મીઠી માથે ભાત-કાવ્ય વાર્તા. વિઠ્ઠલરાય આવસત્થી

કવિતામાં વાર્તા-૧

P.K.Davda

સૌજન્ય અને રજુઆત

વડીલ મિત્ર શ્રી પી. કે. દાવડા

 

 

મીઠી માથે ભાત


(દોહરો)
ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી પટેલ  પાંચો નામ
સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ, ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ

નવાણ છે નવ કોસનું, ફરતા જંગી ઝાડ, રોપી તેમાં શેલડી, વાધ્યો રૂડો વાઢ
પટલાણીએ પુત્રનું, મુખ દીઠું છે માંડ, મીઠી ઉંમર આઠની, બહેન લડાવે લાડ

શિયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાઢ, વાઘ, શિયાળ, વરુ તણી રહેતી વગડે રાડ
કેળ સમી સૌ શેલડી, ઝૂકી રહી છે ઝુંડ, રસ મીઠાની લાલચે, ભાંગે વાડો ભૂંડ

ચિચોડો બેસાડવા પાંચે કરી વિચાર, બાવળનાં નથ-બૂતડી તુર્ત કર્યાં તૈયાર
સોંપ્યું સાથી સર્વને બાકી બીજા કામ, સાધન ભેળું સૌ થવા તવા-તાવડા ઠામ

પટલાણી પેખી રહી, પટેલ કેરી વાટ
રોંઢા વેળા ગઈ વહી, પડતું ટાઢું ભાત

(ભુજંગી)
કહે મા, ‘મીઠી લે હવે ભાત આપું, કીકો લાવ મારી કને, જા તું બાપુ
હજી ઘેર આતા, નથી તુજ આવ્યા, ભૂખ્યા એ હશે, વાઢ-કામે થકાયા’

‘ભલે લાવ બા, જાઉં હું ભાત દેવા, દીઠા છે કદી તેં ઉગ્યા મોલ કેવા?
મીઠી કેળ-શી, શેલડી તો ખવાશે, દીઠી છે ટૂંકી વાટ, જલ્દી જવાશે’

કહી એમ માથે, લઈ ભાત ચાલી
મૂકી માર્ગ ધોરી, ટૂંકી વાટ ઝાલી

(દોહરો)
વહી જાય છે વેગમાં મીઠી ભરતી ફાળ, ગણે ના કાંટા કાંકરા, દોડે જેમ મૃગબાળ
ડુંગર ઝાડી ગીચમાં, કોડે કૂદતી જાય, સામો વાઢ ઝઝૂમતો, જોતાં તે હરખાય

હમણાં વાડી આવશે, હમણાં આપું ભાત, એમ અધિક ઉતાવળી, દોડી મળવા તાત
બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાળ, થપાટ પાછળથી પડી બાળા થઈ બેહાલ

ભાત ઓઢણી તો રહ્યું, ઝરડામાં ઝકડાઈ, મીઠી બાળા મોતના, પંજામાં સપડાઈ
વાઘ ઉપાડી ક્યાં ગયો? કુદરતમાં કકળાટ, વૃક્ષ ઊભાં વીલાં બધાં સૂની બની સૌ વાટ

સાંજ વહી સૂનકારમાં, ઓઢીને અંધાર, રાત રડે છે રાનમાં, આંસુડે ચોધાર
પ્હોંચી ઘેર પાંચો કરે ‘મીઠી! મીઠી!’ સાદ: ‘મારે તો મોડું થયું, રોંઢો ન રહ્યો યાદ’

પટલાણી આવી કહે: ‘મેલી છે મેં ભાત, મળી નથી તમને હજી? રોકાણી ક્યાં રાત?’
‘મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ, કહાં ગોત કરવી હવે? ગઈ હશે પગવાટ !’

બની ગયાં એ બાવરાં બંને મા ને બાપ, ગયાં તુર્ત તે ગોતવા કરતાં કંઈ સંતાપ
નભથી ચાંદો નીરખી વિલાય ફિક્કે મુખ, ઝાંખા સર્વે ઝાડવાં, દારૂણ જાણે દુ:ખ

‘મીઠી ! મીઠી !’ પાડતાં બૂમ ઘણી માબાપ, જવાબ પાછો ના મળે તેથી કરે વિલાપ
પડતાં આગળ પગ મહીં અટવાયું કંઈ ઠામ, તે તો ઘરની તાંસળી, ભાત તણું નહિ નામ

ખાલી આ કોણે કરી? હશે સીમના શ્વાન? મીઠી કાં મેલી ગઈ?–બોલે નહિ કંઈ રાન
વળી પગે અટવાય છે ઝરડું નીચે જોય, મીઠી કેરી ઓઢણી — પોકે પોકે રોય

‘હા ! મીઠી, તું ક્યાં ગઈ? આ શું ઝમે રુધિર !’ ઉત્તર એનો ના મળે: બધુંયે વિશ્વ બધિર
નિરાશ પાછાં એ વળ્યાં કરતાં અતિ કકળાટ, ‘મીઠી! મીઠી!’ નામથી રડતાં આખી વાટ

વાઢ ગયો વેચાઈ ને વીતી ગઈ છે વાત
તો પણ દેખા દે કદી, મીઠી માથે ભાત
—વિઠ્ઠલરાય આવસત્થી

 

Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. હીમતભાઇ મહેતા
  જાન્યુઆરી 14, 2016 @ 07:17:07

  અમારે અભ્યાસ મા આ કવિતા આવતી હતી .મને ગમતી કવિતા મા આ એક છે

  Liked by 2 people

  જવાબ આપો

 2. Vimala Gohil
  જાન્યુઆરી 14, 2016 @ 17:30:35

  “મીઠી માથે ભાત ” શાળામાં ભણેલ ત્યારના અમારા બહેને(શિક્ષકે) એમના ઘેરા અવાજમા સંભળાવેલ છંદના સ્વરો કાનમાં ગુંજવા લાગ્યા.
  આ સાથે જ એક બીજુ કાવ્ય પણ સ્મરણપટ પર ર્પથરાયું., શ્રી ઝવેર ચંદ મેઘાણી રચિત “ચારણ કન્યા”
  અને બીજા ખંડકવ્યો (કાંત અને કલાપીના) પણ યાદ આવી ગયા.

  ખૂબ-ખૂબ આભાર.

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: