વિધુર વ્યથા

વિધુર વ્યથા.

એક એઈટી પ્લસ વયસ્ક વડીલે મને નામથી બોલાવ્યો અને મારી સામે આવીને બેઠા. હું એમને ઓળખી ન શક્યો. મારે એમને કહેવું પડ્યું “સોરી, સાહેબ જરા ઓળખાણ ન પડી. હમણાં હમણાં જરા ભૂલી જવાય છે.”

‘સાહેબ સાહેબ શું કરો છો. હું સુરેશ ચોકસી, તમારો સુરીયો. આપણે એપાર્ટમેન્ટમાં બાજુ બાજુમાં આટલો સમય રહ્યાં, સાથે ખાધું પીધું તે બધું જ પાણીમાં?’

‘ઓહ! સુરેશભાઈ તમે?  તમે તમારો ચકલો આટલો બધો બદલી નાંખ્યો તે ન જ ઓળખાવને? મારે તો તમારા ચરણસ્પર્શ કરવા પડે એવા થઈ ગયા છો. કેટલા વર્ષે મળ્યા!’

મારા કરતા પણ સુરેશ ચાર વર્ષ નાનો. સેવન્ટીઝમાં અમેરિકામાં અમારી જીંદગી એક સાથે એપાર્ટમેન્ટમાં શરૂ થઈ હતી. થોડો સમય એક જ લેબમાં કામ પણ કર્યું હતું. એમને બે નાના છોકરા અને એક દીકરી,  તક મળતાં સ્માર્ટ અને ઉત્સાહી સુરેશ, કંપની અને સ્ટેટ બદલતો, આગળ વધતો જ ગયો. અમારો સંપર્ક સદંતર જ તૂટી ગયો હતો. સાંભળવા મળ્યું હતું કે પેન્સિલવેનિયામાં સ્થાયી થયો છે. ત્યાર પછી મળવાનું પણ થયું જ ન હતું. અમારું જીવન વહેતું રહ્યું હતું.

ઓક ટ્રી પરની એક રેસ્ટ્રોરાંટમાં હું બેઠો હતો. મારી સામે આવીને સુરેશ બેઠો. એના દેખાવ જ એવો હતો કે હું એને સૂરીયો તો શું પણ સુરેશનો તુંકારો પણ ન ખરી શક્યો. લગભગ ચાળીસ વર્ષ પછી મેં એને જોયો.

“સરલા ક્યાં છે? એને એકલા મૂકીને ક્યાં રખડવા માંડ્યું છે?”

‘સરલા જ મને રખડતો મૂકીને ઉપર ચાલી ગઈ.’

‘ઓહ, આઈ એમ સોરી? શું થયું હતું?’

‘કેન્સર, લિવર ટ્યુમર.’

સરલા. મીઠો સ્નેહાળ સ્વભાવ. હું ટિખળ કરું તો યે મને મોટા તરીકે આદર આપે. હસતી જ રહે.  બાળકો માટે પ્રાઉડ મધર. પતિ માટે પ્રેમાળ પત્ની.

‘કેટલો સમય થયો?’

‘ચાર વર્ષ થયા. હું તો સાવ એકલો પડી ગયો છું.’

‘નરેશ, મનિષ, પ્રિયંકા.’ મેં એના બાળકો વિશે પૂછ્યું.

‘નરેશ કાર્ડિયોલોજીસ્ટ છે, કેલિફોર્નિયામાં સેટલ થયો છે. અમેરિકન નર્સને પરણ્યો છે. બે દીકરી છે. મનિષ અને પ્રિયંકા ઈન્ડિયન ને જ પરણ્યા છે. મનિષનો બિઝનેસ છે. ફ્લોરિડામાં સેટ થયો છે. બધા પોત પોતાની રીતે સુખી છે. પ્રિયંકા શિકાગોમાં છે. સારી જોબ છે. જમાઈ પણ સારો છે.’

‘તમારું કેમનું છે?’

‘હું તો છું ત્યાનો ત્યાં જ છું. ન્યુ જર્સી જ દ્વારકા અને પઢરપૂર. દીકરાની સાથે જ રહું છું.’

‘સુરેશભાઈ, દીકરા દીકરીનો સુખી સંસાર તો છે, પછી એકલા શાના? શું કાઈ પ્રોબ્લેમ છે? છોકરાઓ રાખતા નથી?’

‘એવું તો કેમ કહેવાય? સરલા ગઈ પછી મોટાએ તો કહ્યું હતું થોડો સમય રહેવાય એમ આવજો.’

‘હા, કહ્યું હતું “થોડો સમય.’

‘હું થોડો સમય રહ્યો પણ ખરો. ઘરમાં બધા જ એમના કામમાં. હોય, આપણે માટે એ કાંઈ નવી વાત થોડી છે કે કોઈએ સમજાવવી પડે? પણ દીકરાની જીવનશૈલી મારાથી તદ્દન જૂદી. અમેરિકન નેની રાંધે તે ખાવાનું. ગુજરાતી ખાવાનું તો ભૂલાઈ જ ગયું. મેં તો જોબ હતી ત્યારે બધું જ ખાધું પીધું છે.  પણ રિટાયર્ડ થયા પછી ઘરમાં તો દાળ ભાત રોટલી શાક ખાવાની ટેવ પડી ગયેલી. સરલા રોજ ગરમ ગરમ રોટલી બનાવતી. એક પણ દિવસ રૂચી મુજબ ખાવા જ ન મળે. ડોટર ઈન લો હોસ્પિટલમાં નર્સ. બિચારી થાકીને આવે. હોસ્પિટલના દર્દીને જેમ હલ્લો હાય કરે તેમજ મને પણ કરે. બસ એટલું જ. દીકરીઓ સાથે બીઝીને બીઝી રહે. આપણે યુવાન હતાં ત્યારે આપણી હાલત પણ એવી જ હતીને? એની બિચારી પાસે આનાથી વધુ  આશા  પણ શી રખાય?’

‘દીકરો ઘરે આવે. હું એની રાહ જોઈને બેઠો હોઉં કે બેઘડી એની સાથે બેસીને વાત કરું પણ બિચારાને સમય જ નથી. આવીને સીધો એના ડોગ સાથે રમવા માંડે. મારા પહેલાં એનો ડોગ. એને વૉક કરવા લઈ જાય. સાથે દોડે. બન્નેને એક્સરસાઈઝ તો જોઈએ જ ને! મેં અને તમે અમેરિકામાં નોકરી કરી છે. આપણે બધું જ જાણીયે સમજીએ છીએ પણ હવે એ પચતું નથી. એકલતા સહન થતી નથી અને ટોળામાં ભળાતું નથી. સરલા વગર જીવાતું નથી. અમેરિકામાં નવા આવેલાં આપણે પરાવલંબી ડોસાઓ નથી. આપણે આ દેશમાં નવા નથી. આ કલ્ચર આઘાત જનક ના હોવું જોઈએ પણ પોતાના જ લોહી સાથે પરાયાપણું લાગે એ સહન થતું નથી. બીજું કોઈપણ દુઃખ નહી પણ પોતાપણાની ઉષ્માનો અભાવ સાલે છે.’

‘એવું જ મનિષને ત્યાં. એની સાસુ એની સાથે રહે. ઘરમાં એનું જ વર્ચસ્વ. હું પોતાને ઘેર નહિ પણ દીકરાની સાસુને ઘેર અણગમતો મહેમાન હોઉં એવું જ લાગ્યા કરે છે. એને ત્યાં મને ન ફાવે. બાકી મનિષ ક્યાં ના પાડે છે? બધી જ રીતે સુખ છે પણ એ સુખનો મને સ્પર્શ જ નથી થતો.’

‘અને દીકરીને ત્યાં પણ કેટલો સમય રહેવાય?’

‘બસ એકલો છું. પાસે પૈસા છે. જરૂર કરતાં વધારે છે. દીકરાઓને પણ મારા પૈસાની જરૂર નથી. કહે ડેડી અમારે માટે સાચવવા કે બચાવવાની જરૂર નથી. મોજથી ફરો હરો, વાપરો. એક રાંધવાવાળી બાઈ રાખી લો. સરસ જગ્યાનું ટિફિન બાંધી લો. નરેશની વાઈફ અમેરિકન છે. તે તો કહેતી હતી કે “ડેડી યુ આર યંગ. યુ સૂડ રિમેરી.”  પણ કોઈ એમ કહેતું નથી ડેડી બસ અમને તમારા વગર નથી ગમતું. તમે બધું છોડી અમારી સાથે જ રહેવા આવી જાવ.’

‘હું મારી જાતને સમજી શક્યો નથી કે હું શું ઈચ્છું છું. પૈસા છે એટલે મિત્રો જાત જાતની સલાહ આપે છે. આમ કરો તેમ કરો પણ હું કન્ફ્રુઝ છું. દંપતિમિત્રો લાગણી પૂર્વક બોલાવે છે. તેઓ મારા પ્રત્યે સહાનુભૂતી દાખવે છે પણ એ સહાનુભૂતી પણ કઠે છે. એમની સહાનુભૂતિજ મને તેમનાથી ટોળામાંથી જૂદો તારવે છે. જ્યારે સુખી કુટુંબને જોઉં છું ત્યારે એક બળતરા થાય છે. હું એકલો છું. મારી સરલા હયાત હોત તો હું પણ મિત્રો જે આનંદ કરે છે તે હસી માણી શક્યો હોત. દર એક મહિને એક વર્ષ જેટલો ઘરડો થતો જાઉં છું.’

‘લોકો મને સલાહ આપે છે. તમે મારા વડીલ છો પણ આજે હું તમને સલાહ આપું છું. અત્યારની તમારી લાઈફ કેવી છે તે નથી જાણતો; પણ દીકરા સાથે છો તો સુખે દુખે દીકરા સાથે જ રહેજો. એક વાર છૂટા થયા પછી ફરી સાથે રહેવાનું મુશ્કેલ બની જશે. બેમાંથી એક થશો ત્યારે મારા જેવી મનોયાતના ના ભોગવવી પડે.’

‘મારે તો મારા આખરી દિવસમાં મારું કુટુંબ જોઈએ છે. જો હું પહેલાં મર્યો હોત તો સરલાતો સુખે દુખે પણ એક દીકરા સાથે ગોઠવાઈ ગઈ હોત. મારાથી નથી થવાતું. મહિલાના વૈધવ્ય કરતાં પુરુષની વિધુરતા જૂદી જ હોય છે. શા માટે બધાએ સરલાને “સૌભાગ્યવતી ભવ” ના આશીર્વાદ આપ્યા હતા?’

સજળ આંખે સુરેશે કહ્યું ‘મારા મનના દુઃખ માટે હું જ જવાબદાર છું. આવતા સનડે શિકાગો જવાનો છું. થોડા દિવસ દીકરી સાથે રહીશ. પછી મોટાને ત્યાં જઈશ. એ તો બોલાવે છે પણ મને જ ગોઠતું નથી.’

હું  સુરેશને કોઈ આશ્વાસન આપી ન શક્યો. માત્ર એના માથા પર હાથ ફેરવ્યા કર્યો. એ જેમની સાથે આવ્યો હતો એઓ આવી પહોંચ્યા. ફિક્કું હસીને આંખ નૂછીને એ ચાલી નીકળ્યો.

શું આ હાલત માત્ર સુરેશની જ છે? શું આ માત્ર અમેરિકાના ગુજરાતી વિધુરની જ વાત છે? શું દરેક સંતાન એમના બાપને હડધૂત કરે છે? આ પરિસ્થિતિમાં ક્યાં, કોનો અને કેટલો વાંક કાઢી શકાય એમ છે? આ કોઈ શારીરિક કે આર્થિક રીતે રીતે નિઃસહાય વિધુર-વિધવાની વાત નથી. આધેડવયની સીમા પર પહોંચેલ દરેક વ્યક્તિએ પોતાના ભાવીજીવનનો ચિતાર અત્યારે જ કલ્પીને માનસિક તૈયારી રાખવાની જરૂર છે.

23 responses to “વિધુર વ્યથા

  1. હીમત ભાઇ December 30, 2022 at 11:40 AM

    હું કોઇને અખંડ સૌભાગ્યવતી ના આશીર્વાદ આપતો નથી

    Like

  2. pravinshastri March 6, 2018 at 11:21 AM

    એક મિત્રની વાસ્તવિક વેદના ને વાર્તારૂપે ઢાળી છે.

    Like

  3. મનસુખલાલ ગાંધી March 6, 2018 at 8:11 AM

    અમેરીકા હોય કે ભારત…શ્રી વસંતભાઈની સલાહ એકદમ સચોટ અને બંધબેસ્તી છે. ‘દીકરા સાથે છો તો સુખે દુખે દીકરા સાથે જ રહેજો. એક વાર છૂટા થયા પછી ફરી સાથે રહેવાનું મુશ્કેલ બની જશે.’…..એક વખત કોઈ પણ દીકરા-દીકરીનું ઘર છોડ્યા પછી, જ્યારે પાછા જશો ત્યારે કુટુંબી કે વડીલ તરીકે નહીં પણ, એક મહેમાન, ગમતા કે અણગમતા… દીકરા-દીકરીને તો કદાચ વાંધો ન હોય, પણ, Grand Children ને તો નહીંજ ગમે અને આ હકીકત છે. અને ૭૫-૮૦ વરસે પુનર્લગ્ન કરવા એ કંઈ સુઝાવ નથી.

    Like

  4. pravinshastri January 5, 2017 at 11:31 AM

    આભાર સાહેબ.

    Like

  5. vasant parikh January 5, 2017 at 11:20 AM

    દીકરા સાથે છો તો સુખે દુખે દીકરા સાથે જ રહેજો. એક વાર છૂટા થયા પછી ફરી સાથે રહેવાનું મુશ્કેલ બની જશે. બેમાંથી એક થશો ત્યારે મારા જેવી મનોયાતના ના ભોગવવી . mos realistic and practical hints for Indian seniors whether in U S or in India.

    Liked by 1 person

  6. deejay35(USA) October 20, 2016 at 4:05 PM

    શ્રી પ્રવિણભાઈ અમે બે મિત્રો ૮૧ અને ૭૮ થયા છીએ અને વનવાસ મસ્તીથી ભોગવી રહ્યા છીએ .એમને કહો કે શિકાગોનું સરનામું મોકલાવો તો તેમને મળીને બધા નેગેટીવ વિચારો ખંખારાવીને પોઝીટીવ વિચારતા કરી દઈએ.અથવા શ્રી સુરેશભાઈ.જાની પાસે પહોચી જાય.

    Liked by 1 person

  7. pravinshastri October 20, 2016 at 2:21 PM

    મારી વાત કે વાર્તા કરતાં પણ આપનો પ્રતિભાવ અને કાવ્ય સંકલન એક ઉત્તમ સ્વત્રંત્ર લેખ બને છે. છે.
    અને આપના વિચારો…” વિઘુર કે વિઘવા…..કોઇઅે પણ પુન:લગ્ન કોઇ સમજદાર અને પોતાને માટે યોગ્ય હોય તેવી જ વ્યક્તિ સાથે લગ્ન કરી લેવા જ જોઇઅે.” એજ વાત મારી રિવર્સલ શ્રેણીનો પાયો છે. આમ છતાં એ ઉમ્મર અને શારીરિક માનસિક સ્થિતિ પર આધાર રાખે છે. દરેકને માટે એ શક્ય નથી એ વાસ્તવિકતા છે. લગ્ન વગર પણ એક વિજાતિય મૈત્રી અને અંગતપણું સહાયભૂત રહે.

    Like

  8. Amrut Hazari. October 20, 2016 at 1:44 PM

    મિત્રો,
    મિત્રો તરીકે તમને સંબોઘન કરવા પાછળ હેતુ છે….હું પણ આ ઉમરના માળખામાં છું.
    ઘણું ઘણું વાંચ્યુ છે. સમય આવે જીવનમાં કોઇક જગ્યાઅે ફીટ થઇ શકે છે.

    પહેલી વાત…ટૂંકી ને ટચ…‘ કવિ વિજય શાહ, ‘ ઢળતી સાંજે, સખી તારી સાથે , જોવો સૂર્યાસ્ત.‘

    શૈફ પાલનપૂરી, ‘ જીવનની સમી સાંજે, જખ્મોની યાદી જોવી હતી; બહુ ઓછા પાના જોઇ શક્યો, અંગત અંગત નામો હતાં.‘

    હવે પ્રાણિ જગતની વાત: પક્ષી…બાળકને જન્મ આપે…ખવડાવે…પાંખ આવે અેટલે તે બાળક માળો છોડીને ઉડી જાય. આઝાદીના પંખો ઉગે…..

    કોઇ નીગેટીવ વાત કહી ગયુ છે..: કોણ બાંઘે અમને તોરણે,? અમે પાખરનાં પીળાં પાન.‘

    In English, ” Grow old with me, the best is yet to be.”

    A successful marriage requires falling in love many times, always with the same person.”

    અને સૌથી મોટી હકીકત..જીવનની અે છે કે, ‘ ઉદાહરણ આપવું ખુબ સહેલું છે…પરંતુ, ઉદાહરણ બનવું મુશ્કેલ છે.‘
    ઘણું ઘણું આજના વિષય સાથે મેળ ખાય તેવી વાતો છે પરંતુ પછી કોઇવાર……માનવ જીવનમાં શું પંખી કે પ્રાણિજીવનને ફીટ બેસાડી શકાય ? માનવજીવન સૌથી અલગ જીવન છે.
    કવિ ઉમાશંકર જોશી : બાળકને જોઇને જે રીઝે, રીઝે બાળક જોઇ જેને, વત્સલમૂરત સ્નેહલ સૂરત, હૃદય હૃદયનાં વંદન તેને.‘
    કવિ સાજીદ સૈયદ :‘ જો આંગળી કપાય તો લોહીની ઘાર નીકળે, લોહીના બુંદે બુંદે મારી માનું ઉઘાર નીકળે.‘………….અને છેલ્લે કવિ કહે છે….‘ સાત જન્મોની સઘળી પુંજી લગાવી દંઉ્ તો ય મારી માવડી મારી લેણદાર નીકળે.‘
    આ બઘા તથ્યોને દરેક વાચક પોતાના જીવનમાં કોઇ સાચી જગ્યાઅે ફીટ કરી જૂઅે.
    મારા વિચારો: જ્યારે આપણે બાળકનો જન્મ આપીઅે છીઅે ત્યારે આપણે તેઓની પરવાનગી લઇને નથી જન્મ આપતાં. પરંતુ આ જીવનનો ક્રમ છે. તે પ્રમાણે જીવન ચાલે છે. જ્નમ આપીને બાળકને ઉછેરવાનું કર્મ, ભણાવવાનું કર્મ, અને…પરણાવવાનું કર્મ….કરીઅે છીઅે…કેમકે તેમને આ દુનિયામાં લઇ અાવીને આપણી ફરજ…ડયુટી…બની જાય છે અને તે પેરેન્ટસ્ બજાવે છે. હવે તેમન લગ્ન પછી વહુના આવ્યા પછી તેમની વર્તણુક બદલાય છે. પરંતુ જ્યારે વડીલ કોઇ બાબતની ઇચ્છા કરે ત્યારે તેને તેઓ ‘ અેક્સપેક્ટેશન‘ કહીને સંબોઘે છે પરંતુ તેઓ ભૂલી જાય છે કે હવે વડીલની સેવા તેમની ફરજ..ડય્ુટી…બને છે…ગીવનચક્ર ચાલુ જ રહે છે…તેઓ પણ ઘરડાં થવાના છે….ત્યારે જ…ઉદાહરણ આપવું કરતાં ઉદાહરણ બનવું મુશ્કેલ બને ંે…તેમને માટે. મા બાપને પ્રત્યે ફરજ સમજનારાની સંખ્યાં કદાચ દસ ટકાથી વઘારે નહિ હોય…..
    નરસિંહ મહેતાઅે પણ આજનો આ પ્રશ્ન ચર્ચેલો હતો….
    ઘડપણ કોણે મોકલ્યુ ? જા૬યુ જોબન રહે સૌ કાળ,
    ઉંબરા તો ડુંગર થયા રે, પાદર થયા પરદેશ;
    ગોળી તો ગંગા થઇ રે, અ.ગે ઉજળા થયા કેશ…..

    ન્હોતું જોઇતું તે શીદને આવ્યું રે, નહોતી જોઇ તારી વાત ,
    ઘરમાંથી હળવાં થયા રે, ખૂડે ઢાળો અેની ખાટ….

    ……
    ……..
    દીકરા તો જૂજવા થયા રે, વહુઆરો દે છે ગાળ,
    દીકરીઓને જમાઇ લઇ ગયા રે, હવે ઘડપણ ના શા હાલ ?

    હવે વેસ્ટર્ન વર્લ્ડની સંસ્કૃતિની વાત કરીઅે. સાયકોલોજીકલી આનંદથી જીવવા માટે…વિઘૂરતાને ભૂલવા અને ડીપ્રેશનમાં નહિ પડવા માટે…..સ્ત્રીઓ અને પુરુષો મિત્રતા બાંઘે અને હુંફ આપવા સાથે રહે…પુરે પુરી સમજ સાથે..અેકબીજાને ખુશી આપવા માટે….લગ્ન પણ કરે…..

    કવિ વિવેક ટેલર પોતાના લગ્નજીવન માટે સુખ પામવા હે છે કે…‘ અે રીતે બઘી વાતે સમાઘાન બનીશું,
    જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.
    મારા વિચારો: વિઘુર કે વિઘવા…..કોઇઅે પણ પુન:લગ્ન કોઇ સમજદાર અને પોતાને માટે યોગ્ય હોય તેવી જ વ્યક્તિ સાથે લગ્ન કરી લેવા જ જોઇઅે.
    શ્રઘ્ઘા કે અંઘશ્રઘ્ઘાને બાજુ પર મુકીને જીવન…ભાવિ જીવનની પાળ બાંઘવી જોઇઅે.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  9. pravinshastri October 19, 2016 at 11:39 PM

    નવીનભાઈ, જેમની સાથે દાયકાઓનું સહજીવન જીવ્યા હોય અને તે જતાં જે વેક્યુમ ઉભું થાય તે માનસિક રીતે અસહ્ય બની જાય છે. એકલી પડેલ વ્યક્તિની ઉમ્મર, હેલ્થ, અંગત સજોગો ઘરની અંદર અને બહારની પ્રવૃત્તિ સાથે કેટલા સંકળાયલા છે તેના પર એમના માનસિક સુખ દુઃખનો આધાર રહેવાનો છે. આ વાર્તા કે વાત નો પાયો એક નક્કર હકિકત પર રચાયો છે. દુઃખનું ઓસડ દહાડા એ મોટાભાગનાને રાહત જનક હોય; ફાવશે, ચાલશે, ગમશે, ભાવશે વગેરે જીવનમાં કડવી દવાની જેમ ગળતા રહેવાનું હોય એ મોટાભાગના સ્વીકારી લે છે. કોઈક મારા મિત્ર જેવાથી એ સ્વીકારી શકાતું નથી અને ધીમે ધીમે ડિપ્રેશનમાં સરતા જાય છે.
    પ્રજ્ઞા બહેને હળવી રીતે પ્રતિભાવ આપતા કહ્યું છે કે પત્ની જતાં ભલું થયું ભાંગી જંજાળ અને અન્જોય ધ ફ્રીડમ. કેટલાક એ પણ કરી શકે છે અને રિબામણીથી મુક્ત રહે છે.
    મારી “રિવર્સલ” સીરીઝ પણ આજ પાયા પર છે. સહજીવન “ટીલ ડેથ ડુ અસ ડિપાર્ટ” સૂધીનું રાખ્યા પછી ફરી નવજીવન શરૂ કરવાનો એક પ્રયાસ છે.

    Like

  10. Navin Banker October 19, 2016 at 9:58 PM

    મારે તો સંતાનો જ નથી. પત્ની સાથે છે. એ જશે પછી હું એકલો પડી જઈશ. અને..હું પહેલાં જઈશ તો એને એકલીને ઇન્ડીયા જઈને રહેવાનું છે.
    નવીન બેન્કર

    Liked by 1 person

  11. pravinshastri October 19, 2016 at 6:14 PM

    આભાર ચિમનભાઈ. સુધારી લઈશ.

    Like

  12. chaman October 19, 2016 at 6:10 PM

    સરસ વિષય! ગમ્યો!
    તમારી નીચેની ટાઈપો એરર જરા જોઈ લેશો.
    આંખ નૂછીને/આર્થિક રીતે રીતે

    Liked by 1 person

  13. સુરેશ October 19, 2016 at 7:48 AM

    દરેક જણને પોતાની જિંદગી હોય છે. દીકરા – દીકરી પેદા કરી, એમને ભણાવી ઠેકાણે પાડીએ એટલે આપણો ધર્મ પુરો થઈ ગયો.વધારે કશી અપેક્ષા રાખવી નહીં. સમય પસાર કરવા હજાર નુસખા છે. ના જડતા હોય તો સુરેશ ચોકસી ને સુરેશ જાનીનું ઈમેલ સરનામું આપી દેજો.

    એમનું કરી નાંખીશ !!!!
    લો … આજે તરતો મુકેલો પ્રોજેક્ટ…કાપી નાંખો !
    https://scratch.mit.edu/projects/126402695/

    Liked by 1 person

  14. Suresh* October 19, 2016 at 2:17 AM

    Shastriji – Aap Aa sunder Lakhan ne – Tunki Varta Ko – K pachi – what in Reality is expected on Ageing of being a Male -that will be in order for Most of Us whether U like it or not – Having a ” Y ” Gene on our D N A [Egoist ]

    Liked by 1 person

  15. mhthaker October 19, 2016 at 1:51 AM

    મળ્યું એ ‘ *_માણવા*_ ‘ની પણ મઝા છે,
    ના મળ્યું એ ‘ *_ચાહવા*_ ‘ની પણ મઝા છે !!
    એક માં એક ઉમેરો તો બે થાય’-એવુ *_શિक्षક*_ શિખવાડી ગયા…પણ,
    ‘બે માંથી એક બાદ કરો તો,એકલા થઇ જવાઈ’
    -એવુ *_જીંદગી*_ શિખવાડી ગઈ !

    Liked by 1 person

  16. pravinshastri October 19, 2016 at 1:20 AM

    આપણી જાણબહાર આપણે પત્નિની હૂંફ, પ્રેમ અને કાળજીના પરાવલંબી બની જઈએ છીએ. શારિરિક આઅર્થિક રીતે સક્ષમ હોવા છતાં જે ગુમાવીએ છીએ તે વ્યથા કહેવાતી નથી અને સહેવાતી નથી. જ્યારે વ્યાવસાયિક કે કૌટુંબિક કારણે યુવાનીમાં જ સંતાનથી છૂટા થઈ ગયા હોય અને એકલા થઈએ ત્યારે આધેડ થઈ ચૂકેલા સંતાન સાથે રહેવાનું થાય ત્યારે બન્ને પક્ષે ન છૂતકે નિભાવતા હોય એવી અનુભૂતી થાય. ચાલશે, ભાવશે, ફાવશે, ગમશે એ માત્ર આવરણ છે.

    Liked by 1 person

  17. aataawaani October 19, 2016 at 1:07 AM

    પ્રિય મિત્રો
    ફક્ત થોડા દિવસ માટે હું અને કમ્પ્યુટર જુદાઈનો આનંદ લઈશું .
    એટલે કોઈને મારાથી જવાબ નહીં અપાય .

    Liked by 1 person

  18. mhthaker October 19, 2016 at 12:05 AM

    pravinbhai,
    once again you have touched very touchy topic of reality of life..you expressed it touching all aspect and children with different profession and family..yes we get used to this life to stay in comfort zone…with wife like Sarala…
    i think we should fight a lot before parting–so as pragnaben says we can sing a song with in heart “bhalu thayu bhangi janjal….”
    yes as we cross certain age say 70+ or more so when 80+ this becomes our constant fear…
    in india dongare maharaj and other has taught ” chalshe- favashe- gamashe”
    i think diverting mind from same recording can help- but as said in comment above
    સ્વાનુભવ વગર આ સુખનો અંદાજ આવવાનું મુશ્કેલ છે
    and you concluded: દરેક વ્યક્તિએ પોતાના ભાવીજીવનનો ચિતાર અત્યારે જ કલ્પીને માનસિક તૈયારી રાખવાની જરૂર છે.
    we can discuss individually what way we are preparing ourselves..how ever vacuum we all will face..no preparation of swimming withought plunging into will help us…but yes can give us direction like Map.

    Liked by 1 person

  19. pravinshastri October 18, 2016 at 11:27 AM

    તૃપ્તીબન વારતા કહો કે માત્ર વાત પણ આ એક વિધુરની વાત નથી આપના પિતાશ્રી જેવા અનેક વિધુરો આ માનસિક દશામાં જીવી રહ્યા છે. વિધવા મા તો ઘરની કામવાળી તરીકે પણ જીવી જાય. હૈયામાં મમતા જીવતી હોય. પુરુષનો ઈગો અને અપેક્ષા વ્યક્ત કરવાનું અઘરું છે. વિધવા રડી શકે છે. વિઘુર તો રડી પણ શકતો નથી.

    Like

  20. Satish Parikh October 18, 2016 at 11:03 AM

    સંતાન એમના બાપને હડધૂત કરે છે?જી ના, પણ સંતાનો ને પણ તેમની જિંદગી છે. તેથી બને ત્યાં સુધી જુદા રહેવામા જ આનંદ છે. વિધુર ની કહાની હર્દય ને હચમચાવી ગયી, પણ સામાન્ય રીતે દરેક વ્યક્તી એ આ પરિસ્થીતી મા થી મને યા ક મને પસાર થવુ પડે છે.સ્મય અને સંજોગો ની સાથે હસતા હસતા લડી લેવા મા જ આપણી મર્દાન્ગી ના દર્શન થતા હોય છે.

    Liked by 1 person

  21. Trupti October 18, 2016 at 9:50 AM

    don’t know what to say,it’s so real and true that it made me more sad by thinking about my father who is all alone in India and without my mom , seems like he has lost his identity. He doesn’t want to come here and stay with me because of all the unsaid reasons you just mentioned in the article.

    Liked by 1 person

  22. pragnaju October 18, 2016 at 7:29 AM

    અમેરીકાની વાત અનોખી…ટેવાવું પડે પણ અમારા ન્યુજર્સીના સ્નેહી કહે છે-પુરુષ સ્ત્રીના વિરહમાં ઝૂરી રહ્યો છે એવું માની લેવામાં આવે તો એ વખતે કરુણારસ નહિ, હાસ્યરસ જ પ્રગટે. આવા વિરહી પુરુષની સૌ મજાક જ ઉડાવે.સ્ત્રી ગુજરી જાય છે ત્યારે પતિના હૃદયને ખાલી ચડતી નથી. હા, પતિનું હૃદય ભરાઈ જાય છે પણ શોકથી નહિ, હર્ષથી. આવી માન્યતા ઘણી પ્રબળ છે. આઝાદી મળવાની હોય ત્યારે હૃદયમાં ઊભરાતો આનંદ હૃદયમાં સમાવવાનું ઘણું અઘરું છે. મુકમ્મિલ આઝાદી એટલે કેવી ? ચરણ ચાંપી મૂછ મરડી કોઈ કાચી ઊંઘે જગાડી દેનાર ન હોય, હવે છાપું મૂકો ને બ્રશનું પતાવો, નાહી લો. એવું કોઈ કહેનાર ન હોય, હવે નાચનખરાં કર્યા વગર જે છે તે ખાઈ લો એવી આજ્ઞા કરનારું કોઈ ન હોય – ‘માંહી પડ્યા તે મહાસુખ માણે’ એવી આ વાત છે. સ્વાનુભવ વગર આ સુખનો અંદાજ આવવાનું મુશ્કેલ છે
    આજ મહારાણી ! પ્રભુ ઘર જતી જોઈને
    પતિના હૃદયમાં હર્ષ જામે.’…જેવા જેના અનુભવ

    Liked by 1 person

  23. Tushar Bhatt October 18, 2016 at 6:17 AM

    Uttam prakirna prasadi. Aa paristhti anhi pan thai shake chhe..etle ummar dhalata mansik rite taiyari rakhi hoy to j haste modhe sahan kari shako.Ne…..no other way!

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: