‘પારસી બોલઃટુ’

તડકભડક

ફોરવર્ડ થતું થતું ઈ મેઇલમાં મળેલું અને સંદેશમાં પ્રકાશિત થઈને ફેબુમાં પણ રખડી આવેલું આ સરસ સરસ બાવાજીઓનું મજ્જેનું

સંદેશના સૌજન્યઃ સાથેનું

પાન બનાર્સવાલાનું

બિરલાને આપ્યું, તાતાને આપ્યું, મને નહીં આપ્યું!

– ‘પારસી બોલઃટુ’માં

 

 

વહાન ભરીને કાકા ને ગાલ્લા ભરીને માસીઃ પારસીઓની રમૂજો

તડકભડક

પારસી રમૂજો અને કહેવતો વિશે એક પુસ્તક બે એક વર્ષ પહેલાં આપ્યું હતું. ‘પારસી બોલ’ આ  પુસ્તકનો બીજો ભાગ હમણાં જ પ્રગટ થયોઃ ‘પારસી બોલઃ ટુ’.પારસી પ્રજા હસતી પ્રજા છે. ભારતમાં લઘુમતી કોમ તરીકેનો સૌથી વાજબી દાવો કરી શકે એમ હોવા છતાં કયારેય પારસીઓએ લઘુમતી તરીકેના હક માગ્યા નથી,આરક્ષણ માગ્યું નથી, કોઈ સરકારી ફાયદાઓ માગ્યા નથી. ઊલટાનું એક લાખ કરતાં ઓછી વસ્તી ધરાવતી આ ઉદારદિલ કોમે કરોડોની વસ્તી ધરાવતી કોમે પણ ન કર્યું હોય એટલું કોન્ટ્રિબ્યુશન આ દેશને ઉપર લાવવામાં કર્યું છે. કદાચ આ ઉદારતા જ એમના સ્વભાવને હળવો ફૂલ બનાવતી હશે. સાંકડા મનના લોકો કયારેય ખુલીને હસી ના શકે. દેખાડુ લોકો માટે પારસીઓએ કેવી કહેવત બનાવી છે? સુની તારાપોરવાલા અને મહેર મારફતિયા સંપાદિત ‘પારસી બોલઃ ટુ’ માં એ કહેવત આપી છેઃ આગળ પાછલ મોગરો ને અંડર છાનનો પોડરો. પછી એનું ઈંગ્લિશ ટ્રાન્સલેશન પણ આપ્યું છે જેની આપણને કોઈ જરૂર નથી! ઓન ધ આઉટસાઈડ ફ્રેગનન્ટ ફલાવર્સ એન્ડ ઈન્સાઈડ અ હીપ ઓફ કાઉ ડન્ગ.

 

પારસી હ્યુમરમાં બહુ સાહજિક રીતે સેક્સને લગતી રમૂજો આવવાની જ. એની મઝા એ છેકે આવી રમૂજો કયારેય અભદ્ર સાઉન્ડ નથી કરતી હોતી. પારસીઓના મોઢે બે મણની શુદ્ધ ગાળ સાંભળો તો પણ એ મીઠ્ઠી લાગે તો પછી આવી સાંકેતિક હ્યુમર તો કેટલી મજજેની લાગે. સહરાહ (સાડા) છનો કાટો જેવો શબ્દપ્રયોગ આવા ફળદ્રુપ ભેજાઓમાં જ ઉદ્ભવી શકે. જે માણસ નપુંસક- ઈમ્પોટન્ટ હોય એના માટે આ શબ્દપ્રયોગ થાય. વિઝયુઅલાઈઝ કરી જુઓ,કેટલો સચોટ શબ્દપ્રયોગ છે અને એના કરતાં સચોટ હેમંત મોરપરિયાનું આ ફ્રેઝને લગતું ઈલસ્ટ્રેશન છે. હેમંત મોરપરિયા ગુજરાતી છે, રેડિયોલોજિસ્ટ છે અને અંગ્રેજી પ્રકાશનો માટે કોન્ટ્રિબ્યુટ કરનારા વિખ્યાત ટેલેન્ટેડ કાર્ટૂનિસ્ટ છે. એમની બારીક સેન્સ ઓફ હ્યુમર ‘પારસી બોલ-ટુ’ના પાને પાને પથરાયેલી છે.હવે પછીની કહેવતમાં કોઈ સેક્સ્યુઅલ કોનોટેશન ગોતવાની કોશિશ નહીં કરતા પ્લીઝ, પણ આ શબ્દો આજકાલના માર્કેટિંગ મહારથીઓએ આપણા સૌના માથા પર જે કન્સેપ્ટ ઠોકી બેસાડે છે તે કેટલી ખોખલી છે તેના પુરવારરૂપે પારસીઓ વર્ષોથી વાપરતા આવ્યા છે. એક હાથે બે તરબૂચ નહિ ઉચકાય. અર્થાત તમારી કેપેસિટી હોય એટલું જ કામ થશે તમારાથી.તમે ગુસ્સે થાઓ તો ગુજરાતીમાં તમારી જાતને કેવી રીતે એકસપ્રેસ કરો? તમને ખબર છે. પારસીઓ ફ્યુરિયશ થાય તો કહેશેઃ મને તો આરા-ઉભ્ભા આવેચ. આય ફીલ હોરિઝોન્ટલ એન્ડ ર્વિટકલ! આનું ગુજરાતી જો કે એવું તો નહીં જ થાય કે એ અક્ષાંસ-રેખાંશ આવે છે! કોના બાપની દિવાળી એવું આપણે કહીએ ને પારસીઓ કહેઃ પારકે પૈસે જમશેદજી જીજીભાઈ !જી.પી.એલ.નું ફુલ ફોર્મ શું થાય છે તે તમને ખબર છે, જણાવવાની જરૂર નથી. પણ ટીટીએફએલ અને સીસીપી શેનું એબ્રિવિયેશન છે એ પહેલાં જાણી લો કે કોઈ ફોગટની નકામી વ્યર્થ મહેનત કરતું હોય તો એને કહેવાનું: ‘એફ એ એફ એ ફાફા નહીં માર!’ અને તમે તમહારૂ ફોરી લેવ એટલે ટીટીએફએલ. ઘણી વખત આપણે જેને અંગૂઠા છાપ કે થમ્સ અપ કહીએ છીએ તેને પારસી બોલીમાં સીસીપી કહે. ચાર ચોપરી પાસ. આમાં તો કયાંક ચંદ્રકાન્ત ચુનીલાલ પરીખ જેવા નામાવાળા ગુજરાતી સજ્જન હટફટે આવી જાય. કોઈનું ફેમિલી ખૂબ મોટું હોય તો શું કહેવાનું વહાન ભરીને કાકા ને ગાલ્લા ભરીને માસી!નાનું બાળક દવાની ગોળી ગળવાની આનાકાની કરતું હોય તો એના મોઢામાં ટેબ્લેટ મૂકીને કહેવાનું: ઉપર જો તહારી સાસુ ભજિયાં તરે છે અને આ ઉપાય કામ ન લાગે તો કહેવાનું! જો ચકલી સપાટ લઈ ગઈ. સપાટ એટલે ચંપલ અને વહાલી વહાલી મા માટેની કહેવત છેઃ માય જેવો મીઠ્ઠો મેવો કેથે નહિ. કોઈને ધોલધપાટ કરવી હોય તો શું કહેવાનું? એવણને ધમ મલીડો આપવાનો છે. કોઈનું નસીબ ફૂટેલું હોય ને જિંદગીમાં કંઈ ઉકાળતો ન હોય તો કહેવાનું એવણના નસીબમાં દોધ (દૂધી) છ આવી જ એક બીજી કહેવત છે નસીબમાં લખેલું એરધયુ તો ઘી સાનુ પીયે. ઈફ કેસ્ટર ઓઈલ ઈઝ રિટન ઈન યોર ડેસ્ટિની યુ વિલ નેવર હેવ ઘી. જમતી વખતે મહેમાનને આગ્રહ કરતાં કહેવાનું: પેટ દબાવીને ખાજો, પેટ પસવારીને ખાજો!

એમનામાં પાણીની દેવી અરદવીસર કહેવાય. એટલે દાળ જો સાવ પાતળી બની હોય તો ટોન્ટ મારવા કહેવાનું. આવા અરદવીસર બાનુ મેહેરબાન લાગેચ અને આ કહેવત માટે કોઈ ટિપ્પણીની જરૂર છે? ચોખ્ખા ઘીમાં તો મરેલો કુતરો ભી સારો લાગે. છાંટોપાણી અને બૂમબરાડા તો આપણને સૌને ખબર છે. ગતરમ-સતરમ એટલે? ગોટાળો કે હાથચાલાકી. જુફતુજાંફતુ એટલે? રિપેર ન થઈ શકે એવું. હેજવેજ એટલે હાર્ડ વર્ક. બબરફફર એટલે કચકચ કરવી. રૂથોકુથો એટલે નકામો. ડોલતી ડમકતી એટલે રખડેલ. ધુતમદ્યાતમ એટલે કાળા જાદુ. ચાવાચીવી એટલે ગોસિપ. ચ્યાઉંમ્યાઉં એટલે બેબી.

તીરીમતરાક એટલે સજીધજીને તૈયાર થવું અને સપોતોે ડપોતે એટલે નોર્મલ કેઝયુલ કપડાં.

સ્મૂથ ઓપરેટર માટે કહેવાય કે આંખમાંથી કાજલ કહારે એવો લુચ્ચો છે  અને જેનામાં કશી આવડત ન હોય એના માટે કહેવાયઃ કબુધ્યાને બુદ્ધિ થોડી/ઘેર વેચીને લાવ્યા ઘોડી!

પોતાના ઉપર જે હસી શકે તે જ હાસ્યને ખરેખર માણી શકે. પારસીઓ બીજા પારસીની ઓળખાણ આપતાં શું કહે? ધનસાકયા છે. એટલેકે ધાનશાકખાઉ છે. ઘરની કામવાળી આળસુ હોય તો કહેવાય કેઃ સેઠની ચાયનો વખત થાય/ને નવલી બજાર લેવા જાય.

કોઈ ભારે છાતીવાળી સ્ત્રી લો કટ ટોપ પહેરીને નીકળે તો કહેવાય કેઃફરનિચર બહાર છે!

પોન્ટિયાક નામનું કારનું મોડલ એક જમાનામાં જનરલ મોટર્સ કંપની બનાવતી. એનો આગળનો બોનેટવાળો અને ગ્રિલવાળો હિસ્સો એકદમ ટિપિકલ રહેતો,દૂરથી જોતાં જ ઓળખી લો કે આ પોન્ટિયાક આવી રહી છે. પોન્ટિયાક જેવી ચાંચવાળું નાક જેનું હોય તેને પારસીઓ કહેતા પોન્ટિએક જેવુ નાખ છે. કોઈ માણસનાં પોતાનાં જ ઠેકાણાં ન હોય ને જો એ પરોપકાર કરવા જાય તો શું કહેવાય? પગ તરે બરે ને લંકા ઓલવ્વા જાય. (પગ તળે બળે ને લંકા ઓલવવા જાય)

જેનું નસીબ જ ફૂટેલું હોય એનું શું થઈ શકે? પારસીઓમાં કહેવત છેઃ કરૂસુ કીસ્મતની વાત/મચ્છીએ ઊઠીને મારી લાત.

ખરાબ સંગતનો દાખલો આપવો હોય તો કહેવાય કે ગધેરા પાસે ગાય બાંધી/તે તીજે દિવસ ભૂકવા લાગી. આ જ પ્રાણીને લગતી બીજી ફ્લેવરવાળી કહેવત છેઃ જુવાનીમાં તો ગધેરી ભી સુંદર લાગે અને હજુ એકઃ ઊંટને ઘેર લગન થયા તો ગધેરાને ગાવા તેડયા.

 

‘પારસી બોલઃ ટુ’ની મઝા એ છે કે એનાં આગળનાં પાનાઓમાં અગાઉની ‘પારસી બોલ’ ચોપડી આખેઆખી ફરી છાપી છે એટલું જ નહીં બોમન ઈરાની અને ડોલી તથા બોચી દોટીવાલાના અવાજમાં રેકર્ડ થયેલી એક સીડી પણ પુસ્તકમાં જ ભેટરૂપે મૂકેલી છે. ‘પારસી બોલ’ના પહેલા પુસ્તકમાંની કહેવતો આટલી જ કે આનાથી પણ મજેદાર છે જેના વિશે એક આખો લેખ તે વખતે લખ્યો હતો. હવે રાહ જોઈએ કે ‘પારસી બોલ : થ્રી’ કયારે આવે છે અને આપણા શબ્દભંડોળમાં તેમ જ રમૂજ જ ભંડારમાં બીજું શું શું ઉમેરાય છે.

3 responses to “‘પારસી બોલઃટુ’

  1. મનસુખલાલ ગાંધી June 24, 2016 at 4:49 PM

    વર્ષો પહેલાં બુધવારે “મુંબઈ આકાશવાણી-મુંબઈ ઓલ ઈંડીયા” રેડિયો ઉપરથી શ્રી અદી મર્ઝબાનનું તેમના પત્ની જર સાથેનું પારસી-ગુજરાતીમાં નાટક આવતું. અમે ખાસ સમય કાઢીને એ સાંભળતાં અને ઝુમી ઉઠતા અને હસી હસીને પેટ પણ દુઃખાડતાં…. પારસી બોલી મીઠી મધ જેવી લાગે….

    Like

  2. pravinshastri June 24, 2016 at 9:43 AM

    આભાર, આભાર પ્રજ્ઞાનેન. આપની કોમેન્ટ દ્વારા નવી નવી વાતો જાણવા મળી. મજા આવી.

    Like

  3. pragnaju June 24, 2016 at 9:14 AM

    મીઠી બોલી
    ઉંદીર અને તપસર
    ગૌતમ તપસરના આશ્રમમાં એક મોઠા તપસર હતા.તપ કરીહન તેની બહુ ઈદ્યા મેળવેલ હતી.એક દિસ તેની આશ્રમ પાસી,હાડિયાના ટોનમાંથી ખાલ પડી ગયેલ એક ઉંદિરનાં પીલ હેરાં.તેલા હેરતાં જ તેલા હિરદાંમાં કીવ આની.વાર્તા .પારસી બોલી મા
    ઉંદર અને મુનિ
    ગઉતમ રુસીના તપોવનમાં એક મોટ્ટા તપસવી મુનિ રહેતા ઉતા.તપ કરીને એવને ઘની સિધ્ધિ મેરવી હતી.એક વાર એવને આસરમ પાસે કાગરાના મોંનામાંથી નીચ્ચે પરી ગયેલું એક ઉંદરનું બચ્ચું જોયું.તેને જોતાં જ મુનિના દીલમાં દયા આવી
    “તે ચાહે તો કંગાલને આપે રાજ – લીએ શહેનશાહોને માથેથી તાજ…
    જેની પર તે શાહેબની થાએ મહેર મીઠાઇ જેવું લાગે તે ખાએ જો; જેહર”
    “પરથવીના કાબેલો તેના ચેલ એ એક દરીઆ ને તે શઉ રેલા.”
    “નબલાઓનો ભુખે થાઓ હેવો હાલ, લાગી નીકલવા દીવ પરથી ખાલ”
    અને
    મહારાજા અશોકનો શીલાલેખ ની ભાષા મહાન હાસ્યકાર જ્યોતિંદ્ર દવે એ ઉકેલી અશોક અંગે તેમને મોંઢે સાંભળેલી હાસ્યરસની મહાન રચનાના થોડા અંશ
    ‘લેખો કોતરાવેલા તે જોવા જેવા છે. જેટલા લેખો જડયા છે,
    તેમાંના કેટલાક આ રહ્યા, નીચે ઉતારું છું:

    ‘પસાર ઠયા આય રસ્તેથી મનેખ!
    આસ્ટેથી વાંચીને આય લેખન પરખ
    કોટરાવિયા લેખ છે જે મેં પા’રની અંડર
    ટે ટુ કોટરજે ટારા જીગરની અંડર
    મઝા બી કીઢી ને ટેં મોજ બી કીઢી
    સુરટ થઈને ટેં સોજજી ટારી બી પીઢી.’

    ‘નેકીને રસ્ટે બસ સીઢો ટું ચાલ
    નહીં તો થસે ટારા હાલ ને હવાલ
    બઈરું સારું કોઈ નજરે પરેચ
    કે ધેલાં સાનાં ટું કા’રી મહેચ?
    હૈયાના ભાંજીને એ ભૂકા કરસે,
    ટેઠી ટારું સું દુનિયામાં વલસે?

    Liked by 1 person

Leave a reply to મનસુખલાલ ગાંધી