“ડાયરીના ખૂટતાં પાનાં”

“ડાયરીના ખૂટતાં પાનાં”

Diyary * diyery2

Image credit: Google  Images

સારંગ, મલ્હારભાઈ અને ભૈરવીભાભીને લેવા એરપોર્ટ પર ગયો છે.

આ વખતે તો ધૈવત પણ સાથે આવવાનો છે. વર્ષોથી ધૈવતને જોયો નથી. જ્યારે ધૈવત સાતેક વર્ષનો હતો ત્યારે એના યજ્ઞોપવિત વખતે જોયો હતો. અત્યારે તો એ ડૉક્ટર થઈ ગયો છે. લંડનમાં બેલસાઈઝ મૅડિકલ સેન્ટરમાં જોડાયો છે. મલ્હારભાઈ અને ભૈરવીભાભી પણ છેલ્લા બે વર્ષથી લંડન સ્થાયી થયા છે. ન્યુયોર્કથી લંડન ક્યાં દૂર છે. મેં કેટલીયે વાર સારંગને કહ્યું ‘ચાલને આપણે મલ્હારભાઈને મળી આવીએ. પણ સારંગ! …. જઈશું, ….હમણાં કોઈ કવર કરે એવું નથી..આવતે વર્ષે જઈશું… બસ હું જાણું છું કે સારંગ બહાના જ કાઢે છે. હું. હું એટલે ઓબીજીન ડોકટર સારંગ ભાર્ગવની વાઈફ સુરેખા ભાર્ગવ અને દીકરી દેવાંગીની મમ્મી. સારંગ દીકરી દેવાંગીને ત્યાં તો, એલ.એ. સુધી છેલ્લા ત્રણ મહિનામાં આઠ વખત જઈ આવ્યા. દીકરીને જોવા મળવાનું તો મનેયે ગમે; પણ દીકરીના ઘરમાં વારંવાર દોડી જવાનું સામાજિક રીતે બહુ સારું તો ન જ કહેવાયને.

પોતાના બાળપણના ખાસ મિત્રને મળવા માટે અખાડા કરે છે. મલ્હારભાઈને લીધે તો સારંગ ડૉકટર બની શક્યો. ભૈરવીભાભીના આગ્રહને કારણે તો સારંગ અમેરિકામાં સ્થાયી થયો.

મેં વારંવાર ભૈરવીભાભીને અને મલ્હારભાઈને પજવી નાંખ્યા. બસ આવો, આવો અને આવો જ. ધૈવતને લઈને જ આવો. મારેતો ધૈવતને જોવો છે. મારા અત્યાગ્રહ કે હટાગ્રહ કંટાળીને કે લાગણીની ભીનાશમાં પલળીને આજે તેમનું આવવાનું ગોઠવાયું. કેવો દેખાતો હશે!  છેવટે આજે ધૈવતને મળાશે.

*******

સારંગ અને મલ્હાર બાળપણથી લંગોટિયા મિત્રો. મલ્હાર ધનિક માંબાપનો એકનો એક દીકરો.

સારંગ, મલ્હારના પિતાની ઑફિસમાં કામ કરતા એક સામાન્ય કારકુનનો દીકરો. આર્થિક અસમાનતાનો ભેદ ભુલાવતી એક મજ્બુત કડી, એ બે કુટુંબનો સંગીતપ્રેમ. મલ્હારના દાદા પંડિત જગન્નાથજી એ મોટા સંગીત શાસ્ત્રી. મલ્હારના પિતા પુરુષોત્તમકાકા આમ તો સમૃધ્ધ્ વ્યાપારી; પણ એ પણ સંગીતના રસીયા. મારા સસરા પણ ખુબ સરસ ગાતા હતા. અને પુરુષોત્તમકાકા તબલા પર સાથ આપતા હતા. શેઠ નોકરનો ભેદ અદૃશ્ય થઈ જતો. નાનપણથી સારંગ પણ મલ્હારની સાથે સાથે જગન્નાથદાદા પાસે સંગીત શીખે.  બન્ને સાથે ગાય. બન્ને સાથે વગાડે.

એક પ્રોગ્રામમાં કલ્પના ફિલ્મનું, લલિત રાગમાં ગવાયલું રફી-મન્નાડેનું ગીત ‘તુ હિ મેરા પ્રેમ દેવતા’  સારંગ અને મલ્હારે સાથે  ગાયલું. ભૈરવીએ એના પર નૃત્ય કરેલું. મલ્હાર અને ભૈરવી પ્રેમમાં પડ્યા. પ્રેમ લગ્નમાં પરિણમ્યો. મલ્હાર અને સારંગના જીવન રસો સમાન. ફેર માત્ર અભ્યાસમાં. મલ્હારે કોમર્સ લાઈન પકડી અને સારંગ મેડિકલમા ગયો. 

ભૈરવીભાભીએ જ સારંગને વધુ અભ્યાસમાટે અમેરિકા મોકલવાની સગવડ કરી આપી હતી. અમેરિકામાં જ મારો સારંગ સાથે મેળાપ થયો હતો. અમારા લગ્ન પછી અમે માત્ર ત્રણ વાર ઈન્ડિયા ગયા હતા. એક વાર ધૈવતના યજ્ઞોપવીત વખતે, બીજીવાર અમારી દીકરીના જન્મ પછી બાપુજીના આશીર્વાદ માટે અને ત્રીજીવાર બાપુજીના નિધન પછીની દિવસ ક્રિયા પ્રસંગે.

મલ્હારભાઈ સાથેના મૈત્રી સંબધ અને એમના ઉપકારોની વાત તો બાપુજીએ જ કરી કતી. સારંગ તો માત્ર એટલું જ કહેતો મલ્હાર ‘ભાઈથી વધુ અને મિત્રથી વધુ,  મારા હૃદયનો જ ભાગ છે.’ અને આમ છતાં એણે કોઈપણ વાર સામેથી મલ્હારભાઈને કે ભૈરવીભાભીને ફોન કર્યો નથી. દરેક વખતે મલ્હારભાઈ જ ફોન કરે. મોટેભાગે મલ્હારભાઈ બોલતા હોય, અને સારંગ સાંભળતો હોય. ફોન પર વાત કર્યા પછી કલાકોના કલાક સુધી સુનમુન થઈ જતો કે કાનમાં આઈપેડ ભૈરવી સંગીતમાં ખોવાઈ જતો.

ભૈરવીભાભી ફોન પર કોઈકવાર મારી સાથે જ વાત કરતાં. હમેંશા દીકરી દેવાંગીની વાત જ નીકળતી. મનમાં તો હતું કે કે દેવાગી મોટી થાય પછી એનું ધૈવત સાથે ગોઠવી દઈશું પણ ભાભીએ તો દેવાંગીને ધૈવતભાઈને માટે દર વર્ષે રાખડી મોકલવાનું સુચન કરી જ દીધું હતું. દેવાંગી પણ ચૂક્યા વગર રાખડી મોકલતી જ હતી.  જોકે આજે તો તે દિવ્યેશને પરણીને સુખી છે.

*******

એક દિવસ ઉધાઈ ખાય ગયેલા જુના ચોપડાની સાફસુફી કરતાં સારંગની ફાટી ગયેલી ડાયરી મળી આવી. છી..છી…છી…છીઈઈઈઈ. ગંદા પીળા બદામી થઈ ગયેલા પાના અને અક્ષરતો ફાર્મસિસ્ટથી એ ન ઉકલે એવા. ડાક્ટર લોકોનું પહેલું ક્વોલિફિકેશન ખરાબ અક્ષર.  કોઈની અંગત ડાયરી ન વાંચવી જોઈએ. પણ હું તો તેની ‘વાઈફ’.  ન વંચાય તો પણ વાંચી.  એક બે વાર નહિ. પંદર-વીસ વાર. આમતો બધી સામાન્ય વાતો જ હતી.  પણ કેટલાક પાના ખુબ જ ઈન્ટરેસ્ટીંગ. કેટલીક વાતો ન સમજાઈ. લો, એકવાર વધારે તમારે માટે વાંચું. તમારું મન પણ ધૈવતને જોવા મારી જેમ જ ઊંચકાશે.

********

સારંગની ડાયરીનું એક પાનું….

 

ભૈરવીએ મલ્હારને તેનો પ્રેમ દેવતા બનાવી દીધો. સારી નર્તકીતો પુરવાર થઈ જ હતી હવે મલ્હારને રોજ મળાય એ હેતુથી જ અમારી સાથે જગન્નનાથ દાદા પાસે સંગીત શીખવા આવતી હતી…આજે અમે ત્રણે ગાર્ડન હોટેલના ફેમિલીરૂમમાં સાડાત્રણ કલાક બેસીને ગપ્પા માર્યા. છેવટે મેનેજરે આવીને અમને સમયનું ભાન કરાવ્યું. મલ્હારે અમે ખાધું તેનાથી બમણી ટિપ્સ આપીને મેનેજરને ખુશ કરી દીધો.

*********

વચ્ચેનું એક પાનું…

આજે એસ.એસ.સી.નું પરિણામ આવ્યું. મારા ૮૮% અને મલ્હારના ૬૬%. ભૈરવીના માત્ર ૫૭%. એમણે બન્નેએ એમના પ્રેમાનંદની કિમત ચુકવી. એમને જરાયે રંજ હોય એવું લાગ્યું નહિ……

********

આ પાના પર તારીખ છે. વર્ષ નથી.

આજે પુરુષોત્તમકાકાએ મને અને બાપુજીને એમને ઘરે બોલાવ્યા. સાથે જમ્યા. કાકાએ બાપુજી સાથે સીધી જ વાત કરી. ‘મારે મારા મલ્હારને ડૉકટર બનાવવો હતો. પણ એ અમારા નશીબમાં નથી. મલ્હાર કહે છે સારંગને ડોકટર બનાવીએ! શું ફેર પડે?  મલ્હાર મુંબઈ જશે? ‘

બાપુજીએ એકાક્ષરી પશ્ન પુછ્યો. ‘ખર્ચો?’

‘હું બેઠો છુંને!’

નિર્ણય લેવાઈ ગયો. કોઈએ મને પુછવાની દરકાર ન કરી…………….

                *********

બે વર્ષ પછીની તારીખનું પાનું…………

મુંબઈ ની મારી કોલેજ હોસ્ટેલની ઓફિસમાં મલ્હારનો ફોન આવ્યો. આવતા મહિનાની સાતમી તારીખના ભૈરવી સાથે લગ્ન નક્કી થયા છે. તારું વેકેશન શરૂ થાય એટલે તરત આવી રહે. બધું તારે જ સંભાળવાનું છે…….

********

થોડા વર્ષ પછીનું એક પાનું…..

આજે સિધ્ધીવિનાયક ના દર્શન કરી આવ્યો. આવતી કાલથી ગોરેગાવમાં ઈન્ટર્નશીપ શરૂ કરવાની છે….

છી…છી…છી…એકતો ગંદા પાના અને જાણે પ્રિશક્રિપશન લખતો હોય એવા અક્ષરો. ડાયરી વંચાતી નથી અને હાથમાંથી છૂટતી નથી. વાંચવી જ છે. લો!…આ જરા વંચાય છે.

ગઈ કાલે મલ્હાર અને ભૈરવી મુંબઈ આવ્યા. આખી રાત વાતો કરી. જગન્નનાથ દાદાને એના સંગીત વારસા માટે કુળદિપક જોઈએ છે. પપ્પા પુરુષોત્તમકાકાને સંપત્તિને સાચવનાર વાપરનાર વારસદાર જોઈએ છે. ઘણા ડોકટરોને બતાવ્યું. જો આ બધા રિપોર્ટસની ફાઈલ.

મેં બધી ફાઈલ જોઈ. ભૈરવીના બધા જ ટેસ્ટ્ રિઝલ્ટસ નોર્મલ હતા. મલ્હારના…..

મલ્હારના સ્પર્મ કાઉન્ટ ઝીરો… નીલ…. શૂન્ય…. જો લો હોય તો ટ્રીટમેન્ટથી સુધારો થઈ શકે પણ એને માટે તો કુદરતની ક્રુરતા. મેં પુછ્યું ‘મલ્હાર આ રિપોર્ટ સમજ્યો છે?  બન્નેએ હકારમાં માથું હલાવ્યું. મલ્હારે મને કહ્યું ‘મને ખબર છે કે હજુ તું લાઈસન્સ પ્રેકટિશનર નથી થયો. અમારે ડોકટર તરીકેની મદદ નથી જોઈતી. એક સમરસિયા મિત્ર તરીકે તારે મદદ કરવાની છે….હું ધ્રુજી ઉઠ્યો.

                ********

                પાનાની પાછળ કંઇક ત્રાંસુ લખ્યું છે….

અમે આજે જ મહાબળેશ્વરની પેરેડાઈઝ હોટલમાં ઉતર્યા છીએ. મલ્હારને અગત્યના કામ માટે પૂના જવું પડ્યું છે. મોડી સાજે કે રાત્રે આવશે. મારી રૂમના બારણે ટકોરા પડે છે……..

*******

લુચ્ચાએ ત્યાર પછીના કેટલા બધા પાના ફાડી નાંખ્યા છે!

*******

પણ…ડાયરીની વચ્ચેના પાનામાં મરોડદાર, ફેમિનાઈન હેન્ડરાઈટિંગની એક નાની ચીઠ્ઠીનું શું?

‘ધૈવત જગન્નનાથ દાદાનો પ્રપૌત્ર છે. પપ્પાનો પૌત્ર છે કોઈની લાગણીની જાળમાં ફસાઈને એના વહાલસોયા પિતા મલ્હારનો પ્રેમ ગુમાવી બેસે એ મને મંજુર નથી. તારે એમ.ડી થવા અમેરિકા જવાનું હું ગોઠવી રહી છું.’

**********

પછી બધા જ પાના કોરા હતા.

મેં ડાયરી વાંચી…હું  સ્ત્રી છું…. ઉદારમત વાળી પત્ની છું….માતા પણ છું….મેં ડાયરી વાંચી છે. વાંચી. ન વાંચવી જોઈએ તો પણ વાંચી. અરે! મારી જગ્યાએ તમે હો તો તમે પણ વાંચો. વાંચ્યા પછી ખરેખરતો મારે તમને આ વાત ન કહેવી જોઈએ. પણ તમે બિલાડીના પેટમાંની ખીરની વાત તો જાણો છોને? મારે તો ડાયરીના ફાડી નંખાયલા ખૂટતા પાના ખોળવાના છે. એટલે તો, ફોન પર ફોન કરી મલ્હારભાઈ અને ભૈરવીભાભીને ધૈવતને લઈને જ અમેરિકા આવવા મજબુર કર્યા.

લ્યો..ગરાજડોર ખુલ્યું. હા, મહેમાનો આવી ગયા. ડોકટર ધૈવત પણ આવ્યો છે. અને એક વાત કહું…

 

મને મારા સારંગના જેવી જ ધૈવતની બ્લ્યુ આંખોમાં ડાયરીના ખૂટતાં પાનાં મળી ગયાં.

Advertisements

6 ટિપ્પણીઓ (+add yours?)

 1. Vinod R. Patel
  એપ્રિલ 22, 2016 @ 20:53:24

  ડાયરીને માધ્યમ બનાવી કરેલ વાર્તાનો આ નવીન પ્રયોગ ગમ્યો. પાત્રોના મનોભાવ નું સરસ નિરૂપણ જોવા મળે છે. ધન્યવાદ.

  Liked by 1 person

  જવાબ આપો

 2. મનસુખલાલ ગાંધી
  એપ્રિલ 23, 2016 @ 15:43:27

  કુદરતના ખેલને કારણે અને એ પણ ન છુટકેજ અરસપરસની સમજુતીથી ઉપકારનો બદલો વાળી દેવાય એ બહુ સારી વાત છે. અને સસ્પેન્સવાળી આખી વાર્તાનો સાર છેલ્લા વાક્યમાંજ આવી જાય છે. “ચોરી ચોરી ચુપકે ચુપકે ” ફીલમ યાદ આવી ગઈ. એમાં પણ પરસ્પરની મજબુરી અને સમજુતીની વાત સરસ રીતે બતાવી છે.

  બહુ સંદર માવજતભરી વાર્તા……

  Liked by 1 person

  જવાબ આપો

 3. mhthaker
  એપ્રિલ 25, 2016 @ 22:49:35

  ati sunder rekha chitra..sukshamta- najukata bhari aa varta khub-j gami..

  Liked by 1 person

  જવાબ આપો

 4. Navin Banker
  એપ્રિલ 26, 2016 @ 12:19:06

  ખુબ સરસ વાર્તા. ખુબ ગમી, મિત્ર !

  નવીન બેન્કર ( શબ્દસેવી કમલાપુત્ર )

  Liked by 1 person

  જવાબ આપો

 5. aataawaani
  મે 03, 2016 @ 08:39:11

  ડાયરીના એક પાનામાં તો ઘણા પાના વંચાઈ ગયા , બહુ સરસ વાર્તા છે . તમારી કળા કૃતિ મુકતા મન ન થઇ એવી હોય છે . હું પણ તમારા જેવડો થઈશ ત્યારે આવી સરસ વાર્તા લખીશ .

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

%d bloggers like this: