“મારા જૅક અંકલ”

“મારા જૅક અંકલ”

keyur

“અરે કિન્ની, જોતો! આપનો મયૂર આઈવો છે.”
જેકીશન કાકાએ મને ઉમળકાભેર આવકાર આપતાં કિન્નરી કાકીને બુમ પાડીને કહ્યું.
‘આવ દીકરા આવ. આ વખતે ઘના ડાડે ભૂલો પઈડો.’
મેં કાકાના ચરણ સ્પર્શ કર્યા. કાકાએ મને બાથમાં લઈ લીધો. કાકી પણ ફૅમિલીરૂમમાં આવીને મને વળગી પડ્યા.
ચોવીસ વર્ષની ઉંમરે, બે વર્ષ પહેલા હું અમેરિકા આવ્યો ત્યારે પપ્પાએ મારી સોંફણ-નોધણ એમના ખાસ મિત્ર જેકીશનકાકાને જ કરેલી. કાકા-કાકીએ મને પહેલેથી જ પ્રેમપૂર્વક સાચવેલો. એમના રૅફરન્સથી આવતાંની સાથે જ મને બેંકમાં સારી જોબ મળી ગયેલી. છ મહિના પછી જ્યારે મેં મારો ઍપાર્ટમેન્ટ માંડ્યો ત્યારે દીકરીને વિદાય આપતાં હોય તેમ રડેલા.
સુરતમાં જન્મેલા અને મોટા થયેલા જેકીશન કાકાનું આખું નામ જેકીશનદાસ ગમનદાસ ગાંધી. ખાવાપીવા ના શોખમાં અને રહેણી કરણીમાં પાક્કા સુરતી. આમતો જેકીશનકાકા એમ.કોમ. ગોલ્ડ મૅડાલિસ્ટ હતા. બે-ત્રણ વર્ષ કોલેજમાં લેક્ચરર પણ હતા. એમના શબ્દોમાં ” માસ્તરગીરીમાં કંઈ બઉ પૈહા ની મલે એતલે બાપાએ એના ધંધામાં લગાવી દીધેલો.”
બીજાની સાથે વ્યવસ્થિત વાત કરતા જેકીશનકાકા અંગત માણસો સાથે અસ્સલ સુરતી થઈ જતા. પહેલાંતો કોઈક વાર સુરતી ગાળ પણ આવી જતી પણ કાકીએ તે ટેવ છોડાવી દીધી હતી. એ કહેતા
‘ફડકો મારીને, હાથે ખાવાની જે મજા આવે તે ચમચા-કાંટાથી ની આવે. તેમજ મોલ્લાની સુરતી બોલીમાં જે ફાવટ આવે તે નિહાળની, શબ્દોના સાંથીઆ પુરેલી ભાષામાં ની આવે.’
કિન્નરીકાકી પણ ગ્રેજ્યુએટ હતા. કવિસંમેલનો ચૂકતાં નહીં. વાંચનનો શોખ. ઘરમાં સરસ લાયબ્રેરી. જાતે કવિતાઓ લખતાં. વિભિન્ન પ્રકૃત્તિ હોવા છતાં તેમના સમયના શમ્મીકપુર જેવા હેન્ડ્સમ દેખાતા કાકા સાથે પ્રેમ થઈ ગયેલો. આંતરજ્ઞાતીય લગ્ન થઈ ગયેલા. કાકા-કાકીએ, એ પ્રેમ હસતા રમતા જિંદગીભર નીભાવ્યો. કાકી મર્માળું હસતાં કહેતાં પણ ખરા, ‘હજુ પણ એ સ્વર્ગસ્થ ગોળમટોળ, હૅવી ડ્યુટી શમ્મીકપુર જેવાજ છે. એમણે પણ બાપ-દાદાનો વારસો લીધો છે. ધેસ્ટ વ્હાઈ આઈ લવ હિમ. બિચારા કાકાને શમ્મીકપુર જેટલી પ્રસંસક છોકરીઓ કે ફૅમસ પત્નીઓ નથી મળી. હું બેઠી છું ત્યાં સુધી તો બીજી કોઈ ભાવનગરીઅન મળવાની પણ નથી.
એમનો સંસાર સુખી છે. અમેરિકામાં વ્યાપારી કુનેહથી કન્વીનીયન્સ સ્ટોર અને મૉટેલમાં ખુબ કમાયા. બે દીકરીઓને સારૂં ભણાવીને સાસરે વળાવી. કાકીના એક બોલ પર બિઝનેસ સંકેલી નિવૃત થઈ, બન્ને હીંચકે ઝૂલતાં હતા. આવા સહ્રદયી દંપતીને મળવા હું દોડી આવતો.
‘કેમ દીકરા! જોબ બરાબર ચાલે છે ને? તને ફાવી ગયું ને? કંઈ પ્રોબ્લેમ બ્રોબલેમ તો નથીને? કંઈ પન હોય તો મુંઝાતો નઈ. સી.ઈ.ઓ સાથે આપની પાક્કી દોસ્તી છે. મેં તેની સાથે વાત કરી છે. થોરા ડારામાં તારા પ્રમોશનનું ગોઠવાઈ જહે.’ કાકાએ મોઢામાં માવો ચાવતાં કહ્યું.
‘બેટા મયૂર! ઈન્ડિયામાં પપ્પા મમ્મી મજામાં છે ને? હમણા તને બીજી પ્રવૃત્તિ કે પછી કોઈ છોકરી મળી ગઈ છે કે તું દેખાતો નથી? કાકીએ પ્રેમથી પૂછ્યું. ‘તારી હાજરીમાં દીકરીઓ દૂર છે તે ભુલી જવાય છે.’
‘કાકી! તમને ગમે એવી વાત છે. મને બે-ત્રણ મજાના મિત્રો મળી ગયા. બધાજ સિંગલ છે. મહિનામાં એક બે વાર મળીને સાહિત્ય ગોષ્ઠિ કરીએ છીએ. ઈન્ડિયાથી માસિક અને સાપ્તાહિકો મંગાવીએ છીએ. વાંચીને ચર્ચા કરીએ છીએ. મજા આવે છે. જો તમે અમારે માટે સમય કાઢો તો અમને આનંદ થશે અને કંઈક શીખવાનું મળશે. ઈન્ડિયામાં થોડું લખતો હતો. પાછું લખવાનું શરૂં કરવું છે.
”અરે! આતો બહુજ સરસ વાત છે.’ કાકીએ વાત વધાવતાં પ્રોત્સાહન આપ્યું.
હંઅ…હંઅ…હંઅ…હંઅ… કાકા હીંચકા પરથી સીંકમાં માવો થુંકી આવ્યા.
“શું મારા સસરાનું કપાળ સરસ! છોકરો તારી જેમ મફતના ધંધાના રવાડામાં પડવા જાય છે એને વાળવાને બદલે નિસરણી આપે છે? જો મયુર, બાવીસ કલાક બાળીને બે પાના લખીને કયો ડલ્લો કમાવાનો છે? સાંભળ તારી કાકીને માટેતો હું બાર હાથનો કમાવાવાળો બેઠેલો. તને કમાઈને ખવડાવનારી કોઈ બેઠી છે? લખવા બખવાના છંદમાં પડવા જેવું નથી. ગાંડો થઈ જશે ગાંડો. ટાઈમ મળે ત્યારે વાંચ કે દોસ્તારો સાથે ગપ્પા માર.”
“ લખવાના ચસ્કા છોડ. બે પાના લખવા માટે બાવીસ કલાકનો ધુમાડો કરશે. બાવીસ કલાકના ઓવરટાઈમમાં જેટલા ડોલર મળશે તેટલી પેની પણ, તારા બે પાનાના લખાણમાંથી નહીં મળશે.”
કાકા ખરેખર સીરીયસ હતા. કડક ગુજરાતી બોલતા હતા. તેમની સામે હું દલીલ ન કરી શક્યો. મારે માટે અમૅરિકામા તેઓ એક માત્ર વડીલ હતા.
મારો ઉતરેલો ચહેરો જોઈને તેઓએ ટોન બદલ્યો. ‘જો બેટા, એક કામ કર! તારા બધા બધ્ધા દોસ્તારોને મારે ત્યાં જ લઈ આવજે. કેમ ખરુંને કિન્ની? તને પણ મજા આવશે. અહીં ખાઈ પીને મજેથી વાતો કરજો, ને કાકી પણ સરસ કવિતાઓ બોલશે.’
‘અરે યાદ આઇવું. તારા બાપા ને હું ચોથામાં સાથે જ ભનતા ત્યારે માસ્તરે મને હાથમા ફૂટપટ્ટી મારેલી. ‘મને પૂછ, કેમ?’
‘કેમ કાકા?’ કાકી પણ ન જાણેલી પોલ જાણવા અધીરા થઈ ગયા.
મૌખિક પરિક્ષા હતી. મને નરસી મેતાની કવિતા પૂછી. મને તો આવડતી હતી. મેં તો બોલવા માંડી. માસ્તરે બરાડો પાડ્યો. ગધેડા, કવિતા બોલવાની નહીં હોય. ગાવાની હોય. બે વાર મારા હાથમાં ફૂટપટી ચમચમાવી દીધી. મેં રડતાં રડતાં ગાવા માંડી. મારા રાગની કદર કરીને અડધી લાઈનથી જ મને બેસારી દીધો. ફુલ માર્ક સાથે. તારી કાકી મારા માસ્તર પાસે નઈ ભનેલી, એતલે હજુ પન કવિતા બોઈલા કરે છે. ખરૂંને કિન્ની?’
સાહિત્ય શત્રુ કાકાને જવાબ આપવાને બદલે કાકી માત્ર મલક્યા. કાકીએ જીંદગીનો પનારો, પ્રેમ અને રંગતથી માંણ્યો અને પાળ્યો હતો.
કાકાએ ફરી ભાવ પ્રમાણે ભાષા બદલી.
“મયૂર તારે કેવા રાઈટર થવું છે? એમૅચ્યોર, પ્રોફેશનલ કે કોમર્સીઅલ?”
“મને સમજાયું નહીં.”
“જો તને મારી રીતે સમજાઉં.”
“આમતેમ થોડું લખીને, નામ છપાવવાના અભરખાએ લખતા મફતિયા લેખકોને હું એમૅચ્યોર રાઈટર ગણું છું. વિદ્વાન પ્રોફેસરો અને ચિંતકો, સમજી વિચારીને, સંશોધન કરી એનો નિચોડ વાંચકોને આપે છે તેઓને હું પ્રોફેશનલ રાઈટર સમજું છું. સાહિત્ય જગતમાં એમનું માન અને સ્થાન ઉચ્ચ અને આદરણીય છે.
કાકા અટક્યા. માવાની પડિકી ગલોફામાં દબાવી અમારી સામે જોતા રહ્યા.
મારે પૂછવું પડ્યું. “કાકા, અને કોમર્શિયલ રાઈટર્સ?”
“તેવા રાઈટર્સ પત્રકાર તરીકે, દૈનિક, સાપ્તાહિક કે માસિક પ્રકાશન સાથે જોડયલા હોય છે. પેટને માટે કોન્ટ્રાક્ટ મુજબ સતત માલ મેન્યુફેક્ચર કરતા રહે છે. ક્વોલિટી પ્રમાણે તેમને નામ, દામ અને વાંચકોની દાદ મળે છે. એ લોકો ધંધાધારી લેખકો છે. એઓ શરૂઆતમાં સારું લખે; પછી સબ્જેકટ્સ ઈવાપોરેટ થઈ જાય અને ઠોકાઠોક શરૂ કરી દે. બિચારાઓની દયા આવે.”
“એક બીજી જાતના લેખકો પણ હોય છે. કેટલાક એની બૈરીથી ધરાઈ ગયેલા કે ઉબકાઈ ગયેલા હોય તેવા લેખકો બ્યુટિફુલ છોકરીઓની સેક્સી વાતો લખીને પોતાની કલ્પનામાં રાચતા હોય છે. પેલો જગો એવું જ બધું લખતો અને સાલો એ ચોપડી, પાછો એની બૈરીને જ અર્પણ પણ કરતો. આ બધું તો મારો કૉલેજનો ભાઈબંધ કહેતો.” કાકા જવાબદારીમાંથી સિફત થી છટકી ગયા.
“બોલ તારે શું થવું છે?”
હું નિરૂત્તર રહ્યો.
‘એક વાર મારી વાર્તા પણ છાપામાં આવેલી. મારા નામે. લેખક – પ્રા. જે. જી. ગાંધી. વટ પડી ગયેલો.’ એ ફરી અટક્યા.
મને નવાઈ લાગી.
કાકાએ આગળ ચલાવ્યું.
“તે વખતે હું કોલેજમાં માસ્તર હતો. એક દિવસ હું કોલેજ કેન્ટિનમાં ચા પીતો બેઠો હતો ત્યારે ચા બનાવતો રમેશ મારી પાસે આવ્યો. સાહેબ મારે એક વાત કરવી છે. મારાથી આર્થિક સ્થિતીને કારણે ભણાયું નહીં પણ વાંચવા લખવાનો શોખ છે. થોડું લખ્યું છે પણ કોઈ છાપતું નથી. સાહેબ, તમને જો વાંધો ન હોય તો મારે તમારે નામે મારી એક નવલિકા રવિપુર્તિમાં મોકલવી છે. તમારું નામ જે. જી. ગાંધી લખીશ અને સરનામું પણ તમારું જ આપીશ. મેં વગર વિચારે હા પાડી.”
“બીજા રવિવારે પ્રા.જે.જી. ગાંધીની નવલિકા પ્રગટ થઈ. વહેલી સવારે રમેશ દોડી આવ્યો.”
“સાહેબ આપણી વાર્તા આવી. વાર્તા સરસ હતી.” મેં એને અભિનંદન આપ્યા.
“બે દિવસ બાદ પંચોતેર રૂપીયાના ચેક સાથે તંત્રીએ લખતાં રહેવાનું સૂચન કર્યું હતું.”
“તારી કાકીએ રમેશને બોલાવી જમાડ્યો. બીજા પચ્ચીસ ઉમેરીને તેના હાથમાં સો રૂપીયા મુક્યા”.
“સાહેબ, આપણે આ રીતે જ લખતા રહીશું”
મારે બદલે કાકીએ જ જવાબ વાળ્યો. “ના ભઈલા. તું તો સરસ લખે છે. આત્મવિશ્વાસ રાખ. તું તારા નામે જ લખ અને મોકલ.”
કાકીએ તંત્રીને પત્ર લખ્યો. અર્ધસત્ય. ‘પ્રા.ગાંઘીને કથા બીજ આપનાર યુવક રમેશ પટેલ એક નવોદિત લેખક છે. ઘણું સરસ લખે છે. પ્રગટ કરવા યોગ્ય કૃતિને આપના પ્રકાશનમાં સ્થાન આપશો.’
પછી તો મેં કોલેજ છોડી. રમેશનું શું થયું તે ખબર નથી.
માસ્તરગીરી છોડી પણ લૅકચરગીરી છોડી નથી. છોકરાને ભુખ લાગી હશે તેનોતો વિચાર કરો. હું ડિનરની તૈયારી કરું છું ખાતાં ખાતાં વાતો કરજો. અમે ડિનર ટેબલ પર ગોઠવાયા. કાકાએ વાતનો દોર ચાલુ રાખ્યો.
“તને તો ખબર છે કે કાકીને કવિતાઓ નો શોખ છે. હું હાઈસ્કુલમા હતો ત્યારે કવિતાનો ડુચો કરી મારા પર નાંખતી. હું ફિલમના ગીતોનો ડુચો કરી જવાબ આપતો. લગન પછી મને એની કવિતાઓનો વેપલો કરવાનું મન થયું. એની લખેલી કવિતાઓનો સ્ંગ્રહ “કવન પરાગ” મારે ખર્ચે પ્રકાશિત કર્યો. લગભગ હજાર કોપી હતી. પચાસ-પંચાવન મફતમાં સાહિત્યકારોને મોકલી. તેઓએ ઔપચારિક વખાણ કર્યા. સોએક કોપી ઓળખીતાઓને આપી. સોએક લાયબ્રેરીમાં મોકલી. પચાસેક નકલો કવિસંમેલનના ડેસ્ક પર વેચાઈ. બાકીની બુકસેલરને આપી. તેમણે સાંઠ ટકા ડિસકાઉન્ટમાં સ્ટુડન્ટોને વીસ પચ્ચીસ વેચી. બે વર્ષ પછી બધા બંડલો પાછા આવ્યા. અત્યારે ઍટિકમાં ધૂળ ખાતાં પડ્યા છે.”
“તે વખતે આકાશવાણીના કાવ્ય દર્શન પ્રોગ્રામમાં કાકીની કવિતાઓ વંચાઈ. વિવેચકોએ ખૂબ વખાણ કર્યા. પણ મળતર!… તે જમાનામા કાકાએ કવિતાના વેપલામાં ચારહજાર ત્રણ્સો પચાસ રૂપિયાની ખોટ ખાધી. લોકો મફતનંભ વાંચે, પણ ચોપડાં ખરીદે નહીં. બોલ! તારે એવા વેપલામાં પડવું છે?

“મને કાકીને માટે માન ઉપજ્યું. કાકાની દયા આવી. વડીલને મારાથી કહી શકાયું નહીં કે કલા સર્જન નું મૂલ્ય રૂપિયા-પૈસાથી કે ડોલર-ડાઈમથી નહીં અંકાય.
કાકીએ હસતાં હસતાં વાત વાળી લીધી. કાકાની વાતમાં પણ આંશિક સત્ય તો ખરૂંજને! અરે આતો આપણાં શોખની વાત છે. આવતા શનિવારે સાંજે આપણે અહીં જ ભેગા મળીશું. બધાને લઈ આવજે. બધાએ ડિનર પણ અહીં જ લેવાનું.
કાકાએ પણ સૂર પુરાવ્યો. બરાબર છે. મને પણ જુવાનીઆઓ સાથે લૅકચરબાજીની મજા આવશે. બે કરતાં બાર ભલા.
અમારી સાહિત્ય સભાના સભ્યો પાંચમાં થી પચ્ચીસ થયા. કેટલાકને સાહિત્ય ગમતું. કોઈકને કાકા-કાકીની સુરતી મહેમાનગીરી ગમતી તો કોઈને કાકાની ‘જેક ઓફ ઓલ ટ્રેડ’ની વાતોમાં મજા આવતી. મારા બધા મિત્રો કાકાને ‘જેક અંકલ’ કહેતા. પ્રકાશનના ધંધામાં ગુમાવેલા પૈસાનો રંજ કરતા કાકા, અમારા જેવા મહેમાનો પાછળ ખર્ચો કરતાં અચકાતાં નહીં. આજુબાજુ માણસોની હૂંફ તેમને ગમતી. કાકી મારું લખાણ વાંચતા, સુચન કરતાં પણ મઠારતા નહીં. મારા મેનેજર ન્હોતા પણ મને અને મારા લખાણને કંટ્રોલ કરતા.

…….અને એક દિવસ કાકાનો ફોન આવ્યો. ‘મયૂર આવતા શનિવારે તમારી મીટિંગ બંધ. કાકી બહાર જવાના છે અને મારે રેસ્ટોરાન્ટમાં પાર્ટીમાં જવાનું છે. તારે મને લઈ જવાનો છે. બરાબર પાંચ વાગ્યે મને લેવા માટે આવી રહેજે.’
કાકાની આજ્ઞાના ઉલંધનનો સવાલ જ ન્હોતો. સમયસર કાકાને લઈને પાર્ટીહૉલ પર પહોંચી ગયો. દાખલ થતાંની સાથે ‘સરપ્રાઈઝ મયૂર, કોન્ગ્રેચ્યુલેશન મયૂર ના અવાજોથી હૉલ ગાજી ઉઠ્યો. હું ખરેખર ડગાઈ ગયો. જોયલા ન જોયલા ચહેરાઓથી હૉલ ભરાયલો હતો. કાકીએ મારા હાથમાં ફૅક્ષ મુક્યો. ‘કર્ણાવતી ડાઈજેસ્ટ’ની નવલિકા સ્પર્ધામા મારી વાર્તા “તાપી તારા અવળા વ્હેણ” ને રૂપિયા પચ્ચીસ હજારનું પહેલું ઈનામ લાગ્યું હતું. મારી વાર્તા કાકીએ જ મોકલેલી. મિત્રો ઉપરાંત પત્રકારો, જાણીતા સ્થાનિક સાહિત્યકારો અને વિડીયોગ્રાફરને પણ બોલાવ્યા હતાં.
કાકા કાકીએ જોધપુરીમા શોભતા એક આધેડ પ્રભાવશાળી વ્યક્તિ સાથે ઓળખાણ કરાવી. “આ અમારા ખોવાઈ ગયેલા રમેશભાઈ છે. હાલમાં લંડનમાં “કિન્નરી” સાપ્તાહિક ચલાવે છે.”

મેં કાકા કાકી અને રમેશભાઈની ચરણરજ માથે ચડાવી.
રમેશભાઈએ મને પ્રેમથી કહ્યું ‘કિન્નરી માટે પણ લખતો રહેજે.’
કાકીને મારી અને રમેશભાઈની સિધ્ધિનું ગૌરવ હતું.
કાકાને મારી પચ્ચીસ હજારની કમાણી અને રમેશભાઈની સફળતાથી સંતોષ હતો.
કાકાએ મારા ચારસો ડોલરના ઈનામના સેલિબ્રેશન માટે ચાર હજાર ડોલર ખર્ચ્યા હતા.

3 responses to ““મારા જૅક અંકલ”

 1. pravinshastri July 16, 2016 at 11:08 PM

  આભાર ગાંધી સાહેબ.

  Like

 2. મનસુખલાલ ગાંધી July 16, 2016 at 10:56 PM

  સરસ વાર્તા છે.

  Liked by 1 person

 3. dee35(USA) August 19, 2015 at 12:34 PM

  વાહ,ખૂબ સરસ વાર્તા!વીતીગયેલાં વર્ષોની યાદો તાજી કરવાની મઝા આવી.આભાર.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: