અંદાઝે બયાં – સંજય છેલ

 

sanjay-chhel

અંદાઝે બયાં – સંજય છેલ

જેમની અનુમતીથી એમનો લેખ પોસ્ટ કર્યો છે એઓ શ્રી સંજય છેલ એક જાણીતા વાર્તાકાર, કટાર લેખક અને ફિલ્મકાર છે. એમણે પચ્ચીસ કરતાં વધુ ફિલ્મવાર્તાઓ લખી છે કે એનું દિગ્દેશન સંભાળ્યું છે. સાહિત્ય જગતમાં એમનું નામ અજાણ્યું નથી જ.

હિંદી ફિલ્મી ગીતોનું નોબેલ પ્રાઇઝ કોને મળી શકે?
અંદાઝે બયાં – સંજય છેલ

 sailendra

ફિલ્મી ગીતોને સાહિત્યનો દરજ્જો આપનાર શૈલેન્દ્ર એક આમ આદમીનો ગીતકાર હતો. રાજ કપૂર, બિમલ રોય, વિજય આનંદ જેવા અનેક મહાન ફિલ્મકારોની ફિલ્મો શૈલેન્દ્રનાં ગીતો વિના કલ્પવી એટલે રંગ વિના રંગોળીને કલ્પવા જેવી અસંભવ વાત છે

 

પોપ સોંગ્ઝ માટે બોબ ડિલનને સાહિત્યનું નોબેલ-પ્રાઇઝ મળ્યું ત્યારે જગભરમાં ઊહાપોહ થયો કે એને સાહિત્ય માટે મળવું જોઇએ કે ગીત-સંગીત માટે?એ બધી ચર્ચા બાજુએ મૂકીએ પણ જો હિંદી ફિલ્મોનાં ગીતો માટે કોઇને નોબેલ પ્રાઇઝ મળે તો કોને મળે? આમ તો શૈલેંદ્ર, સાહિર, મજરૂહ, શકીલ, પ્રદીપજી, ઇંદીવર, નીરજ, આનંદ બક્ષી કે ગુલઝાર જેવા નામ સૂઝે છે કારણકે એ બધાંએ હિંદી ફિલ્મોની બેજાન અને ટિપિકલ કથા-પટકથા પર અમૃત છાંટ્યું હોય એવાં મહાન ગીતો આપ્યાં છે. દરેક ગીતકારની પોતાની અદા છે કે દુનિયા છે. સાહિરના પ્રેમગીતો કે આક્રોશવાળાં ગીતો, મજરૂહની સંવેદનશીલ ગઝલો કે તળપદાં ગીતો, નીરજ-ઇંદીવરના શુદ્ધ હિંદી ગીતો, રાજેન્દ્ર કૃષ્ણ કે આનંદ બક્ષીની મદમસ્ત રચનાઓ કે ગુલઝારનાં એબસ્ટ્રક્ટ ગીતોના કોના નામ લઇએ? ફિલ્મી સંગીતના વિશાળ સમુદ્રના એ સૌ અલગ અલગ કિનારાઓ છે..

પણ તોયે એક ગીતકાર એવો છે જેણે શૃંગાર,દર્દ,આક્રોશ, મસ્તી, લોકસાહિત્ય અને સામ્યવાદી સામાજિક ચેતના વગેરે બધું જ છે.. હિંદીફિલ્મના ગીતલેખન માટે જો નોબેલ પ્રાઇઝ હોય તો એ એક જ કવિને જાય.. વિચાર કરો કોણ છે એ?

૧૯૬૬માં બાંદ્રાના એક બંગલા પાસે દેવ આનંદ-વિજય આનંદ- સચિનદેવ બર્મન પહોંચે છે, એમાં રહેતાં એ ગીતકારને આગામી ફિલ્મ જ્વેલથીફ માટે ગીતો લખવા સમજાવે છે. પણ ગીતકાર દારૂનાં કે દુ:ખનાં નશામાં ગળાડૂબ છે, ડિપ્રેશનથી પીડાઈ રહ્યો છે.નિર્માતા-નિર્દેશક-સંગીતકાર ગીતો લખવા બહુ જ સમજાવે છે પણ ગીતકાર ના જ પાડે છે. આવું બે-ત્રણ દિવસ ચાલે છે.. ઘરનાંઓને, ફિલ્મવાળાઓને મળવાથી મના કરી દે છે, ઊલ્ટાનું પોતાનાં સૌથી મોટા હરીફ એવાં ગીતકાર મજરૂહ સુલ્તાનપુરીને ફોન કરીને કહે છે કે યાર મજરૂહ, તું દેવ-વિજય આનંદની ફિલ્મમાં ગીતો લખી આપ જેથી એ લોકો પીછે છોડે! ત્યારે શાયર મજરૂહ એને કહે છે કે તું પહેલું ગીત લખી લે પછી જો તારું મન નહીં માને તો બીજાં ગીતો હું લખીશ. એ ઉદાસ ગીતકારે કમને હા પાડી. નિર્દેશક વિજય આનંદ એને સિચ્યુએશન સમજાવે છે કે અડધી રાતે એક નિર્જન તળાવમાં હીરોઇન નાવ ચલાવી રહી છે.. એને જીવવામાં રસ નથી.. મૃત્યુનાં વિચારો આવે છે. ગીતકારે હસીને કહ્યું, “આ તો મારાં જીવનની, મારી પોતાની, હાલની સ્થિતિ છે અને તરત જ ગીતની પહેલી પંક્તિ લખી.. રુલા કે ગયા સપના મેરા.. બૈઠી હું કબ હો સવેરા અને આ ગીત એ ગીતકારનું છેલ્લું ગીત બની ગયું. એ ગીત રેકોર્ડ થયાં પછી ગીતકારનું મૃત્યુ થઈ ગયું. “રુલા કે ગયા સપના મેરા. કૈસી યે જિંદગી કિ સાંસો સે હમ ઉબે-ગીતકાર જાણે છે ખુદના મૃત્યુની વાટ જોઈ રહ્યો છે. પોતાનાં જ મૃત્યુને આમંત્રણપત્રિકા લખેલી! અને એ ગીતકાર એટલે હિંદી સિનેમાનો સર્વશ્રેષ્ઠ ગીતકાર ’શૈલેન્દ્ર’ ! ફિલ્મી ગીતોને સાહિત્યનો દરજજો આપનાર શૈલેન્દ્ર એક આમ આદમીનો ગીતકાર હતો. રાજ કપૂર, બિમલ રોય, વિજય આનંદ જેવા અનેક મહાન ફિલ્મકારોની ફિલ્મો શૈલેન્દ્રનાં ગીતો વિનાં કલ્પવી એટલે રંગ વિના રંગોળીને કલ્પવા જેવી અસંભવ વાત છે. અતિશય સમાજવાદી સામ્યવાદી પ્રગતિશીલ વિચારોવાળો શૈલેન્દ્ર જ્યારે સત્તાવાળાની ખિલાફ લખી શકે છે.. જનતાની તાકાત દેખાડવા “મેરા જૂતા હૈ જાપાની. ફિરભી દિલ હૈ હિંદુસ્તાની-વાળા ગીતમાં કહે એ છે.. “હોંગે રાજે રાજકુંવર હમ બિગડે દિલ શહજાદે, હમ સિંઘાસન પે જા બૈઠે જબ જબ કિયે ઇરાદે “કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર.. જીહાં, ત્યારનાં ગીતકારો, કલાકારો, વડા પ્રધાન જવાહરલાલ નેહરુની ખૂબ નજીક હોવા છતાં રોજ સવારે ઊઠીને સરકારની ચમચાગીરી કરવા કલમ નહોતા ઉપાડતાં અને એજ એમની દાદાગીરી હતી!

ઇન્ટરવલ :

ચીઠિયા હો તો હર કોઇ બાંચે ભાગ્ય ના બાંચે કોઇ ( શૈલેન્દ્ર)

હમણાં જ ગુજરી ગયેલી લોકલાડીલી નેતા જયલલિતાનું ફેવરિટ સોંગ પણ શેલેન્દ્રનું જ હતું : “આજા સનમ મધુર ચાંદની મે હમ અરે શૈલેન્દ્રએ તો સરળ બાનીમાં કેવાંકેવાં ગીતો લખ્યાં-“દિલ કા હાલ સુને દિલવાલા, “જિસ દેસમેં ગંગા બહેતી હૈ, “કાંટો સે ખીંચકે યે આંચલ-“તેરે મેરે સપને અબ એક રંગ હૈ.. જેવાં અસંખ્ય ગીતો અને સામ્યવાદી ભાવુજ શૈલેન્દ્રનું મૌત પણ એક કલાકારનું, એક ગીતકારનું, એક કવિનું મૌત હતું. એ કયું સપનું હતું જે શૈલેન્દ્રને રડાવી ગયેલું? એ કયું દર્દ હતું જેને કારણે શૈલેન્દ્રએ ધીમે ધીમે આત્મહત્યા કરવા તરફ દારૂનો સહારો લેવો પડયો? તો થયું એમ કે ગીતકાર,શૈલેન્દ્રે ફિલ્મ પ્રોડયુસ કરવાનું સપનું જોયેલું. હિંદીનાં વાર્તાકાર ફણિશ્ર્વરનાથ રેણુની ‘ઠુમરી’ નામનાં વાર્તાસંગ્રહમાંથી વાર્તા લઈને “તીસરી કસમ ફિલ્મ બનાવવાનું સપનું જોયેલું. (આ એજ ફણિશ્ર્વરનાથ રેણુ છે જેણૈ ઈંદિરા સરકાર સામે ઇમરજંસી દરમ્યાન સાહિત્ય અકાદમીનો એવૉર્ડ પાછો આપેલો.. એ એમની હિમ્મત હતી પણ આજકાલ તો આવી એવૉર્ડ-વાપસીને સરકારી પીઠ્ઠૂઓએ ખૂબ વગોવવાનો કોન્ટ્રાક્ટ લીધો છે) જે રાજકપૂર માટે શૈલેન્દ્રે અનેક સુપરહીટ ગીતો લખેલાં એને હીરો લઈને ગંભીર વિષયની ‘તીસરી કસમ’ બનવવાનું સપનું શૈલેન્દ્ર માટે સ્યુસાઈડનો સમાન બની ગયો. એક બળદગાડીવાળા ગામડિયા અને નૌટંકીની નાચનારી વચ્ચેની આ અસાધારણ ઈમોશન પ્રેમકહાણી હતી. “સજન રે ઝૂઠ મત બોલો ખુદા કે પાસ જાના હૈ,” “દુનિયા બનાનેવાલે કાહે કો દુનિયા બનાઈ, “સજનવા બૈરી હો ગયે હમાર.. “પાન ખાયે સૈંયા હમારો જેવા શંકર જયકિશનનાં સંગીતમાં રચાયેલા બેનમૂન ગીતો હતાં. શંકર-જયકિશન માટે ૨૦૦થી વધુ ગીતો શૈલેન્દ્રએ લખેલાં અને એ કોમ્બિનેશનથી તીસરી કસમને શ્રેષ્ઠ સંગીત મળેલું. રાજકપૂર જેવો હીરો, વહીદા જેવી હીરોઈન, સુપરહીટ સંગીત.. તો પછી શૈલેન્દ્રએ ડિપ્રેશનમાં પડીને- આલ્કોહોલના શરણે જઈને લગભગ આત્મહત્યા કરવાની શી જરૂર પડી?

સદાબહાર કવિ શૈલેન્દ્રની મૌતનું કારણ બહુ સીધું ને સરળ છે: કવિ-કલાકાર,જયારે નિર્માતા બને છે ત્યારે પણ એની અંદરનો કવિ વધુ જાગ્રત હોય છે. એની અંદરનો કલાકાર એને એક ખંધા નિર્માતા બનવાની રજા નથી આપતાં. શૈલેન્દ્ર સાથે પણ એમજ થયું. ગીતકારને ગણિત ના આવડયું. છંદમાં લખનાર સ્વચ્છંદ બનીને શ્રેષ્ઠ ફિલ્મ બનાવવા મથવા માંડયા. નવા નિર્દેશક બાસુ ભટ્ટાચાર્યને ચાન્સ આપ્યો જે બિમલરોયના આસિસ્ટંટ હતા અને બિમલ રોય માટે શૈલેન્દ્રએ અનેક ગીતો લખેલાં. નવા દિગ્દર્શને કામ આવડે નહીં, રાજકપૂર એમાં માથું મારે! શૂટિંગ લંબાયા કરે. વળી કલાત્મક ફિલ્મ બનાવવા માટે ગામડાં ગામ જઈને રીયલ લોકેશન પર ફિલ્માંકન કરવાનો શૈલેન્દ્રનો દુરગ્રહ. આખી ટીમને લઈને બિહાર સુધી શૂટિંગ કરવા જાય. સત્યજિત રે નો કેમરામેન લીધેલો!ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઈટ બનાવેલી અને રિલીઝ થઇ ત્યાં સુધી કલર નો જમાનો આવી ગયેલો..ઉપરાંત શૈલેન્દ્રનાં ઘરનાંજ સગાવ્હાલાંઓ પ્રોડકશનની ટીમમાં. શૈલેન્દ્રને હૈયાથી વિચારતાં આવડે પણ હિસાબ નહીં.. પૈસાંની ઉચાપત થવા માંડી. રાજકપૂર ત્યારે સંગમ ફિલ્મ બનાવતા હતા. સંગમ એમની પહેલી કલર ફિલ્મ હતી.. ‘સંગમ’ ફિલ્મને પૂરી કરવા રાજકપૂરે ‘તીસરી કસમ’ ને પાછળ ઠેલવા માંડી શૈલેન્દ્ર પર કરજો વધવા માંડયો કદાચ એજ અવસ્થામાં પોતાનાં બેસ્ટ ફ્રેન્ડ રાજકપૂર માટે શૈલેન્દ્રએ લખ્યું હશે કે “દોસ્ત દોસ્ત ના રહા!!

એક અંગત વાત-આ જ ‘તીસરી કસમ’ ની રીમેકનાં રાઈટ્રસ લેવા હું શૈલેન્દ્રના દીકરા દિનેશ ઉર્ફ બબલુ શૈલેન્દ્રના મળ્યો અને ગીતકાર શૈલેન્દ્રનાં જીવન-કવનના ખજાના વિશે, ફલોપ જવા વિશે અનેક વાતો છે.. શૈલેન્દ્ર એક ગરીબ ઘરમાંથી નીકળીને બોલીવૂડ પર કઈ રીતે છવાઈ ગયા એના અનેક કિસ્સાઓ છે પણ એકવાત યાદ આવે છે. શૈલેન્દ્ર ને ‘અનાડી’ ફિલ્મ માટે ફિલ્મફેર એવૉર્ડ મળેલો. એમાં એક ગીત લખેલું “સબ કુછ સીખા હમને ના સીખી હોંશિયારી, સચ હૈ દુનિયાવાલોં કી હમ હૈ અનાડી એમાં એક સુંદર લાઈન છે “દિલ પે મરનેવાલે મરેંગે ભિખારી અસંખ્ય અમર ગીતો લખનાર શૈલેન્દ્ર, કરજો મૂકીને ભિખારી હાલમાં જતો રહ્યો એ શૈલેન્દ્ર પાછળ મૂકતો ગયો કમાલનાં ગીતો જેને કારણે જ એને હિંદી સિનેમાનો ‘કબીર’ કહી શકાય છે.અનેક મહાન ગીતકારો છે પણ ફિલ્મી ગીતો માટેનું કાલ્પનિક નોબેલ પ્રાઇઝ તો શૈલેન્દ્રને જ જાય!

13 responses to “અંદાઝે બયાં – સંજય છેલ

 1. મનસુખલાલ ગાંધી ઓગસ્ટ 2, 2019 પર 2:43 પી એમ(PM)

  સરસ..

  Liked by 1 person

 2. Amrut Hazari. ડિસેમ્બર 20, 2016 પર 6:05 પી એમ(PM)

  પ્રવિણભાઇ,
  શબ્દાર્થો વાંચીને સમજ્યો.
  આભાર.
  અમુત હઝારી

  Liked by 1 person

 3. pravinshastri ડિસેમ્બર 20, 2016 પર 5:14 પી એમ(PM)

  આલોચના
  અર્થ
  સમીક્ષણ, સમીક્ષા, અવલોકન
  ક્રમાંક, અવલોકન; નિરીક્ષણ (૨) આલોયણ; આલોચન; વિચાર (૨) દોષોની કબૂલાત કરીને પ્રાયશ્ચિત લેવું તે; આલોચના (જૈન) કામ કરવાનો દૃઢ નિશ્ચય.
  [ સં. આ ( ચારે બાજુ ) + લોચ્ ( જોવું ) ] ચિંતન; મનન; વિચાર. છૂપા અર્થવાળો શબ્દ કે તેવું વાક્ય.

  અમૃતભાઈ, ગુજરાતી લેક્ષિકોન પ્રમાણે ઉપર જણાવેલા, બધા અર્થો છે. મારે મન તો તમે ઝીણવટ ભરેલ જે અવલોકન કરી આપનો અભિપ્રાય આપ્યો તેને મેં આલોચના કહી. કદાચ હું મારી સમજમાં શાબ્દિક રીતે ખોટો પણ હો ઉં. તમે જે અવલોક્યું તે તમે વિસ્તારથી સમજાવ્યું. શબ્દોમાં લોચા મારવાનો આપણો હક્ક હોં…
  જાહેરાત; પ્રસિદ્ધિ.

  ઝંખના; લોચના.

  તપાસ; નિરીક્ષણ.

  દુ:ખને લીધે ચેન ન પડે એવી સ્થિતિ.

  દેખાવ; દર્શન.

  નજર.

  પાપની કબૂલત.

  વિવેચન.

  Like

 4. Amrut Hazari. ડિસેમ્બર 20, 2016 પર 4:41 પી એમ(PM)

  પ્રવિણભાઇ,
  મેં અાલોચના કરી હતી કે અવલોકન કર્યુ હતું ?

  Liked by 1 person

 5. pravinshastri ડિસેમ્બર 20, 2016 પર 2:14 પી એમ(PM)

  વાહ હરનિશભાઈ મારે માટે અને મિત્રો માટે તદ્દન નવી જ વાત. ફિલ્મ જગતના સિતારાઓની તો આવી કેટલીય અંદરની વાતો હશે જે સામાન્ય લોકોને ખબર ના હોય.

  Like

 6. harnishjani52012 ડિસેમ્બર 20, 2016 પર 1:55 પી એમ(PM)

  શૈેલેન્દ્રને ફિલ્મી ગીતો લખવા નહોતા. પરંતુ રાજકપુરે બંધ કવરમાં હજાર રુપિયાનો ચેક મુકીને ક્હ્યું હતું કે જ્યારે જરુર પડે તો કવર ખોલજો. પછી નાણાના અભાવે શૈલેન્દે પાછળથી તેમ કર્યું અને શૈલેન્દ્ર અઅે,કેની ટીમમાં જોડાયા, બીજું શૈલેન્દ્ર પાસે દેવું કરાવીને એ જ રાજકપુરે શૈલેન્દ્ર્ પાસે તિસરી કસમની પોતાની ફી લીધી હતી. અને શૈલેન્દ્રને હાર્ટ એટેક આપ્યો હતો. –––– સજન રે ઝુઠ મત બોલો ખૂદા કે પાસ જાના હૈ

  Liked by 1 person

 7. harnishjani52012 ડિસેમ્બર 20, 2016 પર 1:44 પી એમ(PM)

  શૈેલેન્દ્રને ફિલ્મી ગીતો લખવા નહોતા. પરંતુ રાજકપુરે બં

  Like

 8. pravinshastri ડિસેમ્બર 20, 2016 પર 10:10 એ એમ (AM)

  અમૃતભાઈ ખૂબ સરસ આલોચના કરી. સંજય છેલ એક યુવા ફિલ્મ સર્જક અને સાહિત્યકાર છે. આ ઈ મેઇલમાં ફોર્વર્ડ થતો આવેલ લેખ ઝડપી લીધો. ગુજરાતમાં બેઠેલા વાચકો તો એમની કોલમમાં વાંચતા હશે પણ દેશ બહાર રહેલાઓને કંઈક જાણવા મળે એટલે આવા લેખો તફડાવી લઉં છું. (પરવાનગી સહિત પોસ્ટ કરું છું)

  Like

 9. Amrut Hazari. ડિસેમ્બર 20, 2016 પર 10:01 એ એમ (AM)

  પ્રવિણભાઇ મૂળે તો કેમીસ્ટ. અને લખે…‘ પ્રજ્ઞાબેન, મારાથી અયોગ્ય ક્રેડીટ ના લેવાય….‘

  ભાઇ, કેટાલીસ્ટ વિના કોઇ રીઅેક્સન થયું છે ? પરિણામ જન્મીયુ છે ?

  સંજય ભલેને અટકથી કે ઉપનામથી છેલ હોય, પરંતું આ લેખ લખીને તેમણે ‘સંજય‘ નું કર્મ કર્યુ છે. હજી વઘુ લખ્યુ હોત તો ? મગજ અને હૃદયની ભૂખ થોડી વઘુ ભાંગતે. તેમનું અેક વાક્ય ખૂબ ગમ્યુ..સાથે સાથે અેક શબ્દ બદલવાનું મન પણ થયું.

  ‘ ફિલ્મી ગીતોને સાહિત્યનો દરજ્જો આપનાર શૈલેન્દ્ર, અેક આમ આદમીનો ગીતકાર હતો.‘

  જે શબ્દ બદલવાની પરવાનગી હું માંગુ…તે છે….‘ અાપનાર‘…મને ‘ અપાવનાર‘ ગમે.
  અેમણે તો ગીતો લખ્યા…પરંતુ હૃદયથી લખ્યા. ભાવવિભોર થઇને લખ્યા…ફિલ્મની સીચ્યુેસનમાં ડૂબીને લખ્યા…પરંતુ ‘ સાહિત્ય‘ તો અેમના લોહીમાં…..તો પછી શબ્દો સાહિત્યને જ જન્મ અાપે ને !
  ‘ ચલના જીવન કી કહાણી, રુકના મૌત કી નીશાની…‘..અે તો વિશ્વનો નિયમ છે.
  વઘુમાં કહે છે…‘ ઉપર નીચે, નીચે ઉપર લહર ચલે જીવન કી,
  નાદાં હૈ જો બૈઠ કિનારે પૂછે રાહ વતન કી…….‘

  મિત્રોની વાત…છેલભાઇઅે કરી ત્યારે યાદ અવ્યુ…હરિવંશરાય બચ્ચને કહેલું…..

  દોસ્તી ! ના કભી ઇમ્તિહાન લેતી હૈ, ના કથી ઇમ્તિહાન દેતી હૈ….દોસ્ત તો વો હૈ…..જો બારિશમેં ભીગે ચેહરે પર થી, અાંસુઓ કો પહચાન લેતી હૈ.

  શૈલેન્દ્રનિ બાબતમાં આવું કઇંક બન્યુ…‘ અેકલો હતો અેટલે હારી ગયો ?
  ના…ના…સામેની પાર્ટીમાં મારા પોતાના ઘણા હતાં.‘

  સંજયે…મહાભારત લખ્યું…..પ્રવિણે પીરસ્યું.

  અમૃત હઝારી.

  Liked by 1 person

 10. pravinshastri ડિસેમ્બર 19, 2016 પર 8:36 પી એમ(PM)

  પ્રજ્ઞાબેન મારાથી અયોગ્ય ક્રેડીટ ના લેવાય. આખો લેખ પ્રભુદયાલભાઈની ફોર્વર્ડ થયેલી મેઈલ દ્વારા મળ્યો ગતો. મારા રસનો વિષય એટલે સંજય છેલને બ્લોગમાં મૂકવા મંજૂરી માંગતો ઈ મેઈલ કર્યો અને માત્ર બે મિનિટમાં જ મંજુરી મળી ગઈ. રસજ્ઞ મિત્રો માટે બ્લોગમાં ટપકાવી દીધો.
  હવે મારો નવો રાગ આહિર ભૈરવ છે. એનો તો એટલો બધો ખજાનો છે કે શું મૂકવું અને શું ના મૂકવું એની મથામણ છે.
  બધા કવિઓ અને બધા મ્યુઝિક ડાયરેક્ટરોના યુ ટ્યૂબ માણવાનો આનંદ અનેરો છે.
  થેન્ક્સ બહેન.

  Like

 11. pragnaju ડિસેમ્બર 19, 2016 પર 8:16 પી એમ(PM)

  અદભૂત ગીતકાર
  અદ્ભૂત ગીતો
  ખૂબ જાણીતી વાત ફરી ફરી માણી.
  બીજો લેખ તેમની યુ- ટ્યુબ સાથે ગુંથી લખશો.
  મારી આંખના પેચ ઢીલા નથી પણ ‘ રુલા કે ગયા સપના મેરા.. બૈઠી હું કબ હો સવેરા’ એ સંવેદના અનુભવાઇ અને મનના ગુંજને મારી આંખ નમ કરી .
  કહેવું પડે સંજય છેલનો અંદાઝે બયાં ઔર અને આવો સારો લેખ શોધવામા પ્રવિણને ધન્યવાદ

  Liked by 1 person

 12. kaushik ડિસેમ્બર 19, 2016 પર 3:54 પી એમ(PM)

  હું ફિલમ નો રસિયો તો નથી, પણ ગીતો નો ખરો. અને તે હિસાબે, શૈલેન્દ્રજી ની રચનાઓ થી ડોલેલો ખરો. તેમના ગીતો ને કારણે રાજ-નરગીસની જોડી પણ મને ગમતી થઇ હતી.એ અતિ દુખદ ઘટના છે કે આવા કવિઓ મુફલીસીમાં જ ગુજરી જાય છે!

  Liked by 2 people

 13. Vinod R. Patel ડિસેમ્બર 19, 2016 પર 2:30 પી એમ(PM)

  ફિલ્મ રસિયાઓને ગમે એવો સરસ લેખ. શેલેન્દ્ર ના જીવનની અંતરંગ વાતો જાણવા મળી .

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: