વ્યોમ વિહાર – ૩

લેખક: સુરેન્દ્ર શાંતિલાલ ગાંધી
વ્યોમે વિહરતા વિહરતા નજીક ના ભૂતકાળ માં બનેલા એક બનાવ ઊપર દ્રષ્ટિપાત થયો! સાધારણ રીતે રિઅર વ્યુ મિરર પર ડ્રાઇવ કરતી વેળા એ નજર નાખતા રહેવું મુનાસીબ છે, અલબત્ત જો સેલ ફોન નો યુઝ કરવાની ઈચ્છા પ્રબળ હોય અને એક ડોળો કાર ડ્રાઇવ કરે અને બીજો ડોળો સેલ ફોન પર લાઇન મારતો હોય યાને કે “કહીં પે નિગાહેં અને કહીં પે નિશાના” જેવો મહોલ તાદ્રશ્ય હોય તો રીઅર વ્યુ મિરર તેલ પીવા જાય! પણ મારા કિસ્સા માં ના તો હું ડ્રાઇવ કરતો હતો અને નથી મને સેલ ફોન સાથે લગાવ એટલે મારી નજર ભૂતકાળ ની વાત પર મંડાઈ હતી. હવે તો થઇ ને ચોખવટ?
આમેય મારી ગણના પુરાતત્વ ખાતા ના નમુના માં થતી હોય છે! બહુ થયા મારા લોચા લાપસી. જો મુદ્દા ની વાત પર નહીં આવું તો મુદ્દો પણ મારા થી દુર હાલી જશે! હવે મોણ નાખ્યા વગર વાત ના શ્રી ગણેશ માંડવા માં શાણપણ છે.
૦૦૦૦૦
વાત છે આપણા માદરે વતન ના મધ્ય પ્રદેશ ના કોઈ સ્થળે ઘોડે ચઢેલા એક વરરાજાની.
કદાચ એ દુરન્દેશી દેશીએ ચેતી ને ચાલવાનું પસંદ કર્યું હશે અને એટલે લગ્ન ની ધુરા ધૂંસરી નો બોજ ઉઠાવવાની આદત પાડવા માટે બેવડો બની ને પૈણવા હાલી નીકળ્યો! એનું જોઈ ને જાનૈયાઓ પણ બેવડા બની ને ઝૂમતા હતા. અને આપણા લગ્ન સમારંભો માં રાબેતા મુજબ બને છે તેમ અવિવેકી આમન્ત્રીતો ના શબ્દોચાર માં મંત્રોચાર હતા ના હતા થઇ ગયા. એટલે ગોર મહારાજે ગોકીરા ને બંધ કરવાની સુચના કરી. અને વરરાજા અને એના બેવડા વળેલા જાનૈયાઓ એ માનહાની ના લાયસન્સ હેઠળ ગાળા ગાળી ની મશીનગન ચલાવી ને બિભીત્સ ગાળો ની ગોળીઓ વરસાવી. આખરે એ લોકો છોકરા વાળા હતાને! પણ વરરાજા મુરત જોયા વગર ઘોડે ચઢ્યા હશે અથવા એમની ઈજ્જત નો ભાજીપાલો થવાનું વરદાન લઇ ને પધાર્યા હશે, જે હોય તે પણ આવી બેહુદી વર્તણુક થી રોષિત કન્યા એ મંડપ ત્યાગ કર્યો અને આવા ખડૂસ ને માથે ખાસડંહ મારી ને લગ્નગ્રંથી થી જોડાવાની ઘસી ને ના પાડી. કન્યા ના સદભાગ્યે એના માં બાપ અને સગાઓ એ એના નિર્ણય ને સબળ ટેકો આપ્યો. પરિણામે ક્લોરોક્સ ના કરી શકે એવી ધોલાઈ થી બ્લીચ થયેલા વરરાજા ને જોઈ ને કાપુસ ની પુણીઓ પણ ફિક્કી થઇ ગઈ. વરરાજા અને જાનૈયાઓ ક્યાંક હાથ માં ના આવી જાય એ ડરે નાક પર હાથ નતા ફેરવતા! મિયા પડ્યા પણ ટાંગ તો ઉંચી રાખી ને પોલીસ માં કન્યા વિરુદ્ધ ફરિયાદ નોધાવવા ઉતાવળા થયા! પણ વરરાજા પર રાહુ ની વક્ર દૃષ્ટિ પડી હશે! પોલીસવાળાઓ એ પણ ફરિયાદ ને દાદ આપવાની ના પાડી! પરિણામે પોન્ખાયેલા વરરાજા બે પગ વચ્ચે પુંછડું દબાવી ને ધોયેલા મૂળા જેવા પાછા ફર્યા.ઇતિ પરિણય પુરાણ સમાપ્ત.
પણ પારાયણ તો ચાલુ રહેશે. આવી વીરબાળા ને તો કમ સે કમ પદ્મશ્રી નો ખિતાબ તો એનાયત થવો જ જોઈએ. સ્ત્રી સન્માન અને અધિકારો ની સૈકાઓ થી ચાલતી નિષ્ફળ ચળવળ ને આ બાળા એ પ્રબળ વેગ અર્પ્યો! એની મર્દાનગી એ મુછાળાઓ નું મુછ મુંડન કર્યું. હવે પછી વરરાજાઓ અને જાનૈયાઓ ને લગ્ન સમારંભ ને યોગ્ય વર્તણુક કેળવવાની ચેતવણી મળી. કદાચ વીમા કમ્પની આવી કફોડી હાલત માં થી ઉગરવાની પોલીસી ઇસ્યુ કરે તો નવાઈ નહી. અલબત્ત ડીડકટીબલ તો રહેશે! પોલીસ વાળાઓ એ પણ વરરાજાની રુશ્વત ને અપવાદ રૂપે વશ નહી થવાનું શાણપણ દાખવ્યું એ એમની કલગી માં છોગું બને છે. પણ જ્યાં નિર્લજ્જ મુવી સ્ટાર બબ્બે પદ્મશ્રી લેતા અચકાતા નથી ત્યાં આવી એક અબળા કન્યા નો શું ગજ વાગશે? શું અચ્છે દિન ખરેખર આવશે? કે પછી હોતી હે ચલતી રહેગી? આમેય આપણ ને આપણી સંસ્કૃતિ ના બણગા ફૂંકવાનો શોખ તો છે જ.સદીઓ પુરાણા રીવાજો નું વળગણ એમ થોડું છૂટશે? કન્યા ના માં બાપે હવે પછી ઓછપ અનુભવવાની જરૂર નહી રહે.
જો કે વાચકો મારી સાથે કોઈ પણ પ્રકાર ની ગ્રંથી થી નહી જોડાવવાની ઈચ્છા ને વેગ નથી આપી શક્યા એટલે મારા લેખો વિષે મેં ક્યારેય ઓછપ અનુભવી નથી. અમારું યુગ્મ અનોખું છે! ” કાંટે કા ભી હક્ક હૈ આખિર, વરના કૌન છુડાયે દામન અપના…. સમજી શકો તો સારું નહી તો નસીબ તમારું.
Like this:
Like Loading...
Related
આજે ભણતરની જરૂરિયાતની બધાને સમજ પડી ગઈ છે. આ કન્યા પણ ભણેલી હશે એટલેજ આવી હિંમત બતાવી શકી, બાકી અભણ હોત તો નસીબ સમજીને પડ્યું પાનું નીભાવી લેત.
રહી વાત એવોર્ડની…!!! એ તો જો મીડિયાવાળા વાતને ચગાવે તો, લોકોને અને સરકારને ખબર પડે, પણ, મીડિયાવાળાઓને તો માત્ર ને માત્ર નેગેટીવ વાતોમાજ રસ છે, અહીં પણ જો કોઈ ધીંગાણું થયું હોત, કોઈનું ઢીમ ઢળી ગયું હોત તો તો મીડિયા ગમે તે દિશામાથે કુદી પડત…
મુવી સ્ટારોને પણ જો મીડિયાવાળા જાહેરમાં બતાવે તોજ તેઓ આગળ આવે, બાકી તો આજના મીડિયાવાળા હોય કે રાજકારણીઓ, એ બધાને માત્ર મોદી, રાહુલ, જયલલિતા, કેજરીવાલ વગેરેમાંજ રસ છે…. કોઈને પોઝીટીવ વાતમાં રસ નથી…..
સુંદર લેખ….
LikeLiked by 1 person