સમય સમય બલવાન હૈ-હરનિશ જાની.

અમેરિકામાં વર્ષમાં બે વાર સમયની ફેરફૂદરડી થાય છે.

daylight-savingtime

આ વર્ષે એટલે કે ૨૦૧૬માં ડે લાઈટ સેવિંગ સમય, રવિવાર માર્ચની ૧૩ તારીખ બે વાગ્યે સવારે (અરે ભાઈ આપણે માટે તો આગલી રાતના બે વાગ્યા કહેવાય) શરૂ થયો હતો અને રવિવાર નવેમ્બર ૬ તારીખે સવારે બે વાગ્યે પૂરો થયો.

હરનિશ જાનીનો આ લેખ કોઈક પત્ર કે પુસ્તકમાં આ પહેલાં વાચ્યો હોય તો તો પણ ફરી વાંચવો ગમશે જ. તો વાંચો……

 સમય સમય બલવાન હૈ 

        harnish jani

        હરનિશ જાની.

તેરમી માર્ચે એક મિત્રનો અમદાવાદથી વહેલી સવારે ફોન આવ્યો.”સમય બદલ્યો કે નહીં?” મારે પૂછવું પડ્યું, “શાનો સમય?” તે બોલ્યા,“કેમ વળી ભૂલી ગયા.તમારે ત્યાં આજથી ડે લાઇટ સેવિંગ્સ ટાઇમ ચાલુ થશે ને !” તેમની વાત સાચી હતી-આજે તો મારે ટાઇમ બદલવાનો . ઘડિયાળ એક કલાક આગળ કરવાનાં .મેં કહ્યું “સારું થયું તમે યાદ કરાવ્યું.”પછી તે મારી ભૂલ પર હસવા લાગ્યા. એમણે મને વિચાર કરતો કરી મુક્યો. આપણાં લોકોને જેટલી અમેરિકાના સમયની ખબર છે. તેટલી તેમના ગામના સમયની ખબર નહીં હોય. અને મને આ નવા જમાના, નવી ટેકનોલોજી પર વિચાર આવ્યો. કોમ્પ્યુટર,મોબાઇલ ફોન અને અઢીસો ચેનલવાળા ટીવીના જમાનામાં અમેરિકા હવે ભારતીયો માટે ફોરેન રહ્યું નથી. ન્યુ જર્સીમાં ઠંડી પડે કે પુર આવે તેની ખબર ભરુચમાં સી.એન.એન. જોનારને પહેલી પડે!

                         મને એક ભૂંડો વિચાર આવ્યો. કે જો આ રીતે ઇન્ડિયામાં ડે લાઇટ સેવિંગ્ઝ ટાઇમ બદલાતો હોત તો?  જો કે આવો વિચાર જ વાહિયાત છે. મારા બાલુકાકા તો તુરત જ કહે,” જા સમય નથી બદલતો થાય તે કરી લે.” હકિકત એ છે કે બાલુકાકા ઘડિયાળ જ નથી રાખતા . સમયને અને એમને કાંઇ લેવાદેવા નહીં. હવે આવા બાલુકાકાઓ બસ સર્વિસમાં ડ્રાયવર હોય કે ટ્રેઇન ચલાવતા હોય તો?  પાંચની ટ્રેઇન પાંચ વાગે જ ઊપડે પછી ભલેને ઘડિયાળ એક કલાક વહેલી કરી હોય.અને કોઇ દોઢ ડાહ્યા ડ્રાયવરે સમય એક કલાક વહેલો કર્યો હોય અને ટ્રેઇન નવા ટાઇમ મુજબ પાંચ વાગે (જે જુના સમયના ચાર ગણાય) તમને આ વાત સમજાઇ? ન સમજાઇને? તો પેલા ડ્રાયવરોને ક્યાંથી સમજાય?) સમય બદલવાના દિવસે જ સેંકડો ટ્રેઇનો અથડાય-આપણે પ્લેઇનોની તો વાત કરતાં જ નથી. જે પ્રજા હજુ સુધી ટ્રાફિકમાં લાલ લાઇટ થાય તો ઊભા રહેવાનું કે પછી રેલ્વે ફાટક પર રસ્તાની બન્ને બાજુ ટ્રાફિકથી નહીં ભરી દેવાનું જાણતી નથી- શીખી નથી. તેને સમય બદલવાનું કેવી રીતે કહેવાય? વન વે નો કાયદો ટુ વ્હિલર્સને તો લાગુ પડતો જ નથી. એવી રીતે કેટલા ય લોકો કહે કે સમય બદલવાનું અમને નહીં કહેવાનું. અમારા ધંધામાં સમયની જરૂર નથી.

                        અમેરિકા,યુરોપ અને ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ જેવા દેશો સમય કેમ બદલે છે? કહેવાય છે કે જ્યારે બેન્જામિન ફ્રેન્કલિન પેરીસમાં હતા ત્યારે અઢારમી સદીમાં પ્રકાશ માટે મિણબત્તી વપરાતી.ફ્રેન્કલિન સાહેબે નોંધ્યું કે ઉનાળામાં સૂર્ય વહેલો ઉગે છે ત્યારે લોકો ઊંઘતા હોય છે.તેમણે વહેલા ઊઠીને તડકાનો લાભ લેવો જોઇએ અને જો વહેલા ઊઠે અને વહેલા સુએ તો રાતે મિણબત્તીનો વપરાશ ઘટે. એટલે લોકો છ વાગે ઊઠતા હોય અને સૂર્ય પાંચ વાગે ઊગતો હોય.તો સૂર્યને તો કાંઇ કહેવાય નહીં કે તું છ વાગે ઉગ એટલે લોકોને કહેવાનું કે તમે છ વાગે જ ઊઠો

. અને બીજા વિશ્વ યુધ્ધ પછી બધા યુરોપિયન દેશોએ એ વાત સ્વીકારી.માર્ચમાં ઘડિયાળ આગળ કરો અને નવેમ્બરમાં પાછળ કરી, જગતના સ્ટાન્ડર્ડ ટાઇમ સાથે આવી જાવ. પહેલાં મિણબત્તીઓ બચતી. હવે હજારો ગેલન ઓઇલ બચે છે.

                  આપણે ત્યાં પણ ઊનાળામાં દિવસ લાંબો થાય અને શિયાળામાં ટૂંકો થાય તેમ છતાં ભલૂ  થજો અંગ્રેજોનું કે બધી રીતે ગુંચવાયલા દેશને સમયની ઝંઝટમાં વધુ ન ગુંચવ્યો.કદાચ એ લોકો દેશના ભાગલા પાડવામાં બિઝી હશે.બાકી ધડિયાળ માર્ચમાં આગળ કરવાનું કે પાછળ તેની લોકોમાં ચર્ચાઓ થાય તે જુદી..અડધા ધડિયાળ આગળ કરીને બેઠા હોય અને અડધા લોકો પાછળ કરીને બેઠા હોય.

 જો આ સમય બદલવાનો કાયદો આવ્યો હોત તો? આપણાં જન્માક્ષરોનું શું થાત? કન્યાનું લગ્ન લેવાનું હોય તો વરરાજા સાથે જ્ન્માક્ષર મેળવવા પડે ત્યારે શું થાય? ”અમારી બેબી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે કર્ક રાશીની છે.અને ડે લાઇટ સેવિંગ્સ ટાઇમ પ્રમાણે મકરની છે. તમારા છોકરાની કઇ રાશી છે?” “અમારો બાબો તો ડે લાઇટ સેવિંગ્સમાં જન્મયો છે તે વખતે એના ગ્રહો મજબૂત હતા એટલે ત્યારથી અમારું કુટુંબ તો ડે લાઇટ સેવિંગ્સ ટાઇમમાં જ માને છે.અને અમે ઘડિયાળ આગળ પાછળ કરતાં જ નથી.અમે તો ઘરના બધાંના જન્માક્ષર ડે લાઇટ સેવિંગ્સ ટાઇમ પ્રમાણે ફેરવી નાખ્યા છે.” જો આપણે ત્યાં સમય બદલાતો હોત તો દેશના ભાગલા જરૂર પડ્યા હોત.એક પક્ષ સ્ટાન્ડર્ડ ટાઇમવાળાનો જેમાં મારા બાલુકાકા નેતા બનત અને બીજો ડે લાઇટ સેવિંગ્સ ટાઇમવાળાનો. પછી સમયનું જે થવાનું હોત તે થાત. મઝા તો જોષીઓને પડી જાય.“યજમાન.તમારો બાબો જનમ્યો છે તો ખૂબ સરસ ગ્રહોની છાયામાં ડે લાઇટ સેવિંગ્સ ટાઇમમાં પરંતુ આમ જુઓ તો મૂળભૂત સમય પ્રમાણે ત્યારે મૂળ નક્ષત્ર ચાલતુ હતું. તો તેની અસર તો રહેવાની જ-એટલે મૂળ નક્ષત્રની વિધી કરાવો તો સારું.જેથી પાછળથી કાંઇ વહેમ ન રહે”  વહેમ હોય કે ન હોય પણ જ્યોતીષનો તો ધર્મ છે કે વહેમ ઊભા કરવા. એટલું ઓછું હોય તેમ લગ્ન સમારંભોના કે પછી બીજા જાહેર કાર્યક્રમોમાં બે ટાઇમ લખવા પડે.નવો અને જુનો.તેમાં દોઢ ડાહ્યા કહેશે કે “તમે જમણ જુના સમયે રાખ્યું હશે એમ સમજ્યા હતા અને તમે તો નવા એક કલાક પાછળનો સમય રાખ્યો. અને અમને કલાક બેસાડી રાખ્યા. “

                       હું અમેરિકા ૧૯૬૯,સપ્ટેમ્બરમાં ડે લાઇટ સેવિંગ્સ ટાઇમ ચાલતો હતો ત્યારે સ્ટુડન્ટ તરિકે આવ્યો હતો. હું અને મારા મિત્ર ગાંધી એક પ્રાઇવેટ હાઉસમાં ભાડે રહેતા હતા. અને ત્યારે ઓકટોબરમાં ટાઇમ બદલાતો. ગાંધી કોલેજમાંથી વાત લાવ્યા કે રવિવારે આપણે સમય બદલવાનો. કોલેજનો મેઇન ગેટ અમારા ઘરમાંથી દેખાતો હતો. તે રવિવારે અમે સમય તો બદલ્યો. પણ દૂરથી મેઇન ગેટમાં બધાં સ્ટુડન્ટસની અવર જવર દેખાતી હતી.અને અમને ન સમજાયું. આજે રવિવારે આટલા બધા સ્ટુડન્ટસ? એવામાં ગાંધીના મગજમાં વિચાર ઝબક્યો.”જાની, આ અમેરિકનો સમય જ નથી બદલતા પણ દિવસ પણ બદલે છે.નક્કી આજે સોમવાર થયો હશે.” અને અમે બન્ને જલ્દી જલ્દી તૈયાર થઇને સોમવારના ટાઇમ ટેબલ પ્રમાણેની બુક્સ લઇને ભાગ્યા કોલેજે. ત્યાં ગયા તો ખબર પડી કે તે દિવસે  વિયેટનામ વૉરની વિરુધ્ધમાં સ્ટુડન્ટસ રેલી હતી. અમને બન્નેને હાશ થઇ કે આખરે આ લોકોના મગજમાં સમયની સાથે સાથે દિવસ બદલવાની કુમતિ હજુ નથી ઘુસી.

                                  આપણે ત્યાં એક સત્તાપક્ષ સમય બદલવાનું નક્કી કરે. અને ચાર દિવસ પછી બીજો પક્ષ ,સત્તા પર આવે તો તે ગાંધીજીનું નામ લઇને ડે લાઇટ સેવિંગ્સ ટાઇમને ઘોળીને પી જાય. આમે ય આપણે કેટલી ઇલેક્ટ્રીસીટી વાપરીએ છીએ? જેથી કરીને ઓઇલ બચાવવાના છે ? આપણે ત્યાં લાઇટો ચાલુ હોવા કરતાં તો વધારે સમય તો ઊડી ગયેલી હોય છે ! એટલે સરકાર સમય બદલીને નહીં પણ આ રીતે ઓઈલ બચાવે છે!

Advertisements

8 ટિપ્પણીઓ (+add yours?)

 1. Vinod R. Patel
  નવેમ્બર 07, 2016 @ 12:48:16

  રવિવાર નવેમ્બર ૬ તારીખે ઘડિયાળને એક કલાક પાછળ મુકવાનું છે એ ભૂલી ગયેલો એટલે ઉઠતાં જ સવારે નવ વાગી ગયા છે એમ માની એક ટી.વી. કાર્યક્રમ ચાલુ કર્યો ત્યારે જ ખબર પડી કે ખરેખર આઠ થયા છે.આમ સમયમાં થતો ફેરફાર ઘણી વાર થાપ ખવડાવે છે.

  શ્રી હરનીશભાઈ સિવાય આ વિષય ઉપર હાસ્ય કોણ ઉપજાવી શકે ! હમ્મેશ મુજબ હરનીશભાઈનો આ લેખ પણ મજાનો રહ્યો ,ફરી વાર વાચ્યો હોવા છતાં ફરી વાંચવાનું મન કરે એવા લેખો લખવા માટે હરનીશભાઈને અને એને પોસ્ટ કરવા માટે આપને ધન્યવાદ.

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   નવેમ્બર 07, 2016 @ 13:23:38

   મિત્ર તરીકે જણાવીને છડેચોક ઊઠાંતરી કરી કરી લીધી. જણાવી દીધું કે બ્લોગમાં મૂકી દીધું. મંજુરીની રા હ નથી જોઈ. રોયલ્ટી બોયલ્ટી માંગશે તો ડિન્ગો બતાવીને પોસ્ટ ડિલીટ કરીશ. એટલા સમયમાં જે વાંચશે તે હરખાશે.

   Liked by 1 person

   જવાબ આપો

   • Vinod R. Patel
    નવેમ્બર 07, 2016 @ 13:40:02

    હરનીશભાઈ ને કશો વાંધો નહી હોય. એમના સાહિત્યને લોકો વાંચે તો એથી એ ઉલટા ખુશ થાય છે એવો મને અનુભવ છે. સૌરભ શાહની જેમ એ આભડછેટ રાખતા નથી.

    Liked by 1 person

    જવાબ આપો

    • pravinshastri
     નવેમ્બર 07, 2016 @ 18:02:45

     હવે સૌરભને વાંચવાનું પણ બંધ કર્યું છે. એવું જ નવીનભાઈ સાથે છે. એમના લેખ પણ આવી રીતે જ લઈ લઉં છું. ચોરી નથી કરતો. મારા વાચકો ને કહી દઉં છું કે આ મારો માલ નથી “ફલાણા”નો લૂટેલો માલ છે.

     Like

     જવાબ આપો

 2. મનસુખલાલ ગાંધી
  નવેમ્બર 07, 2016 @ 14:28:04

  આવા હાસ્ય લેખો અને એમાંય તે હરનીશભાઈના હોય તે ફરી ફરીને પણ વાંચવાનું ગમે.

  Liked by 1 person

  જવાબ આપો

 3. pragnaju
  નવેમ્બર 07, 2016 @ 16:13:45

  વાહ મુ પ્રવિણભાઇ ! અમે મુકૂં મુકૂં કરીએ તે પહેલા તમે મૂકી દીધો
  બન્ને ન્યુ જર્શીના !
  એક કલાક મોડું અને અને રાત્ર ઘડીઆલમા ફેરફાર કરેલો તેથી આરામથી ઉઠ્યા…
  (આમ તો હરામમા પણ રામ આવે છે!)
  ………………
  ‘ જણાવી દીધું કે બ્લોગમાં મૂકી દીધું. મંજુરીની રા હ નથી જોઈ. રોયલ્ટી બોયલ્ટી માંગશે તો ડિન્ગો બતાવીને પોસ્ટ ડિલીટ કરીશ. એટલા સમયમાં જે વાંચશે તે હરખાશે.’
  હવે તો મેરી ભેંસ કો ડંડા ક્યું મારા ? જેવી સ્થિતી નથી…બાકી
  અંધારું – માટે હિરલને ૧૫૭ પ્રતિભાવ …ખાઉં કરડુના
  ત્યારે બીક લાગતી કે આ પોરી ગાંડી થઇ જવાની- હવે તો લેખક હ જા (પાછળ મ ન લખી દેવાય)
  લખો તો ય ચાલે આગળ સૌજન્ય કે મેં ઇ- પત્રથી મંજુરી લીધી છે તે સહી દસ્તક સાથે ન લખો તો ચાલે…
  હવે તો
  એક જ દે પ્રતિભાવ મહાશય
  બધાંને થોક બંધ અને અમને એક પણ નહી !
  જોઇએ તો રેશનાલીસ્ટ પાસે ઇર્નેશનલ લખાવ
  જોઇએ તો વાડકી વહેવાર નીભાવ પણ
  આ ઉપેક્ષાના ભાવ!
  જોઇએ તો હું એક પ્રતિભાવ પાછળ ‘આભાર’ લખી બે કરીશ
  જોઇએ તો ધગેડાને તાવ આવે તેવી રચના પર સાડી કરતા ચણિયો મોટો જેવો પ્રતિભાવ લખીશ
  ( અમારા શિક્ષક કહેતા પ્રતિભાવ સ્કર્ટ જેવો છે મોટો પણ ન ચાલે અને નાનો પણ ન ચાલે}

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   નવેમ્બર 07, 2016 @ 17:58:19

   કેટલીકવાર મિત્રો સાથે ગુંડાગીરી કરવી પડે. હક્કથી તફડાવી લેવું.
   બીજી વાત…..સ્કર્ટની સાઈઝ માટે મારે કંઈજ બોકવું નથી. અને હવે ક્યાં કોઈ સ્કર્ટ પહેરે છે?

   Like

   જવાબ આપો

 4. harnishjani52012
  નવેમ્બર 07, 2016 @ 22:22:57

  Woman’s skirt should be longલેખ enough to cover the subject and short enough to keep the interest,
  લેખ વા;ચવા બદલ સૌ મિત્રોનો આભાર. અને લેખ લેવા બદલ પ્રવિઢભાઈનો આભાર.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: