આપ-લે / કૌશિક દીક્ષિત

 

આપ-લે

kaushik-dixita

કૌશિક દીક્ષિત

 

પચ્ચીસ વર્ષ થયાં ઓજસ અને વૃંદાને અમેરિકા  આવ્યે. બીજે  વર્ષે  તેમના સંસારમાં પ્રહરનો ઉમેરો થયો. પ્રમોદરાય, ઓજસના  પિતા,તેમના દર મહીને લખાતા પત્રોની શારૂઆત  જ- “બેટા ઓજસ, વહુ અને પ્રહરને  લઈને  હવે આવ હવે ભારતમાં ! નોકરીનાં વર્ષો તો પસાર  થઇ ગયાં. હવે વૃદ્ધાવસ્થા અને રિટાયરમેન્ટના વર્ષોમાં એકલા નથી ગોઠતું, ભાઈ !”- એમ કરતા. શબ્દો અને વાક્યોની  રચના બદલાતી રહેતી, પણ  પ્રત્યેક પત્રનો પ્રધાન-સૂર આ જ  રહેતો કે “ એક વાર પાછો  આવીને મળને, ભાઈ!”

તેમનો પત્ર મળતાં જ, બેચાર દિવસમાં અરધો એરોગ્રામ ભરાય તેમ પાંચ-સાત લીટીમાં ઓજસ જવાબ લખી  દેતો. ઓજસના પત્રનો પ્રધાન-સુર એટલે-“ પપ્પા, અહી અમેરિકામાં બધ્ધું  જ  છે, માત્ર રજાઓ નથી. રજાઓ  ભેગી  કરીને  જરૂર  આવવાનું વિચારીએ  છીએ.”  છેલ્લે, વૃંદા અને પ્રહર વિષે બે-ચાર લીટી લખતો. પછી, અમેરિકાના રાજકારણ, અને હવામાનના  સમાચાર સાથે પત્ર પૂરો થતો. ક્યારેક વૃંદા, પ્રહર અને ઓજસ વેકેશન લઈને વિદેશ પ્રવાસે ગયાના સમાચાર ઓજસ પિક્ચર પોસ્ટ-કાર્ડ ઉપર  લખતો ત્યારે પ્રમોદરાયને સ્વાભાવિક રીતે જ ઓછું  આવતું.

હવે તો વળી ટેલીફોન સેવાઓ પણ સારી બની હતી. તેથી પ્રમોદરાય, જાણે ઓજસ ના હસ્તાક્ષરનો વળાંક જ ભૂલી ગયા હતા. મહીને-બે-મહીને ઓજસ, વૃંદા અને પ્રહર અડધો કલાક જેવું પ્રમોદરાય અને મધુરાબેન સાથે વાત કરી લેતાં. તે દિવસ પ્રમોદરાય અને મધુરા બેન માટે ઉત્સવ  બની જતો. તે દિવસે ટ્રંકમાંથી જુના ફોટાઓનું આલ્બમ કાઢીને પતિ-પત્ની બેસતાં. વચ્ચે કેટલીય વાર આખે ઝળઝળીયા ના  પૂર આવતાં. એકલતા નો બોજ જાણે  હવે બંનેના  અસ્તિત્વને કચડી રહ્યો  હતો.

ગયા વર્ષે ઓજસનો માસિક ફોન  આવ્યો ત્યારે પ્રમોદરાયે પોતાની માંગણી દોહરાવી  હતી.

“ બેટા ! આ ઘરડાં માં-બાપ હવે  કાયમ  નથી. હવે  તું  એક વખત બધાને લઈને આવીજા. ભલે અઠવાડિયું  તો અઠવાડિયું…..” અને પ્રમોદરાય કંઠ ભરાઈ આવવાથી આગળ બોલી શક્યા ન હતા. “ ઓહ પપ્પા, સ્ટોપ ઓલ ધીસ ઓલ્ડ સેન્ટીમેન્ટાલીઝમ. લાઈફ હિયર ઇઝ ગેટીંગ વેરી ટફ, યુ નો ! પ્રહર ઈઝ ઇન કોલેજ હોસ્ટેલ નાઉ. આ બધો   ખર્ચ …પપ્પા, પ્લીઝ સહેજ સમજવાનો પ્રયત્ન કરો….” ઓજસ  આજે  ગુસ્સે  ભરાયો હોય  તેવું પ્રમોદરાય સમજી  શક્યા. પહેલી  વખત ઓજસનો  ફોન  આવ્યાનું દુ:ખ પ્રમોદરાય ને થયું. જો કે, ત્યાર પછી ન આવ્યો ઓજસનો ફોન કે પત્ર.

હવે  તો ઓજસ અને  વૃંદા, પ્રમોદરાયની જેમ જ, પ્રહરની, તેના પત્રની  કે તેના ટેલીફોનની રાહ  જોતા થયાં હતાં.  શરૂઆતમાં રોજે-રોજ આવતા પ્રહરના ફોન, અઠવાડિયે એકની ગણતરીએ પહોચતા બહુ સમય ન થયો. હવે  તો તે બિલકુલ અનિયમિત થયા  હતા. સતત ત્રીજા  મહીને જયારે પ્રહરનો ફોન  ન આવ્યો ત્યારે ઓજસ અને વૃંદા અકળાયા. હવે  તો પ્રહરને  જોયે છ મહિના જેટલો સમય થયો હતો. તેથી તેમની બેચેની વધી અને તેમણે પ્રહરને ફોન જોડ્યો.

“ પ્રહર, ભાઈ, હવે તો તું ફોન ઉપરે ય વાત  નથી કરતો. બધું બરોબર છે ને, બેટા? શું કરે  છે, બેટા? તબિયત સારી છે ને, દીકરા? હું અને તારી મમ્મી તને  ખુબ મિસ કરીએ  છીએ. આ વિકએન્ડમાં ઘેર  આવીશ ને?” ઓજસને લાગ્યું  કે તેનો  અવાજ પ્રમોદરાય  જેવો થઇ ગયો  હતો.

“ ઓહ  ડેડ! સ્ટોપ ઓલ ધીસ  ઓલ્ડ સેન્ટીમેન્ટાલીઝમ! આ લોંગ વિક-એન્ડમાં હું અને એમિલી  કેનેડા જવાનાં છીએ. એમિલી યુ નો…?!” પ્રહરે ફોન મૂકી દીધો હતો. તેને  લાંબી  વાત કરવાની  ટેવ  ન હતી, તે ઓજસ જાણતો  હતો.

આખો દિવસ ઓજસ અને વૃંદાને ખુબ એકલું લાગ્યું. અને સાંજે ઓજસે પ્રમોદરાયને ફોન જોડ્યો-તેનાથી જોડાઈ  ગયો-

“ હેલ્લો પપ્પા, હું અને વૃંદા આવતે અઠવાડિયે ભારત આવીએ  છીએ. તમને  મળવાનું  બહુ જ મન થયું  છે…અને..અને..”

ફોન પહેલા થતો તેમ, લગભગ અડધો કલાક  ચાલ્યો હતો.

જો કે, આપ-લે થઇ હતી માત્ર ડૂસકાં અને હીબકાંની, એ અલગ  બાબત છે!

-કૌશિક દીક્ષિત

13 responses to “આપ-લે / કૌશિક દીક્ષિત

  1. kaushik dixit January 5, 2017 at 7:44 PM

    મારી કૃતિમાં રસ લેવા માટે આપનો આભારી છું.

    Like

  2. kaushik dixit January 5, 2017 at 7:43 PM

    આપના પ્રોત્સાહક શબ્દો માટે અને મારી કૃતિમાં રસ લેવા માટે આભાર, વિનોદ ભાઈ!

    Like

  3. kaushik dixit January 5, 2017 at 7:42 PM

    આપના પ્રોત્સાહક શબ્દો માટે આભાર!

    Like

  4. kaushik dixit January 5, 2017 at 7:41 PM

    આભાર આપના પ્રોત્સાહક અભિપ્રાય માટે!

    Like

  5. kaushik dixit January 5, 2017 at 7:40 PM

    આ એક લીટી મારે માટે બહુ મુલ્યવાન છે!

    Like

  6. kaushik dixit January 5, 2017 at 7:39 PM

    વાર્તા નો ઓજસ બદલાયો છે કારણ કે મારે બદલવો હતો; વાસ્તવિક ઓજસો બદલાય તેવી લાગણી રાખીએ! પણ વાર્તામાં રસ લઇ પ્રોત્સાહિત કરવા માટે અભાર.

    Like

  7. Pravin Patel January 4, 2017 at 9:38 PM

    હજુ જમાનો બદલાઈ રહ્યો છે તેથી
    ઓજસ બદલાયો પણ પ્રહર નહી બદલાય !

    Liked by 2 people

  8. pravinshastri January 4, 2017 at 9:38 AM

    કૌશિકભાઈની ટુંકી વાર્તાઓ સંવેદનશીલ જ હોય છે.

    Like

  9. મનસુખલાલ ગાંધી January 4, 2017 at 12:13 AM

    જોકે હવે તો ઘર ઘરની આ વાત થઈ ગઈ છે. મુળ તો અમેરીકા છોડાતું નથી અને દેશમાંથી માબાપને બોલાવવાનું મન નથી થતું. માબાપે જીંદગીની બચત અને માયામુડીને ઢીલી કરીને કે કરજ કરીને દીકરાને પરદેશ મોકલાવ્યો હોય, અને નિવૃત થયા પછી પૈસા કે બચત ન હોય ત્યારે દીકરાની યાદ વધારે આવે અને દીકરા-વહુને લપ જોઈતી ન હોય. પણ જયારે આજ રેલો પોતાના પગ નીચે આવે ત્યારે આંખ ઉઘડે…

    બહુ સુંદર અને વાસ્તવિકતાથી સભર સુંદર હૃદય સ્પર્શી વાર્તા .

    Liked by 1 person

  10. pragnaju January 3, 2017 at 2:28 PM

    रामेति मधुरां वाणीं विश्वामित्र अभिभाषत: . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . उत्तिष्ठ नरशार्दुल पुर्वा सन्ध्या प्रवर्तते.
    મધુર વાણીથી “રામ” એવો ઉચ્ચાર કરીને વિશ્વામિત્ર પ્રેમથી રામને સવારમાં વહેલા ઉઠાડતા અને “ઉઠ હે નરશાર્દૂલ, પુર્વમાં સન્ધ્યા થઈ રહી છે” એવું કહીને રામને મહાન બનવાની પ્રેરણા આપતા. જો કે આજે ઘર કે હોસ્ટેલ્સમાં બાળકોને લાતો-ગાળો આપીને ઉઠાડાય છે એ જુદી વાત છે.
    હાલ-આપણે બીજા સાથે કરેલું સારું વર્તન યાદ રાખીએ છીએ અને ખરાબ વર્તન ભુલી જઈએ છીએ. અને બીજાએ આપણી સાથે કરેલું ખરાબ વર્તન યાદ રાખીએ છીએ અને સારું વર્તન ભુલી જઈએ છીએ. આથી આપણું તારણ એવું નીકળે છે, કે ‘મેં બધા સાથે સારું વર્તન કર્યું પણ મારી સાથે સારું વર્તન કરનાર કોઈ નીકળ્યું નહિ.’ સ્વકેન્દ્રીપણું જાય તો સાચું દર્શન થાય
    સુંદર વાર્તા

    Liked by 1 person

  11. Vinod R. Patel January 3, 2017 at 2:01 PM

    વાસ્તવિકતાથી સભર સુંદર હૃદય સ્પર્શી વાર્તા . ઓજસ અને વૃંદાને જ્યારે એમના દીકરા પ્રહરનો કટુ અનુભવ થયો ત્યારે એમને એમના માતા-પિતા તરફના એમના વર્તાવની ભૂલ સમજાઈ જે છેવટે
    પસ્તાવા પછી સુધારી લીધી. આવું સમાજમાં બનતું જોવામાં આવે છે. સંબંધો કાચ જેવા નાજુક
    હોય છે. એને સહેજમાં તૂટી જતાં વાર લાગતી નથી.

    Liked by 1 person

  12. Chhaya Sachdev January 3, 2017 at 1:48 PM

    Speech less 😚🙃😭

    Liked by 1 person

  13. Chhaya Sachdev January 3, 2017 at 1:26 PM

    Speech less 🙃😌😭😭

    Liked by 1 person

Leave a reply to Chhaya Sachdev