મારી બા

મારી બા

Nanidauri-Baa

નાનીગૌરી મગનલાલ શાસ્ત્રી.

“‘બેટા હજુ વિચારી જો. આપણી પાસે શું નથી! અમેરિકા જવાનું માંડી વાળ. હવે મારી પણ ઉમ્મર થઈ. ક્યારે શું થાય તે કોને ખબર! મારી અંતિમ વેળાએ તું અમારી સામે હોય તો મારો જીવ અવગતે ન જાય.મોટાભાઈએ પણ કહ્યું રાજુ, તારા સિવાય અમારું બીજું છે પણ કોણ? છોકરાંઓ પણ તારી સાથે આવશે પછી અમે કોની સાથે હસી ખુશીની વાતો કરીશું?

આ તો, સૌ પ્રથમ “મમતા” મ્રેગેઝિન અને અનેક જગ્યાએ પ્રસિધ્ધી પામેલી મારી વાર્તા “પચ્ચીસ હજારનો ડંખ”ના આ શબ્દો છે.

મારી બાએ પણ મને કંઈક આવા જ શબ્દો, મેં જ્યારે કાયમને માટે ભારત છોડ્યું ત્યારે. રડતી આંખે કહ્યાં હતાં. અને આ શબ્દો જીવનભર મારા કાનોમાં ગુંજતા રહ્યા છે. મને રડાવતાં રહ્યાં છે. મારા દેહનું રક્તભ્રમણ ચાલુ રહેશે ત્યાં સૂધી આ શબ્દો મારા હૈયામાં થડકતા રહેશે.

મારી બા ની જન્મતીથિ તારીખ તો એને પોતાને પણ ખબર  ન હતી. પિતાશ્રીના કહેવા મુજબ મે મહિનામાં ૧૯૦૫માં સુરત પાસે મારી બાનો જન્મ ડુમ્મસમાં થયો હતો. મારું મોસાળ સુરત પાસેનું નાનું ગામ ભિમરાડમાં. ભિમરાડમાં એક ઓરડાની એક શિક્ષકની નિશાળ. મારા બા નિશાળના ઓટલે બસીને કક્કો શીખેલા. બસ પછી નિશાળનું શાળાકીય શિક્ષણ સમાપ્ત.. જે કંઈ વાંચતા લખતાં કે ગણતા થયેલા તે ઘરનું જ જ્ઞાન. ગુજરાતી હિંદી સંસ્કૃત વાંચન મારા ભઈ પાસે જ શીખેલા. હું મારા પિતાશ્રીને ભઈ કહેતો. બા માત્ર સહી કરી શકતા, લખાતું ન હતું.  બાના લગ્ન લગબગ ૧૩ – ૧૪ વર્ષની ઉમ્મરે થયેલા અને સોળ વર્ષ પછી આણું કરેલું.

મારી મોટી બહેનના જન્મ પછી. મારો એક ભાઈ જગદીશ આવતર્યો હતો. બે વર્ષની ઉમ્મરે દેવલાક પામ્યો. પછી ૧૯૦૩૯માં મારો જન્મ. સંયુક્ત કુટુંબમાં કાકાના બાળકો પણ દેવલોક પામ્યા હતા. કુટુંબનો એક માત્ર કૂળદિપક(?) એકલો હું જ. 

બા અને ભઈની પથારીની વચ્ચે મારી પથારી રહેતી. બા અને ભઈ બન્ને હળવા પણ સ્પષ્ટ સ્વરોમાં પ્રભાતિયા ગાઈને મને જગાડતા.

રાત્રે મારા બાપાજીના (દાદા)ના ખોળામાં એમની જનોઈ સાથે રમતો, એમની પાસેથી ભાગવતની વાર્તાઓ સાંભળતાં ઊંઘતો.  

હું ખૂબ જ તોફાની. ઝાડ ચડું, વડ ચડું ના વાંદરવેડા. મારા ભઈ અને બાનો જીવ સદા અધ્ધર રહે. હું પ્રોટેક્ટિવ માળખામાં ઊછર્યો.

૧૯૪૮માં મારાબા એકદમ માંદા પડ્યા. કોઈ પણ રોગનું સચોટ નિદાન કોઈ વૈદ્ય કે ડોકટર કરી શક્યાં નહતાં. ખોરાક બંધ થતો ગયો. પહેલાં ડોકટર ધરે એક વાર આવતા, પછી રોજ બે વાર, પછી રોજ ત્રણવાર આવતાં. એક દિવસ સુરતના બાર નામાંકિત ડોક્ટર અને વૈદ્યોએ બપોરે ઘરે આવી બા ને તમીપાસ્યા. એમાંના ત્રણ ડોક્ટર તો પિતાશ્રીના હાથ નીચે ભણેલા વિદ્યાર્થીઓ હતાં. ચર્ચાઓ થઈ. બધાએ ભઈને આશ્વાશન આપ્યા. વધુમાં વધુ આઠ દશ દિવસની મુદત આપી. સૌએ આશા છોડી દીધી હતી.

…અને એ દિવસ પણ આવી ગયો. કૃષકાય દેહ ઠંડો થવા લાગ્યો. નાડી પકડાતી ન હતી. કાનની લાળી નમી ગઈ હતી.

કેટલાક સ્વજનો સ્મશાનનો સામાન લેવા ઉપડ્યા.

મારી  પિત્રાઈ માસીના દીકરા આર.એમ.પી. વૈદ્ય હતા. મહોલ્લામાં જ રહેતા હતા. આયુવૈદિક કોલેજના વવાખાનામાં કંમ્પાઉડરની નોકરી પણ કરતાં હતા.  તેઓ દોડીને એમના વૈદ્ય પિતાની જૂની રાયના દાણા જેવી નાની ગોળીઓ લઈ આવ્યા. મારા ભઈ, બાનો હાથ પકડીને બેઠા હતા. બીજીબાજુ મને બેસાડ્યો હતો. મારા એ માસીભાઈએ બાના ગળામાં રાઇના દાણાં જેવી એક ગોળી બાના ગળામાં નાંખી. એને એ કસ્તુરીની ગોળી કહેતા. એમણે કહ્યું કે એક ગોળી પર એક શેર દૂધ  પીવું પડે એટલી ગરમ છે. કદાચ ગરમી આવશે. હજુ તદ્દન ધીમી નાડ કટકે કટકે ચાલે છે. એમણે બીજો દાણો ગળામાં પાણી સાથે નાંખ્યો. આંખનું પોપચું હાલ્યું. એમને તો એમ કે આમ પણ માસીબાને તો ગુમાવેલા જ છે. ‘ત્ર્યંબકમ યજામહે’ સાથે  એમણે દશબાર ગોળી ગંગાજળ સાથે ગળામાં રેડી દીધી. કંઈક ચેતન આવ્યું. આંખ ખૂલી. મારા ભઈ તરફ  નજર કરી. અને ગળામાંથી ઝીણો અવાજ આવ્યો “પ્રવીણ”.

શ્મશાનનો સામાન લેવા ગયેલાની પાછળ સાઈકલ પર બીજાઓ દોડ્યા. એમને સામાન લાવતાં રોક્યા.

બધા કહેતાં કે બસ મારી બા એના પ્રવીણ માટે; એના કુટુંબ માટે  જીવી ગઈ હું નવ વર્ષનો હતો. કસ્તુરીની ગોળી હેતા હતા એ ખરેખર કઈ દવા હતી તે મને ખબર નથી. એની બીજી આડ અસરો આંખ અને માથાના દુખાવાની જીવન ભર રહી.

ખૂબજ ધીર ગંભીર, ધર્મપરાયણ મારીબાનું નવું બોનસ જીવન શરું થયું. એમના જીવનનું સૂત્ર હતું. “નમે તે નારાયણને ગમે” એની સલાહથી કેટલાયે કુટુબોમાં ક્લેશ નાબુદ થયો અને સ્વજનો સુખી થયા હતા.

હું મોટો થતો ગયો. બા ઈચ્છતા કે કદીયે ઉતરાણ ન આવે. હું છાપરે છાપરે દોડતો, અગાસીઓ કૂદતો, સાજે જ્યાં સૂધી ઘરમાં આવું નહીં ત્યા સૂધી બસ ઘરના દેવસ્થાન પાસે બેસી માળા કર્યા કરતી

પૂલમાંતો ઠીક પણ તાપીમાં અને નર્મદામાં પંણ કિનારાથી દૂર તરવા જતો એવી મિત્રોની વાત સાંભળી બા રડતા.. એકવાર ઘરમાં બધાની  ના હોવા છતાં  સાઈકલ પર સ્વજનોને ત્યાં સુરત, નવસારી, જલાલપોર, ધમડાછા, ગણદેવી, ચીખલી સૂધી પહોંચ્યો. મારા મોટાભાઈ (ફોઈના દીકરા)એ ચિખલી આવી જણાવ્યું બાએ ત્રણ દિવસથી કશું ખાધું નથી. ચીખલીથી પાછો વળ્યો.

મમતાનું મૂલ્ય સમજ્યો. ડાહ્યો થયો.

હું વાર્તાઓ લખતો. મારી બા વાર્તા વાંચતી. મેગેઝિનમાં મારો ફોટો જોઈને ખૂશ થતી.

કોલેજ પુરી કર્યા પછી બરોડામાં એલેમ્બિકમાં  જોબ મળી.

બા, ભઈ, કાકા….ના… સુરત બહાર નથી જવાનું. ઘરના આંગણાનો રોટલો સારો. અડધા ઉપરનો પગાર તો ભાડામાં ચાલ્યો જાય. વાત સાચી જ હતી. જે સ્કુલમાં ભણ્યો ત્યાં જ નોકરી સ્વીકારી લીધી. ટ્યૂશન કરીને ભણ્યો હતો. હવે માસ્તર નહોતું થવું.

પછી અમારા સ્વજન જેવા મોદીસાહેબની કૃપાથી બરોડા રેયોન ઊધનામાં લેબમાં નોકરી મળી. લગ્ન થયા. એક દીકરી અને એક દીકરાનો બાપ બન્યો.

બધા મિત્રોની સાથે સાથે મેં પણ યુ.કેના વાઉચર માટે અરજી નાંખી. વાઉચર મળ્યું. પણ પરદેશનો વિચાર કરવાનો તો અર્થ જ ન હતો. જે છોકરો સુરત ન છોડી શકે તેનાથી દેશ તો છોડાય જ કેવી રીતે? ઇંગ્લેન્ડમાં કોઈ સ્વજન પણ ન હતું. બેગ મૂકવાની જગ્યા પણ ન હતી. ઘરમાં વાત પણ નહોતી કરી. હું કાઈ ધનિક બાપનો સ્કોલર દીકરો ન હતો કે ભણવા કે ફરવા માટે પરદેશ જઈ શકું.. પાસપોર્ટ પણ ક્યાંથી હોય?

એ અરસામાં મારા કાકાના મિત્રના પુત્ર યુ.કે થી  ભારત આવ્યા હતા. એમને કાકા સાથે મળવા ગયો. ગજવામાં વાઉચર લઈ ગયો હતો. એમને બતાવ્યું. એમણે ઉત્તેજન આપ્યું મારા કાકાને કહ્યું પ્રવીણની ચિંતા ના કરો. બધી વ્યવસ્થા થઈ જશે. કાકાને એમના પર વિશ્વાસ હતો. એમણે બા બા ભઈને સમજાવ્યા ફરવા જવું હોય તો ફરી આવવા દો.

ભારે હૈયે ફરવા માટે જ યુ.કે ગયો. ખરો સહારો મને મારા મિત્ર ઠાકોર ટોપીવાળાનો મળ્યો.

નસીબ પાધરું. બ્રિટિશ રેલ્વેની આર એન્ડ ડી લેબમાં નોકરી મળી. પત્ની યોગિનીને બોલાવવાનું વિચાર્યું. બા એ પ્રવીણને ખાવા પીવાની તકલીફ ના પડે એટલે જ યોગિનીને યુ.કે. મોકલી. પણ અમે કદાચ પાછા ભારત ન આવીએ એ માટે અમારા બાળકોને જાણે બાનમાં રાખ્યાં. ફરીને જલ્દી આવી રહો. અમે આખા યુકે અને વેસ્ટર્ન યુરોપમાં મફતની રેલ્વે મુસાફરી માણી. ભારત પાછા ફરવાનો સમય થયો હતો.

બા કહેતા ‘દીકરા બહુ ફર્યો. હવે પાછો આવી જા” એટલામાં અમેરિકાના વિઝા મળ્યા. યોગિનીએ કહ્યું “તું અમેરિકા ફરી આવ; ત્યાં સૂધી હું લંડનમાં જ જોબ કરીશ; અને આપણે ઈન્ડિયા જઈશું. બન્નેથી અમેરિકા જઈને ફરાય એટલા પૈસા ન હતા.. અમેરિકા આવ્યો. બે જ દિવસમાં એક નાની કેમિકલ કંપનીમાં લેબમાં જોબ મળી. યોગિની પણ અમેરિકા આવી. એક વર્ષ ખટારા જેવી કારમાં જેટલું ફરાય તેટલું ફરી, બધું સમેટી, ભારત પહોંચી ગયા.

ફરીથી બરોડા રેયોન ઉધનામાં તે સમયના ચીફ કેમિસ્ટ શ્રી રજનીકાન્ત.એમ. મોદી સાહેબની કૃપા દૃષ્ટિથી ફરીથી મને નોકરી પણ મળી ગઈ.

અત્યાર સૂધી બસ ફર્યો હર્યો હતો. જીવન આપ મેળે વહેતું હતું. બા અને ભઈ મારે બદલે મારા બાળકોને માનસિક સહારો માની જીવતાં હતા. બિમાર કાકા, કાકી માતાપિતા ઉપરાંત ભાણેજો સાથેના પરિવાર માટે મારા એકલાની આવક પૂરતી ન હતી. અમેરિકા જોયું હતું. બે દેશ વચ્ચેનો તફાવત જાણ્યો હતો. અમેરિકા બાળકો સાથે કાયમ માટે જવાનો કપરો નિર્ણય લીધો બલ્કે લેવો પડ્યો.

મારી વાર્તાના પાત્રો દ્વારા બોલાયલા આ શબ્દો કંઈક અંશે મારા બાના જ શબ્દો હતાં. “બેટા હજુ વિચારી જો. આપણી પાસે શું નથી! અમેરિકા જવાનું માંડી વાળ. હવે મારી પણ ઉમ્મર થઈ. ક્યારે શું થાય તે કોને ખબર! મારી અંતિમ વેળાએ તું અમારી સામે હોય તો મારો જીવ અવગતે ન જાય.’ મોટાભાઈએ પણ કહ્યું ‘રાજુ, તારા સિવાય અમારું બીજું છે પણ કોણ? છોકરાંઓ પણ તારી સાથે આવશે પછી અમે કોની સાથે હસી ખુશીની વાતો કરીશું?”

 મેં આશ્વાસન આપ્યું બા હું ત્યાં પહોંચી તમને બોલાવી લઈશ.

બધાથી અવાશે?

ના. પહેલા ભઈ અને તમે આવજો પછી કાકાકાકીની વ્યવસ્થા કરીશું. એક પ્રમાણિક ભાવના છતાં અંતરમાં ડંખે એવું જૂઠાણું હતુ. બિમાર કાકા કાકીથી અવાય એવી શક્યતા નહિવત હતી. કુટુંબ પરાયણ બાએ કહ્યું; “આવીશું તો સાથે જ આવીશું.”

હું મારા બાળકોને લઈને અમેરિકા આવ્યો. મારી બાનો હાર્દિક સહારો ઝૂંટવાઈ ગયો.

મારે તો ફરીથી સેટલ થવાનું હતું નોકરીની અદલાબદલી ચાલતી હતી. કુટુંબની આર્થિક વ્યવસ્થા કરવાની હતી.

એવામાં અને એક દિવસ ફોન આવ્યો. પહેરેલે કપડે નજીકના ટ્રાવેલ એજન્ટ પાસે જે ટિકીટ મળી તે લઈને હું સુરત પહોંચ્યો.  બા હોસ્પિટલમાં હતા. ભાણેજો અને સ્નેહીઓ સેવા કરતા હતા. હું પંદર દિવસ એમની સાથે હોસ્પિટલમાં રહ્યો. બાને મારું લોહી આપ્યું, પણ એને તો પ્રવીણનું લોહી નહીં પણ પ્રવીણ અને તેના બાળકો જોઈતા હતા.

આ સમયે પણ હોસ્પિટલમાં એક બાજુ મારા ભઈ હતા અને બીજી બાજુ હું હતો. આ સમયે પણ ત્ર્યંબકમ યજામહેનું રટણ ચાલતું હતું. કસ્તુરીની ગોળી આપનાર બાનો ભાણેજ તો વર્ષો પહેલાં પ્રભુના શરણમાં પહોંચી ગયો હતો.

મોર્ફિન ટપકતું બંધ થયું એક પુત્રઘેલી બા, મારી બાએ એપ્રિલ ૯, ૧૯૭૬માં રામનવમીના પવિત્ર દિવસે શ્રીરામનું શરણ સ્વીકાર્યું .

પછી મારા ભઈને અમેરિકા લઈ આવ્યો. દશ વર્ષ એઓ અમારી સાથે જીવનના શેષ વર્ષો ગાળી શક્યા. બહેન, ભાણેજો અને અન્ય સંબંધીઓ પણ આવ્યા.

મારા બા એના પ્રવીણ ભેગા ના થઈ શક્યા. બા માટેનો વસવસો આજે યે મને રડાવતો રહ્યો છે.

કાકાના અવસાન પછી કાકી (રમણબેન)ને બે વાર અમેરિકા બોલાવ્યા, એમને માટે જલાલપોરમાં ઘર બાંધ્યું. યોગ્ય વ્યવસ્થા પણ કરી. અને સમયસર ભારત પહોંચી એમને પણ વળાવ્યા. વડીલો પ્રત્યેની ફરજો યથા શક્તિ પૂરી થઈ.

૨૫ નવેમ્બર ૨૦૦૨માં મેં મારા પિતાશ્રીની જન્મ શતાબ્દી સ્વજનો સાથે કાવ્ય, સંગીત અને વેદગાન સાથે ઉજવી હતી.

તે જ પ્રમાણે તારિખ. તીથિના અભાવે  બાની જન્મ શતાબ્દી મધર્સ ડે ૨૦૦૫માં અનેક માતાઓ અને દાદીમાઓનો ઉચિત ભેટ સાથે માતૃસ્મૃતિનો સત્કાર સમારંભ ઉજવ્યો હતો.

 મારી બાને સ્મર્ણાજલિ માટે જ કઠણ કાળજે આ લખ્યું છે. શક્ય છે કે મારી કે મારાબાની વાતમાં કોઈને પણ રસ ના હોય. પણ આંતરિક વલખાટને હળવો કરવા જે લખાયું તે જ સીધું પોસ્ટ કરું છું.

અસ્તુ.

31 responses to “મારી બા

  1. Rajul Kaushik June 21, 2016 at 11:40 AM

    કાયમ હસતા-હસાવતા પ્રવિણભાઇએ આજે દિલનો ઉભરો ઠાલવીને અમારા દિલને ભારે કરી દીધુ. એવું કેમ લાગ્યું કે તમારાબાની વાતમાં કોઈને પણ રસ ના હોય…

    મા તો સૌને એટલી જ વ્હાલી હોય ને? પછી એ કેમ તમારા બા ના સ્વરૂપે ના હોય. કોઇપણ મા ની મમતામાં સૌને પોતાની મા ની મમતા અનુભવાતી જ હોય છે અને બા ની વાત તો સૌને પોતિકી જ લાગતી હોય છે.

    મારો ભાઇ અમેરિકા સેટલ થયો ત્યારે અમે બહેનો એની સાથે હોવા છતાં. મારી મા ની પણ આપના બા જેવી જ માનસિક સ્થિતિ હતી. મારા મમ્મી-પપ્પાના મનનો સૂનકાર અમે જોયો છે. કદાચ એનું કારણ એ પણ હોઇ શકે કે દિકરી તો એના ઘેર અને દિકરો તો નજરની સામે…

    આજે તો ખુબ હ્રદયસ્પર્શી વાત કરી તમે.

    Like

  2. pravinshastri June 7, 2016 at 10:29 PM

    મારી બા સાથે અંતિમ દિવસો તો મેં ગાળ્યા પણ એમની સાથે એમના જીવનના અંતિમ આઠ વર્ષ નહોતો ગાળી શ્યો અને મારી બા મારે માટે ઝૂરતી રહી એ વાસ્તવિક વેદના સાચવી રાખવી જેટલી અઘરી હતી એટલી જ બહાર લાવવાની અઘરી હતી.

    Like

  3. સુરેશ June 7, 2016 at 10:08 PM

    વાંચીને મારી મા યાદ આવી ગઈ. એમના મૃત્યુ વખતે તો એમની સાથે હતો. પણ બાપુજીના અવસાન વખતે એમના છેલ્લા દર્શન કરવાનો લ્હાવો નો’તો મળ્યો – એ વસવસો હમ્મેશ સતાવે છે.
    ————
    તમારી બા સાથે મિલન જેવી જ અદભૂત ઘટના મારા બોસ્ટન-વાસી વેવાઈના જીવનમાં પણ બનેલી.

    Liked by 1 person

  4. pravinshastri June 4, 2016 at 10:05 AM

    મહેન્દ્રભાઈ. આપનો ઘણો ઘણો આભાર.

    Like

  5. mhthaker June 4, 2016 at 9:40 AM

    Reblogged this on કાન્તિ ભટ્ટની કલમે and commented:
    એક પુત્ર ની અપાર વેદના વ્યક્ત કરતી પ્રત્યેક મા ની સાચી તસ્વીર પ્રિય મિત્ર પ્રવીણ કાંત ની કલમે….

    Liked by 1 person

  6. pravinshastri June 3, 2016 at 6:15 PM

    આપના પ્રેમાળ શબ્દોએ મારી આંખ ભીની કરી. આપણે સૌ કંઈકનું કંઈક અંદર ને અંદર ભંડારી ઉપર હસી મજાકનું મહોરુ ચડાવી દેતા હોઈએ છીએ. જેમ જેમ ઉમ્મર થાય તેમ તેમ જ વડીનાલોના ખોળા યાદ આવે છે. અરે સ્વપ્ના પણ બાળપણના જ આવે છે.

    Like

  7. Amrut Hazari. June 3, 2016 at 6:06 PM

    સ્નેહીશ્રી પ્રવિણભાઇ,
    જ્યારે પણ આપણે મળીઅે ત્યારે તમારી વાતો હસાવે જ…પરંતુ ‘મારી બા‘નીતમારી કહાણીઅે હૃદય ભીનું કર્યુ.
    ભિના હૃદયમાંથી અેકે અેક શબ્દ સચ્ચાઇના રંગે રંગાઇને પાને પાને ઉતર્યો છે. કોની આંખ નહિ ભીંજાઇ હશે ?
    અમને ચાર ભાઇ બહેનને અમારી બા ૮ વરસના થી ૧૬ વરસની ઉમરના મૂકીને સ્વર્ગે પ્રયાણ કરી ગયેલી….તમે તે દિવસો આંખ સામે લાવી દીઘા.
    તે જમાનાની કુટુંબ ભાવના..સ્વાર્થરહિત..પ્રેમથી ભરેલી…પોતાનાને માટે જ નહિં પરંતુ કાકાના કુટુંબની પણ અેટલી જ લાગણીસભર ભાવના..
    તમારા સાહિત્ય જીવનનો બીજો ચહેરો અનુભવ્યો….પ્રેમ પ્યાલો પીઘો…..

    અમૃત ( સુમન ) હઝારી.

    Liked by 1 person

  8. pravinshastri June 1, 2016 at 1:46 PM

    પ્રજ્ઞાબહેન આપણે અંગત નથી પણ અંગત છીએ. પરેશભાઈ અને યામીની બહેન ભારતમાં છે. આજે તો ક્ષણેક્ષણનો સંપર્ક સહેલાઈથી જાળવી શકાય એમ છે. મારા સમયમાં એ ઉપલબ્ધ ન હતો. મેં તો ઘણાં વલખાં અનુભવ્યા છે. શક્ય છે કે આપ અવાર નવાર ભારતની મુલાકાત લેતાં હશો. આપના વિચારો જણાવજો. કેટલી વાસ્તવિકતા પચાવી છે? કંઈક ખૂટે છે?

    Like

  9. pragnaju June 1, 2016 at 1:38 PM

    બાને હ્રદયસ્પર્શી સ્મર્ણાજલિ …
    અમારા બાની સ્મરણાંજલી જેવી…
    અનુભવેલી વાત
    જીવનમા પ્રગતિ કરવા કે અન્ય કામ અંગે ઘણાખરા વિદેશવાસીના ઘરનાની આવી કરુણ કથની
    હોય છે

    Liked by 1 person

  10. Chhelshank Purohit May 31, 2016 at 4:04 PM

    આપે મને રડાવી દીધો ,જૂની સ્મુતી ઓ તાજી થઇ, વધુ લખવા સબ્દો મળતા નથી.

    Liked by 1 person

  11. pravinshastri May 31, 2016 at 1:32 PM

    હાસ્ય અને ટિખળની પાછળ જે ગુંગળાતું હતું તે બહાર આવી ગયું.

    Like

  12. Valibhai Musa May 31, 2016 at 12:45 PM

    હૃદયસ્પર્શી દાસ્તાન. અંતમાંનું આ વાક્ય ‘શક્ય છે કે મારી કે મારા બાની વાતમાં કોઈને પણ રસ ના હોય.’ ખટક્યું. ભલા, કોઈની પણ બા પોતાની બાની પ્રતિકૃતિ જ હોય છે, બા તો બા જ હોય. તમારો સંઘર્ષ પણ દિલને સ્પર્શી ગયો.

    Liked by 1 person

  13. pravinshastri May 31, 2016 at 9:29 AM

    મારા ફેસ-બુક મિત્રોના લાગણી સભર પ્રતિભાવો એમના આભાર સાથે——
    Minal Pandit મેં વાંચ્યું છે, હોં! ખૂબ જ લાગણીસભર અને દિલને ખળભળાવી દે એવું લખાણ. 😔
    આપના બા, ભઇ અને વડીલોની આત્માને શાતા જ મળી હશે, તમારી લાગણીઓ અને દરકાર થકી. 🙂

    Satish T Parikh
    Satish T Parikh ખૂબ જ લાગણીસભર અને દિલને ખળભળાવી દે એવું લખાણ. I have gone thru almost the same feeling with my mother when I came to USA 40+ years ago.

    Ravi Jadhav
    Ravi Jadhav VERY TOUCHING.

    Nita Shastri
    Nita Shastri Touchable memories

    Madhavi Pandya Dave
    Madhavi Pandya Dave Pranam

    Jagruti Vyas
    Jagruti Vyas Very Touching🙏

    Rita Thakkar
    Rita Thakkar તમારો આંતરિક વલખાટ ધ્રુજાવી ગયો….હું પણ મારા બાળકને અમેરિકા મોકલીને એની યાદો સાથે રમી રહી છું.

    Pravinkant Shastri
    Pravinkant Shastri સૌ મિત્રોની લાગણી સભર કોમેન્ટે આ ડોસાને જરા રડી લેવા ખભું આપ્યું. આપ સૌનો આભાર. વિરહની વેદનાઓ અને કેટલાક કર્તવ્ય ચૂક્યાનો અપરાધભાવ સહેજે ભૂસાતો કે ભૂલાતો નથી.

    Maulik Joshi
    Maulik Joshi ખુબ સરસ Pravinkant Shastri ji,
    આપની વાર્તા/જીવન વાર્તા વાંચી, સ્મૃતિપટ પર એક સટાક જૂનાસ્મરણો રૂપી રાજધાની ટ્રેન પસાર થઇ ગઈ…..
    સ્વદેશ છોડી ને વિદેશ સ્થાયી થવા પાછળ મોટાભાગે આર્થિક જરૂરિયાતો ની પૂર્તિ હોય છે. ત્યારેબાદ અન્ય પાસાઓ ધ્યાન માં આવે છે…….See More

    Bhupendrasinh Raol
    Bhupendrasinh Raol હું દસ દિવસ બા જોડે રહી આવયો. ફરી જઈશ ત્યારે હોય કે ના પણ હોય.

    Rekha Patel
    Rekha Patel બાને સ્મર્ણાજલિ. Nice

    Vipul M Desai
    Vipul M Desai જિંદગીમાં જે લખ્યું હોય તે કોઈ મિટાવી નથી શકતું. માણસ નજદીક હોય ત્યારે કિંમત નથી હોતી પરંતુ દુર જાવ ત્યારે આજ લાગણીઓના ઉભરા દૂધ ઉભરાય તેમ આવે છે…આ વસ્તુ તમારા પુરતી નથી પરંતુ દરેક માટે સરખી જ હોય છે. તેમાં પણ ખાસ કરીને જેમ ઉંમર વધતી જાય ત્યારે તેની અસર વધુ હોય છે. જુવાનીમાં ખાસ અસર નથી થતી પરંતુ ઘડપણમાં લાગે કે “ધોબીનો કુતરો નહિ ઘરનો કે નહિ ઘાટનો”. આ બધી માયા છે જાણવા છતાં હૈયું ભીનું જ રહે છે.

    Bhavisha Rupesh Gokani
    Bhavisha Rupesh Gokani Very touching

    Gaurang Jani
    Gaurang Jani · 19 mutual friends
    Very very touchy ગળા માં ડૂમો ભરાઈ ગયો

    Mahesh Rathod
    Mahesh Rathod પ્રવિણભાઇ વિદેશમા એવુ શુ છે (આર્થિક જરૂરિયાત સિવાય ) કે દરેક ભરતીય વિદેશ મા સ્થાયી થવા ના અબળખા હૉય છે. અને હા તમારો અનુભવ શુ કે છે, વિદેશ ની તક મળે તો પોતના સ્વજનોને છોડી વિદેશ ની વાટ પકડવી જોઇયે કે નહિ

    Neela B. Pattani
    Neela B. Pattani આજે આપણી પાસે બઘુ હોય પણ જેને આપવાનુ હોય એની જ હયાતી ન હોય તો
    Neela B. Pattani’s photo.

    Bharatsinh Vaghela
    Bharatsinh Vaghela · 3 mutual friends
    ખૂબ જ હૃદયસ્પર્શી….ઘણા લોકો ના જીવન ને સ્પર્શતી વાત….ઘણીવાર નક્કી નથી થઇ સકતું કે આપણે શું મેળવવા શું ગુમાવી રહ્યા છીએ…

    Harish Bhatt
    Harish Bhatt સાદર પ્રણામ. ખૂબ હ્રદય સ્પર્શી વાત વાંચી .પૂજ્ય માસીને હ્રદય થી પ્રણામ.

    Gohil Pravinshinh
    Gohil Pravinshinh હૈયા ને હચમચાવી દેતી આપની વાર્તા . આપની અને બા ની વાત માં રસ પડ્રયો

    Kaushik Dixit
    Kaushik Dixit “અહી શું નથી?” તેને હું ” અતિપ્રશ્ન” ગણું છું! કારણકે તેના ઘણા જવાબો હોય છે પણ કોઈ આપણી ભીતર કહેતું રહે છે કે આ પૈકી એકેય જવાબ સાચો નથી! આ દુવિધા પહેલા જનરેશન પૂરતી માર્યાદિત છે! અતિપ્રશ્નના ઉત્તરમાં આવી વાર્તા જ લખાય!

    Like

  14. Tushar Bhatt May 31, 2016 at 4:45 AM

    Aarthik sankalaman,jivanma aarthik uparant mansik ne samajik prashno .ubha kare chhe.Aa vat jani ne j e dur thay teva prayatno badha kare.Ema safal thavay pachhi je nava samajik prashno ubha thay,e na ukeli shakay to eno vasavaso ne khatko kayam rahe.Eno ubharo kyarek aa rite ruhday manthi bahar aapni jan bahar tapke!..kharekhar touchy.

    Liked by 1 person

  15. NEELA PATTANI May 31, 2016 at 2:36 AM

    આજે આપણી પાસે બઘુ હોય પણ જેને આપવાનુ હોય એની જ હયાતી ન હોય તો

    Liked by 1 person

  16. kanakraval May 31, 2016 at 12:43 AM

    ઉંડાણમાંથી સરેલી માર્તુભાવનાના ભાગિયા બનાવવા માટે અનેક અભિનંદનો -કનક્ભાઈ
    તા.ક. જુદી ઈમેલમાં સંજિવની માત્રાના પ્રભાવ અંગે એક સત્ય કથા મોકલું છું.મિત્રોને પ્રેષિત કરવા ની છુટ – કનકભાઈ

    Like

  17. Rajnikant.modi. May 31, 2016 at 12:21 AM

    Hi,very touching .This happens in all sincere emotional persons.But GOD is great.

    Liked by 1 person

  18. pravinshastri May 30, 2016 at 11:03 PM

    ભાઈ જીવનની આ સત્ય વાત કોઈ પણ સાહિત્યિક મસાલા વગરની સીધી સાદી વાત છે. એટલો નસીબદાર કે બાની પથારી પાસે છેલ્લા પંદર દિવસ રહી શક્યો અને એમની ઈચ્છા પ્રમાણે અગ્નિદાહ કરી શક્યો.

    Like

  19. pravinshastri May 30, 2016 at 10:59 PM

    તૃપ્તિબેન આપણાં જેવા અનેક હશે; જેઓ વિવિધ કારણો અને સંજોગોને લીધે પરિવારથી દૂર થયા હશે. અંતરની વ્યથાઓ પર સુખદ હાસ્યનો લેપ લગાવીને ફરતા હશે. કોઈક વાર એમાં છિદ્ર પડી જાય અને થોડા આંસુ સરી પડે.

    Like

  20. Trupti May 30, 2016 at 10:48 PM

    I decided in the beginning that I won’t cry but ended up with tears eyes, very emotional, my mom left us in a similar way and I couldn’t meet her for one last time, and I know that pain will give me guilt for the life, whenever these thoughts occur, I feel God doesn’t exist , if he is, he wouldn’t do this to me . Thanks for the article, feels like my story .

    Liked by 1 person

  21. Navin Banker May 30, 2016 at 10:45 PM

    પ્રવિણભાઈ, અમે પણ અશ્રુભરી આંખે જ આ વાત વાંચી છે.
    હ્રદયસ્પર્શી વાત.

    નવીન બેન્કર

    Liked by 1 person

  22. pravinshastri May 30, 2016 at 10:27 PM

    ગાંધી સાહેબ લાગણીભર્યા પ્રતિભાવ માટે આભારી છું.

    Like

  23. મનસુખલાલ ગાંધી May 30, 2016 at 10:16 PM

    તમે કાલ્પનિક વાર્તાઓ લખો છો પણ તમારા જીવનની આ સત્ય કથા એ વાર્તાઓ કરતાં પણ વધુ હ્રુદયસ્પર્શી અને રોચક છે.એક સંબંધી વૈદ્યની કસ્તુરીની ગોળીઓથી આપનાં બા ને નવજીવન પ્રાપ્ત થયું અને ઘરની જવાબદારીઓમાં સામેલ થઇ શક્યાં એ પ્રસંગ દિલને સ્પર્શી ગયો.તમારા જીવનના આ બધા પ્રસંગો વાંચી આપનો વધુ પરિચય થયો.

    પ્રવીણભાઈ આપે આપનાં મમતામયી સ્વ.બા ને મે મહિનાના મધર્સ ડેના પ્રસંગ નિમીત્તે બહુ હ્રદયસ્પર્શી અને સુંદર શબ્દોમાં અંજલિ આપી છે.દરેકના જીવનમાં માતાનો પ્રેમ એક પ્રેરક બળ સમાન હોય છે.

    Liked by 1 person

  24. pravinshastri May 30, 2016 at 9:30 PM

    ગાંડાભાઈ આ સીધી સાદી વાત મારે બ્લોગમાં મૂકવી ક નમૂકવી એ દ્વિધા દરેક મધર્સ ડે વખતે અનુભવી હતી. આ માસના અંતમાં એ લખાઈ ગઈ.

    Like

  25. ગાંડાભાઈ વલ્લભ May 30, 2016 at 8:20 PM

    ઉપરની બધી કૉમેન્ટમાં મારે જે કહેવાનું હતું તે આવી ગયું. હા, માની મમતા મને પણ આ લેખ વાંચવાથી બહુ જ તાજી થઈ.

    Liked by 1 person

  26. pravinshastri May 30, 2016 at 6:11 PM

    મારા સંગ્રેલા અશ્રુને આજ રોકી ન શક્યો. શબ્દરૂપે વહી ગયા. ૭૬નો બાળક બની ગયો આજે….આપનો આભાર.

    Like

  27. Devika Dhruva May 30, 2016 at 5:52 PM

    Read with tears in eyes… Very touchy….

    Liked by 1 person

  28. pravinshastri May 30, 2016 at 5:26 PM

    દવાવી રાખેલી વાત બહાર નીકળી ગઈ. એક અપરાધભાવ હળવો કરવા કંઈક લખાઈ ગયું. આપનો આભાર.

    Like

  29. pravinshastri May 30, 2016 at 5:22 PM

    અંદરની અકળામણ બહાર નીકળી ગઈ. તમારી વર્ષગાંઠને દિવસે દર વર્ષે અંગત આંસુ સારતો હતો.

    Like

  30. Harnish Jani USA May 30, 2016 at 5:16 PM

    બહુ હ્રદયસ્પર્શી લેખ

    Liked by 1 person

  31. Vinod R. Patel May 30, 2016 at 5:04 PM

    પ્રવીણભાઈ આપે આપનાં સ્વ.બા ને સુંદર શબ્દોમાં અંજલિ આપી છે.દરેકના જીવનમાં માતાનો પ્રેમ એક પ્રેરક બળ સમાન હોય છે.

    તમે કાલ્પનિક વાર્તાઓ લખો છો પણ તમારા જીવનની આ સત્ય કથા એ વાર્તાઓ કરતાં પણ વધુ હ્રુદયસ્પર્શી અને રોચક છે.એક સંબંધી વૈદ્યની કસ્તુરીની ગોળીઓથી આપનાં બા ને નવજીવન પ્રાપ્ત થયું અને ઘરની જવાબદારીઓમાં સામેલ થઇ શક્યાં એ પ્રસંગ દિલને સ્પર્શી ગયો.તમારા જીવનના આ બધા પ્રસંગો વાંચી આપનો વધુ પરિચય થયો.

    Liked by 1 person

Leave a comment