રાજવંશ કે રાજઅંશ ?

 શ્રી Prabhulal H. Bharadia તરફથી આજે એક સરસ લેખ નીચે પ્રમાણેનો મળ્યો. શ્રી પ્રભુલાલ ભાઈ અનેકના ઈ મેઇલ મિત્ર છે. ઘણાને આ મેઇલ મળી હશે. સીધી કે ફોર્વર્ડ થયેલી. છતાં શક્ય છે કે બીજા ઘણાને આ વાત વાંચવામાં ન પણ આવી હોય. તો આ સરસ વાત છે. આભાર કોનો માનવો; સૌજન્ય શ્રેય કોને આપવું તે જાણતો નથી. પણ ઍટલિસ્ટ આભાર અજાણ્યા લેખકનો, મિત્ર જેમણે આ લેખ પ્રભુલાલભાઈને મોકલ્યો તેમનો, અને શ્રી પ્રભુલાલભાઈનો તો ખરો જ જેમણે મને આ લેખ મોકલ્યો.

Prabhlal

મિત્રો, આ સુંદર અને માહિતી આપતો લેખ એક સંપર્ક  મિત્રે

મોકલેલ અને તમને  બધાને તે વાંચવાનો લાભ મળે  તે

ધ્યાનમાં રાખીને તમને સહુ ને મિત્ર ભાવે મોકલું છું.
એકદમ સરળ ગુજરાતીમાં લખાયો છે.
લેખક નું નામ નથી .

 

 

 

 

 

રાજવંશ અને રાજઅંશ

બધાનાં બે પેરન્ટ્સ (માતા+ પીતા) હોય છે અને ચાર ગ્રાંડપેરન્ટ્સ હોય છે. દર પેઢીએ આ સંખ્યા બમણી થાય છે. ત્રીસ વર્ષે પેઢી બદલાય છે, એ હીસાબે સવા સો વરસમાં ચાર પેઢી બદલાઈ જાય. આનો અર્થ એ થયો કે આપણાથી સવા સો વર્ષ મોટા 16 પુર્વજોના જનીન (genes) કે અંશ આપણામાં આવેલા છે. આ ચાર પેઢીની ત્રીસ વ્યક્તીઓનાં નામ ભાગ્યે જ કોઈને યાદ હશે. ખાસ કરીને માતૃપક્ષનાં અને સ્ત્રી સમુદાયનાં. એમનાં જીવન વીશેની વાત તો દુર રહી.

Gene

આ ગણતરીને વધુ ભુતકાળમાં લઈ જઈએ તો દસ પેઢી પહેલાંની એક હજાર વ્યક્તીઓ, વીસ પેઢી પહેલાંની દસ લાખ વ્યક્તીઓ અને ત્રીસ પેઢી પહેલાંની એક અબજ વ્યક્તીઓ આપણી પુર્વજ થાય. જેમના જનીન કે અંશ આપણામાં હોઈ શકે છે. એમના પહેલાંની દર પેઢીએ આ સંખ્યા બમણી તો થાય જ છે.

ત્રીસ પેઢી એટલે આશરે 900 વરસ થયા. ત્યારે દુનીયાની વસ્તી અબજોમાં નહોતી. એક અંદાજ પ્રમાણે ત્યારની દુનીયાની વસ્તી દસ કરોડ જેટલી હતી અને સમસ્ત ભારતની વસ્તી બે કરોડથી પણ ઓછી હતી. માત્ર આજના મુમ્બઈ શહેર જેટલી.

આપણા બધા પુર્વજોનાં નામ પેઢી પ્રમાણે કાગળ પર લખીએ તો ઉંધો ત્રીકોણ બને. આ જ રીતે જો કોઈ એક વ્યક્તીના વંશજોનાં નામ લખીએ તો સીધો ત્રીકોણ બને. જો કે આ બે ત્રીકોણોમાં એક મોટો તફાવત છે. દરેક વ્યક્તીનાં પેરન્ટ્સ બે હોય છે. જ્યારે એનાં સંતાનો ઘણાં હોઈ શકે કે એક પણ ન હોય. જો દરેક પેઢીનાં સરેરાશ બે સંતાન ગણીએ તોય 900  વરસમાં એક જ વ્યક્તીના જનીન ધરાવનાર કરોડો વ્યક્તીઓ હોઈ શકે છે.

આજની જેમ રાજાશાહીમાં એક પત્નીનો કાયદો નહોતો. પુરુષ ઈચ્છે એટલી અને પોસાય એટલી પત્નીઓ રાખી શકતો. ખાસ કરીને રાજાઓને ઘણી રાણીઓ હોતી અને રખાતો પણ હોતી. જીન્દગીને સમ્પુર્ણપણે માણવાનો તેઓ પોતાનો હક્ક ગણતા. એટલું જ નહીં; આને પુરુષત્વનું  પ્રતીક ગણાતું. રાજાઓ ઉપરાન્ત અન્ય સત્તાધીશો, જમીનદારો વગેરે ઘણા પોતાની શક્તી મુજબ આ પ્રણાલીકાનો લાભ ઉઠાવતા. સમાજને એ સ્વીકાર્ય હતું.

ચીન, યુરોપ અને મુસ્લીમ સામ્રાજ્યોમાં આ ખુલ્લેઆમ થતું. ભારતના કેટલાક પ્રદેશોમાં પણ આ ચાલતું, જ્યારે અન્ય પ્રદેશોમાં અનૌરસ સમ્બન્ધોને સમાજની નજરથી છુપાવવામાં આવતા હતા. વર્ણવ્યવસ્થા આધારીત આભડછેટને લીધે તેમ જ ભારતની ધાર્મીક/ સામાજીક મર્યાદાઓએ આ પ્રકારની પોલીગેમીને (બહુપત્નીત્વને) મર્યાદામાં રાખી હતી.

રાજાઓ તેમ જ અન્ય શક્તીશાળી પુરુષોના અનૌરસ સમ્બન્ધોનાં આટલાં ઉંડાણમાં જવા પાછળનો હેતુ એ છે કે સામાન્ય માણસના હોય એના કરતાં રાજાના કેટલાયે વધારે વંશજ થતા. તે ઉપરાંત એ બધા રાજ્યાશ્રયમાં ઉછેરાતા હોવાથી એમનું જીવનધોરણ સામાન્ય પ્રજાજન કરતાં સારું રહેતું. આ બાબત અનૌરસ વંશજોને પણ લાગુ પડે છે. એ સમયમાં ભુખમરો, કુપોષણ અને ચેપી રોગોને કારણે ઘણાનાં અકાળે મોત થતાં હોવાથી સરેરાશ આયુષ્ય ત્રીસ વરસથી ઓછું હોવાનું મનાય છે. આવા સંજોગોમાં રાજાના વંશજો પ્રમાણમાં લાંબું જીવતા.

જે માણસનું આયુષ્ય લાંબું હોય અને ઘણી પત્નીઓ હોય એનો વંશવેલો લાંબો હોવાની શક્યતા વધતી જાય છે. છેલ્લાં બે–અઢી હજાર વરસમાં લાખોની સંખ્યામાં થઈ ગયેલા રાજાઓના અંશ દુનીયાની મોટા ભાગની વસ્તીમાં હોવાની શક્યતા છે. ત્યારે ગર્ભનીરોધક સાધનો ઉપલબ્ધ નહોતાં.

અહીં ડાર્વીનના ઉત્ક્રાન્તીવાદનો એક સીદ્ધાન્ત, ‘સર્વાઈવલ ઓફ ધ ફીટેસ્ટ’ કામ કરતો દેખાય છે. એ સીદ્ધાન્ત પ્રમાણે જે જીવ પોતાની આસપાસના વાતાવરણ સાથે અનુકુળ થઈ શકે છે, તે ટકી રહે છે. જે અનુકુળ નથી થઈ શકતા એમનો અંત આવે છે. એને ‘નેચરલ સીલેક્શન’ પણ કહેવાય છે. માનવીના કીસ્સામાં કુદરતી નહીં; પણ માનવસર્જીત પરીબળોએ ભાગ ભજવ્યો છે અને હજી પણ ભજવી રહ્યો છે.

આપણી વંશાવળીની નોંધ ભટ્ટ (ભોગળ–ભટ્ટ, બારોટ) રાખતા હતા. રાજાઓના ઔરસ વંશાવળીની વ્યવસ્થીત નોંધ ઈતીહાસકારોએ રાખી છે. એમના અનૌરસ વંશજોની નોંધ કેટલેક ઠેકાણે મળે છે. વીદેશમાં જીનોલૉજીના વીશેષજ્ઞ આવી વંશવેલી પ્રમાણ સાથે શોધી આપે છે. આવા જીનોલૉજીસ્ટની સંસ્થાઓ પણ છે.

માણસના ગુણ – અવગુણ અમુક અંશે એના વંશજોમાં ઉતરે છે. એના પરથી ‘બાપ તેવા બેટા’ જેવી કહેવતો પડી છે. ગુણથી વીશેષ શરીરની રચના અને સ્વાસ્થ્ય પર કેટલીયે પેઢી સુધી વારસાગત અસર જળવાઈ રહેવાના પુરાવા છે. અલબત્ત દર પેઢીએ વારસામાં નવા જનીન ઉમેરાતા હોવાથી કોઈ એક જનીનની અસર એટલી ઓછી થતી જાય છે; છતાં વાળ અને આંખના રંગ જેવાં લક્ષણ કેટલીયે પેઢી પછી દેખા દેતાં હોય છે.

ઘણા રાજાઓ પોતાનામાં દેવતાઈ અંશ હોવાનું માનતા હતા કે પછી એમના ખુશામતીયા એવો પ્રચાર કરતા હતા. તોય રાજ્યના વડા હોવાને નાતે એમનામાં હીમ્મ્ત, શૌર્ય, નીર્ણયશક્તી, શાણપણ વગેરે ગુણ તેમ જ અભીમાન, અક્ક્ડપણું વગેરે અવગુણ અન્યના પ્રમાણમાં વધારે હોય તે સ્વાભાવીક છે.

પ્રાચીન તેમ જ મધ્યકાલીન ભારતમાં શીક્ષણ બ્રાહ્મણો પુરતું મર્યાદીત હતું. બ્રાહ્મણોની સંખ્યા અન્ય વર્ણો કરતાં ઘણી ઓછી હતી. એમનો વંશવેલો મર્યાદીત રહેતો. એમની સરખામણીએ અન્ય વર્ણોની સંખ્યા ઘણી વધતી ગઈ. સતત સંકોચાતા શીક્ષીત વર્ગની દેશના સાંસ્કૃતીક અને આર્થીક વીકાસ પર કેટલી અસર થઈ તે એક સંશોધનનો વીષય છે. બે હજાર વરસની આપણી પીછેહઠ પાછળ, આવાં કારણોએ કેટલો ભાગ ભજવ્યો હશે ?

બીજી એક કરુણ વાસ્તવીકતા એ છે કે  સાધનસમ્પન્ન અને સત્તાધારી પુરુષો દુરાચાર દ્વારા પોતાનો અનૌરસ વંશવેલો વધારતા જાય, સદાચારી ગૃહસ્થનો વંશવેલો મર્યાદીત હોય તેમ જ ધાર્મીક સમાજમાં વંદનીય ગણાતા આજીવન બ્રહ્મચારીના સદ્ ગુણી જનીનના લાભથી દુનીયા વંચીત રહી જાય – આને માનવસમાજની સેવા કહેવાય કે અવહેલના ?

હીટલરે કરાવેલી યહુદીઓની સામુહીક કતલ જગજાહેર છે. જે ખાસ જાહેર નથી થયું તે છે એની શુદ્ધ નૉરડીક – આર્યન જાતી માટેની ઘેલછા. એના માટે એણે ઘડેલી વીસ્તૃત યોજના હેઠળ ચુનંદા યુવક – યુવતીઓ માટે ખાસ સંસ્થા ઉભી કરી હતી. જેનું મુખ્ય કામ હતું શુદ્ધ જાતીની પ્રજોત્પતીનું. બીજા વીશ્વયુદ્ધમાં જો હીટલરની જીત થઈ હોત તો આજની દુનીયા કેવી હોત એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

હીન્દુ દન્તકથા પ્રમાણે આપણે બધા લાખો વરસ પહેલાં થઈ ગયેલ મનુના વંશજ છીએ. ખ્રીસ્તી વીચારધારા પ્રમાણે બધા જ માનવી સાત હજાર વરસ પહેલાં થઈ ગયેલા આદમ – ઈવના વંશજ છે. નૃવંશશાસ્ત્ર પ્રમાણે સમસ્ત માનવજાતી દોઢ–બે લાખ વરસ પહેલાંના પુર્વ આફ્રીકાના નાનકડા આદી માનવસમુદાયની વંશજ છે. આ લેખક છેલ્લા વીધાનમાં સમ્પુર્ણપણે માને છે.

આટલા દુરના ભુતકાળમાં ન જતાં નજીકના ભુતકાળની એવી થોડી વ્યક્તીઓ શોધવી અઘરી નથી જેમના જનીન વીશાળ જનસમુદાયમાં હોય. લાંબો સમય સત્તા ભોગવતા ‘રંગીલા’ રાજાઓ અને સરમુખત્યારોનો એમાં સમાવેશ થાય છે. ભારતની પ્રાચીન દન્તકથાનું પાત્ર રાજા યયાતી આવું એક ઉદાહરણ છે.

આવી યાદીમાં સૌથી મોખરાનું નામ હશે ચંગીઝખાનનું (1162 – 1227). આઠસો વરસ પહેલાં થઈ ગયેલા મંગોલીયાના આ વતનીએ દુનીયાનો સૌથી વધુ પ્રદેશ જીત્યો હતો. એમ કહેવાય છે કે એ જ્યાં પણ જતો ત્યાં પોતાના ‘જનીન’ મુકતો જતો હતો. ચંગીઝખાને ચીન, મધ્ય એશીયાનાં મુસ્લીમ અને આરબ રાજ્યો, પુર્વ યુરોપ તેમ જ દક્ષીણપુર્વ એશીયાનાં કેટલાંક રાજ્યો જીતી ત્યાં પોતાના પુત્રો અને પૌત્રોને ગાદીએ બેસાડ્યા હતા. એના વંશજોએ લાંબો સમય રાજ કરી પોતાનો વંશવેલો આગળ વધારવામાં જરાય કચાશ નહોતી રાખી.

ચંગીઝખાનનો એક પૌત્ર કુબલાઈખાન ચીનનો અતી શક્તીશાળી અને પ્રખ્યાત રાજા થઈ ગયો છે. ચીનના રાજાઓની હજારો કન્ક્યુબાઈન રાખવાની પ્રથા જાણીતી છે. ભારતના શક્તીશાળી મોગલ સમ્રાટો પણ ચંગીઝખાનના વંશજ હતા. એમનામાંથી કેટલાકના જનાનખાનાંમાં સેંકડો સ્ત્રીઓ હોવાનું કહેવાય છે.

મોટાભાગનું એશીયા, પુર્વ યુરોપ તેમજ ભારતના કેટલાક ભાગની પ્રજાનાં ઘણાં નવજાત શીશુઓનાં શરીર પર ‘લસણ’ કહેવાતા ઘેરા રંગનાં ચાંઠાં હોય છે જે મેડીકલ ભાષામાં ‘મંગોલીયન સ્પોટ’ કહેવાય છે. આ ચાંઠાં ચંગીઝખાન અને એના સૈનીકોને આભારી હોવાનું કેટલાક નૃવંશશાસ્ત્રીઓનું માનવું છે. જો આમાં તથ્ય હોય તો પચ્ચીસ–ત્રીસ પેઢી પછી પણ જેનેટીક અસર દેખા દેતી હોય છે એ સાબીત થાય છે.

નેશનલ જીઓગ્રાફીક સોસાયટી અને અમેરીકાની આઈ.બી.એમ. કમ્પનીએ થોડાં વરસ પહેલાં દુનીયાના દુર દુરના પ્રદેશોમાં માણસો મોકલી ત્યાંના લોકોના જનીન એકઠા કરી એકબીજા વચ્ચેના જૈવીક સમ્બન્ધ શોધે છે. ડી.એન.એ.ની નવી ટૅકનોલૉજીને લીધે આ શક્ય બન્યું છે. આ સર્વેક્ષણનાં તારણો રસપ્રદ હશે.

દુનીયાની મોટાભાગની પ્રજાઓ જૈવીક રીતે (બાયોલૉજીકલી) એકબીજાની ઘણી જ નજીક છે. આપણા જાતીય વારસાનું કોઈએ બહુ ગુમાન ન કરાય. ગમે ત્યાંથી ગમે તે નીકળી શકે છે. દેશ, જાતી કે ધર્મના નામે થતાં યુદ્ધો અન્તે તો પીતરાઈઓ વચ્ચેની જ લડાઈ છે.

Advertisements

6 ટિપ્પણીઓ (+add yours?)

 1. ગાંડાભાઈ વલ્લભ
  ઓગસ્ટ 20, 2016 @ 05:03:53

  સરસ રસપ્રદ માહીતી. હાર્દીક આભાર પ્રવિણભાઈ.

  Liked by 1 person

  જવાબ આપો

 2. mhthaker
  ઓગસ્ટ 20, 2016 @ 11:13:30

  Yes good learning 25-30 generation pachi asar genetic -Changiskhan…. and we all are pitray…is nice learning

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   ઓગસ્ટ 20, 2016 @ 12:28:20

   મને ખાત્રી છે કે આપણા ઘણાં મિત્રોની જેમ જ તમને પણ પ્રભુલાલભાઈની મેઇલ મળતી જ હશે. તમારી જેમ જ પ્રભુલાલભાઈ પણ સતત સારું સારું શોધતા હોય છે અને મિત્રોમાં મેઇલ દ્વારા પ્રાસરતા રહે છે.

   Like

   જવાબ આપો

 3. Vimala Gohil
  ઓગસ્ટ 20, 2016 @ 15:14:05

  “દુનીયાની મોટાભાગની પ્રજાઓ જૈવીક રીતે (બાયોલૉજીકલી) એકબીજાની ઘણી જ નજીક છે. આપણા જાતીય વારસાનું કોઈએ બહુ ગુમાન ન કરાય. ગમે ત્યાંથી ગમે તે નીકળી શકે છે. દેશ, જાતી કે ધર્મના નામે થતાં યુદ્ધો અન્તે તો પીતરાઈઓ વચ્ચેની જ લડાઈ છે.”
  ખૂબ સરસ માહિતિપ્રદ લેખ અમારા સુધી પહોંચાડવા બદલ આભાર.

  Liked by 1 person

  જવાબ આપો

 4. મનસુખલાલ ગાંધી
  ઓગસ્ટ 20, 2016 @ 19:50:34

  સરસ રસપ્રદ માહીતી.

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: