ચંદુ ચાવાલાનો પાનનો ગલ્લો(૫)

ચંદુ ચાવાલાનો પાનનો ગલ્લો(૫)

જેક્પોટ

કહેવાય છે કે નસીબદારના કામમાં ભૂત રળે. અમારા ચંદુભાઈને ત્યાં ધનના ઢગલા; તેમાં કોઈકને કોઈક કારણે વધારો થતો જ રહે. હમણાં જ બે વીક પહેલાં અમારા ચંદુભાઈ સિનિયર સીટીઝનની બસમાં એટલાન્ટિક સીટી ગયા હતાં. બસમાં બેસતાં પહેલાં મનમાં ને મનમાં ગણપતિ બાપાના ફેમિલીને એટલે કે એમની બન્ને વાઈફ સિદ્ધિ અને બુદ્ધિને અને બન્ને સુપુત્રો, લાભ અને શુભને પણ પ્રણામ કરી લે. અમારા ચંદુભાઈને બસમાં બધા વયસ્કો સાથે જાત જાતના ગપ્પાબાજી કરવાનું ગમે. બસ ચાલુ થાય એટલે મહાલક્ષ્મી માતકી જય પણ બોલાવે. ઘણાં લાંબા સમય પહેલાં મને એઓ કેસિનોમાં ખેંચી ગયા હતા. મને કાર્ડ ગેઇમ્સ પહેલેથી જ આવડે નહિ. સ્લોટમાં કે કોઈ પણ જાતના ગેમબ્લિંગમાં પણ રસ નહિ. હું તો લોટરી પણ ના લઉં કે બિંગો પણ ના રમું. આમ છતાં સમરમાં એટલાંટિક સીટી જવાનું ગમે.  મને બોર્ડવોક પર ફરવાનું ગમે. લોસ વૅગાસ પણ ત્રણ ચાર વાર ગયો છું. પણ ગેમબ્લિંગ માટે નહિ પણ રોજીંદી જીંદગીમાંથી બહાર નીકળીને વેકેશન માણવા જ. ઝ્ળહળાટ વાળા જીવનનો રંગ અને શો જોવાના ગમે.

બે વીક પહેલાં મને એમની સાથે જવા માટે આગ્રહ હર્યો હતો. મેં એમની સાથે જવાનું ટાળ્યું હતું.  કેસિનોમાં જઈ આવ્યા પછી તે રાતે સાડા બાર વાગ્યે મારા પર ફોન આવ્યો.

‘સાસ્ટરી જાગે છે?’

“ના”

‘ટો બે મિનિટ જાગ ને મારી વાટ હાંભરી લે, પછી ઉંઈગા કર. જાગવું નઈ હોય ટો ઉંઘમાં પન મારી વાટ હાંભરી લે. પછી કે’ટો નઈ કે મેં ટને ઈન્વિટેશન નઈ આઈપું. આ સનડે એ મારે ટાં સટ્યનારાયનની કઠા રાખી છે. ટુ સાલો બામનનો દીકરો છે. તારા ડાડાજી મારે ટાં કઠા કરવા આવટા. ટું સાલો નવરો છે, કઠા કર્ટો હોય ટો બે પૈહાની આવક ઠાય, એ બાને ભગવાનનું નામ પન બોલાય. ભંગાર વાર્ટા લખવામાં ટને હું મલે? મને કઠા કરવાવારો બામન નથી મલતો.  ચાર કલાક માઠા કૂટ કરી ટારે આપના પટેલ મા’રાજનો પટ્ટો લાઈગો.’

‘મારે મિટિંગમાં જવાનું છે. કથા પૂરી થયે પ્રસાદ માટે આવી પહોંચીશ.’

‘ટુ સાલો જૂઠ્ઠો બામન છે. સટ્યનારાયનની કઠામાં ની આવવા માટે પન અસટ્ય બોલટાં શરમ નઠી લાગટી? ટુ કે’દાડાનો કોઈ પાર્ટીનો કે ક્લબનો મેમ્બર છે કે મિટિંગમાં જવાનો છે. કઠાના દિવસે બપ્પોરથી આવવાનું છે.’

ચંદુની વાઈફ મને મોટાભાઈ તરીકે માન આપે. બળેવને દિવસે આરતી ઉતારી રાખડી બાંધે. એને કોઈ સગ્ગો ભાઈ નહિ. વળી ચંદુની જેમ જ એ પણ અમારા મહોલ્લાની જ દીકરી. આમ આ સંબંધે જ્યારે ચંદુનું છટકે ત્યારે ‘સાલા’ની ગાળાગાળી પર આવી જાય. ચંદુ મારા કરતાં નાનો પણ મને ચંદુભાઈ કહેવાની ટેવ અને એ મને હંમેશા પ્રેમના દાવા ટેઠળના અધિકારથી સાસ્ટરી ટુ-ટાંથી જ વાત કરે. હું જો એની સાથે ‘ચંદુ’ તરીકે વાત કરું તો એ એકદમ સીધો થઈ જાય. તે દિવસે મને ખરેખર ઊંઘ આવતી હતી. મારાથી કહેવાઈ ગયું.

‘ચંદુ પ્લીઝ મને ઊંઘ આવે છે. આઈ હેવ હેડેક. કાલે વાત કરીશું.’

બીજે દિવસે સવારે ચંદુભાઈ ટપકી પડ્યા. બીલકુલ સીધી વાત.

‘પ્રવીણભાઈ આઈ એમ સોરી મેં રાત્રે તમને ડિસ્ટર્બ કર્યા.’

‘ઈસ્ટ ઓકે ચંદુભાઈ. કથાનું શું છે?’

‘જ્યારે કોઈપણ ઊમળકો આવે એવી વાત હોય ત્યારે પહેલી વાત તમને જ કહું છું.’

‘ચાલો વાત કરો.’

‘સાસ્ટરી ગઈ કાલે કેસિનોમાં ગઈલો, ટને ટો ખબર છે કે મને પચ્ચીસ પૈહાના સ્લોટમાં ઈન્ટરેસ્ટ નૈ. એ આપના સ્ટેટસ બા’રની વાટ. બઢા ડોસલાની જેમ વારકામાં વીસ ડોલરના ક્વાટર લઈને બેસીએ ટો ઈજ્જટનું પાની પાની ઠઈ જાય.’

કુતરાની (ચંદુભાઈની) પૂંછડી ઓરિજીનલ કર્વ પર ગોઢવાઈ ગઈ.

‘મારો ડારો બૌ હારો ની લાગેલો. રોલેટ ટેબલ પર અડીહો ડોલરનો ધૂમારો કરી લાખેલો. અજુ વઢારે ધુમારો ઠઈ જટે પણ કરશન ડોહા મારી પાહે આઈવા. એને બાઠરૂમ જવું ઉતું. પન એકલા જટાં ગભરાય. કેસિનોમાં જો ભૂલા પરી જાય ને બસ ચાલી જાય ટો? એને બાઠરૂમ લઈ ગીઓ. બસમાં જવાનો ટાઈમ પન થઈ ગૈલો. એ બાઠરૂમમાં અંડર ગીયા. હું બા’ર પાહેના સ્લોટ મશીનના ટેબલ પર કરશન ડોહાની રાહ જોતો બેઠો. મારા ગજવામાં બે ટન ક્વાટર પરેલા ઊટા. એક ક્વાટર સ્લોટ મશીનની અંડર નાંખીને બટન ડબાવી ડીધું. ગેસ વ્હોટ. ડિકરા  સાસ્ટ્રી ટુ માનહે નઈ. મારો ડારો ફરી ગીયો. મશીન પર લાલ લાઈટ ફરવા લાગી. ગેસ કેટલા લાઈગા.’

‘એક હજાર?’

‘હાવ બુધ્ઢુ છે. એક હજારમાં લાઈટ ની ફરે. એ મશીન પર્નો જેક પોટ લાઈગો. ટુ હન્દ્રેડ ફોર્ટી ફોર ઠાઉઝન્ડ. મને ટો કરસન ડોહાનું બાઠરૂમ લઈ જવાનું પૂન્ય લાઈગું. દોહાને કીધું કે ‘ આપને મોરેથી જઈહું. લિમોઝિન મૂકી જહે. બિચારા ડોહાને હમન ની પરે, પણ જેકપોટ લાગે એટલે બધા કાગરીયા કરવા પરે. પાછી ટેક્ષની રામાયન. છેક રાટે દહ વાગે લિમોઝીન મને ને ડોહાને ઘેર મૂકી ગઈ. લિમોમાંથી જ બે ટન વાર ટને ફોન કઈરો પન ટુ ટો ઉપારે જ નઈ.’

‘ટને ટો ખબર કે કંઈ ફાયડો થાય ટીયારે કઠાનો જલસો ટો કરવો જ પરે. મેં લિમોમાંઠી જ બે ટન બામન ને ફોન કઈરા કે કથા કરવી છે પન બધ્ઢા બુક થઈ ગૈલા. ચાર કલાક માઠા કૂટ કરી ટારે પટેલ મા’રાજનો પટ્ટો લાઈગો.’

વાતના તાણા વાણા ગોઠવાઈ ગયા. મેં આગળ કહ્યું તે પ્રમાણે કહેવાય છે કે નસીબદારના કામમાં ભૂત રળે. અમારા ચંદુભાઈને ત્યાં ધનના ઢગલા તેમાં કોઈકને કોઈક કારણે વધારો થતો જ રહે. એમને માટે તો લાખ બે લાખ એ કાંઈ મોટી વાત ના કહેવાય. ચંદુ ઉદાર દિલનો માણસ ચેરિટિમાં પાછો ના પડે. એની સાથે બસમાં જેટલા ગયેલા એ બધાને કથામાં બોલાવ્યા હતા. કરશન ડોસાને માટે ખાસ આસન તૈયાર કરાવેલું. એની તહેનાતમાં બે ગ્રાન્ડ કીડ્સને રાખેલા. કથા માટે પટેલ મા’રાજને બોલાવેલા.

હવે અમારા સર્કલમાં જ્યારે કથા હોય ત્યારે માત્ર યજમાન કથામાં પાટલે બેસે. સાથે એકબે વયસ્ક ભાવિક મહિલાઓ બેસીને કથા સાંભળે કે પ્રસાદ સમારે, બ્રાહ્મણને જોઈતી કરતી સામગ્રી આપે. બાકી અમે પંચાતિયા વયસ્કો એપેટાઈઝરની પ્લેટ સાથે બેઝમેન્ટ કે બેકયાર્ડમાં પાનનો ગલ્લો શરૂ કરી માત્ર ગામ પંચાત જ નહિ પણ વિશ્વ પંચાત કરતા હોઈએ. (એક વાર આવી જ કથામાં બહાર વાડમાં વાત મારા મારી સૂધી પહોંચેલી. ચંદુભાઈ ચાવાલા અને સાહેબ એક જ ન્યાતના ચંદુભાઈની અટક પણ ચાવાલા એક લાજપોરનો મુછળો પટેલ. અર્થ વગરની ચડસા ચડસીમાં છોકરાઓ લડી પડેલા. મોટોએ છૂટા પાડેલા.)  કેટલાક જુવાનિયાઓ બીજા રૂમમાં ફૂટબોલ જોતાં હોય.

પટેલ મહારાજ એટલે ખરેખર તો અમારા જૂના મિત્ર પરભુ ભટ્ટ. એ જ્યાં નોકરી કરતા હતા ત્યાં એ પટેલ તરીકે જ ઓળખતાં. હજુ પણ અમેરિકામાં ઘણાં લોકો એવું માનનારા છે કે ઈન્ડિયન એટલે પટેલ જ. પરભુ ભાઈએ રિટાયર્ડ થયા પછી યજમાનવૃત્તિનો ટેક્ષ ફ્રી બિઝનેશ શરૂ કરી દીધેલો. એમના ભાવિક યજમાનો પણ મોટાભાગે પાટિદાર જ. એમણે એક ડિંડવાણું કે જુઠ્ઠાણું વહેતું મુકેલું. પટેલ યજમાનોને ત્યાં એ અવશ્ય કહેતા કે મારા દેહમાં પણ પટેલનું લોહી વહે છે. એમના મધરના દાદા એક આંખે કાણાં હતા. બ્રાહ્મણની કોઈ કન્યા મળી નહિ એટલે એ ગામની એક લંગડાતી પટેલ કન્યાને પરણી ગયેલા. ન્યાતે એમને ન્યાત બહાર મુકેલા. પણ એમના પટેલ સસરાજીનો આખા ગામમાં ખૂબ મોટો મોભો. ગામના બુલી, જાત જાતની ગુંડાગીરી. બ્રાહ્મણોએ ન છૂટકે પાછા ન્યાતમાં લેવા પડેલા. એમને પટેલપણાનું ખૂબ ગૌરવ. આવી સાચી ખોટી વાતોના તડાકાને કારણે યજમાનવૃત્તિમાં સરસ ઝામી ગયેલા. ઘરાક પ્રમાણે પડિકા બાંધે. કોઈકને ત્યાં કથા પાંચ કલાક ચાલે તો કોઈને ત્યાં માત્ર નામમંત્રથી અડધો કલાકમાં કથા પૂરી થાય. એમણે બે કથા ટૂંકાવીને ચંદુભાઈનો પ્રસંગ સાચવી લીધો.

પરભુપટેલ ભટ્ટ અમારા સુરતી મિત્ર મંડળમાં અવાર નવાર દેખા દે. એ જેક ઓફ ઓલટ્રેડ મહારાજે કથા પૂરી થયે પ્રસાદ આરોગતાં આરોગતાં ઓડિયન્સને પાનના ગલ્લામાં વાળી દીધું. સબ્જેક્ટ હતો દાનવૃત્તિ અને ધર્મભાવના.  પેટભરીને પરભુએ ચંદુભાઈને બિરદાવ્યા. પરભુએ કોઈ જૂનો પ્રસંગ યાદ કરીને કહ્યું કે છેલ્લી કથામાં એને પાંચસો દક્ષિણા આપી હતી. આ વખતે તો એક હજાર આપવાના છે.

ચદુએ એકદમ મનમાં ગણત્રી કરીને એણે કહ્યું ‘આ વખતે પરભુએ મિત્ર તરીકે મફત કથા કરવાની ઓફર કરી હતી પણ બ્રાહ્મણ પાસે મફત ધર્મકાર્ય ન કરી શકાય એટલે મેં ખૂબ આગ્રહ કર્યો ત્યારે એકહજાર રૂપિયા લેવાનું સ્વીકાર્યુ. પણ હું એને એકહજાર રૂપિયાને બદલે બે હજાર રૂપિયાની નવી નોટ આપીશ. ઈન્ડિયા જશે ત્યારે કામ લાગશે. પરભુ ભેરવાયો. ચંદુ એને દરેક કથામાં સવાસો ડોલર આપતો. કથાના મંડળ અને આરતિમાં સહેજે બીજા બસો ત્રણ સો ડોલર તો મળી જતા. બે હજાર રૂપિયા એટલે તો ત્રીસ એકત્રીસ ડોલર. સત્યનારાયણ કથા કરનાર અને કરાવનાર વચ્ચે દક્ષિણા બાબતમાં કોઈ જ વાત થઈ ન હતી પણ ગપ્પાબાજી જ ચાલતી હતી. પછી તો એમાં જશભાઈ ઉમેરાયા. એણે શરૂ કર્યું…. સૌથી વધારે ધાર્મિક પ્રજા અમારા પટેલ લોકો જ છે.

જશભાઈ પટેલ મૂળ આણંદ પાસેના ગામડાના. એમની ડંકીન ડોનટની સાત આઠ દુકાનો. બે ત્રણ હોટલમાં પણ પાર્ટનર્શીપ. ઉદાર હાથે દાન પણ આપે અને આપેલા દાનની મુક્ત મને જાહેરાત પણ કરે. એનો હેતુ તો સારો કે એ જેમ દાન આપે તેવું જ બીજા પણ આપે. એણે મારા તરફ આંગળી ચીંધીને કહ્યું ‘બ્રાહ્મણ લોકો માત્ર દાન લેવામાં જ માને છે. આ શાસ્ત્રીએ કોઈ પણ દિવસે કોઈજાતનું દાન આપ્યું નથી.’

ચંદુભાઈ મને વર્ષોથી ઓળખે. એ મારી વ્હારે આવ્યા.

‘શાસ્ત્રી કોઈ જાતનું દાન લેતો નથી, અને દાન આપતો પણ નથી. વિચિત્ર માણસ છે. એ કોઈની પાસે લોન પણ લેતો નથી. દેવું કરીને ઘી પીવાનો ચાર્વાક સિધ્ધાંત એટલે કે ક્રેડિટને એ ડિસક્રેડિટ માને છે. તદ્દન અનપ્રેકટિલ પરસન છે. એને દાન શબ્દ જ નથી ગમતો. ભેટ અને દાન શબ્દ અને ભાવનામાં આસમાન જમીનનો ફેરછે. એની સાથે એ ચર્ચામાં ઉતરવા જેવું જ નથી.’

મોટેભાગે હું પાનના ગલ્લા ટાઈપની વાતોમાં મૂંગા રહેવાનું જ પસંદ કરું છું. પરભુપટેલ ભટ્ટે પણ ઝંપલાવ્યું. એણે કહ્યું મારા ઘણાં યજમાન પટેલ છે. સ્વામિનારાયણ મંદિરોમાં ખૂબ દાન આપે છે. પણ મને દક્ષિણા આપવામાં ભાવતાલ કરે છે. કેટલાક પટેલ દર વિકેન્ડમાં મંદિર જાય છે અને મંદિરથી આવ્યા પછી તેઓ ડ્રિન્ક પણ લે છે, એઓ લિકર સ્ટોર ચલાવે છે.  કેટલાક પટેલો તેમની મોટેલમાં પણ જે અનીતી ચાલે છે તેમાં આંખ બંધ કરીને કમાણી કરતા રહે છે. આ બધું જ સ્વામિનારાયણની શિક્ષાપત્રી બહારની વાત છે. ઘણાએ માંસાહાર, દારૂ, ગુટકા, જુગાર ચાલુ જ રાખ્યા છે. માત્ર મહિલાઓના આગ્રહને કારણે જ જાય છે.  આ ચંદુભાઈની જેમ કેસીનો ગેમબ્લિંગમાં પૈસા મેળવે છે અને ગુમાવે છે. નોનવેજ ફૂડ વગર તો ચાલતું જ નથી. પ્રમુખસ્વામિનું જીવન દરેક ભક્તોને વ્યસન મુક્તિ કરાવવામાં પૂરું કર્યું. કદાચ ગિલ્ટ ફિલિંગને કારણે જ પટેલો દાન કરતાં હશે. જે હોય તે. આપ સૌ ગમે તે માર્ગે કમાતા રહો અને કમાણીના એટલિસ્ટ દશ ટકા બ્રાહ્મણોને આપતા રહો. આ ચંદુભાઈ  પણ એ નિયમ લેવાના છે.’

ચન્દુભાઈએ તરત ફેસલો જણાવી દીધો. ‘એ ઈસ્લામિક કાનૂન છે. હું તો મારી મરજી પ્રમાણે જ આપું છું. ઇન્ડિયામાં કોઈક ગરીબ વિધવાને આપવા જેવું આપવામાં માનું છું. કોઈ વિદ્યાર્થીને મદદ કરવા જેવું હોય તેને મદદ કરવામાં માનું છું. અમેરિકામાં કેટલાક ફેમિલી એવા છે કે જેમની પાસે હેલ્થ ઈન્સ્યુરન્સ તો છે પણ એમની પ્રિમિયમ ભરવાની શક્તિ નથી એમને પણ મદદની જરૂર છે, એને પણ મદદ કરવી જોઈએ. હું શું કરું છું શું નથી કરતો એ મારો બિઝનેશ છે.’

પાનના ગલ્લાની વાતો અંગત લાગણી દુભાય એ કક્ષાએ પહોંચે તે પહેલાં ધાર્મિક વિષય પર ચંદુએ પૂર્ણ વિરામ મૂકી દીધું. ‘ઈટ્સ ડિનર ટાઈમ. લેટ્સ એન્જોય ડિનર.’

એણે પરભુપટેલ ભટ્ટ્ને પાંચસોએક ડોલર અને બે હજાર રૂપિયાની એક નવીનોટ દક્ષિણામાં આપી. એની સાથે બસમાં જે જે આવ્યા હતા તેમને બધાને સો સો ડોલર આપ્યા. પાંચ હજાર કરસનકાકાને આપ્યા અને દશહજાર એના સિનિયર એસોસિયનને આપ્યા.

(કમશઃ)

9 responses to “ચંદુ ચાવાલાનો પાનનો ગલ્લો(૫)

 1. pravinshastri May 24, 2017 at 10:31 PM

  આપનો ઘણો આભાર મનસુખભાઈ.

  Like

 2. મનસુખલાલ ગાંધી May 24, 2017 at 10:11 PM

  પાત્રોનું આલેખન ખરેખર સરસ થયું છે… સાદ્રશ્ય વર્ણન રસપ્રદ લાગે છે. અનુભવની વાતોની જમાવટ કરી દીધી છે. ખાસ તો, જરૂરિયાવાળાને મદદ કરવાની વાત બહુ ગમી…..

  Liked by 1 person

 3. deejay35(USA) April 29, 2017 at 11:17 PM

  સરસ.ઘના દિવસો પછી ચંડુભઈ મલ્યા. આભાર.શાસ્ત્રીજી.

  Liked by 1 person

 4. pravinshastri April 24, 2017 at 10:27 PM

  આભાર હરીશભાઈ.

  Liked by 1 person

 5. હરીશ દવે (Harish Dave) April 24, 2017 at 10:21 PM

  પાત્રોનું આલેખન ખરેખર સરસ થયું છે… સાદ્રશ્ય વર્ણન રસપ્રદ લાગે છે.

  Liked by 1 person

 6. સુરેશ April 23, 2017 at 10:48 AM

  સત્યનારાયણ દેવકી જય.
  પ્રસાદ લેવા આવવું પડશે !
  -પરસાદિયા ભગત .
  હુરટી બોલી હાંભળવાની મજા આવી ગઈ.

  Liked by 1 person

 7. Amrut Hazari April 23, 2017 at 9:50 AM

  મને થાય કે હું કેમ આ ટીમમાં નથી. ખૂબ સરસ. અભિનંદન.

  Liked by 1 person

 8. Vinod R. Patel April 22, 2017 at 10:32 PM

  સુરતી બાબુ પ્રવીણ શાસ્ત્રીની આગવી હાસ્ય શૈલીમાં એમના સુરતી મિત્ર ચંદુ ચાવાલા ની કથાની કથા વાંચીને મજા આવી ગઈ.અનુભવની વાતોની જમાવટ કરી દીધી છે.

  Liked by 1 person

 9. pragnaju April 22, 2017 at 6:24 PM

  ઇન્ડિયામાં કોઈક ગરીબ વિધવાને આપવા જેવું આપવામાં માનું છું. કોઈ વિદ્યાર્થીને મદદ કરવા જેવું હોય તેને મદદ કરવામાં માનું છું. અમેરિકામાં કેટલાક ફેમિલી એવા છે કે જેમની પાસે હેલ્થ ઈન્સ્યુરન્સ તો છે પણ એમની પ્રિમિયમ ભરવાની શક્તિ નથી એમને પણ મદદની જરૂર છે, એને પણ મદદ કરવી જોઈએ. ,,,વાત ગમી

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: