“હસ્તમેળાપ”

prosthetic-arm

હસ્તમેળાપ”

હોસ્પિટલમાં સમીરના બિછાના પાસે તેના કાકા ઈશ્વરલાલ અને કાકી સવિતાબેન રડતી આંખો સાથે બેઠા હતા. આખો રૂમ સગા અને મિત્રોથી ભરાઈ ગયો હતો. નર્સે બે વાર બધાને બહાર બેસવા તાકીદ કરી હતી. કાકાના એપાર્ટમેન્ટની સામેજ રહેતા જયંતીભાઈ,  હંસાબેન અને એની પુત્રી મુગ્ધા બહાર બેઠા હતા. જયંતીભાઈ, કાકી સવિતાબેનના દૂરના પિત્રાઈ ભાઈ થતા હતા. લ્યુસી એક ખૂણાંમાં ભીંત સાથે અંઢેલીને અદબ વાળીને ઉભી હતી. સમીર ભાનમાં આવે તેની સૌ રાહ જોતાં હતા.

        સમીરના બન્ને હાથ કોણી નીચેથી કાપી નાંખવા પડ્યા હતા. સમીરને તેની ખબર ન હતી. કાર એક્સિડન્ટ પછી તે ભાનમાં આવ્યો જ ન હતો. ડ્રાઈવ કરતી કોલેજ મિત્ર લ્યુસી ને ખાસ ઈજા થઈ ન હતી. ટ્રક પેસેન્જર સાઈડ પરજ અથડાઈ હતી. સમીરજ કચડાયો હતો.

સમીર બે વર્ષ પહેલાજ સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા આવ્યો હતો. કાકા ઈશ્વરલાલને ત્યાં રહી અભ્યાસ કરતો હતો. સામેના એપાર્ટમેન્ટમાં રહેતા જયંતીલાલની પુત્રી મુગ્ધા સાચા અર્થમાં મુગ્ધા જ હતી. એને સમીર ગમવા લાગ્યો હતો. કેમ ન ગમે?  સમીરના ગાલ પરનું ખંજન તેને વધુ રૂપાળો બનાવતું હતું. મુગ્ધા એના પર મરતી હતી. સમીરના આવ્યા પછી એ કંઈનું કંઈ બહાનું કાઢી જયંતીકાકાને ત્યાં કાકીને મદદ કરવા પહોંચી જતી. તે હાઈસ્કુલના છેલ્લા વર્ષમાં હતી. આવડતું હોય તો પણ સમજ નથી પડતી કહીને સમીર પાસે હોમ વર્ક કરાવવા પહોંચી જતી. વડિલોના ધ્યાનમાં હતું. પણ તેઓ ઈરાદા પૂર્વક આંખ આડા કાન ધરતા. સમીર લ્યુસી સાથે કોલેજ આવે જાય તે મુગ્ધાને ગમતું તો ન જ હતું. પણ છૂટકોજ નહતો. સમીર પાસે કાર ન હતી. લ્યુસી એજ ગાર્ડન એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં રહેતી હતી. કોલેજમાં ભણતી હતી. લ્યુસી એને મફત રાઈડ આપતી હતી. સમીરની આજની દશા માટે મુગ્ધા લ્યુસીને જ જવાબદાર ગણતી હતી.

આતુરતાનો અંત આવ્યો.. સમીરે આંખ ખોલી. સામેજ કાકી બેઠા હતા. ‘કેમ છે બેટા?’

‘કાકીમાં! હું ક્યાં છું?’

‘બેટા! તું અમારી સાથેજ છે. તને કારમાં વાગ્યું હતું એટલે હોસ્પિટલમાં લાવ્યા છે.’

કંઈક યાદ આવતું હોય તેમ સમીરે કહ્યું ‘અમારે કોલેજ જવાનું છે. લ્યુસી મારી સાથે હતી એ ક્યાં ગઈ?’ ‘વ્હેર ઈઝ લ્યુસી? કાકી બાવીસ વર્ષના દીકરા સમા ભત્રીજાને નાના બાળકની જેમ ખવડાવતા. વાળ હોળતા. કાકા એને નવડાવતા, એના કપડા બદલતા. અરે! ટોયલેટમાં મળશુધ્ધી પછીની સાફસુફી પણ કરતા. દરેક વખતે સમીરની આંખોમાંથી નદી નહિ પણ ખારો સમુદ્ર ઉછળતો.

ધીરે રહીને લ્યુસી બેડ પાસે આવી. તે વાંકી વળી. ગાલ પાસે વ્હાલથી ગાલ ગોઠવ્યા. મૈત્રી ચુબનનો બુચકારો થયો. સમીર એને વળગવા ગયો…..

‘ઓહ! નો.. મારા હાથ ક્યાં છે?  પ્લીઝ  ‘મને કોઈ કહો મને શું થયું છે?’

એની ચીસથી રૂમની ચાર દિવાલો હાલી ઉઠી. કાકાએ એના કપાળ પર હાથ મુક્યો. ‘દીકરા હિમ્મત રાખજે. ધીમે ધીમે ભગવાન સૌ સારા વાના કરશે.’  અપંગ થયેલો ભત્રીજો મોતના મોંમાંથી પાછો આવ્યો એ જ એમને માટેતો મોટી પ્રભુકૃપા હતી. નર્સ આવી. આઈ.વી.માં એક ઈજેક્શન આપી ગઈ. કહેતી ગઈ. ‘પેશન્ટ નીડ રેસ્ટ. કાકી સિવાય બધાને બહાર જવું પડ્યું. સમીરે આંખો બંધ કરી. ધીમે ધીમે તે ઊંઘી ગયો. લ્યુસીએ મુગ્ધાને આલિંગન આપ્યું. ગાલ પર હાથ ફેરવ્યો અને ચાલતી થઈ.

એક્સિડન્ટ પહેલાજ સમીરે કારમાં લ્યુસીને આનંદના સમાચાર આપ્યા હતા.

કાકા કાકીએ જયંતીલાલ અને હંસાબેન સાથે નક્કી કર્યુ હતું કે આ સમરમાં મુગ્ધા સાથે સમીરના લગ્ન કરી દેવા. લગ્નથી સમીરને સીધો ગ્રીન કાર્ડ મળી જશે. લગ્ન પછી સગવડ અને રૂચી પ્રમાણે બન્ને ભણ્યા કરશે. સૌને હરખની એ વાત મંજુર હતી. મુગ્ધા અમેરિકન સીટીઝન હતી. અહીંજ જન્મી હતી. રૂપાળી હતી. ભાવુક હતી અને એને પણ સમીર ગમતો હતો.

કારમાં આ વાત થઈ ત્યાર પછી તરતજ ચાર રસ્તા પર સ્ટોપ સાઈન ચૂકીને જમણી બાજુથી આવતી બેફામ ટ્રકે, લ્યુસીની કારને ટક્કર મારી. કાર પચ્ચીસેક ફુટ ટ્રક સાથે  ઘસડાઈ.પેસેન્જર સાઈડ પર બેઠેલો સમીર કચડાયો. બે ત્રણ પાંસળી તૂટી. ઘૂંટણ ભાંગ્યું પણ પ્રભુકૃપાથી જીવ બચ્યો. બરાબર સત્તર દિવસ કોમામાં રહ્યા પછી ભાન આવ્યું. દરમ્યાન ઘણી સર્જરી થઈ સૂકી હતી. કચડાયલા અને અર્ધબળેલા બન્ને હાથ કાઢી નાંખવા પડ્યા હતાં. સદભાગ્યે લ્યુસીને ગંભીર ઈજા થઈ ન હતી. ચાર દિવસ પછી તે હરતી ફરતી થઈ ગઈ હતી. કોલેજ, એકસિડન્ટ અંગેની જરૂરી ઈન્સ્યુરન્સ, પોલિસ રિપોર્ટ, એટર્ની વગેરે કાર્યવાહીમાં તે વ્યસ્ત હતી. રોજ સાંજે છ વાગ્યે હોસ્પિટલ આવતી. એક કલાક બેસતી. નર્સ સાથે વાત કરતી. હાથ જોડતાં શીખી ગઈ હતી. કાકાકાકીને નમસ્તે કરીને ચાલી જતી. લ્યુસી રાત્રે આઠથી બાર એક ડાઈનરમાં વેઇટ્રેસ તરીકે કામ કરતી હતી.

ઈશ્વરલાલ અને જયંતીભાઈએ, મનોમન વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી કે હવે સમીર અને મુગ્ધાના સંબન્ધની શક્યતા નથી. એ બન્ને કુટુંબો મુગ્ધાને હોસ્પિટલથી દૂર રાખવા માંગતા હતા, પણ મુગ્ધા તો રાત દિવસ હોસ્પિટલમાંજ પડી રહેતી હતી. સમીરના ભાનમાં આવ્યા પછી લ્યુસીનું આવવાનું ઓછું થઈ ગયું હતું. અવાર નવાર ઈશ્વરકાકાને ફોન પર સમાચાર મેળવી લેતી હતી.

સમય પસાર થતો ગયો. સમીર માનતો હતો કે ભગવાને તેને જીવતો રાખીને ગત જન્મના કોઈક પાપોની ભયંકર સજા કરી છે. એને રિહેબ સેન્ટરમાં ખસેડાયો. ત્રણ મહિના પછી એ કાકાને ઘેર આવ્યો.

એક નવું,  હાથ વગરનું લાચાર અને કપરું જીવન શરૂ થયું.

કાકી બાવીસ વર્ષના દીકરા સમા ભત્રીજાને નાના બાળકની જેમ ખવડાવતા. વાળ હોળતા. કાકા એને નવડાવતા, એના કપડા બદલતા. અરે! ટોયલેટમાં મળશુધ્ધી પછીની સાફસુફી પણ કરતા. દરેક વખતે સમીરની આંખોમાંથી નદી નહિ પણ ખારો સમુદ્ર ઉછળતો.

મુગ્ધા ઈશ્વરકાકાને ત્યાંજ આખો દિવસ ભમ્યા કરતી. કાકીને મદદ કરતી. ધીમે ધીમે સમીરને ખવડાવવાનું કામ કાકી પાસે પડાવીજ લીધું. કોઈ ન હોય ત્યારે સમીરના ગાલ પર બકી કરી લેતી. સમીર અકળાતો. ઈન્ડિયા ચાલ્યા જવાનું વિચારતો હતો. ત્યાં એકલી વિધવા વૃદ્ધ માં હતી. કાકા કાકીએજ અમેરિકામાં કુટુંબને ભેગું કરવાની યોજના કરી હતી. પહેલા સમીર અમેરિકા આવે, અહીં કોઈ રીતે સીટિઝન થાય અને એ માને બોલાવે. હળીમળીને ઘડપણનો સથવારો પામીયે. ઉદ્દાત ભાવના હતી. સમીર તેજસ્વી અને પ્રભાવશાળી યુવાન હતો. બધાની આશા અપેક્ષાઓ પર કુદરતે પાણી ફેરવી દીધું હતું.  વડિલોએ હતાશ થઈને સમીર મુગ્ધાના સંબંધ અંગે મૌન સેવ્યુ હતું હવે એને ઈન્ડિયા જવું હતું પણ મુગ્ધા એને વળગી રહી હતી.

એક દિવસ રાત્રે બધા બેઠા હતા. સમીરે કહ્યું ‘કાકા, મુગ્ધાને બોસ્ટન કોલેજમાં મોકલી આપો. અહીં રહેશે તો એ જરાયે ભણશે નહીં.’

‘મારાથી છૂટકારો મેળવવા મને બોસ્ટન કાઢવી છે કેમ ખરુંને!’  મુગ્ધાએ શરમ વગરનો ધડાકો કર્યો. ‘મારે ક્યાં ભણવું છે! મારે તો જેમ બને તેમ જલ્દી તારી સાથે પરણવું છે. તને કાકા કાકીની જરાયે દયા નથી આવતી? એની પાસે આટલી ઉમ્મરે કેટલી વેઠ કરાવી છે?  ભાઈસાહેબને તો ઈન્ડિયા નાસી જવું છે. ત્યાં માજીની સેવા કરવાને બદલે તારે એની પાસે હજુ તારું નરક ધોવડાવવાનું બાકી રહ્યું છે ખરુંને?’

મુગ્ધા રડતાં રડતાં વડિલોની હાજરીની પરવા કર્યા વગર બેડ પર જઈને સમીરને વળગી પડી.

સમીર… ‘આઈ લવ યુ. આઈ વીલ લવ યુ ટીલ ડેથ ડુ અસ એપાર્ટ.’

ચારે વડિલો મુગ્ધાની મક્કમતાથી  નિઃશબ્દ અને સ્તબ્ધ થઈ ગયા.

‘મુગ્ધા તું તો ગાંડી થઈ ગઈ છે. જુની ઈન્ડિયન ફિલ્મની મીના કુમારી થવાનું છોડી દે. ધીસ ઈઝ રિયલ લાઈફ. તું અહીંજ જન્મી છે પણ દેશી ગામડિયણ જેવા વિચારવાનું કોની પાસે શીખી?  મારા જેવા અપંગ સાથે તારું જીવન બગાડીને તારે કયું નૉબેલ પ્રાઈઝ મેળવવું છે?  અને તું તો દીવો લઈને કુવામાં ઉતરવાની હઠ કરે છે.’

‘આઈ ડોન્ટ અંડરસ્ટેન્ડ કુવો – બુવો. આઈ ડોન્ટ નો એની મીના કુમારી. આઈ અંડરસ્ટેન્ડ ઓન્લી લવ. ડુ યુ નો, વોટ ઈઝ  લવ?  લવ એટલે પ્રેમ. હું તને પ્રેમ કરું છું. કેમ તે હું જાણતી નથી. લગ્ન કરીને કે લગ્ન વગર હું તારી સાથેજ જીવવાની છું.’  મુગ્ધા રડતાં રડતાં લડતી હતી.

‘હું તને કોલેજ લઈ જઈશ. તારા શર્ટના ગજવામાં તને પેન વોઈસ રેકોર્ડર સેટ કરી આપીશ.ઘરે હું તું કહેશે તે પ્રમાણે નોટ્સ તૈયાર કરી આપીશ. તું ખૂબ ખૂબ ભણજે.’

કાકી મુગ્ધાને માટે પાણી લઈ આવ્યા, ‘જો દીકરી હજુ તો તું અઢારની થઈ. ખરેખર તો તારેજ ખુબ ભણવાનું છે. તારે તારા ભવિષ્યનો વિચાર કરવાનો છે. તારી આ ઉમ્મર કાંઈ લગ્ન કરવાની નથી. ભણવાની છે. આ કંઈ અમારા જમાનાનું ઈન્ડિયા નથી. આ અમેરિકા છે અને સમય પણ જૂદો છે. દીકરી ગાંડી ગાંડી વાત ન કર. તારી કોલેજ પુરી કર અને પછી તને જેમ ઠીક લાગે તેમ કરજે.  હમણાંતો હું મારા અપંગ દીકરાની સેવા કરવાવાળી બેઠી છું. ચાર વર્ષ પછી હું તને સોંફી દઈશ બસ. તું નિરાંતે બોસ્ટન જઈને ભણ.’

‘વાહ કાકી! કાકી તમને શું ખબર. અમારી હાઈસ્કુલમાં કંઈ કેટલી છોકરીઓ વગર પરણ્યે પારણા ઝૂલાવતી થઈ ગયેલી છે. સમય આવશે ત્યારે હું પણ ભણીશ. તમેતો જાણે નાની કિકલીને પટાવો છો. તમને એમ કે હું ચાર વર્ષ દૂર રહું. સમીરને ભૂલી જાઊં અને પછી બીજા કોઈને પરણી જાઊં. ફરગેટ ઈટ. કાકી! ચાર વર્ષમાં તો તમે સમીરને વધારે હેન્ડીકેપ બનાવી દેશો. મેં બે ઈન્ડિયન મુવી જોઈ છે. એક જુની મધર ઈન્ડિયા અને બીજી શોલે. તમારે સમીરને મધર ઈન્ડિયાનો રાજકુમાર બનાવવો છે કે શોલેનો સંજીવ કુમાર બનાવવો છે? ‘

‘ચાલો જવાદો એ વિષય. બીજી એક વાત કહું?  આજે રાત્રે ૯ વાગ્યે સમીરની ગર્લફ્રેન્ડ એના બીજા ફ્રેન્ડસને લઈને આવવાની છે. મને સવારે મળી હતી. કાકીમાં, તેમને માટે આપણે પિઝા મંગાવી લઈશું. કેમ સમીર, ચાલશેને?’ જાણે મુગ્ધાગૃહીણી બોલતી હતી. આજ સુઘી કોઈએ શરમાળ મુગ્ધાને આવા રંગોમાં જોઈ ન હતી. અઢારની મુગ્ધા અટ્ઠાવીસની હોય એવા એના અધિકાર પૂર્વકના વાણી વ્યવહાર હતા.

એણે ફરમાવ્યું,  ‘જો સમીર! દોસ્તો આવે ત્યારે નિઃસહાય દર્દીની જેમ બૅડમાં પડી રહેવાનું નથી. આ રિક્લાયનર પર હસતે મોઢે બેસવાનું છે; ઓકે એ..’

મુગ્ધાએ જ એને રિક્લાઈનર ચેર પર બેસાડ્યો. હુંફાળા નેપ્કીનથી ચહેરો સાફ કર્યો. સરસ વાળ ઓળ્યા. આંખ પટપટાવીને પૂછ્યું ‘ હોઠ પર લિપસ્ટીક કરી આપું?’

‘એ બાકી હોય તો એ પણ કરી દે. ક્લાઊન ની જેમ નાક પણ રંગી દે. હું ક્યા તારો હાથ પકડવા જવાનો છું! હાથ હોય તો પકડું ને!

‘યાર, જો વડિલો ના હોત ને તો મારા હોઠની લિપસ્ટીક જ તારા હોઠ પર લગાવી દેત.’

વડિલો સાનંદાશ્ચર્યથી મોટી થઈ ગયેલી મુગ્ધાની શરારતી હરકતો જોઈ-સાંભળી રહ્યા હતાં.

‘હાથ નથી ત્યાં સુધી તકનો લાભ લઈ લે. હાથ આવ્યા પછી આવો સરસ ચાન્સ કદાચ ન પણ મળે.’ કહેતાં સમીરની ક્લાસમેટ દીપિકા ચૌહાણ રૂમમાં દાખલ થઈ.એની પાછળ યુવાનીયાનું ટોળું નાના એપાર્ટમેન્ટમાં દાખલ થઈ ગયું. લ્યુસીના હાથમાં મોટો બુકે હતો. લ્યુસીના બોયફ્રેન્ડ સ્ટિવના હાથમાં પોષ્ટર સાઈઝ્નો કોલેજ મિત્રોએ સાઈન કરેલો  મોટો કાર્ડ હતો. મિથુન ભાર્ગવ ફ્રુટ બાસ્કેટ લાવ્યો હતો. રણધીર ચોપરા અને દીપિકા ચોકલેટ બોક્ષ લાવ્યા હતા. કોઈને ઔપચારિક સ્વાગતની જરૂર ન હતી. સોફા પર, બેડ પર કૉફિ ટેબલ પર કે ફ્લોર પર જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયા.

દીપિકાએ શરૂ કર્યું. લ્યુસીએ અમને તારા સમાચાર આપ્યા. હોસ્પિટલમાં ક્રાઉડ ભેગું કરવાને બદલે અમે લ્યુસી દ્વારા રોજે રોજની સમીરની ખબર મેળવતા રહ્યા. દસ મિનીટ ભેગા મળી તારી રિકવરી માટે પ્રાર્થના કરતા રહ્યા. અમારી પ્રાર્થના ફળી. લ્યુસી, રણધીર અને હું ઓટો ઇન્સ્યુરન્સ, સોસીયલ વેલફેર સાથે તારો કેઇસ આગળ વધારતા રહ્યા. મિથુને કોલેજના જુદા જુદા સ્ટુડન્ટ યુનિયનનું કોઓર્ડિનેશન કરીને મેડિકલ ટ્રિટમેન્ટ માટે ફંડ કલેક્ટ કર્યું.  હવે તારે માટે મોટી સર્જરીની બધી તૈયારી થઈ ગઈ છે. માત્ર તારી ‘હા’ ની જ જરૂર છે. લ્યુસીના ફ્રેન્ડ, એક્ચ્યુલી બોય ફ્રેન્ડ ડો. સ્ટિવન્સ સર્જરીમાં ઈન્ટર્નશીપ કરે છે. એણે યુનિવર્સીટી હોસ્પીટલ સાથે બધી વાત કરી દીધી છે. એ આપણને બાયોનિક આર્મ અંગે ટૂકમાં સમજાવશે.

ડો.સ્ટીવન્સને સમજાવ્યું.

આધુનિક સર્જરીથી કૃત્રીમ અંગો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. તમારા કપાયલા હાથની જગ્યાએ આર્ટિફિસીયલ હાથ મુકીને છાતીના સ્નાયુના ચેતાતંત્ર એટલે કે નરવસ સિસ્ટિમ સાથે જોડવામાં આવશે. માક્રોકોમ્પ્યુટર અને ઈલેક્ટ્રોડ, નર્વના સિગ્નલ્સને એમ્પ્લિફાય કરશે કે જેનાથી તમે હાથ અને આંગળાનું હલન ચલન કરી શકશો. આ સર્જરી જટિલ અને ખર્ચાળ છે. સેંકડો સ્ટુડન્સ તમારી સર્જરી માટે, ચેરીટી સંસ્થાઓ પાસેથી ફંડ મેળવી રહ્યા છે. ખુબ સારો સહકાર મળે છે. ઈન્સ્યુરન્સ કંપની અને મેડિકેઈડની પણ મદદ મળવાની સંભાવના છે.  ખાસતો તમારી સર્જરીમાં મને પણ હાજર રહેવાનો લાભ મળશે. પહેલા જમણા હાથમાં સર્જરી થશે અને છ માસ પછી ડાબા હાથનું ગોઠવાશે.

હાજર રહેલા ઘણાંને સર્જરીની મેડિકલ ટેકનોલોજી ન સમજાઈ પણ સૌ એટલુંતો સમજ્યા કે આધુનિક શસ્ત્રક્રિયાથી સમીરને કૃત્રિમ હાથો મળશે અને જિંદગીભર લાચારીથી જીવવું નહીં પડે.

મુગ્ધા લ્યુસીને વળગી પડી. આનંદ અને આભારના ડૂસકા સિવાય, બોલવા માટે એની પાસે  બીજા કોઈ શબ્દો ન હતા.

સમીરે ગળગળા થઈને કહ્યું, ‘એટેન્શન પ્લીઝ! મારે કંઈક કહેવું છે. અમેરિકામાં મને આવા ઉમદા મિત્રો મળશે એવી મને કલ્પના પણ ન હતી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.’

‘……..અને એક બીજી પણ વાત કહેવી છે. મને જ્યારે મારો જમણો હાથ મળશે ત્યારે તમે બધાના પ્રેમભર્યા પ્રયત્નોથી આપેલો  એ હાથ; હું મુગ્ધાના જમણા હાથમાં મુકવા માંગું છું. જો એ હસ્તમેળાપ સમયે મારો કૃત્રિમ હાથ પકડવા તૈયાર હોય અને વડિલો ની મંજુરી હોય તો આપ સૌ મારા મિત્રોની હાજરીમાં ડાયમંડ રીંગ વગર  મુગ્ધાને પૂછવા માંગું છું, “મુગ્ધા વીલ યુ મેરી મી?”

મુગ્ધાનો જવાબ હતો. “યસ યસ એન્ડ યસ.”

 

Story Published in

****************************************

શ્રદ્ધાનું બળ અગાધ છે, અજમાવીતો જુઓ!

જહાજો ડૂબે  ત્યાં બાવડે તરવાનું શક્ય છે.

સાગરનાં મોતી –   પ્રા. ચન્દ્રકાંત દેસાઈ

Advertisements

2 ટિપ્પણીઓ (+add yours?)

 1. pragnaju
  જૂન 26, 2016 @ 07:13:36

  હૈયા મળે તો હસ્ત મેળાપની અગત્યતા નથી

  Liked by 1 person

  જવાબ આપો

 2. mhthaker
  જુલાઈ 02, 2016 @ 00:52:24

  Prem-maitry ane technology no bhavya melap

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: