રિવર્સલ ૩૫

રિવર્સલ ૩૫

Couple

 

     ‘બાપા, ડોક્ટર અંકલના શું સમાચાર છે?’
     ‘હમણાં ગઈકાલે જ વાત કરી. બન્ને મજામાં છે. ગઈકાલે છોકરાઓ અને બન્ને વહુઓ સાથે હૉટલમાં ડિનર લેવા ગયા હતાં. ગયા રવિવારે તારા મંગળામાસી બન્ને ડોટર ઇન લૉને લઈને સ્વામિનારાયણ મંદિરમાં પણ જઈ આવ્યા. વારસાનો મામલો ઠેકાણે પડ્યો એટલે શાંતિ થઈ ગઈ. અને વહુઓ માટે સસરાનો કાટમાલ ગયો. એની વે, આઈ એમ વેરી પ્લીઝ એન્ડ હેપ્પી ફોર ધેમ. આજે ઘણાં એકલા પડેલા વયસ્કોએ શરમાયા વગર કે ગિલ્ટી ફીલિંગ વગર યોગ્ય વ્યક્તિનો સાથ મેળવી બાકીનું જીવન જીવી લેવું જોઈએ. જનાર કોઈ પાછું આવવાનું નથી જ. આ જ ડોક્ટર અંકલ અને મંગળાબેન પાસે એકલવાયાપણાનો અફસોસ માણતા સીનીયરોએ શીખવાનું છે. જરૂરી નથી કે સંસાર માંડવો જ જોઈએ.’
     ‘પણ બાપા, બે જીવનભરના સાથીમાંથી એક જતાં, બે નાં એક થઈ જાય, એક જતું રહે પછી બીજું પાત્ર શોધીને પાછા બે થવાય, પણ તેમાં યે નવા બે સાથે માયા બંધાય અને બે માંથી પાછું એક ભગવાનને ત્યાં ઊડી જાય ત્યારે પાછા એકલાના એકલા જ ને? ઉમ્મર થતાં કેટલી વખત ડોસા ડોસીએ કૂદાકૂદ કરવી જોઈએ? એના કરતાં જે છે તે સ્વીકારીને કુટુંબના આપ્તજનો સાથે હળીને શા માટે વૃધ્ધાવસ્થાનું સુખ ન માણવું જોઈએ? તમારા દીકરા મને ભલે ગામડિયણ કે ઓલ્ડ ફેશન અને બારડોલી બ્રેઇન કહે પણ આ બાબતમાં હું જૂનવાણી જ છું અને જૂનવાણી જ રહેવાની છું. હું તો તમારા દીકરા કરતાં વહેલી જાઉં એ જ ઈચ્છું છું; પણ એ ભગવાનને મંજૂર ન હોય તો હું એકલી રહીશ; પણ મારા જીવનમાં બીજો કોઈ પણ પ્રવેશશે નહીં.’
     ‘બાપા ચોખ્ખી વાત કહું છું કે તમે યે ખોટી દિશામાં મગજ ના દોડાવશો. મારે આ ઉમ્મરે નવી સાસુમાના ઓવારણાં નથી લેવા. તમારો દીકરો ભલે અમેરિકામાં જન્મ્યો હોય પણ પરણેલો તો બારડોલી બોર્નને. એ ભલે બાપાને ઘોડે ચઢાવવા માંગતો હોય. આ ઘરમાં જે થશે તે મારું ધાર્યું જ થશે. દૂરથી જ દોસ્તી રાખવાની હોં’
     ‘જો માયા, તારી સંમતિ વગર કાંઈ જ નહિ કરું; પણ મારી એક સલાહ માન. જીવનમાં હું આમ જ કરીશ, કે આમ ન જ કરીશ એવા નિર્ણયો સમય પહેલાં કરીને જીવન કુંઠીત ના કરવું. સમયની સાથે જ જીવન પ્રવાહ પણ વહેતો રાખવો. હિમાલયમાં થી નીકળતી વખતે નદી નક્કી નથી કરતી કે હું અરબી સમુદ્રમાં જઈશ કે બંગાળના ઉપસાગરમાં. વહેતાં ઝરણાના માર્ગમાં એક જ કાંકરો આવતા બનતી નદીનો માર્ગ બદલાઈ જાય છે. આપણા જીવનની આવતી કાલ કેવી હશે તે આપણને ખબર નથી હોતી. થોડા વર્ષો પહેલાં આપણને પોતાના આજના સમયની કલ્પના ન હતી. મારી મંગળીને ખ્યાલ પણ ન હતો કે અમેરિકા આવીને ડોક્ટરને મળશે. એ આવી ત્યારે એ ડોક્ટરને ઓળખતી પણ ન હતી. આજે કેટલી ઝડપથી બધું બદલાઈ ગયું છે. પંચોતેર વર્ષની ઉમ્મરે કલ્પનામાં ન આવે એ રીતે એના લગ્ન થઈ ગયા. અને હવે એ બન્ને હનીમૂન પર જવાના છે.’
     ‘હેંએએઅએએ,,,,,વ્હોટ? બાપા સાચી વાત? મંગળામાસી? તે પણ હનીમૂન પર?
ના હોય! બને જ નહીં. ઈમ્પોશિબલ. ગપ્પા ન મારો બાપા. આઈ ડોન્ટ બીલિવ ધીસ. બાપ જેવા દીકરા હોય પણ આ તો તમે તમારા દીકરાને હો ચઢો તેવા જ ગપ્પીદાસ થઈ ગયા. મારે વિનોદને આ અફલાતૂન ગપ્પુ જણાવવું પડશે. હું તમારા દીકરાને હમણાં જ ઉપર બોલાવું છું.’
     ‘અરે એને કામ કરવા દે. ડિસ્ટર્બ ના કર. એને તો બધી ખબર જ છે.’
     ‘અરે એઈ…હાંભળો છો? પટાકડીઓને પડતી મૂકી સીધા ઉપર આવો..આપના પિતાશ્રી મજાનું ગપ્પુ લાવ્યા છે. તમારી એક્ષપર્ટીઝનો સબજેક્ટ છે. ગરમ સબજેક્ટ ઠંડો પડી જાય તે પહેલાં જલ્દી ઉપર આવો. મારે જાણવું છે કે કોણ બેટર ગપ્પાબાજ છે.’
     ‘આ આવી ગયો. બોલ શું વાત છે?’
     ‘મારી પાસે નહીં. મારી સામે બાપાની બાજુમાં બેસો.’
     ‘આ બેઠો. બોલ શું વાત છે?’
     ‘વાત મારી નહીં; બાપાના ભેજાની રસિક ગપ્પાની છે.’
     ‘શું તેં ગઈ રાતની આપણે કરેલી વાત બાપાને પૂછી?’
     ‘ના હવે. એ તો મને એમના વિચારોનો આઈડિયા આવી ગયો. મેં પણ એમને મારા વિચારો પણ સમજાવી દીધા છે. ડોક્ટર અંકલ ગમે તે કરે; બધાએ જ એવી ઘેટાંગીરી કરવી જોઈએ એવું થોડું છે? તમારે માટે રોઝીબા લાવવાની જરાયે જરૂર નથી એ એમને ચોખ્ખુંને ચટ્ટ સમજાવી દીધું છે; પણ આ બાપાની વાત નથી. આતો મંગળામાસીની વાત છે.’
     ‘વિનોદ, તેં માયાને ડોક્ટર સાહેબ અને મંગળામાસી રોમેન્ટિક હનિમૂન પર જવાના છે તે વાત નથી કરી?’
     ‘ના ડેડી, મને દિવસે તો વાત કરવાનો ટાઈમ જ નથી મળતો, અને અમે રાત્રે સીનીયરોની ધાર્મિક લાઈફની વાતમાં ગુંચવાઈ ગયા. માયા હંમેશા બીજા જ સબ્જેક્ટ પર જ ઉતરી જાય એટલે મને બીજી મુદ્દાની વાતો કરવાનો સમય જ ન રહેતો નથી.’
     ‘જાવ હવે. બાપાની હાજરીમાં ગમે તેવું ના બોલાવો. તમને તો એક જ સબ્જેક્ટની વાતો કરવાની ટેવ છે. મને સમજ નથી પડતી કે તમને બાપ દીકરાને બધ્ધી જ વાતો, મારા કરતાં કેવી રીતે પહેલાં ખબર પડે છે. બોલો ડોક્ટર અંકલ અને મંગળામાસી ક્યાં અને ક્યારે હનીમૂન માટે જવાના છે તે તમને કેવી રીતે ખબર પડી?’
     ‘ઓહ! બાપાએ તને મંગળા માસીની હનીમૂનની બધી વાત નથી કરી?’
     ‘ બાપા કહે દીકરો વાત કરશે અને દીકરો કહે બાપા વાત કરશે. ના એમણે તો હનિમૂન પર જવાના છે એટલું જ કહ્યું, મને પૂરી વાત તો કરી જ નથી. આ ઉમ્મરે તે કાંઈ હનિમૂન પર જવાય!’
     ‘બધું વિનોદે જ ગોઠવી આપ્યું છે. એ તને મજાની સર્પ્રાઈઝ પણ આપશે. લો તમે વાતો કરો. તમે અંગત વાતો કરતાં હો ત્યાં મારી હાજરીની જરૂર નથી. હું રોઝી સાથે આપણાં એટર્નિ ને ત્યાં જાઉં છું.’
     ‘અરે પણ એકદમ વચ્ચેથી વાત કાપીને રોઝી સાથે કેમ વકીલને ત્યાં કેમ દોડો છો? તમારા શું ગોટાળા ચાલે છે? ને સર્પ્રાઈઝ? વળી બીજું શું ધતિંગ છે? બાપા જલ્દી કહો.’
     ‘ના, વિનોદ બધું જાણે છે, એ જ તને કહેશે. આજે હું રોઝીની સાથે જ વિગન ડિનર લઈશ. નવું ડાયનર ખૂલ્યું છે. રાત્રે આવતાં કદાચ મોડું થશે.’
      ‘બાપા, તમારા પર પણ કરફ્યૂ લગાવવો પડશે.’
     ‘લો બાપા તો ગયા. હવે તમે પહેલાં માસીના હનિમૂનના પ્લાનની વાત કરો, અને પછી બાપા અને રોઝીઅમ્માના ઈલ્લુઈલ્લુની વાત. ચાલો શરૂ કરો.’
     ‘પહેલા આપણે યાહૂહૂહૂઊઊઊ કરી લઈએ પછી વાત કરવાનો મૂડ આવશે.’
     ‘હવે રોજે રોજ નો મોર યાહૂહૂહૂઊઊઊ. લાજો હવે? આટલા વર્ષો પછી હવે તો સ્લોડાઉન થાવ. રાત દિવસનું તો થોડું ભાન રાખતાં શીખો! આ ઈન્ડિયાના પટેલનું સંસ્કારી ઘર છે. હોલીવુડી નૂન ટાઈમી શોપ ઓપેરા કે જેમ્સ બોન્ડની મૂવી નથી કે વાત વાતમાં….બસ ઘડીએ ઘડીએ કપડાં ઉતારવાના…સીધી વાત કરવા માંડો. માસી ક્યાં, કયારે અને કેમ જવાના છે?’
     ‘સેક્સનું શ્રાધ્ધ કરવા સિધ્ધપૂર જવાના છે બસઃ ચાલ ત્યારે હું મારા કામે લાગું. જે શ્રી કૃષ્ન. જે રામજીકી. જય જય સ્વામિનારાયણ, જય બજરંગબલી, ગુડ બાય માયાબેન. ભદ્ર અભદ્ર વાતો તમારી આસ્થા ચેનલની પૂર્ણાહૂતી પછી આવતી કાલે.’
     ‘અરે એઈ! એમ છણકો કરીને નીચે પટાકડીઓ પાસે કેમ દોડવા માંડ્યું? સીધી વાત કરો. ડોકટર અંકલ અને મંગળામાસી હનીમૂન પર ક્યાં અને ક્યારે જવાના છે? બાપા અને રોઝી એટર્નીને ત્યાં કેમ ગયા? સર્પ્રાઇઝની શું વાત છે?’
     ‘અત્યારે દિવસ છે. મારો ઓફિસ અવર્સ છે. આ સમયમાં મને જે પૂછવામાં આવે તેની કંસલ્ટેશન ફી આપવી પડે.’
     ‘આ તમારી પટાકડી સાથેની ઓફિસ નથી, આ તમારો બેડરૂમ નથી, આ રાત નથી.
આ મારુ ઘર છે, મારા ઘરનો લિવીંગ રૂમ છે, આ રાત નથી દિવસ છે. સીધી વાત કરતાં શીખો.’
     ‘મને ખબર છે કે તારા કરશન કાકાનો તમાકુનો મોટો વેપાર હતો, તો યે પેઢી પરથી રોજ બપોરે ઘરે આવીને કાકી સાથે સૂઈ જતા. ઊંઘવું જ હોય એવું થોડું છે? કાકા કાકીએ તારે માટે નાનો સ્વીટ કઝીન મુન્નો એમની ફોર્ટી નાઈન વરસની ઉમ્મરે બનાવેલો. ચાલ હું ઓફિસમાં જાઉં છું. રાતની વાત રાતે. આપણાથી કરશનકાકા જેવું ના થાય. વડીલોની કોપી ના થાય. જય રામજીકી.’
     ‘પ્લિઇઇઇઝ્ઝ્ઝ. ચાલો હું બાંધછોડ કરી થોડી ફ્લેક્ષીબલ થઈશ પણ આખી વાત કર્યા વગર નીચે ઓફિસમાં ના જાવ. તમે તો ઓફિસમાં સવારે આઠથી રાત્રે આઠ વાગ્યા સીધી કામ કર્યા કરો છો. થાક લાગેને. ચાલો જરા બેડમાં બેઠા બેઠા વાતો કરીએ. તમે કહો તો બેડરૂમમાં ઠંડું ગરમ જે જોઈએ તે લઈ આવું.’
     ‘હની, તારી ઉષ્મા તો હોટ સમરમાં પણ સરસ લાગે. કોલ્ડ બીયર ચાલશે. લેટ્સ ગો.’
‘જૂઓ છેડ છાડ પછી, પહેલા વાત કરો માસીની.’
     ‘ડોક્ટર અંકલનો ફોન હતો. મંગળા માસીને હનિમુન માટે લોસ વેગાસ કે પેરિસ સ્વિટઝર્લેન્ડ જવું હતું. એની તપાસ કરવાનું મને સોફ્યું હતું. મેં એમને સલાહ આપી કે એ બધે જવાનું માંડી વાળો અને ભારતમાં જઈને ચાર ધામ યાત્રા કરી આવો. મંગળામાસી તો કહેતા હતાં કે મારેતો પેરિસ જ જવું છે પણ મેં એમને ઉમ્મર પ્રમાણે ક્યાં જવું જોઈએ કે જેથી રેપ્યુટેશન બગડે નહીં અને પછી તો બધા યાત્રા ધામોમાં ફાઈવ સ્ટાર હોટલ તો હોય જ છે. એક વાર દર્શન કરી આવો પછી હૉટલમાં રાત દિવસ પડી રહીને શક્તિ શ્રધ્ધા પ્રમાણે જે પાઠ પૂજા ભજન કિર્તન કે યાહૂ કરવું હોય તે કર્યા કરવું. છોકરાંઓને એવી છાપ તો ન પડેને કે ડોસા ડોસી બગડી ગયા છે.’
     ‘ખોટી ગપ્પા બાજીની કોઈ ફી આપવામાં ન આવે સીધી વાત કરો.’
     ‘જો સીધી વાત એ છે કે મંગળામાસીની આપણા ગામમાં આપણા કરતાં પણ મોટી હવેલી હતી. તે હાલ વગર વપરાયલી પડી રહી છે. માસી તો બરોડામાં જ રહેતા હતા. હવે તેઓ કાયમ અહીં જ રહેવાના છે. બાપાએ આપણા બાના સ્મારક માટે હોસ્ટેલ બાંધી છે. મંગળામાસી એમનું એ મકાન વૃધ્ધાઓ ના “આશ્રયનિવાસ” માટે ડોનેટ કરવા માંગે છે. માસીને થોડી જાત્રા કરવાનો ઈરાદો છે. ડોક્ટર અંકલને એમની વાઈફનું કોઈ તીર્થમાં શ્રાધ્ધ કરવાની ઈચ્છા છે. ભરતકાકા મંગળામાસીને તો પહેલેથી જ ઓળખે એટલે બોમ્બેમાં એઓ આપણે ત્યાં જ રહેવાના છે. મેં તો માત્ર અહીંથી એમની ટ્રાવેલ એરેન્જમેન્ટ કરી એટલું જ બાકીનું ભરતકાકા મેનેજ કરી લેશે. બસ બીલકુલ ઓનેસ્ટ અને સીરીયસ વાત. ચાલ હવે મારી ફીઝ.’
     ‘જાવ હવે, અડધા કામે આખી ફીઝ ના અપાય. હવે પહેલાં બાપાની વાત કરો. એ કેમ વકીલને ત્યાં રોઝી અમ્મા સાથે દોડાદોડી કરે છે. ડોક્ટરના લગ્ન પછી એમની રંગત બદલાતી જાય છે. દોસ્તી હોય પણ આતો દિવસે દિવસે વધતું જ જાય છે. પહેલાં તો મારી સાથે ખૂબ વાંકુ ચૂંકુ બોલતાં, મારી સામે તડૂકતા, હવે હું વાંકી વાત કરું તો પણ ઠંડે કલેજે સાંભળી દીકરી દીકરી કરીને મસ્કા મારે છે. એમનામાં બિગ ચેઇન્જ થઈ ગયો છે. કોઈક દિવસ રોઝીને સાડલો માથે ઓઢાડીને ઘરના ઊંબર પાસે ઉભી રાખી મને કહેશે, “દીકરી માયા, પટેલ કુટુંબની મહાવધૂની આરતિ ઉતારી ઓવારણા લઈને ગૃહપ્ર્વેશ કરાવો.” આજ સૂધીમાં ઘણાં ડોસલાઓ જોયા. પણ તમારા બાપ જેવા બીજા મળ્યા નથી. મને ખબર છે કે તમે તમારી ઓફિસમાંથી મારા સિવાય બધાના જ કોન્ટેક્ટમાં રહો છો. માત્ર મારે જ તમને બૂમ પાડીને બોલાવવા પડે. અને આવો એટલે સીધો જ મારા શરીર પર ટેરરિસ્ટ એટેક. ચાલો બાપાના શું લોચા છે?’
     ‘પણ મારી પાર્સિયલ ફીઝ?’
     ‘નથ્થીંગ. નોટ નાવ.’
     ‘ધેન, નો ઈન્ફોરમેશન.’
     ‘ઓકે નથી જાણવું. એક અધ્યાય પૂરો. આમે યે તમારી વાતમાં ક્યાં ભલીવાર હોય છે!’
‘સ્યોર?’
     ‘યસ. આઈ એમ નોટ ઈન્ટરેસ્ટેડ.’
     ‘જાણવા જેવી વાત છે.’
     ‘નથી જાણવી. જાવ ઓફિસમાં જઈને કામ કરો.’
     ‘હું જાઉં છું.’
     ‘નિરાંતે જાવ. પણ એક પોઈન્ટ આપતા જાવ. પછી બાકીની લાઈન હું દોરી દઈશ.’
     ‘રોઝી આવતા મહિને આપણે ત્યાં મુવ થાય છે. ચાલ હું મારા કામે લાગું છું.’
     ‘અરે ઓ વિનોદ, એમ બોમ્બ ફોડી ને ના ચાલ્યા જાવ. આ ફટાકડો નથી, આતો બોમ્બ કહેવાય; પ્લીઈઝ…ઉપર આવો…અરે હાંભળો છોઓઓઓ? . જે જોઈએ તે મળશે. ઉપર આવો….અરે હાંભળો છોઓઓઓ.’
     ‘ખરા છે. આવો પથરો મારીને ચાલ્યા ન જવાય. ….નીચે ઓફિસમાં ચાલ્યા ગયા. રાતે વાત છે એમની.’

——–
ક્રમશઃ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: