આસપાસ ચોપાસ : મારી દંતકથા (૨)

આસપાસ ચોપાસ : મારી દંતકથા (૨)

captain-narendra-2

સૌજન્યઃ કેપ્ટન નરેન્દ્ર ફણસે

જિપ્સીની ડાયરી

http://www.captnarendra.blogspot.com/

 

ઈંગ્લૅન્ડથી કાયમ માટે અમેરિકા જવા નીકળ્યો ત્યારે દત્તક લીધેલો દેશ (બ્રિટનની નાગરિકતા લીધી ત્યારે ભારતે મારી રાષ્ટ્રિયતા ખૂંચવી લીધી હતી), મિત્રો અને સગા-વહાલાંઓની સાથે સાથે  આઠ દાંત  અને ચારે’ક ‘રૂટ કૅનાલ’ના પ્રોસીજરમાં દાંતની મજ્જા અને મજા પણ છોડી આવ્યો.  સંતોષ હોય તો એક વાતનો કે ‘ગયેલા’ દાંતમાં મારી ચાર અક્કલ દાઢ શહેરની મધ્યમાં આવેલી નૅશનલ હેલ્થ સર્વિસ હેઠળ ચાલતી ઈસ્ટમન ક્લિનિકમાં કાઢવામાં આવી હતી તેથી એક તો દેશના સર્વશ્રેષ્ઠ ડેન્ટિસ્ટની સારવાર મળી અને પૈસા પણ આપવા ન પડ્યા. આ ચાર દાઢ કાઢવાનો બ્રિટનમાંના આપણા દેશી દંત વૈદ્યોએ લગભગ છસો પાઉન્ડ (લગભગ સાઠ હજાર રુપિયા)નો  અંદાજ આપ્યો હતો.

અમેરિકા આવ્યો ત્યારે નવા દાવ માટે નવી ઘોડી લેવી પડશે તેનો ખ્યાલ નહોતો. આમ તો મારી ઉમર અને અનુભવને કારણે નવી ‘બૅટ’  લેવી પડશે તેનો અણસાર સરખો નહોતો આવ્યો. આનું મુખ્ય કારણ એ હતું કે મારા મતે મારે લેવી જોઈતી સઘળી દંત-ચિકિત્સા લંડનમાં જ પૂરી થઈ હતી. પણ મને ‘પીચ’નો ખ્યાલ નહોતો. અહીં ક્રિકેટની સરખામણી કરવાના ઘણા કારણો છે.

૧. ભારતમાં એક જમાનો એવો હતો કે ક્રિકેટ રમવા માટે સારા મેદાન ફક્ત ચાર જગ્યાએ હતા. મુંબઈ, કલકત્તા, મદ્રાસ (ચેન્નઈ) અને દિલ્હી. બાકીના બધા સ્થળોએ મૅટ પર રણજી ટ્રૉફી અને ટેસ્ટ મૅચ રમાતી. આવી જગ્યાએ સ્થાનિક ટીમને જીતાવવા માટે ‘પીચ’ સાથે ગમે તેવા ચેડાં કરવામાં આવતા. દાખલા તરીકે રાતના સમયે પીચ પર પાણી છાંટી તેના પર મૅટ બીછાવી દેવામાં આવતી. જો સામે વાળી ટીમ ટૅાસ જીતે તો બૅટિંગ કરવાનું પસંદ કરે અને સ્થાનિક ટીમના  સ્પિનરો સામે ટકી ન શકે. જો સ્થાનિક ટીમ ટૅાસ જીતે તો ‘સામે વાળાઓ’ને બૅટિંગ કરવા આપે. આમ ‘ચટ ભી મેરી ઔર પટ ભી મેરી’ થતી. અમેરિકાના ડેન્ટિસ્ટો તેમના ‘મેદાન’માં આવું જ કંઈક કરશે એનો મારા જેવા બૅટધરોને જરાય ખ્યાલ નહોતો.

૨. એક જુનો વિનોદ હંમેશા યાદ આવે છે. એક વાર શેતાને ભગવાનને કહ્યું, ‘ચાલો આપણે ક્રિકેટની મૅચ રમીએ’. ભગવાને સ્મિત કરીને કહ્યું, “શો ફાયદો? વિશ્વના બધા  દિવંગત ઉત્કૃષ્ટ ક્રિકેટરો મારી પાસે, મારા સ્વર્ગમાં છે. જીત તો અમારી જ થાય ને?”

શેતાન ખડખડાટ હસ્યો, “તેથી શું થયું? બધા અમ્પાયરો નરકમાં મારી પાસે છે. તમારા બધા બૅટધરો lbw થશે, અને અમારો કોઈ ક્લિન બોલ્ડ થાય તો તે બૉલને નો-બૉલ કરીશું. રમવું છે?”

અમેરિકાના ડેન્ટલ ક્ષેત્રમાં અમ્પાયરો, ખેલાડીઓ અને પીચ – બધું ડેન્ટિસ્ટો ના કબજામાં હોય છે તેથી તમારા – અમારા જેવા લોકોનું કશું ચાલે નહિ. મને યાદ છે કે ૧૯૯૦માં સોશિયલ વર્કની ઈન્ટર્નશિપ કરવા ન્યુ યૉર્ક આવ્યો હતો ત્યારે મારા ભાણાને ઘેર ઉતર્યો હતો. એક દિવસ તેના ઘેર તેના ડેન્ટિસ્ટ મિત્ર મળવા આવ્યા.. તેઓ આવ્યા ત્યારે તેમનાં પત્ની સાથે પૉર્શા (Porche)માં બેસીને આવ્યા હતા. વાત વાતમાં તેમણે ભાણાભાઈને કહ્યું, “પ્રદીપ, મારાં પત્નીને ઘણા વખતથી ફેરારી લેવી હતી. કાલે અમે તેની ડિલિવરી લેવા જવાના છીએ…”

તેઓ ગયા પછી પ્રદીપને પૂછ્યું, “આ ભાઈ ગર્ભશ્રીમંત લાગે છે. તેમના પિતા…?”

“અરે, ના, અંકલ. ડૉક્ટર પ્રસાદ મૂળ મુંબઈના. ત્યાં ડેન્ટિસ્ટ થયા, અને ભાઈની સ્પૉન્સરશિપ પર ન્યુ યૉર્ક આવ્યા. અમેરિકામાં ડેન્ટિસ્ટ, ડૉક્ટર અને પ્લમર (ગુજરાતમાં આપણે તેમને પ્લમ્બર તરિકે ઓળખીએ) અઢળક કમાતા હોય છે. જુઓ ને, પ્રસાદે અહીં આવીને  રેસિડેન્સી કરી અને સાત વર્ષની પ્રૅક્ટિસમાં કેટલું કમાયા તેનો ખ્યાલ આવ્યો હશે! “

તે વખતે મારા માન્યામાં આ વાત આવી નહિ. પણ કૅલિફૉર્નિયામાં આવીને વસ્યા બાદ તેની અનુભૂતિ થઈ. 

હવે શરૂ થાય છે મારી દંતકથાનો બીજો ભાગ.

લંડનના વસવાટ દરમિયાન એક વાત શીખ્યા હતા કે વર્ષમાં બે વાર ડેન્ટિસ્ટ પાસે દાંત સાફ કરવવા જવું સારું, કારણ કે પરિસ્થિતિ (દાંતની) બગડે તે પહેલાં તેનો ઈલાજ થાય. તેથી અમે ડેન્ટિસ્ટોની શોધ શરૂ કરી. કામ મુશ્કેલ નહોતું કારણ કે અહીં બધા જ નાનકડા મૉલ (જેને સ્ટ્રીપ મૉલ કહેવાય છે) તેમાં એક ડેન્ટલ અૉફિસ હોય જ. અમારા બે લાખની વસ્તીના નાનકડા શહેરમાં અનેક ડેન્ટિસ્ટ હતા, જેમાંના મોટા ભાગના મૂળ ઈરાનના વતનીઓ હતા. અમારા ઘરની નજીકના એક ડેન્ટિસ્ટની અપૉઈન્ટમેન્ટ લઈને મળવા ગયો ત્યારે સૌથી પહેલાં તેમની રિસેપ્શનિસ્ટે ત્રણ – ચાર ફૉર્મ ભરવા આપ્યા. સૌથી પહેલું હતું નાણાંકિય જવાબદારીનું. તમારી પાસે ડેન્ટલ ઈન્સ્યોરન્સ છે? વિગતો આપો. જો ન હોય તો અમે તમને શોધી આપીશું કેમ કે અમારી પાસે તેમની વિગતો છે (એટલે તેમના એજન્ટ પણ અમે જ છીએ.) મહિનાના ૪૫ ડૉલર, અને ટ્રીટમેન્ટ બહુ સસ્તામાં થશે.  દાખલા તરિકે તમારે ક્રાઉન બેસાડવો હોય અને ડેન્ટલ વિમો ન હોય તો તેના લગભગ ૭૫૦-૮૦૦ ડૉલર થાય. વિમો હોય તો બસ, ફક્ત સાડા પાંચસોમાં કામ પતી જાય. બીજું ફૉર્મ છે તે અગત્યનું છે. તે બરાબર વાંચી, સમજીને સહિ કરજો. તેમાં લખ્યું છે કે જો તમારી વિમા કંપની તમારી સારવારનો ખર્ચ ઊપાડવાનો ઈન્કાર કરે તો તેના પૈસા આપવા માટે તમે અંગત રીતે જવાબદાર છો. શું તે તમે કબુલ કરો છો? ત્યાર પછી પેશન્ટના અધિકારોનું ફરફરિયું અને છેલ્લે: તમારા માટે તમારા હાસ્યની મોહકતા કેટલી અગત્યની છે? તમારા હાસ્યમાં તમારી દંતપંક્તિ ચમકતા મોતી જેવી કરવાની વ્યવસ્થા અમારી પાસે છે (જો કે તેની જુદી કિંમત તમારા પર કરવામાં આવનાર ખર્ચ પર અવલંબિત હોય છે; અને મારી પૃચ્છા પ્રમાણે  તમારે દાંત અત્યંત સુંદર અને સોહામણા કરવા હોય અને સ્મિત કરતાંની સાથે તે મોતીના હારની જેમ ચમકાવવા હોય તો તમારા દાંત પર તે પ્રકારનું વિનિયર ચઢાવી આપવામાં આવશે. જો કે તેની કિંમત ફક્ત ત્રણથી ચાર હજાર ડૉલર થાય.)

અમારી દીકરીને પૂછતાં જાણવા મળ્યું કે આ બધી રાબેતા મુજબની વિધિઓ હોય છે અને અમેરિકાના દરેક ડેન્ટિસ્ટ પાસે આવાં જ ફૉર્મ હોય છે. તે ન ભરો તો કોઈ ડેન્ટિસ્ટ તમને સેવા ન આપે.  

ના છૂટકે મેં ફૉર્મ ભર્યાં. જ્યારે ‘મોહક હાસ્યની અગત્યતા’ વિશેનો પ્રશ્ન આવ્યો ત્યારે મેં લખ્યું, “મારી ઉમર જોતાં મારા હાસ્ય કરતાં મારા બચેલા દાંત હજી કેટલો વખત બચાવી શકાય તે મારા માટે વધુ અગત્યનું છે.’ ફૉર્મ આપી હું મારા વારાની રાહ જોવા લાગ્યો. પહેલેથી સવારના ૧૦ વાગ્યાની અપૉઈન્ટમેન્ટ કરી રાખી હતી તેથી ફક્ત અર્ધો કલાક જ રાહ જોવી પડી. એક રૂપાળી સ્ત્રી નર્સના પોશાકમાં આવી અને સુંદર હાસ્ય (જે કદાચ તેના શેઠે તૈયાર કરી આપ્યું હતું)નો સાક્ષાત્કાર કરાવી તેમની ટ્રીટમેન્ટ રૂમ તરફ લઈ ગઈ. અંદર જઈને જોયું તો ત્યાં ટ્રિટમેન્ટના ચાર કમરા હતા. એક કમરામાં ડેન્ટલ ટેક્નિશિયન એક દર્દીના દાંત સાફ કરી રહી હતી. બીજા કમરામાં ડેન્ટિસ્ટ પોતે એક દર્દીને તપાસી રહ્યા હતા. ત્રીજો કમરો એક્સ-રેનો કમરો હતો, જે બંધ હતો. ચોથાે કમરાે ખાલી હતો ત્યાં જઈને જોયું તો ત્યાં બે ફિટ પહોળું અને  સાત ફિટ લાંબું વિમાનની સીટ જેવું આસન હતું. એક બટન દબાવો તો વિમાનના બિઝનેસ ક્લાસની સીટની જેમ આ ખુરશી લાંબી થઈને આરામદેહ પથારી જેવું બની જાય. નર્સે મને તેના પર બેસાડ્યો અને ચાર-છ મહિનાના બાળકના ગળામાં બાંધવામાં આવે છે તેવું કાગળના નૅપકિનનું લાળિયું  (બિબ) – મારા ગળામાં ભેરવી, “ડૉક્ટર અબ્બી હાલ આવશે. ત્યાં સુધીમાં તમારે કોઈ સામયિક વાંચવું હોય તો અહીં બાજુમાં પડ્યા છે, તેમાંથી લઈ લેશો,” કહી બહેન ગયા. અર્ધા કલાક બાદ ડૉક્ટર આવ્યા અને તેમની નર્સ કરતાં પણ વધુ પહોળું હાસ્ય કરીને બોલ્યા, “હું ડૉક્ટર જૉન કાસિમી છું.,” અને હાથ મિલાવ્યો. “કહો, તમારા માટે હું શું કરી શકું છું?” મેં મારી પ્રાથમિક જરુરિયાત – દાંત ‘ક્લિન’ કરાવવાની વાત કહી.

“સરસ, બહુ સરસ! આપણે છે ને, પહેલાં તમારા દાંતના એક્સ-રે કઢાવવા જોઈશે. તમે બેસો, મારી ટેક્નિશિયન તમને એક્સ-રે કઢાવવા લઈ જશે,” કહીને તેઓ ગયા. આ વખતે મને ખ્યાલ આવ્યો કે આ ડેન્ટલ સર્જરીને બદલે ડેન્ટલ પેશન્ટની અૅસેમ્બ્લીલાઈન છે. ડેન્ટિસ્ટ એક સાથે ચાર પેશન્ટને તપાસે છે! ચાલો, ઓળખાણ કરીને ડૉક્ટર ગયા અને ટેકનિશિયન આવી. ‘ફોટા’ પાડ્યા અને કહ્યું, “ડૉક્ટર વિલ બી વિથ યૂ મોમેન્ટરિલી.” વીસે’ક મિનિટ પછી ડૉક્ટર આવ્યા, એક્સ-રે તપાસ્યા અને મારા દાંત તપાસવાની શરુઆત કરી. થોડી વાર પેલો નાનકડો અરિસો મારા મોઢામાં ફેરવ્યા બાદ ઉચર્યા: “હમ્”!

મારો અનુભવ છે કે વાતચીત દરમિયાન જો કોઈ વ્યક્તિ, ખાસ કરીને ડૉક્ટર કે વકીલ ‘હમ્’ બોલે સમજવું કે માથા પર આફતનો પહાડ પડવાનો છે.

“નરેન્દ્ર, તમારા દાંત પર બહુ કામ કરવું પડશે. એક તો Deep Cleaning કરાવવું પડશે, કારણ કે  ટૂથ નંબર ૮, ૧૨, ૨૩ અને ૨૪માં ઊંડુ ઇન્ફેક્શન છે. એક દાઢમાં ક્રાઉન બેસાડવો પડશે અને એક દાંતનું સર્જિકલ એક્સટ્ૅરક્શન કરાવવું પડશે. જો કે હું તેને બચાવવાનો પ્રયત્ન કરીશ. તમારું ઈન્સ્યૂરન્સ આ બધું કવર નહિ કરે. હું તમને દસ ટકા ડિસ્કાઉન્ટ આપીશ અને પૈસા વગર વ્યાજે હફતેથી ભરી શકાય તેવી વ્યવસ્થા કરી આપીશ.”

મને થયું પાંચસો – હજારની વાત હોય તો હફત્ાની જરુર નહિ પડે. આ વાત મેં નમ્રતાપૂર્વક ડૉ. કાસિમીને કહી. “ભાઈ હજાર – બારસોની વાત હોત તો મેં હફ્તાનો ઉલ્લેખ ન કર્યો હોત. આખી ટ્રીટમેન્ટના આઠ હજાર ડૉલર થશે. વિચાર કરીને મારી રિસેપ્શનિસ્ટને ફોન કરી અૅપોઈન્ટમેન્ટ લેજો.”

“આઠ હજાર!!!”  મારા મોતિયા તો લંડનમાં ઉતાર્યા હતા, પણ ડૉક્ટરનો આંકડો સાંભળી કયા મોતિયા મરી ગયા તે કહેવા જેટલી અક્કલ બાકી રહી નહોતી! 

હું તે વખતે અમેરિકામાં પરમેનન્ટ રેસિડેન્ટ નહોતો થયો તેથી મેં ઈંગ્લેન્ડ જઈ સારવાર કરાવવાનું નક્કી કર્યું.  મારી ભાણેજ વહુ તાજેતરમાં જ ડેન્ટિસ્ટ થઈ હતી. હું તેને મળ્યો અને તેણે તેના સર્જરીના પ્રોફેસરને વાત કરી, તેમની ખાનગી સર્જરીમાં મોકલ્યો. દસ દિવસમાં સમગ્ર ટ્રીટમેન્ટ પૂરી કરી હું અમેરિકા પાછો આવ્યો. ક્રાઉનની જરૂર નહોતી. કૂલ ખર્ચ – હવાઈ ટિકિટ સમેત – ૧૨૦૦ ડૉલર – જે આઠ હજાર ડૉલર કરતાં થોડા કિફાયતી લાગ્યા. આ મારો પહેલો અનુભવ.

બીજો અનુભવ જરા વધુ ઈન્ટરેસ્ટીંગ નીકળ્યો, ત્રણેક વર્ષ બાદ અમે નવા શહેરમાં રહેવા ગયા. ઘરની નજીકના ડેન્ટિસ્ટ હતા ડૉ. બૅરી અશ્રફિયાન. શરૂઆતની પદ્ધતિ (How important is your smile to you? વિ. વિ.) એક સરખી હતી. એક્સ-રે લેવાયા અને ડૉક્ટરે મારા દાંત તપાસવા મારી ખુરશી લાંબી કરી, મારા ચહેરા નજીક સર્જિકલ અૉપરેશન કરતી વખતે જે શૅડો-લેસ સર્ચ લાઈટ જેવો લૅમ્પ વપરાય તેનો પ્રકાશ મારા ચહેરા પર નાખી દાંત તપાસ્યા. એક્સ-રે તપાસ્યા અને ફરી એક વાર મારા દાંત ધારી ધારીને જોયા અને “હમ્” કહી મને એવી જ હાલતમાં, એટલે લાંબી પથારીમાં સૂતેલી હાલતમાં, મારા ચહેરા પર પ્રકાશનો ધોધ ચાલુ રાખી બહાર ગયા. અર્ધી  મિનિટમાં તેમની અૉફિસ મૅનેજર આવી અને મારા કાન પાસે તેનું સુંદર મુખ આણી કહ્યું, “નરેન્દ્ર, યૂ આર લકી. તમારા દાંત સરસ છે. ફક્ત એક ક્રાઉન અને જમણી બાજુએ ઉપરના દાંત ગયા છે ત્યાં બ્રિજ નખાવવો પડશે. બસ. ફી બહુ નથી. ફક્ત સાડા ચાર હજાર ડૉલર. અને અમે તમને સરળ, ઈન્ટરેસ્ટ-ફ્રી હફતો….”

થોડી વારે હું ભાનમાં આવ્યો ત્યારે બાજુમાં શ્રીમતીજી હતાં અને નર્સ મારા ચહેરા પરથી તેણે છાંટેલું પાણી પેપર નૅપકીનથી લૂછી રહી હતી.

“ડોન્ટ વરી. યૂ વિલ બી ફાઈન. તમારા મિસેસે કહ્યું કે વિચાર કરીને એપૉઈન્ટમેન્ટ કરશે. આવજો ત્યારે.”

ઘેર જવા નીકળ્યો ત્યારે ડૉક્ટરનું બોર્ડ ફરીથી જોયું ત્યારે જણાયું કે તેમનું નામ ડૉ. અશરફિયાઁ હતું . મારી દૃષ્ટિએ તેમાં ફક્ત એક કમી હતી: ‘અશરફિયાઁ’ બાદ ‘લા’ શબ્દ લખવો જોઈતો હતો જે તેમણે જાણીબૂજીને નહોતો લખ્યો એવું મારૂં ખાતરીપૂર્વકનું માનવું છે. 

ઘેર પહોંચ્યા બાદ હું ઊંડા વિચારમાં પડી ગયો. મને મારા ભાણા પ્રદીપના ડેન્ટિસ્ટ દોસ્તની મોંઘીદાટ મોટર કાર – પોર્શા અને ફેરારીની વાતો યાદ આવી. અચાનક મારા મસ્તિષ્કમાં વિજળીનાે ચમકાર થયો. મને સાક્ષાત્કાર થયો કે અમેરિકાના ડેન્ટિસ્ટ તમારા મુખમાં ડોકિયું કરીને તમારા દાંત નથી જોતા. તેઓ તેમાં નવી કારના કેટલા હફ્તા નીકળી શકે છે તે જુએ છે. કોના દાંતમાંથી ફૅમિલી ક્રુઝનો કેટલો ખર્ચ નીકળી શકે છે તે નિહાળે છે.

આમાંની કોઈ વાત સાચી ન લાગતી હોય તો થોડી તપાસ કરતાં જણાશે કે આપણા ભારતીય ભાઈ બહેનો જ્યારે જ્યારે દેશમાં જાય છે, ત્યારે ત્યાં જ દાંતની સારવાર કરાવી આવતા હોય છે. અમારે ઘેર અમને મદદ કરવા આવનારાં ગ્વાટેમાલાનાં સ્પૅનિશ-ભાષી બહેન બ્લાંકાને જ્યારે પણ દાંતની તકલીફ હોય, ચાર કલાક મોટર ચલાવીને અમારી નજીકની મૅક્સિકન બૉર્ડર પાર કરી ટિવ્હાના (Tijuana) શહેરમાં જઈ સારવાર કરાવે છે. ફક્ત અમારા જેવા કેટલાક લોકો, જેઓ વીસ-બાવિસ કલાકનો સતત પ્રવાસ કરી ભારત જઈ શકતા નથી તેમને ડેન્ટિસ્ટના ખિસ્સામાં અશરફી ઠાલવવી પડતી હોય છે. બીજો કોઈ પર્યાય નથી.

તો મિત્રો, આ છે મારી દંતકથા –  મારા છેલ્લા બાર દાંતની કથા. 

Advertisements

4 ટિપ્પણીઓ (+add yours?)

 1. harnishjani52012
  એપ્રિલ 19, 2016 @ 21:32:01

  મને તો ભાઈ મારી કહાણી લાગી. આખો મેડિકલ બિઝનેસ પૈસા પડાવવાના બેઝ પર જ ચાલે છે. હજુ આપને હાર્ટના પ્રોબ્લેમ નથી .શુકર કરો ખુદાકા.

  Liked by 1 person

  જવાબ આપો

 2. Vinod R. Patel
  એપ્રિલ 22, 2016 @ 21:18:31

  મારા એક મિત્ર કહેતા હતા કે દાંતના ડોકટરોનો દાંત પડાવવાનો ભાવ દાંત પાડી નાખે એવો હોય છે. ! ભાવ સાંભળીને જ દાંત હલી જાય. મિત્ર નરેન્દ્ર ભાઈ એ એમની દંત કથાના અનુભવો સરસ રજુ કર્યા છે. ઘણા લોકોને આવા કોઈને કોઈ અનુભવ થયા હશે જ .

  દાંત દુખે તો એ કોઈનો નહિ. આપણું દુખ જોઈ મિત્રો ઘણીવાર દાંત કાઢતા હોય છે !

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   એપ્રિલ 22, 2016 @ 21:50:10

   ખાનગી રાખજો.(મહિલા મિત્રોને ખબર ન પડવી જોઈએ. ૩૨ માંથી ૩ સાચવી રાખ્યા છે….એ સાચા ધરવાળા, હવે ડોક્ટર કહે ૨૮ થી ચલાવો. એટલે પચ્ચીસ બહારવાળા કહેવાય. મારે તો ૨૯ ગયેલાના સ્મરણોની ૨૯ વારતા લખવી પડે.

   Like

   જવાબ આપો

 3. Vinod R. Patel
  એપ્રિલ 23, 2016 @ 00:16:16

  પ્રવીણભાઈ , તમારાં ધર્મ પત્ની તો તમારું આ દાંતનું રહસ્ય જાણતાં જ હશે . કે પછી એમનાથી પણ મહિલા મિત્ર ગણીને છુપાવ્યું છે ?

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: