કૌશિકભાઈ અને કડવી કોફી.

આપણા સૌના વિદ્વાન મિત્ર શ્રી શરદભાઈ શાહના ગુરુભાઈ (મિત્ર) શ્રી કૌશિકભાઈ દીક્ષિત ટૂંકીવાર્તા દ્વારા ઘણી મોટી વાત કરવાની સરસ હથોટી ધરાવે છે. એમની એક વાર્તા રજુ કરતાં પહેલાં, વાંચો; એમનો પરિચય એમના જ શબ્દોમાં………

Kaushik Dixita

સ્વ-પરિચય
પોતાના વિશેની જાણકારી આપણને સૌથી ઓછી હોય છે. સમાજ પાસેથી મેળવેલો પરિચય એટલે કૌશિક ચંપકલાલ દીક્ષિત નામ, વતન સિનોર, પણ એકડિયુ વડોદરામાં ઘુટેલું. ડોક્ટર થવાની ગણતરીથી કોલેજમાં વિજ્ઞાન શાખામાં દાખલ થયો હતો. પણ ગણતરી મૂળથી કાચી અને ખોટી, એટલે, દરદીઓના સદનસીબે, હું ડોક્ટર ન થયો, પણ રસાયણ વિજ્ઞાનમાં માસ્ટર્સની ડીગ્રી મેળવી. બત્રીસ વર્ષ ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્રમાં વિવિધ ફરજો બજાવી. ૨૦૦૩ માં સ્વપ્ન પ્રદેશ અમેરિકામાં આવી ગયો!
કોઈને સારું ગાતાં સાંભળું ત્યારે ગાયક થવાનો મૂડ આવે, સરસ પેઇન્ટિંગ જોઉં ત્યારે ચિત્રકાર થવાના કોડ ઉમટે, કોઈકને સારું વગાડતાં સાંભળું ત્યારે ઉમદા વાદક થવાની ધુનકી ઉપડે! કવિ અને લેખક થવાનો અભરખો પણ ખરો જ. પાંચસો ફૂટનો એક ખાડો ખોદી ને પાણી નીકળે તેવો કુવો ખોદવાને બદલે મેં દસ દસ ફૂટના પચાસ ખાડા ખોદ્યા છે. પરિણામે, મારા નામની આગળ લોકો લેખક, કવિ, ગાયક, ચિત્રકાર,કે વાદક એવા વિશેષણો લાગડી શકે તે ઊંચાઈનું કે તે સુક્ષ્મતાનું કશું હાંસલ કરી શક્યો નથી. અધ્યાત્મ એ બોડી બામણીનું ક્ષેત્ર ગણાય એટલે તેમાં પણ ચંચુપાત કરી લીધો! મારા વિષે કહું તો કશામાં પૂર્ણ નહિ, પણ ભેળમાં દેખાતા વિવિધ ઘટકો જેમ, હું થોડો થોડો હેન્ડીમેન, થોડો થોડો ગાયક, વાદક, લેખક, કવિ, વિવેચક અને ચિત્રકાર હોવાનો અને રહેવાનો દંભ ધરાવું છું. વેદ શાસ્ત્રમાં બ્રહ્મની વ્યાખ્યા કરતાં “ નેતિ –નેતિ” નો જ ઉપયોગ કરી શકાયો છે, તેમ નહિ લેખક, નહિ કવિ , નહિ ગાયક, નહિ વાદક, નહિ ચિત્રકાર, પરંતુ તે દરેક થવાનો ઈચ્છુક તે હું કૌશિક દીક્ષિત. પણ મને મારા માટે ખુબ માન અને પ્રેમ છે કારણકે ૬૪ વર્ષે પણ કશું કાંઈ ખાસ સિદ્ધ કર્યું ન હોવા છતાં, કશુક બનવાની દિશામાં મેં હાર માની નથી! હિંદુ ફિલસુફી મુજબ સમય, અને વ્યક્તિને ઉપલબ્ધ જન્મો અનંત છે, એટલે મારું ધ્રુવ વાક્ય છે –“ થાય છે, શું ઉતાવળ છે!?”

***

 

કડવી કોફી

..

મારાં ચિત્રોનાં જે ત્રણ પ્રદર્શનો થયાં તે ત્રણેયમાં તે આવી હતી; તે એટલે ભૈરવી. પ્રદર્શનો જુદાં-જુદાં શહેરોમાં હતાં તો પણ. અને ઉદઘાટનના દિવસથી સમાપન સુધીના તમામ દિવસોએ પૂરો સમય તે પ્રદર્શન-હોલમાં હાજર રહી હતી-કેમ જાણે તેના જ ચિત્રોનું પ્રદર્શન ન હોય! એક એક ચિત્રને તે બારીકાઈથી જોતી. ક્યારેક ચિત્રની ખૂબી સમજવા પ્રદર્શનના સમય પછી પણ રોકાતી. દરેક મુલાકાતે તેનો મારામાં અને મારાં ચિત્રોમાં વધતો જતો રસ હું જોઈ શકતો હતો. પ્રદર્શનના સમય પછી તે મને પાસેના કોફી હાઉસમાં અવશ્ય ખેંચી જતી. કલાકો સુધી ચર્ચાઓ ચાલતી. ચિત્ર પ્રદર્શનમાં શરુ થએલી મિત્રતા પછી તો વિસ્તરી અને પછી તો તે લગભગ રોજ મારા સ્ટુડીઓ ઉપર મને તે મળતી. મુલાકાતના અંતે અમે ઓપેરા કોફી હાઉસમાં કોફી પીવા જતાં. ઓપેરા હાઉસની કોફી અને ભૈરવીનો સંગાથ બંનેની ચૂસકીઓ મારા દિલો-દિમાગને તર કરી દેતી. તેની મુલાકાતના પહેલે જ દિવસે મેં તેને પૂછ્યું હતું –“ ભૈરવી, તમારો વિશેષ પરિચય?

.
જવાબમાં પોતાનું વીઝીટીંગ કાર્ડ આપતાં ભૈરવીએ કહ્યું હતું કે-“ ચિન્મય, મારા સંદર્ભે મારો પરિચય આપી શકે તેવું તો મેં કંઈ સિદ્ધ કર્યું નથી . બડે બાપકી બેટી હું! એમ કહી ને તે ખડખડાટ હસી. કાર્ડ ઉપરનાં સોનેરી અક્ષરો કહેતાં હતાં કે- તે ભૈરવી અમૃતલાલ શેઠ – અમૃતલાલ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની ડાયરેક્ટર હતી.

.
“તમારા પતિ…” હું સહેજ થોથવાતી જીભે બોલ્યો હતો.
“ હું અનમેરીડ છું અને કોઈ યોગ્ય સાથીની તલાશમાં છું”, મારી આંખમાં આંખ પરોવીને તેણે જવાબ આપ્યો હતો. કોણ જાણે કેમ મને લાગ્યું હતું કે તેની તલાશ મારામાં પૂરી થઇ હતી. તમામ અણસાર તો એવા જ જણાતા હતા. કલાકો સુધી મારી સાથે રહેવું, ક્યારેક બગીચામાં બેસીને મારો હાથ હાથમાં લઈને પસવાર્યા કરવો, ક્યારેક… જવા દો હવે એ બધાનો શું અર્થ છે?

.
આજે મારા ચિત્ર પ્રદર્શનમાં દીવ્યેશ આવ્યો હતો. મારો બાળપણનો મિત્ર. ભણવામાં પણ સાથે. હવે તો શહેરના શહેરના પ્રતિષ્ઠિત લેખકોમાંનો એક. શહેરના પ્રતિષ્ઠિત અખબારમાં તેની ધારાવાહિક નવલકથાઓ છપાતી. ભૈરવીને તેની ઓળખાણ કરાવી ગમશે એમ માનીને મેં તેને બોલાવી અને ઓળખાણ કરાવી-

.
“ભૈરવી- આ છે મારો પરમ મિત્ર અને પ્રતિષ્ઠિત લેખક દીવ્યેશ મહેતા.”
ઔપચારિક ‘નમસ્તે’ની આપ-લે. કવિતાઓ, વાર્તાઓ,ચિત્રો,પોલ્યુશન અને ઇન્કમ ટેક્ષના વિષયો ઉપર તેમની વાતો ચાલતી રહી. પ્રદર્શનનો સમય પૂરો થતાં ભૈરવીએ કહ્યું –
“ ચાલો, ચિન્મય, કોફી પીવા જઈએ, રોજની જેમ! દીવ્યેશ ભાઈ, તમે ય ચાલો!
અને અમે કોફી હાઉસમાં કાયમની જગ્યાએ ગોઠવાયાં. દીવ્યેશ સાથે જ હતો.

.
“દિવ્યેશભાઈ, મને તમારી વાર્તા ‘વમળ’ ગમી. તેના અત્યાર સુધીના હપ્તાઓ સરસ હતાં. પણ છેલ્લા હપ્તામાં તમે ય હીરો અને હિરોઈનને પરણાવવાનો મોહ જતો કરી શક્યા નહિ! તમારી વાર્તાની નાયિકા સુમોહા આર્થિક અને શૈક્ષણિક રીતે ખુબ જ ઊંચા દરજ્જાની વ્યક્તિ છે. તેને તમે એક સામાન્ય કલાકાર જ્વલંત સાથે પરણાવી દીધી?! વાર્તામાં જરા હવાઈપણું હોય તેવું નથી લાગતું? શું આવું બને? શું આવું બનવું જોઈએ?” –ભૈરવી એકી શ્વાસે બોલી ગઈ.
દીવ્યેશ પ્રત્યુત્તર આપે તે પહેલાં કોફી આવી ગઈ. દીવ્યેશ જવાબ આપવા માટે શબ્દો ભેગા કરીને ગોઠવી રહ્યો હોય તેમ લાગ્યું. તેણે સામે પડેલો કોફીનો કપ ઉઠાવી એક ચૂસ્કી ભરી.

.
ભૈરવીના પ્રશ્નનો તે શું ઉત્તર આપશે તે જાણવા હું અધીરો બન્યો હતો, પણ દીવ્યેશે સામો પ્રશ્ન કર્યો- “ કોફી બહુ જ કડવી છે નહી?”

.
પ્રશ્ન મને એકલાને ઉદ્દેશીને થયો ન હતો. મેં તો હજુ કોફી મોઢે માંડી પણ ન હતી, છતાં ય કોણ જાણે કેમ હું સહસા જવાબ આપી ઉઠ્યો-“ હા, અને યાર! સાવ ઠંડી પણ!”

 

Advertisements

4 ટિપ્પણીઓ (+add yours?)

 1. Deejay.Thakore.
  જાન્યુઆરી 01, 2016 @ 23:36:25

  બંન્ને મિત્રોએ ખૂબ સરસ કદર કરી.

  Liked by 1 person

  જવાબ આપો

 2. Sharad Shah
  જાન્યુઆરી 02, 2016 @ 04:25:02

  કડવી કોફીનો ઘુંટ પીઊં તે પહેલાં “વિદ્વાન”ના સંબોધનનો કડવો ઘુંટ પીવો પડ્યો.આપણે (શબ્દો)વિશેષણોને ગમે તેમ ફેંકી તેની ગરિમા હણી નાખી છે તેવું નથી લાગતું? પ્રેમ, ધર્મ, ગુરુ, ભગવાન આવા અનેક શબ્દોના અનર્થ કરી નાખ્યા. ખેર! આખરે ખોટા સિક્કા જ ચાલે છે.
  કૌશિકભાઈની વાર્તા જેટલો જ રસિક તેમનો પરિચય પણ રહ્યો. અપલખણા ઓશો સન્યાસીઓની આવી બધી ખાસિયત તો રહેવાની. શાસ્ત્રીજી તમારા જેટલાં ૩૨લખણ તો અમારા મિત્ર કૌશિકભાઈમાં કદાચ નથી પણ ૫૦% તો છે જ. તમારી જેમ ટીખળી સ્વભાવ, લેખક, ભામટાના ખોળીયામાં બ્રાહ્મણ, અમેરિકા નિવાસી, ચતુર, વગેરે વગેરે… સરખે સરખા મળ્યા છે.

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   જાન્યુઆરી 02, 2016 @ 10:47:47

   શરદભાઈ મેં ગુજરાતી લેંગ્વેજની પત્તર ફાડી નાંખી છે, એવું કહેવા માનવા વાળા મેની વિદ્વાનો છે; એમાં એક બે વધે ઘટે તો ખાસ ફરક પડતો નથી. સાચા કે ખોટા અર્થમાં આપને માટે વપરાયલો “વિદ્વાન” શબ્દ હું પાછો ખેંચવાનો નથી જ. થાય તે કરી લેજો. મારા કરતાં જે વધારે વિદ હોય આઈ મીન નૉલેજેબલ હોય તે બધા જ વિદ્વાન. પીરીયડ. પ્રેમ ધર્મ ગુરુ કે ભગવાન એ બધું જ સાપેક્ષ છે. પોતાને એક સ્થાન પર મૂકીને આપણે અન્યની મૂલવણી કરતાં હોઈએ છીએ. મારા કરતાં કોણ ઊંચું કોણ નીચું કોણ આગળ કોણ પાછળ કોણ વધારે જાણકાર કોણ ઓછું જાણકાર….જ્સ્ટ ગો ઓન એન્ડ ગો ઓન…બસ મારા કરતાં તમે વધુ જાણો છો તમારા વિચારો ગંભીરાને ઘડાયલા છે એટલે મારે માટે શરદભાઈ આપ વિદ્વાન જ છો.
   મને કૌશિકભાઈની વાતો ગમી. થોડા શબ્દોમાં ઘણું કહેવુ એ કળા ઘડાયલા લેખકોમાં જ હોય. એ કૌશિકભાઈનામાં છે. મારા બ્લોગ વાચકોને મારી લાંબી લાંબી ઠોકા ઠોક કરતા એમની વાર્તાઓ વાંચવી વધુ ગમશે.
   તમારું લખાણ આમ તેમથી તફડાવવું પડે છે. મને સીધું કેમ મોકલતાં નથી?

   Like

   જવાબ આપો

 3. મનસુખલાલ ગાંધી, યુ.એસ.એ.
  જાન્યુઆરી 02, 2016 @ 22:53:00

  એક પ્રષ્નના જવાબમાં માત્ર એકજ વાક્યમાં આપેલો જવાબ ઘણું બધું કહી જાય છે…
  સુંદર વાર્તા….

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: