ડાયસ્પોરા દાદાઓની મહેફિલ.

 

જલસા છે જલસા. સીધી ને સટાક વાત.

ચાર ચોટલાની નહીં પણ ચૌદ ચોટલીની વાત.
દસ ટાલને બાદ ચાર ધોળાના કાળા કરેલા દાદાઓની વાત.
પાર્કની ત્રણ ચાર બેંચ પર દાદાઓ બેઠા છે. રોજ જ ચૌદ દાદાઓ એકની એક વાત ઘૂંટતા રહે છે.
પૂછશો નહીં. કયા ટાઉનના પાર્કની વાત કરું છું. જોકે આ વાત તો અમારા અમેરિકાની છે પણ કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા ન્યુઝિલેન્ડ કે કોઈપણ ઓલ્ડીલેન્ડના કોઈપણ ટાઉનના કોઈપણ પાર્કના કે દેશી બજારના કોઈપણ ખૂણા પરની બેન્ચની ને લાગુ પડે એવી છે.
અમારા અમેરિકામાં પણ મુરબ્બીઓ માટે ઠેર ઠેર બાંકડાઓ છે. પાર્ક, મોલ, મનમોહન કે મોદી બજારોમાં બાંકડાઓ છે, અધર્મી ઓ માટે પણ મંદીર બહાર બાકડાઓની સગવડ રાખેલી જ હોય છે. દાદીઓ જેટલો સમય મંદિરમાં હોય તેટલો સમય દાદાઓ ભેગા મળી હૈયા વરાળ કાઢી શકે છે. દાદીઓ પણ આવું લેડિઝ રૂમમાં કરતાં જ હોય છે.

મારા વિનોદભાઈ કહે છે અમેરિકાતો સોનાનું પિંજરૂ છે. સ્યોર. નો આર્ગ્યુમેન્ટ. પણ એ ગોલ્ડન કેઇજનું ડોર તો ખૂલ્લું જ છે ને! પણ હવે ઉડી ને કયા કાંટાળા ઝાડ પર બેસવું. અને હવે ઉડવાની તાકાત જ ક્યાં છે?

અમારા વિપુલભાઈ કહે છે કે હવેતો ગામે ગામ વૃધ્ધ વડિલો ભેગા થાય છે વાતો કરે છે. અમારા અમૃતભાઈ પણ કહેતા હતા કે હવે અમેરિકામાં પણ ઘણી જગ્યાઓએ સિનિયરો લો ગાર્ડન જેવી જ કંપની જમાવી વાતો દ્વારા સુખદુખનું સમતોલન જાળવતા થયા છે. હા હા અહીં પણ દાદાઓ પાર્કમાં ભેગા થાય જ છે. સુખ દુઃખની વાતોની ફેંકાફેંક થાય છે. બધા મુક્ત રીતે બોલે છે. પણ કોઈ સાંભળે છે કે કેમ એ સવાલ છે.

seniors on park bench-001

તો ચાલો આજે વાત કરીયે પાર્કને બાંકડે બેઠેલા ભારતથી આયાત કરાયલા બુઢ્ઢાઓની. (સોરી, સોરી, સોરી…  અમેરિકના દેશી સિનિયોર્સની. )

માફ કરજો અસંતોષની પહેલી વાત એ કે અમારે માટે બાગ કે ફૂલોથી મહેકતો, મેનિક્યોર ગાર્ડન બેસવા માટે ધણાં ઓછા છે. અમે પાર્ક કહીયે ત્યાં સાઈડ પર ખાણીપીણીની, ભેળ-પાણીપુરી, પાંઉભાજી લારીઓ નથી. માત્ર ઘાસીયું છે, ઘાસીયું. જેને અમે પાર્ક કહીયે છીએ. એ પાર્કમાં પિકનિક ટેબલ અને બાંકડાઓ છે. જ્યારે ખૂબ તડકો હોય ત્યારે થોડી બેશરમ ગોરી ચામડીઓ બ્રા ખોલીને ઉબડી પડેલી નજરે પડે છે. (એમની લાલ થતી ચામડી જોવા કેટલાક વડીલો ખાસ ડાર્ક ચશ્મા ગજવામાં રાખે છે. બધું ના જોવાય..અને જોયલું બધું તમને ના કહેવાય) આવા પાર્કમાં વડીલોને બેસવું પડે છે. કદાચ તમને પણ ત્યાં બેસવાનું ગમશે. અમારા દાદાઓ ત્યાં બેસી વિચાર વિનિમયનો નિઃશૂલ્ક આનંદ મેળવે છે.

આ અમેરિકન બેન્ચ પરિષદના દેશી દાદાઓ (પ્લીઝ..પ્લીઝ દાદાને ગુંડાના અર્થમાં ના સમજતા.) પોતે પોતાની હેસિયતથી પરદેશમાં ભરાયા નથી પણ પાછલી ઉમ્મરે સગા-સ્નેહિઓએ તેમને આયાત કરેલા છે. એમની ઉમ્મરની રેન્જ ૬૫ થી ૮૫ની છે.

ચાલો તમને બધા અમારા અમેરિકન પાર્કી દાદાઓની ઓળખાણ કરાવું.

*
દાદા નંબર ૧.

આ દાદા સલમાન જેવા બુલી છે અને “માય નેઈમ ઇઝ ખાન” શાહરૂખ જેવા અભિમાની સ્વભાવના છે. આમ જોવા જાવ તો બધા જ ખાનોનો સરવાળો એમના બ્રેઇન સર્લિટમાં ગુંથાયલો છે. સ્વપ્રશસ્તિમાં ચેમ્પિયન છે. એઓ ખૂબ મોટા ઈન્કમટેક્ષ ઓફિસર કતા અને એમને બધા જ સલામ ભરતા. એમના ભવ્ય ભૂતકાળની અનેક વાતો પુનરાવર્તન કર્યા કરે છે. એઓ દરેક વિષયમાં નિષ્ણાત છે. જબરજસ્તીથી બીજા ડોસાઓને સંભળાવે છે. બોલ્યા જ કરે છે. ખાંસતા જાય છે અને સાથે સિગરેટ પણ ફૂંકતા જાય છે. બોલતા થાકતા જ નથી.

*
દાદા નંબર ૨..

નબર એકની સામે ધારીને ધારીને જોતા રહે છે. ખૂબ ધ્યાનથી સાંભળતા હોય એવું લાગે છે. નંબર ૧ ની વાતો પર (વાંચ્યા વગર લાઈક મારનારની જેમ) થોડી થોડી વારે હકારાત્મક ડોકી હલાવતા જાય છે. ખરેખર તો મારી જેમ બહેરા છે. આંખ બંધ કરીને સાંભળે છે કે ઊંઘે છે એ નક્કી કરવું મુશ્કેલ છે.

*
દાદા નંબર ૩.

ક્યાંકથી ગુજરાતી ન્યુઝ પેપર લઈ આવે છે અને અમેરિકાના સમાચાર વાંચે છે. ગોસીપમાં જ ઈન્ટરેસ્ટ છે. એઓ ખાસ કરીને હૉલિવૂડ-બૉલિવૂડની કઈ કઈ એક્ટ્રેસે ન્યૂડ પોઝ આપ્યા તે રસ પૂર્વક વાંચે છે. ફાઈનલી તો એમની વાત સેક્સ તરફ જ વળે છે. જમાનો કેટલો બધો ખરાબ થતો જાય છે તેનો અફસોસ વ્યક્ત કરે છે. પેલી ઉબડી પડેલી લલના ક્યારે ઉભી થાય તેની રાહ જૂએ છે.

*

દાદા નંબર ૪.

હમણાં છ મહિના પહેલા જ ભારતથી આવ્યા છે. બ્રાહ્મણ છે. શનિ રવિમાં સત્યનારાયણ કથા કરાવવાની તક શોધે છે. કાયમ ધોતિયું, કફની, બંડીમાંજ દેખાય છે. ગળાનું મફલર દિલ્હીના અરવિંદભાઈની જેમ ગળે માથે વિંતાળેલું હોય છે. ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિના રખેવાળ છે. એ માને છે કે દાદા નંબર ૩ એ આ ઉમ્મરે આવું જોવું વિચારવું ના જોઈએ. એઓ હંમેશાં ગ્રુપ મેમ્બરને મગજમાં ઠસાવવાનો પ્રયાસ કરતા રહે છે કે આપણે જ્યારે ભેગા મળીયે ત્યારે વાતચીતની શરૂઆત કરતાં પહેલાં જે તે વાર પ્રમાણે ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ. જો તમને ના આવડતી હોય તો હું ઝિરોક્ષ લાવ્યો છું એમાંથી ગાઈએ. ભગવાને આપણને આવા સરસ દેશમાં આવવાની તક આપી છે તેનો આભાર માનવો જોઈએ. અને છૂટા પડતાં પહેલાં ક્યાંતો જણગણમન કે વંદેમાતરમ ગાવું જોઈએ…બીજા ડોસાઓ…(સોરી; દાદાઓ) ઝિરોક્ષ બાજુ પર મૂકીને વાતે વળગે છે. દાદા નંબર ૩ કહે છે, માસ્તર હવે લપ છોડોને યાર.

*
દાદા નંબર ૫.

પ્રખર ભાજપી છે. મોદી ભક્ત છે. મોદી સિવાયની બીજી કોઈ વાત કરતા નથી. વાત સાંભળતા નથી. ઈટાલિયન બાઈ અને તેના જમાઈની જેટલી ખોદાય તેટલી ખોદે છે. “મોદી તો આપણા ખાસ માણસ. કંઈ પણ ગુંચવાડો હોય તો એના સેલ્રેટરીને કહે દાદાને ફોન કરી એમનો અભિપ્રાય લો.” એમને દાદા નંબર ૧ અને નંબર ૬ સાથે રાજકારણની વાતોમાં કાયમ ખૂબ જ જીભાજોડી થાય છે. …પણ બન્ને એકજ રાઈડમાં સાથે આવે જાય છે.

*
દાદા નંબર ૬.

ગજબના રોમેન્ટિક છે. ‘એક ઝમાના થા. હમ ભી કાલિજમેં હિરો બનકે ફિરા કરતે થે. લડકિયાં હમ પે મરતી થી.’ એઓ કોલેજમાં નાટલોમાં ભાગ લેતા. રાજ કપુરના આર.કે. સ્ટુડિયોમાં કાસ્ટિંગ મેનેજરે એમને ઓડિસન માટે બોલાવેલા પણ બોમ્બે જવાનો ટાઈમ ન હતો એટલે સ્ટાર થવાની તક ગુમાવવી પડેલી એવી વાત દર પંદર દિવસે બધાને યાદ કરાવતા રહે છે. હંમેશાં પણ બે પાંચ છોકરીઓના નામ લાળ ટપકતા મોંએ જણાવતા રહે છે. એમને ખરેખર કોલેજમાં પ્રેમ કરવાની તક ન મળેલી કારણ કે આ પટેલભાઈ (હા ભાઈ) તો નાનપણથી જ પરણેલા છે. જો કે કોલેજની એ બધીઓ પણ આજે તો દાદીઓ જ બની ગઈ હશે.

*
દાદા નંબર ૭.

બિચારા દાદા! માથાના રહ્યા સહ્યા વાળથી માંડીને પગના અંગુઠા સૂધીના બધા રોગના સ્વાનુભવી છે. કોઈ પણ દાદા એમની કે બીજાના કોઈપણ રોગની વાત કરે એટલે તરત પોતાના દુઃખડા ગાવા બેસી જાય છે. ખાવાપીવાના શોખને તિલાંજલી આપીને એલોપથી ટ્રીટમેન્ટ સાથે આયુર્વેદની બધી જ પરેજી પાળે છે. દરેક રોગની માહિતી ગુગલમાંથી મેળવીને ડોકટરને પણ સલાહ આપે છે. દરેક રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સેક્રેટરી અને નર્સના નામ મોઢે છે. એમને બધું જ મફત મળે છે પણ ઘરમાંથી કોઈ એની એની સાથે બેસીને સહાનુભૂતિથી વાત નથી કરતું. ઈન્ડિયામાં જીવ ભરાયલો રહે છે.

*
દાદા નંબર ૮.

દાદા નંબર ૭ કરતાં જૂદી ખોપરીના છે. પુત્રવધૂ કડક સાર્જન્ટ જેવી છે. એમને અનકન્ટ્રોલેબલ ડાયાબિટિઝ છે. એ૧સી ૧૦-૧૧ જેટલું રહે છે. આંખ અને કિડની ખરાબ થતી જાય છે. ઘરમાં જરા પણ ગળપણ ખાવા દેતી નથી. મીઠું પણ તદ્દન ઓછું. સારું છે કે સિનિયોર સેન્ટરમાં કાલાવાલા કરીને કે ગુંડાગીરી કરીને ડિઝર્ટના ડબલ ડોઝ માણી લે છે. ત્યાંથી મિઠાઈનુ પડિકું પણ ગજવામાં સરકાવતાં આવે છે. નંબર ૮ ને કહે છે ‘તમે ભૂખા મરશો. હું ખાઈને મરીશ.’

*
દાદા નંબર ૯.

ડોસા મંડળમાં આવે છે. લો પ્રોફાઈલના દાદા છે. સૌ ડોસાઓને (સોરી દાદાઓને) હાઈ કહે છે. ગ્રાન્ડસને ફોન પર ગેઇમ કેમ રમવી તે શીખવ્યું છે ત્યારથી બેસીને ફોન પર આંગળા અંગુઠા રમાડ્યા કરે છે. નિરર્થક વાતોમાં રસ નથી. પણ આવે છે. બેસે છે. અને સૌને બાય કહીને જળકમળવત પાર્કમાંથી નીસરી સીધા ઘેર જાય છે.

*
દાદા નંબર ૧૦.

આ દાદા ઈન્ડિયામાં કાયમ પાયજામા-અને લટકતા બૂશકૉટમાં ફરતા. હવે અહીં પુરા બ્રિટિશ-અમેરિકન થઈ ગયા છે. ઘરની બહાર સ્યૂટ ટાઈ અને ફેલ્ટ હેટ વગર પગ નથી મૂકતા. ખરા ખોટા અંગ્રેજીમાં બેધડક ઠોક્યે રાખે છે. બધા ડોસાઓને (સોરી દાદાઓને) દેશીવેડા છોડીને અમેરિકન થવા હથોડા મારે છે. પણ ક્રિકેટ અને ક્રિકેટરો સિવાય બીજી કોઈ રમતમાં રસ નથી. સ્પોર્ટ્સ્ની બાબતમાં અમેરિકન નથી. અમેરિકન બેઝબોલમાં રસ નથી. સમજ જ નથી પડતી. એમને સિનિયોર્સની ક્રિકેટ ટીમ ઉભી કરવી છે. પણ બધાને માત્ર બેટિંગ જ કરવું છે. બોલિંગ-ફિલ્ડિંગમાં પડવું નથી એટલે ક્રિકેટ ટીમ ઉભી કરી શકતા નથી.

*
દાદા નંબર ૧૧,

કવિ છે. લેખક છે. બ્રીફ કેસ લઈને આવે છે. ખાસ બોલતા નથી. કોઈવાર બુક કે કોઈવાર ટેબ્લેટ પર કંઇક વાંચતા હોય છે. અંગ્રેજી કવિતાઓનો ભાવાનુવાદ કરવાની માથાફોડ કર્યા કરે છે. કવિતાઓ લખે છે. કોઈકવાર પાસે બેઠેલાને સંભળાવે છે. અભિપ્રાય માંગે છે અને છેકા છેકી કરી લખેલું મઠારતા રહે છે. નિસાસો નાંખતા હોય છે કે કોઈ સામયિક એની કવિતાઓ સ્વિકારતું નથી.

*
દાદા નંબર ૧૨-૧૩.

એને શાસ્ત્રીનો તેર નંબરનો અપશુકનિયાળ વાયરસ લાગ્યો છે. એ કોઈની કોઈ પણ વાત ગંભીરતાથી લેતા જ નથી. બધાને ઉશ્કેરવા કંઈક ને કંઈક સળી કરતા રહે છે. ભાજપીની સામે મનમોહનના વખાણ કરે છે. કોન્ગ્રેસીને ભાજપી સાથે લડાવે છે. ધાર્મિકની સાથે રેશનાલિસ્ટ બની જાય છે. રેશનાલિસ્ટ સામે ધાર્મિક બની મહાપ્રસાદ આરોગે છે. નારદવેડામાં માસ્ટરી છે. કોઈની લાગણી દુભાય તો સોરી કહેવામાં શરમાતા નથી.

*
દાદા નંબર ૧૪-.

બીજાના બધાના નામ ન દેવાય (કોર્ટ કેસ થાય) ૧૪ નંબરના દેસાઈ દાદાનું નામ પ્રેમથી અને વટથી લખાય… નંબર ૧૩ એમને આનંદી કાગડો કહે છે. ક્યારે યે કોઈ વાતની ફરિયાદ નહીં. દેસાઈ દાદા ઈન્ડિયામાં રેલ્વે ગાર્ડ હતા. આનંદી સ્વભાવ. સાંઠ વર્ષે પત્ની પરલોક સિધાવ્યા. પોતે દીકરાને ત્યાં પરદેશ આવ્યા. પહેરવા ઓઢવાનો શોખીન જીવડો. ડિઝાઈનર જિન્સ અને ઉપર પોલો ટી-શર્ટ. કાળા ભમ્મર ડાઈ કરાવેલા વાળ અને રૅ-બન સન ગ્લાસીસથી શોભતા દેસાઈ સાહેબને દાદા કહેવાને બદલે દેસાઈ કાકા જ કહેવા પડે. પચાસના જ લાગે. દીકરો-વહૂ ડોક્ટર. દીકરા-વહુ પણ પ્રેમાળ. પોતે ખૂબ જ ફ્લેક્સિબલ. દીકરા-વહુના કોઈ પણ સૂચનમાં એકજ જવાબ. બેટા, નો પ્રોબ્લેમ. પાંસઠ વર્ષે સિટિઝન થયા. ડ્રાઈવિંગ શીખી લીધું. ડાક્ટર દીકરાનો મોટો બંગલો. પોતાનો બાથરૂમ વાળો બેડરૂમ. ઉપરથી એસ.એસ.આઈની મફતની આવક લટકામાં. ફોકટિયા ચંદન ઘસ બે લાલિયા. સવારે ડે-કેરનો આનંદ. સાંજે દિકરાની કાર લઈને લાઈબ્રેરીમાં જાય કે સિનિયોરની બેન્ચ પરિષદમાં જાય. રાત્રે કોમ્પ્યુટર પર ઈન્ડિયાના દોસ્તારો સાથે સોસિયલાઈઝેશન. બે-ત્રણ ડોસા મંડળના આજીવન સભ્ય. ઈન્ડિયાથી આવતા બાવાઓ હોય કે બોલિવૂડની બ્યુટિફુલ બાવીઓ હોય દરેક એમની પાસે કમાય. નાટકો જૂએ, બ્રોડવે પ્લે પણ માણે. દેશ-વિદેશના પ્રવાસમાં ભટકે. દર વર્ષે ત્રણ અઠવાડિયા ભારત ફરી આવે. દીકરા સાથે જાય અને વહુ સાથે પાછા આવે. કોઈ પૂછે દાદા અમેરિકામાં કેવુંક છે. દાદા હસતે મોંએ જવાબ વાળે “અરે! આવો આવો…અમેરિકામાં તો જલસા છે જલસા”.

*
વડીલો તમ તમારે અહીં આવવાની તક મળતી હોય તો સમજી વિચારીને કે વગર સમજ્યે સોનાના તબેલામાં આવી જાવ…શરત માત્ર એટલી જ કે વહુ જમાઈ પાસે વધુ અપેક્ષાઓ રાખવી નહીં. સમજ્યાને?

*

        આ ચૌદ છાપ જોઈને અકળાશો નહિ. આ તો પાર્કમાં ભેગા થતાં દાદાઓની વાત છે. આગળ વાત કરી તેમાનાં  કેટલાક સંતોષી, તો કેટલાંક અસંતોષી, કેટલાંક ખરેખર સુખી અને ખરેખર દુઃખી. કેટલાક સુખી હોવા છતાં સ્વભાવે રડતાંરામ દુઃખી. કેટલાક હઠીલા અને જક્કી તો કેટલાક ફુલ્લી ફ્લેક્ષીબલ.

         કેટલાક મુરબ્બીઓ પાર્કમાં જતા નથી કે જઈ શકતા નથી. તેઓ ઘરે જ બેસીને કોમપ્યુટર અને સ્માર્ટફોન કે ટેબ્લેટનો ઉપયોગ કરીને બાહ્ય જગતનો આનંદ માણે છે. કંઈક સર્જનાત્મક કાર્ય કરે છે.  અને સંતોષથી હિંચકે ઝૂલે છે.

WP_20151219_006.jpg

સૌ વડીલ દાદાઓને સાદર વંદન.

28 responses to “ડાયસ્પોરા દાદાઓની મહેફિલ.

 1. Navin Banker February 21, 2016 at 2:05 PM

  કેટલાક સમય પહેલાં, હું, અમારા સિનિયર્સ સિટીઝન્સ એસોસિયેશનની મીટીંગો જે બેલેન્ડ પાર્કમાં થાય છે તેની વાતો રજૂકરતી એક લેખમાળા ‘ બેલેન્ડપાર્કના બાંકડેથી’ મિત્રોને ઇ-મેઇલથી મોકલતો અને પછી મારા બ્લોગ પર મૂકી હતી. તમારી, દાદાઓની વાતો પણ એવી જ છે. મજા આવી ગઈ વાંચીને.
  નવીન બેન્કર ( હ્યુસ્ટન)

  Liked by 1 person

 2. aataawaani February 16, 2016 at 2:18 AM

  પ્રવીણ કાન્ત શાસ્ત્રીની દાદાઓની પાર્ક પરિષદની વાતો સાંભળવાની ખુબ મજા આવી હવે ટાલ વાળા બાબુઓની કોઈ વખત વાત કરજો . જોકે એમાં બબુડીયુની વાતો કદાચ નહી હોય કેમકે ટાલીયા બાબુદીયોની સાથેની અભદ્ર વાતો કરવી એમને બહઉ ગમતી નથી હોતી . હવેતો જેવી પ્રવીણ ભાઈની ઈચ્છા

  Like

 3. nabhakashdeep February 13, 2016 at 6:49 PM

  આદરણીયશ્રી પ્રવિણભાઈ

  સમય મળે દાદાઓ સાથે બીચ પરની મજા કે સજા માટે અચૂક લખશોજી…કોક વાર અમે જઈએ પણ ખાનગીમાં કહું, જોયેલું બોલીએ નહીં…તમે વ્યંગમાં મમરો મૂકો તો ચાલી જાય.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Liked by 1 person

 4. nabhakashdeep February 13, 2016 at 6:45 PM

  આદરણીયશ્રી પ્રવિણભાઈ

  નામ એવા જ ગુણ…ખૂબ જ સરસ.. ધરાના આ સત્યને નાણી , ગજબ રીતે વ્યંગ કરી..અંદર ઢંઢોળી નાખ્યા આપે. આ દેશમાં …વસતા સઘળા દાદાઓ અંતર વ્યથાને માપી..આ[પના પુરાણનું પાત્ર બની જ જાય. જીંદગીની સત્યતા છે..ઊડીને જવું એટલે કોઈ ખૂણે જઈને પટકાવું.માણ્યું તેનું રટણ કરવું એય છે એક લ્હાવો…જીવે જાઓ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 5. Shabdsetu - Kishore Patel February 13, 2016 at 1:10 PM

  પ્રવીણભાઈ, ખરેખર મજા પડી. હું શરદભાઈ અને વિનોદભાઈના મંતવ્ય સાથે સંમત છું. લોકોને હસાવવામાં તમે પ્રવીણ છો જ. અમેરિકામાં મન મનાવીને ના છૂટકે જીવતા ૬૫ થી ૭૫ વર્ષના મજબૂર ડોસાઓની વાત તો કરી. હવે વર્ષોથી અહીં વસેલા આપણા જેવા ડોસાઓની પણ કહાણી કહી દો.

  Liked by 1 person

 6. pravinshastri February 12, 2016 at 8:41 AM

  પેલી ઉબડી પડેલીને ત્રાંસી આંખે નજર જોઈને આપણે તો આંખો ફેરવવી પડે. હિમ્મતલાલને તો પેલી તરત ઉભી થઈને વળગે અને ફોટુ પડાવે.

  Like

 7. પ્રદીપ નગદીયા February 12, 2016 at 8:37 AM

  પ્રવીણદાદા, મને તો દેસાઈકાકા જોડે જામશે. BTW, તમારા ‘પાનના ગલ્લે’ આ જ બધા ને મળો છો ને

  Liked by 1 person

 8. સુરેશ February 12, 2016 at 8:18 AM

  લીટાડા (સ્ક્રેચ) કરવામાંથી ઊંચો આવું તાંણે બોંકડે બેહું ને? !!
  પણ આજે આ બાંકડે બેહવાની બૌ બૌ મજો આવી ગઈ. આપણા ગોઠિયાઓના મસ્ત સેમ્પલો બતાવ્યા. કમનસીબે અહીં ૭૦,૦૦૦ ના ગામમાં એ શક્ય નથી. પાર્કમાં બૈરાંઓ જ વધારે હોય છે – આતાને ઠીક ફાવે !!!

  Liked by 1 person

 9. Pingback: ( 848 ) ડાયસ્પોરા દાદાઓની મહેફિલ. ….એક દાદાનું દાદા પુરાણ … લેખક- શ્રી પ્રવીણ શાસ્ત્રી | વિનોદ વિહા

 10. Pingback: ( 848 ) ડાયસ્પોરા દાદાઓની મહેફિલ. ….એક દાદાનું દાદા પુરાણ … લેખક- શ્રી પ્રવીણ શાસ્ત્રી | વિનોદ વિહા

 11. Pingback: ( 848 ) ડાયસ્પોરા દાદાઓની મહેફિલ. ….એક દાદાનું દાદા પુરાણ … લેખક- શ્રી પ્રવીણ શાસ્ત્રી | વિનોદ વિહા

 12. Pingback: ( 848 ) ડાયસ્પોરા દાદાઓની મહેફિલ. ….એક દાદાનું દાદા પુરાણ … લેખક- શ્રી પ્રવીણ શાસ્ત્રી | વિનોદ વિહા

 13. pravinshastri December 9, 2015 at 12:02 AM

  હા હા હા હા મનસુખભાઈ તમે તો મારીએ ઊડાડી. મજામાં છોને?

  Like

 14. મનસુખલાલ ગાંધી, યુ.એસ.એ. December 8, 2015 at 11:12 PM

  અધધધધ…..અધધધધ….. આટલા બધા અલગ અલગ ખાસિયતવાળા દાદાઓની વાત વાંચીને દિલ ઝુમી ઊઠ્યું…. કેમકે આમાના બહુ બધાના ગુણો મારામાં છે, એટલે મને પોતાને કોની સાથે ગોઠવવો તેનીજ મને તો મુંઝવણ થઈ રહી છે, એટલે મારો અલગથી નંબર ૧૫મો રાખશો એવી મારી નમ્ર વિનંતિ છે…

  Liked by 1 person

 15. pravinshastri August 4, 2015 at 7:14 PM

  સર્વજ્ઞ દાદા # ૧૫ શ્રી શ્રી ધ.ધૂ. પ.પુ. પ્રવીણજીને એક મહિનાની અંદર અંદર એડિટ કરીને ચોક્કસ સ્થાપીત કરીશ. સર્વજ્ઞ સ્વામિજી ક્રોધાયમાન ના થાવ.

  Like

 16. Pravin Patel August 4, 2015 at 6:34 PM

  ૧૪ એ ૧૪ ( સોરી,અંકમાં નહતું લખવું પણ લખવું પડ્યું ) દાદાઓના બાયો ડેટાઓનો ઝીણવટથી અને હવે મારો નંબર લાગશે તેવી આતુરતા રાખીને અભ્યાસ કર્યો પણ મહેનત નિષફળ નીવડી !
  મારો નંબર આવ્યો જ નહિ !!
  જીવન વ્યર્થ ગયું,ખોટી સફેદી શિરે ચડી !
  કોઈ સામું પણ જોતું નથી તેવી લાગણી થઇ !
  આ લખનારને શ્રાપ દેવાની દુર્વાસા ચળ ઉપડી પણ ભરમ ભાગ્યો તેથી બ્રાહ્મણ બચ્યો !
  હવે તેના દાદા પુરાણમાં ૧૫મો નબર આપી મારો સમાવેશ કરવા એક મહિનો પ્રભુને અગરબત્તી કરવાનો સંકલ્પ કર્યો છે!
  જોઈએ ઈશ્વર તેને કોઈ ઈશારો કરી કેટલો મદદગાર થાય છે !
  8/15

  Like

 17. Madhavi Majmudar June 18, 2015 at 12:45 AM

  Great,very good information about senior citizens,enjoyed.thanks.

  Sent from my iPad
  Madhavi Majmudar
  102 Shalin Vrajdham Mandir Road
  Manjalpur Baroda 390011
  Phone:: 09974042104
  Landline:: 0265-2662104

  >

  Liked by 1 person

 18. Bharat Mehta June 12, 2015 at 1:06 PM

  મઝા આવી ગઈ સીનીઅર સીટીઝનના જગતને જોવાની, જેનો એક હિસ્સો તો હું પણ છું. 2010–12 ની વચ્ચે સીનીઅર સીટીઝંસના પાર્કમા હું બેસવા જતો હતો, એમ તો મને પણ ત્યાં મઝા આવતી હતી…..નરેન્દ્ર મોદીની તરફેણમાં વાત કરવાની અને મોદીના ટીકાકારોનો પ્રતિકાર કરવાની મઝા ઔર જ હતી, પણ મારો ફિલોસોફીક જીવ કંઈક ફિલોસોફીક લખવા ખૂબ બેતાબ રહેતો હતો, તેથી સિક્કો પાછો ફેસબૂક ઉપર આવી ગયેલો…… 2010–રીટાયર્ડ થયાની તારીખથી થોડાક મહિના સંગીત શીખવાનો અભરખો સંતોષવા સંગીતના કલાસમાં પણ જોડાયેલો, ત્યા પણ મઝા આવતી હતી, નાના ટેણિયાઓ મને દાદા કહેતા અને દાદાની સારેગમની ભુલ સુધારતા છોકરાઓ સાથે અદભુત મઝા હતી….પણ એક જ કારણ આ ફિલોસોફીબૂક બનેલી ફેસબૂકની માયા એ બધુ છોડાવ્યું…. સંગીતના કલાસ પણ અને પેલા સીનીઅર સીટીઝનોનો સંગ પણ….હવે અહી જ જીના યહાં, મરના યહાં….જાના કહાં….

  Liked by 1 person

 19. pravinshastri June 9, 2015 at 10:23 PM

  જો બ્લોગદાદાઓની વાત લખું તો વડીલોના હાથનો માર પડે. જો કોઈને ખોટું લાગે અને બ્લોગ બંધ કરે તો નવરા પડે૪લા દાદાઓ દાદીઓને પરેશાન કરવા માંડે. દાદીઓ ખિજાય….ના ભઈ ના..જે ડાળી પર બેસીયે તે ના કપાય. એ કામ હાસ્ય દરબારવાળાઓનું.

  Liked by 1 person

 20. Vinod R. Patel June 9, 2015 at 9:50 PM

  પ્રવીણભાઈ , અમેરિકામાં આવી અમેરિકામાંથી જ વિદાય થવાનું છે એમ મન મનાવીને જીવતા અને જીવવાનો પ્રયાસ કરી રહેલા ૬૫ થી ૭૫ વચ્ચેના દાદાઓની ખાશીયતોનું આબાદ નિરૂપણ રમતિયાળ શૈલીમાં કરી ખરેખર તમોએ મજા કરાવી દીધી.શરદભાઈના મંતવ્ય સાથે હું સંમત થાઉં છું. હાસ્ય નીપજાવવામાં તમે નામ પ્રમાણે પ્રવીણ છો એ તમારા ઘણા લેખો/વાર્તાઓમાં જણાઈ આવે છે.

  તમારા બધાં દાદાઓના લીસ્ટમાં મારા તમારા જેવા ૭૫ વરસે પણ બ્લોગોમાં રચ્યા પચ્યા રહેતા એક વધુ દાદા ઉમેરી એમની ખાસિયતોની પણ વાત ઉમેરવા જેવી હતી . એના માટે એક જુદો હાસ્ય લેખ પણ તમે લખી નાંખો એવું મારું તમને જો ગમે તો એક સૂચન છે .

  Liked by 1 person

 21. pravinshastri June 8, 2015 at 1:44 PM

  અરે યાર બહાર રાહ જોઈને ઉભા રહેવાનું તો બધા દાદાઓએ અનુભવ્યું છે. જેમ બોલીવુડની વાત લીક થાય એમ આ વાતો પણ લીક થાય છે. (સ્વામીનારાણ મંદીરના લેડિઝ રૂમ સિવાય)

  Like

 22. pravinshastri June 8, 2015 at 1:40 PM

  ઘરમાં અેકલપણામાં તેમને….‘દાદી કે ડોસી કહી જોજો. …. હું તો શું ભલભલા બહાદુરો પણ કહેવાની હિંમત ના કરે. છાનું છપનું લખીને જ મસલ્લ્સ બતાવાય.

  Like

 23. Hazari Amrut June 8, 2015 at 12:32 PM

  હવે બીજી વાત…..
  ‘ઘરડાં‘….‘ડોસા.‘…શું માંડયુ છે આ ? ‘દાદા‘ પણ ડોસાના અર્થમાં ? ભાઇ આપણે ઉમરમાં અેક ન્યાતનાં….શું સમજ્યાં? અેક ન્યાતનાં…..અાપણે તો ‘સિનીયર‘ કહેવાઇઅે…..શું સમજ્યા ? …..સિનીયર….સિનીયર કહો તો કોઇ પણ સંજોગોમાં હૃદયથી તો તમે યુવાન અને અનુભવી, બન્ને ગણાઓ……
  અને ઘરમાં અેકલપણામાં તેમને….‘દાદી કે ડોસી કહી જોજો. રુમામાથી કપાળે ગુમડું ના હોય તો કહેજો….તમને શુભેચ્છાઓ…મારા સિનીયર મોટાભાઇ……..
  લેખ ગમ્યો.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 24. Hazari Amrut June 8, 2015 at 12:15 PM

  દાદીઓ લેડીઝ રુમમાં શું કરે છે તે પ્રવિણભાઇ જાતે જોવા ગયેલાં. તેઓ લખે છે કે,‘દાદીઓ પણ લેડીઝ રુમમાં આવું કરતાં જ હોય છે.‘
  દાદીઓને મારે ચેતવવી છે…..ચેતજો દાદીઓ…..

  Liked by 1 person

 25. pravinshastri June 8, 2015 at 10:53 AM

  થેન્કસ. શરદભાઈ.

  Like

 26. Sharad Shah June 8, 2015 at 10:06 AM

  પ્રવિણભાઈ;
  તમારી નિરિક્ષણ શક્તિ, મુલવણી અને રજુઆત કરવાની રીત અદભુત છે. એક સારા લેખકમાં હોવા જોઈએ તેવાં તમામ ગુણૉ છે. જુદી જુદી પ્રકૃતિવાલા દાદાઓનુ, તેમની અભિરુચી અને ખાસિયતોનુ સુંદર શબ્દચિત્ર ઉભું કર્યું છે. આખો લેખ પુરો ન થાય ત્યાં સુધી લેખ જકડી રાખે અને તમે પણ એ દાદાઓના મંડળના સભ્ય હોવ એવો અનુભવ કરાવે તે પણ રમુજી શૈલીમાં. સુંદર લેખ. મજા આવી.

  Liked by 1 person

 27. pravinshastri June 8, 2015 at 9:56 AM

  સતિશભાઈ હ્યુસ્ટન આવવાની ઈચ્છાતો છે જ. ક્યારે આવવાનું થાય એ ઉપરવાળો જ જાણે. બીજી વાત હરનિશભાઈ તો ખૂબજ ઊંચા દરજ્જાના સાહિત્યકાર છે. એમની લાઈનમાં તો શું પણ એમની સભામાં જો આગળ બેસીને એમને સાંભળવાનો લાભ મળે તો પણ ઘણું કહેવાય.

  Like

 28. Satish Parikh June 8, 2015 at 8:39 AM

  Pravinkantbhai;
  Tame pan Harnishbhai Ni line ma Avi Gaya. Harnishbhai ne to Ghana varsho thi olkhu Chhe, tamne pan Malva Ni iChha khari. Houston Ava my thay to janavsho.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: