રિવર્સલ ૩૧

રિવર્સલ ૩૧

REVERSAL1

.
ગુજરાત દર્પણ – નવેમ્બર ૨૦૧૫

.
“અરેએએએએઈઈ. હાભળો છોઓઓઓ?”
“બાપા ચાર ચાર મહિના રોઝીમમ્મા સાથે ઈન્ડિયા ફરી આવ્યા તો એમની સાથે નવીનતાની વાત સાંભળવાને બદલે એરપોર્ટથી આવી સીધા સરક્યા મોનાલિસાને મળવા. મેં કહ્યું હતું કે તમારી બિચારી પટાકડીઓને એક દિવસ રજા આપી તમારાથી છૂટી પાડો અને પિતાશ્રીને વળગો. એ બન્નેના બોય ફ્રેન્ડ હિજરાતા હશે અને એનો શ્રાપ લાગશે શ્રાપ.”
“એમને આજે રજા આપો. અને ઉપર આવો. બાપા સાથે બેસીને એમના ભારત પ્રવાસની વાતો કરવાની છે મંગળામાસી પણ પપ્પા મમ્મી સાથે આવી ગયા છે. આપણે થયેલી વાત બાપાને કરવાના છે. બાપા જો મંગળામાસીને યસ જવાબ આપે તો બિસમિલ્લાખાનજીના સૂરો આપણાં ઘરમાં ગૂંજતા થશે. હજુ ટોની નથી આવ્યો.”
“બસ, બસ, બસ બહુ બુમો ના પાડ. હું આવી ગયો છું. મારા બાપાને કોઈ ભેરવી મારે એવું તો ન જ થવા દઉં”
“અહીં મારી પાસે નહીં, મારી સામે, બાપાની સાથે બેસો. પછી ચાન્સ ના મળે. કદાચ મંગળા માસી બેસશે”
“બાપા, થોડો આરામ કરવો હતોને! અઢાર વીસ કલાકની મુસાફરીથી થાક લાગે જ ને. સોરી હું જરા બીઝી હતો. લિસાને એના બોય ફ્રેન્ડ સાથે બ્રેક અપ થયું. રડતી હતી. એને સલાહ આપવામાં રોકાયો હતો.”
“બાપા, સાંભળ્યું તમે? તમારા ચિરંજીવીએ એકાઉન્ટ ઓફિસમાં છોકરીઓના આંસુ પૂંછવાનું, કાઉન્સીલિન્ગ શરૂ કર્યું છે. મારો તો આખો જન્મારો તમારો દીકરો લિસા સાથે લસરી ના પડે તે જોવામાં જ પૂરો થવાનો. હવે એક કૉઉચ વસાવવાનો જ બાકી છે. પછી કૉચ પર રડતી છોકરીઓ સૂતા સૂતા એના દુઃખ દરદની વાતો કરશે અને આપના સુપુત્રજી એ દુઃખી છોકરીઓના દુઃખનું નિવારણ કરશે. આટલા મહિના પછી બાપા આવ્યા, અને ઘરમાં મહેમાનો છે તેમની સાથે વાતો કરવાને બદલે રડતી છોકરીઓને ખોળે બેસાડી કાલે બીજો બોય ફ્રેન્ડ અપાવીશ ને કોઈ તૈયાર ન થાય તો હું તો છું જ ને? જેવી સલાહ આપતા હશે.”
“બાપા, આ બારડોલી…..”
“પપ્પા, મમ્મી આ સાંભળ્યું ને તમારા જમાઈ રાજનું મારે માટે થતું કાયમનું સંબોધન! હમેશાં બારડોલી બ્રેઇન, બારડોલી બ્રેઇન સાંભળવું પડે છે. મમ્મી તમારે ડિલીવરી માટે બારડોલીને બદલે બેવરલિહીલ આવવું હતું ને કે જમારા જમાઈને અલ્ટ્રામોડર્ન બેવરલી હિલ બ્યુટી, મડોનામાયા મળતે.”
“હું તો એમ કહેવા જતો હતો…”
“બસ ચૂપ રહો. તમે બધાની સામે ગમે તેમ બોલવાનું બંધ જ રાખ્જો નહીં તો જોવા જેવી થશે, મારેતો બાપા સાથે ઘણી વાતો કરવાની છે. બાપા આઈ રીયલી મિસ યુ. તમારા વગર મને તો જરાયે ગમતું ન હતું. તમારા દીકરાને તો તમારી કંઈ જ પડી જ નથી.”
“એ તો રોજ જ મારી સાથે વાત કરતો હતો. એમ કેમ કહેવાય કે એને મારી કંઈ પડી નથી”
વ્હોટ? તમે બાપદીકરા રોજ મારી પીઠ પાછળ વાતો કરતા અને મને ખબર જ ના પડે. અરે ભગવાન, ઓહ માય ગોડ. આ ઘરમાં મારી કાંઈ વેલ્યુ જ નહીં? વિનોદ, તમને ભરતકાકા પુરાણની પણ બધી સ્ટોરીની પણ ખબર હતી?”
“વિનોદ તેં માયાને બધી વાત કરી ન હતી?”
“ના હું કરવાનો જ હતો પણ પછી તો બધું રોઝીએ ઠેકાણે પાડી દીધું પછી વાતનું વતેસર કરવાની શી જરૂર?”
“મારી સાથે અજાણ્યા બન્યા કરતા હતા. બાપા હવે તમને હું આ બધાની વચ્ચે એક સ્ટ્રેટ, આઈ મીન સીધ્ધી અને સટાક વાત પૂછવાની છું, તમે અને રોઝી….”
“જો દીકરી માયા, તારે બાપાને જે કાંઈ સીધું, વાંકું પૂછવું હોય તે અમે જઈયે પછી નિરાંતે પૂછી લેજે. અત્યારે વિનોદ સાથે લડવા ઝઘડવાનું બંધ કરીને અમને વાત કરવા દે. મંગળામાસીને વિઠ્ઠલજી સાથે ધણી વાતો કરવાની છે. અને એમને પણ આરામ કરવો હશે.”
“ઓહ, સોરી મમ્મી, હું તો ભૂલી જ ગઈ જ ગઈ કે મંગળામાસી બાપા સાથે પેલી વાત કરવા કરવાના છે. સારું હું ચૂપ રહીશ, માસી તમ તમારે બાપા સાથે વાત કરો. હું મૂંગી રહીશ.’
“વેઇટ આ મિનિટ. શું વાત છે? તું મને કહેતી હતી કે અમે બાપ દીકરો છાની છપની વાત કરીએ છીએ તો તમે શું કરો છો? તું અને મમ્મી મારી પાછળ શું રાંધ્યા કરતાં હતાં?”
“કેમ, મેં તમને કહ્યું તો હતું કે માસી બાપાને પૂછવાના છે.”
“ઓહ, નો વે. મેં કહ્યું હતું ને કે એ પોસીબલ નથી. હું ન થવા દઉં, બાપા, માસી કંઈ પણ પૂછે એનો સ્ટ્રેટ એન્સ્વર નો.”
“તમે ચૂપ રહેશો. વચ્ચે ડખો ના કરો. મારી જેમ ચૂપ રહો”
“ના હું એ ન થવા દઉં”
“ તમને, બોસ્ટન કે બાલ્ટીમોર કે બાલ્ડીપુર જે ગામમાં જનમ્યા હોય તેને આવી વાતોમાં સમજ ન જ પડે એટલે શાંતીથી મૌન પાળો અગર નીચે ઓફિસમાં જઈ કામ કરો. સમજ્યા!”
“અત્યાર સૂધી તમારી જીભાજોડીમાં હું ચૂપ રહ્યો. બોલો મંગળાબહેન શું વાત છે? આ વિનોદ અને માયા શું વાત કરે છે? વિનોદ તું શું નહીં થવા દઉં નહીં થવા દઉં ઠોક્યા કરે છે?”
“બાપા તમારા દીકરાને ઘરમાં દેશી બૈરાઓ નથી જોઈતા. એટલે બધી વાતમાં નહીં જોઈએ, નહીં થવા દઉં વગેરે લવારે ચડે છે. તમ તમારે મંગળામાસી કહે તે સાંભળો અને પછી મારે તમને તમારી ધર્મયાત્રા વિશે પણ ઘણું જાણવું છે.”
“વિઠ્ઠલભાઈ, હું તમને અંગત ગણું છું. આજે મનની વાત કરવી છે. તમે ઈન્ડિયા હતા તે દરમ્યાન જ ફોન પર વાત કરી સલાહ પૂછવી હતી, પછી વિચાર્યું કે આપણે બધા સાથે બેસીને જ વિચારીએ કે શું યોગ્ય છે અને શું નથી. મારે માટે તો ઈન્ડિયામાં પણ હવે કોઈ અંગત રહ્યું નથી. એમ થાય છે કે અમેરિકામાં જ જીંદગીના બાકીના વર્ષો પૂરા કરું. પણ ગેરકાયદે તો રહી શકાય નહીં. અને ગેરકાયદે ઠસી પણ નથી પડવું. કંચનલાલે પ્રયાસ કરી જોયો પણ બીજો કોઈ રસ્તો દેખાતો નથી. હું પાછી આપણા દેશમાં ચાલ્યા જવાનો વિચાર કરતી હતી ત્યાં કંચનભાઈએ નવો રસ્તો બતાવ્યો; અને જીવન પ્રવાહને નવી દિશા સાંપડી. શું કરવું એમાં મને એક દોસ્ત તરીકે, તમારી મંગળી મોનિટરને તમારી મદદ જોઈએ છે.
“આમ ગોળ ગોળ વાત કરો એ ન સમજાય. ચોખ્ખી વાત કરોને આપણે બધા તો ઘરના જ છીએ!”
“મારાથી આ ઉમ્મરે લગ્ન થાય? જો હું લગ્ન કરું તો મારાથી અમેરિકામાં તમારા બધાની સાથે રહી શકાય?”
“માસી, બાપાને બદલે હું જ તમને સલાહ આપું. આ ઉમ્મરે લગ્ન થાય તો પણ તમને તો ના જ શોભે, અને ખરેખર તો સ્વામીનારાયણ સંતો પિકેટિંગ કરી ધમાલ મચાવે અરે પથ્થરો પણ ફેંકાય.”
“માસીએ તમને નથી પૂછ્યું. બાપાને પૂછ્યું છે. જે કંઈ હોય તે બાપા અને માસી વચ્ચેની વાત છે. આજે મૂંગા રહીને ડાહ્યા થઈને વાત સાંભળ્યા કરો. તમે જ તો લેક્ચર આપ્યા કરતા હતા કે વડીલોની વાતમાં આપણાથી માથું ના મરાય. તમે ચૂપ રહો. ન રહેવાય તો નીચે જઈને તમારી મોનાલીસા સાથે એકાઉન્ટ ફાઈલની ન ખૂલતી ઝીપ અંગે ફાંફા મારો. વાજાં વાગશે ત્યારે વરઘોડામાં નાચવા બોલાવીશ.”
“માસી આ તમારા ભાણેજ જમાઈની વાતને ધ્યાનમાં ના લેતા. તમે તમારી વાત ચાલુ રાખો.”
”અમેરિકામાં પણ તમારા સિવાય મારે માટે તમારા સિવાય બીજું કોઈ નથી. મને પંચોતેર પૂરા થયા. હવે જીવનનો થાક વર્તાય છે. આખું જીવન એકલાએ પૂરું કર્યું. સ્વામિનારાયણ ભગવાન સંપ્રદાયના સત્સંગ માર્ગે સંપ્રદાયની વિધવા અને ત્યક્તા બહેનોને માટે શીબીરો કર્યા. આમ છતાં આખરે તો હું એકલી જ હતી; પણ ક્યારેય એકલતા અનુભવી ન હતી. વિઠ્ઠલભાઈ, તમારા જીવનને જોયા પછી, જીવન પ્રત્યેનો મારો અભિગમ બદલાયો છે. હું મંદીર અને સમાજ સેવાના ટોળાંમાં હતી. પણ હું કોઈની સાથે ન હતી. કોઈ મારી સાથે ન હતું. મનની વાતો તો ગોઢવી ગોઠવીને સૌને કહી શકું પણ હૈયાની વાત કરી શકું એવું કોઈ જ નથી. મને લાગે છે કે મારા શેષ જીવન માટે એક ખભો જોઈએ છે. આપ શું સલાહ આપો છો? મારાથી લગ્ન કરી શકાય?”
“બાપા સમજી વિચારીને માસીને જવાબ આપજો”
“એમાં વિચારવાનું શું છે? એકાકી જીવન જીવતી વ્યક્તિની માનસિક વ્યથા જે ભોગવે તે જ જાણે. રોઝી સાથેની મૈત્રીમાંથી હું પણ ઘણું શિખ્યો છું. વિનોદ, તારી બા ભલે ગામડાં માં જન્મી હતી. પણ એ સમજી શકી હતી. ઘેર ઈઝ વન લાઈફ ટુ લીવ. એન્ડ લાઈફ ઈઝ શોર્ટ. જીવનના પાછલા વર્ષોમાં એક વિજાતીય સાથીદારની જરૂર છે જેની સાથે તનની વાત કરતાં વધુ તો મનની વાતો કરી શકાય; અને દીકરા વિનોદ તું તો અમેરિકામાં જનમ્યો અને મોટો થયો છે. મારા પર આવતા AARP (American Association of Retired Persons) ના મેગેઝિનમાં પણ સિત્તેર વર્ષની ઉપરના સિંગલ વ્યક્તિઓની મૈત્રીની હિમાયતની વાતો આવે છે. એટલું જ નહિ પણ વયસ્કોને પાછલી ઉમ્મરમાં ફિઝિકલ રિલેશનશીપનો આનંદ મેળવી શકે તેના ઉપાય સાધનોની જાહેર ખબર આવે છે. જો મંગળા માસીને કોઈ મનગમતું પાત્ર મળતું હોય તો લગ્ન સાથે કે લગ્ન વગર પણ રહી શકે છે. કાયમ રહેવાને માટે કોઈની સાથે લગ્ન કરે તો પણ ખોટું નથી. હું એમાં કશું અયોગ્ય જોતો નથી. કંચનલાલ તમે તો આવી આંટીઘૂંટીમાં નિષ્ણાત છો. તમે શું માનો છો?”
“વિઠ્ઠ્લજી મેં જ એમને સલાહ આપી હતી. જો લગ્ન કરે તો અહીં કાયમને માટે અહીં આપણી નજર સામે રહી શકે”
“પણ પપ્પા એને માટે પણ કોઈ બકરો મળવો જોઈએને?
“બાપા આ તમારા દીકરાને ક્યારે શું બોલવું તેનું ભાન જ નથી. મને પરણવા લઈ આવ્યા ત્યારે ગુજરાતી બોલતા ગેંગેંબેંબેં થતું અને હવે ગુજરાતીમાં લવારા કરતાં થઈ ગયા છે. બકરાને બદલે મુરતિયો શબ્દ કે કાંઈ નહીં તો કેન્ડીડેઇટ જેવો સીધો સાદો શબ્દ વાપરતાં શું પેટમાં ચૂકે છે? ધારોકે આપણા બાપા જ તૈયાર થાય તો બાપાને બકરો કહેવાય?”
“દીકરા, મારે તારા બાપાને બકરો નથી બનાવવો. એ મારા સારા મિત્ર બની રહે એ જ મારે માટે પૂરતું છે. હવે તને સમજાવવા જેટલું અંગ્રેજી તો આવડી ગયું છે. હી ડસ નોટ ક્વોલિફાય ટુ બી માય બકરો. અને જેની સાથે હું જોડાવા ઈચ્છું છું એ બકરો નહીં પણ ખૂબ જ સજ્જન મિત્ર છે.”
“કોણ છે એ નસીબદાર જેન્ટલમેન; હું એને જરૂર અભિનંદન આપીશ.”
“એઓ વિધુર છે અને કંચનલાલથી એક બ્લોગ દૂર, પાર્ક એવેન્યુ પર રહે છે. મને મંદિરે લઈ જતાં અને લાવતાં. એમનું નામ શરદભાઈ.”
“ઓહ! તમે ડો.શરદભાઈની વાત કરો છો?”
“હા.”
“એ તો અમારા ફેમિલિ ડોકટર. વિનોદ અને અમારા ટોનીનો જન્મ એમણે જ કરાવેલો. મંગળાબેન, તમને ખરેખર એક ધાર્મિક અને પ્રતિભાશાળીનો જીવન સથવારો મળી જશે. હું તમને કોઈપણ રીતે મદદરૂપ થઈ શકું તો નિઃસંકોચ જણાવજો.”
“ઓહ માસી, આઈ એમ સોરી. મને ખબર નહીં કે તમે ડોક્ટર અંકલની વાત કરવાના છે.”
“વિનોદ તું શું માનતો હતો? હું કોની વાત કરવાની હતી. હું તારા બાપા સાથે ના લગ્નની વાત કરવાની હતી? એમને મેં અંગુઢા પકડાવ્યા હતા અને એમણે તો મને અંગુઢો બતાવી દીધો હતો.”
“ના, ના, માસી જવા દો એ બધ્ધી વાતો. આ તમારી માયાએ મારું મગજ બગાડ્યું હતું. હવે ઓલરાઈટ છે. માસી એક વાત કહું? આ ડોક્ટર અંકલ ભગવાનના માણસ છે પણ એના બે સુપુત્રો બદમાસ અને હરામખોર છે. ફાધરને ખંખેરી લીધા છે. બધું એમના નામ પર કરાવી લીધું છે. અંકલનું એકાઉન્ટ હું જ સંભાળતો હતો. હવે સંભાળવામાં બાકી ખાસ રહ્યું જ નથી. એ છોકરાઓની વાઈફ સગ્ગી બહેનો છે. હજુ એમની નજર એમના મોટા રિટાયર એકાઉન્ટ પર છે. એ ડોક્ટરના લગ્ન ન જ થવા દે, અને જો થાય તો સુખ્ખેથી તમને એમની સાથે ન રહેવા દે.”
“તારી વાત સાચી છે. પણ અમે જૂદો એપાર્ટમેન્ટ રાખીને સ્વતંત્ર રહેવા વિચારીએ છીએ. અમારા બન્નેને પાછલી ઉમરે શું જોઈએ. મને તો એક સાથ જોઈએ છે કે જેમના સ્પર્શ માત્રથી તન મનની ઉષ્મા જળવાઈ રહે?”
“ના માસી, એમ તો ડોક્ટર સાહેબ તદ્દન ખાલી નથી. વાંધો ન આવે.”
“મંગળી, મારી ફ્રેન્ડ, અમેરિકામાં તારો દોસ્ત, તારો ભાઈ બેઠો છે. ધમાકેદાર લગ્ન કરીશું. મગજમાંથી ‘ધડપણ’ અને ‘આ ઉમ્મર’ જેવા શબ્દને તિલાંજલી આપીને સુખના રિવર્સલમાં પહોંચવાનું છે. અમે સૌ તમારી સાથે જ છીએ. હું હમણાં જ રોઝીને ફોન કરું છું. માયા, કામિનીબેન અને રોઝી સાથે સરસ પ્લાન ગોઠવી દો. ફોન કરીને શરદભાઈને અહીં બોલાવી લઈએ.”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: