ઝાંખ-કૌશિક દીક્ષિતની વાર્તા પ્રસાદી

kaushik-dixita

મિત્ર  શ્રી કૌશિક દીક્ષિતની સંવેદના સભર વાર્તા પ્રસાદી

ઝાંખ

આજે  રમણીકલાલની વર્ષગાંઠ હતી.ચાર વર્ષ અગાઉ ભદ્રેશ અને મેધાએ તેમને બધાના હિતમાં (?) વૃદ્ધાશ્રમમાં મૂક્યા હતા. પછી, દરવર્ષે,  દિવાળી અને રમણીકલાલની વર્ષગાંઠ એમ બે પ્રસંગોએ ભદ્રેશ મિઠાઈ  લઈને  વૃદ્ધાશ્રમમાં આવતો. આજે વર્ષગાંઠ હતી  એટલે રમણીકલાલ વૃદ્ધાશ્રમને ઓટલે બેસી ભદ્રેશની ખુબ જ આતુરતા પૂર્વક  રાહ  જોઈ  રહ્યા  હતા.

ઉચ્ચ હોદ્દાની  સરકારી નોકરીમાંથી રમણીકલાલ છ વર્ષ પૂર્વે જ રીટાયર  થઇ ચૂક્યા  હતા. રીટાયર થવાના  ચાર જ મહિનામાં તેમના પત્ની રાધિકાબેનનું અવસાન થઇ ગયું હતું. નવરંગપૂરાના વૈભવી વિસ્તારમાં  તેમનો ચાર રૂમનો આલિશાન બંગલો હતો. કાલે ઉઠીને પંડને કાંઈ થાય તો મિલકતની  ટ્રાન્સફર-વિધિ ભદ્રેશને  ફાવે કે ન  ફાવે, તેવી ગણતરીથી એમણે તે બંગલો ભદ્રેશ અને મેધાના નામે કરી દીધો  હતો. હિતેછુઓએ તેમ  કરવાની સ્પષ્ટ ના પાડી હતી. પણ-‘ મને  મારા લોહીમાં  અને ભદ્રેશમાં ખુદ મારી  જાત કરતા વધારે વિશ્વાસ છે’-તેવું  ધ્રુવ વાક્ય  તેઓ દરેક  મિત્ર સાથેની  ઉગ્ર  ચર્ચાને અંતે  બોલતા. અને  મિત્રો- હિતેચ્છુઓ ઝંખવાઈ  જતા.

ભદ્રેશ તેમનો  એકનો એક દીકરો. એમ.બી.એ. થયા પછી તે  અનંત ઓર્ગેનીક્સ લીમીટેડમાં  ફાયનાન્સિઅલ ડાયરેક્ટર બન્યો. ભદ્રેશને તેની બાની તો ખુબ માયા હતી, પણ રાધીકાબેનના અવસાન  પછી  કોણ જાણે કેમ  ભદ્રેશ અને રમણીકલાલ વચ્ચે અંતર  વધતું જતું  હોવાનું રમણીકલાલે અનુભવ્યું હતું.

રીટાયરમેન્ટના  વર્ષોમાં દર વર્ષે એક નવલકથા લખવાનો રમણીકલાલને ઉમળકો હતો. નોકરી  સાથે  પણ તેમના  બે નવલકથા અને ત્રણ  નવલિકા સંગ્રહો  બહાર પાડ્યા હતા. પણ વૃધ્ધાશ્રમની એકલતાએ તેમની લેખક તરીકેની  સર્જનશીલતા ખૂંચવી લીધી હતી. લખવાનું તો ઠીક, પણ  છેલ્લા કેટલાક સમયથી ડાબી આંખે ઝાંખું દેખાતું થયું  હોવાથી,ન છૂટકે વાંચવાનું  પણ  બંધ  કરવું પડ્યું હતું. તેમની  આંખ  હવે  માત્ર રડવાના કામમાં જ આવી શકે  તેમ હતી. હજી  રાધિકાબેન હોત  તો  વાત  જુદી  હતી, તેમના અતિ વાચાળ  સ્વભાવ અને રમણીકલાલની ઝીણામાં ઝીણી બાબતની કાળજી લેવાના તેમના સ્વભાવને કારણે રમણીકલાલને વૃધ્ધાશ્રમમાં  રહેવું  ખટકત નહીં

…અને વૃદ્ધાશ્રમના કંપાઉંડમાં  એક  નવી નક્કોર એસ્ટીમ  કાર  પ્રવેશી. “હજુ  ભદ્રેશ  આવ્યો  નહી”- એવો વિચાર રમણીકલાલને આવ્યો, તે સાથે જ, કાર  ઓટલા પાસે  આવી ને ઉભી  રહી. “આસમાની  રંગના સૂટમાં અને નેવી બ્લુ રંગની ડીઝાઈનર ટાઈમાં ભદ્રેશ  કેવો  શોભે  છે!”-રમણીકલાલ જાણે ફરી  એક  વખત  પોતાની  ત્રીસીમાં  ફરી  આવ્યા. ગાડીમાંથી ઉતારવાની  કોઈ  ચેષ્ટા ભદ્રેશે ન કરી એટલે,  રમણીકલાલ સામે  ચાલીને  કારના દરવાજા પાસે ગયા. ભદ્રેશે  બારીનો કાચ અર્ધો  ઉતાર્યો, ધુમાડાથી  બચવા નાક-મો પાસે રૂમાલ ધરી  રાખ્યો અને  ઔપચારિક રીતે જ પૂછ્યું –“ કેમ છો  પપ્પા, મઝામાં ને? તમારા જન્મ દિવસે તમને  અમારા  સૌ તરફથી પ્રણામ!”- પગે  લાગવાની કોઈ ચેષ્ટા હાથમાં રૂમાલ સાથે, નાક- મોઢું ઢાંકવાની ક્રિયા  સાથે ન થઇ  શકે  અને ન થઇ. જો કે, વૃધ્ધ માણસને આવી  બાબતોમાં  ઓછું આણવાનો અધિકાર  જતો  રહે  છે- તેના અનુભવો રમણીકલાલે પુરતા  પ્રમાણમાં કરી લીધા હતા.

“ બેટા ભદ્રેશ…” આગળ બોલવું કે કેમ તેની અસમંજસ રમણીકલાલ ભોગવતા હતા, તે છાનું  ન  રહ્યું. ગળે ભેરવેલી પોતડીના  છેડા કાંડે વીંટાળી- છોડી, વીંટાળી-છોડી, ભદ્રેશની સામે  જોયા  વગર જ તેઓ  બોલવા લાગ્યા… “ હું  જાણે એમ  કહેતો  હતો  કે- હા, પણ  તને  અનુકુળતા હોય તો જ, હં કે…” એમ કહેતાં ભદ્રેશની કારના કાચ ઉપર તાજી જ   પડેલી કબુતરની ચરક તેમણે પોતડી થી લૂછી નાંખી.

“બાપુ, ભૈ શા’બ,તમને લાંબી લાંબી પ્રસ્તાવના કરવાની ખોટી ટેવપડી  ગઈ  છે. મારે  હજુ સત્તર કામ  પડ્યા  છે. અને  તમે  ય તે  જાણે  વાર્તા લખવાના  મૂડમાં હોવ  તેમ…” રમણીકલાલના  એક માત્ર શોખને  વખોડતો હોય  તેમ ભદ્રેશ દાઢમાં બોલ્યો અને ઉમેર્યું, બોલો શું  કહેતા હતા? જલ્દી! ”

“ભૈ, મ’કુ મને આ ડાબી આંખે લગીર ઝાંખ વળે છે, તે તુ નવરો પડે તો કોઈ દાક્તરને બતાડી દઈએ. તું તો જાણે છે મને વાંચવા- લખવાનો કેટલો શોખ છે  તે. હા, અને  ઘરડા-ઘરના બીજા સભ્યોએ ભેગા  થઈને આજે મારી વર્ષ-ગાંઠ નિમિત્તે સત્યનારાયણની કથા રાખી  છે, તે પ્રસાદ લેવા  રોકાય છે ને, ભૈ? કિંજલ અને  મોન્ટુને  લાવ્યો  હોત તો ! કેટલાય દિવસથી છોકરાંવ ને  જોયાં નથી અને મેધા વહુ…”

“મેધા  અને  બાળકો શ્રીનાથ ને ત્યાં  ગયાં છે. બે દિવસ ત્યાં જ રહેવાના છે. શ્રીનાથની મોન્ટી ની બર્થડે પાર્ટી છે એટલે. અને ખરું કહું, બાપુ ,બાળકોને અહીંના વૃધ્ધ વાતાવરણમાં, અહીંના  નેગેટીવ વાઈબ્રેશનમાં લાવવાની મારી સ્હેજે  ઈચ્છા નથી. અહીંના  વૃધ્ધોને જીવન  જીવવા કરતાં નવા-નવા પ્રશ્નો ઉભા  કરવામાં જ રસ  છે. તમે ય તે આ આંખની  બાબત…ઠીક  છે, કાલે  રોટરી ક્લબ તરફથી નેત્ર –યજ્ઞ છે. ધોન્ડું ને  કહીશ  તો તમને  આવી ને લઇ  જશે. આમ પણ, આ ઉમરે હવે વાંચશો-લખશો નહીં  તો કાંઈ આસમાન  તૂટી પડવાનું  નથી  ને? સમજ્યા  તમે?” છેલ્લું  વાકય જો કે ભદ્રેશ ધીમે  થી બોલ્યો હતો, પણ    રમણીકલાલે સાંભળ્યું.

“ઠીક! ભાઈ! કથામાં તો રોકાય  છે  ને?”- પિતાનું હૃદય પૂછ્યા સિવાય ન રહી શક્યું.

“ બાપુ,  સત્યનારાયણ ની કથા  કે  પ્રસાદ કશા  માટે  રોકાવાય  એવું  નથી. અને તમે  તો  જાણો  છો કે  હું  આવી  બધી  વેવલાશમાં માનતો નથી.” પછી  ડ્રાઈવર તરફ ફરીને તેને  ઉદ્દેશીને ભદ્રેશ બોલ્યો- “અરે અબ્દુલ, હજુ સુધી જલેબીનો કરંડિયો ઉતારીને  રસોડામાં  મૂકી  આવ્યો નથી? બહુ ઠંડો છે, ભાઈ તું તો! અહીંથી મારે ઓફિસમાં  જઈને એક વાગ્યા પહેલા શ્રીનાથને ત્યાં પહોંચવાનું છે. લંચ માટે. ક’મોન, હરી અપ”

ડ્રાઈવર અબ્દુલ ગાડીની ડીકીમાંથી જલેબીનો કરંડિયો ઉતારી, લગભગ દોડતો જઈ વૃદ્ધાશ્રમના  રસોડે મૂકી  આવ્યો. પાછા વળતાં રમણીકલાલનો ચરણ સ્પર્શ કરીને ‘સલામ માલિક’- બોલીને ગાડીમાં આવી  બેઠો અને ગાડી ચાલુ કરી.

ઓફીસ પહોંચીને તરત જ ભદ્રેશે ઇન્ટરકોમ ઉપર સંદેશો આપ્યો-ધોન્ડુકો ભેજો.” ભૂલી  જવાય તે પહેલાં જ ભદ્રેશ ધોન્ડુને કાલે, રમણીકલાલને નેત્ર-યજ્ઞમાં  લઇ  જવાનું કામ  સોંપી દેવા  માંગતો  હતો.

“ સર, ધોન્ડુ આજ નૈ આયા, ઉસકા મમ્મીકુ  આજ કેટરેક્ટ કા ઓપરેશન હૈ”- સામે  છેડેથી મદ્રાસી સ્ટેનોગ્રફરે જવાબ  આપ્યો. ભદ્રેશે ગુસ્સામાં ટેલીફોન પછાડ્યો અને  બબડ્યો- “આ સા..પટાવાળાની જાત! આખ્ખી જીંદગી પટાવાળો રહેવા જ સર્જાયો છે. સાલ્લી કોઈ  સિન્સીયારીટી જ નહિ, હં …”

…અને લંચ ટાઈમે શ્રીનાથને ત્યાં જવા ભદ્રેશે ગાડી  કાઢી. ઓફિસની બહાર નીકળતાં જ વળાંક પાસે ધોન્ડુ દેખાયો. ફૂટ-પાથ ઉપર, કોઈ વૃદ્ધને બે હાથે ઊંચકી ને  જતો  હતો. ભદ્રેશે કાર  ઉભી  રાખી અને હોર્ન મારી ને ધોન્ડુનું ધ્યાન ખેંચ્યું. ચમકી ને ધોન્ડુ પણ ઉભો  રહી  ગયો. અને ભદ્રેશને જોતાં જ, હાથમાંના વૃધ્ધ ને ખુબ પ્રેમથી બાજુના ઓટલા ઉપર  બેસાડી, ગાડી પાસે  આવ્યો, ‘સલામ સાહિબ” કહીને ઝૂકીને ઉભો  રહ્યો.

“આજ ઓફીસ કો  ક્યોં …”ભદ્રેશનો પ્રશ્ન પૂરો  થાય તે પહેલા જ ધોન્ડુ બમ્બૈયા હિન્દીમાં બોલ્યો – “મૈ  કુલકર્ણી સા’બ કો બોલા થા. આજ અપુન કાબાપુ  કા જનમદિન હૈ, સા’બ. ઇસકે  વાસ્તે સુબહમે સત્યાનારાયણ કા પૂજા રખ્ખા થા. ઔર અભી બાપુકો ભદ્દરકાલી કે  દરસન કુ જાનેકું મં­­ગતા થા તો વહીં  લે કે જાતા  હું. આજ મેરી  માં કુ કેટરેક્ટ કા ઓપરેસન કા વાસ્તે હોસ્પિટલ કુ લે ગએલા હૈ. ઇસ લિયે મૈ કલસે ડ્યુટી પર  આજાએગા. સા’બ ગલતી માફ  કરના”

… એટલું કહી ને ધોન્ડુએ તેના બાપુને ઉઠાવ્યા અને ચાલવા માંડ્યું ભદ્રકાળીના મંદિરની દિશામાં. ધોન્ડુના  મો  ઉપર સામાન્ય થાક સિવાય ચીડ કે ગુસ્સાનો કોઈ ભાવ  ન હતો તે ભદ્રેશે નોધ્યું. ધોન્ડુના બાપુનું  મોં બોખું હતું, અશક્ત હતું. પણ તેને પોતાનું આવું જીવન પણ સાર્થક લાગતું હતું.

ભદ્રેશે કારમાં બેઠા બેઠા  જ શ્રીનાથના  ઘરનો નંબર જોડ્યો. સામે  છેડે મેધા  હતી, અને ગુસ્સામાં  હતી, તે  તેનું ‘હેલ્લો’ સાંભળતાં જ ભદ્રેશ જાણી શક્યો. ભદ્રેશે કહ્યું-“હં, મેધા, સાંભળ, ધ્યાનથી સાંભળ. વચ્ચે બીજા કોઈ પ્રશ્નો પૂછીશ નહી. મારે કશું સાંભળવું નથી. હું અત્યારે જ બાપુને લઈને ડોક્ટર બાવીશીની આંખની હોસ્પીટલમાં જાઉં  છું. હજુ હું વૃધ્ધાશ્રમ જઈશ, બાપુ તૈયાર થશે. પછી  નીકળીશું. સાંજે આવતા મોડું  થઇ શકે  છે. કેક વા મારી  રાહ  જોવાની જરૂર નથી. અને હા, શ્રીનાથને સોરી કહેજે.  હું  તેને  મોડેથી ફોન તો કરીશ જ.”- એટલી ટૂંકી વાત સાથે તેણે ફોન બંધ કર્યો.

…અને વૃધ્ધાશ્રમ ખાતે આવી ને, કાર લોક કરવાની પણ દરકાર ન કરતાં ભદ્રેશ રમણીકલાલના રૂમમાં ગયો. રમણીકલાલ કશું સમજી શકે  તે પહેલાં જ, રમણીકલાલનો ચરણસ્પર્શ કરીને ભદ્રેશ બોલ્યો-“ બાપુ, ઝટ તૈયાર  થઇ જાવ. આંખની હોસ્પીટલમાં જઈ જ  આવીએ. અને હા, સત્યનારાયણની કથા થઇ ગઈ  હોય  તો મારો પ્રસાદ  રાખ્યો છે  કે નહિ? મને  ભૂખ પણ લાગી છે.”

કેળના પાનમાં  પીરસાએલો સોડમદાર શીરો ખાતાં-ખાતાં ભદ્રેશે વિચાર્યું- “ધોન્ડુની જેમ હું મારા બાપુ ને ઊંચકી શકું  કે  નહિ?” તૈયાર થઇ ને આવેલા રમણીકલાલને ઊંચકી જોવાનો  પ્રયત્ન કરતાં ભદ્રેશ બોલ્યો- “બાપુ તમારું વજન થોડુંક જ ઓછું હોત  તો હું તમને ઊંચકી ને જ દવાખાને  લઈ જાત, બોલો!”

આટલું નાટકીય રીતે વર્ત્યા છતાં, મહાબોળે રોકેલો ડૂમો ભદ્રેશના  ગળે  બાઝ્યો. ઉપલો હોઠ નીચલા હોઠ નીચે દબાવીને તેણે રડવા ઉપર માંડ કાબુ મેળવ્યો.

રમણીકલાલની ડાબી  આંખે આમે ય ઝાંખ વળતી  હતી. આંસુ ને કારણે  આજે  જમણી  આંખે પણ ઝાંખ  વળી.

-કૌશિક દીક્ષિત.

Advertisements

13 ટિપ્પણીઓ (+add yours?)

 1. pragnaju
  નવેમ્બર 01, 2016 @ 06:52:52

  વૃદ્ધાશ્રમ ની વેદનાની સંવેદનશીલ રજુઆત
  હવે તો આવી સ્થિતીથી ટેવાઇ જાતે જ વૃદ્ધાશ્રમમા દાખલ થવું જોઇએ

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   નવેમ્બર 01, 2016 @ 11:37:46

   જો સ્વાસ્થ્ય સારું હોય, આનંદી સ્વભાવ હોય તો વૃદ્ધાશ્ર્મમાં પણ જલસા જ જલસા છે. આજ ના યુવાનોને એક શીખામણ….ઘડપણ માટે પૈસા બચાવો અને સારા સીનિયર હોમમાં સમવયસ્કો સાથે આનંદથી આખરી દિવસો પસાર કરો. એકલા હશો તો પણ કમ્મર કે પેટમાં દુઃખશે અને પાસે પંદર પૂત્રો ઉભા હશે તો પણ કમ્મર કે પેટમાં દુખશે જ. શરીર છે!!!

   Like

   જવાબ આપો

  • Kaushik
   નવેમ્બર 03, 2016 @ 17:59:08

   આભાર, મારી રચનામાં રસ લેવા બદલ.

   Like

   જવાબ આપો

 2. deejay35(USA)
  નવેમ્બર 01, 2016 @ 19:58:45

  માયા છુટે તો જ એ શક્ય બને!

  Like

  જવાબ આપો

 3. aataawaani
  નવેમ્બર 03, 2016 @ 09:40:49

  પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ
  તમારા તરફથી શ્રી કૌશિક દીક્ષિત નો કરુણતા સભર લેખ વાંચ્યો .,આવા અસર કારક લેખ બદલ કૌશિક દીક્ષિતને ધન્યવાદ અને તમને પણ આવો લેખ પીરસવા બદલ ધન્ય વાદ
  दुनियामे बुजुर्गोंको सुख चैन नही है आराम नही है
  કોડી કરતા વ્યાજ વ્હાલું એ ઉક્તિ પ્રમાણે પોતાના પૌત્રોને વ્હાલ કરવા જાય ત્યારે દીકરો અને વહુ બન્ને તાડુકીને બોલે બાપા બાળકોથી દૂર રહો . તમારી કુટેવો બાળકો થી શીખી જવાશે .
  पौत्रोंको साथ खेलते पुत्रो को नही पसंद कहते है तम्हारी कुटेव उनपर पड़ेगी
  अब इजाहर करे किस्से किसीको न समय है वोह्भीतो अपनी झंझटमे फंसे पड़े है
  आता श्री एक ऐसा है दुनियासे निराला अपनेही ख़ानदान से वो बहुत दूर है
  આતા હવે ખોટું નહીં બોલતા હવે તમે તમારા કુટુંબથી બહુ દૂર નથી . હવે તમે તમારા પૌત્રના પરિવાર સાથે રહો છો . તમને તમારે ઘરે એરીઝોનથી તમારા પૌત્ર અને પૌત્ર વધુએ વનવેની ટિકિટ મોકલી પોતાની સાથે રહેવા બોલાવી લીધા છે .

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   નવેમ્બર 03, 2016 @ 10:33:28

   આતાજી આપ કોમપ્યુટર પર પાછા ચાલુ થઈ ગયા તેનો આનંદ થયો. નવર્ષના મારા અને મારા પરિવારના સાદર પ્રણામ.
   ૨૫ ઓક્ટો.ને રોજ, એક પુસ્તક વિમોચનમાં દેવભાઈ મળ્યા હતા. આપની હેલ્થ અંગે વાતો થઈ હતી. ડેવિડ ધન્યવાદ પાત્ર પૌત્ર છે. આનંદથી એની સાથે શેષ સમય પસાર કરો. મન મૂકીને લખતા રહો. મારી ગાંડી ઘેલી વારતાઓ વાંચતા રહો. પિતરીની વાત કોઈને કહેવાની નહિ. મનમાં રાખીને મનમાં ને મનમાં રાજી થતાં રહેવું.

   Like

   જવાબ આપો

  • Kaushik
   નવેમ્બર 03, 2016 @ 18:04:08

   વડીલ શ્રી, આપના પ્રોત્સાહક શબ્દો મારે માટે અતિ મુલ્યવાન છે. મારા પિતાશ્રીને પણ મેં જીવનમાં ઘણે તબક્કે, જાણે અજાણ્યે દુભવ્યા જ હશે. તે અપરાધભાવમાંથી જ આ વાર્તા જન્મી છે.

   Liked by 1 person

   જવાબ આપો

 4. Amrut Hazari.
  નવેમ્બર 03, 2016 @ 11:04:21

  જીવનની સચ્ચાઇને શાબ્દિકરુપ આપીને કૌશિક દીક્ષિતે આ વાર્તા નથી લખી…..જીવનની અનેક સચ્ચાઇઓને સમાજ સમક્ષ પેસ કરી છે. અેક…વૃઘ્ઘ કદી નહિ થવું…મનથી અને હૃદયથી…શરીર ભલે પોતાની ઉપર વરસોના થર ચઢાવે. વૃઘ્ઘ કે ઘડપણ શબ્દો જ માણસને પાંગળો બનાવે છે. હંમેશા પોઝીટીવ થીંકીંગવાળા રહો.ભદ્રેશમાં રમણીકલાલનો ઓવર કોન્ફીડન્સ…ભૂલ હતી….અેક નીગેટીવ થીંકીંગ કહે છે…‘ કોણ રે બાંઘે અમને તોરણે ? અમે પાખરના પીળા પાન.
  ‘ ન કહો કે ઘડપણ અાવ્યું, અેમ કહો કે ડહાપણ આવ્યુ.. સારા માઠા અનુભવોનું જ્ઞાન , જુઓ તો મણ મણ આવ્યુ.‘
  ભદ્રેશની આંખ ખૂલી અે અેક ચમત્કાર છે. ઘરમાં વહુના અાવ્યા બાદ આવી રીતે અાંખ ખૂલવી અે અેક ચમત્કાર છે. રમણીકલાલ લકી હતાં…અશક્ય..શક્ય બન્યું
  રોજીંદી કશ્મકશને જ્ઞાન બનાવી જીવવું હોય તો આ વારતા….જેટલે ઘરે પહોંચાડાય તેટલે ઘરે પહોંચાડો…સત્ય બોલી રહ્યુ છે.

  Liked by 1 person

  જવાબ આપો

 5. Jaykant
  નવેમ્બર 04, 2016 @ 21:46:54

  સરસ વારતા

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: