કેપ્ટન શ્રી નરેદ્ર ફણસે – ચિત્રકથા ૧ અને ૨

કેપ્ટન શ્રી નરેન્દ્ર ફણસેનો પરિચય આપવો એટલે બહુમુખી પ્રતિભાનો મહાગ્રંથ લખવો. જેઓ એમના બ્લોગ “જિપ્સીની ડાયરી” કે “વેબ ગુર્જરી” બ્લોગના નિયમિત વાચકો છે એમને તો પરિચય આપવાનો હોય જ નહીં. ગુજરાતના આ મહારાટ્રીયન નરેન્દ્રભાઈ કોઈ પણ ગુજરાતી કરતાં વધુ ગુજરાતી અને કોઈ પણ ભારતીય કરતાં વધુ ભારતીય છે એમ કહું તો એમાં જરાયે અતિશયોક્તિ કે અજૂગતું નથી. ગુજરાતમાં જન્મ્યા છે. ગુજરાતના- આગલી હરોળના અને વિશાળ ફલકના સાહિત્યકાર છે. ભારતના આર્મ ફોર્સમાં અડધી જિંદગી યુનિફોર્મમાં ગાળી છે. એમને ૧૯૭૧ના યુધ્ધમાં બહાદૂર સૈનિકોની શૌર્યતાભરી આગેવાની લેવા બદલનો રાસ્ટ્રપ્રમુખ તરફનો પોલિસ અને ફાયર સર્વિસ ચદ્રક એનાયત થયો હતો. નિવૃત્તિ પછી લંડનમાં થોડા વસવાટ બાદ હવે એઓ અમેરિકામાં સ્થાયી થયા છે.
જેમને સંગીત અને સંગીતકારના જીવનમાં રસ છે એમને માટે એમના બ્લોગમાંથી આ લેખ આપને માટે ભિક્ષામાં મેળવ્યો છે. સીધો રિબ્લોગ કરી ન શકાયો એટલે એમની મંજુરીથી કોપી પેસ્ટ કરીને અહીં રજુ કરું છું.

captain-narendra-2
કેપ્ટન શ્રી નરેદ્ર ફણસે
ચિત્રકથા

આ વાર્તા વાંચતાં કદાચ લાગશે કે તે એક જાણીતી ફિલ્મની નકલ છે! આગળ જતાં જણાશે કે આ વાત અને ‘પેલી’ જાણીતી ફિલ્મની કથા વચ્ચે ઢાકાની મલમલ જેવો બારીક અને નાજુક અંતરપટ છે. આ અંતરપટની મુલાયમ ભાતમાં કોઈના હૃદયનાં ધબકાર વણાયેલાં લાગે તે બનવાજોગ છે.

મધ્ય પ્રદેશના એક નાનકડા રજવાડામાં સાત સૂરોનાં સાધક કલામહર્ષિ વસે છે. મા દુર્ગાની તેમના પર અસીમ કૃપા છે તેથી જ તેમની સાધના પૂર્ણ થઈ છે એવી તેમને શ્રદ્ધા છે. તેમની પાસે સંગીત શીખવા દૂર દૂરથી પ્રતિભાશાળી કલાકારો આવે છે. તેમનાં સૌથી ઉત્તમ શિષ્યો છે તેમની મોટી પુત્રી અને પુત્ર.

મોટી પુત્રી સિદ્ધ સંગીતકાર થઈ. પિતાએ હોંશથી તેને પરણાવી. તેઓ માનતા હતા કે પતિગૃહે તેની સંગીત સાધના ચાલુ રહેશે; દીકરી નવાગંતુકોને સંગીત શીખવશે અને ઘરાણાંની પરંપરા ચાલુ રાખશે.

કમભાગ્યે સાસરિયું અત્યંત રૂઢિચુસ્ત નીકળ્યું. કોણ જાણે ક્યારે અને કોણે એવી માન્યતા ફેલાવી હતી કે તેમના ધર્મના શુદ્ધ આચરણમાં સંગીત હરામ છે, તેથી લાંબા સમયથી – છેક ભારતના એક ઐતિહાસીક બાદશાહથી માંડી અત્યાર સુધીના અનેક પરિવારો તેનું પાલન કરતા હતા. મોટી દીકરીનાં સાસરિયાં તેમાંનો એક હતો. પરિણામ અત્યંત કરૂણ નીકળ્યું. સંગીત જેનો શ્વાસ હતો, તે રૂંધાઈ ગયો. દુ:ખીત હૃદયે ખાંસાહેબે નક્કી કર્યું, નાની દીકરીને સંગીત ન શીખવવું. તેમને નાનકી પર ઘણું વહાલ હતું. તેના નાજુક અને સંવેદનશીલ હૃદય પર સંગીતને કારણે દુ:ખની સહેજ પણ છાયા ન પડે તેથી તેને સંગીતકક્ષથી દૂર જ રાખી. શિષ્યોને તાલિમ આપી, તેમને રિયાઝ કરવા કહી તેઓ પરસાળમાં રાખેલા પાટ પર બેસી દીકરીને પાંચીકા, પગથિયાં જેવી રમત આનંદથી રમતાં જોઈ ખુશી અનુભવતા.

એક દિવસ ચમત્કાર થયો. હકીકતમાં એ ચમત્કાર નહિ, સાક્ષાત્કાર હતો.

તે સમયે નાનકી છ-એક વર્ષની હતી. અાંગણામાં પગથિયાંની રમત રમતી હતી. પિતાજી અને મોટા ભાઈ અંદરના તાલિમના કમરામાં હતા. પિતાજીએ પુત્રને સરોદ પર એક કઠિન ગત શીખવી અને કહ્યું, “બેટા, આનો રિયાઝ કરો,” કહી બહાર આવ્યા.

ભાઈએ પહેલી વાર આ ગત વગાડી તે નાનકીએ સાંભળી. સાતમા પગથિયા પર પત્થર નાખી લંગડી કરતાં પહેલાં તેણે ભાઈને મોટેથી કહ્યું, “ભૈયા, બાબાને ઐસા નહિ, ઐસા સીખાયા,” કહી આ લાંબી ગત અણિશુદ્ધ રીતે ગાઈ સંભળાવી. ગતના compositionમાં જ્યાં નાજુક ફરક હતો તે ‘જગ્યા’ ફરીથી સંભળાવી. ફક્ત એક વાર સાંભળેલી ગત આત્મસાત કરી તેને ગાઈ સંભળાવી ત્યારે ભાઈ આશ્ચર્ય ચકિત થઈને એકદમ થંભી ગયા! ઓસરીમાં ગોઠવેલા પાટ પર બેઠેલા પિતાજી દીકરીએ ગાઈ સંભળાવેલા સૂરમાં સો ટચના સોના જેવી શુદ્ધતા અનુભવીને સ્તબ્ધ થઈ ગયા. તેમને આશ્ચર્ય થયું કે જ્યારે તેઓ શિષ્યોને તાલિમ આપતા કે પોતે રિયાઝ કરતા, નાનકી ન કદી તેમની સામે બેઠી, કે ન તેણે છાનાંમાનાં સંગીત શીખવાનો પ્રયાસ કર્યો. આજે અચાનક ઘનનીલ વાદળાં પાછળથી ઉદય પામતા શરદપૂર્ણિમાના ચંદ્રની જેમ તેની મેધાને પ્રકાશી ઉઠતી જોઈ પિતાજીએ તેને બોલાવી. હેતથી તેના મસ્તક પર હાથ રાખી તેમણે કહ્યું, “દીકરી, ખુદાએ તારામાં અમને હિરો આપ્યો છે. તેમની રહેમતનો અનાદર મારાથી કેવી રીતે થાય? કાલથી તને વિધીસર શિષ્યા બનાવી સંગીત શીખવીશ.”

આમ શરૂ થઈ આ પ્રતિભાશાળી કન્યાની તાલિમ. પહેલાં ધૃપદ અને ધમારની ગાયકી અને ત્યાર પછી સિતાર. ટૂંક સમયમાં તેનું કૌશલ્ય જોઈ તેમણે દીકરીને ભારે મુશ્કેલ ગણાતું વાદ્ય સૂરબહાર શીખવવાનું નક્કી કર્યું.

દીકરીની આંગળીઓમાં જાદુ હતો. તે વગાડતી ત્યારે તેના વાદ્યમાંથી નીકળતા સૂર જીવંત થઈને નૃત્ય કરતાં હોય તેવું લાગે! પિતાજી અને ભાઈ ગૌરવથી તેની કલાનો ઉત્કર્ષ થતો જોઈ આનંદ પામતા રહ્યા. પિતાજીને ખાતરી થઈ કે એક દિવસ તેમની નાનકી દુનિયાભરમાં ઘરાણાનું નામ રોશન કરશે!

ખાંસાહેબ રાજ્યાશ્રીત સંગીતકાર હતા. એક દિવસ રાજાસાહેબે તેમને વિનંતી કરી. ભારતના વિશ્વવિખ્યાત નર્તકના અઢાર વર્ષના નાના ભાઈ તેમની પાસે સિતાર શીખવા માગે છે. તેમને આપના શિષ્ય બનાવશો? રાજાસાહેબની વિનંતીને હુકમ માની તેમણે યુવાનને શાગિર્દ બનાવ્યો. નાનકી, તેના મોટા ભાઈ અને આ સ્વરૂપવાન યુવાન એક સાથે બેસીને તાલિમ પ્રાપ્ત કરતા હતા. ગુરૂપુત્રીની અદ્ભૂત વાદનકળા અને તેનું સાદું અને સૌંદર્યપૂર્ણ વ્યક્તિત્વ યુવાનના મનમાં વસી ગયું. તેમણે પિતા-ગુરૂને લગ્ન કરવાની રજા માગી. વિશાળ હૃદયના ખાંસાહેબે મંજુરી આપી. લગ્ન સમયે નાનકી કેવળ ચૌદ વર્ષની હતી! ખાંસાહેબે દીકરીની ખુશી ખાતર યુવાનના પરિવારની વિનંતી માન્ય કરી તેને સનાતન ધર્મ સ્વીકારવાની રજા આપી. કેવળ અઢાર વર્ષની વયે આ યુવતિને પુત્ર રત્ન લાધ્યું..

***

વર્ષો વિત્યાં. કલા સંપાદન કર્યા પિતા-ગુરૂએ રજા આપ્યા બાદ તેમનાં જાહેરમાં કાર્યક્રમો થવા લાગ્યા. પતિ-પત્નીનાં સંયુક્ત કાર્યક્રમોમાં જુગલબંધી થવા લાગી. શ્રોતાઓ અને વિવેચકોનાં ટોળાં તેમની સંગીત સભામાં હાજરી આપવા લાગ્યા. કાર્યક્રમના અંતે સૌથી વધુ વાહ વાહ થઈ હોય તો પત્નીની. એવું નહોતું કે તેના પતિમાં પ્રતિભાની કમી હતી. બન્નેની કલા પૂનમના ચંદ્ર જેવી પ્રકાશતી હતી. ફેર હોય તો એટલો કે પત્નીની કલા શરદ પૂર્ણિમાના ચંદ્રની પૂર્ણ કળામાં ઓપતી હતી. તેના અપૂર્વ પ્રકાશમાં શ્રોતાસાગર અભિભૂત થઈ આનંદની પ્રચંડ ભરતી દ્વારા હ્રદયમાં હર્ષ પ્રદર્શિત કરતો હતો. પત્નીનું સંગીત સાંભળ્યા બાદ સભાગૃહમાંથી બહાર નીકળનારાઓનાં હૃદયમાંથી જાણે ચરમ તૃપ્તિના શબ્દો નીકળતા હતા, ‘પિતા! આજે કાળના સર્વ સંતાપ શમી ગયા!”

Ravi-Annapurna

પત્નીને મળતી અભૂતપૂર્વ પ્રસિદ્ધીને કારણે પતિના મનમાં ઈર્ષ્યા થઈ. આમ તો બન્નેના સંયુક્ત કાર્યક્રમ સુવર્ણ અને સુગંધના સમન્વય જેવા હતા, પણ પતિને તે રૂચ્યા નહિ. પુરુષપ્રધાન સમાજમાં કયો પતિ સહન કરે કે તેની પત્ની તેના કરતાં તસુ ભર સુદ્ધાં ઉંચી ગણાય? આમ જોવા જઈએ તો સાચા કલાસાધકમાં અભિમાનનો જરાય અંશ નથી હોતો. કોઈ ભાવના હોય તો તે કેવળ પરસ્પર આદર અને નમ્રતાની. અહીં પતિનો પ્રત્યક્ષ અણગમો, તીક્ષ્ણ બાણ જેવાં તેમનાં વચન અને નાની નાની બાબતોમાં પત્ની પર ઉતરી પડવું – આ બધું જોઈ પત્નીએ નક્કી કર્યું કે લગ્નજીવન સુખી કરવું હોય તો તેણે જાહેરમાં કાર્યક્રમ ન આપવો. તેણે પતિને એવું જણાવીને મા શારદા સામે હાથ જોડીને શપથ લીધી : “આજથી ખાનગી કે જાહેર કાર્યક્રમમાં કદી ભાગ નહિ લઉં.”

પતિ હવે ખુશ હતા! દેશ ભરમાં જુદી જુદી જગ્યાએ કાર્યક્રમ આપવા જવા લાગ્યા. તેમનું સંગીત વખણાયું અને તેમની ખ્યાતિ દેશના સિમાડા પાર કરી ગઈ. વિશ્વભરમાં તેઓ પ્રખ્યાત થયા.

હવે તેમનું જીવન સુખમય થશે! બન્ને એકત્ર થશે અને તેમના સંગીતનો વારસો તેમના પુત્રને આપી આનંદથી જીવન વ્યતિત કરશે, એવું આપને લાગ્યું હોય તો તેમાં નવાઈ નથી. આગળ જતાં મુંબઈની ચિત્રસૃષ્ટી તેમના જીવન પર ચિત્રપટ બનાવશે, તેને નામ આપશે “અભિમાન” અને તેના નાયક – નાયિકા હશે અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી અને સર્વત્ર આનંદ આનંદ પ્રવર્તી રહેશે! વાત બરાબર છે. “અભિમાન” ફિલ્મ તેમના જીવન પર જ બનાવવામાં આવી હતી. ફેર થયો હોય તો કથાના અંતમાં. આગળ જતાં શું થયું તે કહેતાં પહેલાં અત્યાર સુધી કહેલી સત્યકથાનાં પાત્રોનાં સૌનાં નામ જાણીએ:

પિતા : ખાંસાહેબ અલાઉદ્દીનખાન સાહેબ. પ્રખ્યાત મૈહર ઘરાણાંના અધિષ્ઠાતા.

પુત્ર : ખાંસાહેબ અલી અકબરખાન સાહેબ. વિશ્વવિખ્યાત સરોદ વાદક.

દીકરી: મૂળ નામ રોશનઆરા ; લગ્ન બાદ અન્નપૂર્ણા દેવી.

પતિ: પંડિત રવિશંકર. હા, એ જ પંડિતજી જેમની પાસે સંગીત શીખવા બીટલ્સ આવ્યા હતા; જેમની સાથે યેહૂદી મૅન્યુહીન જેવા વિશ્વવિખ્યાત વાયોલિનીસ્ટે જુગલબંધી કરીને ધન્યતા અનુભવી હતી ; જેમને દેશના સર્વોચ્ચ ભારતરત્નના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા હતા!

***

કોઈ કાર્યક્રમમાં ભાગ ન લેવાની પ્રતિજ્ઞા લીધા બાદ અન્નપૂર્ણા દેવીએ પોતાની સાધના ચાલુ રાખી. પિતાનો વારસો ચાલુ રાખવા તેમણે કમર કસી. બીજી તરફ પંડિત રવીશંકરનાં દેશભરમાં અનેક કાર્યક્રમો યોજાયા. પંડિતજી પોતે સોહામણું વ્યક્તિત્વ ધરાવતા હતા અને સિતારવાદનમાં તેમણે ઉતારેલી સુંદરતાને કારણે ઘણી લાવણ્યવતી લલનાઓનાં સમ્પર્કમાં આવ્યા. કમલા શાસ્ત્રી નામનાં એક નૃત્યાંગના ઉપરાંત અન્ય સ્ત્રીઓ સાથે તેમનાં લગ્નેતર સંબંધ થયાં. આ વાતની જાણ થતાં ૧૯૪૦માં અન્નપૂર્ણા દેવીએ પતિગૃહ છોડ્યું અને પુત્ર શુભેન્દ્ર – શુભ -ને લઈ તેઓ પિતાને ઘેર મૈહર આવી ગયા. જ્યારે તેમને જાણ થઈ કે પતિ કમલાની સાથે રહેવા લાગ્યાં હતાં, તથા અન્ય સ્ત્રીઓને તેમના સંસર્ગથી બાળકો અવતર્યાં હતાં, અન્નપૂર્ણાદેવીએ ૧૯૬૦માં છૂટા છેડા લીધા.

સ્ત્રીઓ સાથેનાં સંબંધો અંગે પંડિતજીએ ખુદ તેમની આત્મકથા ‘રાગ માલા’માં લખ્યું, “I felt I could be in love with different women in different places. It was like having a girl in every port – and sometimes there was more than one!”

અમેરિકામાં તેઓ કાર્યક્રમ આપવા ગયા ત્યારે ન્યુ યૉર્કની કાર્યક્રમ આયોજક સૂ જોન્સ નામની અમેરિકન સ્ત્રી સાથે રહેવા લાગ્યા અને તેમનાથી એક પુત્રી થઈ – નોરા જોન્સ ; જ્યારે તેમના લગ્નેતર સંબંધ બેઉ – કમલા શાસ્ત્રી તથા સૂ જોન્સ સાથે હતાં ત્યારે તેમના કાર્યક્રમમાં તાનપૂરો વગાડવા બેસતાં સુકન્યા નામની પરિણીતા સાથે સંબંધ બંધાયા અને તેમાં પુત્રી જન્મી અનૂષ્કા. સૂ જોન્સે તેમની સાથેના સંબંધનો અંત આણ્યો. પાકટ ઉમરે પહોંચેલા પંડિતજીએ આખરે ૧૯૮૯માં સુકન્યા સાથે લગ્ન કર્યાં.

***

અન્નપૂર્ણાદેવીએ શપથ અનુસાર કદી પણ જાહેર કે ખાનગી કાર્યક્રમ ન આપ્યો. પિતાજીએ બક્ષેલી કળાને જીવંત રાખવા તેમણે શિષ્યો સ્વીકાર્યા અને ઘરાણાંની પરંપરા ચાલુ રાખી. શિષ્યોને સંગીત શીખવતાં, તે ગાઈને. તેમનું વાદ્ય – સૂરબહારનો રિયાઝ તેઓ તેમના બંધ ઓરડામાં એકલાં જ કરતાં. જીવન ખાનગી રાખવા તેઓ ઘરકામ પણ જાતે કરતાં. આમ લાંબા સમય સુધી તેઓ અજ્ઞાતવાસમાં રહ્યા. તેમના શિષ્યો સિવાય તેમના વિશે કોઈ કશું જાણતું નહોતું. જ્યારે પંડિત રવીશંકરે પોતાની આત્મકથામાં તેમના “પ્રથમ પત્ની” વિશે ટીકાત્મક વચનો લખ્યાં ત્યારે પત્રકારો અન્નપૂર્ણાદેવીની શોધમાં નીકળ્યા અને તેમનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવા લાગ્યા. અેક પત્રકાર લખે છે, “અમે તેમના ફ્લૅટની બહાર પહોંચ્યા અને જોયું તો તેમનાં બારણાં પર પાટિયું હતું. ‘કૃપયા ત્રણ વાર બેલ દબાવશો. જો બારણું ખોલવામાં નહિ આવે તો આપનું કાર્ડ બારણાં પાસે મૂકીને પાછા જશો. આપનો સંપર્ક સાધવામાં આવશે.”

આજની વાત અન્નપૂર્ણા દેવીની છે, એક પારસમણીની. તેમની પાસે તાલિમ લેવા હરિ પ્રસાદ ચૌરસિયા, નિખીલ બૅનર્જી, બસંત કાબ્રા જેવા જે જે સંગીતકારો આવ્યાં, સંગીતના ક્ષેત્રમાં રત્ન બનીને પ્રકાશ્યા.

(વધુ આવતા અંકમાં)

ચિત્રકથા (૨)
ગયા અંકથી ચાલુ…

અન્નપૂર્ણા દેવીએ જાહેરમાં કાર્યક્રમ ન આપવાની શપથ લીધી તેમણે કાયમ માટે પાળી. લગ્નવિચ્છેદ બાદ પુત્ર શુભેન્દુ (જેનું ટૂંકું નામ શુભ અને બંગાળી ઉચ્ચાર મુજબ ‘શુભો’ થયું) સાથે તેઓ દક્ષીણ મુંબઈમાં આવેલા ‘આકાશગંગા’ બિલ્ડીંગના અૅપાર્ટમેન્ટમાં રહેવા ગયા. શુભોને જન્મથી આંતરડામાં અવરોધની કાયમી સ્વરૂપની બિમારી હતી. તેને પેટમાં અસહ્ય દુ:ખાવો થતો અને રાત ભર સુઈ શકતો નહોતો. મા આખી રાત તેને ગોદમાં લઈ વહાલ કરતાં, સાંત્વન આપતાં અને દિવસે શરૂ થતી સંગીતની સાધના. પતિ તો કાર્યક્રમ આપવા દેશભરમાં ફરતા હતા.

સંગીતની તાલિમ દરમિયાન એક દિવસે બાબા (ખાંસાહેબ અલાઉદ્દીન ખાન સાહેબ)એ અન્નપૂર્ણા દેવીને તેમનો સુરબહાર બતાવીને કહ્યું, “મારા ગુરૂની વિદ્યા તને શીખવવા માગું છું. તારામાં લોભ લેશમાત્ર નથી. વળી આ વાદ્ય શીખવા માટે અપરિમીત ધૈર્ય અને શાંતિ જોઈએ, જે તારી પાસે છે. તું મારા ગુરૂની વિદ્યા સાચવી શકીશ એવી મને શ્રદ્ધા છે. શરત એક માત્ર છે : તારે સિતાર કાયમ માટે છોડવી પડશે. આ કામ મુશ્કેલ છે, કેમ કે સિતાર જાણકાર અને સામાન્ય શ્રોતા, બન્નેનું લોકપ્રિય છે વાદ્ય છે. જ્યારે સુરબહાર એવા શ્રોતાઓ માટે છે જેઓ સંગીતના ઊંડાણને માપી શક્યા છે અને તેના હાર્દને સમજી શક્યા છે. તેઓ સુરબહારના વાદનના કૌશલ્યને સમજી શકશે અને તેના ધ્વનિની શુદ્ધતાનો આનંદ માણી શકશે. સામાન્ય વ્યક્તિ આ વાદ્યની ખુબી સમજી નહિ શકે અને તેથી કદાચ તારી કલાનો અનાદર થયા જેવું તને લાગશે. પણ સમજદાર અને જાણકાર શ્રોતા તારી કદર કરશે તેને તારો પુરસ્કાર સમજવો જોઈશે. તું તૈયાર છે?”

અન્નપૂર્ણા દેવીનો જવાબ સરળ હતો. ‘જેવી આપની આજ્ઞા, બાબા.’ અને તેમણે સિતાર ત્યજી સુરબહાર અપનાવ્યો.

અન્નપૂર્ણા દેવીની પ્રતિભાની વાત વિશે શું કહીએ! તેમણે સુરબહાર જેવા મુશ્કેલ વાદ્ય પર પ્રભુત્વ મેળવ્યું. તેમના બાબા તો મેધાવિ – genius – હતા. તેમની કૃપાનો પ્રસાદ મેળવનારા તેમનાં શિષ્યો વિશે એવા જ મહાન સંગીતકારે કહ્યું, “ખાંસાહેબ અલાઉદ્દીન ખાન સાહેબના geniusના ૮૦ ટકા અન્નપૂર્ણા દેવીમાં, સિત્તેર ટકા તેમના પુત્ર અલી અકબર ખાનમાં અને કેવળ ચાલીસ ટકા રવિશંકરમાં જોવા મળે છે!” આ ઉદ્ગાર છે એક એવા મહાન ગાયકનાં જેમને આપે પંડિત દિગંબર વિષ્ણુ પલુસકર સાથે ફિલ્મ બૈજુ બાવરામાં ‘આજ ગાવત મેરો મન ઝૂમ કે’ તથા ઝનક ઝનક પાયલ બાજેના ટાઈટલ સૉંગમાં સાંભળ્યા છે) તે, ખાંસાહેબ અમીર ખાન સાહેબ. અન્નપૂર્ણા દેવીના મોટા ભાઈ ખાંસાહેબ અલી અકબર ખાન સાહેબે તો એટલે સુધી કહ્યું, “ત્રાજવાના એક પલડામાં મને, પન્નાલાલ (ઘોષ)ને તથા રવિશંકરને એક સાથે મૂકો અને બીજામાં એકલી અન્નપૂર્ણાને, તો અન્નપૂર્ણાનું પલડું ભારે જ નીકળશે!”

અન્નપૂર્ણા દેવીના સંગીતની વાત કરતાં પહેલાં તેમનું વાદન સાંભળીશું. (ફોટોગ્રાફમાં મૈહરના તેમના મકાનની ઓસરી પરના પાટ પર બાબા – અલાઉદ્દીન ખાન સાહેબ બેઠા છે અને તેમનાં ચરણો પાસે અન્નપૂર્ણા દેવી. તેમની રહેણી કરણીમાં જે સાદાઈ છે તે અહીં સ્પષ્ટ દેખાશે!)

music clips: Short Jod in Manjh Khamaj

Aalaap and Jod in Kaunsi Kanada:

આપ સાંભળી શકશો તેમણે સર્જેલા સૂરોની ધારદાર શુદ્ધતા, આલાપમાં નીકળતી નાજુક મીંડ, જોડ અને ઝાલા વગાડતી વખતે સુરબહારમાં વિદ્યુત્ ગતિથી ફરતી તેમની આંગળીઓએ અદ્ભૂત સંગીત સર્જ્યું. તેનો અણસાર ઉપરની લિંક્સમાં સાંભળવા મળશે. અહીં તેનું રીતસરનું રેકૉર્ડીંગ સાઉન્ડપ્રૂફ સ્ટુડીઓમાં નથી કરવામાં આવ્યું.

પં. રવિશંકર સાથેની જુગલબંદીના કાર્યક્રમનું ધ્વનિમુદ્રણ કાર્યક્રમના હૉલની બહાર બેઠેલ એક વ્યક્તિએ તેના ટેપ રેકોર્ડરમાં કર્યું હતું અને સદ્ભાગ્યે થોડા સમય પહેલાં યૂટ્યૂબ પર ચઢાવવામાં આવ્યું. રાગ યમન કલ્યાણમાં રજુ થયેલી સિતાર- સુરબહારની જુગલબંદીમાં હૃદયની ગુફામાંથી ઉમટતા હોય તેવા ઘેરા અને ધીર ગંભીર સૂર અન્નપૂર્ણા દેવીના સૂરબહારનાં છે. રેકોર્ડીંગમાં પંડિત રવિશંકરની સિતારનો અવાજ સહેજ આછો ઉતર્યો છે, પણ સંભળાય તેવો છે. શ્રોતાઓ તરફથી બન્ને વાદકોને મળેલી વાહ વાહ પણ સ્પષ્ટ સંભળાય છે.

રાગ યમન કલ્યાણ (આલાપ)

https://www.youtube.com/watch?v=Tdm6eyqUEdc

સંગીતજ્ઞ મદનલાલ વ્યાસ, જેઓ પંડિત રવિશંકરના શિષ્ય હતા અને ૩૪ વર્ષ સુધી મુંબઈના ‘નવભારત ટાઈમ્સ’ના સંગીત વિવેચક હતા, તેમણે લખ્યું, “(તેમનાં સંયુક્ત) કાર્યક્રમના અંતે શ્રોતાઓનું ટોળું અન્નપૂર્ણા દેવીને ઘેરી વળતું. પંડિતજીને તે સહન થતું નહોતું. તેઓ (રવિશંકર) અન્નપૂર્ણા દેવીની સરખામણીમાં ઊણાં પડતા હતા, જે તેઓ સાંખી શકતા નહોતા. અન્નપૂર્ણા દેવી તો મેધાવિની હતાં. તેમના પિતા, જેમણે વાદકની આવડત અને તેની કલાની ગુણવત્તાની બાબતમાં કદી પણ બાંધછોડ નહોતી કરી, તેમણે પણ કહ્યું કે તે (અન્નપૂર્ણા દેવી) સાક્ષાત સરસ્વતીનો અવતાર છે. આનાથી વધુ કોઈ પ્રશંસા હોઈ શકે? લગ્નવિચ્છેદ બાદ અન્નપૂર્ણા દેવીએ પૂરી શક્તિ પોતાની સંગીત સાધના, પુત્ર શુભોની માવજત અને તેના સંગીત શિક્ષણ પર કેન્દ્રીત કરી. શુભોની બાબતમાં તેમને અનહદ પરિશ્રમ કરવો પડ્યો. એક તરફ તેની પ્રકૃતિને સંભાળવામાં સ્નેહની પરાકાષ્ઠા કરતાં હતા. જ્યાં સંગીત શિક્ષણની વાત આવતી ત્યાં શિસ્તનું અનુશીલન કરવામાં કડક થવું પડતું. જેઓ સંગીતને જીવન માને છે, તેમના માટે તેના શિક્ષણ અને રિયાઝને સાધના – અને ઉર્દુમાં ચિલ્લા જેટલું પવિત્ર અને એકાગ્ર ભક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. ભારતીય સંગીતના મહાન કલાકારોએ તેમના શિક્ષણકાળમાં દિવસના છ થી આઠ કલાક – ઘણી વાર તો તેથી પણ વધુ સમયનો રિયાઝ કરેલો હોય છે. આ સાધનામાં ગુરૂ જરા પણ બાંધછોડ ન કરે. અન્નપૂર્ણા દેવી, તેમના ભાઈ ખાંસાહેબ અલી અકબર ખાન સાહેબ, રવિશંકર – આ સૌને ખાંસાહેબ અલ્લાઉદ્દીન ખાન સાહેબે આ કડક શિસ્તમાં પલોટ્યાં હતા. સંગીતની બાબતમાં અન્નપૂર્ણા દેવી માટે શુભો પણ શિષ્ય જ હતો. તેમણે તેને સિતાર શીખવવાનું શરૂ કર્યું.

શુભોને શૈશવાવસ્થામાં આંતરડાનો રોગ થયો હતો, તેમાં તેને અસહ્ય દર્દ થતું. આખી રાત તે રડતો રહેતો. માતાને તેને ગોદમાં લઈ બેસતાં, તેને વહાલ કરતાં અને સંભાળતાં. શુભોને તેની માંદગી બાદ પણ રાતે ઉંઘ ન આવતી. યુવાવસ્થામાં તેને ઊંઘની ગોળી લેવી પડતી.

વર્ષો વિત્યાં. શુભોએ સંગીતમાં ઘણી પ્રગતિ કરી. મૈહર ઘરાણાની પરંપરા તેના વાદનમાં સ્પષ્ટ રીતે ઉભરી. રિયાઝની બાબતમાં માતાએ સીંચેલી કડક શિસ્તના કારણે તેણે તેના વાદનમાં દીર્ઘ આલાપ અને મીંડમાં એવું માધુર્ય પ્રાપ્ત કર્યું, સાંભળનારા ચકિત થઈ જતા. કહેવાય છે કે તેમના ઓળખીતા સાઉન્ડ રેકૉર્ડીસ્ટે શુભોના વાદનનું નાનકડું રેકૉર્ડીંગ કર્યું હતું. એક દિવસ તેણે સ્વાનંદ માટે વગાડ્યું. સંજોગવશાત્ પંડિતજી સ્ટુડીયોમાં હતા અને તેમણે તે સાંભળ્યું. તેઓ તરત બોલ્યા, “અરે! આ તો અમારા મૈહર ઘરાણાની સંગીત ધારાનું વહેણ છે. આ વાદન મારૂં તો નથી જ, અને નિખીલ (બૅનરજી)નું પણ નથી લાગતું. કોણ છે આ કલાકાર?”

“શું વાત કરો છો પંડિતજી! ખુદ પોતાના દીકરાનું સંગીત ઓળખી ન શક્યા?”

સાંભળી રવિશંકર આશ્ચર્યચકિત થઈ ગયા અને બીજા દિવસે તેને મળવા તેમના મલબાર હિલ પરના ફ્લૅટ પર ગયા. તેમણે શુભોને સિતાર વગાડવા કહ્યું. સાંભળીને તેઓ દંગ થયા અને શુભોને તેમની સાથે અમેરિકા જઈ તેમની સાથે જાહેર કાર્યક્રમ આપવા સૂચવ્યું. શુભો તો તરત તૈયાર થઈ ગયો, પણ અન્નપૂર્ણા દેવીએ કહ્યું કે જાહેરમાં કાર્યક્રમ આપવા જેટલી તેની તૈયારી નથી. હજી તેને દોઢ વર્ષ જેટલું શીખવું પડશે. તેમની વાત સાંભળતાં મોટો વિવાદ થઈ ગયો. પં. રવિશંકરના મતે તેમનો પુત્ર ‘તૈયાર’ હતો. બાકી રહેલી તાલિમ તેઓ ખુદ તેને અમેરિકા ગયા બાદ આપશે.

“શુભોને ફક્ત છ મહિના મારી પાસે રહેવા દો. જે મેં શરૂ કર્યું છે, તે મને પૂરૂં કરવા દો. છ મહિનાના ઘનીષ્ઠ શિક્ષણમાં તેને તૈયાર કરી આપીશ. ત્યાર પછી શુભોને જ્યાં જવું હોય તે જઈ શકે છે.”

શુભોએ પિતા સાથે જવાની હઠ કરી. એક તમાશો ખડો કર્યો અને અમેરિકા ગયો. ત્યાં ગયા બાદ તેના જીવનમાં નવો જ વળાંક આવ્યો. તેનું આગળ શું થયું તે માટે ખાસ લેખ લખવો પડશે! મુખ્ય તો કહેવાનું કે અમેરિકા જતાં વેંત પંડિતજીએ તેને કૅલિફૉર્નિયામાં એક ફ્લૅટ અને નવી નક્કોર ફોર્ડ મસ્ટૅંગ કાર લઈ આપી. તેની તાલિમનું શું થયું કોઈ નથી જાણતું. પંડિતજી તો દેશદેશાવરમાં કાર્યક્રમ આપવા ફરતા હતા. બે વર્ષ બાદ તેમણે શુભો સાથે ન્યુ યૉર્કમાં કાર્યક્રમ આપ્યો. નીચેના વિડિયોમાં કાર્યક્રમ જોઈ-સાંભળી શકશો. શુભોની પાછળ તાનપુરા પર સંગત આપી રહ્યા છે શ્રીમતી સુકન્યા – જેમની સાથે પંડિતજીએ આગળ જતાં લગ્ન કર્યાં.

***

એક દિવસ અન્નપૂર્ણા દેવી પાસે અમેરિકાથી એક સજ્જન તેમના ફ્લૅટ પર પહોંચ્યા અને કૉલ બેલ દબાવી. આ વખતે ખુદ અન્નપૂર્ણા દેવીએ બારણું ખોલ્યું, અને પૂછ્યું, “કોનું કામ છે?”

“મારૂં નામ ઋષિ કુમાર પંડ્યા છે. હું અમેરિકાથી આપની પાસે સંગીત શીખવા આવ્યો છું.”

“હું કોઈને સંગીત શીખવતી નથી.”

“મને તો આપના મોટા ભાઈ – મારા ગુરૂ ખાંસાહેબ અલી અકબર ખાનસાહેબે ખાસ ભલામણ કરીને આપની પાસે મોકલ્યો છે. આપની પાસે ઘણી ઉમેદ રાખીને આવ્યો છું.”

અન્નપૂર્ણા દેવીએ તેમને અંદર બોલાવ્યા અને કહ્યું, “દાદા પાસે જે શીખ્યા છો તે મને સંભળાવો.”

ઋષિ કુમારે સિતાર પર કેટલીક ગત વગાડી. તે સાંભળ્યા બાદ અન્નપૂર્ણા દેવીએ તેમને એક કલાક સુધી રાગ દેસ શીખવ્યો. પાઠને અંતે કહ્યું, “શીખી લીધું? હવે પધારો,” કહી તેઓ બારણા પાસે ગયા.

મૂળ અમદાવાદના પંડ્યાજી પાસે વાતચીતની એવી કલા હતી, અન્નપૂર્ણા દેવી તેમને અાગળ શિક્ષણ આપવા તૈયાર થયાં. ૧૯૮૧માં અચાનક તેમણે અન્નપૂર્ણા દેવીને કહ્યું, “આપ મારી સાથે લગ્ન કરશો?”
સાંભળીને અન્નપૂર્ણા દેવી આશ્ચર્ય ચકિત થયા અને વિચારમાં પડ્યા. વિચારાંતે તેમણે ઋષિ કુમારનો પ્રસ્તાવ સ્વીકાર્યો અને તેમનાં લગ્ન થયા.

ઋષિ કુમારે અમેરિકા તથા કૅનેડામાં માનસશાસ્ત્રમાં અનુસ્નાતક પદવી હાંસલ કરી હતી અને વ્યાપાર વાણિજ્યના ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દા ધરાવતા લોકોને કેળવણી આપતા હતા અને ભારતમાં આ કામ સંબંધે આવ્યા હતા. લગ્ન બાદ તેમણે અન્નપૂર્ણા દેવીને ખુબ સંભાળ્યા ; તેમની નાજુક સંવેદનાઓનો ખ્યાલ રાખ્યો અને તેમની સંગીત સાધનામાં જરા પણ વ્યત્યય ન આવે તેની ચોકસાઈ રાખી. અન્નપૂર્ણા દેવીના જીવનમાં લાંબા સમય સુધી તરફથી થયેલી ઉપેક્ષાનું દુ:ખ હતું તે ઋષિ કુમારે દૂર કર્યું. એટલું જ નહિ, તેમણે પં. રવિશંકર સાથે પણ સુચારૂ સંબંધ જાળવ્યો.

***

પંડિતજીએ તેમની આત્મકથા ‘રાગ માલા’માં તેમનાં ‘પ્રથમ પત્ની’ વિશે અણછાજતી વાતો લખી તે વાંચીને અન્નપૂર્ણા દેવીને અત્યંત દુ:ખ થયું. તેમના પુત્ર શુભોને લઈ પુસ્તકમાં પંડિતજીએ જે પ્રકારના આક્ષેપ અન્નપૂર્ણા દેવી પર કર્યા તે વાંચી તેમનાથી રહેવાયું નહિ અને જીવનમાં પહેલી વાર તેમણે Man’s World નામના સામયિકના પ્રતિનિધીને મુલાકાત આપી. આ મુલાકાત પણ કેવી! પત્રકાર આવ્યા અને અન્નપૂર્ણા દેવીએ તેમને ઘર બતાવ્યું. લેખિતમાં પ્રશ્નો માગ્યા અને લેખિતમાં જ જવાબ આપ્યા. બન્ને વચ્ચે કોઈ વાતચીત નહોતી થઈ. પણ આ ‘ઈન્ટર્વ્યૂ’ પ્રસિદ્ધ થતાં જ સંગીત વિશ્વમાં ખળભળાટ મચી ગયો. અત્યાર સુધી જગતભરના સંગીત ચાહકો ફક્ત એટલું જ જાણતા હતા કે ભારત રત્ન પંડિત રવિશંકરનાં પ્રથમ લગ્ન તેમના ગુરૂપુત્રી અન્નપૂર્ણા દેવી સાથે થયા હતા. આ એક પંક્તિમાં જાણે અન્નપૂર્ણા દેવીનું આખું જીવન સમાઈ ગયું હતું. જેમ આલ્બર્ટ આઈન્સ્ટાઈનનાં વૈજ્ઞાનીક પત્નીનું નામ કોઈ જાણતું નથી, તેવી હાલત અન્નપૂર્ણા દેવીની થાત. ‘મૅન્સ વર્લ્ડ’માં તેમની મુલાકાત આવી ત્યારે જ લોકોને આ મહાન કલાકારની સિદ્ધી અને સાધના વિશે જાણ થઈ ; જે પંડિતજીને લોકો સંગીતના ભગવાન માનતા હતા, તેમનાં ચરણ કમળનાં નહિ, કાદવનાં હતા તે જાણી સૌ ચોંકી ગયા. જેમની તેમણે આખા જીવન દરમિયાન ઉપેક્ષા કરી હતી, તે ખુદ પંડિતજી કરતાં ઉચ્ચ દરજ્જાના કલાકાર હતા તેની જાણ થઈ ત્યારે સૌ ચકિત થઈ ગયા. ત્યારે જ લોકોએ જાણ્યું કે પંડિત હરીપ્રસાદ ચૌરસિયા, નિખીલ બૅનર્જી, આશિષ ખાન, બસંત કાબરા જેવા આંતરાષ્ટ્રીય કક્ષાના કલાકારો અન્નપૂર્ણા દેવીનાં શિષ્યો હતા!

***

પં. રવિશંકરે તેમની આત્મકથામાં લખ્યું કે અન્નપૂર્ણા દેવી સાથેનાં તેમનાં લગ્ન ‘અૅરેન્જડ્ મૅરેજ’ હતા. પ્રેમ-બ્રેમ જેવી કોઈ વાત નહોતી!” આગળ જતાં તેમણે લખ્યું કે તેમનાં પત્નિ હઠ કરીને તેમની સાથે બેસીને કાર્યક્રમ આપવા જતાં. એ તો તેમની શરમાળ પ્રકૃતિ કે ‘નર્વસનેસ’ને કારણે solo કાર્યક્રમ નહિ આપવાનો તેમણે નિર્ણય લીધો હતો!

લગ્ન વિચ્છેદ તથા શુભોની બાબતમાં તેમણે આખો દોષ અન્નપૂર્ણા દેવીને આપ્યો છે. શુભો માંદો રહેતો હતો અને તેની પાછળ રાત રાત જાગવું પડતું હતું તેથી તેમનો સ્વભાવ વઢકણો થઈ ગયો હતો. તેઓ લાંબા સમય સુધી બહારગામ કાર્યક્રમ આપવા જતા અને ઘેર આવતાં જ પત્ની તેમની સાથે લડાઈ કરતાં કે તેમનાં અનેક રૂપવતી સ્ત્રીઓ સાથે લગ્નેતર સંબંધો છે. શુભોને સંગીત શીખવવામાં તેની સાથે અત્યંત કડક વર્તતાં તેથી તે કંટાળી ગયો હતો. તેમની સાથે અમેરિકા જવા બાબતમાં શુભો સાથે એટલો ઝઘડો કર્યો હતો કે તેણે ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ લેવાનો પ્રયત્ન કર્યો હતો!

‘મૅન્સ વર્લ્ડ’માં આપેલી મુલાકાત અને પંડિતજી તથા અન્નપૂર્ણા દેવીના સમકાલિન કલાકાર તથા સમીક્ષકોએ સ્પષ્ટ લખ્યું છે કે રવિશંકર સાચે જ પ્રતિભાશાળી કલાકાર હતા, પણ અન્નપૂર્ણા દેવીની મેધા, પ્રતિભા, સંગીત રજુ કરવામાં તેમની કલ્પકતા તથા વૈવિધ્ય અને મુખ્ય તો લોકપ્રિયતા પંડિતજી કરતાં ક્યાંય આગળ હતા. કાર્યક્રમોમાં રવિશંકર પત્નીની આભા નીચે એવા ઢંકાઈ જતા, જે તેમને કદી રૂચ્યું નહિ.

આ બધું વાંચીને કોઈના પણ મનમાં સહજ પ્રશ્ન ઉઠશે : લગ્ન સમયે રવિશંકર ૨૧ વર્ષના બંગાળી બ્રાહ્મણ (તેમના પરિવારની મૂળ અટક ‘ચૌધુરી’ હતી)ના નબિરા હતા અને રોશન આરા કેવળ ૧૪ વર્ષનાં મુસ્લિમ પરિવારની કન્યા હતા. જો તેમની વચ્ચે પ્રેમ ન હોત તો ખાંસાહેબ અલાઊદ્દીન ખાન સાહેબ તથા તેમનો પરિવાર આ લગ્ન માટે તૈયાર કેવી રીતે થાત? શું લગ્નની સવારે પંડિતજીની માગણી પ્રમાણે રોશન આરા ધર્મ પરિવર્તન માટે તૈયાર થયાં અને તેમનાં બાબા-અમ્મીએ રજા આપી, તે શું ‘અૅરેન્જ્ડ મૅરેજ’ હતાં તેથી? જ્યારે બન્નેની કેળવણી પૂરી થઈ અને તેઓ જાહેરમાં આત્મવિશ્વાસપૂર્વક કાર્યક્રમ કરી શકશે એવી તેમની તૈયારી જોયા બાદ જ ખાંસાહેબ અલાઉદ્દીન ખાન સાહેબે પંડિતજી તથા અન્નપૂર્ણા દેવીને જાહેર કાર્યક્રમ આપવાની રજા આપી હતી. આમ કોઈનું પણ કહેવું નિરર્થક છે કે અન્નપૂર્ણા દેવી ‘નર્વસ’ કે ‘શરમાળ’ હતાં અને જાહેરમાં કાર્યક્રમ ન આપવાનો નિર્ણય કેવળ આ કારણસર લીધો હતો.

કહેવાય છે કે હૃષિકેશ મુખર્જીએ તેમની ફિલ્મ ‘અભિમાન’માં પતિના મનમાં ઉત્પન્ન થયેલ ઈર્ષ્યા, પુરુષ અહંકાર (male ego) અને તેમની સ્ત્રી શક્તિને ગૌણ લેખવાની વૃત્તિને બતાવી છે, તે પંડિત રવિશંકર અને અન્નપૂર્ણા દેવીના જીવન પરથી લીધી. આ વાત ઘણાં લેખકો અને વિવેચકો માને છે.

અન્નપૂર્ણા દેવીનું સંગીત કેટલું દિવ્ય છે હતું તે વિશે તેમના શિષ્યોની વાત સાંભળીશું. “મા તેમની સાધના એક ખાસ રૂમમાં બંધ બારણે કરતા. કહેવાય છે કે ખુદ મા સરસ્વતી તેમનું સંગીત સાંભળવા આવતાં. કોઈ કોઈ વાર જ્યારે તેઓ સુરબહારના crescendo – ઝાલા (દ્રૂત લય)પર પહોંચતાં, તેમના સાધના ખંડમાંથી ચંદનની ખુશબૂ પ્રસરતી. સૌ જાણે છે કે તેમણે કદી સાધના ખંડમાં ધુપ-બત્તી નહોતી કરી.” આ અનુભવ ખુદ ઋષિ કુમારને પણ થયો હતો.

જ્યારથી અન્નપર્ણા દેવીએ જાહેરમાં વાદન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી પચાસ વર્ષ સુધી કોઈ વ્યક્તિની સામે તેમણે સુરબહાર વગાડ્યો નહિ. ખુદ તેમનાં શિષ્યો સામે પણ તેમણે સુરબહાર કે સિતાર ન વગાડ્યાં. તેમને શિક્ષણ આપતા તે સુરાવલી, ગત, આલાપ – બધું ગાઈને સમજાવતાં અને તેનો રિયાઝ કરવાનું કહેતા.

ફક્ત એક વ્યક્તિની સામે તેમણે સુરબહારનાં સૂર પ્રસ્તુત કર્યાં. બીટલ્સના જ્યૉર્જ હૅરીસન. જ્યારે જ્યારે તેઓ ભારત આવ્યા, અન્નપૂર્ણા દેવીનું સંગીત સાંભળવા મથ્યા,પણ તેમને સફળતા ન મળી. આખરે તેઓ તે સમયનાં ભારતના પ્રધાન મંત્રી ઈંદિરા ગાંધીને મળ્યા અને તેમની પાસેથી ભલામણ કરાવી. અન્નપૂર્ણા દેવી શ્રીમતિ ગાંધીની વિનંતીને ઉપેક્ષી ન શક્યા. તેમણે એકલા જ્યૉર્જ હૅરીસન માટે તેમના ફ્લૅટમાં અન્ય કોઈની હાજરી સિવાય સુરબહાર વગાડ્યો.

અન્નપૂર્ણા દેવીના જીવનમાં સૌથી વધુ આઘાતકારક પ્રસંગો હોય તો તે તેમના પુત્ર શુભોને લગતાં હતા. પ્રથમ તો જ્યારે તે માતા પાસેથી મળતું શિક્ષણ અધુરૂં મૂકી પિતા સાથે અમેરિકા જતો રહ્યો તેમને અત્યંત દુ:ખ થયું હતું. એટલા માટે નહિ કે તે તેના પિતા સાથે જઈ રહ્યો હતો. તેમણે પુત્રની સાધના પૂરી થાય તેનો આગ્રહ કર્યો હતો. લગભગ બે દાયકાની મહેનતની પરિણતી માટે સાવ થોડો સમય બાકી રહ્યો હતો તે પૂરો કરે. શુભોમાં પ્રતિભાનો અભાવ નહોતો. જેમ હિરાની કિંમત કસબીના હાથે પાસા પાડવામાં આવે ત્યારે જ થતી હોય છે, તેમ સંગીતકારની પ્રતિભા તેના ગુરૂ પાસેથી મળતું શિક્ષણ અને રિયાઝના અંતે જ પ્રકાશતી હોય છે. રવિશંકરે કહ્યું કે તેઓ તેનો અભ્યાસ પૂરો કરશે, અને શુભોને અમેરિકા લઈ ગયા. બે વર્ષ બાદ તેણે પિતાની સાથે થોડા કાર્યક્રમ (ન્યુ યૉર્ક, પૂણેના સવાઈ ગંધર્વ સંગીત મહોત્સવમાં) આપ્યા, પણ તે ક્યાંય ઝળકી શક્યો નહિ અને અંતે તે લુપ્ત થઈ ગયો. જે પ્રતિભાશાળી માતા-પિતા અને ખાંસાહેબ અલાઉદ્દીન ખાનસાહેબ જેવા માતામહની પરંપરા ચાલુ રાખી શક્યો હોત, તેણે આજીવીકા કમાવવા ગ્રોસરી સ્ટોરમાં સુદ્ધાં કામ કર્યું. અંતે થાકીને આઠ વર્ષે તે મા પાસે આવ્યો અને આંખમાં આંસુ સાથે એક જ વાક્ય બોલ્યો : “મા, આમિ શીખૂ.” (મા, હું તારી પાસે શીખીશ.) જાણે તે કદી ઘર છોડીને ગયો જ નહોતો તે પ્રમાણે અન્નપૂર્ણા દેવીએ તેને સિતાર આપી અને “લે, બેસ,” કહી તેનું શિક્ષણ શરૂ કર્યું. પણ આઠ વર્ષના ગાળામાં જે છૂટી ગયું હતું તે શુભો આંબી શક્યો નહિ. થોડા જ સમયમાં તે પાછો કૅલિફૉર્નિયાના ગાર્ડન ગ્રવ શહેરમાં જતો રહ્યો. ત્યાં તે સ્થાનિક કલાકાર તરીકે જીવ્યો અને ત્યાં જ અવસાન પામ્યો. લૉસ અૅન્જલીસ ટાઈમ્સના મનોરંજન વિભાગમાં કેવળ ૭૫ શબ્દોમાં તેની અવસાન નોંધ લેવાઈ : “ગાર્ડન ગ્રવના સંગીતકાર અને કૉમ્પોઝર શુભો શંકર, જે પ્રખ્યાત સિતારવાદક રવિશંકરના પુત્ર હતા, પચાસ વર્ષની વયે લૉસ અાલામિટોસ હૉસ્પિટલમાં ન્યુમોનિયાની બિમારીથી મૃત્યુ પામ્યા…” વિ.

અંતમાં ફરી એક વાર સંગીત વિવેચક મદનલાલ વ્યાસના લેખનો અંશ ઉતારીશ :

“… She is a genius. Even Baba, the unforgiving and uncompromising Guru called her the embodiment of Saraswati. What higher praise than this?”

આજનો અંક વિવિધ સ્રોત પર આધારીત છે. તેમાંની મુખ્ય લિંક છે:

http://www.linkedin.com/pulse/20140729101259-81657483-annapurna-devi-ravi-shankar-the-tragedy-of-a-relationship

9 responses to “કેપ્ટન શ્રી નરેદ્ર ફણસે – ચિત્રકથા ૧ અને ૨

  1. pragnaju October 22, 2018 at 8:14 AM

    આ અદ ભૂત લેખ અંગે મા શરદભાઇ ,મા વિનોદભાઇ તથા સુ શ્રી રાજુલબેને મારા મનની વાત કહી છે

    Liked by 1 person

  2. pravinshastri October 18, 2018 at 12:05 AM

    વાહ આવા મહાનુભાવના તો દર્શનલાભ પણ અલભ્ય કહેવાય. આપ મળ્યા એ જીવન ભરનું યાદગાર નજરાણું બની ગયું કહેવાય.

    Like

  3. Vinod R. Patel October 17, 2018 at 1:46 PM

    સંગીત પ્રિય વાચકોને ગમે એવો શ્રી નરેનભાઈનો લેખ ખુબ રસસ્પદ છે.આખો લેખ-બે ભાગ
    શરૂથી અંત સુધી ખુબ રસથી વાંચી ગયો.અન્નપુર્ણા દેવી વિષે માન થયું. એમણે પતી અને પુત્ર માટે પોતાની મહત્વકાંષાઓ ને મારીને ત્યાગ આપ્યો કહેવાય .અભિમાન હિન્દી ફિલ્મ રવિશંકર પંડિત અને અન્નપુર્ણા દેવી ની જ જીવન કથની જાણે !

    અન્નપુર્ણા દેવી સાથે લગ્ન કરનાર ઋષિકુમાર પંડ્યાને હું મળ્યો છું. અમારી કંપનીમાં એમને
    મેનેજમેન્ટ સેમિનારમાં આમંત્રિત કરતા હતા. તેઓના હાથમાં હમ્મેશાં સિતાર જોવા મળતી હતી.

    Liked by 1 person

  4. Pingback: કેપ્ટન શ્રી નરેદ્ર ફણસે – ચિત્રકથા ૧ અને ૨ | પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો

  5. Rajul Kaushik July 7, 2015 at 2:42 PM

    પ્રવિણભાઇ,

    મારા કોઇપણ આર્ટીકલ આપના બ્લોગ પર મુકવા મંજૂરીની જરૂર જ નથી. માત્ર જણાવી દેશો તો પણ ચાલશે.
    અને આપે જણાવ્યું તેમ શ્રી નરેન્દ્રભાઇ ફણસી વિશે પણ કદાચ કોઇની પાસે એટલી જાણકારી નહી જ હોય. જેટલું વધારે જાણવા મળશે એટલો વધારે આનંદ થશે..

    Liked by 1 person

  6. pravinshastri July 7, 2015 at 10:01 AM

    રાજુલબેન, જેમ અન્નપૂર્ણા દેવી વીશે ઘણાં જાણતા નથી તેમ એક વિશિષ્ટ સાહિત્યકાર સૈનિક કેપ્ટન શ્રી નરેન્દ્ર ફણસી વિશે પણ ઘણાં જાણતાં નથી.
    આ સાથે સાથે બીજી વાત.
    આપને તો ખબર છે કે હું ટીવી અને બોલિવુડના મુવીઝ જોતો નથી પણ આપના રિવ્યુઝ વાંચીને જોયા જેટલો જ આનંદ અને માહિતી મેળવી લઉં છું. મારે આપના એક બે લેખ રિબ્લોગ કરવા હતાં પણ રિબ્લોગનું બટન જ ના જડ્યું. જડે તો કરીશ. મંજુરી મળશે ને?

    Liked by 1 person

  7. Rajul Kaushik July 7, 2015 at 8:06 AM

    શ્રી રવિ શંકર વિશે થોડી જાણકારી હતી પરંતુ અન્નપૂર્ણાદેવી તો જાણે હંમેશા ગુપ્તવાસમાં જ રહ્યા એવું જીવન જીવ્યા.
    આજે તેમના જીવનના અત્યંત સંવેદનશીલ પાસાનો પરિચય થયો.
    સુખદ આશ્ચર્ય અને દુઃખદ અનુભૂતિનો એક સાથે અનુભવ થયો.
    આલ્બર્ટ આઇન્સ્ટાઇનના પત્નિ વૈજ્ઞાનિક હતા તે પણ આજે જ જાણ્યું.

    Liked by 1 person

  8. pravinshastri July 7, 2015 at 7:16 AM

    સાચી વાત છે.

    Like

  9. Sharad Shah July 7, 2015 at 12:30 AM

    નરેન્દ્રભાઈ;
    ખુબજ સુંદર, ભાવનાત્મક અને માહિતિ સભર લેખ. માનનિય અન્નપૂર્ણાદેવી જેવી નારીની કલ્પ્નાપણ બીજી સંસ્કૃતિમાં કરવી કઠીન છે.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: