લિશ કરવાનો છે.’
હવે મારો છૂટકો છે? મેં તો હેવાલ લખ્યો. પણ એક વર્ષ સુધી બ્લોગમાં પબ્લિશ કરવાનો રહી ગયો. આજે જ સમાચાર મળ્યા કે અમારો જગુ, જોડીયા બાબાઓનો બાપ બન્યો છે. ચંદુભાઈ ચાવાલાને ખબર નથી કે મેં એક વર્ષ પહેલાની વાસી વાત આજે મારા બ્લોગમાં મૂકી છે. આશા છે કે સૌ મિત્રો જગુભાઈને અભિનંદન પાઠવશે. અને ખાસ તો જે મિત્રોનું વજન જરૂર કરતાં વધુ હશે તે કંઈક પ્રેરણા મેળવશે.

19 responses to “જગુ જાડિયાના લગ્ન

 1. pravinshastri April 28, 2018 at 12:04 PM

  આભાર રક્ષાબહેન. હું સુરતમાં જનમ્યો અને સુરતમાં જ મોટો થયો. તમને વાર્તા ગમ્યાનો આનંદ. બસ હળવી વાત જ છે.

  Like

 2. રક્ષા પટેલ April 27, 2018 at 6:06 PM

  સરળ વાર્તાને સુરતી ઓપ આપી અતિ સુંદર બનાવી દીધી. વાંચવાની ખૂબ મઝા આવી!

  Liked by 1 person

 3. pravinshastri March 29, 2017 at 10:12 AM

  અમારા ચંડુ ચાવાલા બઢ્ઢા હાઠે પ્યોર ગુજરાટી બોલે પણ મને જુવે એટલે હુરટી ભૂત જાગે.
  બસ વાંચીને પ્રતિભાવ આપતા રહો.આભાર સાહેબ.

  Like

 4. ગોદડિયો ચોરો… March 28, 2017 at 10:00 PM

  સાસટ્રીરીજી આ જગુ જારિયાના લગન્ની વારટા બવ મજાની સે.

  પન ટમારા લેખોથી મને હુરટી ભાસા આવરી ગૈ

  Liked by 1 person

 5. Madhavi Majmudar August 10, 2015 at 8:02 AM

  Very good story,JAGU!jadiya ne congratulations liked the story.

  Sent from my iPad
  Madhavi Majmudar
  102 Shalin Vrajdham Mandir Road
  Manjalpur Baroda 390011
  Phone:: 09974042104
  Landline:: 0265 2662104

  >

  Liked by 1 person

 6. pravinshastri May 27, 2015 at 2:19 PM

  ભરાવદાર દાઢીની વાત ખાનગી જ રાખજો. જો આપણા સ્નેહિઓ સર્વશ્રી, કનકભાઈ, સુરેશભાઈ, વિનોદભાઈ છોકરીઓની આશામાં દાઢી ઉગાડશે તો એમના છોકરાંઓ એમને સ્વામિનારાયણના સંતોની દિક્ષા અપાવી દેશે.

  Like

 7. aataawaani May 27, 2015 at 2:10 PM

  પ્રિય પ્રવીણ ભાઈ
  ગયે રવિવારે મારા એક 59 વરસના ઓળખીતાએ એક સાઉથ અમેરિકાની 28 વરસની તાજેતરમાં પોતાના પ્રેમીથી છૂટી થએલી છોકરી સાથે ઓળખાણ કરાવી . આ છોકરીએ મારી સાથે હસ્ત ધૂનન કર્યું અને પછી સ્ત્રી સહજ સ્વભાવ પ્રમાણે વાતોએ વળગી . વાત વાતમાં એ મારા ખભા ઉપર ટાપલી મારી લ્યે . મારા ઓળખીતાએ મને કીધું .કે આ છોકરીને હું ઘણો વખતથી ઓળખું છું પણ એણે કદી મારી સાથે આ તમારી સાથે મસ્તીમાં આવીને વાતો કરે છે એવી વાતો કરી નથી એનું કારણ શું ? મેં કીધું મારા એક સ્નેહી સુરતી મિત્ર છે એની વાત જો માની લઈએ તો એ કહે છે કે છોકરીયુંને ભરાવ દાર દાઢી મુછાળા પુરુષો બહુ ગમે છે . એ દાખલો આપેછે ઓશોનો આસારામ બાપુનો અને મને કહે છેકે તમે પણ આલોકોની લાઈનમાં કહેવાવ ઓલો આસારામ બાપુ અને તમે આતા રામ બાપુ પણ એ ભાઈ બોલ્યા આ તમારા શરીર ઉપર એકેય વાળ કાળો નથી એનું શું?

  Liked by 1 person

 8. pravinshastri May 27, 2015 at 11:23 AM

  આતાજી…મારા પ્રણામ. દરેકના જીવનમાં અનેક સલાહકારો આવે છે. પણ કોઈકની વાત હૃદયને સ્પર્ષી જાય છે અને આખું જીવન બદલાઈ જાય છે. કેટલાક જાડા માણસો માટે આ બોધ દાયક વાર્તા છે એમ મારા એક મિત્રએ કહ્યું હતું.
  એક પ્રેમિકાના બોલ પર દાઢી કાઢી નાંખી એમા એના પ્રેમ કરતાં એના પ્રત્યેનો આપનો પ્રેમ વધારે છે એ સાબિત થયું. એને તમારા ગાલ અને હોઠ પર બકીઓ કરતાં ફાવતું ન હતું.
  હવેની ઘણી બધી યુવાન પ્રેમિકાઓને દાઢી વાળા બાવાઓ જ ગમે છે. પછી ઓશો હોય કે આસારામ હોય…આતા પણ એ જ લાઈનમાં આવે.
  ટો આટા ટમે ટમારી દારી બોરાવતા નઈ. જો ટમે દારી સફાચટ કરહો ટો ટમારું જોઈને મોડી પન હજામની ડુકાને જઈને મોરું સફાચટ કરાવી આવહે. કિશોરમોડી મારા દોસ્તાર અમ્રત હજારીના બનેવી થાય ને એનો દાક્ટર ભત્રીજો દિલીપ મોદી પન સુર્ટિ જ છે. પણ એ બઢા બૌ ઊચા સાહિટ્યકારો છે. બૌ મોટા માનસો મારી હાઠે દોસ્ટી નઠી રાખટા. એક ટમે જ આટલા મૉટા સાહિટકાર છો ટો પન મારા પર પ્રેમ રાખો છો. ઠેન્ક્યુ આટાજી.

  Like

 9. aataawaani May 27, 2015 at 3:30 AM

  પ્રિય પ્રવીણ ભાઈ

  તમારા મિત્ર જગુ જગુ ને હવે પાતળિયો કહેવો પડશે જાડિયાને હવે રૂપાળી વાઈફ ખ્યાતી મળી અને ખ્યાતિના બોલ ઉપર પોતાના શરીરના વજનનો જબરો ભોગ આપ્યો કહેવાય ,
  મને પણ મારી પ્રેમિકાના બોલ ઉપર મારી અતિ પ્રિય દાઢીનો ભોગ આપવો પડેલો .
  તમારી સુરતી ભાષા મને ખુબ ગમે છે મારા એક મિત્ર કિશોર મોદી સુરતી છે તેણે મારી એક બુકની પ્રસ્તાવના લખી આપી છે . તેનો સગો દિલીપ મોદી સુરતમાં રહે છે .અમારી અસલી સોરઠ ની ભાષા લોકોને મીઠી લાગતી હોય છે . તેમ સુરતી ભાષા લોકોને મીઠી લાગતી હોય છે .

  Liked by 1 person

 10. Pravin Patel May 20, 2015 at 8:53 PM

  આજે જગુ જાડિયાની વાર્તા વાંચી અને લંચમાં ખમણ ખાવા મળ્યા હવે જયારે જયારે ખમણ ખાવાનો પ્રસંગ થશે ત્યારે ત્યારે જગૂ,ખ્યાતી અને ખમણની વાર્તા ત્રણેય ફોટો સહીત અચૂક યાદ આવશે !

  Liked by 1 person

 11. preeti May 18, 2015 at 7:25 AM

  nice and inspiring love story

  Like

 12. Vinod R. Patel May 17, 2015 at 1:32 PM

  લેખક , ચંદુભાઈ ચાવાલા , સ્વપ્ન દૃષ્ટા બલ્લુભાઈ, અને લલ્લુ લેખક એમ ચાર હુરટી મિત્રો ઘણા દિવસો પછી ફરી પધારી મજા કરાવી દીધી !

  જાડિયા જગુ ને વજનમાં અડધો બનાવી એનાથી અડધી ઉંમરની એક નર્સને મીસીસ ખમણ બનાવી દીધી !

  જગુના લગ્નની વાત આ બુઢ્ઢા રિડરને ગમી .

  Liked by 1 person

 13. pravinshastri May 17, 2015 at 10:14 AM

  આપના તરફથી મળતા સ્નેહ સભર સૂચનોનું મારે માટે ખુબ મોટું મુલ્ય છે. તૃટીઓ તરફ ધ્યાન દોરતા રહેજો. જ્યારે તમે જણાવ્યું કે હું પણ સુરતી છું ત્યારે આપોઆપ એક વિશિષ્ટ આત્મીયતા સ્થપાઈ ગઈ છે.

  Like

 14. મનસુખલાલ ગાંધી, U.S.A. May 17, 2015 at 2:10 AM

  એક સુંદર પ્રેમકહાણી વાંચવા મળી. વર્ણન પણ બહુ સુંદર કર્યુ છે. જોકે તમારા દોસ્તની કંકોત્રી મળી હોત તો ચાંદલો જરૂરથી મોકલત…., પણ કાંઈ નહીં તોય તે, મારા તરફથી અભિનંદન જરૂર થી આપશો..

  Liked by 1 person

 15. ગાંડાભાઈ વલ્લભ May 16, 2015 at 11:04 PM

  સરસ વાર્તા પ્રવીણભાઈ.
  ખરેખર આજે સુરતી બોલી આ પ્રકારની છે? હું છેલ્લાં ૪૦ વર્ષથી પરદેશમાં છું. મુળ તો હું પણ સુરતી જ છું. પહેલાં એક જ જીલ્લો હતો. પાછળથી એકમાંથી ત્રણ થયા. પણ મારા ખ્યાલ મુજબ સુરતી બોલીમાં ‘ત’ને બદલે ‘ટ’ બોલાતો ન હતો. કદાચ અમારા વીસ્તારમાં એવું હશે? એ ખરું કે જુદા જુદા લોકોની સુરતી બોલી પણ જુદી જુદી હોય છે.
  વાર્તા શરુઆતમાં થોડી નીરસ લાગી, પણ પછીથી રસ પડ્યો. હાર્દીક આભાર પ્રવીણભાઈ. મારો અભીપ્રાય એક સાવ સામાન્ય વાચક તરીકે જ છે, હું કોઈ વીવેચક નથી. આથી એને કોઈ મુલ્ય આપવાની જરુર નથી.

  Liked by 1 person

 16. મૌલિક રામી "વિચાર" May 16, 2015 at 10:33 PM

  અરે રે !! sir હુ તો 29 વર્ષ નો નાનો બાળક છુ. અને વાંચન લેખન મા તો હજી જન્મ જ થયો છે મારો. આપ આશીર્વાદ આપો. what’s app ના “W” કરતા wordpress ના “W” નુ notification જોવા ની મઝા જ કાંઈક અલગ છે.

  Like

 17. pravinshastri May 16, 2015 at 10:28 PM

  આભાર રામી સાહેબ. તમારા લેખો જેટલું ઊંડાણ મારી વાતોમાં નથી. બસ વારતાઓ ખરેખર તો વાતો જ છે.

  Liked by 1 person

 18. મૌલિક રામી "વિચાર" May 16, 2015 at 10:09 PM

  બહુ સરસ છે sir !! સુરતી ભાષા ની તડપદી રજૂઆત પણ બહુ રસપ્રદ છે ? તમારી બધી વાર્તા ઓ બહુ સરસ હોય છે પણ આ વાર્તા બહુ મઝા ની છે.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: