યોગાનુયોગ – હરનિશ જાની.

યોગાનુયોગ

harnish jani
હરનિશ જાની.

થોડા દિવસ પર અમદાવાદના એક ગુજરાતી છાપામાં ,એક જાહેરાત જોઈ. “આ રવિવારના યોગાના ક્લાસિસ બંધ રાખ્યા છે.” અને મને વિચાર કરતો મુકી દીધો. ખરો સંસ્કૃત શબ્દ છે–યોગ. આ “યોગ”નું “યોગા” કેવી રીતે થયું? પચાસના દાયકામાં રાજપીપલાની વ્યાયામશાળામાં ચંપકભાઈ ભાવસાર અમને “યોગ અને યોગાસનો” શિખવાડતા હતા. ત્યારે આ “યોગા” યોગ હતો. સાઠના દાયકામાં મેં અમેરિકામાં મહર્ષી મહેશ યોગીના મોઢે યોગનું અંગ્રેજીકરણ “યોગા” સાંભળ્યું. સાઠનો દાયકો જ એવો હતો. પં.રવિશંકર તેમના સિતાર ચાહકોને શસ્ત્રીય “રાગા” સંભળાવવા લાગ્યા.રાગ બસંત–રાગા બસંત બની ગયો. તે જમાનામાં ભારતમાં ટી.વી. નહોતો આવ્યો. અમેરિકનોને માટે ઈન્ઠીયા એક રહસ્યમય પ્રદેશ હતો. ન્યૂ યોર્કના ટાઈમસ્ક્વેરમાં સાડી પહેરલી સ્ત્રીને કે કોઈ શીખને જોતાં જ તેમને ઊભા રાખી, અમેરિકનો તેમના ફોટા પાડતા હતા. ત્યારે યુનિ.માં ભણતા,અમે મુઠ્ઠીભર ઈન્ડિયન સ્ટુડન્ટસ મંડી પડ્યા. અમેરિકનોને ઈન્ડિયાનો પરિચય આપવા. સામાન્ય અમેરિકન ત્યારે એટલું જ જાણતો કે ઈન્ડિયા એટલે લેન્ડ ઓફ એલિફન્ટ એન્ડ કાઉઝ. તેમાં આવ્યા ઈસ્કોનવાળા શ્રીલા પ્રભૂપાદ જેમણે અમેરિકનોને શિખવાડયું “હરે રામા, હરે ક્રીશ્ના” અને પોતે થયા “પ્રભૂપાદા” હવે તમે રામનું રામા કરો તે તો સમજ્યા મારા ભાઈ પણ કૃષ્ણનું કૃષ્ણા કર્યું? કૃષ્ણને ખોટું લાગે કે મને કૃષ્ણા–દ્રૌપદી કરી નાખ્યો. પરંતુ અમે ગુજરાતીઓ, અમેરિકનોમાં સામાન્ય બુધ્ધિ નથી. એમ સમજતા હતા. તેમને સમજાવ્યું કે અમારા ” લોર્ડ શિવા”ને ત્રણ આઈઝ છે. તેનો દીકરો લોર્ડ “ગણેશા”.અમારા ધાર્મિક પુસ્તકો “રામાયના” અને “મહાભારાતા” છે. તેઓને સમજ પડે એટલે અમે રામાયણનું રામાયના કર્યું. પરંતુ તેઓએ કે મશલમાનબંધુઓએ “કુરાન” નું કુરાના ન કર્યુ. ડોબા લાગતા અમેરિકનો નમાઝને નમાઝ કહે છે.અને અઝાનને અઝાન કહે છે. અને મુશ્લિમોએ જિહાદનું જિહાદા ન કરતાં અમેરિકનોને દંડા મારીને જિહાદ બોલતા કર્યા. પરંતુ અમારા મનમાં અમે બધું અમેરિકનાઈઝ્ડ કરવાનું નક્કી કર્યું હતું પંડિત રવિશંકરે બિટલ્સને રાગ બસંતનો સ્પેલિંગ આર.એ..એ.જી.– Raag –Basant રાખ્યો હોત તો બિટલ્સ ‘રાગ’ બોલતા હોત. પરંતુ પંડિતજીએ આર.એ.જી.એ.–Raga– Basant શિખવાડ્યું. પંડિતજીએ તો વળી ‘Raga‘ નામની ફુલ લેન્થ ડોક્યમેન્ટરી પણ બનાવી. મેં નોંધ્યું છે કે જેમના રાગ પણ સારા નથી એવા ગાયકો અને સંગીતકારોએ રાગાનું પૂંછડું પકડ્યું છે તે હજુ છોડ્યું નથી. એટલે હવે હિન્દી ટીવી ચેનલોવાળા પણ રાગા બોલતા થઈ ગયા છે. અમેરિકનોને યોગા ગમી ગયો. અને અમેરિકામાં તેને ફેલાવવા અમે લોકો લાગી પડ્યા. હવે દશા એવી થઈ કે અમેરિકન મકડોનલ્ડ સાથે યોગાને પણ આપણે અપનાવી લીધો. એ ભૂલી ગયા કે આ તો આપણો યોગ છે.

અને યોગાના ક્લાસિસ ચાલુ થઈ ગયા. હું નથી માનતો કે નવી પેઢીને યોગ અને યોગાનો તફાવત ખબર હોય. કદાચ બાપા કરે તે યોગ અને બાબો કરે તે યોગા. પેલા “યોગગુરુ”ના ટાઈટલવાળા બાબા રામદેવ પણ “યોગા કરનેકી સલાહ દેતે હૈં ” આજકાલ આપણે ત્યાં અમેરિકાનું અનુકરણ એટલી હદે થઈ રહ્યું છે કે વીસ ત્રીસ વરસ પર જન્મેલા એમ જ સમજે કે વેલેન્ટાઈન ડે ની પ્રથા આપણે ત્યાં વેલેન્ટાઈન ઋષીએ ચાલુ કરી હશે. અને ફ્રેન્ડસીપ ડે એ રક્ષા બંધનનું બીજું નામ હશે. હવે રાહ જુઓ ક્રિસ્મસની કે જ્યારે લોકો સાંટા ક્લોઝની આરતી ઉતારશે.અને આપણી પ્રથા પ્રમાણે સાંટાની બાધાઓ પણ રાખશે અને મંદીરો બાંધશે.નવાઈ તો એની થશે કે જ્યારે સાંટા ક્લોઝની બાધાવાળાને ઘેર પુત્ર જન્મ થશે. જીવનની વક્રતા તો જુઓ.અમે અમેરિકામાં દિવાળીની ઉજવણી માટે ગવર્મેંટમેંટમાં એપ્લિકેશનો કરીએ છીએ અને આપણે ત્યાં ક્રિસ્મસની રજાઓ માટે અરજીઓ થાય છે.

કેટલાને ખબર હશે કે ૧૮૭૬માં બંધાયેલા મુંબઈ યુનિ.ના “રાજાબાઈ ટાવર”નું ખરું નામ “રાજબાઈ ટાવર” છે. પરંતુ અંગ્રેજોએ- Rajbai – ન લખતાં Rajabai લખ્યું અને તેનું ગુજરાતી નામ આપણે “રાજાબાઈ ટાવર’ કર્યું . રાજબાઈ, પ્રેમચંદ રાયચંદ નામના જૈન મહાનુભાવના અંધ માતા હતાં .જેમને સાંજની પ્રાર્થનાના સમયની ખબર પડે એટલે દીકરાએ આ ક્લોક ટાવર બંધાવ્યું હતું. (મારા બાલુકાકાએ તો મારા દાદીમાને એલાર્મ ક્લોક પકડાવી દીધું હોત.) યોગા,રાગા,શિવા રામા ક્રીશ્નાથી ન અટક્યા. અમેરિકનોને અમારા નામ બોલતા ફાવે એટલે કુણાલનું કેની કર્યું અને સંદીપનું સેન્ડી કર્યું.અમે દુષ્યંતનું ડેવિડ કર્યું અને બલ્લુભાઈનું બિલી કર્યું શુક્લનું શુક્લા કર્યું. પરંતું સારું થયુંને કે હોશિયાર પટેલ– પટેલા ન બન્યા.

બિચારા સ્પેનિશ ભાષી લોકોએ પોતાના નામ બે રીતે બોલે છે. હોસે બની ગયા જ્હોન અને હોરહે બની ગયા જ્યોર્જ. આપણે નામ પૂછીએ તો આપણને સામે પૂછે કે ” ડુ યુ વોન્ટ માય સ્પેનિશ નેમ ઓર અમેરિકન નેમ?” અમે ઈન્ડિયનોએ એ ન જોયું કે અમેરિકનો Pryzbilowsky , Kowaloski, Eisenhoover વિગેરે નામો તો પહેલેથી જ બોલતા હતા. પોલેન્ડના લોકોના નામ કે આઈરીશ લોકોના નામ લાંબા લાંબા હોય છતાં તેઓ ગુચવાયા વિના બોલે છે. અને અમે ધારી લીધું કે એમને બાલાસુબ્રમનિયમ નહીં ફાવે. જોકે વાત એમ છે કે ગુજરાતમાં અમારી ગુજરાતી અતુલ કંપનીમા રંગનાથન હતા તેને અમે રંગા કહેતા હતા. અને બાલાસુબ્રમનીયમ પોતે જ બાલા થઈ ગયા હતા.

મઝાની વાત કરું અમારી કંપનીમાં કસ્ટમર સર્વિસમાં એક જાપાનિઝ છોકરી કામ કરતી હતી. પહેલે દિવસે મેં તેને તેનું નામ પૂછ્યું તો કહે “માય નેમ ઈઝ ,મિસ બેન નાગી. બટ યુ કેન કોલ મી નાગી.” તો મેં સામે કહ્યું” આઈ વિલ કોલ યુ નાગીબેન”

એક વસ્તુ ચોક્કસ છે કે અમેરિકામાં હાથથી કામ કરનારાને ઈન્ડિયન નામ બોલતા તકલિફ પડતી હતી જ્યારે મગજથી કામ કરનારા હરનિશ જાની બહુ ચોખ્ખી રીતે બોલી શકતા હતા. એટલે જે ધંધામાં સામાન્ય અમેરિકનો સાથે કામ કરવાનું હોય તેમાં ઈન્ડિયન નામ કરતાં અમેરિકન નામ ચોક્કસ કામ લાગે છે. લોયર, કોન્ટ્રાક્ટર કે કોઈ ઈન્સ્યોરન્સ એજન્ટ જેવા ધંધામાં. દુષ્યંતકુમાર કરતાં ઈન્સ્યોરન્સ એજન્ટ ડેવિડ પાસે વધારે અમેરિકનો આવે. અમેરિકનોને બીજા બધાં નામ બોલતા ન ફાવતા હોય પરંતું જ્યારે ભૂખ લાગે ત્યારે ઈન્ડિયન રેસ્ટોરાંમા “સમોઉસા” ,”પાપડમ”, “ચપાટી”, “ડાલ” જેવા શબ્દો રમતમાં, ગુંચવાયા વિના બોલે છે.

અમે લોકો સાઠના દાયકામાં અમેરિકા આવ્યા ત્યારે નોંધ્યું કે અમેરિકામાં ચાઈનિઝ ફુઠ પોપ્યુલર છે. હવે આ ચાલિસ પચાસ વરસ પછી અમેરિકામાં ઈન્ઠિયન ફુડ જામવા માંડ્યું છે. આપણા બાબરચીઓ હવે સમોસા અને ઢોંસા જેવા ફાસ્ટ ફુડ બનાવવા લાગ્યા છે. વાત બહુ સીધી છે. જે ફૂડ સવા અબજ લોકોને પ્રિય હોય તે ૨૫ કરોડને કેમ ન ગમે? અને જો ફુડની ભાષા ન આવડે તો તે ભૂખે મરે. અજ્ઞાની રહેવું પોષાય પણ ભૂખ્યા રહેવાનું ન પોષાય.

24th August 2014
Harnish Jani.

4 Pleasant drive
Yardville NJ 0861
E mail- harnishjani5@gmail.com
Phone- 609-585-0861

7 responses to “યોગાનુયોગ – હરનિશ જાની.

 1. Tushar Bhatt July 24, 2015 at 8:23 AM

  The irony is that we also feel proud in pronouncing the distorted words!

  Liked by 1 person

 2. pravinshastri June 30, 2015 at 1:59 PM

  થેન્ક્સ વિનોદભાઈ, તમારી શોધ મારા બ્લોગમાં સરી ચૂકી…

  Like

 3. Pingback: ( 741 ) વાય… ઓ… જી… એ…. કરો યોગા યોગા…!’ | વિનોદ વિહાર

 4. Satish T. Parikh June 28, 2015 at 9:16 AM

  Very good and thought provoking article. I agree with Mukundbhai Joshi. I used to go by Steve in earlier days (in early 70’s). Then,one day, I realized if I can pronounce his name,why they can’t pronounce my name. From that day, I requested them to call Satish instead of Steve. India itself is imitating lots of american customers and that is a sad part of our thinking. God bless all of us.

  Liked by 1 person

 5. Hazari Amrut June 23, 2015 at 3:48 PM

  This was the most wonderful job you had done in 2014. Salute.

  Liked by 1 person

 6. મૌલિક રામી "વિચાર" June 23, 2015 at 1:07 AM

  રસપ્રદ વાતો છે!!!!

  Liked by 1 person

 7. Mukund Joshi June 23, 2015 at 12:49 AM

  Enjoyed the article. especially reference of Nagiben. True, we are changed and don’t realize it. Making it impossible for the new generation to know the real word.

  I remember when my peers in office wanted to call me Mike, I said, “no, if I can learn to say Christopher, you can learn Mukund.”

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: