લલ્લુ લેખક થયો

Bookfair

તારીખ ૨૨ અને ૨૩ ઓગ્સ્ટના રોજ “ગુજરાત દર્પણ” અને “શાકુંતલ આર્ટ્સ” ના સહકારથી હિન્દુ કોમ્યુનિટી સેન્ટર-કર્ની મંદિરના લાભાર્થે ન્યુ જર્સીમાં ડાયસ્પોરા પુસ્તક મેળો, ચિત્રકળા પ્રદર્શન અને આઠ એકાંકી નાટ્ય મહોત્સવ ઉજવાયો હતો. પુસ્તક મેળાનું આયોજન જાણીતા માનીતા પુસ્તક અવલોકનકાર ડો.અમૃત હજારીએ સંભાળ્યું હતું. નોર્થ અમેરિકા ખાતે આ ઘટના અભૂતપૂર્વ હતી. સૌ આયોજકોને હાર્દિક અભિનંદન અને ધન્યવાદ.

0000000

આ સરસ પુસ્તકમેળામાં મારો એક મિત્ર લલ્લુ એના પુસ્તકો મૂકવાનું ઈરાદા પૂર્વક ચૂકી ગયો હતો.
કેમ?
બિચારાને પુસ્તક વેચાણનો કડવો અનુભવ થયો હતો. નવો નવો લેખક હતોને! જાણવો છે એ બિચારાનો અનુભવ? તો વાંચો આ વાત………..

Rhul&Girls

વાંચો, લલ્લુ લેખકની બુક “રાહુલનો બ્રહ્મચર્યાશ્રમ”

Lallu Lekhak
લલ્લુ લેખક થયો

‘અરે! તમે સાંભળો છો? હું તો બુમો પાડી પાડીને થાકી ગઈ. ઘાંટોયે બેસી ગયો. સાંભળતા જ નથીને! ઉપર બાથરૂમમાં બેસીને ત્રણ કલાકથી પેપર વાંચ્યા કરતા હશે.’ ચંપાબેનનો બબડાટ ફફડાટ ચાલતો હતો.
ચંપકલાલ હાથમાં પેપર લઈને નીચે ઊતર્યા.
‘રવિવારને દિવસેયે શાંતિથી પેપર વાંચવાનું મળતું નથી. ત્રણ વખત આપણાં બન્ને બાજુના પાડોસીને સંભળાય એવા અવાજમાં મેં જવાબ વાળ્યો કે તમે શું કહો છો! પણ કંઈ કહેવાને બદલે ગામ ગજાવો છો. સાંભળો છો…સાંભળો છો. સાંભળો છો. બોલો મારે શું સાંભળવાનું છે? આજની કઈ કથા સંભળાવો છો?’
‘કથા નથી. સમાચાર છે. આજે આપણે મંદિરે નથી જવાનું.’
‘કેમ? આજે રવિવારે ઘરનું ખાવાનું છે? મારા ભાગ્ય ખૂલ્યા.’
‘ના…ના. ક્યાં તો કોઈને ત્યાં જઈશુ અથવા બહાર હોટલમાં જઈશું.’
‘તમારી શ્રદ્ધા ભક્તિમાં કેમ ઓટ આવવા માંડી? કેમ, મંદિરે નથી જવું? ભગવાનને આજે તમારા દર્શનથી કેમ મુક્તિ આપી?’
‘આવું આડું બોલશો તો પાપમાં પડશો. આ તો, આજે તમારા ભાઈબંધ લલ્લુભાઈ ત્યાં હશે.’
‘કોણ લલ્લુ લાખણસી? એતો કાયમ જ ત્યાં આવે છે. એ અમારી બાકડા બેંચ પરિષદનો લાઈફ મેમ્બર છે. એના વગર તો મજા જ નથી આવતી.’
‘અરે! હું તો કેતી’તી કે તમારા દોસ્ત લલ્લુભાઈને લેખક થવાનો ચસકો લાગ્યો છે.. તમને ખબર છે? એણે કોઈ ચોપડી છપાવી છે.’
‘અરે, વાહ. આતો આનંદની વાત છે. અમારો લલ્લુ લાખણસી લેખક થયો. લલ્લુતો મારો કેટલાએ વરસો જુનો દોસ્ત. કાયમ ઉંધી ખોપડીનો લબાડી. જાત જાતની વાતો લાખ્યા કરે. એટલે તો અમારા ગ્રુપમાં બધા એને લલ્લુ લાખણસી કહે. તને કોણે કહ્યું કે એ લેખક થયો? ચન્દુ ચાવાલો કહેતો કે લલ્લુને વાંચતાં આવડે કે કેમ તે જ મોટો સવાલ છે ત્યાં લખવાની વાત ક્યાં આવી! વાતો લાખવી અને વાર્તાઓ લખવી એમાં બહુ ફેર.’
‘પણ તમને કોણે કહ્યું કે લલ્લુએ બુક પબ્લિશ કરી છે?’
‘આતો લલીબેન મળ્યા’તા. કે’તાતા કે એમણે કોઈ ચોપડી લખી છે. હવેથી દર રવિવારે મંદિરની બહાર ટેબલ રાખીને ચોપડી વેચવાના છે.’
‘બદમાસ છૂપો રૂસ્તમ નિકળ્યો. કદાચ કોઈ ભજનની ચોપડી લખી હશે. એને ગાવા વગાડવાનો શોખ છે, તે તો અમને ખબર છે. બિચારાના ઘરવાળા એના રાગડાથી ત્રાસે એટલે અમારી પાસે આવીને કંઈ ગાય. એની દયા ખાઈને અમે કાન અને ધ્યાન બીજે રાખીને પણ બે ત્રણ મિનિટ એને ગાવા દઈએ. બિચારો ખુશ! જે હોય તે. નહીં વાંચીયે તો પણ સપોર્ટ કરવા વખાણ તો કરવા જ પડશે. જો એ ચોપડી વહેંચતો હોય તો મંદિરે જઈને બે ચાર ચોપડી લઈ આવીશું.’
‘તમે બધાની સામે મને બહેરી બહેરી કહો છો પણ તમે જ સાવ બહેરા છો. મેં કીધું કે વેચવાના છે. વહેંચવા ના નથી. ને એટલે જ કહું છું કે આજે મંદિરે જવાનું માંડી વાળીશું. મને તમારો સ્વભાવ ખબર છે. ચોપડા જોઈને ભૂત આવે. એકને બદલે ચાર પાંચ ચોપડી ખરીદી લેશો. ભાઈબંધ છેને! ઘરમાં ઊધઈ ખાનું નથી કરવું. મફત આલે તો પણ એક જ લેજો ને વાંચીને બીજા કોઈને પધરાવી દેજો.’
‘ના, ના… તો, તો, જવું જ પડશે. અભિનંદન અને આશ્વાશન આપવા જવું જ પડે. આતો મૈત્રીનો પ્રોટોકોલ કહેવાય.’
‘તમે અભિનંદન આપવા જવાના કે આશ્વાસન આપવા જવાના?’
‘બન્ને.’
‘કેમ બન્ને?’
‘બુક લખી તેના અભિનંદન અને બુક વેચાવાની નથી તેનું આશ્વાસન. આજના જમાનામાં ક્યો ગુજરાતી નવા લેખકની ચોપડી વસાવવા માટે વોલૅટ ખોલે છે? બિચારાને બુક લખવા માટે કોઈએ ચઢાવ્યો હશે એટલે ફુલણસી એ કંઈ લખી માર્યું હશે. બિચારો લલ્લુ.’
‘બી.પી. માં એને માટે સપોર્ટ ટીમ ઉભી કરવી પડશે.’
બી.પી. એટલે બાંકડા(બેંચ) પરિષદ. મંદિરના બહારના હોલમાં જોડા ચંપલ કાઢવાની એક રૂમ. રૂમની બાજુમાં રેસ્ટરૂમ. રેસ્ટ રૂમની બાજુમાં બેસવા માટે ખૂણામાં ચાર પાંચ બાંકડા. એ બાંકડાઓ ઉપર દર રવિવારે ડાહ્યાલાલ, ગાંડાભાઈ, સંદિપ ભંડારી, ચંદુ ચાવાળો, મનસુખ, સુનિલ, લલ્લુ લખણસી, મંગુ મોટેલ, ચંપકલાલ ચતુર્વેદી એટલે કે ચંપક ચતુર વગેરે અડ્ડો જમાવતા. ડાહ્યાલાલ વિધુર હતા. એકલા આવતા. બાકીનાં તેમના શ્રીમતી સાથે આવતાં. ખરેખર તો આવવું પડતું. મંદિરમાં દર્શન કરી બહાર બાંકડા પર બેસી માત્ર ગામની જ નહિ પણ આખી દુનિયાની પંચાત કરતા. સમગ્ર દુનિયાની દરેક સમસ્યા નિવારણ માટે આ ચતુર પુરુષો પાસે ઉકેલ હતો. આરતી પહેલા મહાપ્રસાદની લાઈનમાં પતિદેવોએ ઉભા રહી જવાનું.
મંદિરના સભાગૃહમાં મહિલાઓ જુદા જુદા ગ્રુપમાં પોત પોતાનું સપોર્ટ ગ્રુપ બનાવીને હૈયા-વરાળ કાઢતા. સાસુઓનું એક ટોળું એક બાજુ તો બીજી બાજુ વહુઓની ગેંગ. ડાબા ખૂણામાં દેરાણીઓ અને જમણા ખૂણામાં જેઠાણીઓ. સંસ્કારી કન્યાઓ સાથે ડેટિંગ માટે ફાંફાં મારતા ધાર્મિક સુપુત્રો આ મંદિરમાં ભેગા થતા.
લલ્લુને આશા હતી કે ત્રણસો ચારસો માણસો દર રવિવારે ભેગા થાય છે, પચાસેક પુસ્તક તો વેચાશે. એણે સરસ ટેબલ ગોઠવ્યું. સફેદ લેંઘો, કફની, ઉપર બદામી બંડી, આંખ પર કાળી ફ્રેમના ચશ્માં, કપાળ પર મંદિરના પુજારીએ કરેલો ઓફ સેન્ટર ચાંલ્લો, વિખેરાયલા વાળ અને ‘સેવ’ કર્યા વગરનો દયામણો ચહેરો. ખભા પર કાણાંવાળો જુનો બગલ થેલો.
કાયમ જિન, ટીશર્ટ અને ગોગલ્સ ચડાવીને ફરતો લલ્લુ, પાંસઠની ઉમ્મરેયે પિસ્તાળિસનો લાગતો તે આજે ઓગણીસસો પચાસનો બરબાદ સાહિત્યકાર બનીને પોતાનું પુસ્તક વેચવા ઉભો હતો.
એક પૂંઠા પર લખ્યું હતું; “વાંચે ગુજરાત”.
વાંચો…. લલ્લુભાઈ લીખીત આધુનિક નવલિકા સંગ્રહ…… “રાહુલનો બ્રહ્મચર્યાશ્રમ”
મંદિરના દર્શનાર્થીઓ (ભગવાનના નહીં, મંદિરના…) આવવા માંડ્યા હતાં. ટેબલ પાસે ઊભા રહીને ચોપડી ઉથલાવતા, ઉપર કિંમત જોઈને પાછી મૂકીને ચાલતા થતા. એક બેન આવ્યા. એમણે ત્રણ ચોપડી ટેબલ પરથી ઉપાડી અને ચાલવા માંડ્યું. લલ્લુ બાઘાની જેમ તેને જોઈ રહ્યો. બાંકડા પરિષદના મિત્ર ચંપકલાલ લલ્લુના ટેબલ પર ધ્યાન રાખતા હતા.
એમણે બેનને અટકાવીને કહ્યું ” બેન, આ મફત નથી હોં . એક બુક ના વીસ ડોલર થાય. તમે સાંઠ ડોલર આપ્યા વગર બુક લીધી તે શોપ લિફ્ટિંગ કહેવાય.”
“ઓ બાપરે! આતો ચોરી પર શિર જોરી. મંદિરમાં તો બધું મફત જ હોય. તમે તો મંદિરમાં વેપાર કરીને ભગવાનના ભક્તોને લૂટવા બેઠા છો. નથી જોઈતી તમારી બુક.” બેન બુક ટેબલ પર પછાડીને ચાલતા થયા.
બિચારો લલ્લુ!
એક ડોસીમા આવ્યા. “ભઈ, આમાં કેટલા ભજન છે? ભજન સિનેમાના રાગમાં તો છે ને?”
“ના બા, આતો વાર્તાની ચોપડી છે.”
“હવે મારી આ ઉમરે વાર્તાનું હું કામ ભૈ? ભજન કરીએ તો કલ્યાણ થાય. આતો મારી વહુ કે’તી હતી કે બા તમારી પાછળ અમારે ભજનની ચોપડી વ્હેંચવી પડશે. તમને ગમે તેવા ભજનની ચોપડી સસ્તા ભાવે લઈ રાખજો. અંદર તમારો ફોટો મુકાવી દઈશું. જે શ્રી ક્રિષ્ના દીકરા.” બા ચાલતા થયા.
બિચારો લલ્લુ….ભજનની બુક લખી હોત તો પ્રિન્ટીંગનો ખર્ચો તો નીકળતે!!
બે ત્રણ છોકરીઓ આવી. ટેબલ પરની બુક હાથમાં લઈ પાના ફેરવ્યા.
“શી..ટ ઈટ્સ ઈન ગુજરાતી. ધીસ ઈઝ અમેરિકા. વ્હાય સ્ટુપિડ ઓથર હેઝ ટુ રાઈટ ઇન ગુજરાતી? એક મોં મચકાવીને ગણગણી.
એમાંની એક ઈન્ડિયાથી તાજી આવેલી છોકરી થોડી જ્ઞાની હતી. એણે રાહુલ ગાંધીનો ફોટો જોઈને કહ્યું, “આતો સોનીયા ગાંધીનો સન છે. એની વાત હશે. બ્રહ્મચર્યાશ્રમ એટલે હજુ અનમેરિડ છે. અનટચ્ડ મર્ચન્ડાઈસ. યુ નો વોટ આઈ મીન!’
લલ્લુએ ઉત્સાહમાં આવીને કહ્યું ‘કટાક્ષિકાઓ છે, વાંચવા જેવી સ્ટોરીઝ છે.’
છોકરીઓ અંદર અંદર વાતો કરતી હતી. “ઈઝ મેન રિયલી રિયલી વર્જીન?” જસ્ટ લાઇક સલમાન?
બીજીએ સામે પુછ્યું “ચાંપલી! હાવ એબાઉટ યુ? આર યુ? “
“મે બી… મે નોટ બી….ઈટ ડિપેન્સ, હુ ઈઝ આસ્કિન્ગ! બટ આઈ ઓન્લી નો ધેટ રાહુલ ઈઝ સિંગલ લાઈક યુ.”
છોકરીઓ પણ બુક લીધા વગર ચાલી ગઈ.
બિચારો લલ્લુ!!!
એક આધેડ દંપતી…પત્નીને વાંચવાનો શોખ્ હોય એવું લાગતું હતું. પત્નીએ પુછ્યું, ‘બુક લઈશું?’
પતિદેવનો રિસ્પોન્સ. ‘ઉતાવળ શી છે? લાઈબ્રેરી માં તો આવશે જ ને! ત્યારે વાંચી લઈશું. અરે, એક બે મહિના પછી કોઈ દેશીના ગરાજ સેલમાં પાંચ દશ સેન્ટમાં મળી રહેશે. વીસ ડોલરની બુક ક્યો મુરખ વસાવવાનો છે?’
બિચારો લલ્લુ….!!!!
બીજા એક બહેન આવ્યા. બુક હાથમાં લીધી. પાના ઉથલાવવા માંડ્યા. ભીંતને અંઢેલીને બુક વાંચવા માંડી. લગભગ ચાળીસ મિનિટ વાંચ્યા પછી બુક ટેબલ પર મૂકી.
એણે કહ્યું, ‘સરસ વાર્તાઓ છે. વેરી હ્યુમરસ, વેરી નાઈસ. ફેસ બુક પર મૂકવા જેવા ક્વોટેશન છે. આવતા રવિવારે તમે આવશોને? ત્યારે હું પુરી વાંચી નાંખીશ થોડી નોટ્સ પણ ટપકાવી લઈશ. કોન્ગ્રેચ્યુલેશન. મજા આવી ગઈ. કદાચ કોઈ કોન્ગ્રેસી તમને સ્યૂ કરે તો આ કાર્ડ તમારી પાસે રાખજો. મારા હસબન્ડ એટર્ની છે.’
ચંપકલાલથી ન રહેવાયું, ‘બેન, ગમતી હોય તો ખરીદી જ લો ને?’
બેનનો જવાબ મળ્યો ‘ કાકા હું તો મોટેભાગે ઈન્ટરનેટ પર જ વાંચું છુ. નેટ પર ન હોય તે બાર્ન એન્ડ નોબલમાં જઈને વાંચી લઊં છું. વસાવીને વાંચવાની કુટેવ નથી. ઈ-બુક બનાવી દો ને! ખુબ ઝામશે. ’
લલ્લુએ નિસાસો નાંખ્યો……
એટલામાં બેન્ચ પરિષદના સુરતી સભ્ય ચન્દુ ચાવાલા આવ્યા.
‘લલ્લુ ટને ચોપરી છપાવવાની સલ્લાહ કયા ડફોરે આપી?
આ તો પેલા શાસ્ત્રી કહેતા હતા કે ‘મોદીએ વાંચે ગુજરાતનું અભિયાન શરુ કર્યુ છે. એટલે એની જેમ મેં પણ લખવાનું શરૂ કર્યું.’
‘ટો લલ્લુ મારી વાટ સીધ્ધે સીધ્ધી ટારા બ્રેઈનમા ગોઢવી ડે. સાસટ્રી હાઉ ભંગાર લખે છે. હવે એ પન લખવાનું બંઢ જ કરવાનો છે. એને બઉ મોરી મોરી અક્કલ આવી કે નરેન્ડ્ર મોડીએ ટો “વાંચે ગુજરાટ” માં વાંચવાનું કઈલુ. લખવાનું નઈ. આવટા વીકમાં એ એના બ્લોગમાં જનાવવાનો છે કે એ કેમ હવે નઠી લખવાનો.
ચંપકલાલે કહ્યું, લલ્લુ, દોસ્ત હિમ્મત ન હારતો. તું લખવાનું ચાલુ રાખજે. હમણાં ઈલેક્શન આવે છે. તારી બુકમાં તેં ભાજપવાળાને ગમે એવી, રાહુલની ફિલમ ઉતારી છે. ભાજપવાળા તારી બધી બુક ખરીદી લેશે. ને ભલે શાસ્ત્રી લખવાનું બંધ કરે. એની વાર્તા ઢંગધડા વગરની જ હોય છે.
‘તું લખવાનું ચાલુ રાખજે. ધીમે ધીમે તારું નામ જાણીતું થશે એટલે તારી બુક વેચાશે. લે આ બસો ડોલર તારી પાસે રાખ. મને નવ બુક આપી દે. હું આપણા બીપી મેમ્બર્સને મારા તરફથી તારી બુક ભેટ આપીશ. સાલા બધા મફતિયા છે. પાડોસીનું છાપું, પાડોસી કરતાં મફતમાં પહેલું વાંચે એવા છે. ને સાંભળ એક બુક તારી ભાભી ચંપાને ભેટ આપજે પણ કહેતો નહિ કે મેં ખરીદી છે. ગુડ લક’
‘લલ્લુ જો ટારે લખવુ જ હોય ટો હું ટને સ્ટોરી સીડ આપીસ. આઈ મીન કઠા બીજ આપીસ. પછી ટારે કોઈ જાનીટા કવિટા લખવા વારાની બે લાઈન હેડિંગમાં ગુસાડી ડેવાની. ઠોરુ ડર્ટી લખી માર્વાનું. બસ ટુ એકડમ પોપ્યુલર ઓઠર થઈ જહે.’ ચદુભાઈ ચાવાલાએ છેવટે લલ્લુને મદદ કરવાનું વચન આપ્યું.

હવે આપ આ જ વાર્તા “પ્રતિલિપિ” પર પણ વાંચી શકશો

7 responses to “લલ્લુ લેખક થયો

 1. pravinshastri October 5, 2015 at 8:49 PM

  ડોસ્ટ, આ વાર્ટા ટો મેં ચાર વરહ પેલ્લા ચિટરી મારેલી. બસ ભેજામાં આપના ડેસી ઓની ક્વોલિટી બર્રાબર સેટ બેઠેલી. આજઠી પાં ચ વરહ પછી હો હું કરવાના ટે હું લખવાનો છું જો હું મરી ગૈલો હૌ તો મને યાડ કરજો કે સાસટરી આવું જ કખતો ઊટૉ.
  અમૃતભાઈ આપના પ્રેમાળ અભિપ્રાય હંમેશનો આભારી છું.

  Like

 2. Amrut Hazari. October 5, 2015 at 8:30 PM

  પરવિનભાઇ,
  અા તો અેટલું હાચ્ચુ લઇખુ છે કે કરની મંદિરમાનાં પુસ્તકમેળાની યાદ દેવડાવી દીઘી. તાં બી આવુંજ્જ થેયલું. હું કરે બીચારો ગુજરાતીનો લેખક ? ગુજ્જુઓ હારા વાણીયા….મફતનું જ હોઇઘા કરે….તીયારે મને પરેમાનંદની પેલી પંક્તી…યાદ આવેલી…..અથે કથેકા…….. હી આના…….શુ સા પૈસા ચાર……..
  અમેરીકન ડાયસ્પોરાના ગુજ્જુ લેખકોની દયા આવે…..
  સાચ્ચી વાત કેવા હારુ તને મારા લાખ લાખ અભિનંદન.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 3. મનસુખલાલ ગાંધી, યુ.એસ.એ. August 27, 2015 at 12:10 AM

  ઘણી વાર્તાઓ એવી હોય છે કે વરસ પછી વાંચો તો પણ તાજીજ લાગે….

  Liked by 1 person

 4. pravinshastri August 25, 2015 at 8:51 AM

  આભાર મહેતા સાહેબ.

  Like

 5. pravinshastri August 25, 2015 at 8:50 AM

  નવા વાચક મિત્રો માટે જૂની વાતોનું જ પૂનરાવર્તન કરું છું.

  Like

 6. હિમતભાઇ મેહતા August 24, 2015 at 2:27 PM

  wah wah લલ્લુ અને ચંદુ સુરતી ..મજા આવી

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: