જોડણી એક-અફસાને હજાર

જોડણી એક-અફસાને હજાર

harnish jani

હરનિશ જાની

ગુજરાતી ભાષા બહુ નસીબદાર છે. એને શુધ્ધ રાખવા ઘણાં સ્વયંસેવકો સમય સમય પર મળી રહે છે. પૂજય ગાંધીબાપુને આશ્રમની બકરીની ચિંતા ઓછી પડતી હોય તેમ તેમણે ગુજરાતી ભાષાની ચિંતાનો ટોપલો પણ માથે ચઢાવી દીધો. અને જોડણી સુધારક પણ બની ગયા.તેમણે તો શબ્દ કોશ બનાવીને લખી દીધું કે હવે પછી કોઈને પોતાની મરજી મુજબ જોડણી કરવાની છુટ નથી. પરંતુ તેમાં એક વાત ઉમેરવાની રહી ગઈ. કે કોઈને છુટ નથી સિવાય કે ચિમનલાલ શીરવી સાહેબના ચોથા ધોરણના છોકરાઓને. એક વખતે સાહેબને મેં પૂછયું સાહેબ, ‘વિશેષણ‘ કેવી રીતે લખાય ? તો કહે ‘તને આવડે તેવી રીતે લખ. મારે જ વાંચવાનું છે ને.‘ હવે આ સાહેબના હાથ નીચે ભણેલાઓ લેખક કેવી રીતે બને ? અને બને તો એમને શીરવીસાહેબ સિવાય કોણ વાંચે?

આપણે ત્યાં ગુજરાતી બચાવોની બુમરાણ કરવાની છોડી દઈને લોકો જોડણી પાછળ પડી ગયા. આપણે ત્યાં તો ગુજરાતી પણ ઈંગ્લીશમાં બોલાય છે. જોડણીની વાત કરીએ તો સાર્થ જોડણી તો હતી જ .તેમાં ઊંઝા જોડણી જોડાઈ હજુ તેનો પરિચય લોકોને થાય ત્યાં આ સમીકરણમાં કમ્પ્યુટરવાળા ઘુસી આવ્યા. હવે મામલો બિચક્યો. આમાં મારા જેવા નિરક્ષરો, ડોબાઓ અને આળસુઓ અટવાણાં. આ કોમ્પ્યુટરના ગુજરાતી ભાષા લખવા માટે ગુજરાતીના સો દોઢસો જેટલા ફૉન્ટ (જુદા જુદા મરોળ,જુદી જુદી પધ્ધતિથી મૂળાક્ષરો લખવાની ઢબ) સ્વયંસેવકોએ તૈયાર કર્યા. જેને જે આવડયા તે પ્રમાણે. પછી તેને નામ આપ્યા પોતાને ફાવે તેમ. આમાં કોઈએ નામ આપ્યું ગુરુ–તો કોઈએ નામ આપ્યું– શિષ્ય. કોઈએ નામ આપ્યું –ગોપી. તો કોઈએ નામ આપ્યું –કૄષ્ણ. ગોપી કૄષ્ણનું કાંઈ જામે તે પહેલાં –રાધા આવી અને તેમાં –મીરાં અટવાઈ. આવા કેટલાય ફૉન્ટ કોમ્પ્યુટરમાં ફરતા થઈ ગયા. અને જે કોઈ જે ફૉન્ટ વાપરતા હોય તે ફૉન્ટના વખાણ અને પ્રચારમાં તે લાગી ગયા. હવે ગમ્મત એ થઈ કે ગુરુ ફૉન્ટવાળાથી કલાપીમાં લખેલું ન વંચાય અને કૄષ્ણ ફૉન્ટવાળાને ગોપી , રાધા કે મીરાં ફૉન્ટમાં લખેલું ન વંચાય.

આપણાં દેશની, આપણી ભારતીય સંસ્કૄતિની કમ્બખ્તીએ છે કે આપણે વ્યક્તિગત રીતે સિધ્ધીઓ હાંસલ કરી શકીએ છીએ પણ સમુહમાં એક સરખી પ્રવૄત્તિ નથી કરી શકતા.આપણે સંગીતમાં પંડિત રવિશંકર કે પંડિત હરિપ્રસાદ ચૌરસિયા પેદા કરી શકીએ છીએ પણ ચાલીસ પચાસ સંગીતકારોની એક ફિલ્હારમોનિક બનાવી શકતા નથી. કારણકે હારમોનિ જેવો શબ્દ આપણે શીખ્યા જ નથી. આજે લંડન–વિયેના–ન્યુ યોર્ક ફિલ્હારમોનિકના સોએક જેટલા સંગીતવાદકો કંડક્ટરની એક નાની લાકડીને ધ્યાનમાં રાખીને એક સુરનું–એક રાગનું સંગીત પેદા કરી શકે છે. આપણે ત્યાં સમુહમાં સંગીત પેદા કરી શકાય ખરુ? બધાં સંગીતકારોને એક સ્ટેજ મળે તો સંગીત પેદા ન થાય– રાડા રાડી થાય. પંડિત અને ખાંસાહેબ એકબીજાની સાથે ન બેસે .તેમાં તબલચીને ઊંચી ગાદી જોઈએ.અને પીપુડીવાળો કયારે રીસાયને સ્ટેજ પરથી ઉતરી જાય તે કહેવાય નહીં.

આમાં ફાવી ગયા, ગુગલ મહારાજ કે તે યુનિકોડ લઈને આવ્યા. અને આ યુનિકોડના ફૉન્ટમાં લખેલું. બધાંના કમ્પ્યુટરમાં વાંચી શકાય છે. એટલે મારા જેવા નિરક્ષરોને નિરાંત થઈ. હવે મુશ્કેલી આવી ગુજરાતી જોડણીની .એમાં જુદી જુદી પધ્ધતિથી બારાખડી ટાઈપ કરવાની. આમાં કમ્પ્યુટર બનાવનારાઓએ ટાઈપરઈટર તો મૂળ ઈંગ્લીશ લિપીમાં રાખ્યું કારણકે કોઈ ગુજરાતીએ કમ્પ્યુટરની શોધ નથી કરી. નહીં તો તેની ટાઈપ કરવાની “કી” ગુજરાતીમાં હોત. હવે આ અંગ્રેજી કી બોર્ડમાં સાર્થ જોડણીવાળા– ઊંઝા જોડણીવાળા –અમદાવાદ જોડણીવાળા બધાં સપડાયા. વાત એમ છે કે તમને જોડણી તો આવડતી હોય પરંતુ તે કમ્પ્યુટરમાં ટાઈપ કેવી રીતે કરવી તે ન આવડતું હોય તો તમારી જોડણી રહી તમારી પાસે. હવે આમાં મારા જેવા નિરક્ષરોએ અને ડોબાઓએ હજુ સાચી જોડણી તો શીખી નથી. તેમાં ઉમેરાયું ગુજરાતી ટાઈપ કરવાનું. મારા જેવાને એક પાન ટાઈપ કરતાં દોઢ કલાક થાય છે.વચ્ચે વચ્ચે ફ્રેશ થવા ચ્હા પીવી પડે તે જુદી. હવે ગુજરાતી ટાઈપ કરતાં હોઈએ અને પ્રાધ્યાપક– કુરુક્ષેત્ર– આવૄત્તિ જેવા જોડાક્ષરો ટાઈપ કરવાના આવે ત્યાં હનુમાન ચાલિસા બોલતાં બોલતાં ગાઈડમાં શોધવું પડે કે ‘ વૄ‘ કેવી રીતે લખાય. બે મિત્રોને ફોન કરવા પડે. અને પ્રાધ્યાપકનું પાદ્યાપક થઈ જાય તો પાછા મર્યા. મારા જેવા કેટલાય કમ્પ્યુટર નિરક્ષરો ‘જ્ઞ‘ ની જગ્યાએ ‘ગ્ન‘થી કામ ચલાવે છે. આ પ્રમાણે અંગ્રેજીમાં ટાઈપિંગની સ્પીડ વધારવા કમ્પ્યુટરમાં નવી જોડણી ઘુસી ગઈ. You ની જગ્યાએ U. અને I am ની જગ્યાએ Im. અને B4 એટલે Before અને Gr8 એટલે Great.ઘણાં લોકોની અંગ્રેજી ઈ મેઈલમાં પણ આવી જ જોડણી જોવા મળે છે. ટેક્ષ મેસેજીંગની ભાષાની તો જુદી જ રમત છે. એવી જ રીતે જો કોઈ ગુજરાતી લખાણમાં ખોટી જોડણી જોવામાં આવે તો તે મેગેઝીનના સંપાદકને–તે લેખકને– કે ટાઈપ સેટરને વિશાળ દિલ રાખીને માફ કરી દેવાનું.કારણ કે તે ભાષાનું અપમાન નથી પણ તે લોકોમાં કમ્પ્યુટર નિરક્ષકતા છે. તેનો વાંક છે. હું જો સંપાદક હોઉં તો ટકે શેર ભાજીવાળા રાજાની જેમ પખાલીનો વાંક કાઢું અને કહું કે ભાઈ પેલા છાપવાવાળાનો વાંક. સાચી જોડણી એણે ખોટી છાપી. તમને ખબર છે ? આપણાં પ્રખર હાસ્ય લેખક બકુલ ત્રિપાઠીના અક્ષર તો ગાંધીજીના અક્ષરથી પણ ખરાબ હતા. બકુલભાઈને હું કહેતો કે ‘તમારું પોષ્ટ કાર્ડ તો મ્યુઝિયમમાં મુકવા જેવુ છે.‘ એમના લેખોનું ટાઈપ સેટીંગ કરનારા વીરલા ગણાય. તેમ છતાં એમણે અતિશય લખ્યું છે.અને બહાદુર ટાઈપ સેટરોએ સેટ કરી છાપ્યું છે.

મને પોતાને અંગ્રેજી જોડણી કે ગુજરાતી જોડણી–સાચી– નથી આવડી. અમેરિકામાં મને કાયમ સેક્રેટરીનું સુખ હતું. મારા હાથે લખેલા રિપોર્ટ હોય કે લેટર હોય તેને સેક્રેટરી ભૂલો સુધારી અને ટાઈપ કરી આપે.. અને મારા ગુજરાતી લેખો મારા સંપાદકો સુધારી આપે છે. મને કાયમ ‘ળ‘ અને ‘ડ‘ના લોચા થાય છે. સાડી–સાળી–હોડી–હોળી લખીને મારે “ ગજરાતીલેકઝીકોન” પર ચેક કરવુ પડે. ભલુ થજો શ્રી રતીલાલ ચંદરયાનું કે જેમણે ઘરના લાખો રૂપિયા અને જીવનના વીસેક વરસ ખર્ચી ગુજરાતી સ્પેલચેકર અને કમ્પ્યુટરની આ ડિજીટલ ડિક્ષનરી તૈયાર કરાવી. મારા જેવા નિરક્ષર ગુજરાતીઓ એમના ઋણી રહેશે.

છેલ્લા પાંચ વરસમાં કમ્પ્યુટરે દુનિયા બદલી નાખી છે. અને દિવસે દિવસે બદલી રહ્યું છે. છપાયેલા પુસ્તકો અદ્રશ્ય થવા માંડ્યા છે. સાત ઈંચની એક પાટીમાં લાખો પુસ્તકો પ્રાપ્ય છે. વાંચ્યા જ કરો. એન્સાયકલોપિડીયાના થોંથાં હવે મઠ્ઠીમાં. સોળમી સદીમાં રૉમમાં જે પોપ હતા તે હાથે લખેલા પુસ્તકોના આગ્રહી હતા. તેમને કોઈએ કહ્યું કે હવે પછી હાથે લખેલા પુસ્તકો અદ્રશ્ય થઈ જશે અને છપાયેલા પુસ્તકો આવશે. ત્યારે તેમણે હસી કાઢ્યું હતું. આજે તો કમ્પ્યુટરને કારણે દુનિયા એટલી ઝડપથી બદલાઈ રહી છે કે ગુજરાતી ભાષા કયાં જશે .અને કઈ જોડણીમાં હશે તે ભગવાન નહીં –પણ કમ્પ્યુટર જાણે
XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXDate-15th Dec,2011. Harnish Jani 4 Pleasant Drive YARDVILLE NJ 08620.
E mail – harnish5@yahoo.com Phone-609-585-0861.

11 responses to “જોડણી એક-અફસાને હજાર

  1. pravinshastri August 24, 2016 at 11:02 AM

    હરનિષભાઈના દરેક લેખ અભ્યાસ પુર્ણ હોય છે.

    Like

  2. Kaushik Dixit August 24, 2016 at 10:40 AM

    ખૂબ મર્માળો, હાસ્ય કહેતાં મલકાટ લઈ આવે તેવો લેખ. પણ જો જો , હાસ્ય લેખ ગણીને હસી કાઢવા જેવો નથી. ભાષા પ્રેમ, શીખનાર અને શીખવનારની જોડણી પરત્વે ઉદાસીનતા, ગુજરાતી ફાેન્ટ વીષે કોમ્પ્યુટરે સગવડ સર્જતાં ઉભી કરેલી અગવડ ….બધું એક આગવી, હળવી શૈલીમાં લઈ આવે છે હરનીશ જાની. “વિચારતા” તેા અવશ્ય કરી દે છે, કૈંક ને અથવા છેવટે કોઈકને કૈંક ” કરતા” કરી દે, તો બધી ભાષાઓની પોતાની लाक्षणीकता ના ચાહક એવા મને આનંદ થશે. ગુજરાતી ભાંષા ભાંગી તૂટી પણ અસ્તિત્વમાં બની રહેશે તો તેના શ્રેયનો મોટો હિસ્સો તમારા જેવા, વ્યકત કરવામાં પણ ઉત્ક્રુષ્ટ એવા તમારા જેવા પ્રખર વિચારકોનો હશે!

    Liked by 1 person

  3. મનસુખલાલ ગાંધી, યુ.એસ.એ. November 7, 2015 at 9:58 PM

    બહુ સુંદર લેખ છે….અને સત્ય પણ એટલુંજ છે…..

    Liked by 1 person

  4. Sharad Shah June 15, 2015 at 1:35 AM

    “ભાષાને શું વળગે ભુર, રણમાં જે જીતે તે શુર.”
    આવું સંતશ્રી અખાજી કહી ગયેલાં. આ અમ્દાવાદી ભાયડાની વાણી માથા પર હથોડો મારે તેવી છે. છત્તાં હમ નહીં સુધરેંગે. હૈ કોઈ માઈકા લાલ જો હમે સુધાર કે દિખાદેં.

    Like

  5. pravinshastri June 14, 2015 at 4:24 PM

    અરે! અમૃતભાઈ તમારા..આપણાં કિશોરભાઈ પણ સુરતી તળપદી ભાષામાં કેવું સરસ કાવ્ય સર્જન કરે છે. નવાઈની વાત તો એ છે કે મારી શ્વેતાના પાત્રોની ભાષા અંગે ટીકા પણ હરનિશભાઈએ જ કરી હતી.

    Like

  6. Hazari Amrut June 14, 2015 at 3:00 PM

    શાસ્ત્રીજી,
    બાર ગાંવે બોલી બદલાય. તળપદી ભાષા જ ગુજરાતનું હૃદય ઘબકતું રાખે છે. શુઘ્ઘ ગુજરાતી કોને કહેવી ? કયા જાણીતા અને માનીતા, શાસ્ત્રી હોય તેવા ગુજરાતી લેખકનું ગુજરાતી શુઘ્ઘ કહી શકાય ? નામ આપી શકશો?
    તળપદી ગુજરાતીથી જ ગુજરાતનું રોજીંદુ જીવન ચાલતુ રહે છે. હવે ઘણા કવિઓ અને લેખકો પણ તળપદી ભાષામાં પોતાની કલમ ચલાવે છે.
    અમેરિકા કે બ્રિટન જેવા પશ્ચિમીદેશોમાં જન્મેલા બાળકો અંગ્રેજીના આલ્ફાબેટને ગુજરાતી લખીને વાંચી લખી શકે છે. કોમ્પયુટર જીંદાબાદ.
    બાજુવાળાનાં ઘરનાં કુવાનું મીઠું પાણી પીવું તંદુરસ્તી જાળવવામાં મદદરુપ થાય છે…રાઘર કે ‘ હું તો, મારા બાપે આ કુવો ખોદાવેલો છે માટે તેમાંથી નીકળતું ખારું જ પાણી પીશ‘ જેવી વૃત્તિ છોડવી જોઇઅે.
    ક્યો ગુજરાતી સાહિત્યકાર હૃસ્વ અને દીર્ઘ (ઉચ્ચ) ‘ઉ‘નો ઉચ્ચાર સાચો કરતો હશે તે તો મોટો સવાલ બની જાય.
    આ ભદ્રં ભદ્રોને કહો…નરસિંહ મહેતા કે તેમનાથી જૂના લેખકોનું ગુજરાતી વાંચી બતાઓ…..સમયની સાથે બદલાય તે માનવી…..
    .જય વસાવડાને વાંચો….અંગ્રેજી શબ્દો સ્વિકારતા શીખી જશો. અંગ્રેજોના રાજ્ય દરમ્યાન જે અંગ્રેજી શબ્દોના પર્યાય શબ્દો આપણી પાસે નહતાં તે શબ્દો સ્વિકારી જ લીઘા હતાં ને ?
    બી ફ્લેક્ષીબલ……..યુ આર ઇન અે સ્મોલર વર્લડ ટુ ડે….ઘી વર્લડ ઇઝ ઇન યોર પોકેટ…અે સ્મોલ કોમ્પ્યુટર………ઇટ કેન બ્રિંગ ઘી વર્લડ ટુ યુ ઇન અે સેકન્ડ……..અમેરિકનો ભારતની ભાષાના શબ્દો સ્વિકારી જ લે છે……
    મેં તો નહિ સુઘરુંગા………
    અમૃત હઝારી.

    Liked by 1 person

  7. pravinshastri June 14, 2015 at 11:04 AM

    મિત્ર અમૃતભાઈ, સરસ વાત. આભાર. હરનિશભાઈએ એમનો આ એમનો જૂનો લેખ મને અને દાવડાજીને મોકલ્યો હતો. મારા વડિલ મિત્ર શ્રી પી. કે. દાવડા. પણ આ જ માને છે.
    એમના ઈ-મેઇલ અને પ્રતિભાવો મનનીય હોય છે. એમનો એક પ્રતિભાવ વાંચો.

    “આ અમેરિકા સ્થિત ગુજરાતીઓને વ્યાકરણ અને જોડણીના અઘરા નિયમોમાંથી છૂટછાટ આપો. સંસ્કૃતવાળાઓએ આમ ન કર્યું, આજે એ ભાષા ક્યાં છે?”

    વ્યાકરણમાં છૂટ ન આપવી અને તેથી ભાષા મરી જવી તે વાત બરાબર નથી.

    જ્યારે ભાષા નું મહત્વ ઘટી જાય ત્યારે તે મરણાસન્ન થાય છે. વ્યાકરણ માં છૂટ આપવાથી ભાષા અમર બનતી નથી.

    ૨૮૦૦ વર્ષ પહેલાં વ્યાકરણબદ્ધ થયા પછી પણ સંસ્કૃત ભાષા ગઈકાલ સુધી હાજરા હજુર હતી અને હજીપણ જીવે છે. મારા દાદા અને મારા પિતાશ્રી સંસ્કૃતમાં તત્વજ્ઞાન જેવા વિષયની પણ ચર્ચા કરી શકતા હતા. મુંબઈના પાર્લે પૂર્વમાં હું મારા પિતાશ્રી સાથે જતો હતો જ્યાં બધા સંસ્કૃતમાં જ વાત કરતા હતા. રાષ્ટ્ર ભાષા બનવામાં સંસ્કૃતભાષા, અંગ્રેજી/હિન્દી સામે માત્ર એક મત થી હારી ગઈ હતી

    માયન ભાષા કેવીરીતે મરી ગઈ? અથવા વધુ સચોટ રહીને કહીએ તો તેને કેવી રીતે મારી નાખવામાં આવી?

    ઋગ્વેદનું સંસ્કૃત ૬૦૦૦ વર્ષ જુનું છે. પણ સંસ્કૃતના ઘનિષ્ઠ જ્ઞાતાઓ જેવા કે દયાનંદ સરસ્વતી, સાતવળેકર, સાયણાચાર્ય જેવા અનેક ઋગ્વેદને સમજી શક્યા છે. થોડું થોડું તો સૌ કોઈ સમજી શકે છે. સંસ્કૃતની સમકાલિન કેટલી ભાષાઓ અત્યારે કમસે કમ સંસ્કૃત ની સરખામણીમાં કેટલી જીવિત છે? એક પણ નહીં. સંસ્કૃતિઓ પણ જીવતી નથી.

    ભાષા બોલવામાં વ્યાકરણના નિયમોમાં બધા છૂટ છાટ લે છે જ. લખવામાં ધ્યાન રાખવું પડે છે.

    જો ભારતમાં ત્રણ ભાષા ભણાવી શકાતી હોય તો અમેરિકામાં પણ તેમ કરી શકાય. ભાર અને ભય વગરનું ભણતર અને નફાતોટા વગરની સ્કુલો થશે તો અમેરિકામાં પણ ગુજરાતીને ભણી શકાશે.

    -શિરીષ દવે

    આ ઈ-મેઇલ વાંચ્યા પછી મેં લખ્યું હતું

    માનનીય દાવડાજી,

    આ વિષયમાં ઘણી વાત થઈ. હું પોતે સાહિત્યકાર નથી. વ્યાકરણની અવગણના કરવાનો સવાલ નથી. વ્યાકરણ અને શુદ્ધભાષાના નિયમો્ જે રીતે શીખવા જોઈએ તે રીતે શીખ્યો નથી. જે કાંઈ શીખ્યો હતો તે મૅન્ટલ મૅમોરીમાંથી ડીલીટ થઈ ગયું છે. હવે ભાષાકીય દંભ રાખવાની જરૂર હું જોતો નથી. વાર્તા લેખક તરીકે હું કે મારા પાત્રો જે બોલી બોલતાં હોય તે જ લખું છું. ઉપરોક્ત મેઇલના રેફરન્સમાં હું કહીશ કે બોલાય તેવું લખાય એમાં ગુજરાતી ભાષાનું ઈન્સલ્ટ થતું હોય એવું માનવું તદ્દન ખોટું છે. સમાજ, સંસ્કૃતિ, કળા અને ભાષા પ્રવાહી છે. એ જ્યાં ઢાળ હશે ત્યાં ઢળશે. એ રોકવા કેટલા બંધ બાંધીશું? મારી અણઅવડતને કારણે જોડણીની ભૂલો તો થાય જ છે. એટલું જ નહીં પણ ટાઈપ કરતી વખતે આંખ અને આંગળા ભટકી જાય તો સામાન્ય શબ્દો પણ ખોટા થઈ જાય. સ ને બદલે બાજુનો દ અને ન ને બદલે મ થઈ જાય. હું માનું છું કે તમે જેને માટે બોલતા કે લખતા હોય એને સમજાય એ પુરતું છે. શુદ્ધ ભાષા બોલાય અને લખાય એ સારી અને આનંદની વાત છે પણ અશુદ્ધ ભાષા એ ગુજરાતીનું અપમાન તો નથી જ. મારા ઘરમાં મારી અને બધાની ભાષા હાઈબ્રીડ છે. ઘણું લખી શકાય પણ હવે હું દાવડાજીનો સ્ટુડન્ટ છું. એમણે એક પાઠ શીખવ્યો છે. શાસ્ત્રી, ટૂંકુ લખશે તો બધા વાંચશે, લાંબુ કોઈ ના વાંચે. થોડું બોલશે તો બધા સાંભળશે; વધુ બકવાસ કરશે તો શ્રોતા બગાસાં ખાશે…અસ્તુ.
    પ્રવીણ શાસ્ત્રીના સાદર વંદન.

    Like

  8. Hazari Amrut June 14, 2015 at 9:57 AM

    શરદભાઇઅે અેક નાના વાક્યમાં જીવનની સાચી પરિસ્થિતિ સમજાવી દીઘી…‘ પરિવર્તન જ નિયમ છે.‘ આ નિયમ માનવીની ઉત્ક્રાન્તિના નિયમને..માનવી બન્યા પછી પણ ચાલુ રહેતાં બદલાવના નિયમને સાબિત કરે છે. પૂછડી પડી ગઇ છતાં મગજનો મેલ ઘોવાયો નહિ. હાથમાં અાઇ પેડ લઇને ફરતો થયો છતાં મગજ તો હજી પણ ૫૦૦ વરસ પુરાણું. “Culture is not static for any group of people.”રાજ કપૂર પદડા ઉપર ગાય ત્યારે બઘા તાળી પાડે પછી સ્મશાન વૈરાગ્ય…..‘ ચલના જીવન કી કહાણી…રુકના મૌત કી નિશાની.‘
    હરનિશભાઇઅે પેલાં કોન્ઝર્વેટીવોની આંખ ખોલવાનો પ્રયાસ કર્યો, સમજાવવાનો પ્રયાસ કર્યો, જે જીવનનો નિયમ છે….શાહમૃગોને કોણ સમજાવે ?…મરણ ?…..
    ખૂબ જ સાચી વાત….હરનિશભાઇઅે કરી…..સમજીને પણ નહિ સમજવું અે………નું કામ છે. ઘડીયાળને કાંટે ચાલીને સમયના ફેરફારની સાભે ચાલો…..બ્રેક…નાશની નિશાની છે.

    Liked by 1 person

  9. Sharad Shah June 13, 2015 at 2:29 AM

    સમય ખુબ ઝડપથી બદલાઈ રહ્યો છે અને માણસનો સ્વભાવ છે ભુતકાળ સાથે ચોંટી રહેવાનો. આજની પેઢીમાંથી કોઈને પડી નથી જોડણિ સાથે. એ લોકોને પડી છે તે બધા ૦+વાળા છે. જે ૫-૨૫ વર્ષમાં આ ધરતી પરથી ભુંસાઈ જવાના. નવી પેઢીને આપણે રોકી નથી શકવાના. આજકાલ ઈન્ટરનેટ પર અને વોટ્સએપ પરની યંગસ્ટરની ભાષા જુઓ તો સમજાઈ જાય કે આ જોડણીની હિમાયત કરનારની વાત કેટલા સમય સુધી સંભળાશે? પણ આપણે આમય નવરા માણસો છીએ. કાંઈક તો કરવું? એટલે એક મુદ્દો જોડણીનો… રમી લઈએ થોડા દહાડા… જે થવાનુ છે તે થઈને રહેશે. આજથી ૩૦૦ વર્ષ પૂર્વેની ગુજરાતી ભાષા હતી તે આજે રહી છે ખરી? આપણે જે ગુજરાતી બોલીએ છીએ તેના કરતાં તે તદ્દન જુદી છે. જુઓ આ નમુનો…પ્ત્તે જાયે કવણુ ગુણુ, અવગુણુ કવણુ મુએણ…. કાંઈ સમજાયું? બસ આવું જ છે. પરિવર્તન જ નિયમ છે.

    Liked by 1 person

  10. nabhakashdeep June 12, 2015 at 11:55 PM

    ગુજરાતી ભાષાની રચના કરનાર પંડિતોને લાખલાખ વંદન. ગુજરાતી ભાષાના શિક્ષકો તેમનાથી પણ સવૈયા…એક ધોરણમાં વર્ષના સાત વિષયો હોય ને જ્યારે પરીક્ષાનું પરિણામ જોઈએ ત્યારે..જો સૌથી ઓછા માર્ક્સ આપવાવાળા હોય તો , આ ગુજરાતીના શિક્ષકો..ભાષા તો હિન્દી, સંસ્કૃત ને ઈંગ્લીશ તેમને ૯૦ થી પંચાંણું માર્ક દેતાં તકલીફ નથી પડતી..તો ગુજરાતીના દુશ્મન શિક્ષકોને કોણ રોકતું હશે? ..આપણું ભવિષ્ય બગાડી ગયા..એ કોને કહેવું? આદરણીયશ્રી હર્નિશભાઈને સાડી ને સાળીની વાત એકી સાથે સમજાવી દઉં….સાળી સાડી માગે છે..હોય તો? આ લેખની અસર છે…ખૂબ ગમ્યો આપનો લેખ..

    રમેશ પટેલ(આકાશદીપ)

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: