પ્રસાદ – શ્રી કૌશિક દિક્ષીત

એક સરસ ટૂંકી વાર્તા

પ્રસાદ

kaushik-dixita

કલેકટર રવી પાટણકર છેલ્લા  અઠવાડીયાથી ખુબ મૂંઝવણમાં હોય  તેમ  જણાતું  હતું. “ અમે  બે અને  અમારા બે” સૂત્રને અનુરૂપ કુટુંબ, ઉંચા હોદ્દાની સરકારી નોકરી,મોટું સગવડ ધરાવતું મકાન, ટેલીફોન, સરકારી વાહન…પણ પંદર વરસની નોકરીને અંતે શું?…સરવૈયું મુકતાં  પાટણકર હતાશ થઇ ગયા.

“પંદર વર્ષ આવા ઉંચા હોદ્દા ઉપર અતિ પ્રામાણિકતાથી  રહેવાનો  સરપાવ  શું મળ્યો? વખતો વખતની બદલી જ સ્તો! મારી પ્રમાણિકતા ડગલે ને પગલે  કોઈકને ને કોઈકને નડી છે, અને મારે ભાગે સહન  કરવાનું જ આવ્યું  છે. હા.. દરેકને  પ્રેક્ટીકલ માણસ જોઈએ! મને  કોણ  સંઘરે?”

મનોમંથન પીછો છોડતું ન હતું- “વખતો–વખતની  બદલીઓમાં છોકરાંઓનો અભ્યાસ સાવ ઠેકાણે પડી ગયો છે. મેધાનું  બારમાનું  રીઝલ્ટ  સહેજ માટે ઓછું  આવ્યું. મેરીટ  ઉપર  એડમીશન માટે  ત્રણ  માર્ક  ખૂટે  છે, અને ધંધાદારી કોલેજોમાં દસ લાખ ડોનેશન માંગે  છે. આખી  જીંદગી  પ્રામાણિક રહેવાનો   પસ્તાવો  આજે મને રહી રહીને થાય  છે.  નોકરીમાં પંદર વર્ષ પછી માણસ  અપ્રામાણિકતા ઈચ્છે તે તો કેવી વિડમ્બના! છઠ્ઠા  ધોરણમાં  ભણતી ચિંતના પણ આમ તો હોશિયાર છે. જો  હજુ  હું  પ્રેક્ટીકલ નહિ  થાઉં  તો તેની પરિસ્થિતિ પણ મેધા  જેવી  જ નહિ થાય?”

વિચારો પાટણકરને વધુ બેચેન  કરી  રહ્યા ..” આજે  મને  સુખીરામનું કહેવું  એક રીતે સાચું  લાગે છે. મારી  પ્રામાણિક રહેવાની જીદ્દને કારણે, બદલીઓ ભોગવીને કુટુંબને હેરાન કરવાનો અને અત્યંત મેધાવી પુત્રીનું ભવિષ્ય રોળી નાખવાનો મને  શું  અધિકાર? મારી  મહેચ્છાઓની પૂર્તિ પણ મારે  મેધા મારફત જ કરવાની છે ને? ચિંતના મોટી થશે ત્યારે ભગવાન જાણે  હું  અને જ્યોતિ જીવતાં હોઈશું કે કેમ? મેધાને મેડીસીનમાં  દાખલ કરવાના  દસ લાખ જોઈએ..પાંચેક  લાખ  જી.પી. ફંડમાંથી ઉપાડી  લઉં તો પણ  બાકીના  પાંચ લાખ  ની જોગવાઈ….” પાટણકર ને  આંખે  અંધારા આવતા હોય  તેવું  લાગ્યું.

ગયા  અઠવાડિયે પોતાની કેબીનમાં  સુખીરામ સાથે થએલી વાત  યાદ આવી. ”સાહેબ જી, બચ્ચીના  ભવિષ્ય  સામે  જુવો એક વાર!  એસ્ટેટ એજન્સી  વાળા ઓછામાં  ઓછા દસ-બાર પેટી(લાખ) તો દેશે જ”. પાટણકર આંગળ  કશું પણ  સાંભળ્યા વગર  હા પાડી દેવા ઉત્સુક બની  ગયા હતા  પણ પંદર વર્ષના  સંયમે  તેમને આછકલા  થતા રોક્યા. સુખીરામે  સમય ઓળખીને, ગરમ  લોઢા ઉપર  ઘા  કરતા હોય  તે રીતે  કહ્યું- “અને બીજું શું છે સાહેબ, કે કામ  બિલકુલ  સલામત છે. પાર્ટી એકદમ વિશ્વાસુ છે. આપે  કોઈ ખોટી જવાબદારી લેવાની નથી. પોલીસ ડીપાર્ટમેંટ, જીલ્લા વિકાસ અધિકારી, ફોરેસ્ટ વિભાગ તરફથી જે રીપોર્ટ અને  ભલામણ  આવે  તે  માનનીય મંત્રીશ્રી ને, આપની ભલામણ સાથે મોકલી  આપવાની. કેસમાં  બિન જરૂરી ઊંડા  ઉતરવાનું  નહિ, બસ  એટલું જ એ લોકો માંગે છે. વિચારી  જો જો. લક્ષ્મી આવી છે ચાંલ્લો કરવા- કપાળ ધરો  એટલી જ વાર…” અને સુખીરામ ખંધુ હસ્યા હતા. પાટણકરને, આખી વાતમાં, પોતે  ભજવવાના  રોલ વિષે માહિતી મળી કે,-પોતાના પ્રામાણિક આત્માના અવાજને સંયમની લગામ પહેરાવી દેવાની અને કોઈ નવી તપાસ નહી ઉભી કરવાની! બસ. એટલું  જ?!

“કોઈ જવાબદારી  વગર  મેધાનું મેડિકલનું ડોનેશન કે પ્રામાણિકતા” એ બે  અતિઓની વચ્ચે પાટણકર અટવાયા કર્યા. ચીરુટના ઊંડા કશ લેતા તે ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા. નૈતિકતા અને વહેવારૂપણા વચ્ચે તેમનો નિર્ણય આંદોલિત થયા કરતો હતો. હાથ  આવેલી  તક ગુમાવવી  ન જોઈએ તેવું  તાઈ નું પણ માનવું  હતું. તાઈએ કહેલા શબ્દો હજુ પાટણકરના કાનમાં પડઘાતા હતા-“રવી, પ્રામાણિકતા અને અપ્રામાણિકતા એ બધા મનના ફીતુર છે. તારી નૈતિકતા  જો આખા કુટુંબ માટે ઘાતક હોય  તો, તને  એવી નૈતિકતાનો કોઈ અધિકાર નથી.”

…અને કોઈ એક  નિર્ણય ઉપર  આવ્યા હોય તેમ પાટણકરે સુખીરામને  ફોન જોડ્યો,

-“ હેલ્લો, સુખીરામ, પાટણકર હિયર! લાસ્ટ વિક મારી  કેબીનમાં પેલી  વાત થઇ  હતી તે …..સમજ્યા ને ? હા, તો ક્યારે મળો છો? ફાઈલ  કાલે  ક્લીયર  થઇ  જશે.”

“ બહુત અચ્છા સાહેબ, બઢિયા! અભિનંદન! કાલે  સવારે  જ બેંક ખુલતા આપને ઘરે મળીએ  છીએ. પછી ગાડીમાં  અપને  ઓફિસે  ડ્રોપ કરી  જઈશ. મેધા બેટી..” સામે છેડે વાતનો  દોર  લંબાવી રહેલા સુખીરામનો ફોન પાટણકરે ડીસકનેક્ટ કરી દીધો. આનંદ અને ઉદાસીની મિશ્ર લાગણી પાટણકરે અનુભવી.

ત્યાં ચિંતના આવી. તે કશું સંતાડી  રહી હોય  તેમ લાગ્યું.

“ડેડી, આંખ બંધ કરો”

આંખ બંધ થઇ.

“જમણો  હાથ લાંબો કરો”

હાથ લાંબો થયો.

સમારેલા કેળાં, દાડમના  દાણા, કોપરૂ અને રવાના  શીરાનું સોડમદાર,

તુળસી સમેતનું મિશ્રણ પાટણકરના લંબાએલી  હથેળીમાં મૂકતાં ચિંતના બોલી,

”સત્યનારાયણનો પ્રસાદ છે  ડેડી!”       

3 responses to “પ્રસાદ – શ્રી કૌશિક દિક્ષીત

 1. ગોદડિયો ચોરો… October 6, 2016 at 3:02 PM

  પ્રમાણિકતાની આશા અને ઉપદેશોનાં વ્યાખ્યાનો નેતાઓ સાધુ સંતો

  ને ઉચ્ચ પદાધિકારીઓ આપતા હોય છે. કોઇ નેતા જ્યારે પંચાયતની

  ચુંટણીમાં ફોર્મ ભરે ત્યારે ડિપોઝીટ્ના ૨૫૦ ઉછીના લે છે ને પાંચ વરસ

  પછી એની આવક લાખો કરોડોમાં હોય છે. સાધુ સંતો ભકતોને સચ્ચાઇ

  ને આદર્શોની વાતો કરે છે તેમની પાસે પણ અઢળક પૈસો હોય છે.

  હમણા ગુજરાતમાં ત્રીજ ચોથા વર્ગના કરમચારીઓ પાસે દરોડામાં કરોડોની

  મિલ્કત મળી પણ આનદીબેન કે કોઇ નેતા કે ઉચ્ચ ઓફિસર અથવા તો

  અદાણી-અંબાણી-કે નિરમાવાળા પર કોંગ્રેસ કે ભાજપે દરોડા પાડ્યા છે ખરા.

  સચોટ આદર્શ અનુસરણ કહેવાથી નહો મન ને આત્મવિશ્વાસથી થાય એવી

  અનેરી વાર્તા.

  Liked by 1 person

 2. મનસુખલાલ ગાંધી October 5, 2016 at 6:46 PM

  પ્રામાણિકતા એ બોલવામાં, લખવામાં, સાંભળવામાં બહુ સુંદર અને ભવ્ય શબ્દ છે…!!! શબ્દકોશ-ડીકશનરીમાં જે અર્થ થતો હોય તે, પણ, આજે કોઈને યાદ છે,,,???,,,,,,,ગાંધીજીના વંશવારસો, સરદારના, લાલ બહાદુરના, મોરારજીભાઈના, નામી અનામી કેટલાયે દેશભક્તોના, દેશ માટે શહીદ થનારા સૈનીકો વગેરેના વંશવારસો આજે ક્યાં છે, શું કરે છે, તેમની પાસે કામધંધા કે પૈસા પણ છે એ નહીં તે કોઈને યાદ છે…..???? જ્યારે ટુંકા પગારદાર પોલીસો અને અમલદારો કોઈ પણ ત્યાં જ્યારે રેઈડ-દરોડા પાડે છે ત્યારે ત્યાંની અઢળક-મબલખ-આંખો ફાટી જાય તેવી સંપત્તિ જુએ છે ત્યારે તેઓની હાલત કેવી થતી હશે, તેઓના મનમાં શું ચાલતું હશે કોઈને ખબર છે.? કોઈ જનમથી અપ્રામાણિક નથી જનમતું, સંજોગો બનાવે છે….આજે રૂપાણી કે વાઘાણી મેડીકલ કોલેજ બનાવવા ૨૫ લાખનું દાન આપે ત્યારે શું આ બધા પૈસા પરસેવાની કમાઈનાજ હશે…??? આતો એક દાખલો છે, જો અમુક વર્ગના લોકોને ઓછા ટકાએ પણ એડમીશન મલી જતું હોય તો પછી સરકાર કેમ આવા પ્રમાણિક લોકોના સંતાનોને વગર દક્ષિણાએ એડમીશન મલી જાય તેવો કાયદો ન કરી શકે…?? વર્ષો પહેલાં ગ્રેજ્યુએટ થઈને નોકરી શરૂ કરનાર જ્યારે ૩૫ વરસની સરકારી નોકરીને અંતે ૪૦-૫૦ હજારનો પગાર મેળવનારની ઉપર, ગ્રેજ્યુએટ થઈને માત્ર ૩-૪ વરસ કંમ્પ્યુટર ભણેલો મેનેજર તરીકે મહીને ૨ લાખનો પગાર મેળવનાર આવે ત્યારે એના મનની હાલતનો વિચાર આવે છે…? આજે તો ફક્ત નાના માણસો પાસેજ લોકો પ્રામાણિકતાનો આગ્રહ રાખે છે, મોટાની લીલા કોઈ જોતું નથી……………………….પ્રમાણિક હોવું જરૂરીજ છે, અને હોવું પણ જોઈએજ અને જગત આવા લોકોના ભરોસેજ ચાલે છે, પણ સંજોગો ઉભા થાય ત્યારે ભલભલા માણસો પણ ક્યારેક મુંઝાઈ જાય છે

  Like

 3. pragnaju October 5, 2016 at 2:22 PM

  આ તો પ્રામાણિકતાનો બાહ્ય દેખીતો લાભ થયો. પણ પ્રામાણિક વ્યક્તિ લાભ માટે પ્રામાણિક હોતી નથી. પ્રામાણિકતા તેની પસંદગી હોય છે, એકમાત્ર વિકલ્પ હોય છે. પ્રામાણિક હોવાનો પોતે નક્કી કરેલ માર્ગે આગળ વધવાનો આનંદ અને આત્મવિશ્વાસ જ એવાં હોય છે કે તેને બીજા આલંબનની જરૂર હોતી નથી.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: