રાજુલ બહેનનો જન્મ ૧૯૫૪ માં અમદાવાદમાં એક શિક્ષિત પરિવારમાં થયો હતો. પિતા શશિકાંત નાણાવટી એમના સમયના પ્રક્યાત જર્નાકિસ્ટ, લેખક, વિવેચક, નાટ્યકાર, ચિત્રલોક સામયિકના સંપાદક અને આઈ. એન.ટી. નાટ્ય-સ્પર્ધાના પ્રણેતા હતા. માતા ઈન્દુબેન નાણાવટી ડોકટર હતા અને અમદાવાદના ફેમીલી ફીઝીશીયન તરીકે જાણીતા હતા. આમ આર્થિક દૃષ્ટિયે આ એક સુખી પરિવાર હતું. એકના એક સંતાન તરીકે રાજુલ બહેનનો ઉછેર ખૂબ લાડકોડમાં થયો હતો. બચપણમાં એમને કોઈપણ વસ્તુથી વંચીત રહેવું નહોતું પડ્યું.
માતા-પિતા જૈન ધર્મમાં માનતા હોવા છતાં, અંધ શ્રધ્ધા અને ક્રિયા-કાંડથી દૂર રહેતા. ઘરમાં વાતાવરણ શિસ્તબધ્ધ છતાં મુકત રીતે વિચારોની આપ-લે કરી શકાય એવું હતું. ૧૯૫૯ માં પાંચ વર્ષની વયે એમને ત્યાંની સારી ગણાતી શાળામાં દાખલ કરવામાં આવ્યા, જેમાં તેમણે સાતમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. આઠમા ધોરણથી અગિયારમાં ધોરણ સુધી એમણે અમદાવાદની એ.જી.હાઇસ્કુલમાં અભ્યાસ કરી, ૧૯૭૦માં S.S.C.ની પરીક્ષા પાસ કરી. શાળાના આ વર્ષો દરમ્યાન એમણે ખૂબ વાંચન કર્યું. ઘરમા અનેક પુસ્તકો, અખબારો અને સામયિકો ઉપલબ્ધ હતા…